Hashtag LOVE - 5 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | હેશટેગ લવ - ભાગ - ૫

Featured Books
Categories
Share

હેશટેગ લવ - ભાગ - ૫

હેશટેગ લવ (ભાગ-૫)
મારા વિચારો, મારી ઈચ્છાઓને વળ આપવા માટે મેં ડાયરી લખવાનું નક્કી કર્યું. બેડમાં ડાયરી લઈને બેઠી તો ખરી પણ શરૂઆત ક્યાંથી કરવી એ સમજાઈ રહ્યું નહોતું. બાળપણનો કક્કો આ ડાયરીમાં ઘૂંટવા લાગુ કે પછી મારી અંદર સ્ફુરતી એ યુવાનીના આવેગોને કંડારું. કંઈજ સમજાઈ રહ્યું નહોતું. હાથમાં રાખેલી પેન ને દાંત તળે દબાવી હું વિચારવા લાગી. 
     ડાયરીમાં લખવાની શરૂઆત કરતાં પહેલાં જ વિચારોમાં મારુ આખું બાળપણ મારી આંખો સામે ફરી વળ્યું. પણ એમાંથી કયો પ્રસંગ ડાયરીમાં નોંધવો એ સમજાઈ રહ્યું નહોતું. હવે પેલા પુસ્તકના વિચારો મારા મનમાંથી સહેજ અળગા થયા હોય એમ મને લાગવા લાગ્યું. ડાયરી લખવાના વિચારોએ મારા ઉપર આધિપત્ય જમાવી લીધું. બાળપણને લખવાનું માંડી વાળી મેં મારા હોસ્ટેલના પહેલા દિવસથી જ લખવાની શરૂઆત કરી. 
        મારી એ દિવસે કરેલી ડાયરી લખવાની શરૂઆત આજે મારા સાહિત્ય સર્જનમાં બહુ મોટો ફાળો આપ્યો છે. યાદ રાખીને હું કેટલું લખી શકતી ? પણ એ સમયે એ દિવસોનો એક એક પ્રસંગ મેં ડાયરીમાં લખ્યો જેના કારણે આજે મારે મારા મગજને એ જૂનાં સંભારણા યાદ કરવા જંજોડવું નથી પડતું. ઘણીવાર નવરાશના સમયમાં હું જ્યારે આ ડાયરી લઈ વાંચવા બેસું છું ત્યારે પણ હું એ દિવસોમાં પાછી પહોંચી જાઉં છું. વર્ષો પહેલાં બનેલી એ ઘટનાઓ મને તાજી લાગવા લાગે છે, હજુ ગઈકાલે જ જાણે એ દિવસ હું જીવી હોય એમ મને થયાં કરે. એ ડાયરીના શબ્દોમાં બધું સારું જ નહોતું. એમાં રહેલી કેટલીક બાબતો આજે પણ મારી આંખના પોપચાને ભીંજવી દે છે. કેટલીય વાતો તકલીફ આપે છે. મારી જ ભૂલો, મારી પીડા માટે કારણભૂત બની હોય એમ લાગે છે. કેટલીક વાતો તો મેં દિલ ઉપર પથ્થર મૂકીને લખી હતી. ખબર જ હતી કે એ વાતોથી ભૂતકાળમાં તકલીફ થશે, કોઈના હાથમાં આ ડાયરી આવી જશે તો મારુ જ ભવિષ્ય જોખમાશે. છતાં મેં દરેક વાત એ ડાયરીમાં તટસ્થ થઈને આલેખી. હશે ! એ વાતને વિસારે પાડી દેવી છે. બીજી ગમતીલી વાતોમાં ધ્યાન પરોવીને. પણ આજે એકવાત સમજાઈ કે જે વ્યક્તિ પોતાની ડાયરી લખે છે, એ પોતાના જીવનને ખૂબ જ નજીકથી જોઈ શકે છે, પોતાને અંદરથી જાણી શકે છે, અને પોતાની જાતે જ પોતાની જાતને કેળવી શકે છે. એને સમાજના લોકો પાસે પોતાનું કેરેકટર સર્ટિફિકેટ લેવા જવાની જરૂર હોતી નથી. ડાયરીના એક એક પાનામાં તેનું જીવન ચરિત્ર ઝળકતું હોય છે. જેમ આજે હું જીવી રહી છું. મારા ભૂતકાળને ડાયરી દ્વારા વાગોળીને.
હોસ્ટેલમાં પ્રવેશતાં મને થયેલા અનુભવો, મમ્મી પપ્પાના ગયા બાદ મારી એકલતા, એમની યાદો વિશે લખ્યું. શોભના, સુસ્મિતા અને મેઘના વિશે પણ લખ્યું. એ ત્રણેયના વ્યક્તિગત સ્વભાવ વિશે, શોભનાના વટ વિશે, અને સુસ્મિતાની પીઠ ઉપર જોયેલા ઉઝરડાં વિશે પણ મને લખવાનું મન થઇ ગયું. ઝીણી ઝીણી વાતો પણ મેં અંદર આલેખી. મારા ગામ અને મુંબઈની તુલના પણ એ ડાયરીમાં કરી. કૉલેજના પહેલા દિવસનો અનુભવ લખ્યા બાદ હોસ્ટેલ રૂમમાં આવી જેના કારણે મેં ડાયરી લખવાની શરૂઆત કરી એ પુસ્તક વિશે લખવાની વાત આવી અને મરી કલમ થંભી ગઈ. પહેલાં તો મન થયું કે "આમ ના લખાય ! જો કોઈના હાથમાં આવી જશે તો બધા મારા ઉપર હસવા લાગશે ! મારો મઝાક ઉડાવશે !" આમ વિચારી મેં લખવાનું માંડી વળ્યું. ડાયરીને કબાટમાં મૂકી હું બેડમાં આડી પડી. ઘડિયાળમાં જોયું તો સાંજના સાત વાગ્યા હતાં. હજુ શોભના, મેઘના અને સુસ્મિતાને આવવાની વાર હતી. બેડમાંથી ઊભી થઈ રૂમના દરવાજા તરફ આગળ વધી. દરવાજો ખોલી બહાર આવી હોસ્ટેલને જોવા લાગી. કેટલીક છોકરીઓ બાથરૂમ તરફ તો કેટલીક બહાર ગેલેરીમાં આંટા મારી રહી હતી, કેટલીક પોતાના રૂમમાં બેઠી હતી.  શોભના, સુસ્મિતા અને મેઘના સિવાય હું કોઈને ઓળખતી નહોતી. હા પણ આજે સવારે શોભનાની માફી માંગવા આવેલી છોકરીઓને ઓળખવા લાગી છું. એમાંની એક છોકરીએ તો સવારે મને બાથરૂમમાં નહાવા માટે જલ્દી જવા દીધી. મને એમનાં રૂમ તરફ જવાનું મન થયું. અમારા રૂમનો દરવાજો બંધ કરી હું એ ત્રણ છોકરીઓનો રૂમ શોધવા માટે આગળ ચાલી. ઉપરના માળ ઉપર કુલ બાર રૂમ હતાં. કૉલેજ ખુલતાં મોટાભાગના રૂમ ભરાઈ ચુક્યા હતાં. હું એક પછી એક રૂમમાં નજર નાખતી પેલી છોકરીઓના રૂમ સુધી પહોંચી. 
     રૂમના દરવાજે મને ઊભી રહેલી જોઈ એ ત્રણ છોકરીઓએ મને કહ્યું : "આઓ ના દીદી અંદર, બાહર કયું ખડે હો ?" હું રૂમની અંદર પ્રવેશી અને એમનો રૂમ જોવા લાગી. એમનો રૂમ પણ અમારા રૂમ જેવો જ હતો. ફરક હતો માત્ર રૂમમાં આવતી સુગંધનો. અમારા રૂમમાં પરફ્યુમની મહેક આવતી તો આ છોકરીઓના રૂમમાં કોપરેલની. એમનાં માથા પણ કોપરેલથી લથબથ હતાં. એક છોકરીએ કહ્યું : 
"બેઠો ના દીદી, કુછ કામ થા ક્યાં ?" 
મેં જવાબ આપ્યો  :
"નહીં બેઠે બેઠે બોર હો રહી થી તો સોચા ઇસ તરફ હો આઉ. મેં નયી હું, ઇસલીએ મેં યહાં કિસીકો જાનતી ભી નહિ. તુમ તીનો સુબહ રૂમમે આયે થે તો સોચા તુમસે હી પહેચાન બઢા લું". 
"અચ્છા કિયા દીદી આપ ઇધર આયે, મગર શોભનાદીદી કો પતા ચલેગા કી આપ હમારે રૂમ મેં આયે હો તો ઉનકો બુરા નહિ લગેગા ?" મારી સામે ઉભેલી બીજી છોકરી એ કહ્યું.
"બુરા કયું ?" મેં આશ્ચર્યના ભાવ સાથે પૂછ્યું.
એક છોકરીએ જવાબ આપ્યો : "ઉનકો હમસે બાત કરના અચ્છા નહિ લગતા, હમસે તો વૉ સિર્ફ કામકી હી બાત કરતી હૈ, સુસ્મિતાદીદી ઔર મેઘનાદીદી ભી હમસે બાત નહિ કરતી. આપ ઉનકે રૂમમેટ હો, તો વૉ આપકો ભી.....".
એ બોલતી હતી ત્યાં જ મેં એને અટકાવી કહ્યું :
"મુજે વૉ કુછ નહિ બોલગી, ઔર બોલગી તો મેં બતા દુંગી તુમ ચિંતા મત કરો"
થોડીવાર એ ત્રણ સાથે બધી વાતો કરી, શોભના વિશેની ઘણી વાતો જાણવા મળી, તે હોસ્ટેલમાં કેમ આટલી રૂઆબદાર બની ગઈ એનો આખો ઇતિહાસ મને જાણવા મળી ગયો. એ છોકરીઓને પણ મારી સાથે વાતો કરવાની મઝા આવી. મેં જ્યારે રૂમમાં પાછા ફરવાની વાત કરી ત્યારે પણ એ છોકરીઓ મને બેસવા માટે આજીજી કરવા લાગ્યાં. પણ મેં બીજા દિવસે આવીશ એમ કહ્યુ અને મારા રૂમમાં આવી ગઈ.
રૂમની લાઈટ ચાલુ કરી મારી ડાયરી લઈને પાછી બેસી ગઈ.  હજુ પણ બપોરે બનેલી પેલા પુસ્તકની ઘટના વિશે લખું કે ના લખું એના અવઢવમાં હતી. થોડીવાર વિચાર્યું અને જેવી ડાયરી ઉઠાવી હતી એવી જ એ પાછી મૂકી દીધી.
થોડીવાર બેડમાં આળોટી રહી. દરવાજો ખખડાવવાનો આવાજ આવ્યો. શોભનાને એ લોકો હશે જ ! એમ વિચારી મેં દરવાજો ખોલ્યો. મારી ધારણા સાચી પડી. ત્રણેવના ચહેરા ઉપર ખુશી દેખાઈ રહી હતી. મને આખો દિવસ શું કર્યું ? એમ સુસ્મિતાએ પૂછ્યું. મેં પેલા પુસ્તક વિશે કે મારી ડાયરી લખવા વિશેની કોઈ વાત ના કરી. વાંચ્યું અને સુઈ રહી એમ જણાવી વાત પૂરી કરી. એ લોકો ફ્રેશ થઈ ગયા પછી અમે નીચે જમવા ગયા. જમીને રૂમમાં આવી થોડીવાર મઝાક મસ્તી કરી સુવા માટે બેડમાં પડ્યા. મને એ રાત્રે પણ ઊંઘના આવી. ડાયરીમાં લખવાના વિચારોએ મારા મગજ ઉપર જોર પકડી લીધું. એક સમયતો એમ થઈ ગયું કે કબાટમાંથી ડાયરી ખોલી લખવા લાગી જાઉં. પણ આટલી મોડી રાત્રે જો રૂમની લાઈટ ચાલુ કરી લખવા બેસું તો બીજા લોકોની ઊંઘ ખરાબ થાય અને મારી ડાયરી લખવાની અંગતતા પણ ખોરવાઈ જાય. માટે એ વિચાર મેં પડતો મુક્યો અને આંખ બંધ કરી પડી રહી.
               સવાર થયું. નાહીને ફ્રેશ થઈ કૉલેજમાં પહોંચી. સુજાતા મારા આવતા પહેલા જ ક્લાસમાં આવી અને નિર્ધારિત બેન્ચ ઉપર બેસી ગઈ હતી. મારા આવતાં એ સહેજ દૂર ખસી અને મને જગ્યા કરી આપી. હું બેઠી. એને હળવું સ્મિત આપ્યું. મેં પણ એનો જવાબ હળવા સ્મિતથી આપ્યો..દિવસો પૂરો થયો. અને હું હોસ્ટેલ ઉપર પહોંચી. શોભના, સુસ્મિતા અને મેઘના જોબ ઉપર જવા માટે નીકળી ગયા. મેં ડાયરી લખવાની શરૂઆત કરી. પુસ્તક વિશે લખવાનો નિર્ણય મેં રાત્રે જ કરી લીધો હતો. પુસ્તક વાંચી એકલતામાં જાગેલી મારી યુવાનીનું વર્ણન પણ મેં એ ડાયરીમાં આલેખ્યુ. સાથે સાથે આ ડાયરી કોઈના હાથમાં પણ નહીં આવવા દેવી એવું પણ મેં જાતે જ નક્કી કરી લીધું. આજની નોંધમાં મેં સુજાતા વિશે પણ નોંધ કરી. કામપુરતી વાત કરતી સુજાતા માત્ર ભણવા માટે જ કોલેજ આવે છે. એ એકરીતે મારી મિત્ર છે અને એક રીતે જોવા જાઉં તો એની સાથે મારો કોઈ સંબંધ નથી. માત્ર કહેવા પૂરતા જ તો અમે મિત્રો છીએ. એક પાટલી ઉપર સાથે બેસીએ છીએ એટલે જ ઓળખાણ છે. કૉલેજમાં હું બીજા કોઈને નથી ઓળખતી એક સુજાતા સિવાય. અને એ પણ કામ પૂરતી ઓળખાણ.
        ડાયરી લખવાનું પણ એકાદ કલાકમાં પૂરું થઈ ગયું. હજુ તો બપોરના સાડા ત્રણ થયાં હતાં. આખી સાંજ મારે એકલતામાં પસાર કરવાની હતી. સુસ્મિતાના બેડ તરફ નજર કરી. કાલે બહાર લટકતું એ પુસ્તક આજે દેખાઈ રહ્યું નહોતું. મેં ઊભી થઈ અને એના બેડ ઉપરનું ગાદલું ઊંચક્યું. ગાદલા નીચે કેટલાક અસ્ત વ્યસ્ત કાગળો પડ્યા હતાં. પેલું પુસ્તક સુસ્મિતા કદાચ સાથે લઈ ગઈ હશે એમ માની બેડ હતો એવો જ પાછો કરી નાખ્યો. થોડીવાર એમ જ બેસી રહી. શું કરવું એ આજેપણ સમજાઈ રહ્યું નહોતું. મને મેઘનાની વાત યાદ આવી. એને મને કહ્યું હતું કે હું પણ એ લોકો સાથે નોકરી જોઈન કરી લઉં. પણ મેં જ ના પાડી. હવે આ એકલતા કોરી ખાતી હતી ત્યારે મને એને કહેલી વાત સાચી હોય એમ લાગ્યું. હજુ તો આજે બીજો જ દિવસ છે અને આ એકલતા મને ડંખવા લાગી. હજુ તો અહીંયા કેટલો સમય વિતાવવાનો છે એ પણ મને નથી ખબર. મનમાં વિચારો ચાલવા લાગ્યા. નોકરી કરવા ના કરવા વિશેના. પપ્પાનું માર્ગદર્શન લેવાનું વિચાર્યું. અત્યારે પપ્પા બેંકમાં જ હશે એટલે એમની સાથે ફોન ઉપર વાત થઈ શકશે. એમ વિચારી હું હોસ્ટેલની બહાર જવા માટે ઊભી થઈ. 
      બહાર જવાનો તો નિર્ણય મેં કરી લીધો. પણ મેં ક્યાં હજુ કઈ જોયું હતું ? કોઈને સાથે લઈ જવું કે એકલા જ જવું એમ વિચારવા લાગી. પછી અચાનક મને યાદ આવ્યું. કે કૉલેજ જતાં રસ્તામાં એક STD આવે છે. ત્યાં જઈને પપ્પાને ફોન કરી શકાય. કોઈને લીધા વિના એકલી જ નીચે ઉતરી. નીચે ઓફિસમાં રજા લેવા માટે ગઈ. રેક્ટર મેડમ બેઠાં હતાં. પરવાનગી લઈ હું ઓફિસમાં પ્રવેશી. 
મેડમે મારા પ્રવેશતાં જ પ્રશ્નો શરૂ કર્યા :
"ક્યાં ચલ રહા હૈ ? કોઈ પરેશાની તો નહીં હૈ નાં ?"
"નહિ મેડમ." (મેં મારા એક હાથને બીજા હાથ સાથે દબાવતા જવાબ આપ્યો.)
મેડમે કહ્યું : "તો ફિર કયો આના હુઆ ?"
મેં જવાબ આપ્યો : "મેડમ પાપા કો ફોન કરનાં થા, તો બહાર STD બુથ પર જાના હૈ, ઇસલીએ આપસે પરમિશન લેને આઈ."
"ઠીક હૈ તુમ જા શકતી હો, મગર જલ્દી વાપસ આ જાના" મેડમે કહ્યું.
"શુક્રિયા મેડમ" કહી હું જવા જ જતી હતી ત્યાં જ મને મેડમે પાછી રોકી અને કહ્યું :
"સુનો, બહાર જાઓ તો અપના ધ્યાન રખના, તુમ ગુજરાતી લડકીયા બહુત ભોલી હોતી હો, ઔર યે બમ્બઈ હૈ. યહાઁ અચ્છી લડકીઓ કો દેખકે કુછ લોગ ફાસને કા મન બના લેતે હૈ. ઇસ લીએ સાવધાની બરતના. તુમ નયી આઈ હો ઇસલીએ માલુમ નહિ હોગા."
"ઠીક હૈ મેડમ" કહી હું ગેટની બહાર નીકળી. મેડમની વાત પણ સાચી જ હતી. એ તો વર્ષોથી અહીંયા રહેતા આવ્યા છે એટલે આ નગરથી તો એ બહુ સારી રીતે પરિચિત હશે. 
ચાલતાં ચાલતાં હું STD બુથ સુધી પહોંચી. મારી આગળ ત્રણ વ્યક્તિઓ હતાં. મારો નંબર આવતાં મેં દુકાનદારને પપ્પાના બેન્કનો ફોન નંબર આપ્યો. એમને મને અંદર રહેલા ત્રીજા નંબરના કેબિનમાં જવા માટે કહ્યું. કેબિનનો દરવાજો બંધ કરી સામે મુકેલા ફોન પાસે હું બેઠી દુકાનદાર સામે જોવા લાગી. દુકાનદારે ફોન ઊંચકવાનો ઈશારો કરતાં મેં ફોન ઊંચક્યો. સામે છેડે રિંગ વાગી રહી હતી. બેંકના કોઈ કર્મચારીએ ફોન ઉઠાવ્યો. મેં એમને મારા પપ્પા બીપીનભાઈને ફોન આપવાનું કહ્યું. એમને પપ્પાના નામની બૂમ પાડી બોલાવ્યા.

(શું કાવ્યાને નોકરી કરવા માટે એના પપ્પા પરવાનગી આપશે ? શું કાવ્યા પણ બીજી છોકરીઓની જેમ નોકરી કરવા જશે ? પોતાની એકલતા દૂર કરવા કાવ્યા શું કરશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ" ના હવે પછીના પ્રકરણ.)
લે. નીરવ પટેલ "શ્યામ"