Sambhavami Yuge Yuge - 3 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૩

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૩

ભાગ 


  આ બાજુ જટાશંકર ગંભીર મુદ્રામાં બેસેલા હતા ત્યારે તેમનો પ્રધાન શિષ્ય ધીરજ તેમની પાસે આવ્યો અને પૂછ્યું, “શું થયું ગુરુજી? એવું તે શું હતું બાળકની કુંડળીમાં કે આપ આટલા ચિંતિત થઇ ગયા.” જટાશંકર ગંભીર અવાજમાં બોલ્યા, “બહુ  વિચિત્ર કુંડળી છે આ બાળકની.આવી કુંડળી પહેલાં ફક્ત એક વ્યક્તિની હતી તે હતો, રાવણ.” ધીરજ બોલ્યો” અહો વિચિત્રમ! રાવણની કુંડળી સાથે સામ્ય ધરાવતી કુંડળી.” જટાશંકરે કહ્યું, “સામ્ય ધરાવતી નહિ,રાવણની જ કુંડળી ,અંશમાત્રનો પણ ફેર નહિ.” ધીરજે કહ્યું. “શું છુપાયું હશે આ બાળકના ભવિષ્યના ગર્ભમાં?” જટાશંકરે કહ્યું, “પ્રશ્ન એ નથી કે બાળકનું ભાવિ કેવું હશે? પ્રશ્ન એ છે કે આ બાળકને લીધે જગતનું ભાવિ કેવું હશે?” ધીરજે પૂછ્યું “શું આ બાળક પણ રાવણ જેવું પ્રતાપી અને ક્રૂર થશે?”

           જટાશંકરે કહ્યું “અત્યારે કઈ કહી ન શકાય ભવિષ્ય કેવું હશે? તેનો આધાર તેના ઉછેર પર છે. તેથી જ તેના પિતાને મેં ધર્મ તરફ વાળવાનું કહ્યું. તે સારો વ્યક્તિ થશે કે ખરાબ તે તો ખબર નથી પણ તે સામાન્ય વ્યક્તિ કરતા જુદો હશે તે નક્કી.”

પાંચ વર્ષ પછી


  જટાશંકર કાતરીયા ગામના આશ્રમમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા. આશ્રમને ૨૫ વર્ષ પૂર્ણ થયા હોવાથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, વનમંત્રી પણ હાજર રહેવાના હતા. રાત્રે ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટા મોટા કલાકારોએ હાજરી આપી. તે વખતે આશ્રમના ગુરુજી સુંદરદાસબાપુએ એક બાળકને સ્ટેજ પર બોલાવ્યો અને ભજન ગાવા કહ્યું.તે બાળકે ભજન ગાવાનું શરુ કર્યું અને જેવી એક કડી પુરી કરી બધા લોકોએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધો. બધા કલાકારો તેના અવાજની મીઠાશથી અંજાઈ ગયા.

ભજનનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી વનમંત્રી એ રૂપિયા ૧૦૦૧/- આપી, તે બાળક નું સન્માન કર્યું. થોડીવાર પછી તે બાળક જટાશંકર પાસે આવ્યો અને તેમને પગે લાગ્યો. ત્યારે તેમણે તેના માથે હાથ મૂકીને કહ્યું, “તારા કંઠમાં તો સ્વયં સરસ્વતી વિરાજમાન છે. ક્યાં રહે છે? તારા માતાપિતા ક્યાં છે?” તે બાળકે કહ્યું, “મારા પિતા ત્યાં ઉભા છે, એમણે જ મને આશીર્વાદ લેવા મોકલ્યો છે એમ કહી એક દિશામાં આંગળી ચીંધી.”

 જટાશંકરે તેમને નજીક બોલાવ્યા. આવનાર વ્યક્તિ દિલીપ હતો. તેમણે દિલીપને જોઈને કહ્યું, “પુત્ર દિલીપ આ તારો એજ દીકરો છે જેની કુંડળી માટે તું આવ્યો હતો?” દિલીપે કહ્યું, “ હા! ગુરુજી આ તે જ  છે. આપનો ઉપાય મને ખુબ કામમાં આવ્યો, આને ભજનમાં લઇ જવાનું શરુ કર્યા પછી રડવાનું ઓછું થયું અને ધીમે ધીમે બંધ થઇ ગયું. હવે ગમે તે થાય પણ સોમ રડતો નથી અને ભણવામાં પણ હોશિયાર છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયા પછી સુંદરદાસબાપુ તેને શહેરમાં ભણવા મોકલશે અને તેનો ખર્ચ પણ બાપુજ ઉપાડશે.” જટાશંકરે એકીટસે તેમની તરફ જોઈ રહેલા સોમના માથે હાથ મુક્યો અને કહ્યું “સફળ થાઓ પુત્ર.”

દિલીપ અને સોમના ગયા પછી ધીરજ તેમની નજીક આવ્યો અને પૂછ્યું, “આ એ જ  બાળક છે ને જેની કુંડળી રાવણ જેવી જ છે?”  જટાશંકરે હકારમાં માથું હલાવ્યું. ધીરજે કહ્યું “તો પછી તેના પિતાએ જન્મસમય ખોટો નોંધ્યો હશે.” જટાશંકરે કહ્યું, “તેનો જન્મસમય પણ બરાબર હતો અને મેં બનાવેલી કુંડળી પણ મેં ધ્યાનમાં જઈને પણ તાળો મેળવ્યો હતો અને રાવણને લગતી દરેક વાત આ બાળકને લાગુ પડે છે. તે ધ્યાન આપ્યું હોય તો બાળકે ગયેલું ભજન પણ શિવસ્તવન હતું અને રાવણ મહાન શિવ ભક્ત અને સંગીત વિશારદ હતો, તે પોતે સારો ગાયક પણ હતો. તે ચારેય વેદનો જ્ઞાતા હતો .રાવણ અને સોમ માં સમાનતા પણ ઘણી બધી છે.”

ક્રમશ: