Mrugjal - Chapter - 3 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મૃગજળ - પ્રકરણ - 3

Featured Books
Categories
Share

મૃગજળ - પ્રકરણ - 3

કરણે ઓફીસ આગળ બાઈક રોકયું ત્યાં જ એનો ફોન રણક્યો. કરણે બાઈક સ્મોલ સ્ટેન્ડ પર કર્યું અને ખિસ્સામાંથી ફોન નીકાળ્યો.

"હાય હેન્ડસમ." લહેકા ભર્યો અવાજ આવ્યો.

"અરે, નીલમ! બોલ બોલ."

"કહા પે હો જી?" નિલમે એના એ જ અંદાજમાં પૂછ્યું.

"બસ ઓફીસ પહોંચ્યો હમણાં જ." કરણે ચાવી નીકાળતા કહ્યું.

"કરણ, તને પાર્ટીમાં મળાયું જ નહીં એટલે થયું લાવ હેન્ડસમનો અવાજ સાંભળી લઉ."

"ઓકે."

"હમમમમ. ચલ બાય. વૈભવીને મારી યાદ આપજે." નિલમે ફોન મૂકી દીધો.

કરણ મોબાઈલ ખિસામાં સરકાવી સડસડાટ દાદર ચડી ગયો.

"હાય કરણ, ફરી લેટ પડ્યો યાર?" રોજની જેમ જ પોતાની મેઈન ચેર ઉપર બેઠો આશુતોષ બોલ્યો.

"સોરી આશુ, યાર ઘરે થોડું કામ હતું." ખચકાતા કરણ બોલ્યો.

"હા ભાઈ હા, અમેય સમજીએ નવા નવા મેરેજ થયા છે ને!" અશુતોષે હસીને કહ્યું.

"ગુડ મોર્નિંગ કરણ."

"વેરી ગુડ મોર્નિંગ ધવલ." ધવલ તરફ જોઈ કરણે કહ્યું.

"થેંકયુ, અમે હમણાં જ ચા પીધી કરણ. અમને એમ કે આજે તું નહિ આવે."

"નો પ્રોબ્લેમ યાર, હું ઘરેથી પી ને જ આવ્યો છું." કરણે પોતાની બેઠક લીધી.

"તો પણ તારા વગર અમે નાસ્તો તો નથી જ લાવ્યો હા. ચલ હું વડાપાઉં લઈ આવું." ધવલ ઉભો થયો, "આશુ, જોતો ગિરધર કાકા આવી ગયા કે કેમ?"

"એક મિનિટ." અશુતોષે બારીમાં જોયું, "હા આવી ગયા છે. આ ગિરધર કાકા પણ ગજબના છે યાર, સાહિઠની ઉંમરે પણ સવારે નાસ્તો બનાવીને આવી જાય છે."

"અને કોલીટી પણ બીજાથી બેસ્ટ." જતા જતા ધવલે કહ્યું.

"આશુ યાર આ ધવલનું શુ થશે? મને તો એ જ નથી સમજાતું!" ધવલ ગયા પછી કરણે કહ્યું.

"એ તો રામ જાણે પણ આપણે મદદ તો કરવી જ જોઈએ ને યાર."

"અલબત્ત મદદ કરવી જોઈએ પણ એ સી.સી.ટી.વી. ફિટીગ્સનો ધંધો કરે છે એમાં ધ્યાન અને ટાઈમ આપે તો જ કસ્ટમર મળે ને? અહીં એ બસ આવા કામ કરે છે કા'તો ચા લેવા જાય, કા નાસ્તો, કા ફાઈલ આઘા પાછી કરે, કા બેંકમાં કે ઉઘરાણીએ જાય એ બધું નોકર જેવું કામ કરે એ જોઈ મને દુઃખ થાય છે યાર." કરણે નિરાશ થઈને કહ્યું.

"તારી વાત બિલકુલ સાચી છે પણ એ એમને એમ તો પૈસા લેતો નથી. મેં એને હજાર વાર કહ્યું છે કે મારે ભગવાનની મહેરબાની છે પણ એ કહે છે હું કામ કરીશ તો જ પૈસા લઈશ."

"હા એના લીધે જ તું માણસ નથી રાખી શકતો મને ખબર છે અને એ કચરા પોતા કરે એ દેખી નથી શકાતું એટલે જ તું સવારે એના કરતા વહેલો આવીને સફાઈ કરે છે."

"કરણ, તું મને સમજે છે એટલું કોઈ નથી સમજતું યાર." આશુતોષની લાગણી એના શબ્દોમાં સ્પષ્ટ દેખાતી હતી.

"આશુ, આ ધવલની મને એક જ આદત ગમે છે. એટલી ગરીબીમાં એટલું સ્વમાન મહેનતનું જ ખાવું! બાકી એ જો કોલેજના દિવસોમાં ભણ્યો હોત તો આજે આપણી જેમ એ પણ ઈજ્જતની જિંદગી જીવતો હોત."

"પણ કરણ ભણવાનું એના મગજમાં ઘૂસે તો ને?"

"ના ના આશુ એવું નથી આપણે એને કોલેજના દિવસોથી ઓળખીએ છીએ પણ સંજય કહેતો હતો કે ધવલ ભણવામાં અવલ્લ હતો. ખબર નહિ કોલેજમાં આવ્યા પછી એને શુ થઈ ગયું! એનું મન જ ઉઠી ગયું ભણવામાંથી."

"કરણ, તે ચંદ્રકાન્ત શેઠની ફાઇલ કરી લીધી?" આશુતોષે એકાએક વાત બદલી દીધી. કરણ પણ સમજી ગયો કે ધવલ આવી ગયો હશે એટલે જ વાત બદલી છે.

"હા, ચંદ્રકાન્ત શેઠની ફાઇલ તો થઈ ગઈ પણ આઈ.ટી. ઓફિસનો ઇ-મેઈલ આવ્યો છે. યાર ક્વેરીના જવાબ આપવો પડશે નહિતર સમસ્યા થશે."

"મેં સો વાર કહ્યું છે તમે એટલી કેશ ન બતાવો પણ એ માનતો જ નથી. અવારનવાર એના ઘરે રેડ પડે છે."

"ભાઈ દુનિયાની ફિકર મુકો અને વડાપાઉં ખાઓ હવે." ધવલે ટેબલ ઉપર વડાપાઉંની ડીશ ગોઠવતા કહ્યું.

"થેન્ક્સ ધવલ, યાર તું કેટલું કામ કરે છે." આશુતોષે એક ડીશ ઉઠાવી લીધી.

"હા ધવલ યાર હવે તું મેરેજ કરી લે તું અહીં પણ કામ કરે ઘરે પણ કામ કરે." કરણે આશુતોષની વાતમાં ટેકો પૂરતા કહ્યું.

"કરણ, મરેજ કોઈ રમત નથી. મેરેજ માટે મારા વિચાર બહુ જુના છે ભલે હું મોડર્ન છું મારી રહેણી કરણી નવા જમાના મુજબ છે પણ...." ધવલનો ચહેરો ઉતરી ગયો.

હંમેશા દરેક વાતને મજાકમાં લેતો ધવલ એટલો ગંભીર થઈ ગયો એ જોઈ કરણે વાત બદલી નાખી.

"આશુ, આજે આપણે એડ કરીએ ટીવીમાં સી.સી.ટી.વી. ઇન્સ્ટોલમેન્ટ માટેની."

"હા એ આઈડિયા મસ્ત છે, હમણાં બધો ખર્ચ હું કરીશ અને પછી જેમ જેમ ઇન્કમ થશે એમ એમ ધવલ મને ચૂકવી દેશે વ્યાજ સાથે."

"એ ભાઈ, વ્યાજ બ્યાજ નહિ મળે કહી દઉં છું. દોસ્તીમાં વ્યાજ ન હોય."

આશુતોષને ખબર જ હતી કે ધવલ એમને એમ તો તૈયાર નહિ થાય એટલે જ એણે વ્યાજનું કહ્યું હતું, "હા ભાઈ વ્યાજ મત આપજે બીજું શું?"

ધવલ મનોમન ખુશ થઈ ગયો. આશુતોષ અને કરણ જેવા મિત્રો મને મળ્યા પણ..... પણ કાસ એક એ મળી હોત.....!

"કયાં ખોવાઈ ગયો ધવલ?"

"અરે વિચારતો હતો કે આ આઈડિયા તમને કયાંથી આવ્યો યાર! એમાં તો મને ખાસ્સા ઓર્ડર મળી જશે!" ધવલે ચહેરાના ભાવ બદલતા કહ્યું.

"તું હવે એક્ટિંગમાં કરીયર બનાવી લે ધવલ!" અશુતોષે કહ્યું.

"અરે ખરેખર યાર હું એજ વિચારતો હતો કાઈ છુપાવતો નથી. એમ પણ મારા આ ખાલી ભેજામાં બીજું આવે પણ શું?"

"હમમમમ.... ધવલ તું આજે ચંદ્રકાન્ત શેઠને ત્યાંથી પેમેન્ટ લઈ આવ અત્યારે જ."

"બસ આ નીકળ્યો." ધવલે હાથ ધોઈ લેતા કહ્યું, "કરણ ચાવી ફેંક તો જરાક."

"ગાડી લઈ જા ને યાર."

"ના આશુ, યાર ગાડી મને બરાબર નથી ફાવતી, આપણે બાઈક ઉપર જ શોભીએ." કહી ધવલ નીકળી ગયો.

આશુતોષ અને કરણ પોતાના કામમાં લાગી ગયા. આશુતોષ તો ખરેખર કામમાં લાગી ગયો હતો પણ કરણના મનમાં એક સવાલ રમતો હતો કે આ ધવલ કઈક તો છુપાવે છે, શુ હશે? કઈક દુઃખ તો એના મનમાં છે જ. ભલે એ ચોવીસ કલાક હસતો રહે છે. હા પણ જે હોય તે હવે બસ થોડા જ સમયમાં એનો ધંધો જામી જશે અને પૈસા ચીજ એવી છે કે ગમે તે દુઃખને આછું તો કરી જ નાખે!

કરણ પણ ધવલની ચિંતા મૂકીને કામે લાગી ગયો.

*

વૈભવી હજુ એમ જ મૂંઝવણમાં ફાઈલોના થોથા આમ તેમ કરતી હતી. કામના કાગળો આમ તેમ જોતી હતી પણ એનું મન કામમાં લાગતું નહોતું. કયાં ગિરીશ અને કયાં કરણ? કુદરત પણ કેવું વિચિત્ર સર્જન કરે છે આ ગિરીશ કયાંય નજર સીધી નથી રાખતો જ્યારે કરણ!

કરણને આ બધી જાણ થશે તો? તો એ મારા ચારિત્ર્ય ઉપર શંકા તો નહીં કરે ને? વૈભવી એ વિચારથી છળી ગઈ. કરણ બત્રીસ લક્ષણો છે પણ કોઈ પણ પુરુષ આ બાબતે તો તૂટી જ જાય ને? પુરુષ શુ સ્ત્રી પણ આ બધું તો સહન ન જ કરે. પણ..... પણ હું તો મજબુર છું. હે અંબે હું શું કરું? મારો સંસાર હજુ બન્યો ન બન્યો ત્યાં હું આ કેવી મૂંઝવણમાં આવી પડી છું?

વૈભવી માથું પકડીને બેઠી હતી ત્યાં ઇન્ટરકોમ ફોન રણક્યો.

"હા, સર."

"વૈભવી, નવા પ્રોજકેટની ફાઇલ મેં જોઇ લીધી છે. કોઈ ભૂલ નથી અમેજિંગ ટેલેન્ટ છે તારી અંદર."

"થેંક્યું સર." હસીને એ બોલી.

ગિરીશે ફોન મૂકી દીધો અને એ સાથે જ વૈભવીએ લાવેલું કૃત્રિમ સ્મિત પણ અદ્રશ્ય થઈ ગયું! પોતાના સુંદર હાથ ઉપર બાંધેલી કાંડા ઘડિયાળમાં સમય જોયો. સંજના છનો સમય થઈ ગયો હતો. ઉભા થઇ પોતાનું પર્સ લઈ વોસરૂમમાં ગઈ. આઇનામાં ચહેરો જોયો. આ ચહેરો તો ચાડી ખાઈ જશે! તરત મો ધોઈ લીધું, કરણના સુંદર ચહેરાને યાદ કર્યો ત્યાં ચહેરો થોડો સ્વસ્થ થયો.

પર્સ ખભે ભરાવી વૈભવી પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળી ગઈ. બહાર જવા માટે ગિરીશની ચેમ્બરમાંથી જ પસાર થવું પડતું. આડી નજરે જોયું તો ગિરીશ એને જ જોતો હતો. પગ ઝડપી ઉપાડી એ તરત બહાર નીકળી ગઈ.

"આવજો." મયંકનો મીઠો અવાજ કાને પડ્યો.

"સી યુ ટુમોરો." મયંક તરફ હાથ હલાવી એ ઓફિસના મુખ્ય દરવાજા બહાર નીકળી ગઈ.

જાણે કેમ યુદ્ધના મેદાનમાંથી જીવતો બચેલો યોધ્ધો હાશકારો અનુભવે એવી રાહત ઓફીસ બહાર નીકળતા જ વૈભવિને થઈ. ચહેરા ઉપર એક આછું સ્મિત આપમેળે જ આવી ગયું. ઓફિસથી થોડેક દૂર જઇ પિક અપ સ્ટેન્ડ પાસે એ કરણની રાહ જોવા લાગી.

એના વિચારો હજુ એનો પીછો છોડી રહ્યા ન હતા. વૈભવી જાણતી હતી કોઈ રહસ્ય લાંબો સમય રહસ્ય નથી રહેતું. અને જયારે રહસ્યો પરથી પડદો ઉઘડે છે ઘણા સંબંધો પર પડદો પાડી જાય છે. ઘણી લાગણીઓના તાર તૂટી જાય છે અને પોતાનું રહસ્ય..? એ કેટલા દિવસ સુધી કરથી છૂપું રહેશે..? એ છતું થશે ત્યારે શું થશે..?

એ વિચારોને ફંગોળી રહી હતી પણ એ જાણતી નહોતી કે એ પોતે વિચારોના ચક્રાવાતમાં ફસાઈ ગઈ હતી જ્યાં ખુદ માણસ ફંગોળાતો રહે છે પણ વિચારોને ફંગોળી શકતો નથી...!!

*

રોજની જેમ જ એ દિવસે પણ છ ના ટકોરે રામુ ચાના કપ અને કીટલી હાથમાં લઈને કરણ પાસે ઉભો હતો.

"સાબજી ચાય." રામુએ કોમ્પ્યુટરમાં ડૂબેલા કરણનું ધ્યાન દોર્યું.

કરણે ઘડિયાળ તરફ નજર કરી બરાબર છ ઉપર કાંટો આવીને ટકોરો પડ્યો હતો.

"રામુ, તું ભાઈ ગજબનો પાબંધ માણસ છે. છનો ટકોરો તારા આવ્યા પછી જ પડે છે!" કરણે હસીને કહ્યું.

"સાબજી, એ ટકોરો કદાચ ભૂલી જાય પણ રામુ કદી ન ભૂલે." કીટલીનું ઢાંકણ ખોલતા નીકળેલ વરાળ જેવા જ મક્કમ શબ્દો રામુ બોલ્યો.

"હમમ ગરમ છે કે...?" આશુતોષ બાથરૂમ તરફથી આવ્યો.

"સાબજી, પાવી તો તાજી બાકી નઈ..." રામુએ કોલર ઊંચો કરી કહ્યું.

"વાહ, આ બીજો ધવલ જોઈ લે કરણ... પ્રમાણિકતાનું પૂતળું...." આશુતોષે હસીને રામુના ખભા પર હાથ મુક્તાં કરણ સામે જોયું.

"સાબજી, ધવલ ભાઈમાં અને મારામાં એક ફરક છે."

"એ વળી શુ?" કરણે પૂછ્યું.

"એ જ કે ધવલભાઈ કોમેડિયન છે હું સિરિયસ." રામુએ મગમાં ચા રેડતા કહ્યું એ સાથે જ બધા હસી પડ્યા.

"લે તારું પેમેન્ટ." અશુતોષે પાંચસોની નોટ આપી.

"સાબજી, ડાયરી નથી લાવી મેં." રામુએ કહ્યું.

"કાઈ વાંધો નહિ, વધ ઘટ જોઈ લે જે... તું કયાં ભાગી જવાનો છે?"

"ભલે, સાબજી મારે બીજા ઓર્ડર છે, કપ કાલે લઈ જઈશ." રામુ ઉતાવળા પગલે ઓફીસ બહાર નીકળી ગયો.

*

રામુ ગયો કે તરત કરણને યાદ આવ્યું કે હવેથી વૈભવીને લેવા જવાનું છે.

"આશુ, હવે હું મોડા સુધી કામ નહીં કરી શકું." કરણે ખચકાતા કહ્યું.

"કેમ?"

"વૈભવી છ વાગે ઓફિસથી છૂટી જાય છે એટલે એને લઈને ઘરે જવું પડશે હવે."

"અરે હા, એ તો હું ભૂલી જ ગયો, નો પ્રોબ્લેમ કરણ, બસ કોઈની ફાઇલ રહી ન જાય એ ધ્યાન રાખજે."

"સ્યોર, ચલ હું નીકળું હવે વૈભવી મારી રાહ જોતી હશે." કરણ ટેબલ પરથી ચાવી ઉઠાવી નીકળ્યો."

"એક મિનિટ કરણ."

દરવાજે પહોંચેલ કરણ ઉભો રહ્યો. પાછળ ફરીને જોયું તો આશુતોષ અદબથી ટેબલનો ટેકો લઈ સ્મિત આપતો ઉભો હતો. કરણ સમજી ગયો કે કંઈક વાત છે જ. કોઈ વાતે આશુ મારા પર ખુશ થયો લાગે છે.

"શુ?"

"તારા મેરેજમાં કે પાર્ટીમાં હું ન આવ્યો એ બદલ સોરી, પણ તું સમજી શકે છે યાર માર્ચ એન્ડિંગમાં કામનો કેટલો ભાર હોય છે!"

"ઇટ્સ ઓકે યાર."

"હમમ લે આ મારા તરફથી એક નાનકડી ગિફ્ટ." અશુતોષે નજીક આવી કરણના હાથમાં એક ચેક આપ્યો.

"વિ....સ... હ...જા....ર... રૂ... પિ.....યા......." ચેકની રકમ જોતા કરણ ડઘાઈ ગયો. "ના આશુ, પ્લીઝ આટલી મોટી રકમની ગિફ્ટ ન હોય દોસ્ત."

"કરણ, રાખ પ્લીઝ મારી કસમ. તું મારી ઓફીસ સંભાળે છે. તારી ઈમાનદારીના બદલે આ તો કઈ જ ન કહેવાય અને હવે તારા મેરેજ થઈ ગયા છે. હું તારી સેલેરી પણ આવતા મહિને વધારી દઈશ."

"આશુ, યાર તું....." કરણ આશુતોષને ભેંટી પડ્યો. કરણની આંખ ભીની થઇ ગઇ. એ કઈ જ બોલી ન શક્યો એ પરથી આશુતોષ સમજી ગયો કે આને હવે રવાના કરવો પડશે નહિતર રડી લેશે.

"અરે ભાઈ ભેટવાવાળી તારો વેઇટ કરે છે, ચલ જા હવે." અશુતોષે મજાકમાં કહ્યું.

કરણ સ્મિત આપીને ચાલ્યો ગયો. દરવાજે જઈ એકવાર ફરી પાછળ જોયું. આશુતોષ એમ જ ઉભો હતો. "થેંક્યું દોસ્ત...." મનના શબ્દો હોઠ પર લાવી કરણ નીકળી ગયો.

(ક્રમશ:)

***