બ્લાઇન્ડ ગેમ (શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...)
પ્રકરણ – ૧ (એન્ડ ધી એવોર્ડ ગોઝ ટુ...)
ધર્મેશ ગાંધી
dharm.gandhi@gmail.com
----------------------------------
આખો હોલ સાહિત્યકારો, વાર્તાકારો, અને વાર્તાકાર બનવાં માટે થનગનતા યુવા કલમબાજોથી ખીચોખીચ ભરેલો હતો. સ્ટેજના મધ્યે પ્રદર્શિત થઈ રહેલી ભવ્ય ‘એવોર્ડ ટ્રોફી’ એર-કંડીશનરની શીતળતામાં કલમના કીમિયાગરોને ઉષ્મા પ્રદાન કરી રહી હતી. ‘સાહિત્ય અભિનવ’ સંસ્થા દ્વારા યોજાયેલ ‘રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા-૨૦૧૮’નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું હતું. છેલ્લાં છ મહિનાથી જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી એ ગ્રાન્ડ કોમ્પીટીશન દરેક નવોદિત લેખકોની સાથે-સાથે પ્રસ્થાપિત-વ્યવસાયિક વાર્તાકારોને પણ એનાં વિજેતા થવા માટે રોમાંચની સરહદે પહોંચાડી દેતી હતી. અવિરતપણે છેલ્લાં તેર વર્ષથી વાર્ષિક વાર્તાસ્પર્ધાનું આયોજન કરતી આ સંસ્થાનાં અગ્રણી સંસ્થાપકો-નિર્ણાયકો દ્રઢપણે માનતા હતા કે વર્ષ દરમ્યાન ઘણું સાહિત્ય સર્જાય છે, પરંતુ શ્રેષ્ઠ તો એક જ... માટે જ, આ ઉચ્ચ દરજ્જાની સ્પર્ધાનો વિજય-મુગટ પણ દર વર્ષે માત્ર ને માત્ર એક જ વાર્તાકારના મસ્તકની શોભા બની રહેતો. સ્પર્ધાનું પારિતોષિક પણ માત્ર એક જ - રૂપિયા એક લાખ!
સેંકડો પ્રતિસ્પર્ધીઓમાંથી સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તમ કહી શકાય એ કક્ષાની ‘ટોપ ટ્વેન્ટી’ વાર્તાઓની સૂચી જાહેર કરાઈ ચૂકી હતી. આજે કોણ સાહિત્યનો સિકંદર બનશે એ આવનારી થોડી ક્ષણોનું નસીબ...
લાઉડસ્પીકર ધણધણી ઊઠ્યું, ‘વાર્તાને આકાર આપવા મથી રહેલા અભિનવ વાર્તાકારો, તથા દરેક આકારમાં વાર્તા વણી ચૂકેલા સાહિત્યકારો... ‘સાહિત્ય અભિનવ’ સંસ્થા શબ્દોની દુનિયામાં આપનું સ્વાગત કરે છે!’
પછી સ્વાગત-વિધિથી આગળ વધી માંધાતાઓના અનેરા અનુભવોની લ્હાણી શરુ થઈ. કાર્યક્રમના કલાઇમેકસમાં દિવસની એ ઘડી નજીક સરકી આવી જ્યાં વર્ષના શ્રેષ્ઠ વાર્તાકારની દબદબાભેર તાજપોશી થવાની હતી. સંસ્થાનાં પ્રમુખ શ્રી રાજવીર નાયકે માઇક સંભાળ્યું, ‘એન્ડ ધી એવોર્ડ ગોઝ ટુ... હાં-આ-ક છીં-ઈ-ઈ...’ પ્રમુખસાહેબની છીંક માત્ર એક લેખક સિવાય દરેક માટે અપશુકનિયાળ સાબિત થવા જઈ રહી હતી. પણ એ ભાગ્યશાળી નામ એમની જીભે આવીને નાક તરફ ફંટાઈ ગયું હતું.
‘સોરી દોસ્ત, સોરી દોસ્ત, સોરી દોસ્ત...’ યુવાની વટાવી ચૂકેલા, પરંતુ પ્રૌઢાવસ્થામાં હજુ નહિ પ્રવેશેલા પ્રમુખસાહેબે પોતાની આગવી અદામાં માફી માંગી, અને હોલમાં મને-કમને હાસ્યનું એક હળવું મોજું ફરી વળ્યું. શરૂઆતથી જ પોતાના પરિચય બાદ પ્રમુખશ્રીએ એ વાત પણ નિખાલસતાથી કબૂલી લીધી હતી કે એમનું પોતાનું વાંચન ઊંડું છે, પણ લેખન છીછરું... સારાં-સાચાં શબ્દોની એમને પીછાણ છે, પણ પોતે એને અભિવ્યક્ત કરવા અસમર્થ છે! ફરી એકવાર એમણે મૂળ સૂર પકડ્યો, ‘એન્ડ ધી એવોર્ડ ગોઝ ટુ...’
સાહિત્યક્ષેત્રની અનુભવી આંખોની સાથે નવી ઉઘડી રહેલી પાંપણો પણ સતેજ થઈ ઊઠી. ઉપસ્થિત રહેલાં દરેકના હૃદયના ધબકારા પણ બોલપેનની ટીક-ટીકની જેમ ઘોંઘાટ કરવા લાગ્યા. નિરવ શાંતિમાં માત્ર શ્વાસોચ્છ્વાસના પડઘા ગુંજી રહ્યા હતા.
‘એન્ડ ધી એવોર્ડ ગોઝ ટુ... મિ. અરમાન દીક્ષિત! એમની નવલિકા ‘રાખનું પડીકું’ આ વર્ષની શ્રેષ્ઠ કૃતિ સાબિત થઈ છે! હાં-આ-ક છીં-ઈ-ઈ...’ અને ઉપસ્થિત વગદાર વર્તાકારોના ઊછળી રહેલા અરમાનો પર જાણે કે એરકંડીશનરની ઠંડી લહેરખી ફરી વળી. ફરી એકવાર હોલમાં હાજર દરેક હાથ મને-કમને તાળીઓનો ગડગડાટ કરી ઊઠ્યા. આ વર્ષની સ્પર્ધાએ નવોદિત વાર્તાકાર અરમાન દીક્ષિતના રૂપમાં એક તરવરાટભરી કલમને સાહિત્યવિશ્વ સમક્ષ ઉજાગર કરી હતી. અમુક પ્રસ્થાપિત લેખકોએ નિર્ણાયકોને વખાણ્યા, તો કેટલાંકે વખોડ્યા. અમુકે તો જાત-જાતની વાર્તાયે બે ઘડીમાં ઘડી નાખી. અંતે વિજેતા-વાર્તાકાર અરમાન દીક્ષિતનું મંચ પર શાલ ઓઢાડીને, પારિતોષિકની ધનરાશિ તથા સોનેરી રંગની ટ્રોફી અર્પિત કરીને સન્માન કરવામાં આવ્યું. એ સાથે જ સવારે તાજગીસભર ચહેરે ઉપસ્થિત થયેલા દિગ્ગજ ચહેરાઓ સાંજ થતાં તો નારાજગીભર્યા હૃદયે ધીરે-ધીરે વિખેરાવા માંડ્યા.
અભિનંદન અને આશીર્વાદની છોળોથી ભીંજાઈ રહેલો, પચીસીનાં ઉંબરે ઊભેલો, થનગનતો નવયુવાન વિજેતા-વાર્તાકાર અરમાન દીક્ષિત, પોતાનાં લાંબા ઝુલ્ફાં ઉડાડતો આખરે ચાહકો-શુભેચ્છકોના ટોળાથી અળગો થઈ પોતાની ફૂલપત્તી જેવી પત્ની અર્પિતાની નજીક સરકી ગયો. મંચ પરથી મેળવેલો બૂકે જેમાં અર્પિતાનાં પ્રિય એવાં ઓર્કિડના પર્પલ ફૂલો ઠસોઠસ સીંચાયેલા હતા, વચ્ચે લાલ-સફેદ-પીળું એમ ત્રણ ગુલાબના ફૂલો ખોંસેલા હતા – એ બૂકે તથા વિજયી ટ્રોફી પત્નીનાં હાથમાં થમાવતા અરમાને એને એક હળવું ચુંબન કર્યું. અરમાનની ભૂરી આંખો અર્પિતાની ઊંડી આંખોને જાણે કે કહી ઊઠી, ‘અર્પિ, ધીસ ઇઝ ફોર યુ, સ્વિટહાર્ટ!’
પ્રત્યુત્તરમાં અર્પિતાએ ‘માય પ્લેઝર, હની!’ જેવાં ઔપચારિક અને કંટાળાજનક શબ્દોને બદલે બૂકેમાંથી સફેદ ગુલાબ તોડી લઈ પોતાની વેસ્ટર્ન હેરસ્ટાઇલમાં સજાવતાં એક મારકણું સ્મિત રેલાવ્યું!
અરમાન-અર્પિતાની મૂક પ્રેમકથા વધુ કોઈક પ્રણયરંગી અડપલાં કરે એ પહેલાં અરમાનનો મોબાઇલ ફોન ધ્રુજી ઊઠ્યો. સ્ક્રીન પર ઝળકેલો અજાણ્યો નંબર ઉપાડીને એણે ફોન કાને લગાવ્યો, ‘કોન્ગ્રેચ્યુલેશન્સ, મિ. અરમાન દીક્ષિત...’ સામો છેડો બોલી ઊઠ્યો.
‘જી, થેન્ક્યુ, આપ...?’
‘દોઢ ફૂટિયા ટ્રોફી અને એક લાખની નજીવી ધનરાશિથી જો ધરાઈ ચૂક્યા હો તો...’ સામેથી આવતા ઘોઘરા અવાજને પોતાની ઓળખ બતાવવાની જરૂર નહિ લાગી. અરમાન અચંબામાં પડ્યો. રૂપિયા એક લાખ એ નજીવી રકમ? અને ટ્રોફીનું ‘વજન’ એનાં કદથી નક્કી થાય?
સામે છેડેથી નમ્ર, પરંતુ ગંભીર અવાજ ગુંજ્યો, ‘લેખક મહાશય, મોબાઇલમાં જરા મેસેજીસ પણ ચેક કરી લેજો. આપની કલમને એક પડકાર છે, ઝીલી શકો તો...’ અને ફોન કપાઈ ગયો.
લેખનક્ષેત્રે આગળ વધવાનું અરમાનનું સપનું હતું. મોટી-મોટી સ્પર્ધાઓ જીતવી, બેસ્ટસેલર નવલકથાઓ રચવી, લેખક તરીકે પોતાની આગવી ઓળખ બનાવવી, નામ-દામ કમાવવા એ તેનું લક્ષ્ય હતું! એને કલમનો આ પડકાર જાણવાની-ઝીલવાની તાલાવેલી થઈ આવી. ફોન કરીને અભિનંદન આપનાર વ્યક્તિનાં ‘ખાસ’ મેસેજીસ માટે એણે મોબાઇલ ફંફોસવાનું શરૂ કર્યું.
એક ખૂબ જ મોટાં પાયે યોજાનારી વાર્તાસ્પર્ધા વિશેની માહિતી હતી. આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા! વિજેતા થનારને ઈનામની માતબર રકમ રૂપિયા પાંચ લાખ મળવાની હતી. આ ભવ્ય સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન ફીઝ હતી રૂપિયા પાંચ હજાર! બધાં મેસેજીસની નીચે અલગથી એક ખાસ સંદેશો હતો, ‘ચાલુ વર્ષમાં કોઈક જાણીતી વાર્તાસ્પર્ધામાં વિજેતા નીવડનાર સ્પર્ધક માટે રજીસ્ટ્રેશન ફીઝ માફ... ભાગ લેનાર સ્પર્ધકે આ માટેના જરૂરી પ્રમાણપત્રો-પુરાવાઓ લઈ નીચેના સરનામે રૂબરૂ આવી નોંધણી કરાવવી!’
અરમાનના દિમાગમાં ભવ્ય આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા અને પાંચ લાખનું જંગી ઈનામ ઘુમરાવા માંડ્યાં. ‘સાહિત્ય અભિનવ’નો સમારોહ પતાવી અરમાન-અર્પિતા ઘર તરફ રવાના થયા. અર્પિતા રાહ જોઈ રહી હતી ક્યારે રાત થાય! અરમાન રાહ જોઈ રહ્યો હતો ક્યારે સવાર થાય!’
બીજે દિવસે,
વહેલી સવારે અર્પિતા પોતાનું ફૂલી-ફાલી રહેલું બોડી-ફિગર ફરીથી મરોડદાર વળાંકોમાં પરિવર્તિત કરવા જોગીંગ માટે નીકળી ચૂકી હતી. અને જરૂરી કાગળો-પ્રમાણપત્રો તથા વાર્તાસ્પર્ધાની ઓફિસનું સરનામું લઈ જયારે અરમાન ઉતાવળે પગલે ઘરની બહાર નીકળ્યો, ત્યારે એને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એનું ખ્યાતનામ લેખક બનવાં માટેનું સ્વપ્ન એને ખ્યાતિનાં રહસ્યોની કઈ જંજાળમાં ઢસડી જઈ રહ્યું છે!
નિયત સરનામે પહોંચીને એણે ડોરબેલ વગાડ્યો.
‘આવો...’ એક આધેડ વયનો પ્યુન ઓફિસનો દરવાજો ખોલતા બોલ્યો.
‘જી, મારે વાર્તાસ્પર્ધા માટે...’
‘મેમસા’બ થોડી વારમાં આવે જ છે, બેસો.’ અરમાનનું વાક્ય એની ઘણીબધી વાર્તાઓની જેમ અધૂરું રહી ગયું. પ્યુન નિયત કરેલી માહિતી આપી અંદર ક્યાંક ઓગળી ગયો.
ઓફિસની વિશાળતામાં એકલા પડેલા અરમાને સોફા પર બેઠાં-બેઠાં ચોતરફ નજર દોડાવી. એની નજર કોમ્પ્યુટર ડેસ્ક પર ચોંટી ગઈ જ્યાં પર્પલ કલરના ઓર્કિડ ફૂલોથી સીંચેલો એક બૂકે પડ્યો હતો. બૂકેના ફૂલો લચી પડેલા અને કૈક વાસી જણાતા હતા. ચોંકવાનો મોકો તો એને ત્યારે મળ્યો જયારે એણે જોયું કે બુકેમાં ગુલાબના બે ફૂલો હતા, લાલ અને પીળું! વચ્ચેની એક દાંડી તૂટેલી હતી, અને ફૂલ ગાયબ!
એટલામાં અરમાનને કાને હળવો છતાં મીઠો ઘંટડીનો રણકાર સંભળાયો, જાણે કે આરતીનો નાદ. એણે અનુભવ્યું કે વિશાળ ઓફીસના ખૂણા તરફનો એક અધખુલ્લો દરવાજો એ રણકારનું ઉદગમસ્થાન હતું. એણે કુતૂહલવશ એ તરફ પગરવ માંડ્યા. અંદર નજર માંડી તો, આકાશમાંથી બરફવર્ષા થઈ હોય એવી સફેદ સિલ્કની સાડી અને સ્લિવલેસ બ્લાઉઝમાં એક વીસ-બાવીસ વર્ષની યુવતી નજરે પડી. એ યુવતિ જાણે કે ફરીશ્તાએ નક્કી કરેલી ખૂબસૂરતીની એક સામાન્ય હદ ઓળંગી ચૂકી હોય એવાં દેહલાલિત્યની સ્વામિની હતી. સુંદરી એક હાથમાં પૂજાની થાળી અને બીજા હાથમાં પિત્તળની ઘંટડી લઈ ગણપતિની આરાધના કરી રહી હતી. ઉઘાડી પીઠની નીચે ગોરી કમર પર એક તરફ કાળા વાળ લહેરાઈ રહ્યા હતા, જાણે કે ખુશબોદાર ચંદનના ઝાડ સાથે કાળો નાગ વીંટળાયો હોય! અસમંજસમાં પડેલો અરમાન એના મગજની ઉલટતપાસ લે એ પહેલાં એક મીઠો ટહૂકો કાને પડ્યો, ‘પ્રસાદ તો લઈ લો...’
લગોલગ આવીને ઊભેલાં લાવણ્યને અરમાન નખશિખ નીરખી રહ્યો.
‘સૌંદર્યને આમ તાકો નહિ, લેખક મહાશય! ‘મહાભારત’થી લઈને એકવીસમી સદીનાં ભારત સુધીનાં ઈતિહાસમાં જગજાહેર થયું છે કે ખૂબસૂરતીએ માત્ર ખૂંખાર ખેલ જ રચ્યો છે!’
અરમાને પૂજાની થાળીમાં એક આછકલી નજર નાખી. અબીલ-ગુલાલની દાબડીઓ, ગંગાજળ, ચોખાના દાણા અને મઘમઘતા મોગરાનો હાર!
‘જી, મારે વાર્તાસ્પર્ધામાં... હું... મેસેજ...’ રણઝણતા રૂપ સામે થોથવાતી જીભે અરમાન પોતાના આગમનનું કારણ બતાવવા મથી રહ્યો.
‘આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા... પાંચ લાખનું ઈનામ... રજીસ્ટ્રેશન માફ... ઓલ આઇ નો અબાઉટ યુ, મિ. દીક્ષિત.’
‘મે’મ, આ સર્ટીફીકેટ, આપની શરત...’
‘નવ્યા! કોલ મી નવ્યા! મેં’મ શબ્દની મને એલર્જી છે!’
‘જી, નવ્યા, હું ‘સાહિત્ય અભિનવ’ની વાર્તાસ્પર્ધામાં વિજેતા...’
‘આઇ ટોલ્ડ યુ, હની... આઇ નો એવરીથિંગ. તમારી જન્મકુંડળી છે મારી પાસે! અને તમને અહીં આવવાનું આમંત્રણ આપવા પાછળનું કારણ એ છે કે...’
‘કે...’
‘...કે તમારે એક વાર્તા લખવાની છે, બેસ્ટ વાર્તા! તમારે એવી એક કૃતિ રચવાની છે જે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ‘વિનર’ બને, એનીહાઉ...’
‘સ્યોર મે’મ, આઇ મીન નવ્યા. મારી પૂરેપૂરી કોશિશ રહેશે ‘વિનર’ થવાની. મારું નામ, મારું ડ્રીમ, મારું એમ્બિશન...’ અરમાનના શબ્દોમાં સાહિત્યનું જનુન એક બુલંદ પડઘમ પાડી રહ્યું હતું ત્યાં જ નવ્યાએ એના અસ્ખલિત ઉમળકાને અવરોધ્યો, ‘અં...અં... કોશિશ નહિ, હની, યુ હેવ ટુ! એનીહાઉ! એન્ડ યેસ્સ, વન ઇમ્પોર્ટન્ટ થિંગ – વાર્તા તમારે લખવાની છે, પરંતુ તમારા પોતાના નામથી નહિ!’
‘વ્હોટ?’ અરમાન ચોંક્યો.
જવાબમાં નવ્યાની એક કાતિલ તીરછી નજર પડી.
‘યુ મીન, શબ્દો મારા, વાર્તા મારી, ને નામ...?’
‘...અન્યનું! એકઝેટલી, માય ડીયર! પણ તમે તો મારાં કહ્યાંનું પણ માન નહિ રાખ્યું, લેખકબાબુ! પ્રસાદ નહિ લીધો! પરંતુ, મારી તો ફરજ ને...’ બદામ જેવી લંબગોળ આંખો નચાવતી નવ્યાએ પૂજાની થાળીમાં પોતાની ઓરેંજ નેઇલ-પોલિશથી રંગાયેલી કોમળ આંગળીઓ સરકાવી. મોગરાના ફૂલોના હાર નીચેથી ટચૂકડી જર્મન-મેઇડ રિવોલ્વર ખેંચી કાઢી. બીજી જ ક્ષણે ઓફિસનાં વાતાવરણમાં જબરદસ્ત પલટો આવ્યો, જાણે કે શિયાળાના ફૂલગુલાબી તડકાની સવારમાંથી એકાએક મેઘગર્જના કરતી અંધારી અમાસની રાત!
‘યુ આર કિડનેપ્ડ, મિ. રાઇટર!’ નવ્યાએ રિવોલ્વર અરમાનને લમણે ટેકવીને એને સોફા પર ધકેલ્યો. સિલ્કની સાડીને પોતાનાં મલાઈદાર ગોરા ઘૂંટણ સુધી ઉંચે ચઢાવી, પોતાનાં લાંબા પગ પર પગ ગોઠવી એની લગોલગ બેઠી, ‘વાર્તા નહિ, તો આઝાદી નહિ!’
અરમાનનું મગજ ચકરાવે તો ત્યારે ચડ્યું જયારે એણે જોયું કે નવ્યાનાં કાળા-છુટ્ટા વાળમાં હેર-પીન સાથે એક સફેદ ગુલાબનું ફૂલ સજાવેલું હતું!
ક્ષણિક વિચિત્ર વિચારોથી ખદબદતી ખામોશી છવાયેલી રહી, પછી અચાનક ઓફીસના અટેચ્ડ બાથરૂમમાંથી એક ચોંકાવનારો અવાજ ગુંજ્યો, ‘હાં-આ-ક છીં-ઈ-ઈ...’
(ક્રમશઃ)
ધર્મેશ ગાંધી
dharm.gandhi@gmail.com