Mrugjal - Chapter - 2 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મૃગજળ - પ્રકરણ - 2

Featured Books
Categories
Share

મૃગજળ - પ્રકરણ - 2

શ્રીનાથ કોલોની ધીમે ધીમે અંધકારમાંથી બહાર આવી રહી હતી. એના હરોળ બંધ મકાનો સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. સુરજના આછા ગુલાબી કિરણો દરેક મકાનની પ્રેમીસથી માંડીને અગાસી સુધી ચમકાવી રહ્યા હતા. ઠંડો પવન કોલીનીની અંદર અને બહારના ભાગે રહેલા વૃક્ષોની ડાળીઓને આમતેમ નમાવી જાણે એમને સવારની કસરત કરાવી રહ્યો હતો. પક્ષીઓએ સૌથી પહેલા કામે લાગી જવાનું નક્કી કર્યું હોય એમ એમના ચહેકાવાનો આવાજ ચારે દિશામાં ફેલાયેલો હતો.

રાત ઓગળી ગઈ હતી અને ભવ્ય સૂર્યનો ઉદય પશ્ચિમ તરફથી પોતાના અસ્તિત્વની જાણકારી આપતો રાત્રીએ કાળા રંગથી રંગેલા આકાશને રંગબે રંગી બનાવી રહ્યો હતો. છતાય હજુ સુરજના કિરણો એટલા બધા તેજ પણ ન હતા થયા, બગીચામાં લોન અને લીવ્ઝ પર રહેલ ડ્યુ ડ્રોપ્સ હજુ અક્બંધ હતા. કિરણો કુણા હતા એટલે કદાચ એ કુણા ઘાસ પર રહેલ ઝાકળના બિંદુઓને વાદળમાં ઉમેરવામાં નિષ્ફળ રહ્યા હશે!

"કરણ....." બારીમાંથી આવતા ઠંડા પવનથી પણ વધુ શિતળ લહેકો કરણના કાને અથડાયો.

“હા."

"સાહેબ સવારના આઠ વાગ્યા છે હવે જાગો." બારીમાંથી આવતી ઠંડી હવાની અસરને નાબુદ કરી દેવા માંગતા એમની સાથે જ એ જ બારીમાંથી અંદર પ્રવેસી રહેલા કિરણોનો આનંદ માણતી વૈભવી બોલી.

કરણે હળવેથી આંખો ખોલી અને એ સુંદર કિરણોમાં એક સુંદર ચહેરો તેની સામે જોયો. વૈભવી સુંદર દેખાઈ રહી હતી. બારીના પડદાના હલન ચલનને લીધે તેના ચહેરા પર આમતેમ રમતા કિરણો એને વધુ સુંદર બનાવી રહ્યા હતા. કરણે ફરી એકવાર વિચાર્યું ખરેખર કોઈ આટલું સુંદર હોઈ શકે?

કરણને જગાડી વૈભવી એના કામમાં લાગી ગઈ. કરણ તૈયાર થાય એટલાંમાં વૈભવીએ ગરમ ગરમ ચા નાસ્તો બનાવી પ્લેટ ભરી દીધી. કરણ તૈયાર થઈને મા ના ફોટા આગળ જઇ પ્રણામ કરી ઉભો રહ્યો. જશોદાબેન ફોટામાં પણ કરણ ઉપર અમી વર્ષા કરતા હોય એમ લાગતું હતું. દીકરાના લગન થયા, સુંદર વહુ મળી એનો રાજીપો બતાવતી હોય એમ એ તસ્વીરનો ચહેરો જાણે હસતો હતો!

"ચાલો નાસ્તો તૈયાર છે..."

"કેટલું કામ કરે છે તું ?" કરણે પૂછ્યું પણ ના એ પ્રશ્ન નહોતો.

"કરણ સ્ત્રી નવરી બેસે તો મનમાં ઝેર ઉતપન્ન થાય એટલે જ તો કુદરતે અમને વ્યસ્ત જીવન અને જવાબદારીઓ આપી છે.."

"ફિલોસોફી નઈ હો.. સવાર સવારથી તો નહી જ...."

"હા બાબા, જલ્દી નાસ્તો પતાવો બંને લેટ થઈએ છીએ...."

"પણ હું શું કહેતો હતો."

"શુ?"

"તું આ ઘરના કામ કરીને જ થાકી જતી હશે તો..."

"તો શું?" વૈભવીએ આંખ જીણી કરી.

"તો પછી નોકરી કઈ રીતે કરતી હશે તું....! હું તો કહું છું જોબ છોડી જ દે." આખરે કરણે મનની વાત કહી જ દીધી. માણસ પોતાના મનમાં ઘોળાતી વાતને વધુ વખત સહન કરી શકતો નથી.

વૈભવીનો હાથ મોઢા આગળ જ અટકી ગયો એ જોઈ કરણે થોડું હસી લીધું.

"વૈભવી હું વધારે મહેનત કરીશ હવે અને એમ પણ આશુતોષ મારી સેલેરી હવે વધારવાનો જ છે."

"કેમ તને મારી કમાણી નથી ખપતી?" વૈભવીનો ચહેરો ઉતરી ગયો.

"તું અવળું અર્થઘટન ન કર પ્લીઝ... લગનને હજુ ચાર દિવસ થયા છે." કરણ જરાક ઉદાસ થઈ ગયો.

"સોરી બાબા." વૈભવી ઉભી થઇ ગઇ. કરણ જોડે જઈ એના માથામાં હાથ ફેરવવા લાગી." કરણ તું મને બેહદ ચાહે છે મને ખબર છે તને મારી ફિકર છે."

"વૈભવી...." માથામાં ફરતા મૃદુ હાથને હાથમાં લઈ કરણે કહ્યું, "જીવવા માટે આ સ્નેહ પૂરતો નથી શુ?"

કરણની સ્નેહથી છલોછલ આંખોમાં એ જોતી રહી પણ એ ડૂબી જાય એ પહેલાં એ હસીને બોલી, "સ્નેહ તો આપણો છે ને કરણ? હું અને તું જાણીએ છીએ કે આપણે એકબીજાને પસંદ કર્યા છે. કુદરત સાક્ષી છે આપણે એકમેક સાથે ખુશ છીએ પણ આપણા બાળકો?"

વૈભવી ફરી ગંભીર થઈ ગઈ એ ફરી સામે જઇ બેસી ગઈ.

"કરણ કાલે બાળકો હશે તો શું બાળકોને રોજ સવારે આપણી જેમ આ પૌઆનો નાસ્તો ભાવશે? શુ એ બધા તારી જેમ આ સસ્તા પૌંઆમાં મોંઘી મમતા જોઈ શકશે?"

"આપણા બાળકોને આપણે જ સંસ્કાર આપવાના છે." કરણ ફટાફટ પૌઆ ખાવા લાગ્યો.

"સંસ્કાર તો રાવણ અને વિભીષણને એક જ માએ આપ્યા હશે ને કરણ? આ રેલવેના પૈડાંથી પણ ઝડપી સમય અને જમાનામાં આપણા બાળકો કેવા.... "

"વૈભવી..." કરણ અટકી ગયો વૈભવીના ચહેરા ઉપર ભયની આછી જાય જોઈ એણે ધીમેથી કહ્યું, "તું પહેલેથી જ આમ ન વિચાર પ્લીઝ..."

"કરણ એવું જરૂરી નથી કે બાળકો સમજુ હોય, કાલે એ પૂછશે કે તમે અમારા માટે શું કર્યું?" જાણે હમણાં જ બાળકો એ સવાલ કરતા હોય એમ વૈભવીની આંખોમાં પ્રશ્ન ડોકાઈ રહ્યો!

વૈભવી ઊંડાણમાં જતી હતી અને કરણ એને ઉદાસ જોવા માંગતો ન હતો.

"અરે હું શું કહેતો હતો?"

"શુ?" અચાનક કરણના ચહેરા ઉપર રમતિયાળ સ્મિત જોઈ એને નવાઈ થઈ.

"આપણે એક ડઝન બાળકો...."

વૈભવી ખડખડાટ હસી પડી, "અરે બાબા મારુ તો શરીર પણ કમજોર છે મને તો બસ બે જ જોઈએ. એક બેબી અને એક બાબો..."

"ઓહ એમ... તો પ્લાનિંગ અલરેડી થઈ ગયું છે એમ ને?"

"હાસ્તો પ્લાનિંગ કરીને તો પરણી છું તને, નહિ તો તારા જેવા બુધ્ધુના ભરોસે તો ચાલી રહ્યો સંસાર!!”

"એ હલો... હું બુધ્ધુ એમને?" કરણે બાળક જેમ મોઢું ચડાવી દીધું.

"અરે બાબા બુધ્ધુ એટલે જો તારા દિલો દિમાગ તો લાગણી સ્નેહ અને ગુસ્સાથી છલોછલ ભરેલા છે તો વિચારવાનું કામ તો મારે જ કરવું પડે ને!"

"હા એ બરાબર તો એ બેના નામ શું રાખ્યા છે?" કરણ બસ ગમે તે રીતે વૈભવીને હસતી જોવા માંગતો હતો એટલે એ આવી વાતો કરતો હતો નહિતર એના મનમાં તો રસિકભાઈના શબ્દો ફર્યા જ કરતા હતા.

"વેલ નામ... બાબાનું નામ પ્રેમ..."

વૈભવીને અટકાવીને કરણ વચ્ચે જ બોલ્યો, "આ પ્રેમ નામ તો સલમાન ખાન જેવું નથી લાગતું? એના ઘણા ખરા ફિલ્મોમાં એનું નામ પ્રેમ હોય છે."

"એમ નઈ કરણ.. જો દીકરા કોના જેવા હોય? બાપ જેવા, રાઈટ?"

"હા બરાબર."

"બસ એટલે જ એ તારા જેવો સ્નેહાળ બનશે એટલે એનું નામ પ્રેમ." હસીને એ બોલી.

"અચ્છા એવું. અને બેબીનું નામ?" આંખો મોટી કરી કરણે પૂછ્યું.

"બેબીનું નામ ચાહત.....!"

"આ ચાહત અને પ્રેમમાં શુ ફરક? સ્ત્રી લિંગ પુરલિંગનો?" કરણ માથું ખંજવાળતો બોલ્યો, "આ નામ પાછળ પણ તારી કોઈ ફિલોસોપી હશે નહી?"

"હાસતો.. જો ચાહત ન હોય તો દુનિયા ન હોય અને સ્ત્રી વગર પણ દુનિયાનું અસ્તિત્વ શક્ય નથી એ તો તું માને છે ને?"

"હા બિલકુલ."

"ધેટ ઇઝ વાય બેબીનું નામ ચાહત...”

"હમમમમ.." કરણે જોયું કે ફરી વૈભવી સારા મુડમાં આવી ગઈ હતી એટલે તરત એણે ઘડિયાળમાં જોયું અને કહ્યું, "અરે આપણે તો લેટ પડી ગયા. ચાલ ચાલ હું તને મુકતો જાઉં...."

કરણે ઉભા થઇ બેગ ઉપાડી લીધી. વૈભવીએ પ્લેટ વગેરે ઝડપથી મૂકી દીધું. પર્સ ઉપાડી લઇ દરવાજો લોક કરી બંને નીકળી પડ્યા.

*

બહુમાળી ઈમારતોના જંગલમાંથી પસાર થતી કરણની ફેઝર એક કાચમાંથી બનાવેલી હોય તેવી ઈમારત આગળ ઉભી રહી. વૈભવી પોતાની પિલિયન રાઈડર સીટ છોડી નીચી આવી. એને એ જરાય નહોતું ગમ્યું, એના મનમાં તો થતું હતું કે બસ આખો દિવસ આમ કારણની ફેઝર પર પિલિયન રાઈડર બની ફરતા રહેવું પણ દરેક માણસની કોઈને કોઈ મજબૂરી હોય છે. કરણ વૈભવીને ઉતારી એક સ્મિત આપીને નીકળી ગયો. વૈભવી એને જતો જોઈ રહી..

"અંદર આવશો કે બહાર જ ઉભા રહેશો..?" એ વિશાળ કાચથી મઢેલી હોય એવી ઈમારતના દરવાજે ઉભા મયંકે કહ્યું.

મયંક ઓફિસનો પીયૂન હતો. મધ્યમ વર્ગીય માણસ એટલે બાર ધોરણ સુધી અભ્યાસ કરી એ નાનપણથી જ અહીં લાગી ગયો હતો. મધ્યમ કદની ઊંચાઈ પણ સ્વભાવમાં ઊંચો હતો. વૈભવી એને ભાઈ જેમ જ રાખતી એટલે એ પણ મજાક મશ્કરી કરી લેતો.

"હે... હ.. હા..." વૈભવી ચમકી ગઈ. થોડું શરમાઈને એ તરત અંદર ચાલી ગઈ.

"ગુડ મોર્નિંગ મેમ." અંદર પ્રવેશતા જ નીતા, નિયતિ અને રાજેશના એકસામટા અવાજ કાને પડ્યા.

"યુ આર લેટ મેમ..." હોઠ દબાવી રાજેશે કહ્યું.

વૈભવીએ પોતાની રિસ્ટ-વોચ તરફ એક નજર કરી, પોણા નવ વાગી ગયા હતા. બધા ઓફિસમાં પહોચી ગયા હતા. વૈભવી પણ મોટાભાગે સમયસર પહોચી જ જતી.

"લુકિંગ બ્યુટીફૂલ ઇન સાડી." રાજેશને જવાબ આપે એ પહેલા નીતાએ હસતા કહ્યું.

"થેન્ક્સ નીતા."

"વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ." એક સ્મિત ફેલાવી એ ઇક્વીપ્ડ વિથ સ્પ્રિંગ ગ્લાસ ડોરને પુશ કરી બોસની ઓફિસમાં ગઈ.

"ગુડ મોર્નિંગ સર."

છાપામાંથી ઊંચી નજર કરતો ગિરીશ જાણે પૂનમના ચાંદને જોતો હોય એમ આભો બની ગયો! વૈભવીને એ પહેલી જ વાર સાડીમાં જોતો હતો. વૈભવીને થયું ગિરીશની નજર..... એણીએ તરત સાડી સરખી કરી દીધી. અને એ એક્શન ગિરિશે પણ નોંધી હતી એટલે તરત કહ્યું....

"અરે બેસને વૈભવી."

વૈભવીને આમ તો છેલ્લા બે વર્ષથી ગિરીશની એ નજરોની આદત હતી જ. પણ શું કરે? મજબૂરી પણ એક ચીજ છે. એ આવી ત્યારથી જ ગિરીશની ગંદી નજર એના શરીર ઉપર રહેતી હતી. પણ વૈભવી એ બધું ટાળી દેતી. વૈભવી જાણતી હતી એ એની એકલીની નહિ દુનિયાભરની ઓરતોની મજબૂરી છે.

વૈભવી ચેરમાં બેઠી. ફાઈલો ટેબલ ઉપર મૂકીને શિસ્ત બદ્ધ સેક્રેટરીની અદામાં જ ટેબલ ઉપર હાથ પર હાથ મૂકીને બેઠી.

"સોરી ડિયર હું તારી પાર્ટીમાં ન આવી શક્યો. એન્ડ કોંગ્રેટસ ફોર ગેટિંગ અ બોય લાઈક કરણ..." ગિરિશે પોતાનો હાથ વૈભવીના હાથ તરફ સરકાવ્યો.

"ઇટ્સ ઓકે સર એન્ડ થેન્ક..." પોતાના હાથ ખસેડી લેતા એણીએ કહ્યું ત્યારે મનમાં એક ઝબકારો થયો. આ ગિરીશ કરણને ઓળખતો હશે? કે પછી અમસ્તું જ ઇનવાઇટેશન કાર્ડમાં નામ જોઈને કહ્યું છે.? એના મનમાં એક પ્રશ્ન થઇ આવ્યો.

"નાના વૈભવી હું માત્ર ફોરમાલિટી નથી કરતો. તને તો ખબર જ છે ને આવડી મોટી કંપનીનો હું માલિક છું પણ મારી આગળ પાછળ કોઈ નથી. કંપનીની બધી જવાબદારીઓ મારા એકલા ઉપર જ છે. કયાંય જઇ નથી શકતો. લૈલા છે પણ એને મારા બીઝનેશમાં રસ જ નથી! એ બસ અમેરિકા ગઈ ત્યારની ગઈ! ભાગ્યે જ એ આવે છે. છેલ્લા એક વર્ષથી એ આવી નથી. ગયા વર્ષે એ આવી ત્યારે એ તને મળી હતી યાદ છે ને?"

"જી સર..." વૈભવીએ વાત બદલી દેતા કહ્યું, "સર નવા પ્રોજેકટની ફાઇલ તૈયાર છે. તમે એક વાર જોઈ લેજો."

વૈભવી ઉભી થઇ ગઇ અને પોતાની ચેમ્બર તરફ જવા લાગી. ગિરીશની ચેમ્બર પાછળ એક બીજી ખાનગી ચેમ્બર હતી, અને બાજુમાં એક નાનકડી કેબીન હતી એમાં વૈભવી બેસતી. વૈભવીની ચેમ્બર એક સેક્રેટેરીઅલ ચેમ્બર હતી.

વૈભવી એના કેબીનમાં ગઈ. મનમાં વિચારો થતા હતા. હું કયાં સુધી આ નોકરી કરી શકીશ...? ભગવન તે પણ મને કેવી જવાબદારી આપી છે? નથી તો પતિને ન્યાય આપી શકતી નથી હું ખુશ રહી શકતી! કરણ મને નોકરી કરવા દેવા જરાય નથી માંગતો પણ એ મને કહી નથી શકતો. મા અંબે તું મને સાથ આપજે હું તારા ભરોસે છુ. તું તો જાણે જ છે ને કે હું સાચી છું!

વૈભવી ખુરશીમાં ફસડાઈ પડી. કરણ ના વિચાર, બોસ, પોતે, આ બધું શુ થઈ રહ્યું હતું? એ લાચાર હતી એ કઈ કરી શકે એમ નહોતી.

આખરે એ ફાઈલો લઈને કામમાં મન પરોવવાનો પ્રયત્ન કરવા લાગી પણ મન એક એવી ચંચલ ચીજ છે જે હમેશા અણગમતું અને ન ગમતું જ વિચારવા મથતું રહે છે.

(ક્રમશ:)

***