રાકાના લોહીના કારણે સફેદ સોફો લાલ રંગમાં રંગાઇ ગયો હતો. જેને જોઇને ગાર્ડ અને ડ્રાઇવર બન્ને ડઘાઇ ગયા હતા. થોડીક વારમાં રાકાના સાગરીતો બંગલે આવી પહોંચ્યાં હતા. જેઓએ બંગલો અને ફાર્મ હાઉસનો ખુણે ખુણો શોધ્યો પણ કોઇ મળ્યું નહીં, મિત્તલ પણ ગાયબ હતી. પરંતુ બંગાલાની પાછળના ભાગે દિવાલમાં માણસ પસાર થઇ શકે તેટલું મોટું બાકોરૂ મળી આવ્યું હતું. જેમાંથી બહાર નિકળતા જ બે કાર ત્યાં ઊભી હોય અને મોડી રાતે ત્યાંથી નિકળી હોવાના કેટલાક પુરાવા પણ મળ્યા. કારના ટાયરના નિશાન પાસે જ સિગરેટના કેટલાક બટ્સ અને માચીસની સળગેલી સળીઓ મળી હતી.
દિવાલમાં બાકોરાની બાજુમાં ઊભેલી કારમાં બેસતા એક મહિલાના હિલવાળા સેંડલના નિશાન પણ દેખાતા હતા.જેથી રાકાની હત્યામાં મિત્તલનો પણ હાથ હોવાનું લાગતા સાગરીતો રાકાની લાશને લઇને ત્યાંથી નિકળી ગયા. રાકાના માણસોના માથેથી જેમ પિતાનું છત્ર જતું રહ્યુ હોય તેમ તેઓ નિરાધાર બની ગયા હતા. જેમને આધાર આપનારો માત્ર એકજ હાથ હતો સ્વયમ. કહેવાયા છેને કે, પિતળને સોનામાં ભેળવી દો તો તે સોનુ બની જાય છે. તેમજ જ રાકાની સાથે તેના નાના ભાઇને જેમ રહીને સ્વયમ પણ રાકાની રગે રગથી વાકેફ થઇ ગયો હતો. રાકાની અંગત બાબતો તો ઠીક પણ તેના વેપારના દાવ પેચથી પણ સ્વયમ સંપૂર્ણ પણે વાકેફ હતો અને તેમા માહેર પણ થઇ ગયો હતો. જેથી સ્વયમ અને દ્રષ્ટીનું હનીમુન પુરુ થવાની રાહ જોયા વિના જ રાકાના માણસે સ્વયમને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી.
રાકાની હત્યાની જાણ થતાની સાથે જ સ્વયમએ પોતાનું હનીમુન ટુકાવ્યું અને પરત આવી ગયો. દ્રષ્ટીને પણ રાકાના જવાનો ગમ હતો, પરંતુ બીજી તરફ હવે તેને સ્વયમના જીવનું જોખમ લાગતા ગભરાઇ રહી હતી. સ્વયમ અને દ્રષ્ટી એરપોર્ટ પર આવતાની સાથે જ તેમને લેવા માટે આવેલી ચાર કાળી મર્સિડિઝમાંથી માણસો આવ્યા અને તેમનો સામાન લઇ તેમને એક પ્રકારનું સુરક્ષા કવચ આપી કાર સુધી લઇ ગયા. તેમની કારની આગળ અને પાછળ સુરક્ષા સાથે તેમને બંગલા પર લાવવામાં આવ્યા હતા. જ્યાં સફેદ ચાદર પર સફેદ કપડામાં રાકાનો મૃતદેહ લપેટાયેલો પડયો હતો. સ્વયમના માથેથી પણ ભાઇનો હાથ જતો રહેતા તે પણ અવાક બની ગયો હતો. તેને પણ શું કરવું તેની ખબર પડતી નથી. દ્રષ્ટીએ સ્વયમને ઢંઢોળ્યો અને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે જમીન પણ ઢળી પડયો. તેની આંખમાં આંસુનો દરીયો દેખાતો હતો પરંતુ તે રડી શકતો ન હતો. જેથે દ્રષ્ટી તેને નજીકના રૂમમાં લઇ જઇ સમજાવવાના પ્રયાસો શરૂ કર્યો.
દ્રષ્ટી : સ્વયમ રાકા ભાઇના જવાથી હવે તું જ આ બધા માણસો માટે રાકા છે. રાકા ભાઇ તને નાનો ભાઇ સમજતા હતા, હવે તારે ખરેખર તેમના નાના ભાઇની જવાબદારી નિભાવવાની છે. જો તું જ આરીતે તુટી જઇશ તો આ બધાનું શું થશે. આ બધા તો રાકાની જગ્યા પર તને જ જોઇ રહ્યા છે.
દ્રષ્ટીની વાતો સાંભળી સ્વયમને પોતાની જવાબદારીનું ભાન થઇ રહ્યુ હતું. તો બીજી તરફ સ્વયમનું ભવિષ્ય પણ રાકા જેવું જ થશે તે વાતનો ભય દ્રષ્ટીમાં વધી રહ્યો હતો. સ્વયમ સ્વસ્થ થયો અને તે દરવાજો ખોલી સીધો જ રાકાના મૃતદેહ પાસે ગયો. સ્વયમના અવાજમાં એક દ્રઢતા આવી ગઇ હતી. તેને રાકાના માથા પર હાથ મૂકી બોલવાની શરૂઆત કરી.
સ્વયમ : ભાઇ તમને દગો આપી તમને ભગવાન પાસે મોકલનાર એ હરામીઓને હું જીવતા નહી છોડું. તેમનો સાથે આપનાર મિત્તલને તો હું જ્યાં સુધી જીવતી સળગાવું નહીં હું એક પણ દિવસ શાંતિથી બેસીસ નહીં.
સ્વયમને માણસોને આદેશ કર્યા છે, રાકાભાઇની હત્યાની સોપારી કોણી લીધી હતી તેને અને પેલી મિત્તલને શોધો. આપણા બંધા જ પંટરોને ખબર કરો કે, સોપારી લેનાર અને મિત્તલની ખબર આપનારને સ્વયમને રૂ. ૧ કરોડનું ઇનામ આપશે. સ્વયમે આદેશના સ્વરમાં એક માણસને દ્રષ્ટીને ઘરે મૂકી આવવા જણાવ્યું. જેથી દ્રષ્ટી પણ કશું જ બોલ્યા વિના તે વ્યક્તિ સાથે ઘરે જવા તૈયાર થઇ ગઇ. સ્વયમને તે માણસને ૧૦થી ૧૫ માણસો સાથે લઇ જઇ ઘરે પરિવારની સુરક્ષામાં રહેવા જ આદેશ કર્યો. આદેશનો સિલસિલો પુરો થતાંની સાથે જ સ્વયમે તેના ખાસ ગણાતા કેટલાક લોકોને ફોન કરવાની શરૂઆત કરી. જેથી ભાઇની સોપારી લેનાર અને મિત્તલ બન્ને શોધી શકાય.
દિવસોના દિવસો વિતિ રહ્યા હતા. સ્વયમને જોઇતી માહિતી ન મળતા તે બેબાકળો બની રહ્યો હતો. સાત દિવસનો સમય વિતી ગયો હતો. સ્વયમને તો જાણે ૭૦ વર્ષ વિતી ગયા હોય. ભાઇના કાતીલોને ન શોધી શકવાને કારણે માણસો પર ગુસ્સો કરવા લાગ્યો હતો. ઘરે પણ દ્રષ્ટી રાહ જોઇ રહી હતી તે પણ તે ભૂલી ગયો હતો. એક દિવસ સાંજે એક વ્યક્તિનો ફોન આવ્યો તેને કહ્યું રાકાની હત્યા કરનારા અને મિત્તલ ક્યાં છે તે જાણવું હોય તો રાતે ૧૨ વાગ્યે એલીસ બ્રિજ નીચે આવી જાવ. તે ફોનમાં છેલ્લુ વાકય હતું, એકલો આવજે.
સ્વયમને ફોન કરનાર પર વિશ્વાસ ન હતો, જેથી તેણે પોતાના માણસોને એલીસ બ્રિજ તેમજ તેની આસપાસના વિસ્તારમાં ઓળખાય નહીં તે રીતે ગોઠવાઇ જવા આદેશ કર્યો. સાંજે ૮ વાગ્યાથી જ સ્વયમના માણસો વેશ બદલીને એલીસ બ્રિજ અને તેની આસપાસ ગોઠવાઇ ગયા હતા. રાતે ૧૨ વાગવામાં ૨૦ મિનિટની વાર હતી. સ્વયમ માહિતી આપનારને મળવા માટે એલીસ બ્રિજ નીચે આવી ગયો હતો. સમય પસાર ન થતાં સ્વયમ સિગરેટના કસ પર કસ મારી રહ્યો હતો. તેવામાં જ તેના મોબાઇલની રિંગ વાગી. તેના મોબાઇલની સ્ક્રીન પર નંબરના સ્થાને અનનોન નંબર લખલી આવતું હતું. જેથી તે પણ આસપાસ નજર કરી રહ્યો હતો પણ કોઇ દેખાયું નહીં. તેના ફોનની રિંગ વાગતી બંધ થઇ. તેની નજર આસપાસ દોડી રહી હતી તેટલામાં જ ફરી રિંગ વાગી તેજ વ્યક્તિનો ફોન હતો. સ્વયમને ફોન ઉપાડયો અને કાને લગાવ્યો. સામે છેડેથી અવાજ આવ્યો, એકલા આવવાનું કહ્યું હતું. પણ કંઇ વાંધો નહીં તું જ્યાં ઊભો છે ત્યાં જ ખાડો ખોદવાનું શરૂ કર તને તારી માહિતી મળી જશે.
ફોન જમીન પર ફેંકીને સ્વયમને ખાડો ખોદવાની શરૂઆત કરી તેના માણસો પણ તેને દૂરથી જોઇ રહ્યા હતા. થોડી વાર પછી તેના હાથમાં એક બોક્સ આવ્યું. તે બોક્સ લઇ તે કાર તરફ દોડયો અને કારમાં બેસતા જ ડ્રાઇવરને બંગલે લઇ જવાના આદેશ આપ્યા. તેની સાથે તેને માણસોને પણ તાત્કાલીક જગ્યા પરથી બંગલે આવી જવા આદેશ કર્યો હતો. બંગલે આવી બોક્સ ખોલી તેમા જોવા માટે આતુંર હતો. ઘરે ગયો એટલે તેન બોક્સને સોફાની નજીકમાં પડેલા કાચના ટેબલ પર મૂક્યુ. થોડી જ વારમાં તેના બધા જ માણસો પણ ભેગા થઇ ગયા હતા. સ્વયમને બોક્સ ખોલ્યું તેમાંથી એક પેન ડ્રાઇવ નિકળી. સ્વયમને પેન ડ્રાઇવ ટીવીમાં લગાવવાના આદેશ કર્યો અને ટીવી ચાલુ કર્યુ. ટીવીના રીમોર્ટમાં કામન્ડ આપતાની સાથે જ પેન ડ્રાઇવમાં રહેલો વીડિયો પ્લે થવા લાગ્યો.
જેમાં રાકાભાઇની હત્યાની સોપારી લેનાર કેટલાક લોકો દેખાતા હતા. તેમની સાથે વાત કરનાર વ્યક્તિ મિત્તલ જ હોવાનું તેના અવાજ પરથી લાગ્યું.