Rahsyna aatapata - 5 in Gujarati Fiction Stories by Hardik Kaneriya books and stories PDF | રહસ્યના આટાપાટા - ભાગ 5

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રહસ્યના આટાપાટા - ભાગ 5

જયારે નોકરાણી ભાનમાં આવી ત્યારે રાતના બે વાગી ચૂક્યા હતા. તેણે તરત પોલીસ બોલાવી. હત્યારો તો ક્યારનો ચાલ્યો ગયો હતો, પણ સજ્જનની લોહીલુહાણ લાશ રસ્તા વચ્ચે પડી હતી. જે દંડાથી તેમના પર હુમલો થયો હતો, તે ખૂબ જાડો હતો અને ભાગ્યે જ મળતા મજબૂત લાકડામાંથી બનાવાયો હતો. છતાં, તેનો દુરુપયોગ એટલી ક્રૂરતાથી થયો હતો કે તે વચ્ચેથી તૂટી ગયો હતો. બે ટુકડા થઈ ગયેલા દંડાનો એક ભાગ બાજુની ગટરમાં પડ્યો હતો અને બીજો ભાગ હત્યારો પોતાની સાથે લઈ ગયો હતો. સજ્જનના બટવા કે સોનાના પટાવાળી ઘડિયાળને હાઇડ અડ્યો ન હતો. અટરસનનું નામ - સરનામું લખેલું એક પરબીડિયું પણ ત્યાં પડ્યું હતું, કદાચ સજ્જન તે પોસ્ટ કરવા માંગતા હશે.

વહેલી સવારે, હજુ તો અટરસન પથારીમાં પડ્યો હતો ત્યાં, પોલીસે તેના ઘરનો દરવાજો ખખડાવ્યો. નોકરે દરવાજો ખોલતા અધિકારી ઘરમાં પ્રવેશ્યો અને અટરસનને ઉઠાડી ઘટનાની ટૂંકી માહિતી આપી. સ્થળ પર અટરસનના નામનું પરબીડિયું મળ્યું હોવાથી પોલીસ તેના ઘરે પહોંચી હતી. અટરસન સમજી ગયો કે તેના કોઈ અસીલની હત્યા થઈ છે. તેણે પોલીસને કહ્યું, “આ બહુ ગંભીર વાત છે, મારે ડેડ બૉડી જોવી પડશે. તમે લોકો થોડી વાર બેસો ત્યાં હું તૈયાર થઈ જાઉં છું.” પછી એવા જ ગંભીર અને શોકગ્રસ્ત ચહેરે તેણે ચા-નાસ્તો પતાવ્યા અને પોલીસ સ્ટેશન જવા રવાના થયો.

શબ રાખવાના અલાયદા રૂમમાં સજ્જનનો મૃતદેહ જોઈ તેણે કહ્યું, “હું આમને ઓળખું છું. તેઓ સર ડેન્વર્સ કેર્યું છે.”

“હે ભગવાન, તો તો બબાલ મચશે.” ડેન્વર્સ કેર્યું જેવા પ્રતિષ્ઠિત માણસની હત્યાથી લંડનમાં હો હા થઈ જશે તે વાત અધિકારી સારી રીતે જાણતો હતો. “ખરેખર આ ડેન્વર્સ કેર્યું છે ?” તેને હજુ અટરસનની વાત પર વિશ્વાસ બેસતો ન હતો. “હું તમને આખી ઘટના વર્ણવું છું, કદાચ તમે હત્યારાનું વર્ણન સાંભળી તેને ઓળખી શકો.” એમ કહી પોલીસ અધિકારીએ નોકરાણીએ જે જે જોયું હતું તે એક એક શબ્દ કહી સંભળાવ્યો અને સ્થળ પરથી મળેલો તૂટેલો દંડો પણ બતાવ્યો.

નોકરાણીના ખુલાસા મુજબ હત્યારો હાઇડ હતો. આથી, અટરસન ગભરાયો. એમાંય દંડાનો ટુકડો જોઈને તે ઓર ભયભીત થયો. તેને યાદ આવ્યું કે ઘણા વર્ષો પહેલા તેણે જ તે દંડો ડૉ. જેકિલને ભેટ આપ્યો હતો.

“શું નોકરાણીએ જોયો તે માણસ ઠીંગણો હતો ?” અટરસને ખાતરી કરવા પૂછ્યું.

“હા, બટકો અને જોતાં જ શેતાન લાગે તેવો.”

“તમે મારી સાથે ચાલો, મને તેનું સરનામું ખબર છે.” અટરસને કહ્યું અને તે તથા પોલીસ સોહો તરફ રવાના થયા.

તેઓ પોલીસ સ્ટેશનથી નીકળ્યા ત્યારે સવારના નવ વાગ્યા હતા. ધુમ્મસના કારણે વાતાવરણ હજુ ય અંધારિયું લાગતું હતું. જોકે, ફૂંકાઈ રહેલો પવન ધુમ્મસને થોડી થોડી વારે ઉડાડી દેતો હતો, જેથી વાતાવરણમાં ચિત્ર વિચિત્ર રંગો રેલાતા હતા. પ્રકાશ અને અંધકાર વચ્ચે ખેલાઈ રહેલા આ દ્વંદ્વયુધ્ધના કારણે, એક શેરીમાં એટલું અંધારું લાગતું કે સાંજ પડી હોય તેવું લાગે, તો બીજી શેરીમાં આગ ભડકે બળતી હોય તેવો પ્રકાશ ફેલાઈ જતો, પછી ત્રીજી શેરીમાં સૂર્યકિરણનો પુંજ ધુમ્મસમાં છિદ્ર પાડીને શાફ્ટની જેમ ગોળ ગોળ ફરતો હોય એવું દેખાતું હતું ! એ આછા પાતળા પ્રકાશમાં સોહો વિસ્તારના ઝૂંપડા બહુ ગંદા દેખાતા હતા. રસ્તાઓ કીચડવાળા હતા અને અવરજવર કરતા લોકો મેલા તથા ફૂવડ. ઉપરાંત, આવા અસ્થિર વાતાવરણના કારણે હોય કે પછી ચોવીસ કલાક જલતા રાખવામાં આવતા હોય, શેરીના તમામ ફાનસ સળગી રહ્યા હતા.

એક પછી એક શેરીઓમાંથી પસાર થતા અટરસને પોતાની આંખો ચોળી, પછી બાજુમાં બેસેલા અધિકારીને જોઈને ખાતરી કરી લીધી કે પોતે સપનું તો નથી જોઈ રહ્યો ને ! ડેન્વર્સ કેર્યુંનું અકાળ મૃત્યુનું દુ:ખ તેના મનમાંથી ખસતું ન હતું. બાજુમાં બેઠેલો અધિકારી, કાયદાકીય જોગવાઈનો સકંજો કસી, હાઇડને આકરામાં આકરી સજા અપાવવાનો વિચાર કરતો હતો.

હાઇડે જણાવેલા સોહોના સરનામે ગાડી ઊભી રહી ત્યારે ધુમ્મસ થોડી વાર માટે વિખરાયું અને આખી શેરી દ્રષ્ટિગોચર થઈ. સામે આવેલી દારૂની દુકાન પાસે ચીલાચાલુ ફ્રેંચ હોટેલ આવેલી હતી. ત્યાં મફતના ભાવે સલાડ અને ખાવાની વસ્તુઓ મળતી હોવાથી બાળકો ભીડ લગાવીને ઊભા હતા. તેઓ ઘણા દિવસોથી ન્હાયા ન હોય તેવા ગંદા દેખાતા હતા. બાજુમાં, અલગ અલગ દેશથી આવી હોય તેવી જાત જાતની સ્ત્રીઓએ દૂધ લેવા લાઇન લગાવી હતી. એટલામાં વિખરાઈ ગયેલા ધુમ્મસે ફરી પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું અને ન ગમે તેવા સ્ત્રીઓ, બાળકો તથા દુકાનો દેખાતી બંધ થઈ ગઈ. અહીં જ ડૉ. હેન્રી જેકિલનો પ્રિય વ્યક્તિ – જેના નામે તેમણે પોતાના લાખો પાઉન્ડની સંપત્તિ કરી દીધી હતી તે – એડવર્ડ હાઇડ રહેતો હતો.

અટરસને દરવાજે નોક કર્યું અને સફેદ ચળકતા વાળવાળી ઘરડી સ્ત્રીએ દરવાજો ખોલ્યો. દેખાવથી જ તે દુષ્ટ લાગતી હતી. અટરસને હાઇડ વિશે પૂછતાં તેણે જવાબ આપ્યો, “આ શ્રીમાન હાઇડનું જ ઘર છે, પણ તેઓ ઘરે નથી. ‘સાહેબ’ ગઈ કાલે બહુ મોડેથી આવ્યા હતા અને પછી કલાકમાં નીકળી ગયા હતા. જોકે તેમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. આવવા જવાની બાબતમાં તેમની આદતો આવી જ છે. વળી, મોટાભાગે તો તેઓ અહીં હોતા જ નથી. મેં જ તેમને બે મહિના પહેલા જોયા હતા, તે છેક ગઈ કાલે જોયા.”

“તો પછી અમારે તેમના રૂમ ચેક કરવા પડશે.” અટરસને કહ્યું.

“બિલકુલ નહીં. હું તમને તેમ કરવાની પરવાનગી આપતી નથી.” સ્ત્રીએ સ્પષ્ટ શબ્દોમાં નનૈયો ભણ્યો.

“તમે પરવાનગી નહીં આપો તો અમારે તમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા પડશે. આ મારી બાજુમાં ઊભા છે તે સ્કોટલેન્ડ યાર્ડના ઇન્સ્પેક્ટર છે.”

આ સાંભળી પેલી સ્ત્રી એકદમ ચોંકી. “એનો મતલબ કે સાહેબ કોઈ મુસીબતમાં છે ! તેમણે શું કર્યું છે ?”

પ્રશ્ન સાંભળી અટરસન અને ઇન્સ્પેકટરે એકબીજા સામે જોયું. પછી ઇન્સ્પેકટરે કડકાઈથી કહ્યું, “તેણે શું કર્યું છે એ જાણવા કરતા તેની સાથે શું થવાનું છે તે સાંભળી લે. ટૂંક સમયમાં અમે તેની ધરપકડ કરીશું અને કાળકોટડીમાં બંધ કરી દઈશું. તેને બહુ આકરી સજા થવાની છે. હવે અમને અમારું કામ કરવા દે.”

બાદમાં, ઇન્સ્પેકટર અને અટરસન આખું ઘર ફેંદી વળ્યા, પણ ઘરમાં ઘરડી સ્ત્રી સિવાય બીજું કોઈ ન હતું. સ્ત્રીના કહેવા પ્રમાણે હાઇડ બે રૂમનો ઉપયોગ કરતો હતો જે તમામ પ્રકારની સુખ-સુવિધાથી સંપન્ન હતા. અલમારીમાં ઊંચી ગુણવત્તાના શરાબની બૉટલો પડી હતી, તો ખાવાની થાળી ચાંદીની હતી, બેડ પરની ચાદર એકદમ મખમલી હતી અને દીવાલ પર એક એકથી ચડે તેવા સુંદર ચિત્રો લટકતા હતા. ફરસ પર બિછાવેલો આકર્ષક ગાલીચો પગ ખૂંપી જાય એટલો જાડો અને સુંવાળો હતો. જોકે રૂમની હાલત જોઈને લાગતું હતું કે હાઇડ તે હડબડીમાં ખાલી કરીને ચાલ્યો ગયો છે. બેડ પર કપડાં જેમ તેમ પડ્યા હતા અને પેન્ટના ખિસ્સા ઉતાવળમાં ખાલી કર્યા હોય તેમ ઊલટા થઈ ગયા હતા. ટેબલ - કબાટના ખાનાઓ ખુલ્લા અને ખાલી હતા. ભઠ્ઠીમાં બહુ બધા કાગળ અને ચીજવસ્તુઓ બાળવામાં આવી હોય તેમ રાખનો ઢગલો જમા થયો હતો. ઇન્સ્પેકટરે નહીં ઠરેલા અંગારા હટાવ્યા અને અંદરથી અડધી બળેલી ચેકબુક ખેંચી કાઢી. બાદમાં વધુ તપાસ કરતા, દરવાજાની પાછળથી અડધો તૂટેલો દંડો પણ મળી આવ્યો. આ બંને વસ્તુઓ મેળવી તેઓ ચેકબુકવાળી બેંકમાં ગયા. ત્યાં તેમને ખબર પડી કે ખાતેદારના ખાતામાં હજુ અઢળક રકમ જમા છે. આથી, ઇન્સ્પેકટરના ચહેરા પર વિજયી સ્મિત છવાયું. તેણે સંતોષથી કહ્યું, “હવે અપરાધી ફસાઈ જશે. ખાતામાં આટલી બધી રકમ જમા હોવા છતાં તેણે ચેકબુક બાળી નાખવાનું દુ:સાહસ કર્યું એટલે તેનું દિમાગ છટકી ગયું હશે, યા તો વિચારવાનો મોકો નહીં મળ્યો હોય. હવે, જયારે તે પૈસા ઉપાડવા બેંકમાં આવશે ત્યારે, પકડાયા વગર રહેશે નહીં. બીજું એ કે અમે તેના ફોટાવાળા પોસ્ટર આખા શહેરમાં લગાવી દઈશું.”

ઇન્સ્પેકટરનો ઉત્સાહ ખોટો ન હતો, પણ હાઇડને પકડવો ધાર્યા જેટલું સહેલું ન હતું. ખરેખર તો તેને કોઈ દોસ્ત કે સગા-સંબંધી ન હતા એટલે તે તેમના ઘરેથી પકડાઈ જાય તેવી આશા રાખવી વ્યર્થ હતી. બીજી બાજુ બહુ ઓછા લોકોએ હાઇડને જોયો હતો અને તેમાંથી કોઈ એક પાસે પણ તેનો ફોટો ન હતો. વળી, દરેકે કરેલા હાઇડના ચહેરાનું વર્ણન એકસરખું ન હતું. હા, તેમની કબૂલાતમાં એક વાત સામાન્ય હતી ; તે એ કે હાઇડને જોઈને તેમણે ન વર્ણવી શકાય એવી ઘૃણા અને નફરત અનુભવી હતી. પણ, આટલી અમથી વાતથી ભાગેડુ આરોપીને પકડવો એ અફાટ રણપ્રદેશમાં પાણીની વીરડી શોધવા જેવું હતું.

ક્રમશ :