The haunted painting
ભાગ:-7
કમલેશ નાં અગમ્ય કારણોસર થયેલ મોત પછી શેખર દ્વારા એને આપવામાં આવેલ પેઈન્ટીંગ ને મોહન શેખર ની સહમતિ મળતાં પોતાની સાથે લઈ જાય છે.. ઘરે પહોંચી ને મોહન બીજાં દિવસ ની સાંજ પોતાની ગર્લફ્રેન્ડ સોનિયા સાથે પસાર કરે છે. નવસારી સોદો પતાવી મોહન પોતાનાં પેન્ટહાઉસ પર પાછો આવે છે.. કમલેશ સાથે બનતી ઘટનાઓ મોહન સાથે બને છે.. અચાનક કમલેશે જોયો હતો એ શંભુ પ્રગટ થઈને મોહનને પણ મારી નાંખે છે અને એની લાશ ને બાથટબમાં નાંખી દે છે. હવે વાંચો આગળ
બપોરે અગિયાર વાગી ગયાં હોવાં છતાં મોહન નીચે ના આવ્યો એટલે હોટલ મેનેજરે એક વેઈટર ને મોહન નાં પેન્ટહાઉસ ની તપાસ કરવા મોકલ્યો..વેઈટર દસેક મિનિટ રહીને પાછો આવ્યો અને હોટલ મેનેજર ને જાણ કરી કે મોહન સર દરવાજો નથી ખોલી રહ્યાં.
વેઈટર ની વાત સાંભળી મેનેજરે મોહન ને ત્રણ વખત કોલ કરી જોયો..આખી રિંગ વાગવા છતાં કોઈએ કોલ રિસીવ ના કરતાં મેનેજર ને કોઈ મોટી ઘટના ની આહટ થતાં એ મોહન નાં પેન્ટહાઉસ ની એની જોડે રહેતી ચાવી લઈને પેન્ટહાઉસ નો દરવાજો ખોલે છે.
અંદર જઈને એ લોકો ચારે તરફ જોવે છે પણ મોહન નો ક્યાંક પત્તો લાગતો નથી..એને મોબાઈલ પણ ત્યાં પલંગ પર પડ્યો હોય છે એ જોઈ મેનેજર સમજી જાય છે કે મોહન ક્યાંક બહાર નહોતો ગયો..એની જોડે બીજાં બે વેઈટર પણ હોય છે જેમાંથી એક બાથરૂમમાં જોવા માટે જાય છે તો ત્યાં એ બહુ ખરાબ હાલતમાં બાથટબમાં પડેલી મોહનની લાશ જોઈને હેબતાઈ જાય છે અને મેનેજર ને અવાજ લગાવે છે.
મેનેજર ત્યાં આવીને જોવે છે તો ઇલેક્ટ્રીક ગીઝરનાં વાયર તૂટીને બાથટબમાં પડ્યાં હતાં જેથી પાણી ની અંદર કરંટ ફેલાઈ જવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું..કરંટ લાગવાથી જ મોહન સર નું મોત થયું હોવાનું એ સમજી ગયો હતો..પોલીસ ના આવે ત્યાં સુધી કોઈપણ વસ્તુ ને હાથ નહીં લગાવવાનું સૂચન અન્ય હોટલ સ્ટાફ ને કરી મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશન કોલ લગાવી ઘટના ની માહિતી આપી દીધી.મોહન જેવાં વગદાર વ્યક્તિ ની મોત નાં સમાચાર સાંભળી થોડીવારમાં તો પોલીસ ની ગાડી ત્યાં આવી પહોંચી.
પોલીસ ની ટીમ દ્વારા સૌપ્રથમ તો પાવરબંધ કરવામાં આવ્યો..ત્યારબાદ મોહન ની લાશ ને કાળજીપૂર્વક બહાર નીકળવામાં આવી.કરંટ લાગવાથી જુલસી જવાનાં લીધે અને આખી રાત પાણીમાં ફોગાવાને લીધે મોહન ની લાશ ભયંકર વિકૃત દેખાતી હતી.
પોલીસ નાં મતે આ સીધો અને સરળ અકસ્માત નો કેસ હતો..છતાંપણ લોબી ની CCTV ફૂટેજ ચેક કરી જોઈ જેનાં પરથી ખબર પડી કે મોહન નાં પોતાનાં પેન્ટહાઉસ માં ગયાં પછી અન્ય કોઈ અંદર ગયું જ નહોતું..મેનેજર અને અન્ય હોટલ સ્ટાફ ની પણ જરૂરી પૂછતાજ કરવામાં આવી..આ દરમિયાન આ ઘટના ની જાણ શેખર પટેલ ને થતાં એ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.
શેખરે પોલીસ જોડે સમગ્ર ઘટનાની માહિતી મેળવી..શેખર ને પણ આ એક અકસ્માત હોવાનું સાફ સાફ જણાઈ રહ્યું હતું..પોતાનાં બીજાં દોસ્ત નું કરુણ મૃત્યુ થતાં શેખર રીતસરનો ભાંગી ગયો હતો..કમલેશ પછી એની જીંદગી માં કોઈ પોતાનું હોય તો એ હતો મોહન..પણ કમલેશ ની મોત નાં પાંચ દિવસ પછી મોહન ની અકાળ મૃત્યુ એ શેખર ને બહુ મોટો આંચકો આપ્યો હતો.
પોલીસ ની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ પ્રોસેસ પૂર્ણ થયાં બાદ શેખરે પોતાનાં હાથે જ મોહન નો અંતિમ સંસ્કાર કર્યો.કમલેશ મર્યો ત્યારે તો રડવા માટે મોહન નો ખભો હાજર હતો પણ મોહન ની મૃત્યુ પછી તો પોતે સાવ એકલો અટૂલો થઈ ગયો હોવાનું શેખર અનુભવી રહ્યો હતો.
શેખર મોહન નાં મૃત્યુ પછી ની જરૂરી વિધિ પતાવી અઠવાડિયા પછી મોહનનાં પેન્ટહાઉસ ને લોક મારી નીકળતો જ હતો ત્યાં શેખર નાં કાને કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો..શેખરે અંદર જઈને જોયું તો ત્યાં પેલી પેઈન્ટીંગ 'the burning man' જમીન પર પડી હતી..એને જોતાંજ શેખર ને લાગ્યું જાણે એ પેઈન્ટીંગ એને કહી રહી હતી કે તારાં મિત્રો ની યાદ રૂપે મને તારી સાથે લેતો જા.શેખરે એ પેઈન્ટીંગ ને પોતાની સાથે લઈ જવાનું મન બનાવી લીધું અને પેઈન્ટીંગ ને પોતાની સાથે પોતાનાં ઘરે લઈ ગયો.
***
પોતાનાં ઘરે પહોંચી શેખર વિચારધીન મુદ્રા માં પથારીમાં પડ્યો પડ્યો પોતાનાં દોસ્ત કમલેશ અને મોહન વિશે વિચારી રહ્યો હતો..એક અઠવાડિયા પહેલાં તો કમલેશ નાં જન્મદિવસ નિમિત્તે એમને જોડે કરેલી મોજ મજા યાદ કરીને શેખર ની આંખો ભરાઈ આવી.
એ બંને ને યાદ કરતાં કરતાં શેખરને પોતાનાં એક અન્ય દોસ્ત ની યાદ આવી ગઈ શંભુનાથ ઉર્ફ શંભુ..આજથી પંદર વર્ષ પહેલાં એમની ટીમ હતી જેને ચંદાલ ચોકડી કહેવામાં આવતી.મોહન,શંભુ,શેખર અને મોહન એ વખતે ગરીબીમાં જીવતાં હતાં.ઘણી બધી મહેનત કરવા છતાંય એમની આર્થિક સ્થિતિ માં લેશ માત્ર પણ ફરક ના પડતાં એ લોકો વધુ કમાવવાનાં મોહમાં ચોરી નાં રવાડે ચડી ગયાં.
એ લોકોની એક પેટર્ન હતી જે મુજબ એ લોકો ચોરી ને અંજામ આપતાં.ગુજરાતમાં ચોરી કરે તો પકડાઈ જવાનો ચાન્સ ખરો પણ ગુજરાત બહાર ચોરી કરવાની અને પાછું ગુજરાત આવી જવાનું..પાછું મહિના પછી અન્ય રાજ્ય શોધવાનું અને ત્યાં પહોંચી જવાનું.રાજસ્થાન,હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં એ ચારેય મળીને દસેક જેટલી રોબરી ને અંજામ આપી ચૂક્યાં હતાં.આ બધી રોબરીમાં એમને મબલખ રકમ મળી હતી.
એકવખત એમને ન્યૂઝપેપરમાં ખબર જોઈ કે દિલ્હી એક મ્યુઝિયમમાં નિઝામ વખતનાં કિંમતી હીરાનું એક્ઝિબેશન છે..આ હીરા ની બ્લેક માર્કેટમાં દસ કરોડ જેટલી રકમ એ વખતે અંકાતી હતી..આ છેલ્લી ચોરી કરી આ બધું કામ ત્યારબાદ નહીં કરીએ એવું નક્કી કરી શેખર,શંભુ,મોહન અને કમલેશ ની ચંદાલ ચોકડી દિલ્હી જવા માટે રવાના થઈ ગયાં.
રોબરી નું ટાઇમિંગ,રોબરી માટે વાન અને ચોરી કરી ક્યાં જવું જેવી વસ્તુનો અભ્યાસ કરી રોબરી નું પરફેક્ટ પ્લાનિંગ કરી એ લોકો એક્ઝિબેશન ની આગળની રાતે ત્યાં મ્યુઝિયમ ખાતે રોબરી માટે ત્રાટક્યા.પ્લાન મુજબ બધું ઉચિત ચાલ્યું ને એ લોકો હીરાને ચોરવામાં સફળ થયાં.હીરા ની ચમક ચહેરા પર પડતાં એ લોકો નો ચહેરો પણ ચમકી ઉઠ્યો.
હીરાને લઈને એ લોકો એક્ઝિબેશન નાં મુખ્ય હોલમાંથી નીકળી બહાર જવા માટે જતાં હતાં ત્યાં એક ચોકીદાર એમને જોઈ ગયો.એ લોકો જ્યારે એકક્ઝીબેશ લોબીમાં હતાં ત્યારે એ ચોકીદારે પોતાની સિક્યોરિટી ગનમાંથી એક બુલેટ ફાયર કરી જે જઈને સીધી શંભુ નાં પેટમાં આરપાર ઉતરી ગઈ.
ગોળી વાગતાં જ શંભુ ની કારમી ચીસ નીકળી ગઈ..શેખર ટેકો આપીને શંભુ ને બહાર ઉભેલી ગાડી સુધી લેતો આવ્યો.એ લોકો કોઈનાં હાથમાં આવે એ પહેલાં જ ગાડી લઈને ત્યાંથી નીકળી ગયાં.એ લોકો ને હવે દિલ્હી બોર્ડર ક્રોસ કરી ઉત્તરપ્રદેશ જવું હતું.રસ્તા પર પોલીસ નો ચાંપતો બંદોબસ્ત નડવાનો એવું વિચારી એ લોકો મેઈન હાઇવે પર જવાનાં બદલે જંગલ જેવાં વિરાન પ્રદેશમાંથી જઈ રહ્યાં હતાં.
ચોકીદારે છોડેલી ગોળી શંભુ ને પેટમાં છેક અંદર સુધી ઉતરી ગઈ હોવાની એનાં પેટમાંથી લોહી સતત વહી રહ્યું હતું..એ દર્દ અને પીડાથી કણસી રહ્યો હતો.
"મોહનીયા આને હોસ્પિટલ લઈ જવો પડશે નહીં તો આ મરી જશે લ્યા."શેખરે પોતાનાં ખોળામાં માથું રાખીને સૂતાં શંભુ નો ચહેરો જોઈને કહ્યું.
"પણ શેખર રોબરી ની વાત શહેરનાં બધાં પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હશે એટલે શહેરની બધી પોલીસ અત્યારે શહેરમાં ફેલાઈ ગઈ હશે..એમાં પણ ચોકીદારે પોલીસ ને જ્યારે પોતાની ગોળી થી એક ચોરી કરનાર વ્યક્તિ ઘવાયો હોવાની વાત કહી હશે ત્યારે તો પોલીસ ઠેર ઠેર હોસ્પિટલમાં ગોઠવાઈ ગઈ હશે.."કમલેશ બોલ્યો..હીરા ની ચોરી પછી જે ખુશી એનાં ચહેરા પર હતી એ ડરમાં પરિવર્તન પામી ગઈ હતી.
"તો પછી શું કરીશું..?"શેખરે પૂછ્યું.
"જો શેખર સીધી ને સ્પષ્ટ વાત છે..શંભુ ને આપણી જોડે વધુ સમય સુધી આગળ લઈ જવો શક્ય નથી..આમ પણ આ હાલતમાં એ વધુ જીવી નહીં શકે એ નક્કી છે.આપણે જે રીતે આગળ વધીએ છીએ એમ વધે જઈશું તો જ સવાર પહેલાં ઉત્તરપ્રદેશ ની હદમાં પહોંચી શકીશું.."મોહન ગાડી ચલાવતાં ચલાવતાં બોલ્યો.
એટલામાં શંભુ ને આંચકી આવી..એની આંખોમાંથી પીડા નાં લીધે સતત પાણી નીકળી રહ્યું હતું..પોતાને બચાવી લેવાની અરજ સાથે શંભુ સતત શેખર ની તરફ જોઈ રહ્યો હતો.શેખરથી શંભુ નું આ દર્દ સહન ના થયું એટલે એ મોહન પર ચિલ્લાઈને બોલ્યો.
"મોહન ગાડી ને યુટર્ન લે અને કોઈ હોસ્પિટલ લઈ જા.નહીં તો આ શંભુ મરી જશે.."
"જો શેખર તારે ઉતરવું હોય તો તો શંભુ ને લઈને ઉતરી જા..પણ આ ગાડી નહીં ઉભી રહે..ઉત્તરપ્રદેશ પહોંચીએ ત્યાં સુધી શંભુ બચી જાય તો ઠીક બાકી એનાં લીધે આપણી જીંદગી બગાડીશું નહીં.મોહન તું તારે ચલાવે જા.."કમલેશ મોહન ની જગ્યાએ બોલ્યો.
કમલેશ ની વાત સાંભળી શેખર ગુસ્સામાં બોલ્યો.
"કેવાં દોસ્ત છો તમે..અહીં એક મિત્ર મરી રહ્યો છે ને તમે.."
"જો શેખર અમને પણ લાગણી છે શંભુ ની ઉપર..તારી જેમ અમે પણ એને એટલો જ પ્રેમ કરીએ છીએ..પણ તું જ વિચાર કે એને હોસ્પિટલમાં લઈ જઈશું તો એ બચી જશે એ વાત ની ગેરંટી ખરી..પણ જો આપણે જઈશું તો આપણે પકડાઈ જઈશું અને સાત-આઠ વર્ષની સજામાં જેલમાં જઈશું એ નક્કી છે.."કમલેશ પાછળની તરફ ગરદન ઘુમાવી શેખર તરફ જોઈને બોલ્યો.
કમલેશ ની વાત એક રીતે જોઈએ તો વ્યાજબી હતી..લાગણીશીલ થઈને વિચારવામાં જોખમ હતું એ વાત શેખર ને સમજાઈ ગઈ છતાં પોતાનાં પરમ મિત્ર ને આમ મરતો જોવો એની માટે શક્ય નહોતું.
"મોહન ગાડી ઉભી રાખહું આમ શંભુ ને મરતો નહીં જોઈ શકું.."રડમસ સ્વરે શેખર બોલ્યો.
"શું કરવું છે તારે..?"શેખર ની વાત સાંભળી મોહન જોરથી બોલ્યો.
"જો અહીં એક નદી જાય છે આપણે શંભુ ને એમાં ફેંકી દઈએ..આમ એ તરફડીને મરે એનાં કરતાં પાણીમાં ડૂબીને મરે એ વધુ સારું રહેશે.એ બહાને એને આ પીડામાંથી છુટકારો મળી જશે"જંગલમાંથી પસાર થતો એક નદીનો વ્હેળો જોઈ શેખર બોલ્યો.
શેખર ની વાત સાંભળી મોહને ગાડી ઉભી રાખી..ત્યારબાદ એ લોકો એ બેહોશ શંભુ ને કારમાંથી પકડીને નદીમાં નાંખી દીધો અને ત્યારબાદ એ લોકો ઉત્તરપ્રદેશ જવા નીકળી ગયાં.. એ પછી ત્યાંથી એ લોકો પાછાં પોતાની યોજના મુજબ ગુજરાત આવી ગયાં. મ્યુઝિયમમાં થયેલી ચોરી ની ખબરો ઘણાં સમય સુધી ન્યૂઝપેપર અને ટેલિવિઝન ચેનલો પર આવતી રહી.આ બધી ખબરોમાં ક્યારેય કોઈની લાશ પોલીસને મળી હોવાની ખબર ના આવતાં એ લોકો ને નવાઈ જરૂર થઈ.
ગુજરાતમાં આવીને એ રોબરી ની તપાસ ધીમી થતાં એ લોકોએ હીરા બ્લેક માર્કેટમાં દસ કરોડમાં વેંચી દીધાં.દસ કરોડમાંથી ત્રણ સરખા ભાગ પાડીને મોહને, શેખરે અને કમલેશે પોતપોતાની આવડત મુજબ એ નાણાં બિઝનેસમાં રોકયા અને એમાંથી સારું એવું કમાયા હતાં.દોલત ની સાથે અમદાવાદમાં એમનું સારું એવું નામ અને રૂતબો પણ થઈ ગયો હતો..આખા શહેરમાં કોઈને ખબર નહોતી કે આ ત્રણેય હકીકતમાં એક સમયનાં રીઢા ગુનેગાર હતાં.
આજે એ વાતનાં તેર વર્ષ પછી શેખર પોતાનાં ઘરે એકલો બેઠો બેઠો એ રાતે જે કંઈપણ થઈ ગયું હતું એ વિધિની વક્રતા હતી એવું વિચારી રહ્યો હતો..છતાંપણ મનનાં એક ખૂણે શંભુ ને એ લોકોએ મરવા માટે છોડી દીધો હતો એ વાતનો પસ્તાવો પણ હતો.
તેર વર્ષ પહેલાં શંભુ ને ખોવાનું દુઃખ અને આજે કમલેશ અને મોહન ને ખોવાનું દુઃખ શેખર માટે વજરાધાત સમાન હતું.
***
શંભુ જોડે એ રાતે બનેલી વીતક અને કમલેશ અને મોહન ની તાજેતરમાં થયેલ અપમૃત્યુ વિશે વિચારતાં શેખર માનસિક રીતે હતાશ થઈ ગયો અને એજ મનોમંથન કરતાં કરતાં એ રાતે સુઈ ગયો.
સવારે જ્યારે શેખર ઉઠ્યો એવોજ સ્નાન ઇત્યાદિ પ્રવૃત્તિ પતાવીને ઘરમાં બનાવેલી ભગવાન ની પ્રતિમા ને દર્શન કરીને બોલ્યો.
"ભગવાન..ખબર નહીં મને કયા જન્મનાં પાપ ની સજા મળી રહી છે..જ્યારે કંઈપણ નહોતું ત્યારે પણ મારાં મિત્રોનાં સંગમાં મારી જોડે દુનિયાની તમામ ખુશીઓ હતી..પણ આજે બધું હોવાં છતાં એ એમનાં વગર હું એકલો પડી ગયો છું..આવા સમયમાં મને સંયમ અને તાકાત આપજે.."
આટલું કહી શેખર મંદિરમાંથી બહાર નીકળ્યો અને પોતાનું વોલેટ ખોલી એની અંદર મોજુદ શંભુ, કમલેશ, મોહન ની સાથે પોતાની બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીર જોઈ..એ જોતાં જ શેખર ની આંખો પુનઃ ઉભરાઈ આવી.
મોહન અને કમલેશ ની મોત તો પોતે રોકી શકે એમ નહોતો પણ શંભુ ની મોત માટે તો કંઈક અંશે એ પોતે પણ જવાબદાર હતો એ વાતનું દુઃખ શેખર ને વર્ષોથી કોરી ખાતું હતું.આ વાત નો ઉલ્લેખ એને ઘણીવાર મોહન અને કમલેશની આગળ પણ કર્યો હતો. અચાનક શેખર ને કંઈક યાદ આવતાં એ મનોમન બોલ્યો.
"હા..મારે એ વિશે જરૂર તપાસ કરવી જોઈએ..શું ખબર ત્યાં જઈને કંઈક એવું મળે જે મારાં દર્દ નો મલમ બનવાનું કામ કરી જાય.હા હું ત્યાં ચોક્કસ જઈશ બાકી દિલ પર ભાર લઈને જીવવું હવે મારાં માટે શક્ય નથી.."
આટલું વિચારી શેખર પોતાનાં નોકર ને થોડાં સૂચનો આપી પોતે બે દિવસ પછી પાછો આવશે એવું જણાવી બે જોડ કપડાં લઈને ઓફીસ જવાનાં બદલે ક્યાંક નીકળી પડ્યો..જ્યાં શાયદ એની પોતાનાં મનની શાંતિ ની ખોજ પુરી થવાની હતી.!!
વધુ આવતાં ભાગમાં..
આખરે શેખર ક્યાં ગયો હતો..?? શેખર પોતાની મન ની શાંતિ માટે શું કરવાનો હતો..?? શું શેખર પોતાની જાતને બચાવી શકશે?? ..આ સવાલોના જવાબ 'the haunted painting' નાં છેલ્લાં ભાગમાં.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક અને
ડણક
પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ