Kachchh Aetle in Gujarati Magazine by Ashq Reshammiya books and stories PDF | કચ્છ એટલે

Featured Books
Categories
Share

કચ્છ એટલે

             મહોબ્બત,માનવતા અને મર્દાનગીની મરૂભૂમિ એટલે કચ્છ...
                    
         કચ્છ એટલે સૂકોભઠ્ઠ પ્રદેશ એ માન્યતા પર હવે ધૂળ ચડી ગઈ છે.કચ્છ જેટલો કઠોર વિસ્તાર છે એનાથીયે બમણી કોમળતા અહીંની મીઠી માનવતામાં છે.
         કચ્છની માયા,મમતા,માનવતા,મહોબ્બત અને મહેમાનગતિ મૃતપ્રાય: થવાના આરે ઊભેલા માનવીમાં પ્રાણ સંચરવા સમર્થ છે!
         કચ્છ એટલે 'કરૂણાનો અતાગ મહાસાગર'! માનવતાના મબલક મોતીઓ પકવતો  અગાધ મહેંરામણ!
         કચ્છની ધીંગી ધરાના દીદાર અને મમતાળી મોહક માટીનો સ્પર્શ મને એક જ સાથે  થયો હતો.એ વખતે આંખો કંઈક જુંદું વિચારતી હતી અને ચરણ અવળી દિશાની જાત્રાએ જતા હતાં જાણે! નયનો વિસ્ફારિત પાંપણે અણદીઠ આ ભોમકાના દીદાર કરી રહ્યા હતાં  જ્યારે ચરણ નવીન અજાયબભરી ધરાને તત્ક્ષણ અલવિદા કરવા એકમેક સંગે જાણે યુધ્ધે ચડ્યા હતાં.
         મારા અસ્તિત્વના ઓળા સિવાય જ્યાં મારુ કોઈ  જ ન હોય એવી અજાણી ભૂમિમાં કેમ રહી શકીશ? એ સવાલ ખાડું ધરીને સામે ઊભો હતો.એ વખતે મારા માટે આ વિસ્તાર પરગ્રહ કે પરદેશથી સ્હેજેય ઓછો નહોતો! કારણ કે એ પહેલા મે ફક્ત કચ્છનું નામ જ સાંભળ્યું હતું,એના દીદાર મારી કે મારા આખા ગામની કોઈ પેઢીને ક્યારેય નહોતા થયા!
         તેમ છતાંય એ પળે ભુજ અને ભુજીયાના દર્શન માત્રથી છાતી આનંદભેર ઊભરાઈ આવી હતી.અહીની ભાતીગળ ભવ્યતા અને મોહભરી માનવતાએ,ખમીર અને ખુમારીએ મારામાં  જબરૂ જોમ ભરેલું! એ જોમના જુસ્સાએ મને છ-છ વરસ લગી અહી જ ટકી રહેવા માટેનું બળ પૂરુ પાડ્યું.
         મને કચ્છની ધરતીના  દિવ્ય દીદાર થયા એમાં મારા કે મારા ગામના પૂર્વજન્મના કોઈ પુણ્ય પ્રતાપે જ ! બાકી 'કચ્છ' અને 'અશ્ક'ને  જોજનોનો અળગાવ હતો.
         કચ્છ અને કલાને હ્રદયનો સંબંધ.છે અહીની સંસ્કૃતિ અને સાહિત્યનો પણ અલગ મિજાજ છે.અહી દરેક કલાએ પોતાના રૂપના પ્રેમાળ કામણ પાથર્યા છે.અહીનો રોમાંચક ઈતિહાસ,નમૂનેદાર મહેલતણી ભવ્ય ઈમારતો અને ખંતીલા ખંડેરોના પથ્થરાઓ કચ્છની જાજવલ્યમાન જહોજલાલીની સાક્ષી પૂરે છે.કુદરતે અહી ખોબલે-ખોબલે શૂરાતન અને સૌંદર્ય વેર્યું છે.સમસ્ત વીરનાયકોએ પ્રજાને આંખોનું રતન માનીને પાળી પોષી છે.આજેય વરસો વીતવા છતાંય એ વીરનાયકો પ્રજાના હૈયામાં હેમખેમ જીવી રહ્યાં છે.એ જ તો એમના જીવનની કંચનથીયે સવાઈ કમાણી રહી છે.
         ઉત્તરમાં વિશાળ રણ છે તો વળી દક્ષિણમાં કચ્છના ચરણ પખાળતો મહેરામણ  હિલ્લોળા લે છે.નાની-મોટી નદીઓ છે.તો લીલીછમ્મ  વિશાળ વાડીઓ પણ છે.વિશ્વના એકમાત્ર શ્વેતરણમાં પગલા પાડનાર આજેય પોતાને મહાભાગ્યશાળી માને છે.સમગ્ર દેશ અને વિદેશમાંથી લોકો અહી આવે છે ને વસવાટ કરે છે.કચ્છ પ્રદેશ લોકોને આકર્ષવામાં અને સાચવવામાં માહેર છે.એ પુષ્કળ પૈસો અને પ્રચુર પ્રેમથી લોકોના ખીસ્સા ભરી આપે છે.
         વળી, દરેક પરિસ્થિતિ અને વ્યક્તિ સાથે સુગમ સુમેળ સાધવામના ગુણને લીધે જ કચ્છી માડું આપણને જગતના ખૂણે -ખૂણે જોવા મળશે.વરસો અગાઉ દેશ અને દુનિયા દૂરથી કચ્છને માત્ર જોતા હતા.આજે વર્ષો બાદ કચ્છ પ્રદેશ જગતને સાવ નજીકથી દેખા દેવા લાગ્યો છે. એ જ તો કચ્છ અને કચ્છીયતની કમાલ છે!
         કચ્છ એટલે અહીં પગલા પાડી જનારના ઉરમાં સદાય ટહુકતો કળાયેલ મોરલો!
         મારા વિકાસમાં કચ્છનું ઉત્તમ યોગદાન રહ્યું છે.કચ્છની ધરતીએ મને ખૂબ પાળ્યો-પોષ્યો ને ઉછેર્યો! એની સાથેના મબલક મહોબ્બતથી અતૂટ નાતો બંધાઈ ગયો છે.કિન્તું પ્રેમનો-માનવતાનો એ લાગણીસભર સ્નેહ હવે વિરહમાં ફેરવાઈ ગયો છે.અને વિયોગનો એ રંજ હ્યદયને પારાવાર અકળામણ કરાવી જાય છે.
         મને કચ્છનું સૌથી વિશેષ આકર્ષણ રહ્યું હોય તો શ્વેત ચાંદનીમાં ચમકતું "શ્વેતરણ",માંડવીનો બીચ અને 'વિજયવિલાસ પેલેસ.'! વિજયવિલાસથી આકર્ષાઈને તો મે મારા વતનના ભવનનું નામ 'અશ્ક મહેલ' થી બદલીને "વસંતવિલાસ" રાખી દીધું છે!
         કચ્છના પેરીસ ગણાતા મુંદરા પંથકના માનવીઓની મોહક માનવતાએ મને આજ સુધી લાગણીના ઊભરાતા અમીપ્યાલા પાઈને હેમખેમ રાખ્યો છે.કચ્છના અન્ય વિસ્તારના લોકો સાથેનો મારો સંબંધ ફક્ત હસ્તધુનન પૂરતો જ રહ્યો સીમિત રહ્યો છે.કિન્તું મુંદરાની ભોમકાના માડુંઓ સાથેનો મારો સંબંધ હાથથી હૈયા સુધીનો રહ્યો છે.એમાય વળી,કોઈએ નવી કેડી તરફ વાળ્યો છે તો કોઈએ હેમખેમ મંઝીલના મારગે વાળ્યો છે.
         અહી મને વિકસવાનો અને ખીલવાનો જબરો મારગ મળ્યો! વતનથી જોજનો દૂર એવા મુંદ્રામાં મારા બે પુસ્તકોને (અશ્કના દરિયા અને વસંતખીલી) આકાર મળ્યો એ ઘડી મારા જીવનની મોંઘેરી મિરાત બની છે.મારા જીવનની ઘણીબધી સુવર્ણજડિત ઘટનાઓ અહી પ્રથમવાર બની છે,જે મારા જીવતરના અંતિમ શ્વાસ સુધી મને કચ્છની ધીંગી ધરતી સાથે માયા અને મહોબ્બતના અમી તાંતણે બાંધી રાખશે.
         મારા જીવનના કર્મની,ધર્મની અને સુખી જીવતરના મર્મની શુભ શરૂઆત કચ્છમાંથી જ થઈ છે.ઘણા લોકો કચ્છમાં પોતાના આગમનને સજા માને છે.કિન્તું મે અહી મધુર મજાઓ માણી છે!
         એક શિક્ષકને પણ અહીની માતા લાગણીથી લથબથ બનીને પુત્તર (પુત્ર) તરીકે સંબોધતી હોય એ માતાને કેટલા વંદન કરવા ઘટે!
         હું જે કાચા સમયને લઈને આવ્યો હતો-કચ્છને અલવિદા કરવાનો! મારો એ સમય હવે પાકી ગયો છે.મનડું તો કહે છે અહી જ રોકાઈ જઉ! કિન્તું મારો વહાલા વતનનો મોહ મને એના ભણી ખેંચી જવા મજબૂર કરી રહ્યો છે.
         મારે અહીં જ 'વસંતવિલાસ' ઊભો કરવો હતો ને અહી જ જીવનનો પડાવ પૂરો કરવો હતો પણ હાય રે નસીબ! અંજળપાણી જ ખૂટી ગયા!કર્મની ગતિ બહું જ ન્યારી છે.
         જે હૈયું કચ્છમા  આવવા તૈયાર નહોતું ને આવ્યા પછી ટકી જવા સ્હેજેય તૈયાર નહોતું એ જ હૈયું હવે કચ્છની મધુર મરુભૂમિને અલવિદા કરવા કેમેય તૈયાર નથી! કિન્તું જેમ દીકરીને જવાના કૉડ હોય અને  છતાંય પીયર છોડવાનું દુ:ખ હોય એમ હું પણ મારી વેદનાને વિસારે પાડી જાઉં છું.
         જેણે મને અજાણ્યાને વિશાળ હ્રદયે થનગનાટથી આવકાર્યો ,સ્વિકાર્યો અને એનામય બનાવી દીધો એવા આ કચ્છપ્રદેશને હવે અલવિદા કહેતા ઉરમાં ઉચાટ અનુભવાય છે.પરંતું જુદાઈ અને  પરિવર્તનથી કોણ બાકાત રહી શક્યું છે!
         હું હવે અહીંથી એકલો જતો નથી કિન્તું આખા કચ્છને મારા અસ્તિત્વ સાથે ઓળઘોળ કરીને જાઉ છું.એની રોમાંચક ઉર્મિઓને ઉરમાં જીવતી ધરબીને જાઉં છું.
         કચ્છને અલવિદા કરતી વેળાએ મારી કલમે સર્જેલી કચ્છ માટેની એક રચના:
        
         ઓ મારા કચ્છ,તારો સાથ છોડીને હવે હું જાઉં છું,
         હોઠ પર છે થોડી મુસ્કાન ને હૈયે ઘણો હીજરાઉં છું.

         મુજ અજાણ્યાને કેવો  સહર્ષ સ્વિકાર્યો'તો તે !
        તને  અલવિદા કહેતા હવે હું ખુબ લજવાઉં છું.

        ભુજિયા તારી ભેખડ નિરાળી, સાગર તારો તીર,
        શ્વેતરણ તારો ગજબ નજારો હૈયે ભરી જાઉં છું.

        કચ્છડા તારી કોમળતાએ અશ્કને આપી કીર્તિ!
       તુજબિન શે વીતશે વખત ! પળેપળ હીબકાઉં છું.

      તારો મારો સાથ કેવો છૂટ્યો,ખુટ્યા અંજળપાણી,
      દુ:ખી છું તને છોડીને, આંખેથી અશ્ક વહાઉં છું.

       તને શત શત નમન હજો ઓ મુજ કર્મભૂમિ કચ્છ !
       તુજ પાલવમાં ઝુમીને કવિ-લેખક થતો જાઉં છું.

       ઓ કચ્છ! તારી ને કીર્તિની એક જ છે રાશી ને કહાની,
       તું સદા લીલોછમ્મ રહેજે તુજ પર અશ્ક વરસાઉં છું.

       મહોબ્બતભરી તારી માનવતાએ મઠાર્યો છે કેવો મને?
       આવ્યો'તો અશ્ક બની,જુઓ રેશમિયા બનીને જાઉં છું !

         
         અને છેલ્લે.....
         કચ્છમાં છ-છ વરસની એક જ મંઝીલના સુહાની સફર દરમિયાનના મારી સાથેના પવિત્ર સંબંધમાં સામેલ સૌ યાર,દોસ્ત,પરિચિતો,વડીલો,વિદ્યાર્થીઓ સૌને અંતરના ઉમળકાભેર વંદન....! ઝાઝેર જુહાર.....!!!!!
         અશ્કનો ટહુકો:
               કચ્છમાં કરેલું કર્મ મારા જીવનની નૈયાનું ઉત્તમ હલેસુ સાબિત થયુ છે.મારા જીવનના ઈતિહાસમાં કચ્છ અને કચ્છીયતને મોખરાનું સ્થાન હશે!!!
               (તારીખ:22/09/2015 ના રોજ કચ્છને અલવિદા કરતી વેળાએ  લખેલ લેખ, જે એ જ વખતે 'ભાવિક પરિષદ' નામના માસિક સામાયિકમાં પ્રસિધ્ધ થયેલ.)
               134,                                                  -અશ્ક રેશમિયા...!!!
               વસંતવિલાસ-ગાંગુવાડા.