Featured Books
Categories
Share

નવી પેઢીના પ્રયોગશીલ કવિ એટ્લે “Unfold Emotions” (અકવિતા સંગ્રહ)ના શ્રી ગિરીશ સોલંકી

તા.૮ ઓકટોબર, ૨૦૧૭ના રવિવારે સ્ટોરીમિરર પબ્લિકેશન દ્વારા આયોજિત ભવ્ય પુસ્તક વિમોચનની હું પણ એક સાક્ષી. એક રીતે સૂત્રધાર પણ ખરી એ કાર્યક્રમની. બસ તો આ કાર્યક્રમ અંતર્ગત લગભગ ૧૫ પુસ્તકોના બધા જ લેખકો કે કવિઓને કાર્યક્રમના આગલા બે દિવસથી ઓળખવાનું શરૂ કરેલું અને પુસ્તક વિમોચનના દિવસે રૂબરૂ મળવાનું થયું. એ દરેક વિષે કંઈક ખાસ હું જાણું છું અને એવું કહી શકાય કે એ દરેકના આ પુસ્તક નિમિત્તે તેમણે ઓળખવાનું થયું, જે ઘણું જ આહ્લાદક રહ્યું.

ગિરીશભાઈને પણ એ જ દિવસે રૂબરૂ મળવાનું થયું. તેમનું પણ પુસ્તક પ્રકાશિત થયું એ શુભ દિવસે. ‘Unfold Emotions’ (અકવિતા સંગ્રહ) નામે તેમનું આ પ્રથમ પુસ્તક તેમણે તેમના સુંદર હસ્તાક્ષર સાથે મને ભેટ આપ્યું. જો કે મેં પણ ખરીદી જ લીધું હતું. કારણ એ પુસ્તકની અછાંદસ રચનાઓ. મને અછાંદસ ખૂબ ગમે અને ગિરીશભાઈએ તેમાં આખેઆખું પુસ્તક બનાવ્યું એટ્લે ખરીદવું જ રહ્યું. એમની સાથે પુસ્તક વિષે ચર્ચા થઈ ત્યારે તેમણે કહ્યું હતું અને એ જ વાત તેમણે તેમના પુસ્તકની પ્રસ્તાવના (પૃ.૭)માં પણ લખી છે કે; “મેં આ અકવિતાઓ દ્વારા સમાજના એવા ખૂણાની વાતો કરી છે, જ્યાં આપણી નજર તો ગઈ છે, પણ એને નજરઅંદાજ કર્યા છે, જે ખૂણાઓને આપણે આપણી પૃથ્વીના ભાગ નથી ગણતાં. આપના સમાજના ભાગ નથી ગણતાં અથવા તો આવું કઈ અસ્તિત્વમાં હશે કે નહીં એવા અજ્ઞાનપણાને બધાં સમક્ષ Unfold કરવાનો પ્રયત્ન કર્યો છે.”

મૂળે નાટકનો જીવ અને નાટકના વિવિધ કિરદારો લખતા, ભજવતાં અને સંવાદ કરતાં કરતાં આ લેખક જ્યારે સંવેદનાઓમાં સરી પડે છે ત્યારે અકવિતાનો જન્મ થાય છે, એમ હું કહીશ. એ જે પીડામાંથી પસાર થાય છે, એનો ચિત્કાર એમની દરેક રચનામાં પોકાર પાડે છે. એમનું કહેવું છે કે, એમને કવિતાઓ નથી લખવી, એમને તો પોતાની આજુબાજુ જોયેલી વેદનાઓને કાગળ પર ઉતારવી છે.અને આ માણસે ખરે જ એ લાગણીઓને વાચા આપી છે.

૫૪ રચનાઓમાં લગભગ બધી જ લાગણીઓને અતિક્રમી જાય એવી રચનાઓ છે. હા, તમે કાવ્યત્વ શોધશો તો એ કદાચ ઓછું મળશે; પણ કવિને-રચનાકારને જે કહેવું છે, એ તેમણે સાંગોપાંગ લયબદ્ધ રીતે ઉતાર્યું છે. એક જ બેઠકે વાંચી શકાય એવી રસાળ ભાવસભર રચનાઓ છે. આપણે દરેકે રોજેરોજ જે બનાવો, ઘટનાઓ જોયા છે અને અવગણ્યા છે, એ દરેક દ્રશ્યોને અહીં કલાના કસબીએ નાટયાત્મક રીતે રજૂ કરવામાં મહારથ કેળવ્યો હોય એવું લાગે છે.

આ સંગ્રહ જોતાં જણાય છે કે કવિ અને લેખક એવા શ્રી ગિરીશભાઈ લાગણીના માણસ છે અને તેમની આસપાસ રોજેરોજ બનતી ઘટનાઓને તેઓ લાગણીના તાણાવાણામાં ગૂંથીને આપણી સમક્ષ લઈ આવ્યા છે. મુખ્યત્વે ગરીબી, ભૂખ, સ્ત્રીના અસ્તિત્વ સાથેની તેની લાગણીઓ અને વેદનાઓ, બાળકોનું શોષણ, યૌન શોષણ ,આધુનિકતા, આજની પેઢી અને જૂની પેઢી વચ્ચેનું અંતર અને કવિના પોતાના સંવેદનો જેવા વિષયો અહીં આલેખાયા છે.

Ø વિષય વૈવિધ્ય:‘મા’થી શરૂ કરી તેમના પ્રેમ ‘નાટક’ને પણ તેઓ પોતાની અકવિતામાં લઈ આવે છે.

v સ્ત્રીની વિધવિધ લાગણીઓ, એના સંબંધો અને એની વ્યથા- વેદનાને વાચા આપતાં કાવ્યો અહીં અલગ તારવ્યા છે ; ‘મા’, ‘પાઉંનો ટુકડો’, ‘છેલ્લું રમકડું’, ‘કિટ્ટી પાર્ટી’, ‘વેશભૂષા સ્પર્ધા’, ‘સો રૂપિયામાં આટલું બધું?!’,’બહેનબા’,’કે પછી’, ‘દીકરી’, ‘છોકરીઓ’, ‘પ્રશ્ન’,’વહુ-બેટા’, ‘પણ પેપરમાં કંઈ જુદું જ લખાયું’તું’, ‘ભઇલાની મોટી બૂન’, ‘એક છોકરો ને એક છોકરી’,’ સુખી થઈ ગઈ’, ‘સાલી ચોર’, ‘સસ્પેન્સ’, ‘ઓલ્ડ લેન્ડલાઇન ફોન’, ‘લૂગડું’, ‘પશલાની બાઈ’, ‘રજા’-જેવા કાવ્યો આ પ્રકારના છે. જેમાં વાત્સલ્ય, પ્રેમ,દીકરીનો પ્રેમ, ઘરની જવાબદારી , બાળકોની ચિંતા, અને ઘણા બધાં પ્રશ્નોને આલેખવામાં આવ્યા છે.

v ‘ભૂખ’ અને તેમાંય પુરુષ દ્વારા તે ભૂખને ભાંગવાનુ આવે ત્યારે તે વેદના પણ અહીં કાવ્યોનો એક વિષય બનીને આવે છે. પુરુષવર્ગ અને માણસની જાત એટ્લે વેઠ, આ વાતને પણ તેઓ બખૂબી વર્ણવે છે.ગરીબી એ સૌથી મોટું દૂષણ છે, જે માનવીની જાતને કેવા કેવા નાચ નચાવે છે એનું સુભગ નિરૂપણ અહી કવિ કરે છે.જેમાં ‘ભૂખ’,’રઘલો બત્તીવાળો’, ‘ડાઘુ’, ’ગિટાર’, ’બાળકો વગર’ ‘શોપિંગ’જેવા કાવ્યોને ગણી શકાય.

v બાળકોની નિર્દોષતા , તે નિર્દોષતાને ખાઈ જતી બાળમજૂરી, બાળકોનું જાતિય શોષણ,જેવા બળુકા વિષયો પર પણ તેમણે કવિતા કરી છે.‘બ્લેક-ટી’, ‘ઊંઘમાં પણ બબડી ઊઠે છે’, ‘બરફગોળા’, ‘સમાચારનું મથાળું’, ‘વૃક્ષ’ વગેરે દ્વારા તેમણે આ સમગ્ર વ્યથાનો ચિતાર આપ્યો છે.

v આધુનિક પેઢી અને જૂની , ઘરડી પેઢી વચ્ચેનું અંતર પણ તેઓ પોતાના કાવ્યોમાં લઈ આવ્યા છે.’મારા પ્રિય દાદાજી’, ‘વ્યોમ’જેવા કાવ્યો આના ઉદાહરણ છે॰

v આધુનિકતા અને પશ્ચિમી અનુકરણમાં દામ્પત્યજીવનમાં આવતા ચઢાવ-ઉતાર અને એ દાંપત્યનું તૂટી જવું એ આજે બહુ જ બોલકો વિષય થઈ ગયો છે. ‘સમય’, ‘ના’ અને ‘લાગણીઓ’માં એ જ ચર્ચાયું છે.

v સમય જેમ આધુનિકતા અને અનુઆધુનિકતા તરફ પહોંચે છે, તેમ જ લાગણીઓને પાછળ છોડી દે છે. એ ત્યારે માણસની જાત કે વ્યથા ને લગભગ અવગણે છે. જૂઠ, અસત્યનો વિજય, અસમાજીકતા, દેશપ્રેમ, કોમવાદ,આતંકવાદ,અને લાગણીઓનો નર્યો વિચ્છેદ –આ બધાં વિષયોની વાત ગિરીશભાઈના ‘મરસિયા’, ‘ફ્લાવરવાઝ’,’ઈશ્વર અવતાર લેવાનો છે’, ‘એ વિસ્તાર’, ‘પ્રથમ આદિવાસી’, ‘પતંગિયુ’, ‘જૂઠ’, ‘પુનર્જન્મ’,’આખી માણસજાત’, ‘પ્રહ્લાદ’ જેવા કાવ્યોમાં જોઈ શકાય છે.

v છેલ્લે કવિ પોતાના વિષે પણ કહેવાનું ચૂકતા નથી. તેમની બે રચનાઓ ‘ચોમાસુ’ અને ‘નાટક’માં તેઓ પોતાનો પણ પરિચય કરાવે છે વાચકને.

આમ સમગ્રતયા અવલોકને કહી શકાય કે શ્રી ગિરીશ સોલંકી ગુજરાતી સાહિત્યમાં માત્ર નાટકો જ નહીં કાવ્યમાં પણ ઘણું ખેડાણ કરી શકે એમ છે. ક્યારેક લાંબા વર્ણનોને અછાંદસ રૂપે પ્રયોજવામાં આવે તો એ ઓછા શબ્દોમાં ઘણું બધું કહી શકવા સમર્થ છે. શ્રી ગિરીશભાઈ સોલંકીને સાહિત્યના આ ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપવા બદલ હું આવકારું છુ અને અંતરથી શુભેચ્છાઓ પાઠવું છું કે આમ જ આપ અકવિતાઓ આપતા રહો અને તમારી લાગણીઓને વાચક સુધી પહોંચાડતા રહો. ખૂબ ખૂબ અભિનંદન.