ભેદી ટાપુ
[૧૬]
ડ્યુગોંગ
અનુવાદ
ડો. અમૃત રાણિગા
આજે છઠ્ઠી મેનો દિવસ હતો. આ ટાપુ ઉપરની છઠ્ઠી મેં એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સમાન અક્ષાંશ પર નવેમ્બરની છઠ્ઠી તારીખ. આ રીતે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં છ માસનો ફેર પડતો હતો. આ ટાપુ ઉપર શિયાળો શરૂ થવાનાં ચિન્હો દેખાતાં હતાં. હજી કાતિલ ઠંડી પડતી ન હતી. શૂન્ય ઉપર દસથી બાર અંશ અંશ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન રહેતું હતું.
ઉત્તર ગોળાર્ધમાં સીસીલી અને ગ્રીસમાં આ ટાપુ જેવું જ હવામાન હોય છે. પરંતુ ગ્રીસ અને સીસીલીમાં જોરદાર ઠંડી પડે છે અને બરફ જામી જાય છે. એ ઉપરથી જણાતું હતું કે લીંકન ટાપુમાં પણ ભારે ઠંડી પડતી હોવી જોઈએ અને તેની સે રક્ષણ મેળવવું જરૂરી હતું.
અત્યારે તો ઠંડીનો કોઈ ભય ન હતો પણ વર્ષાઋતુ શરૂ થાય અને દરિયાની વચ્ચે વાતાવરણ ભયજનક બની જાય. આથી ગુફા કરતાં વધારે સગવડવાળું અને સલામત રહેઠાણ શોધી કાઢવું જરૂરી હતું. આ ગુફા ઉપર ખલાસીને ખૂબ મમતા હતી; કેમ કે એ તેની શોધ હતી. પણ એ ગુફામાં વરસાદ અને પવનના તોફાને એકવાર કેર વર્તાવ્યો હતો. અને સમુદ્રની ભરતી ત્યાં સુધી ચડી આવી હતી, એટલે એ જગ્યા ભરોસાપાત્ર ન હતી.
“આપણે સાવચેતી રાખવી પડશે.” કપ્તાને કહ્યું.
“શેની? અહીં માણસની વસ્તી નથી.” સ્પિલેટે કહ્યું.
“એ શક્ય છે.” ઈજનેરે જવાબ આપ્યો. “પણ હિંસક પ્રાણીઓથી આપણે બચવું જોઈએ. વળી, મલાયાના ચાંચિયાઓથી આપણે સાવચેતી રાખવી જોઈએ.”
“ભલે.” પેનક્રોફ્ટે જવાબ આપ્યો. “આપણે બેપગાં અને ચારપગાં જંગલીઓ સામે કિલ્લેબંધી કરીશું. પણ બીજું કંઈ કરવા પહેલાં આપણે આખો ટાપુ તપાસી લઈએ તો કેમ?”
“હા, એ ઉત્તમ.” સ્પિલેટે ટેકો આપ્યો.
“કદાચ આપણને તૈયાર ઘર મળી જાય.” પેનક્રોફતે કહ્યું.
“એ વાત સાચી છે.” ઈજનેરે જવાબ આપ્યો. “પણ આપણે મીઠા પાણીની આસપાસ રહેવું પડે. અહીં નદી અને સરોવર છે. જયારે પશ્ચિમ બહ્ગમાં કોઈ નદી કે સરોવર દેખાતાં નથી. વળી દરિયાઈ પવનથી પણ બવા માટે સરોવર આસપાસની જગ્યા અનુકૂળ છે.”
“તો પછી આપણે.” ખલાસીએ જવાબ આપ્યો. “સરોવરને કિનારે એક ઘર બાંધીએ. આપણી પાસે ઈંટો કે સાધનોની અછત નથી. કુંભારકામ અને લુહારકામ પછી આપણને કડિયાકામ આવડવામાં વાંધો નહીં આવે.”
“હા, પણ જો કોઈ તૈયાર રહેઠાણ મળી જય તો મહેનત બચી જાય.” કપ્તાને કહ્યું.
પછી એવું નક્કી થયું કે પહેલાં ૩૦૦ ફૂટ ઊંચી કાળમીંઢ પથ્થરની કરાડ તપાસી લેવી. એમાં જો ક્યાંય વધારે સલામત ગુફા જેવું મળી જાય તો શિયાળો સારી રીતે પસાર થઈ જાય. તેઓ બધા આ કરાડની તપાસ માટે નીકળ્યા. પહેલેથી છેલ્લે સુધી ઝીણવટથી તપાસ કરવા છતાં કોઈ ગુફા કે કોઈ તિરાડ ક્યાંય પણ દેખાઈ નહિ.
આથી તેમને ગ્રાન્ટ સરોવરની આસપાસરહેઠાણની જગ્યા શોધવાનું નક્કી કર્યું. તેઓ બધા ગ્રાન્ટ સરોવર તરફ ઊપડ્યા. કપ્તાન માનતો હતો કે રાતી નદીનું પાણી જે સરોવરમાં ઠલવાય છે, એ પાણી ધોધરૂપે કોઈક સ્થળેથી બહાર નીકળી જતું હોવું જોઈએ. આ પહેલાં તેમણે આખા સરોવરને પ્રદક્ષિણા કરીને સરોવરનું વધારાનું પાણી સમુદ્રમાં કઈ રીતે પહોંચે છે તેની તપાસ કરી હતી પણ કંઈ પરિણામ આવ્યું ન હતું.
કપ્તાને ઉત્તર અને પૂર્વના કિનારાની તપાસ કરવાની દરખાસ્ત કરી. એમના સાથીઓએ તે તરત સ્વીકારી લીધી. પહેલાં તેઓ ઉત્તર તરફના કિનારે તપાસ કરવા લાગ્યા. ત્યાં રાતી નદીનું મુખ હતું. અહીં ખૂબ વૃક્ષો હતાં; અને જ્ગ્યા ખૂબ ફળદ્રૂપ હતી.
કપ્તાન અને તેના સાથીઓ ખૂબ સાવચેતીથી આગળ વધતા હતા. તેમની પાસે તીરકામઠા, લાકડી અને ભલા સિવાય બીજું કોઈ હથિયાર હતું નહિ. જો કે કોઈ જંગલી પશુ દેખાયું નહિ. હિંસક પ્રાણીઓ કદાચ દક્ષિણ બહ્ગના જંગલમાં રહેતાં હશે.
રસ્તે ચાલતાં ટોપ એક મોટા સાપ પાસે ઉભો રહ્યો. સાપ ચૌદથી પંદર ફૂટ લાંબો હતો. નેબે લાકડીના એક જ ફટકાથી તેને મી નાખ્યો. કપ્તાને આ સપને ઝેર વગરનો ગણાવ્યો. જોકે આ જંગલમાં ઝેરી અને પાંખોવાળા સાપ થતા હશે ખરા.
રાતી નદી સરોવરમાં મળતી હતી. એ સ્થળે બધા પહોંચ્યા. રાતી નદીનું પાણી પુષ્કળ જથ્થામાં આ સરોવરમાં ઠલવાતું હતું. છતાં સરોવરની પાણીની સપાટી ઉંચી આવતી ન હતી.સુદારતે વધારાના પાણીનો નિકાસ કરવાની કોઈ યોજના જરૂર કરી હોવી જોઈએ. મોટે ભાગે એ ધોધરૂપે હોવી જોઈએ. અને જો એ ધોધ મળી જાય તો ખૂબ ઉપયોગી બને. સરોવરમાં પુષ્કળ માછલાં હતાં. તેઓ કિનારા પર આગળ ને આગળ વધતા ગયા પણ ક્યાંય પાણીનો ધોધ દેખાયો નહિ.
સ્પિલેટ અને હર્બર્ટ તીરથી કેટલાંક પક્ષીઓનો શિકાર કર્યો. હવે આ લોકો સરોવરના પૂર્વ કિનારા ઉપર ચાલતા હતા. આ સ્થળે પણ ધોધ ન દેખાયો. એ વખતે ટોપ ખૂબ ઉશ્કેરાયો. આગળ અને પાછળ ગયો. એકાએક ઊભો રહીને પગના પંજાથી પાણીમાં રહેલું કોઈ શિકાર કરવા લાયક પ્રાણી બતાવવા લાગ્યો. તે જોરજોરથી ભસવા લાગ્યો અને પછી શાંત થઈ ગયો.
પહેલાં તો કોઈ એ ટોપની વર્તણૂક સામે ધ્યાન ન દીધું. પણ વળી પાછો કૂતરો ભસવા લાગ્યો.
“ત્યાં શું છે, ટોપ?” ઈજનેરે પૂછ્યું.
ટોપ તેના માલિક પાસે આવ્યયો અને ફરી ઉશ્કેરાયો અને એકાએક સરોવરમાં કૂદી પડ્યો.
“ટોપને કોઈ પ્રાણીની ગંધ આવતી લાગે છે.” કપ્તાન બોલ્યો.
પછી તેણે કૂતરાને પાછો બોલાવ્યો. ટોપ કિનારે પાછો આવ્યો. પણ તે શાંત રહી શકતો ન હતો. તેને કોઈ અદ્રશ્ય વસ્તુ દેખાતી હતી. જો કે પાણીની સપાટી શાંત હતી, કોઈ પ્રાણી હોય એવું દેખાતું ન હતું. નક્કી આમાં કંઈક રહસ્ય છે.ઈજનેર ગૂંચવાયો. “ચાલો આગળ વધીએ.’ કપ્તાને આદેશ આપ્યો.
અડધી કલાક પછી તેઓ તળાવના અગ્નિખૂણા તરફના કિનારે આવ્યા. આ કાંઠે પાણીના ધોધની તપાસ પૂરી થતી હતી. આખા તળાવને પ્રદક્ષિણા ફરાઈ ગઈ હતી.
“ક્યાંય ધોધ દેખાતો નથી.” કપ્તાન બોલ્યો. “તો પછી એ પથ્થરના બુગદા વાટે જમીનની નીચેથી વહેતો હોવો જોઈએ.”
“પણ તમે પાણીના નિકાસને આટલું બધું મહત્વ શા માટે આપો છો?” સ્પિલેટે પૂછ્યું.
“એટલાં માટે કે જમીન નીચે જો બુગદો હોય તો તેમાં સલામત રહેઠાણ થઈ શકે.” કપ્તાને જવાબ આપ્યો.
જયારે બધા ગુફા તરફ પાછા વળવાની તૈયારી કરતા હતા ત્યારે ટોપ વળી પાછો ઉશ્કેરાયો. તે જોરજોરથી ભસવા લાગ્યો, અને તેનો માલિક રોકે તે પહેલાં તે બીજીવાર પાણીમાં કૂદી પડ્યો.
બધા કિનારા તરફ દોડ્યા.ટોપ કિનારાથી વીસ ફૂટ દૂર હતો. અને કપ્તાન તેને પાછો બોલાવતો હતો. તે વખતે એક રાક્ષસી પ્રાણીનું માથું પાણીની બહાર દેખાયું. એ ડ્યુગોંગ હતું! એ રાક્ષસી પ્રાણી કૂતરા તરફ ઘસ્યું. કૂતરાએ કિનારા તરફ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો. તેનો માલિક તેને બચાવવા કંઈ કરી શકે તેમ ન હતો.
સ્પિલેટ કે હર્બર્ટ કામઠા ઉપર તીર ચડાવે તે પહેલાં તો ડ્યુગોંગે ટોપને પકડી લીધો અને તે પાણીમાં અદ્રશ્ય થઈ ગયું. નેબ પોતાના ભાલા સાથે ટોપને મદદે જવા તૈયાર થયો, પણ ઈજનેરે તેના સાહસિક નોકરને રોક્યો.
દરમિયાન પાણીની સપાટી નીચે ભારે મથામણ ચાલતી હતી. આ મથામણ સમજાવી શકાય એવી ન હતી. કારણ કે પાણીમાં ટોપ ખાસ સામનો કરી શકે નહિ. પરંતુ સપાટી ઉપર જે પરપોટા થતા હતા તે ઉપરથી લાગતું હતું કે ભયંકર અથડામણ ચાલી રહી છે. આનું પરિણામ કૂતરાના મોતમાં જ આવે, એમાં શંકા ન હતી.
પણ એકાએક પાણીના પરપોટા વચ્ચેથી ટોપ ફરી દેખાયો અને કોઈ અદ્રશ્ય શક્તિએ તેને પાણીની સપાટીથી ઉપર દસ ફૂટ નીચે ફેંક્યો. ટોપ પાછો પરપોટાવાળા પાણીમાં પડ્યો અને તરત જ કિનારે આવી પહોંચ્યો. તેને કોઈ ભારે ઘા લાગ્યો ન તો. તે ચમત્કારિક રીતે બચી ગયો હતો.
કપ્તાન અને તેના સાથીઓ કંઈ સમજી ન શક્યા. સૌથી વધારે તો ન સમજાય એવી વાત એ હતી કે પાણીમાં સપાટી નીચે હજી પણ અથડામણ ચાલુ હતી. ડ્યુગોંગ ઉપર કોઈ શક્તિશાળી જાનવરે હુમલો કર્યો હતો. એમાં કોઈ શંકા ન હતી. ડ્યુગોંગ કૂતરાને છોડીને પોતાનો જીવ બચાવવા લડતું હતું. પણ આ લડાઈ લાંબી ન ચાલી.
પાણી લોહીથી લાલ રંગાઈ ગયું. અને ડ્યુગોંગનો મૃતદેહ સરોવરને કિનારે ખેંચાઈ આવ્યો. બધા તે તરફ દોડ્યા. ડ્યુગોંગ મરણ પામ્યું હતું. તે રાક્ષસી કદનું જાનવર હતું.પંદરથી સોળ ફૂટ લાંબુ આ જાનવર આઠથી દસ મણ વજનનું હશે. તેના ગળા ઉપર એક ઊંડો ઘા હતો. એ ઘા કોઈ તલવાર જેવા ધારદાર સાધનથી કરવામાં આવ્યો હતો.
આવા ભયાનક ડ્યુગોંગને જોરદાર ફટકો મારીને મારી નાખનાર કોણ હશે? કોઈ કહી શકે તેમ ન હતું. આ ઘટનામાં બધાને ખૂબ રસ પડ્યો. પછી કપ્તાન અને તેના સાથીઓ ગુફા તરફ પાછા ફર્યા.
***