No return-2 part-38 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૩૮

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-૩૮

નો-રીટર્ન-૨

ભાગ-૩૮

આછો કુમળો તડકો બારીમાંથી અંદર પ્રવેશી પ્રોફેસરનાં પગ પાસે પથરાતો હતો. પ્રોફેસર લિજ્જતથી કોફીનાં ઘૂંટ ભરતાં બેઠા હતાં. ચશ્મા હેઠળ ઉઘાડ-બંધ થતી તેમની વૃધ્ધ આંખોમાં ફર્શ ઉપરથી પરાવર્તિત થતાં તડકાનાં કિરણો અજબ રોશની ભરી રહયા હતાં. મારી જેમ અનેરી પણ ખામોશી ઓઢીને તેનાં દાદાને નિરખતી બેઠી હતી. થોડો સમય એમ જ ખામોશીમાં પસાર થયો અને પછી મેં ગળું ખંખેર્યું.

“ પ્રોફેસર સાહેબ, કેમ છે તમને...?” એક સાહજીક પ્રશ્ન મેં પુંછયો હતો. પ્રોફેસરે નજર ઉંચકીને મારી તરફ જોયું. તેમનાં ચહેરાં ઉપર હળવી મુસ્કાન ઉભરી.

“ વેલ... આ કોફી ઘણી સરસ છે. કોણે બનાવી...? ” મારા પ્રશ્નને અધ્યાહાર રાખીને તેમણે સામો પ્રશ્ન પુંછયો. મને એ થોડું અજુગતું લાગ્યું. કયાંક પ્રોફેસરની યાદદાસ્ત ખરેખર તો નથી ચાલી ગઇને...? કે પછી તેમનાં અપહરણનો માનસીક આઘાત લાગ્યો હશે...! મેં પ્રશ્નસૂચક નજરે અનેરી સામું જોયું. અનેરીને સમજાયું હશે એટલે ઉભા થઇને તે દાદાની વધુ નજીક સરકી.

“ દાદા...કોફી મેં બનાવી છે. તમે જ તો કહયું હતુંને કે તમારે કોફી પીવી છે....” તેનાં સ્વરમાં અસીમ વહાલ છલકતું હતું.

“ ઓહ.... હાં, હું ભુલી ગયો હતો. હવે ઉંમર થઇને, પણ કોફી સરસ છે હોં...”

“ દાદા.... આ પવન છે. એ તમને કંઇક પુંછવા માંગે છે...” અનેરીએ સાવધાનીથી વાત બદલી. તેની વાત સાંભળી દાદાએ મારી તરફ તેમનું ડોકું ઘુમાવ્યું. અને પછી હાથ લંબાવ્યો....

“ ઓહ હેલ્લો પવન...! હાઉ આર યું, યુ હેવ અ નાઇસ નેમ.. ”

“ થેંક્યુ અંકલ ....” મેં તેમનાં હાથમાં મારો હાથ મુકયો.

“ તે શું પુંછયું હતુ હમણાં....? ” આંખો ઝીણી કરીને તેઓ બોલ્યાં.

“ એ જ કે ઇન્દ્રગઢમાં તમે કેમેરો કેવી રીતે પહોંચાડયો....? ત્યાં તમે કોને જાણો છો...? ” આ સવાલ સાવ અનઅપેક્ષિત હતો. મને ખુદને આશ્વર્ય થયું કે મારે કંઇક અલગ પુછવું હતું અને આવો પ્રશ્ન કેમ પુછ્યો...! અનાયાસે જ મને એ સુઝયું હતું.

“ ઇન્દ્રગઢ...?” તેમની આંખો સંકોચાઇ. જાણે કંઇક યાદ કરવા મથતા હોય એમ કપાળે સળ ઉપસ્યાં. અને પછી જાણે કોઇ ઉંડા વિચારમાં ખોવાઇ ગયાં હોય એમ છત તરફ જોઇ અનંતમાં તાકી રહયાં.

“ દાદા...! તમે યાદ કરોને...! હજુ હમણાં સુધી તો બધું બરાબર હતું, અને અચાનક કેમ કરતાં તમે ભુલી ગયાં......?” અનેરી આદ્ર સ્વરે બોલી ઉઠી. તેને ખ્યાલ હતો કે હવે આ ઉંમરે તેનાં દાદા ઘણી વખત લગભગ બધું જ ભુલી જતાં હતાં. ઉંમરનાં આ પડાવે આવું થવું સ્વાભાવિક હતું. પરંતુ અમુક વાક્યાત જીવનમાં એવો બન્યો હોય છે જે મૃત્યુપર્યન્ત માણસ ભુલી શકતો નથી. જો તેનાં દાદા કોઇ ખજાનાની ખોજમાં ગયાં હશે તો એ તેમને જરૂર યાદ હોવાનું જ. જરૂર હતી તો ફક્ત એ ધરબાઇ ગયેલી સ્મૃતિઓને ઢંઢોળવાની... જો યાદદાસ્તનો એક તંતુ પણ આપસમાં જોડાઇ જશે તો પછી બધું જ યાદ આવી જશે એનો અનેરીને વિશ્વાસ હતો.

“ વીરસીંહ જોગી...!” સાવ ધીમાં સ્વરે દાદાનાં હોઠ ફફડયાં. પણ તેઓ શું બોલ્યાં એ મેં બરાબર સાંભળ્યું હતું. હું રીતસરનો ઉછળી પડયો.

“ વોટ...? શું નામ બોલ્યાં હમણાં તમે...? ”

“ વીરસીંહ જોગી..! મારો અનન્ય મિત્ર... ”

“ તમે.... તમે... મારા દાદા... આઇ મીન વીરસીંહ જોગીને જાણો છો....?” થોથવાતા શ્વરે ભારે હેરતભર્યા અવાજમાં મેં પુંછયું. તેમનાં મોંઢે મારા દાદાનું નામ સાંભળીને હું અચંબિત બની ગયો હતો. મારા હદયમાં એકાએક સળવળાટ ઉદ્દભવ્યો હતો. એવું કેમ બને....? સાજનસીંહ પાલીવાલ મારા દાદા વીરસીંહ જોગીને કેવી રીતે ઓળખતાં હશે....? એક સાથે હજ્જારો સવાલો મારા મસ્તિસ્કમાં અથડાવા લાગ્યાં.

પણ... મારી કરતાં પણ વધુ આશ્વર્ય સાજનસીંહનાં ઘરડા ચહેરાં ઉપર છવાયું હતું. “ તારા દાદા...! વીરસીંહ જોગી તારા દાદા છે...? ઓહ ભગવાન....!” તેમણે એકાએક આંખો બંધ કરી લીધી અને સોફાનાં ટેકે પોતાની પીઠ ઢાળી દીધી. હું, અનેરી અને વિનીત, અમે ત્રણેય તેમને અજબ દ્રષ્ટીથી તાકી રહયાં. તેમની હાલત જોતાં લાગતું હતું કે ચોક્કસ તેઓ અંદરથી ખળભળી રહયાં છે. અને... તેમનાં જેટલું જ આશ્વર્ય અમારા બધાનાં મનમાં પણ છવાયેલું હતું જ.

“ ઓહ પ્રભુ...! તારી લીલા અપરંપાર છે...” થોડીવાર પછી દાદાએ આંખો ખોલી હતી. “ દિકરા, શું નામ કહ્યું તે તારું....? આઇ થીંક તું વિશ્વજીતનો પુત્ર હશે...”

“ જી...! એ મારા પિતાજી થાય...! “ હું બોલ્યો.

“ ઓહ.... વેલ... વેલ..! ખરેખર અજીબ અને અવિશ્વસનીય ઘટી રહયું છે બધું. હું કહી નથી શકતો કે તને અહીં... મારી સામે બેસેલો જોઇને મને કેટલો આનંદ થાય છે. શું નામ કહયું તે તારું...!” તેમણે સવાલ ફરી દોહરાવ્યો.

“ પવન....! પવન જોગી...!”

“ ઓહ હાં.... પવન. સરસ નામ છે. તું દેખાવમાં પણ અસ્સલ તારા દાદા જેવો જ દેખાય છે...” તેઓ એકીટશે મને તાકતાં બોલ્યે જતાં હતાં. “ સાંભળ... હું અને તારા દાદા, એટલે કે વીરસીંહ જોગી એક સમયે પાક્કા ભાઇબંધ હતાં. તેનાં ગુજરી ગયાં પછી, એમ સમજને કે હું સાવ એકલો પડી ગયો હતો. મારી યાદદાસ્ત વીરસીંહનાં ગયાં પછી જ ધુંધળી પડી છે. પણ... ઓહ... વેલ, તને અચાનક અહીં જોઇને મને કેટલો આનંદ થયો એ જણાવી નથી શકતો...! ”

આનંદ અને આશ્વર્ય તો મને પણ ઉદ્દભવતું જ હતું. મેં સાત જન્મારે બેસીને વિચાર્યું હોત તોય આવો અંદાજ ન આવ્યો હોત કે સાવ અકસ્માતે ભટકાયેલી એક અજાણી છોકરી અનેરીનાં દાદાનું કનેકશન મારા દાદા સાથે નીકળશે. કુદરતનાં આ અટપટા ખેલે સાવ દિગ્મૂઢ અવસ્થામાં મને પહોંચાડી દીધો. અને હજું ખબર નહીં કેટલાં રહસ્યો ઉજાગર થવાનાં બાકી હશે....!

“ ડોન્ટ ટેલ મી દાદુ કે તમે પવનનાં દાદાનાં મિત્ર છો...! ” અનેરી પણ ભારે ઉત્સુકતા અનુભવતા બોલી ઉઠી. મારી જેમ તે પણ આશ્વર્યચકિત બની ગઇ હતી. “ તમે... તમે... કેવી રીતે મળ્યા હતાં..? આઇ મીન, શરૂઆતથી કહો તો કંઇક સમજાય. આઇ કાન્ટ બિલીવ ધીસ, વોટ હેપન્ડ હીયર...! આઇ થીંક વી શુડ ક્લિયર એવરીથીંગ એઝ સુન એઝ પોસીબલ...! મારા મનમાં હવે જબરી તાલાવેલી ઉદ્દભવતી જાય છે કે આખરે મારા જીવનમાં આ બધું શું બની રહયું છે...!” અનેરી ઉત્તેજનાભર્યા સ્વરે સોફામાં અધૂકડી ઉભી થઇ ગઇ હતી. તેનાં જેવી જ હાલત મારી પણ હતી. મારે પણ જાણવું હતું કે આવું કેમ કરતા શક્ય બન્યું હતું.

“ વેલ... વેલ... છોકરાઓ...! જણાવું છું, બધું જ જણાવું છું તમને, પહેલાં આ કોફીનો મગ ફરીથી ભરી આપો મને...! પણ સાચુ કહું તો જણાવી નથી શકતો કે મારા માટે આ કેટલી આનંદદાયક ક્ષણ છે... ! મારા પરમ મિત્ર વીરસીંહનો પૌત્ર... જોગી પરીવારનો સદસ્ય.... આ ફુટડો યુવાન પવન મારી સામે બેઠો છે. તને જોઇને તારા દાદાની સાથે ગુજારેલા સમયની સ્મૃતિઓ મારા મનમાં સળવળી ઉઠી છે...! ઓહ પ્રભુ.. તારી લીલા અપરંપાર છે...! ” તેઓ એકધારું સતત બોલ્યે જતાં હતાં. હું તેમની મનઃસ્થિતી સમજી શકતો હતો. ઉંમરનાં અંતિમ પડાવ તરફ ગતિ કરતાં વ્યક્તિને પોતે વિતાવેલા સોનેરી સમયને યાદ કરતાં જેવી ઉત્તેજનાં અનુભવાતી હોય છે એવી જ ઉત્તેજના અત્યારે સાજનસીંહ અનુભવતા હશે એનો મને અંદાજ હતો.

એ દરમ્યાન અનેરીએ તેનાં દાદુનાં હાથમાંથી કોફીનો મગ લીધો હતો અને કિચનમાં જઇને નવી કોફી બનાવી લાવી હતી. સાજનસીંહ પાલીવાલે ગરમાગરમ કોફીનો એક ઘૂંટ ભર્યો અને પછી તેમણે પોતાની જીવન કથની કહેવી શરૂ કરી...

અમે અમારા શ્વાસોશ્વાસ થંભાવીને દાદુનાં મોંઢેથી નીકળતા એક-એક શબ્દને ધ્યાનથી સાંભળતાં રહયાં...! એ કાફિયત કંઇક આ પ્રમાણે હતી...

@@@@@@@@@@@

“ એ અમારી જુવાનીનો સુવર્ણકાળ સમો પિરિયડ હતો. ભારત હજુ અંગ્રેજોની બેડીઓમાં જકડાયેલું હતું. ઇ.સ.૧૯૪૬ની એ સાલ હતી. બીજા વિશ્વયુધ્ધનાં પડઘાં હજુ શમ્યા પણ નહોતાં. સમગ્ર વિશ્વમાં એ યુધ્ધથી ભારે તબાહી મચી હતી. ચો-તરફ આંધાધૂંધીનું સામ્રાજ્ય પ્રસરેલું હતું. ભારત પર રાજ કરતાં બ્રિટિશરોએ આ વિશ્વયુધ્ધમાં ભયંકર તબાહીનો સામનો કર્યો હતો. અડધી પૃથ્વી ઉપર રાજ કરતાં બ્રિટિશ રાજ્યનાં મુળીયા એ સમયે હચમચી ગયાં હતાં. પ્રથમ વિશ્વવયુધ્ધમાં બ્રિટને પોતાનાં લાખ્ખો સિપાહીઓ તો ગુમાવ્યા જ હતાં ઉપરાંત આર્થિક મોરચે પણ ઘણી મોટી ખુવારી ભોગવી હતી. બ્રિટિશ રાજની તિજોરીઓનાં તળીયા દેખાવા લાગ્યાં હતાં. એ ખાના-ખરાબીની પૂર્તિ માટે તાત્કાલિક ધોરણે મબલખ સંપત્તિની તાતી જરૂરિયાત ઉદ્દભવી હતી. અને એ માટે બ્રિટન તેની પુરજોર કોશિષોમાં લાગ્યું હતું....!

એવા સમયે લંડનમાં એક પ્રોફેસરે આ સમસ્યાનો એક અલગ જ ઉપાય ખોળી કાઢયો હતો. એરિક હેમન્ડ નામનાં એ પ્રોફેસર લંડનથી એક બહુમુલ્ય ખજાનાની ખોજમાં દક્ષીણ અમેરીકાની સફરે નીકળ્યાં હતાં. એરિક હેમન્ડને વિશ્વાસ હતો કે તેઓ એ ખજાનાને શોધીને બ્રિટનની તિજોરીમાં જમા કરાવશે જેથી બ્રિટનની આર્થિક પરિસ્થતીમાં સુધારો આવે. આમ તેમની દેશભક્તિની ભાવના તો ઉમદા હતી પરંતુ તેમણે રસ્તો ભયાનક પસંદ કર્યો હતો. “ સાજનસીંહ પાલીવાલ થોડું રોકયા અને કોફીનો એક ઘૂંટ ગળા નીચે ઉતાર્યો. અમે બધા ભયંકર જીજ્ઞાસા અને ઉત્તેજનાથી એ કથની સાંભળતાં હતાં. તેમનું બે ક્ષણનું મૌન પણ અત્યારે અમને ખટકી રહયું હતુ.

“ એરિક હેમન્ડ એ સમયે ખજાનાની ખોજમાં નીકળ્યો તો ખરો પરંતુ ત્યારબાદ તેનું શું થયું એ કોઇ જાણી શકયું નહોતું. કારણકે તે બહું ઓછા લોકોને પોતાની સફર વીશે જણાવીને તે નીકળ્યો હતો. ૧૯૪૭માં એરિકે પોતાની સફર શરૂ કરી હતી અને ભારતને આઝાદી પણ એ વર્ષમાં જ મળી..! ત્યારે હું હજુ જુવાનીનાં ઉંબરે દસ્તક દેતો હતો. આ બધું તો મને સમજણાં થયા પછી સમજમાં આવ્યું હતું. ભારત આઝાદ થયું અને સરદાર વલ્લભભાઇ પટેલે સમગ્ર ભારતનાં રજવાડાઓને એકસુત્રે બાંધવાનું બીડું ઝડપ્યું. તેમણે ભારતનાં તમામ રાજા-મહારાજાઓ સાથે મેરાથોન બેઠકો યોજી હતી અને તેમને અખંડ ભારતમાં ભળી જવા સમજાવ્યાં હતાં.

એવી જ એક બેઠકમાં મારી મુલાકાત તારા દાદા, એટલેકે વીરસીંહ જોગી સાથે થઇ હતી. તમારુ રાજ્ય ગુજરાતની સરહદે હતું અને અમારું રાજ્ય રાજસ્થાનની સરહદે. અમે બંને એકબીજાનાં રાજ્ય વિશે જાણતાં તો હતાં પરંતુ અમારી એ પહેલી રૂબરૂ મુલાકાત હતી. સરદાર પટેલને અમે હોંશે-હોંશે અમારા રાજ્ય સોંપી દીધાં હતાં. અને એ સમયે અમારા રાજ્યનાં બદલામાં અમુક નિશ્વિત રકમનાં સાલીયાણા અમને બાંધી દેવામાં આવ્યા હતાં. ખરેખર તો ભારતનાં રજવાડાઓ માટે એ ઘણો કપરો અને કટોકટીનો સમય હતો. એકાએક અમે બધા જાણે સરકારનાં પગારદાર નોકરો બની ગયા હોઇએ એવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. એ કપરી સ્થિતીમાં જ મારી અને તારા દાદાની દોસ્તી પાંગરી હતી. મેં અને વીરસીંહે જબરી મહેનત અને કુનેહથી અમુક મિલ્કતો, ખરાબાવાળી જમીનો, ઝર-ઝવેરાતો અમારા હક્કનાં તાબામાં રાખી હતી. જેના કારણે બીજા રાજાઓ કરતાં અમારી હાલત ઘણી સારી કહી શકાય એવી હતી. પૈસા ટકે અમને કોઇ મુશ્કેલીઓ ન પડે એનું ધ્યાન અમે સુપેરે રાખ્યું હતું અને એ મુજબનું આખુ માળખું નવેસરથી ગોઠવ્યું હતું. તેમછતાં રાજ્ય કારભાર સરકાર હસ્તક વહી જતાં અમે સાવ નવરા પડયા હતાં. હવે અમારે કરવા જેવું કંઇ રહેતું નહોતું. અને એ જ નવરાશની પળોમાં વીરસીંહ એક દિવસ એક ગતકડું લઇને મને મળવા આવ્યા હતાં...! ” સાજનસીંહ ફરી વખત શ્વાસ લેવા રોકાયાં હતાં. અને... અહીં અમારા શ્વાસ થંભી ગયા હતાં. દાદુ કહાની જ એટલી રોચક રીતે વર્ણવી રહયા હતાં કે અમારા શ્વાસ અટકી જવા સ્વાભાવિક હતાં.

“ કેવું ગતકડું...?” તેમની થોડીવારની ખામોશી પણ મને અકળાવી ગઇ હતી. દાદુ હસ્યા, અને ફરીથી તેમણે વાતનો તંતુ સાંધ્યો.

“ આ જો...! આ વાંચ, વીરસીહે મારી સમક્ષ એક કાગળ લંબાવ્યો હતો. મેં એ કાગળ હાથમાં લીધો હતો અને વાંચવા લાગ્યો હતો. એ કાગળ કોઇ હિન્દી સમાચાર પત્રનો ટૂકડો હતો. પણ જેમ-જેમ હું એ કાગળ વાંચતો ગયો તેમ-તેમ મારા ભવા સંકોચાતા ગયાં હતાં. શું છે આ બધું..? વાંચી લીધા પછી વીરસીંહને મેં પુંછયું હતું. કાગળનાં એ ટૂકડામાં કોઇક ખજાનાની અને પ્રોફેસર એરિક હેમન્ડની વાતો લખી હતી હતી. જે ભારે અચરજ પમાડે એવી હતી. “ આપણે આ જગ્યાએ જવાનું છે.” તેણે મને કહયું હતું અને હું ચોંકયો હતો.

“ આપણે જવાનું છે મતલબ...?” મેં વીરસીંહને પુછયું હતું.

“ મતલબ એ જ, જે તું સમજે છે. એ ખજાનો આપણે મેળવીશું...” વીરસીંહ જોગી, એટલે કે તારો દાદો, ભારે જબરો હતો. તેણે સાવ સીધા સપાટ સ્વરમાં મને સાથે આવવાનું ફરમાન કરી દીધું હતું.

“ વીરસીંહ...! તું ગાંડો તો નથી થઇ ગયોને...? ” આ કાગળનાં કટીંગમાં સાફ-સાફ શબ્દોમાં એરિક હેમન્ડની દુર્દશા વીશે લખેલું છે કે તે અને તેની સાથે ગયેલાં તેનાં સાથીદારો એ જગ્યાએથી કયારેય પાછા ફર્યા નથી...! અને હવે તું ત્યાં જવાની જીદ કરે છે...? હું હોંઉ તો એવો વિચાર પણ ન કરું....” મેં સાફ શબ્દોમાં તેને મના કરી દીધી હતી.

“ સાજનસીંહ...! આપણે એવો વિચાર જ નથી કરવાનો. પણ ત્યાં ખરેખર જવાનું છે. અને આ મારો આખરી નિર્ણય છે. ચાલ, ઉભો થા અને કોઇ આનાકાની વગર તૈયારીમાં લાગ....! એ તારા જક્કી દાદાએ આખરી ફેંસલો સુણાવી દીધો હતો. અને મને તેનાં સ્વભાવનો ખ્યાલ હતો. તે જે કહેતો એ કરીને જ જંપતો. આખરે હું પણ તૈયાર થયો. આખરે એ સમયે મારી રગોમાં પણ જવાનીનું ઉછળતું લોહી દોડતું હતું. આમ અમારી એક લોહીયાળ અને બેહદ ખતરનાક સફર શરૂં થઇ હતી...” દાદુ ફરીવાર અટકયા. મારા દિલની ધડકનો સ્પષ્ટપણે મારી છાતીની દિવાલો સાથે અફળાતા હું અનુભવી રહયો હતો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વંચાવજો.

આભાર.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન... નસીબ... અંજામ... નગર... આંધી...અને શેખર..

પણ વાંચજો. સસ