Be Baava in Gujarati Children Stories by Ashq Reshammiya books and stories PDF | બે બાવા

Featured Books
Categories
Share

બે બાવા

બે બાવા

એક ગામ હતું.

ગામ સુંદર સોહામણું હતું.

રળિયામણું પણ એટલું જ હતું.

ગામની ચારેબાજું લીલીછમ્મ હરિયાળી ફરફરી રહી હતી. એની ચારે બાજું આવેલ ઘટાદાર વૃક્ષો ગામની શોભા વધારી રહ્યા હતાં. ઊંચા ઊંચા ડુંગરો પણ ગામને ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. એ ગામને કિનારે એક નદી વહેતી હતી.

ગામમાં વસનાર સૌ સુખી હતાં.

એ ગામમાં બે બાવા રહે.

બંને સગા ભાઈઓ!

એકનું નામ ચનિયો અને બીજાનું નામ મનિયો. આ ચનિયા-મનિયાને કંઈ કામ નહી. કામ કરવાનું જોર આવે. ભઆરે આળસું. બાવા એટલે માંગીને પેટ ભરે. ગામલોકો સારા અને શાણા હતાં એટલે બેયને બે ટંક રોટલો મળી જતો. ને એમ એમના દિવસો મજામાં વીતતા હતાં.

ચનિયો અને મનિયો સવારે વહેલા ઊઠે. ઝટ પરવારીને તૈયાર થઈ જાય. સૂરજદાદા થોડે ઊંચે ચડે એટલે ગામમાં માગવા નીકળે. ગામમાં આખો દિવસ ફર્યા કરે અને ઝોળી ભર્યા કરે. સાંજ પડે એટલે બંને હિસાબ કરવા માંડે. સરખો ભાગ પાડે. એકેનેય વધારે કે ઓછું આવે એટલે ઝઘડવા માંડે! એમને ઝઘડતાં જોઈને બાળકોને મોજ પડતી.

બંને એવું ઝઘડે જાણે હવે કોઈ દિવસ ભેગા થશે જ નહી! પરંતુ બીજી જ સવાર ઉગે ને થાય ભેગા! એકમેકમાં એવા તો ભળી જાય જાણે કદી ઝઘડ્યા જ નથી ને ઝઘડવાના જ નથી એમ!

દિવસો પર દિવસો અને વરસો પર વરસો જતાં વાર નથી લાગતી.

એકવાર ગામના પંથકમાં વરસાદ ઓછો પડ્યો. પાક ઓછો થયો. આછા દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ. લોકો ચિંતામાં પડ્યાં. વધારે કપરી સ્થિતિ તો પશુઓની થવાની હતી.

લોકોને માંડ ખાવાનું મળે ત્યાં આ ફાલતું બાવાઓને કોણ ક્યાંથી આપે?

ચનિયા-મનિયાને ભૂખે મરવાનો વખત આવ્યો. ઘણીવાર એ બંને મો વકાસીને એકબીજાને તાકી રહેતા.

એક દિવસ...બે દિવસ..… હવે ભૂખ ખમાતી નહોતી. પેટમાં ઊંડા-ઊંડા ખાડા પડવા લાગ્યા હતા પણ પેટમાં નાખવું શું? વિચારો પર વિચારો આવવા લાગ્યા. યુક્તિઓ શોધાવા લાગી.

એક રાતની વાત છે. મધરાત થવા આવી હતી.

ભૂખ્યા પેટે નીંદર નહોતી આવતી. બંને બાવાઓ વિચારે ચડ્યા હતા. એવામાં અચાનક બેયને એકસાથે જ એક યુક્તિ સુઝી આવી!

પરોઢ થતાં જ ચનિયા-મનિયાએ ક્યાંકથી જૂનું પુરાણું ટીપણું ખોળી કાઢ્યું. અગંડમ...બગડમ.. જેવા મંત્રો શીખવા માંડ્યા. આંગળીના વેઢા અને ગ્રહોના નામ ગણવા લાગ્યા.

બીજા દિવસે સવારે વહેલા ઊઠ્યા. માથામાં જટા બાંધવા માંડી. ગળામાં માળાઓ ભરાવી. કપાળે મોટા ટીલાં-ટપકાં કર્યા. એક ખભે ટીપણું અને બીજા ખભે ઝોળીઓ ભરાવી. દેખાવે અસ્સલ સાધુનો વેશ ધારણ કર્યો.

હાથમાં ગદા જેવા ધોખા લઈનેે બેય ચાલી નીકળ્યા.

ચાલતા જાય ને અલખ નિરંજનની ધૂન ગણગણાવતા જાય. મનમાં ખુશી નહોતી સમાતી. આગળ ને આગળ વધતા જતાં હતાં.

બાજુનું ગામ ઢુકડું આવતું જણાયું. પાદરે આવતાં જ બંનેના પેટમાં ફાળ પડવા લાગી. મનમાં ડર પેઠો કે પકડાઈ જઇશું તો? ટીપણું, મંત્ર, ગ્રહો ભૂલી ગયા તો?

વિચારમાં ને વિચારમાં ગામને પાદરે આવીને ઊભા રહી ગયા.

ગામ લોકો ભોળા હતા. એટલે એમને સાધુ માનીને પૂજવા લાગ્યા. સારી આગતા-સ્વાગતા કરી. બન્નેને મજા પડવા લાગી.

ચનિયો-મનિયો અડગમ..બડગમ, ઈકડમ...તિકડમ..મંત્ર બોલ્યે જાય..… દોરા-ધાગા કરતા જાય. સાથે પેટ અને ઝોળી ભરતા જાય! બેયને આનંદના અજવાળા થવા લાગ્યા.

ગામમાં કોઈ બાળક રડે કે બીકથી ગભરાઈ ગયું હોય ત્યારે ચનિયો-મનિયો મોટો સાવરણો લઈને નજર ઊતારવા માંડે!

સાવરણો ફેરવતા જાય અને બોલતા જાય...

"ઝાડો નાખું,

ઝાપટો નાખું ,

ભૂત પલીતને હું કાઢી નાખું

ભાગ ભૂતડા ભાગમભાગ..!"

ભૂત ભાગી જતું. છોકરું સારું થઈ જતું.

હવે એ બેય બાવાઓ ગામના સારા-નરસા પ્રસંગે લોકોના શુભ મુહુર્ત જોવા લાગ્યા. લગ્ન કરાવવા લાગ્યા. કુદરતની કૃપાથી લોકોને સારું થઈ જતું અને બેય સાધુને જલસા પડતા હતાં.

ચનિયો-મનિયો ગામમાં ચમત્કારી સાધું તરીકે પૂજાવા લાગ્યા. એમના માન-પાન વધી ગયા હતાં.

એમના ગામમાં આ બેયને આવા તાજાંમાજાં જોઈને વિચારમાં પડી ગયા હતાં. હવે આ બંને પોતાના ગામના લોકોને સરખો ભાવ પણ નહોતા આપતા. એમના સર પર અભેમાન ચડ્યું.

ધીમે ધીમે ચનિયો-મનિયો ભોળા લોકોને છેતરીને ભંડાર ભરવા લાગ્યા હતા. પોતાના ગામને પણ ભૂલી ગયા હતાં.

એક દિવસ ગામના એક ભાઈને એમના પર શંકા ગઈ! એણે તપાસ કરવા માંડી. તપાસ કરતા માલૂમ થયું કે સાધુમહારાજના વેશમાં આવેલ એ બે નકલી છે. બાજુના ગામના માગણ બાવાઓ છે.

તપાસ કરનાર ભાઈનું નામ કનિયો.

બીજા દિવસે કનિયાએ ગામ આખાને વાત કરી. ગામ લોકોને ખાતરી થઈ કે આ બેય ઠગ બાવાઓ છે. સાધુનો વેશ ધારણ કરીને આવેલ ઠગારા છે ત્યારે એમનો ક્રોધ સાતમાં આસમાને પહોંચી ગયો. કિન્તું એમણે બળથી નહી પણ કળથી કામ લેવાનો વિચાર કર્યો. ગામમાંથી ભેગી કરેલી બધી સંપતિ પડાવી લેવાનું આયોજન થયું.

એવામાં શિવરાત્રિનો તહેવાર આવતો હતો.

શિવરાત્રી એટલે રાત્રિ જાગરણ.

ગામલોકોની પૂર્વતૈયારી મુજબ કનિયાએ ચનિયા-મનિયાને કહ્યું: 'મહારાજ! આપ મોટા સાધું છો.ગામમાં આપની વાહ...વાહ છે. આપ તો ચમત્કારી છો.'

આ સાંભળીને બેયની છાતી ગજ-ગજ ફૂલાવા લાગી. બંને મૂછમાં હસવા લાગ્યા.

બે-ત્રણ દિવસમાં તો કનિયો ચનિયા-મનિયાનો વિશ્વાસું બનવામાં સફળ થઈ ગયો.

શિવરાત્રીને બે દિવસ બાકી હતાં.

કનિયાએ બે હાથ જોડીને બંને સાધુઓને કહ્યું, ' પ્રણામ મહારાજ...! મારે તમોને તમારા ભલાની એક વાત કરવી છે.

બંને ઐકીશ્વાસે બોલ્યા: 'બોલ કનિયા બોલ!'બેયના મોઢામાં પાણી આવી ગયું!

'મહારાજ! શિવરાત્રીએ જાગરણ છે. આખું ગામ શિવમંદિરે ભગું થવાનું છે. તમારે તો રૂપિયાના ઢગલે ઢગલા થઈ જવાના!'

'એ તે વળી રીતે?'

'મહારાજ! મને એક યુક્તિ સુઝી છે. જો તમે માનો તો?'

'અરે ઝટ બોલ! આલખ નિરંજન!' મનિયો ઉત્સુકતાવશ બોલ્યો.

'તો મહારાજ! આપની પાસે જેટલા રૂપિયા હોય એ લઈને આવજો.'

'શા માટે?'

'સાધુ મહારાજ! ગામનો નિયમ છે કે સાધુ મહારાજ થાળીમાં જેટલા રૂપિયા મૂકે એનાથી બમણા રૂપિયા ગામના લોકો પોતપોતાની રીતે મૂકતા જાય!' પછી મનિયા તરફ જોતાં આગળ કહ્યું: 'મહારાજ...તમે તો રૂપિયે રાજ કરતા થઈ જશો રાજ!'

શિવરાત્રીના દિવસે ચનિયા મનિયાએ પોતાનું બધું અનાજ વેચ્યું, કપડા વેચ્યા..બધા રૂપિયા ભેગા કરીને-લઈને આવી પહોચ્યા ભજન મંડળીમાં!

લોકો આવતાં જાય...હાથ જોડતાં જાય...એ બંને આલેખ નિરંજનની બૂમો પાડતા જાય!

ભજન ચાલું થયા. ચનિયા મનિયા આગળ એક મોટી થાળી મૂકવામા આવી. થોડીવારે એક ભાઈએ એમાં પાંચસો રૂપિયા મૂક્યા! એ જોઈ કનિયાએ હજાર રૂપિયા મૂક્યા! બીજા એક ભાઈએ વળી પાંચ હજાર મૂક્યા.

હવે ચનિયા-મનિયાની આંખો અકળવકળ બનવા લાગી. રૂપિયા જોઈ મન લલચાવા લાગ્યું. એમણે તો એમની પાસે હતાં એટલા બધા જ રૂપિયાનો થાળીમાં ઢગલો કરી નાખ્યો!

રાત્રિના બાર વાગવા આવ્યા હતાં. ભજનની રમજટ બરાબરની જામી હતી. અને એવે વખતે લાગ જોઈને કનિયાએ 'અલખ નિરંજન'નો સાચો હોકારો કર્યો.

એ હોંકારાનો અવાજ આવ્યો એવા જ ભજન બંધ થયા. અને ગામ લોકોએ રૂપિયા ભરેલી થાળી ઝુંટવી લીધી! ચનિયા-મનિયાને માથે ધોખા પડવા લાગ્યા.

થોડીવારે બંનેને સમજાયું કે લોકોને છેતરવાનો આ પ્રસાદ મળી રહ્યો છે એટલે જીવ લઈ ભાગવા લાગ્યા. દોડતાં-દોડતાં નકલી જટા નીકળઈ ગઈ! ટીપણું વીંખાયું, ઝોળીઓ ઢોળાવા માંડી અને ધોતી ઉતરવા લાગી!

બધુ પાછળ છૂટતું જાય અને એ બે બાવા આગળને આગળ ભાગતા જાય!

આમ, ચનિયા-મનિયાને ભોળા લોકોને છેતરવાનું ભારે પડી ગયું.