Raani Karnavatis Untold Jauhar 2 in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | રાણી કર્ણાવતી : ઇતિહાસમાં ભૂલાયેલી વીરાંગનાના જૌહરની સત્યકથા : ભાગ - ૨

Featured Books
Categories
Share

રાણી કર્ણાવતી : ઇતિહાસમાં ભૂલાયેલી વીરાંગનાના જૌહરની સત્યકથા : ભાગ - ૨

...રાણા સાંગા પછી તેમના બીજા નંબરના પુત્ર રતનસિંહ બીજાનો રાજ્યાભિષેક થયો (રાણા સાંગાના સૌથી જ્યેષ્ઠ પુત્રનું નામ ભોજરાજ હતું, જેમનું ૧૫૨૬માં અવસાન થયું હતું. તેમના પત્ની એટલે મીરાંબાઈ- હા, ભક્તિ આંદોલનનાં અગ્રણી એવાં કૃષ્ણદીવાની મીરાંબાઈ !) રતનસિંહ બીજાની સત્તા પણ લાંબો સમય ન ટકી શકી. ઇસવીસન ૧૫૩૧માં યુદ્ધ મોરચે તેમનું અવસાન થયું. રાણા સાંગાના ત્રીજા પુત્ર વિક્રમાદીત્યની તાજપોશી કરવામાં આવી એ સમયે તેમની ઉંમર માંડ ૧૪ વર્ષ હતી. મિજાજ મરચાંની ધૂણીને પણ શરમાવે એવો, અને વર્તન... રહેવા દો, વધુ નથી કહેવું.

(મીરાંબાઈનું અપમાન કરીને તેમને વિષ પીવા માટે મજબૂર કરનાર રાણા વિક્રમાદિત્ય જ હતાં એવું ઇતિહાસકારો માને છે.)

રાણી કર્ણાવતીની અસલી ભૂમિકા અહીંથી જ શરુ થઈ. એક તરફ તેમણે તુંડમિજાજી બાળરાજાને સાંભળવાનો હતો, જયારે બીજી તરફ, મેવાડની અસ્થિર બનેલી સત્તાને સંતુલિત કરવાની હતી. શક્તિશાળી શાસકની ગેરહાજરીમાં સ્થાનિક સરદારો બળવો કરી શકે, તેથી તેમને દાબમાં રાખવાં એ ખૂબ મુશ્કેલ કામ હતું, છતાં રાણી કર્ણાવતીએ ગજબની કોઠાસૂઝ વાપરી પરિસ્થિતિને થાળે પાડી. એક તો તેઓ રાજપરિવારમાંથી આવતાં હતાં ઉપરાંત, રાણા સાંગાના પત્ની હતાં, તેથી શાસનની બારાખડી સારી રીતે જાણતાં હતાં. નવા રાજમાતાની છત્રછાયા તળે મેવાડ ફરી બેઠું થઇ રહ્યું હતું, મેવાડવાસીઓ પણ રોજિંદી ઘટમાળમાં ટેવાતા જતા હતાં પણ,...

આ 'પણ' શબ્દ ભલભલાનાં શ્વાસ અધ્ધર કરી દેવા માટે સક્ષમ છે. મેવાડના કિસ્સામાં તો 'પણ'ની અસર સામ્રાજ્ય હચમચાવી શકવા જેટલી ગંભીર હતી. સ્થિર થઇ રહેલાં સિસોદિયા રાજપૂતોના સામ્રાજ્ય પર ગ્રહણ લગાવવા ગુજરાતનો સુલતાન બહાદુરશાહ ક્યારનો ટાંપીને બેઠો હતો. જૂના વેરની તેને વસૂલાત કરવી હતી.

વેર બંધાયું એ સાલ ૧૫૧૪ની હતી. મેવાડ અને ગુજરાત સલ્તનત વચ્ચે એના પહેલાં સુધી દુશ્મની ન હતી. દુશ્મનીના બીજ રોપાયાં ઇડર સંઘર્ષથી. ઇડરમાં રાઠોડ વંશના રાજકુમારો ભારમલ અને રાયમલ પોતપોતાને અસલી ગાદીવારસ ગણાવતાં હતાં. સંબંધે બંને પિતરાઈ ભાઈઓ હતાં. અંદરોઅંદર મામલો સંભાળી લેવાના બદલે તેમણે બાહરી મદદ લીધી. રાયમલે રાણા સાંગાનો આશરો લીધો, જયારે ભારમલે ગુજરાતના સુલતાન અને બહાદુરશાહના પિતા મુઝફ્ફરશાહ બીજાનો. ત્રણ મોટા યુદ્ધો થયાં, જેમાં અંતે રાજપૂતોનો વિજય થયો અને ઇસવીસન ૧૫૧૭માં રાયમલની તાજપોશી થઇ. પણ, ઇસ. ૧૫૨૦માં મુઝફ્ફરશાહે ફરી ઇડર પર કબ્જો કરી લીધો.

હવે રાણા સાંગાનું દિમાગ ફટક્યું. તેમણે મુઝફ્ફરશાહને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને સહયોગી સેનાઓ સાથે ગુજરાત પર હલ્લો બોલાવી દીધો. મુઝફ્ફરશાહની સેના રાજપૂતોની ખુમારી, શિસ્ત અને બહાદુરી સામે વામણી પૂરવાર થઇ. સુલતાને રાજધાની છોડી ભાગવું પડ્યું, અહેમદનગર જેવા શહેરોનું પતન થયું અને સલ્તનતી ખજાનો લૂંટાયો. મુઝફ્ફરશાહ માટે આ બહુ મોટો ફટકો હતો, 'સોના તો ગયા' પણ ઈજ્જતના ધજાગરા થયા એ નફામાં !

આખરે ૧૫૨૬માં રાણા સાંગા સાથેનો હિસાબ ચૂકતે ન કર્યાના વસવસા સાથે તેનું મૃત્યુ થયું અને ખૂનામરકી પછી તેનો પુત્ર બહાદુરશાહ સત્તા પર આવ્યો. મેવાડ સાથે બદલાનું પ્રકરણ પણ નવી કલમે શરુ થયું. ઇસ. ૧૫૩૧માં, જયારે રાણા રતનસિંહ (રાણા સાંગાના પુત્ર અને રાણા વિક્રમાદિત્યના મોટાભાઈ) સત્તા પર હતાં ત્યારે ગુજરાતની સેનાએ માળવાના રાજપૂત સરદાર રાજા શિલાદિત્યને હટાવવા આક્રમણ કર્યું અને તેને જીવતો રાખવાના બદલે રાઇસીન આપી દઈને ઇસ્લામ કબૂલવાની શરત મૂકી. શિલાદિત્યએ ગુપ્ત રીતે ચિત્તોડને મદદનો સંદેશ મોકલ્યો તેથી બહાદુરશાહે સેના મોકલી ચિત્તોડના કિલ્લા ફરતે ઘેરો ઘાલ્યો, જેને હટાવવા જતાં રતનસિંહ વીરગતિ પામ્યા.

રિવર્સ ટીક... ટીક.... પૂરું, હવે પાછા ઇસ. ૧૫૩૫માં આવીએ. અત્યારે ચિત્તોડમાં સ્થિતિ ગંભીર હતી, ઓર ગંભીર રૂપ ધારણ કરી રહી હતી. સ્થાનિક સરદારોમાં રાણા વિક્રમાદિત્ય પ્રત્યે સખત નારાજગી હતી. પોતાનાથી વડીલ અને શાણા દરબારીઓને વાત-વાતમાં ઉતારી પાડવાની વિક્રમાદિત્યને આદત હતી, કેટલેક અંશે પોતાની ધાક બેસાડવાનો નઠારો શોખ પણ ખરો ! સરદારો સાથે પણ તેનો વ્યવહાર જુદો ન હતો, તેથી જ મેવાડ પર યુદ્ધ તોળાઈ રહ્યું હોવા છતાં કોઈ સરદાર વિક્રમાદિત્યના પક્ષે લડવા તૈયાર ન હતો.

કર્ણાવતી મૂંઝાયા. તેમણે સરદારોને સમજાવવાની કોશિશ કરી, પણ તેઓએ રાણાના નામે લડવાની તો ઘસીને ના પાડી દીધી. હવે શું કરવું ? તેમણે ચતુરાઈથી કામ લીધું અને સરદારોને ફરી એકઠા કરીને તેમને પોતાની માતૃભૂમિ પ્રત્યેની ફરજો યાદ કરાવી. રાણા માટે નહીં તો મેવાડ ખાતર તેમને લડવાની વિનંતી કરી. સ્થિતિ જ એવી હતી કે તેઓ વિનંતી સિવાય બીજું કશું કરી શકે એમ નહોતાં. યોજના કામ કરી ગઈ અને રાજપૂત સરદારો લડવા તૈયાર થયાં પણ, તેમણે એક શરત મૂકી કે, યુદ્ધ ચાલુ હોય એ દરમિયાન સલામતી ખાતર રાણા વિક્રમાદિત્ય અને નાનાભાઈ ઉદયસિંહ તેમનાં મોસાળ બુંદી જતાં રહે. રાણી સંમત થયા. એક કામ પત્યું.

અલબત્ત, યુદ્ધ જીતવું સહેલું ન હતું. અગાઉના લોહિયાળ સંઘર્ષો અને અભિયાનોને લીધે મેવાડની સેનાનું કદ સીમિત થઇ ગયું હતું, શાહી ખજાનો પણ તળિયાછંટ હતો. બીજી તરફ, બહાદુરશાહની શક્તિઓમાં ધરખમ વધારો થયો હતો. તેના આક્રમણને પહોંચી વળવા બહારથી કોઈ શક્તિશાળી શાસકની મદદ મળે તો વાત બને. ભારતમાં એ સમયે તો એવો એક જ શાસક હતો, નસિરુદ્દીન હુમાયુ. ભૂતકાળમાં થયેલા એક કડવા પ્રસંગને લીધે બહાદુરશાહ સાથે તેના સંબંધો 'આલ ઇઝ વેલ' પ્રકારના ન હતાં એ વાતે રાણી કર્ણાવતી મદદ માટે વધુ આશાવાન હતાં. (એ વિશેની વાત અત્યારે બિનજરૂરી છે, તેથી વર્ણન કરેલ નથી.)

અલબત્ત, હુમાયુના પિતા બાબર સાથે તો મેવાડને પણ દુશ્મની હતી, તો એ થોડી મદદ કરવાનો હતો ? છતાં રાણી કર્ણાવતીએ તેને રાખડી સાથેનો સંદેશો મોકલ્યો. જેમાં જૂની દુશ્મનીને ભૂલી નવા સંબંધ સાથે આગળ વધવાની વાત કરેલી હતી. હુમાયુના શરીરમાં ઝનૂની અફઘાની લોહી દોડતું હતું, છતાં આખરે તો તે માણસ હતો. આમ પણ, માંગણીએ ન બંધાય એ લાગણીએ બંધાય ! અહીં પણ એવું જ થયું. મોગલ બાદશાહે છાવણી ઉપાડી અને નવી બહેનને મદદ કરવા ખાતર મેવાડ તરફ નીકળી પડ્યો.

(એક આડ વાત: આજકાલ ઘણાં નંગ ફૂટી નીકળ્યાં છે, જે મોગલોએ હિન્દૂ લોકો પર કરેલાં અત્યાચારોના ગાણાં ગાઈ રહ્યા છે. બાબરથી લઈને બહાદુરશાહ સુધીના દરેક બાદશાહે હિંદુઓ પર જુલમો કર્યા છે- એવું તેઓ જનતાના મનમાં ઠસાવી, એકીકૃત ભારતના ફરીથી ભાગલા પાડવા બેઠાં છે. એમની મોટાભાગની વાત કાન પકડીને સાચી, છતાં એ ક્રૂર સમ્રાટોમાં હુમાયુ અને અકબરનું નામ, તેમની ધર્મનિરપેક્ષ નીતિઓને લીધે બાકાત રાખવું પડે, ધરાર રાખવું જ પડે !)

દરમિયાન, ચિત્તોડમાં યુદ્ધ શરુ થઇ ચૂક્યું હતું. યુદ્ધ તો જાણે ખરાખરીનું હતું, પણ બરાબરીનું નહીં. એક તરફ ગુજરાતની સેના સાથે બહાદુરશાહ પોતે હતો, જયારે બીજી તરફ, મેવાડના પક્ષે હતાશ રાજપૂત સૈનિકોમાં નવું જોમ ભરી શકે એવા શેરદિલ સેનાપતિનો અભાવ હતો. દિવસાનુદિવસ બહાદુર શાહની ફૌજ આગળ વધી રહી હતી. કિલ્લાની અંદર પણ એક ખાસ વિધિ એ સાથે પોતાના ચરમ તરફ ધપી રહી હતી. એ વિધિ જૌહરની હતી.

'જૌહર.' વર્તમાન પરિસ્થિતિઓ મુજબ આ શબ્દ કદાચ અપ્રસ્તુત લાગે, છતાં એ વખતે રાજપૂત રાજ્યોમાં તે ખૂબ પ્રચલિત હતું. પતિના મૃત્યુ પછી દુશ્મન આક્રમણખોર સામે પોતાના આત્મમાનની રક્ષા કરવા ખાતર રાજપૂત સ્ત્રી સ્વેચ્છાએ બળતાં અગ્નિમાં ઝંપલાવીને જીવન ટૂંકાવે એને જૌહર કહેવાય. 'સ્વેચ્છા' શબ્દ પર ગૌર કરજો. આ પ્રથા મોટાભાગે શાહી તથા કુલીન વર્ગના કુટુંબોમાં પ્રચલિત હતી જેને પાછળથી ધર્મના બની બેઠેલાં ઠેકેદારોએ સામાન્ય લોકોમાં પણ ફેલાવી મૂકી અને પતિના મૃત્યુ પછી ફરજીયાત સતી થવું જ, એવો કાયદો બનાવી નાખ્યો.

વાતાવરણ નિરાશાથી લિપ્ત હતું. અગ્નિકુંડની પૂજા થઇ રહી હતી. પવિત્ર મંત્રો ગવાઈ રહ્યા હતાં. લાલ પહેરવેશમાં સજ્જ કિલ્લાની સ્ત્રીઓ હવનકુંડ ફરતે પ્રદક્ષિણા કરી રહી હતી. જેવો દુશ્મન કિલ્લામાં ઘૂસે કે તરત તેમણે પડતું મેલીને જાત જલાવી દેવાની હતી. મેવાડની સિંહણ એટલે કે રાજમાતા રાણી કર્ણાવતી પણ જૌહર કરવાના હતાં. બહાર રાજપૂત યોદ્ધાઓ માતૃભૂમિ માટે લડી રહ્યા હતાં અને કિલ્લાની અંદર રાજપૂતાણીઓ સ્વાભિમાન બચાવવા ખાતર ! વીરરસથી ભરપૂર એ ઘટનાની કલ્પના માત્રથી રૂંવાટા ઉભા થઇ જાય.

આખરે એ કમનસીબ ઘડી આવી પહોંચી. આઠમી માર્ચ, ૧૫૩૫ના દિવસે મેવાડી સેનાને કચડીને બહાદુરશાહની ફૌજ કિલ્લામાં પ્રવેશી અને એ સાથે જ રાણી કર્ણાવતી સમેત તેર હજાર સ્ત્રીઓએ અગ્નિકુંડમાં ઝંપલાવી દીધું. તેમની કરૂણ ચીસોથી કિલ્લો ગાજી ઉઠ્યો-આક્રંદ કરી ઉઠ્યો ! ચિત્તોડના કિલ્લામાં થયેલો એ બીજો જૌહર હતો. (પહેલો ૧૩૦૩ની સાલમાં અલાઉદ્દીન ખીલજીના આક્રમણ વખતે, બીજો ઉપર જણાવ્યો એ, અને ત્રીજો જૌહર ઈસ. ૧૫૬૮માં બાદશાહ અકબરના આક્રમણ વખતે થયો હતો. એ નોંધશો કે, અકબરે ધર્મના નામ પર નહીં, બલ્કે પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટે મેવાડ ચિત્તોડ પર હુમલો કર્યો હતો.)

હુમાયુ ચિત્તોડ પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. કિલ્લો અસ્તવ્યસ્ત હતો. વીરાંગનાઓના શરીર રાખ બની ચૂક્યા હતાં. રાજપૂત યોદ્ધાઓ શહીદીને વરી ચૂક્યા હતાં. દિલાસાની વાત માત્ર એટલી જ હતી કે, રાણા વિક્રમાદિત્યસિંહ અને ઉદયસિંહ બુંદી ખાતે સલામત હતાં. (રાણા ઉદયસિંહની દેખરેખ કોણ કરી રહ્યું હતું જાણો છો ? પન્નાદાઈનું નામ સાંભળ્યું છે ? હા, મેવાડનું ભવિષ્ય બચાવવા ખાતર જેણે પોતાનો પેટજણ્યો કુરબાન કરી દીધું એ પન્નાદાઈ !)

ખેર, બહેનનું મોં જોવાનું હુમાયુના નસીબે ન હતું, છતાં તેણે પાછા ફરવાને બદલે બહાદુરશાહને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. મંદસૌર પાસે થયેલી લડાઈમાં બહાદુરશાહની સેનાને મોગલોએ જબરદસ્ત હાર આપી. માત્ર આટલેથી ન અટકતાં તેમણે મોટાભાગના ગુજરાત પર કબ્જો જમાવી લીધો. બહાદુરશાહે દીવમાં શરણ લેવાનો વારો આવ્યો. દીવ પોર્ટુગીઝોનું મહત્વનું મથક હતું, જ્યાં બે વર્ષ પછી દરિયામાં પોર્ટુગીઝો સાથેની અથડામણમાં બહાદુરશાહ માર્યો જવાનો હતો.

બીજી તરફ, મેવાડમાં રાણા વિક્રમાદિત્ય ફરી સત્તામાં આવ્યા. ભૂંડો પરાજય વેઠયા પછી, પોતાની સગી માંને ગુમાવ્યાં છતાંય તેમના સ્વભાવમાં કોઈ બદલાવ ન આવ્યો, તેથી ઇસવીસન ૧૫૩૬માં તેમને કેદ કરી, નાના ભાઈ ઉદયસિંહ બીજાને મહારાણા બનાવવામાં આવ્યા. ઉદયસિંહ સગીર હતાં તેથી તેમના વતી રાજકાજ ચલાવવાની જવાબદારી પિતરાઈ ભાઈ વનવીરને સોંપવામાં આવી. સત્તાલોલુપ વનવીરસિંહના હાથે જ વિક્રમાદિત્યની હત્યા થઇ. હવે વારો ઉદયસિંહનો હતો, જેમની રક્ષા પન્ના દાઈએ કઈ રીતે કરી એ પ્રસંગ જાણીતો છે.

પછીની ઘટનાઓ પણ જાણીતી છે, પણ મુદ્દાની વાત એ કે, જે રાણીએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને માતૃભૂમિને જીવન સમર્પિત કરી દીધું, એની અવગણના કરવાનું કોઈ કારણ ખરું ? ભારતના ઇતિહાસની એક બેજોડ ઘટના, ધર્મથી ઉપર ઉઠીને ભજવાયેલો સંબંધ, આજના કલુષિત વાતાવરણમાં બે કોમ વચ્ચે સદ્ભાવના જન્માવતી વાત અને એક અમર થવા સર્જાયેલી વીરાંગના-આ બધું જયારે ઇતિહાસ લખનારાઓની ઉપેક્ષાએ ચડે અને ભૂલાવી દેવાય એને આપણા બદનસીબ કહેવા કે કમનસીબ એ સમજાતું નથી. શાંતિના નકલી કબૂતરો ઉડાવીને છેવટે દેશનું નખ્ખોદ વાળી નાખનાર 'પંડિત' નહેરુ જેવાનાં જીવનચરિત્ર (એ પણ હળાહળ ખોટાં !) પુસ્તકોમાં છપાવી-છપાવી શાહીઓ ખૂટાડનાર સરકારી શિક્ષણ ખાતાને રાણી કર્ણાવતી અને ભગતસિંહ જેવાં શૌર્યસમ્રાટોના પરાક્રમો છાપવામાં કોઈ સૂગ ખરી ? કે પછી એમ કરવા જતાં વર્ષોથી મનમાં ઠસાવેલી વાતોનો છેદ ઉડી જવાનો ડર છે ? એમને ખબર !

દરેક બાળકના માનસ ઘડતર માટે પરીકથાઓ સાથે વીરકથાઓ કહેવી પણ એટલી જ જરૂરી છે. છતાં, હકીકત છે કે આપણને સત્યકથાઓના બદલે અને નામે બતાવાતાં વેવલાઈવેડાં વધુ પસંદ છે. ઇતિહાસ સાથે ચેડાં કરીને ફિલ્મો બનાવનારાઓનો પણ આપણે ત્યાં ક્યાં તોટો છે ! આવી જ વૃત્તિને લીધે કંઈ કેટલાંય સૂરમાઓ ભુલાઈ ગયાં ત્યારે રાણી કર્ણાવતી સાથે આવું થાય એમાં શી નવાઈ ! આવું વિનાશક વલણ ભારત સિવાય બીજે ક્યાંય જોવા ન મળે. સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારા ! નહીં ?

નોંધ: રાણી કર્ણાવતી અને રાણી પદ્માવતીમાં કન્ફયુઝ ન થતાં. એકને તો અત્યારે વણમાંગી પ્રસિદ્ધિ મળી રહી છે, પણ જેનાં પ્રતિ ધ્યાન દોરાવું જોઈએ, એના માટે ઉદાસીનતા છે, ખરેખર તો જાણી જોઈને પેદા કરેલું અજાણપણું છે. ખેર, આજ પછી કમસેકમ 'ખજાનો'ના વાચકો રાણી કર્ણાવતી અને તેમની બેજોડ શૌર્યગાથાથી અજાણ નહીં રહે એ દિલાસા સાથે, આવજો. ફરી મળીશું આવતા અંકમાં, વધુ એક અજાણ્યા પ્રકરણ સાથે.

- પ્રતીક ગોસ્વામી

(નોંધ: કલરફૂલ ગ્રાફિક્સ અને ચિત્રો સાથે આ લેખ માણવા www.khajanogujratimagazine.wordpress.com ની મુલાકાત લો.)