Cable cut - 30 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ, પ્રકરણ ૩૦

Featured Books
Categories
Share

કેબલ કટ, પ્રકરણ ૩૦

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૦
"સાહેબ, અમે પહેલાં તો હાબિદનો ખાસ માણસ જાયમલને શોધવાના છીએ અને તેની સાથે હીરાલાલની ડ્રગ્સની મોટી ડીલ કરાવવાના બહાને હાબિદ સુધી પહોંચીશું."ખેંગારે ધીમા સ્વરે તેમનો પ્લાન શોર્ટમાં કહ્યો
"સાહેબ, હાબિદ અને તેના આકાઓ દરિયાઇ માર્ગ કરાચી અને દુબઇથી દરિયા માર્ગે શસ્ત્રો અને ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચાડે છે. તેનો લિગ્નાઇટનો પણ બિઝનેસ છે. હાબિદ કચ્છની બોર્ડર પર કે રાજસ્થાનની બોર્ડર પર જ કયાંક મળી જશે પણ તેની પરફેક્ટ લોકેશન તેના ખાસ પંટર જાયમલને જ ખબર હોય છે." ગફુર કુંપાવત સાહેબની સામે જોઇને બોલ્યો.
"અને જાયમલ કયાં .."કુંપાવત સાહેબ બોલ્યા
"તે તો અમદાવાદમાં જ શોધે મળી જશે."
કુંપાવત સાહેબ પણ તરત બોલી ઉઠ્યા, "મિશનમાં તમે એકલા નહીં હોવ, તમારી આસપાસ તમને મદદ માટે કે તમને કવર કરવા માટે ટીમ પણ હશે."
"પણ તેનાથી વાત .." ગફુર બોલ્યો
"વાત ખાનગી જ રહેશે અને અહીં હાજર ટીમના જ ઓફિસર તમારી આસપાસ રહેશે એટલે તમે બેફીકર થઇને તમારુ કામ કરજો."ખાનસાહેબ બોલ્યા.
"અને સાહેબ ..અમારી કેટલીક શરત .."ગફુર અચકાતાં અચકાતાં બોલ્યો.
"હા. બધી શરત મંજુર અને અમારી શરતો પણ તમારે માનવી પડશે. જેવીકે ..તમારી લોકેશન તમારે અમને યા તમારી આસપાસની ટીમને આપવી પડશે, તમે ઉતાવળે કોઇની પર હુમલો ના કરતાં પણ તમારી સેફટી માટે તમે હથિયાર વાપરી શકશો. હાબિદ અમને જીવતો જોઇએ છે એ પણ તમે યાદ રાખજો." કુંપાવત સાહેબે કહ્યું.
"હા, મંજુર છે અને અમારી શરત છે કે, સ્થાનિક પોલીસને જાણ કરવી નહીં. અમને જોઇતી કાર,બાઇક, હોટલ જેવી સગવડ, પૈસા, હથિયાર, મોબાઇલ, ડ્રગ્સ, દારુ જેવી વસ્તુઓ જયારે-જયારે જરુર પડે તાત્કાલીક મળવી જોઇએ." ખેંગારે કહ્યું.
"હા. મળી જશે અને તમારી આસપાસની ટીમ તમારી આ બધી મદદ અને તમને કવર કરવા માટે જ હશે. તમે ટીમની જાણકારી મેળવી લો અને કાર્યવાહી ચાલુ કરી દો."કુંપાવત સાહેબ બોલ્યાં
"ઇન્સપેક્ટર મેવાડા, ઇન્સપેક્ટર નવાબ તમારી જોઇતી તમામ સગવડ, વસ્તુઓ પુરી પાડશે. તેઓ સતત તમારા સંપર્કમાં રહેશે. એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ ઇન્સ્પેકટર નાયક, બોંબ ડીફયુસ એક્ષપર્ટ વિરેન તમારી સેફટી માટે તમારી કાર્યવાહી પર સતત દુરથી નજર રાખશે. મોબાઈલ અને સાયબર ટીમના એક્સપર્ટ તમને સૌરીન તમને જોઇતી ટેકનીકલી મદદ કરશે અને જીપીએસથી તમારી લોકેશન પર વોચ રાખશે. કોન્સટેબલ રઘુવીર તમારા સારથી અને હીરો હીરાલાલ તમારી સાથે રહેશે."ખાન સાહેબે ટીમના દરેકની સામે જોતા જોતા આખા પ્લાનની વાત કરી.
પ્લાન સાંભળી હાજર તમામે ઇશારામાં હા કહી પછી ખાન સાહેબે કોઇને કંઇ પુછવું તો પુછવા કહ્યું.
"અમારે હાલ એક બાઇક, બે પોકેટ ગન, બે મોબાઇલ સીમ, ડ્રગ્સનું સેમ્પલ પેકેટ અને દશેક હજાર રુપીયા જોઇશે."ઇન્સપેક્ટર મેવાડાની સામે જોઇને કહ્યું.
ઇન્સપેક્ટર મેવાડા તેમની માંગેલી વસ્તુઓની ગોઠવણ કરે ત્યાં સુધી તે બંનેએ હોલ્ડ ઓલ ભરીને તૈયાર કરી લીધો. 
થોડીવારમાં જ ઇન્સપેક્ટર મેવાડા બાઇક, બે પોકેટ ગન, જીપીઆરએસ સેટ કરેલ બે મોબાઇલ, ડ્રગ્સનું સેમ્પલ પેકેટ લઇને આવી ગયાં. તે બધી વસ્તુઓ તે બંનેએ પોકેટ અને હોલ્ડ ઓલમાં પેક કરી લીધી. 
ગફુરે હીરાલાલને તૈયાર રહેવાનું કહી ખાન સાહેબ અને કુંપાવત સાહેબની પરમીશન લઇ મિશન પર નીકળ્યા.
મિશન પુરુ થાય ત્યાં સુધી ગફુર અને ખેંગારની કાર્યવાહી પર વોચ રાખવા ક્રાઇમ બ્રાંચમાં કુંપાવત સાહેબે એટીએસની ટેમ્પરરી ઓફિસ બનાવી. 
                  ********
ખાન સાહેબે ઇન્સપેક્ટર અર્જુનને બોલાવી બબલુ કેસમાં આગળની કાર્યવાહી વિશેની જાણકારી મેળવી
"સર,બબલુએ બિલ્ડરના ધંધામાં રોકાણ કરવા જેને પૈસા આપ્યા હતાં તે મુળજી કોન્ટ્રાક્ટર પર શક છે એટલે પુછપરછ માટે તેમને બોલાવાના છે, તમે કહો ત્યારે બોલાવીએ."ઇન્સપેક્ટર અર્જુને કહ્યુ
"હા. શકય હોય અત્યારે જ બોલાવી લો."
ઇન્સપેક્ટર અર્જુને તરત જ મુળજી કોન્ટ્રાક્ટરને ફોન કરી પુછપરછ માટે બોલાવાની વાત કરી અને તેઓ આવવા માટેની વાત પર તૈયાર પણ થઇ ગયાં. 
એકાદ કલાક પછી મુળજી કોન્ટ્રાક્ટર ક્રાઇમ બ્રાંચ આવી પહોંચે છે અને તેમને લઇને ઇન્સપેકટર અર્જુન ખાનસાહેબની ઓફિસમાં પહોંચે છે, ત્યાં આખી ટીમ તેમની રાહ જોઇ રહી હતી. 
"આપ ૩૦ અને ૩૧ તારીખે કયાં હતાં ?" ખાન સાહેબે મુળજી કોન્ટ્રાકટની આંખોમાં આંખ પરોવી પુછપરછ શરુ કરી.
"હું અહીં જ મારી ઓફિસે અને ઘરે હતો."
"બબલુ સાથે તમારે કેવા સંબંધો હતાં ?"
"પણ આમ.. મને અહીં બોલાવી, બબલુ વિશેના પ્રશ્નો પુછવાનું કારણ .."
"કારણકે તમારા પર પોલીસને શક છે કે તમે બબલુનું .."
"હું બબલુ જેવા ગુંડા, દગાબાજ, ચીટર માણસનું નામ લેવા પણ નથી માંગતો, હું બબલુને કેટલાય સમયથી મળ્યો પણ નથી. મને બબલુ સાથે દોસ્તી કે દુશ્મની રાખવામાં રસ નથી."
"તમારી આટલી બધી નારાજગી જ તેના પર હુમલાનું કારણ છે કે કેમ તે માટે જ તમને પુછપરછ કરવા બોલાવ્યા છે. આપ બબલુ સાથેના સંબંધોની શરુઆતથી અંત સુધીની સાચી વાત વિચારીને કહો."
મુળજી કોન્ટ્રાકટરે થોડીવાર માટે આંખો બંધ કરી. ખાન સાહેબે ફેસ રીડર ચંપાવત અને અન્ય ટીમના ઓફિસરને મુળજી કોન્ટ્રાકટરની વાત સાંભળવા ઇશારો કર્યો.
ખાન સાહેબે પાણીનો ગ્લાસ આપતાં કહ્યું, "મુળજી, તમે પાણી પીને શાંતિથી આપની વાત જણાવો."
મુળજી કોન્ટ્રાકટરે પાણી પીને પોતાની વાત કહેવાની શરુઆત કરી, " સાહેબ, હું વર્ષો પહેલાં કન્ટ્રકશનના નાના મોટા કામ કરતો હતો. હું રુપીયાના અભાવે મોટા કામ કરી શકતો ન હતો પણ એક દિવસ મને એક મિત્રની મદદથી બબલુનો કોન્ટેક થયો. બબલુ તે સમયે વ્યાજે પૈસા આપતો હતો અને તેણે મને પણ મારા કન્ટ્રકશનના બિઝનેશ માટે માંગ્યા તેટલા રુપીયા આપ્યાં. બબલુએ મને કરોડો રુપીયા ધંધામાં આપ્યા અને મેં લાખો રુપીયા વ્યાજ સાથે તેના રુપીયા સમયસર પરત પણ કર્યા. ધીમે ધીમે મારી પાસે પણ રુપીયા બન્યા અને મને બીજા ઇન્વેસ્ટર પણ મળતાં ગયા એટલે બબલુ સાથેનો વ્યવ્હાર ઓછો થઇ ગયો. મેં જુના દિવસોમાં બબલુ એ મદદ કરી હોવાથી તેની સાથે સંબંધ રાખવા લેવડદેવડ ચાલુ રાખી."
"આ તો દોસ્તીની વાત કરી તમે, દોસ્તી ખતમ કયાં થઇ ?" ખાન સાહેબે તેમને અટકાવીને બોલ્યાં.
"બબલુએ મારી મિત્રતાનો દુરપયોગ શરુ કર્યો એટલે અમારી મિત્રતા ઘટવા લાગી. તે ભાઇબંધીનો દુરપયોગ કરી મારા દરેક શોપીંગ કોમ્પલેકસમાં મોકાની દુકાનો, ઓફિસ સસ્તામાં લઇ મોંઘી કિંમતે વેચતો હતો. મેં તેને આમ ન કરવાનું સમજાવતા તે દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. તેણે મારા નવા બની રહેલા મોલમાં પણ મોકાની સ્પેસ લેવા જબરદસ્તી કરી રહ્યો હતો, ખોટી અરજીઓ કરી સરકારનું દબાણ પણ મારી પર લાવતો હતો અને ત્યાંથી અમારી મિત્રતા ઘટી ગઇ હતી. પણ અમારા કોમન મિત્રોએ ભેગા થઇ સમજાવટથી મેં મોટુ મન રાખી તેને મારી સ્કીમમાં છેલ્લી વખત સ્પેશ આપી હતી. તે પછી અમારી વચ્ચે કોઇ સંબંધ રહ્યા નથી."
"આ વાતને કેટલો સમય થયો ?"ઇન્સપેક્ટર અર્જુને પુછ્યું.
"ત્રણેક વર્ષ .."
"હજુ કંઇ કહેવું છે તમારે બબલુ વિશે."
"સાહેબ, બબલુએ મારા જેવા ઘણા લોકો જોડે દુશ્મની કરી છે એટલે જ તેના આવા હાલ થયાં છે, વધુ મારે કંઇ કહેવું નથી." મુળજી કોન્ટ્રાકટરે હાથ જોડીને કહ્યું. 
ઇન્સ્પેક્ટર અર્જુને તપાસમાં મદદ કરવા બદલ મુળજી કોન્ટ્રાકટરનો આભાર માન્યો અને કહ્યું, "તમને જવા દેવામાં આવે છે પણ તમારે આ શહેર છોડીને જવાનું નથી, જરુર પડે તપાસ માટે અહીં હાજર થવુ પડશે અને દર અઠવાડિયે અહિં હાજરી પુરાવવા આવવું પડશે. આ શરતો મંજુર હોય તો લેખિતમાં સ્ટેટમેન્ટ સાથે આપો એટલે તમને જવા દઇશું."
મુળજી કોન્ટ્રાકટરે શરતો મંજુર રાખી તેમના નિવેદન પર સહી કરી આપી એટલે તેમને જવા દેવામાં આવ્યા. 
ખાન સાહેબે મીટીંગ પતાવતા ઇન્સપેક્ટર અર્જુનને કહ્યું, "મને મુળજી કોન્ટ્રાકટરની પુછપરછનું રેકોર્ડિંગ, ફેસ રીડીંગ રિપોર્ટ, કોલ ડીટેલ અને સ્ટેટમેન્ટ જેટલી જલ્દી બને તેમ મોકલી આપો."
                     *****
મીટીંગ પુરી કરી ખાન સાહેબ કુંપાવત સાહેબ પાસે પહોંચે છે. કુંપાવત સાહેબ જીપીઆરએસ ટ્રેક કરીને અને ટીમ બી પાસેથી ગફુર અને ખેંગાર પર વોચ રાખી રહ્યા હતાં. 
બપોરની ચા પીતા પીતા ખાન સાહેબ અને કુંપાવત ચર્ચા કરી રહ્યા હતાં. કુંપાવતે પેલા બે જણની ગતિવિધિની ટુંકમાં માહિતી આપતાં કહ્યુ, "તે બે જણાં અમદાવાદના દરીયાપુર, શાહપુર અને કાળુપુરની ગલીઓમાં ફરી રહ્યા છે."
"તેમની સાથે કોઇને વાત થઇ." ખાન સાહેબે પુછ્યુ.
"ના. પણ હું થોડીવારમાં તેમને ડાયરેકટ કોલ કરવાનું વિચારુ છું. ઘણો સમય થઇ ગયો.." કુંપાવત સાહેબ બોલ્યા 
તે બંનેની વાત ચાલતી હતી ત્યાંજ ઇન્સપેક્ટર નવાબનો કુંપાવત સાહેબના મોબાઇલ પર કોલ આવે છે અને તે કહે છે, "સર, તે બંનેની ડીમાન્ડ આવી છે."
"શું ડીમાન્ડ? "
"એક પ્રીમીયમ વિસ્કી અને એક ..."
"અને શું ?"
પળવાર માટે ઇન્સપેક્ટર નવાબ બોલતાં અચકાય છે પણ ધીમે રહીને કહે છે, "સર, તેમને એક કોલ ગર્લ જોઇએ છે."
"શું.. કોલ ગર્લ ? નોનસેન્સ જેવી ડીમાન્ડ કરે છે તે બંને." કુંપાવત સાહેબ ગુસ્સામાં બોલ્યા.
"એક મીનીટ હોલ્ડ કરો." કુંપાવત સાહેબે કોલ હોલ્ડ પર રાખી ખાન સાહેબ સાથે ગફુર અને ખેંગારની ડિમાન્ડની વાત કરી.
"તમે પ્રિમીયમ વિસ્કી પહોંચાડી દો અને બીજી ડીમાન્ડ માટે ગફુરને કહો મને તાત્કાલિક ફોન કરે." ખાન સાહેબે ધીમા સ્વરે કહ્યું.
ખાન સાહેબે અને કુંપાવત સાહેબે આવી વિચિત્ર ડીમાન્ડ કરવાના કારણ પર વિચારતા હતાં ત્યાં જ ગફુરનો કોલ આવ્યો અને તે ઉતાવળમાં બોલ્યો, "સર, તમે પ્રોમિસ કરી હતી કે બધી ડીમાન્ડ પુરી થશે ને હવે.."
"તને કોઇ ભાન છે, આવી ડીમાન્ડ આવા સમયે .." ખાન સાહેબે ફોન સ્પીકર પર કરી વાત કરી.
"અરે સાહેબ, પેલો જાયમલ મળી ગયો છે અને તેને અમારે પાર્ટી આપવાની છે. તે હરામી શરાબ અને શબાબનો શોખીન છે. તેને પટાવવા આ બધુ કરવું જ પડશે."
"ઓકે, આગળનો પ્લાન શું છે ?"
"સાહેબ, અમે જાયમલને રાતે બોલાવી દારુ પીવડાવી તેનો શોખ પુરો કરીને હીરાલાલ જોડે કોન્ટેક કરાવી ડ્રગ્સનો મોટો સોદો કરાવાનું પ્લાનિંગ કર્યું છે. હીરાલાલને રાતે તૈયાર રહેવા અને સાથે ડ્રગ્સ ખરીદવા બે કે ત્રણ લાખ રોકડા રાખવા કહેજો."
"થઇ જશે પણ તમે રાતે કઇ જગ્યાએ મળશો ?"
"એ હજુ ફાઇનલ નથી પણ .."
"હું નજીકમાં એક ફાર્મ હાઉસનું સેટીંગ કરી રાખુ છુ, તે હીરાલાલનું છે તેમ તમે કહેજો અને હીરાલાલ જોડે કોન્ટેક કરાવી દે જો. પેલી કોલગર્લ અને પ્રીમીયમ વ્હીસ્કી જોઇતી હશે તો તે પણ ત્યાંજ મળી જશે."
"ઓકે ખાન સાહેબ ."
ખાન સાહેબે ઇન્સપેક્ટર મેવાડાને નજીકમાં ફાર્મ હાઉસ, પ્રિમિયમ વ્હીસ્કી, કોલ ગર્લ, પ્રિમિયમ કાર, ત્રણ લાખ રોકડા જલ્દીથી તૈયાર રાખવા કહ્યું. 
ખાન સાહેબ અને કુંપાવત સાહેબે હીરાલાલને બોલાવી આગળના પ્લાનની વાત કરી અને  હેરોઇન, કોકેઇન, મેથાફેટેમિન, હશીશ, અફીણ, ગાંજા જેવા અન્ય ડ્રગ્સની સમજણ આપી. હીરાલાલે પણ ડ્રગ્સ માફિયાના રોલની તૈયારી કરી લીધી. સાંજ પડે ત્યારે ગફુર અને ખેંગારના ફોનની રાહ બધા જોઇ રહ્યા હતાં.
                        *****
ઇન્સ્પેક્ટર અર્જુને મુળજી કોન્ટ્રાક્ટરનો મોબાઇલ નંબર મોબાઇલ એક્ષપર્ટને કોલ ડીટેઈલ માટે મોકલી આપી. મર્ડરની તારીખની આસપાસના દિવસે તેમની લોકેશનની માહિતી ચેક કરી અને ફેસ રીડર ચંપાવત પાસેથી રીપોર્ટ લઇ ખાન સાહેબને સોંપ્યો. 
ખાન સાહેબે રીપોર્ટનો અભ્યાસ કરી ટીમ જોડે ચર્ચા કરી. ચર્ચાને અંતે મુળજી કોન્ટ્રાક્ટર પણ નિર્દોષ હોઇ તેવું લાગી રહ્યું હતું. હવે તેમનો શક હાબિદ પર મજબુત થઇ રહ્યો હતો.
આછુ અંધારુ થવાની સાથે સાંજ થવાની તૈયારી હતી અને ખાન સાહેબ વિચારમગ્ન થઇ બારીની બહાર જોઇ રહ્યા હતાં ત્યારે ઇન્સપેક્ટર નવાબનો કોલ આવે છે.
"હલ્લો, બોલો શું થયું ?"
"તે બે જણા પેલા જાયમલ સાથે બે બાઇક પર એસ જી હાઇવે તરફ જઇ રહ્યા છે."
"ઓકે, તમે તેમના પર વોચ રાખજો. તેમને ફાર્મ હાઉસ પર લઇ જવાના છે, તેમનો કોલ આવે હીરાલાલને ડ્રગ માફિયા અને કોન્સટેબલ રઘુવીરને ડ્રાઇવર બનાવી અહીંથી રવાના કરીશું."
"યસ સર."
ખાન સાહેબે કુંપાવત સાહેબને મળીને હીરાલાલ અને કોન્સટેબલ રઘુવીરને કાર સાથે તૈયાર રહેવા કહ્યું. હીરાલાલને ફાર્મ હાઉસની લોકેશન પણ સમજાવી દેવામાં આવી.
ખેંગારે એસ જી હાઇવે પર એક ઢાબા પર પહોંચી જાયમલને કહ્યું ,"યાર, એક મોટો ડ્રગ માફિયાનો કોન્ટેક મળ્યો છે. બધી જાતના માલનું ડીલીંગ કરે છે."
ગફુરે પણ જાયમલને લવચાવવા ગોળ ગોળ વાત કરતાં કહ્યું, "જાયમલ, તેનો સપ્લાયર પોલીસની બીકે ફોરેન ભાગી ગયો છે. તારી પાસે સેટીંગ હોય તો આપણે તેને માલ અપાવી બહુ મોટી દલાલી કમાઇ શકીએ તેમ છે. અમે નાના મોટા ડ્રગ્સ એડીકટને તેની પાસેથી જ માલ લઇ ડીલીવરી કરીએ છીએ પણ હમણાંથી તેની પાસે માલની શોર્ટેજ છે."
"કોણ છે એ ? મારી જાણ બહાર એ નહીં હોય."
"પેલા મહારાષ્ટ્રમાં હતો પણ પોલીસ કેસ વધતાં અહીં આવ્યો છે, બહુ ખાનગીમાં મોટો ધંધો કરે છે. એકવાર મળવા જેવો માણસ છે." ગફુરે કહ્યું.
જાયમલ તે બેની વાત સાંભળી વિચારી રહ્યો હતો ત્યાં ખેંગાર બોલ્યો, "કયારનો અમને પાર્ટી માટે તેના ફાર્મ હાઉસ પર બોલાવે છે પણ જવાતું નથી. તું કહે તો જઇએ તેના ફાર્મ પર અને શરાબ અને શબાબની મોજ કરીએ."
"પણ ..ગફુર"
"ચિંતા ના કર, સેફ જગ્યાએ જ જઇશું અને ભરોસાપાત્ર માણસ છે. અને તને તેને મળ્યા પછી યોગ્ય લાગે તો ધંધો કરીશું, નહિંતર પાર્ટી કરીને પાછા."
લાલચુ જાયમલે ઇશારામાં માથુ હલાવી હા પાડી તરત ગફુરે કહ્યું, "હું તેમની સાથે વાત કરી, સમય અને લોકેશન જાણી લઉં."
ખેંગારે જાયમલને વાતોમાં રાખ્યો અને ગફુરે સાઇડમાં જઇ ખાન સાહેબને શોર્ટમાં વાત કરી ફાર્મ હાઉસની લોકેશન જાણી લીધી અને હીરાલાલને રવાના કરવાની વાત કરી. 
ગફુરે કોલ પતાવીને જાયમલને કહ્યું, "આપણે થોડી રાહ જોવી પડશે, પાર્ટી ફાર્મ પર પહોંચી કોલ કરે છે."
તે ત્રણે ફરી પાછા અંધારી આલમની વાતો કરવા માંડી. થોડીવારમાં જ ગફુરના મોબાઇલ પર કોલ આવતાં તે બોલ્યો, "બોલો ડીએમ, પહોંચી ગયા ?"
ગફુરે ફોનમાં ડીએમ કહ્યું એટલે હીરાલાલને ખબર પડી કે તેમનું નવું નામ ડીએમ છે. તે ત્રણે થોડીવારમાં જ શહેરથી દુર હાઇવે પરથી ઓફ રોડ પર સુમસામ ફાર્મ હાઉસ પર પહોંચી ગયાં."
ફાર્મ હાઉસ પર પહોંચીને ડી એમ એ જોરદાર સ્વાગત કરીને જાયમલને ખુશ કરી દીધો. ગફુર અને ખેંગારે કહ્યુ હતું તે મુજબ ત્યાં શરાબ અને શબાબ જોઇ જાયમલ મોજમાં આવી ગયો.
ગફુરે ડી એમ નો અને જાયમલનો પરિચય કરાવ્યો. તે ત્રણે વચ્ચે પ્રિમિયમ વ્હીસ્કીની મહેફિલ જામી. ગફુર જાયમલને નશામાં ડુબાડવા નહોતા માંગતો એટલે તે આડીઅવળી વાતો ચાલુ રાખતો હતો અને જાયમલ પણ શાતિર ખેલાડી હતો એટલે તે પણ પોતાની જાતને કંટ્રોલમાં રાખતો હતો.
જાયમલે ડી એમના ધંધાનું નોલેજ ચેક કરવા પુછ્યુ, "તમે શેનો શેનો વેપાર કરો છો ?"
હીરાલાલ ડીએમના બરોબર રોલમાં પ્રવેશીને બોલ્યા, "વેપારમાં તો એવું છે કે દારુ, ડ્રગ્સ, વેપન્સ ..જેમાં બે પૈસા મળે અને ગમે તેટલું જોખમ હોય તો આપણે કરી લેવાનો."
"ડ્રગ્સમાં તમે .."
હીરાલાલે જાયમલની વાત અટકાવી કહ્યું, "ગાંજો, હેરોઇન, કોકેઇન, મેથાફેટેમિન, અફીણ,હશીશ બધાનો વેપલો કરુ છુ. જે મળે તેનો વેપાર કરવાનો પણ હમણાં શોર્ટેજ છે અને મારો સપ્લાઇર ગાયબ થઇ ગયો છે. સાલા, ગરાગ મારી પત્તર ખાંડે છે અને મોં માંગ્યા ભાવ આપવા તૈયાર છે પણ માલ મળતો નથી."
ડીએમ ની વાત સાંભળી જાયમલની આંખોમાં આવેલી ચમક ગફુર, ખેંગાર બરોબર જોઇ રહ્યા હતાં અને જાયમલ ધીમે ધીમે તેમની બનાવેલી જાળમાં ફસાઇ રહ્યો હતો. જાયમલે શરાબની મજા લીધી પણ શબાબની ના પાડતાં પેલી કોલ ગર્લને ત્યાંથી બહાર મોકલી દેવામાં આવી.
જાયમલે ડી એમ ની વાત પર ટુંકો વિચાર કરી કહ્યું, "મારી પાસે માલ મળી શકે તેવી લીંક છે ...પણ ...તેના માટે ઉંચી રકમ ચુકવવી પડશે."
"હા. મંજુર છે. જલ્દીથી માલ મળે તેમ કરો." ડી એમ ઉતાવળથી બોલ્યા.
"એમ હાથોહાથ ના મળે, તેના માટે થોડી ધીરજ રાખવી પડશે અને મારી કેટલીક શરતો માનવી પડશે."
"બધુ જ મંજુર." ડી એમ બોલ્યા.
જાયમલે વ્હીસકીનો ગ્લાસ એક શીપમાં પુરો કરી ઇશારો કરીને ગફુર અને ખેંગારને સાઇડમાં બોલાવી ચર્ચા કરતાં કહે છે, "પાર્ટી તગડી લાગે છે, કમાવવા મળશે. તમે લોકો સાચુ કહેતા હતાં."
"તો હવે શું કરવું છે ? " ગફુરે પુછ્યું.
"હું સેટીંગ કરી માલની ગોઠવણ કરી આપું. તમે તમારો હિસ્સો કેટલો જોઇએ બોલો એટલે હું વિચારી ડી એમ ને ફાઇનલ વાત કરુ."
"અમારે દશ ટકા દલાલી મળે બહુ છે."
જાયમલે ફટાફટ મગજમાં દલાલીની ગોઠવણ કરીને ડી એમ ને કહ્યું, "તમને જેટલો જોઇએ એ માલ મળી જશે પણ તેની પર અમને દલાલી ચુકવવી પડશે. તમારે હાલમાં જ ટોકન મની આપવી પડશે અને ડીલીંગ ફાઇનલ થાય એટલે નક્કી થાય તે જગ્યા પરથી માલ તમારા જોખમે ઉપાડી લેવો પડશે. સોદો ખાનગી રાખવો પડશે અને અમારી પર વિશ્વાસ રાખવો પડશે."
ડી એમ બોલ્યા, "મને બધી શરતો મંજુર છે પણ માલ તાત્કાલિક મળે તેમ કરજો, ગરાગ રાહ જુએ છે અને મોં માંગી કિંમત ચુકવવા પણ તૈયાર છે. "
જાયમલે સાઇડમાં જઇ ફોન પર કોઇકની સાથે ટુંકમાં વાત કરી અને તે અત્યારે જ માલ માટે નીકળશે તેવી વાત કરતાં બોલ્યો, "મારે બે લાખ રુપીયા અને એક કાર જોઇએ છે. સેટીંગ થઇ જાય એટલે હું તમને કોન્ટેક કરીશ, તમારી કારની ડેકીમાં તમને માલ ભરીને મળી જશે."
"હા. પણ રુપીયા માટે થોડી વાર રાહ જોવી પડશે, મારી ઓફિસથી રોકડ લાવવી પડશે. ત્યાં સુધી તમે અહીં આરામ કરો" ડી એમ એ યુક્તિ વાપરતાં કહ્યુ.
ડી એમ એ ગફુરને ઇશારો કરી સાઇડમાં બોલાવી આગળના પ્લાન માટે ચર્ચા કરી. ગફુરે ખાન સાહેબને ફોન કરી વાત કરી અને કહ્યું, "બકરુ પ્લાનમાં ફસાવાની તૈયારીમાં છે. તેને બે લાખ અને કાર જોઇએ છે, ગાડીમાં જીપીઆરએસ સિસ્ટમ ફીટ કરી આપી દઇએ એટલે તેનો પીછો કરી શકાય."
"હા.પ્લાન બરાબર છે. તમે કાર લઇને આવો, હું આગળની તૈયારી કરાવું છું. "
ખાન સાહેબે કહ્યું તે જગ્યા પર કોન્સટેબલ રઘુવીર અને ડીએમ કાર લઇને રુપીયા લેવાના બહાને પહોંચે છે. ગફુર અને ખેંગાર વાતો કરીને જાયમલને વયસ્ત રાખતા હતાં.
ખાન સાહેબે ઇન્સપેક્ટર નવાબને તાત્કાલિક કારમાં  જીપીઆરએસ સિસ્ટમ ફીટ કરવાની વાત કરે છે અને ઇન્સપેક્ટર મેવાડાને રુપીયાનું સેટીંગ કરવા કહે છે.
હીરાલાલ અને કોન્સ્ટેબલ રઘુવીર કાર લઇને નક્કી કરેલી જગ્યા પર આવી પહોંચતાં કારમાં જીપીઆરએસ સિસ્ટમ ફીટીંગનું કામ શરુ થાય છે. ખાન સાહેબ અને કુંપાવત સાહેબ હીરાલાલ જોડે જાયમલ સાથે થયેલી વાતચીતની ચર્ચા કરે છે.
થોડીક જ મીનીટોમાં કારમાં જીપીઆરએસ સિસ્ટમ ફીટીંગનું કામ પુરુ થાય છે અને હીરાલાલ રુપીયા ભરેલો થેલો લઇ ફાર્મ હાઉસ જવા નીકળે છે. 
ખાન સાહેબ તેમને કહે છે, "જાયમલને આ કાર આપી દેજો, અમે તેની કારને ટ્રેસ કરીને પીછો કરવાના છીએ."
હીરાલાલ ત્યાંથી નીકળી ગયા પછી ખાન સાહેબ અને કુંપાવત સાહેબ જાયમલની કારને ટ્રેસ કરી તેનો કેવી રીતે પીછો કરવો તેની ટીમ સાથે ચર્ચા કરે છે. 
પ્રકરણ ૩૦ પુર્ણ 
પ્રકરણ ૩૧ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.