દેવ એ આ બાબત ની જાણ સાંગા આતા ને કરવા ફોન કર્યો પણ જવાબ સાંભળી દેવ આશ્વર્યચકિત થઇ ગયો...!!!
સાંગા આતા ના એવા તો શું શબ્દો હતા?? આ શબ્દો ને શું અંધશ્રદ્ધા ગણવી?? કરણ નું શું થશે?? પોતે આગળ જવું કે નઈ?? કરણ ને એકલો આ લોકો પાસે છોડાય કે નહીં??
આ અવઢવ માં પડી રહ્યો. સાંગા આતા એ ફોન માં કીધું હતું કે માતાજી ના મોઢે સુવડાવી તમે બેય આગળ નીકળી જાવ ,લખમણ ને કે જે કે હું કાયલ એને લઇ આવીસ. જે માતાજી કરી ને ફોન મુક્યો.
દેવ આ વાત પર જ જરા ત્રાસી ઉઠ્યો હતો.એ જરા વિચાર માં પડી ગયો કે માતાજી પર આટલો વિશ્વાસ પણ આ છોકરા ની હાલત જોતા એને હોસ્પિટલ ભેગો કરવો પડે એમ હતો. એમ અમુક વાતો ક્યારેક જીવન માં સમજાતી નથી હતી પણ બીજાના અનુભવો નું સિંચન આમાં થતું રહે ને તૃપ્તતા પામે, વાત પર જાણે માતાજી નું સ્ટેમ્પ લાગી ગયું હતું. આતા એ કીધું તો હવે શું કરવું??
ખીમલી એ ખમ્ભો પકડી ને વિચારો માંથી દેવ ને બાર કાઢ્યો.' હું કીધું આતા એ??' દેવ ઘડી ભર બોલી ના શક્યો.ખીમલી કરણ ની ચિંતા માં જરા મોટા અવાજે બોલી ઉઠી ' ફાયટ ને મોઢા માંથી કે આમ કાલી જેવું થઇ ને જ રેવું સે? '
"માતાજી પાસે મૂકી ને નીકળી જવા કીધું આતા એ.." દેવ નો ધીમા અવાજે પ્રત્યુત્તર મળ્યો.
'એતો મારી માં હઝાર હાથ લઇ ને બેઠી જ સે , આ ગ્યર છે આયા હારાવાનાં જ થાય હંધાય ના ' ખીમલી નિશચિંત થઇ ને બોલી. જાણે એ ભવિષ્ય નો ટેગ મેળવી ગઈ હોય એમ. એને ભરોસો આ કુદરત ની ધરતી પર હતો એની શ્રદ્ધા હિરણ ના નીર માં ને લીલાછમ ગીર માં અપરંપાર હતી.
'માણસ વેદનાઓ ને છુપાવવા માટે અંધશ્રદ્ધાઓ નો ભોગ બની જતો હોય છે જયારે જાત પર ની શ્રદ્ધા તો માણસ ને વેદના માં અને સુખ માં સમતલ રાખે આ વાત ને દેવ કાનો કાન સાંભળતો હોય એમ વિચારો માં વાગોળતો હતો ને જાત સાથે સવાંદ કરતો હતો એ શીખતો હતો , એ ખીલતો હતો ને એ વિકસતો પણ હતો...
કેમ ના વિકસું?.. ગીર માં છું ને ખીમલી સાથે છે તો વિકસું જ ને..આ સમયે દેવ ને આખી જિંદગી નું ભણતર એક બાજુ અને સમય નો તાગ લઇ વિશ્વાસ પૂર્વક ના નિર્ણય નું મહત્વ એક બાજુ એ સમજાતું હતું.
લખમણ આતા એ થોડાક સૂકા લાકડાઓ લાવી ને ધૂણી પ્રગટાવી. બધા ફરતી કોર કોરા થવા માટે બેઠા. એક બાજુ કરણ નો ખાટલો રાખ્યો હતો અને બીજી બાજુ આ બધા એક ખાટલા પર બેઠા હતા.
જીવી કાકી ને રસોઈ માં મદદ કરવા ખીમલી ગઈ.એમ તો રાત પડવા આવી હતી. દેવ એ કરણ ને તપાસ્યો એનો સ્પર્શ હવે પેલા જેટલો ગરમ ન હતો.એ જરાક મનોમન હસી પડ્યો , ' તાવ ની માં એના છોકરા નું એટલું તો રાખે ને?
રસોઈ બની ગઈ અને બધા એ કમને થોડું ખાધું. કરણએ હવે આંખો ખોલી અને પાણી પણ પીધું.એને જમવામાં રાબ બનાવી દીધી હતી જીવીકાકી એ , બધા ધૂણી ની આસપાસ બેઠા હતા. તાવ ઓછો થતા બધા ને થોડી રાહત લાગી હતી.
જીવલી રૂ નું પુમડું લઇ ને આવી કરણ ના પગ ના તળિયા પર રૂ મૂકી જોર થી દબાવ્યું. કરણ ની ચીસ નીકળી ગઈ ' જે માતાજી...રામ રામ રામ....'
'જરીક કઠણ થઇ ને રે , રસી કાઢું છું એટલે સારું થઇ જાહે' જીવલી એ જરા શાંતવના આપી.
દેવ આ બધું જોયા કરતો અને મનો મન જીવલી ની કાળજી ના વખાણ પણ કર્યા કરતો.
રસી કાઢી ને ખીમલી એ લીમડા ના પાન વાટી ને લૂગદી બનાવી પગ ના તળિયે મૂકી ને આછા કપડાં થી પાટો વાળ્યો, પછી ધાબળો ઓઢાડી ને કરણ ને સુવડાવી દીધો.
દેવ ની આંખો ઘેરાતી હતી. 'કાલ બાપા આલાવાણી થી આવી ને લઇ જાહે..' આવી વાતો કાને પડતી હતી અને દેવ ની આંખો મીંચાય ગઈ.
થાક ના લીધે રાત ખુબ ઝડપી પસાર થઈ.ચકલીઓ અને તેતર ના અવાજો આવતા હતા અને દેવ ની આંખો ખુલી , જોયુ તો સવાર પડી ગઈ હતી. મોઢું ધોઈ ને દેવ કરણ પાસે ગયો , સ્પર્શ જરા ગરમ હતો પણ પેહલા કરતા ઓછો એટલે મન ને શાંતિ અપાવે એવો હતો.
ખીમલી તો ક્યારની ઉઠી ગઈ હશે , એણે બધા માટે શિરામણ પણ તૈયાર કરી રાખ્યું હતું. ખીમલી કાકી ને મદદ કરતી હતી. ત્યાં જઈ દેવે જોયું તો એ છાશ માંથી માખણ ઉતારવામાં કાકી ની મદદ કરતી હતી. આવું તાજું માખણ પણ એને નસીબ થવાનું હતું જે સીટી ના પાઉડર વાળા દૂધ પ્રત્યે ધૃણા ઉપજાવે એમ હતું.
બધા શિરામણ માં બેઠા , કરણ ને ખાટલા માં જ ચા ને દૂધ અપાય ગયું હતું.શિરામણ કરી ને બધા બેઠા. લખમણ કાકા એ ભેંસો જોક બહાર કાઢી નાખી હતી.
ખીમલી તરફ જોઈ ને દેવે કહ્યું કે ' સાંગા આતા ના આવવા ની રાહ જોયીયે , અને બપોર પછી નીકળીએ.'
'હવે કેની કોર જવાનો વિસાર સે?' લખમણ કાકા એ પૂછ્યું.
ખીમલી એ જવાબ ભર્યો કે 'કમલેસર બાજુ જાવું સે'
'ઓહો તો તો બટાં તમારે બપોર પછી નીકળો તો તો મોડું થઈ જાહે '
'પણ કાકા આમ કરણ ને એકલો મૂકી ને કેમ નીકળવું?',
દેવે કાકા ને પૂછ્યું
'અરે માતાજી છે ને સૌ સારા વાના કરશે , હું ને તારી કાકી ય છીયે ને ધ્યાન રાખવા વાળા તમ તમારે તમે બેય જાવ ' કાકા એ સમજાવતા કહ્યું.
ખીમલી તરફ ઈશારા થી દેવે પૂછ્યું કે શું કરવું છે?
ખીમલી બોલી ,' એને કાઈ નો થાય અને કાયલ કરતા તો હારું સે , આતા ય બપોર હુધી માં આવી જાહે . આપણે નીકળીએ નકર અધ વચ્ચે જ રાત પડી જાહે. એક તો આમેય દી ઘણો ચડી ગ્યો સે એટલે આપડે મોડા જ સિયે હવે મોડું નો કરાય .'
આમ બધા ની સહમતી સાથે બન્ને દાધિયા થી નીકળ્યા.કરણની લાકડી હવે દેવ પાસે હતી. બન્ને એ સાંજ પડે ત્યાં સુધી માં કમલેસર ડેમ ની પાળી પર થઇ ને કાઠીતડ પહોંચવાનું હતું.
દાધિયા થી ઊગમણી બાજુ ના જંગલ ના રસ્તે તેઓ નીકળ્યા હતા. પછી નદી તો વચ્ચે હતી જ પણ વહેણ ધીમું અને સાંકડું હતું તેથી પાર કરવામાં મુશ્કેલીઓ ના પડી.
બપોર નો સૂરજ માથે ચડ્યો હતો પણ વૃક્ષો એમને ગરમી ના લાગે એનું ધ્યાન રાખવા જ ઉગ્યા હોય એમ ટાઢક આપતા હતા. બન્ને જણ નદી વટાવી ને બેઠા , દેવ એ પાણી ની બોટલ કાઢી.
ખીમલી દેવ સામે જ તાકી રહી હતી. દેવ એ ખીમલી તરફ ઢાંકણ ખોલી ને બોટલ લમ્બાવી. પોતે પહેલા પાણી ના પીધું અને ખીમલી તરફ ધર્યું એ ખીમલી ને ગમ્યું. પોતે એ ખુલ્લા મન ની છોકરી તરીકે જ હમેશા જીવી હતી પણ પોતાના મંગેતર સામે તો એ એક સ્ત્રી તરીકે ત્યાગ અને સહનશીલ થવા હમેશા મનોમન તૈયાર જ હતી. અને એવું માનતી પણ ખરી કે લગ્ન પછી સ્ત્રી ઉપર પુરુષ ની જવાબદારીઓ વધી જતી હોઈ છે જે પોતાના ઘર માં પણ એણે જોયું અને અનુભવ્યું હશે.
એ ભારણ ને માથે લેવા પણ એ તૈયાર હતી.
પરન્તુ દેવે ખીમલી ને પ્રાથમિકતા આપી એ એને ગમ્યું. એણે આવું થતા ત્યાં નેસડા ના સ્ત્રી પુરુષો માં વધુ જોયું નહોતું.
ખીમલી પણ પોતાને અપાયેલી પ્રાથમિકતા ને એમ જ ગળે વળગાવી લે એવી તો ન જ હતી માટે ખરાઈ માટે એક પ્રેમાળ પ્રશ્ન તરતો મુક્યો , ' તે હું જ સુ કામ પેલા? તમે પી લ્યો ને...'
' તારા ભાગે બચ્યુ નઈ તો?' દેવે જરા ટીખળ કરી.
'તો એમાં હું થઇ ગયું આ હેરણ આખી ય છે જ ને , એમાંથી એક બે ખોબા મારા નામે લખ્યા હશે , ને તું કે ને કિમ મને પાણી પેલા આયપુ ?? આય ના ભાયું માં તો મેં આવું કોઈ 'દી જોયું નય , બાયું અમારી આખો દાળો કામ કરે ને તોય શિરામણ થી લઇ ને ઠેક વાળું હુધી માં ભાઈ ને જ પેલા રાખે '.
દેવ માટે પ્રશ્ન જરા વિચિત્ર હતો , ' પેલા તું ...
....કારણ કે હવે હમેશા પહેલા તું જ.' આમ કરી ને દેવ પોતાના હ્ર્દય માં ખીમલી માટે ફૂટી રહેલા કૂંપળો ને વ્યક્ત કર્યા વિના રહી ના શક્યો.
'કેમ તે હું કઈ રાજા સુ?'
' ના તું રાજા નથી પણ રાણી તો છે જ ને , આ આખા ગીર ની રાણી , આ પ્રકૃતિ એ આપેલી રાણી , આ જાનવરો ની રાણી , આ હેરણ ની રાણી , આ વૃક્ષો ની રાણી , ને મારા દિલ ની....'
દેવ ના જવાબ એ સ્તબ્ધતા કરી મૂકી. મંત્રમુગ્ધ થયેલી ખીમલી જરા શરમાઈ .આંખ ઉંચી કરી શરમાળ આંખે જોયું.
' રાણી છું તો પછી પીવું જ પડશે ને લાવો...'એમ કરી ખીમલી એ બોટલ માંથી પાણી પીધું.
બોટલ પાછી આપતા બોલી , ' એક વાત કવ?'
'હા .'
' એમ તો હું પરભૂ એ આપેલ વર ની હાયરે ગમેં એમ કરી ને સંધામેળ કરી જ લેત પણ તું જરાક અલગ સો , ગ્યર નું બીજ સો પણ લાગણી તો હેરણ ની જેમ ખડ ખડ દોડે સે તારામાં , તારી આયખું જ સસલા ને પહુડા જેવી નિર્દોસ ને પાસી દયા આવી જાય એવી સે .
તને જોવ ને તો.....'
આટલું બોલી ને ખીમલી શરમાઈ ને નીચું જોઈ ગઈ.
'ને તારી આંખો સિંહણ જેવી છે એટલે મારાથી એમાં ઝાંકી જ નથી શકાતું ' દેવ એ મજાક કરી
ખીમલી એ આ મજાક ના બદલા માં દેવ ની છાતી પર હળવો ઢીક્કો માર્યો ને બોલી, ' તે કાંઈ ખાય નય જાવ તમને ".
કુદરતી વાતાવરણ માં જાણે, માટી ભીની હોય અને બિજ માંથી કૂંપળો નીકળવા મથામથી કરી રહી હોય એમ બન્ને વચ્ચે પ્રેમ ની ઝાંખી એક બીજામાં મહેસુસ થઇ રહી હતી.
'ભૂખ નથી લાગી? દેવ એ પૂછ્યું.
' કેમ રાણી માટે સાત પકવાન હાઝર કરવાના છો?' ખીમલી એ વળતી મજાક કરી.
' રાણી સાત પકવાન સિવાય બીજું કઈ ખાય જ નઈ?' દેવ એ વાત ને જરા ખેંચી.
'ખાય ને.... રાણી ને પીરસનારો સાત પકવાન ની જેમ પીરસે તો...'
દેવ ખીમલી નો જવાબ સાંભળી મનો મન એની સેન્સ ઓફ હુમર માટે તાળીઓ પાડતો હોય એમ ગર્વ કરવા લાગ્યો.
સાગ નું એક મોટું પાન લઇ ને એના પર બિસ્કીટ પાથર્યા.ખીમલી તરફ બિસ્કીટ ધર્યા ને એ તરત બોલી કે,
' રાણી નો આદેસ સે કે પેલા તમે ખાવ '
દેવ માત્ર સામે જ જોઈ રહ્યો. કઈ બોલે એ પેલા જ એક બિસ્કીટ લઇ ને એના મોઢા માં ઠુંસી દેવાયું ને ખીમલી હસવા લાગી.
એ આ છોકરી ની કાળજી લેવાની અલગ રીત , સેન્સ ઓફ હ્યુમર અને વાણી ની કળા પ્રત્યે ઝુકી ગયો હતો.
થોડો સમય વિતાવી બન્ને કાઠીતળ જવાના રસ્તે ચડ્યા. વાતો ચિતો હવે સહજ હતી ને હરણ જેવી માસુમ આંખો હવે સિંહણ ની આંખ માં આંખ પણ નાખી શકતી હતી.
આડેધડ જંગલ માં ચાલતા તેઓ રસ્તા પર પહોંચ્યા કાચો માટી નો રસ્તો હતો. હવે સંધ્યા નજીક આવી હતી. રસ્તા પર ચાલતા ધીમા ઘૂઘવાટા સંભળાયા. કોઈ નો દર્દ ભર્યો અવાજ હતો એ સુમસામ રસ્તા ઉપર . અહીં માણસો ની અવર જવર ખુબ ઓછી રહેતી.માટે અહીં કોઈ પ્રાણી એ બીજા પ્રાણી નો શિકાર કર્યો હોય અને એ પીડિત પ્રાણી નો અવાજ હશે એમ જ બન્ને એ મન માં સ્વીકાર્યું અને આમ તેમ શોધ ચાલુ કરી.
દસેક મીટર ના અંતરે એક વડલા નું ઝાડ હતું અને એ ઝાડ ની પાછળ થી અવાજ આવતો હોય એવું લાગી રહ્યું હતું. બન્ને વડલા ની બાજુ માં ઉભી ત્રાસી ડોક કરી ને જોયું...દેવ ની આંખો પહોળી થઇ ગઈ.
દેવ હાંફળો ફાફળો થઇ ગયો , ' હવે શું કરશું?'ખીમલી ની સામે જોઈ ને બોલ્યો.
વધુ આવતા અંકે....
લેખક : ડો રાકેશ સુવાગિયા..
લેખન ને રીવ્યુ 9586048450 પર વોટ્સએપ કરી શકો છો , એ ઉપરાંત https://www.facebook.com/rakesh.suvagiyasagar આ લિંક દ્વારા ફેસબુક પર પણ જોડાય શકો છો અને પ્રતિભાવો આપી શકો છો...ખુબ ખુબ આભાર...