Premni Sharuaat - 7 - i love you jiju in Gujarati Love Stories by Siddharth Chhaya books and stories PDF | પ્રેમની શરૂઆત - 7 - આઈ લવ યુ જીજુ!!

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમની શરૂઆત - 7 - આઈ લવ યુ જીજુ!!

“જુઓ તમારે મારી આગળ પાછળ ફરવાની જરૂર નથી. મને રસોઈ કરતા આવડે છે.” ધ્વનીનો પારો આજે ફરીથી ઉપર હતો.

“પણ, આ ઘર તારા માટે નવું છે એટલે. પછી સોમવારથી હું નોકરીએ ચડી જઈશ પછી તને તકલીફ ન પડે એટલે...” હર્ષલે ધ્વનીને સમજાવવાની કોશિશ કરી.

“તકલીફ તો તમે મને દીદીને ભગાડી દીધી ત્યારથી જ પડવા લાગી હતી એટલે now please, મને મારું કામ કરવા દો.” ધ્વની કઢાઈ શોધતા બોલી.

“જો, મમતાને ભગાડવામાં મારો કોઈજ હાથ ન હતો. એ એનો નિર્ણય હતો. હું પણ છેક સુધી અંધારામાં જ હતો.” હર્ષલ ધ્વનીની પાછળ પાછળ ફરતા બોલ્યો.

“તમને એમ લાગે છે કે મારામાં અક્કલ નથી? જીજુ આ ચર્ચાનો કોઈજ અંત નથી. તમે પ્લીઝ તમારા કામે વળગો અને મને મારું કામ કરવા દો જેના માટે મને મારી મરજી વિરુદ્ધ અહીં મોકલવામાં આવી છે.” ધ્વનીએ પાછળ ફરીને જોયું પરંતુ હર્ષલની આંખમાં આંખ પરોવ્યા વગર જ.

==::==

હર્ષલ એક મોટી મલ્ટી નેશનલ ઈ કોમર્સ કંપનીમાં CEO હતો. આ કંપનીનું હેડક્વાર્ટર બેંગલુરુમાં આવેલું હતું. સગા સંબંધીઓની ઓળખાણ પછી હર્ષલની સગાઈ આજથી લગભગ સાતેક મહિના પહેલા અમદાવાદની મમતા સાથે થયું હતું. હર્ષલ અને મમતાની જોડી વડીલોના કહેવા અનુસાર રામ સીતાની જોડી જેવી લાગતી હતી.

હર્ષલ આમ પણ મીઠું બોલનારો, પોતાના કામ સાથે કામ રાખનારો અને કોઈને પણ નડે નહીં તેવો. એની વાણી કોઈને પણ આસાનીથી એનો દિવાનો કે પછી દિવાની બનાવી દેતી. ધ્વની પણ હર્ષલના સ્વભાવની દિવાની હતી, પરંતુ ત્યાં સુધી જ જ્યાં સુધી તે હર્ષલની સાળી બનવાની હતી. હા, ધ્વની મમતાની નાની બહેન હતી.

ધ્વની અને મમતાના પિતા સરકારી એન્જિનિયર હતા અને હર્ષલે લાખ મનાઈ કરી હોવા છતાં તેમણે પોતાની બચતનો મોટો ભાગ મમતાના લગ્નમાં હોમી દીધો હતો. ધ્વનીના પિતા કાયમ કહેતા કે મારા માટે તો આ બંને દીકરીઓ જ મારી મિલકત છે તો પછી આ બધી સ્થૂળ મિલકતનું શું કામ? પરંતુ તેમણે પોતાની બંને પુત્રીઓને ખરેખર પોતાની અંગત મિલકત જ માની લીધી છે એવી ત્યારે ખબર પડી જ્યારે તેમણે પહેલા મમતાને તેના પ્રેમી વિકાસ સાથે લગ્ન કરવાની મનાઈ તો કરી અને ફરજીયાત હર્ષલ સાથે તેની સગાઈ કરી દીધી અને છેક લગ્નના દિવસ સુધી તેને ઘરમાં પોતાની નજર સમક્ષ નજરકેદ રાખી.

મમતા સગાઈ થવાથી છેક લગ્ન સુધી જ્યારે પણ હર્ષલ બેંગલુરુથી અમદાવાદ આવતો ત્યારે તેને મળવા જતી, તેની સાથે ક્યાંક ફરવા, ક્યાંક લોંગ ડ્રાઈવ પર કે પછી લંચ અને ડિનર પણ કરતી, પણ તેણે ક્યારેય હર્ષલને પોતાના પ્રેમપ્રકરણની માહિતી આપી નહીં. મમતાને હર્ષલ તેના ઘરેથી લઇ જાય અને પછી પરત મૂકી જાય ત્યાંસુધી મમતાના પિતા પણ નિશ્ચિંત થઇ જતા અને જેવી મમતા ઘરે પરત આવતી કે તરત જ તેને નજરબંધ કરી દેતા.

પરંતુ ગમેતેમ કરીને પણ મમતાએ વિકાસ સાથે આ સાત મહિના દરમ્યાન સંપર્ક જાળવી રાખ્યો હતો અને જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ એ બંનેએ ભાગી જવાનો પ્લાન તૈયાર કર્યો અને લગ્નના ત્રણ કલાક પહેલા જ મમતા પોતાની બેનપણીઓની મદદથી વિકાસ સાથે ભાગી ગઈ.

આ તરફ ધ્વની અને હર્ષલ વચ્ચે પણ એક અનોખો સંબંધ રચાઈ ગયો હતો. હર્ષલ ઈન્ટેલીજન્ટ તો હતો જ પણ હેન્ડસમ પણ ખરો. મોટી કંપનીના મોટા હોદ્દે હોવાથી વાણી પણ મીઠી અને સાથે સાથે સેન્સ ઓફ હ્યુમરની કુદરતી બક્ષિશ. થનારા સાળી-બનેવીનું ટ્યુનીંગ જબરું બેસી ગયું હતું કારણકે ધ્વની પણ ખુબ હોંશિયાર અને એ જ્યાં નોકરી કરતી હતી એ સોશિયલ મિડિયા માર્કેટિંગની કંપનીમાં ખુબ જ સન્માન પામી હતી.

પણ એવું ન હતું કે ધ્વનીને હર્ષલ ગમતો હતો, એના બનેવી તરીકે હર્ષલ છે એ બાબતે તેને ગર્વ હતો બસ એટલું જ. ધ્વનીને હજી સુધી તો કોઈ બોયફ્રેન્ડ મળ્યો ન હતો પણ તે પોતાના ‘લેવલ’ નો કોઈ છોકરો મળી જાય તો તેને બોયફ્રેન્ડ બનાવવા માટે તૈયાર પણ હતી. મમતા છાની છૂરી હતી જ્યારે ધ્વની બિન્ધાસ્ત હોવા છતાં પોતાની હદ જાણતી હતી. ધ્વની સ્વપ્નો જોતી અને તેને પૂર્ણ કરવાની ભરપૂર કોશિશ કરતી.

પરંતુ, લગ્નના ત્રણ જ કલાક પહેલા મમતાના ભાગી જવાથી મમતા અને ધ્વનીના પિતા પર આભ તૂટી પડ્યું. અમસ્તાય એ હર્ષલના ના પાડવા છતાં લગ્ન પાછળ લાખો ખર્ચી ચૂક્યા હતા અને પોતાના સમાજમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવાને લીધે મમતાના પગલાંથી એમને બદનામીનો ડર એવો તો લાગી ગયો કે હવે ધ્વનીનો હાથ એમના સમાજમાંથી કોઇપણ નહીં પકડે એ વિચારે એમનું બ્લડપ્રેશર લો થવા લાગ્યું.

ધ્વનીના પિતાએ બદલાયેલા સંજોગોમાં ધ્વનીને હર્ષલ સાથે લગ્ન કરી લેવા રીતસર હાથ જોડ્યા. શરૂઆતમાં તો ધ્વનીએ સાફ ના પાડી દીધી પરંતુ પિતા સાથે માતા પણ જોડાયા અને ઈમોશનલ બ્લેકમેલ કરીને તેને હર્ષલ સાથે લગ્ન કરવા તૈયાર કરી. બીજી તરફ હર્ષલને જ્યારે આ બાબતની જાણ થઇ ત્યારે તેણે પહેલા ધ્વની સાથે એકાંતમાં આ અંગે વાત કરી લેવાનું કહ્યું. હર્ષલને ધ્વનીના પિતાની તબિયતની ચિંતા તો હતી જ પણ તેણે ધ્વનીની ઈચ્છા પણ જાણવી હતી કે તે કોઇપણ પ્રકારના દબાણ હેઠળ આવી જઈને તો આ નિર્ણય નથી લઇ રહીને?

પરંતુ, ધ્વનીના પિતાને એવો ડર લાગ્યો કે પહેલા સાફ મનાઈ કરી દેનારી ધ્વની જો હર્ષલકુમારને એકાંતમાં મળીને પોતાની ઈચ્છા જાહેર કરી દેશે અને હર્ષલકુમાર એ સાંભળીને લગ્ન કરવાની ના પાડી દેશે તો? તો સમાજમાં એમની બદનામી અને ધ્વનીનું ભાવિ અંધકારમય રહેવાનો એમનો ડર સાચો પડશે. બસ આ જ ડર હેઠળ એમણે હર્ષલને ધ્વની તેમની સાથે લગ્ન કરવા તૈયાર છે એવું અર્ધસત્ય જ કહ્યું અને ધ્વનીથી હર્ષલની તેની લગ્ન અગાઉ એક વખત મળવાની ઈચ્છા સંતાડી દીધી.

આને લીધે બન્યું એવું કે હર્ષલને એવું લાગ્યું કે ધ્વની તેની રાજીખુશીથી લગ્ન કરવા તૈયાર છે જ્યારે ધ્વનીને એવી ગેરસમજ થઇ કે હર્ષલને તો એક છોકરી જોઈતી હતી, પછી મમતા ન મળી તો પોતાનાથી નવ વર્ષ યુવાન એવી એની બહેન ધ્વની પણ એમના માટે ચાલી ગઈ એટલે એમણે લગ્ન કરવાની હા પાડી દીધી. આમ લગ્નથી બેંગલુરુ આવ્યાના સાત-આઠ દિવસ સુધી ધ્વની એવું જ વિચારતી રહી કે હર્ષલે તેની સાથે તેની સુંદરતા અને શરીર જોઇને જ લગ્ન કર્યા છે અને આથી જ લગ્નની પહેલી રાત્રે તેણે હર્ષલને પોતાનાથી સદાય દૂર રહેવાનું અપમાનજનક ભાષામાં કહી દીધું.

હર્ષલનો તો સ્વભાવ જ શાંત હતો અને તે સમજુ પણ હતો તેને ધ્વનીની માનસિક પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને વિચાર્યું કે ભલે તેણે મજબૂરીમાં પણ રાજી થઈને પોતાની સાથે લગ્ન કર્યા પરંતુ પોતાને પતિ તરીકે સ્વીકારવામાં હજી તેને સમય લાગશે. મજાની વાત એ હતી કે લગ્ન પહેલાના સાત મહિનાની આદત પડી ગઈ હોવાથી ધ્વની હજી પણ હર્ષલને બેંગલુરુ આવી ગયા હોવા છતાં અને એકલા રહેતા હોવા છતાં તેને જીજુ કહીને જ બોલાવતી હતી.

કદાચ ધ્વની હર્ષલને તેની લિમીટનું સતત ભાન કરાવવા ઈચ્છતી હતી. ધ્વનીના સતત અપમાન છતાં હર્ષલ એનો સ્વભાવ છોડવા તૈયાર ન હતો અને એ સદાય ધ્વનીને નવા વાતાવરણમાં સેટ થઇ જવામાં મદદરૂપ થવાની કોશિશ કરતો રહેતો. હવે આવી પરિસ્થિતિમાં હનિમૂનનો તો વિચાર પણ ક્યાંથી થાય? એટલે હર્ષલે મિત્રો અને અન્ય સગાઓને ટિકીટો એના અને મમતાના નામે હોવાથી હવે ધ્વની તેની સાથે નહીં જઈ શકે અને પોતે બાદમાં તેને હનિમૂન પર લઇ જશે એવું બહાનું આપીને સમજાવી દીધા.

ધ્વની-હર્ષલના લગ્નને પણ દસેક મહિના વીતી ગયા... એક રવિવાર સવારે ચ્હા બનાવતા કોઈ વિચારમાં ખોવાઈ ગયેલી ધ્વનીનું ધ્યાન ન રહ્યું કે ચ્હા ઉભરાઈ ગઈ છે અને જ્યારે તેનું ધ્યાન ગયું ત્યારે તેણે બેધ્યાન થઈને પોતાની હાથે જ તપેલી ઉપાડવાની કોશિશ કરી અને ગરમાગરમ ચ્હા તેના હાથ પર રેલાઈ અને તેને લીધે ધ્વનીના હાથમાંથી તપેલી જમીન પર પડી અને તે દર્દથી બૂમો પાડવા લાગી. હર્ષલ આમતો રવિવાર સવારની ઊંઘ માણી રહ્યો હતો પણ રસોડામાંથી આવેલા અવાજે તેને જગાડી દીધો.

દર્દથી ધ્વની બૂમો પાડી રહી હતી અને કુદી રહી હતી. હર્ષલ પરિસ્થિતિ સમજી ગયો અને તરતજ પોતાના રૂમ તરફ પાછો દોડ્યો અને પોતાની ફર્સ્ટ એઇડ બોક્સમાંથી બર્નોલ લઇ આવ્યો.

“ત્યાં જ ઉભા રહેજો, મારી ફિકર કરવાની જરૂર નથી.” ડાબી હથેળી આખી કાળી બળતરા કરી રહી હોવા છતાં ધ્વનીનો ગુસ્સો તો ત્યાં જ હતો.

“તમને ફોડલા ઉપડી જશે, ચામડીને...” હર્ષલનો ચહેરો ચિંતાતૂર હતો.

“એ હું જોઈ લઈશ.” આટલું કહીને ધ્વનીએ કિચન સિંકનો નળ ચાલુ કરી દીધો અને પોતાનો હાથ ધરી દીધો.

હર્ષલે લાભ જોઇને ફ્રિઝના હેન્ડલમાં ભરાવેલા નેપકિનને ખેંચી અને ધ્વનીનો ડાબો હાથ નળ નીચેથી ખેંચી લીધો અને હળવે હાથે બળેલી જગ્યાએ નેપકિનથી દબાવવા લાગ્યો.

“મેં તમને ના પાડી હતીને? મને અડવાનું નહીં? જાવ નહીં તો બૂમો પાડીશ.” ધ્વનીનો ગુસ્સો આસમાને હતો.

“ચૂપ! બિલકુલ ચૂપ! પોતાની જાતને સમજે છે શું? મને તારા સ્પર્શની કોઈજ જરૂર નથી. તરત બર્નોલ નહીં લગાડે તો તને જ તકલીફ પડશે. આ કોઈ રોકેટ સાયન્સ નથી સમજી? મને બર્નોલ લગાડી લેવા દે, પછી તું તારા રસ્તે અને હું મારા.” હર્ષલને આટલા વખતમાં પહેલીવાર ગુસ્સે થયેલો જોઇને ધ્વની તો ચૂપ જ થઇ ગઈ.

હર્ષલે વ્યવસ્થિતપણે ધ્વનીની હથેળી પર બર્નોલ લગાડી દીધો.

“હવે ક્યાંય અડતી નહીં. અને જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી રસોઈ કરવાની જરૂર નથી, આપણે બહારથી ઓર્ડર કરી દઈશું. અને ખબરદાર હું ઓફિસે જાઉં ત્યારે ઘરની બહાર નીકળી છો તો? થોડા દિવસ ઘરમાં જ રહેજે, નહીં તો ઇન્ફેક્શન થઇ જશે.” હર્ષલે ગુસ્સા ભરેલી નજરે કહ્યું અને પોતાના રૂમના બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો.

ધ્વની તો હર્ષલનું આ રૂપ જોઇને ચકિત જ થઇ ગઈ. અત્યારસુધી પોતાના જાતજાતના અપમાનો સહન કરીને પણ હર્ષલ મૂંગો રહેતો પણ આજે ખબર નહીં પણ કેમ તે ધ્વની પર કેમ ઉકળી ઉઠ્યો? ધ્વનીને વધુ આશ્ચર્ય તો ત્યારે થયું કે ફ્રેશ થઈને હર્ષલ તેને ડોક્ટર પાસે લઇ ગયો અને પછી દરરોજ ડોક્ટરની સલાહ અનુસાર તેનું ડ્રેસિંગ પણ કરી આપતો. આટલું જ નહીં પણ પોતે ઓફિસે હોય ત્યારે ધ્વનીના જમવાના સમયે પોતાના મોબાઈલ પરથી ઓર્ડર કરીને તેને લંચ પણ પહોંચાડી દેતો. આ સમગ્ર સમય દરમ્યાન તે એક શબ્દ પણ ન ઉચ્ચારતો.

==::==

આ ઘટનાના બે-ત્રણ દિવસ સુધી તો ધ્વની ઘરમાં બેસી રહી પણ પછી તેનાથી સહન ન થયું. એણે વિચાર્યું કે આમ પણ હર્ષલ રાત્રે દસ-સાડા દસે તો ઘરે આવે છે તો બપોરે એક બે કલાક એ ક્યાંક ફરી આવે તો એને ક્યાં ખબર પડવાની છે? એટલે હર્ષલે ઓર્ડર કરેલા લંચને ખાઈને એકાદ કલાક બાદ ધ્વની બેંગલુરુના માર્ગો પર ફરવા ઉપડી પડી. રસ્તામાં તેણે કોફી શોપ જોયો અને એને કોફી પીવાનું મન થઇ ગયું.

ધ્વનીએ કોફીનો ઓર્ડર આપ્યો અને સર્વ થઇ ગયેલી પોતાની કોફી માણવામાં વ્યસ્ત હતી ત્યાંજ તેણે સામે જોયું અને એની નજર સ્થિર થઇ ગઈ અને પોતાની જગ્યાએથી ઉભી થઇ ગઈ.

“દીદી?” ધ્વનીના મોઢાંમાંથી રીતસર ચીસ નીકળી ગઈ, પણ આસપાસ બેઠેલા લોકોનું ધ્યાન હોવાથી તેણે તરતજ પોતાનો ટોન નીચો કરી દીધો.

મમતા એકદમ ફીકી લાગી રહી હતી, કદાચ એનું વજન પણ ઓછું થઇ ગયું હોય એવું લાગ્યું. એણે ધ્વની સામે ફિક્કું સ્મિત વેર્યું.

“આવને...બેસ.” ધ્વની દોડીને મમતા પાસે ગઈ અને એને પોતાની સામેની ખુરશીમાં બેસાડી.

“હું સામેના ફ્લેટમાં જ રહું છું. કપડાં લેવા ગેલેરીમાં આવી અને મારું ધ્યાન પડ્યું કે તું આ કોફી શોપમાં એન્ટર થઇ રહી છે. દસ મિનીટ તો એમ જ વિચાર્યું કે હું તને ન મળું, મેં તને હેરાન કરી છે. પણ પછી થયું કે મારી હેરાનગતિની વાત તને નહીં કરું તો કોને કરીશ?”

“હેરાનગતિ?શું થયું? વિકાસકુમાર તને હેરાન કરે છે?” ધ્વનીને આશ્ચર્ય થઇ રહ્યું હતું.

“હેરાન કરવામાં કશું બાકી જ નથી રાખ્યું. મારા પ્રેમનો ફુગ્ગો એક મહિનામાં જ ફૂટી ગયો ધ્વની. મને ઘરમાં લગભગ પૂરી રાખી છે. એમનો પ્રેમ ફક્ત મારા શરીર પૂરતો જ હતો. મારી સાથે લગ્ન કરવા તો એના પપ્પાને પણ પસંદ ન પડ્યું એટલે એમણે પણ અમને એમના ઘરમાં ઘુસવા ન દીધા...” મમતા બોલી રહી હતી પણ એનું ગળું કદાચ સુકાઈ રહ્યું હતું.

“પછી?” ધ્વનીએ પોતાની સામે પડેલો પાણીનો ગ્લાસ મમતા તરફ આગળ વધારતા પૂછ્યું.

“એટલે એમના બેંગલુરુવાળા ફ્રેન્ડની મદદથી અમે અહીં આવી ગયા. અમદાવાદમાં તો પપ્પાના પૈસે બહુ લહેર કરી. આ છ મહિનામાં ત્રણ નોકરીઓ બદલી કારણકે કોઈનો આદેશ માનવાની એમની આદત નથી. સ્વભાવ પણ આકરો. અહીં આવ્યાને ત્રીજે જ દિવસે મેં ફક્ત પંદર મિનીટ ચ્હા મોડી બનાવી તો મને લાફો મારી દીધો! બસ, ઓછો પગાર, મહીને બે છેડા ભેગા નથી થતા અને હવે મારી પ્રેગનન્સી... આ ટેન્શનમાંને ટેન્શનમાં ગુસ્સો વધતો જ જાય છે અને એ ગુસ્સો મારા પર ઉતારે છે.” મમતાની આંખ ભરાઈ ગઈ.

“ઓહ! તો તું એમને છોડી કેમ નથી દેતી? અમદાવાદ પાછી ચાલી જા, પપ્પાને હું વાત કરી દઈશ દીદી!” ધ્વનીની આંખો પણ ભીની હતી.

“એક મહિના પહેલા જ વિકાસથી છુપાઈને બાજુવાળાના મોબાઈલ પરથી પપ્પાને કોલ કર્યો હતો. એમણે ઘરે આવવાની ચોખ્ખી ના પાડી દીધી. કહ્યું તારે લીધે મારે ધ્વનીને હર્ષલકુમાર સાથે એની ના હોવા છતાં પરણાવી દેવી પડી, હવે હું તને સ્વીકારું તો ધ્વની સાથે અન્યાય થશે એટલે મારે ઘરે આવવાનું તો વિચારતી જ નહીં. મારી મરજી વિરુદ્ધ ભાગી જઈને મારી બદનામી કરીને લગ્ન કર્યા છે ને, તો પડ્યું પાનું નિભાવી લો બેટા! એટલું કહીને એમણે કોલ કટ કરી દીધો!” મમતા રડું રડું થઇ રહી હતી.

“કાશ, હું તને મારે ઘરે લઇ જઈ શકત! પણ મારી મુસીબત પણ ઓછી નથી.” ધ્વનીએ નિશ્વાસ નાખ્યો.

“કેમ હર્ષલ પણ તને હેરાન કરે છે?” મમતાએ પાણીનો ઘૂંટડો ભરતા પૂછ્યું.

“હા, મારી પાછળ પાછળ ફરે રાખે છે. મારી મદદ કરવાને બહાને. જો રવિવારે મારાથી ચ્હા ઢોળાઈ ગઈ તો મને વઢી નાખી અને રોજ મને અડવાના બહાને ડ્રેસિંગ કરે છે અને મને ઈમ્પ્રેસ કરવા જમવાનું બનાવવાની ના પાડી અને રોજ બહારથી જમવાનું મંગાવે છે અને એય બેય ટાઈમ. આટલું ઓછું હોય એમ મને ઇન્ફેક્શન ન લાગે એના બહાને ઘરમાં પૂરી રાખી છે, પણ હું તો આજે નીકળી જ ગઈ મને આમ ઘરમાં પૂરાઈ રહેવું ન ગમે.” ધ્વની ગર્વ સાથે કહી રહી હતી.

“તારા માં અક્કલ જ નથી ધ્વની!” મમતા બોલી ઉઠી.

“એટલે?” ધ્વનીનો ચહેરો આશ્ચર્યચકિત થઇ ગયો.

“જો હું હર્ષલ સાથે સાત મહિના મારી ઈચ્છા વિરુદ્ધ અમદાવાદ ફરી છું એમના વિચારો હું જાણું છું. સાવ નિસ્વાર્થ વ્યક્તિ છે એ ધ્વની. એમણે તારી સાથે લગ્ન ફક્ત એટલા માટે જ કર્યા કે આપણા પપ્પાનું અપમાન ન થાય. એમને તારા શરીરમાં કોઈજ રસ નથી, એમને ફક્ત આપણા પપ્પાના સન્માનમાં રસ છે. આટલા મહિના વીતી ગયા ક્યાંય તેમણે તારા પર જબરદસ્તી કરી? નહીં જ કરી હોય મને ખબર છે એમનો સ્વભાવ એટલેજ ખાતરીપૂર્વક કહું છું. અહીં મારી ઈચ્છા વિરુદ્ધ આટલા મહિનામાં વિકાસે કેટલી વાર મારા પર રીતસર બળાત્કાર કર્યો હશે એની ગણતરી તો હું પણ ભૂલી ગઈ છું. સમજ ધ્વની સમજ... હું તો અત્યારે પણ હર્ષલને ગુમાવીને પસ્તાઈ રહી છું. તું એમને નહીં સ્વીકારે તો એમને લગીરે ફરક નહીં પડે... ઓલિયો માણસ છે હર્ષલ, પણ જો તું એમને નહીં સ્વીકારે તો તને ઘણો ફરક પડશે. મને મારા હાલ પર છોડી દે ધ્વની હું મારું કર્યું ભોગવું છું, પણ તું હર્ષલ...હર્ષલકુમારને સ્વીકારીને જન્મોજન્મનું પુણ્ય કમાઈ લઈશ.” આટલું બોલીને મમતા ઉભી થઇ અને ધ્વની હજી કોઈ જવાબ આપે એ પહેલા જ કોફીશોપમાંથી બહાર નીકળી ગઈ.

==::==

“મેં તને ના પાડી હતી ને ધ્વની કે જ્યાં સુધી રૂઝ ન આવે ત્યાં સુધી તારે રસોડામાં ઘૂસવાનું પણ નથી?” ચ્હાવાળી ઘટના પછીના રવિવારે ફરીથી જ્યારે હર્ષલ સૂતો હતો ત્યારે રસોડામાંથી આવી રહેલી સુગંધે તેને ઉઠાડી દીધો અને તે અઠવાડિયાના મૌન બાદ ધ્વનીને ફરીથી વઢવા લાગ્યો.

“જીજુ, આ જરા ચાખોને? મીઠું તો બરોબર છે ને?” ધ્વનીએ હર્ષલની વઢ પર જરાય ધ્યાન આપ્યા વગર ચમચીમાં રહેલી દાળને હર્ષલના હોઠ પાસે ધરતા કહ્યું.

હર્ષલ બઘવાઈ ગયો અને એ પરિસ્થિતિમાં જ તેણે ધ્વનીએ ધરેલી ચમચી મોઢાંમાં લઇ લીધી.

“બરોબર છે, થોડો ગોળ ઓછો છે પણ ચાલશે.” હર્ષલે ઓટોમેટિકલી જવાબ આપ્યો.

“થેન્ક્સ જીજુ.” કહીને ધ્વની પાછી રસોઈ કરવા તરફ વળી ગઈ.

“પણ મેં તને ના પાડી હતીને...” હર્ષલે વાતનો દોર ફરીથી સંભાળવાની કોશિશ કરી.

“જુઓ જીજુ, મને બેસી રહેવું ગમતું નથી. બોર થાઉં છું અને ડોક્ટરની દવાથી અને તમારા રેગ્યુલર ડ્રેસિંગથી એંશી ટકા રૂઝ તો આવી જ ગઈ છે. હવે મને કશું જ નહીં થાય.. આ ઊંધિયું તો જરા ચાખો, મસાલો બરોબર છે ને?” ધ્વનીએ હવે ચમચીમાં ઊંધિયું ભરીને હર્ષલ સામે ધર્યું.

“બરોબર છે, ઈનફેક્ટ મસ્ત છે, મારી મમ્મી જેવું જ.” હર્ષલે સ્મિત કર્યું.

“હોય જ, કાલે જ આંટીજી પાસેથી ફોન પર રેસિપી લઇ લીધી હતી, મને ખબર હતી કે તમને ઊંધિયું બહુ પસંદ છે. ગઈ ઉતરાણમાં સહુથી વધુ ઊંધિયું તમેજ ખાધું હતું.” ધ્વનીના ચહેરા પર મહિનાઓ બાદ તોફાની સ્મિત હતું.

“ઠીક છે, પણ તું ધ્યાન રાખજે, ડાબા હાથને વધુ તકલીફ ન આપતી, હું ફ્રેશ થઇ જાઉં.”

“એક મિનીટ એક મિનીટ એક મિનીટ. આ ગાજરનો હલવો તો ચાખી આપો જીજુ?” ધ્વની દોડતી દોડતી પોતાના રૂમ તરફ જઈ રહેલા હર્ષલ પાસે આવી.

હર્ષલે પાછળ વળીને પોતાની સામે રહેલી ચમચીમાંથી હલવો ચાખ્યો.

“સરસ છે, એકદમ પરફેક્ટ.” હર્ષલને બદલાયેલી ધ્વની પસંદ તો પડી ગઈ પણ અચાનક આજે એ આવું વર્તન કેમ કરી રહી હતી તેનો તેને ખ્યાલ નહોતો આવી રહ્યો. હર્ષલ ફરીથી બાથરૂમ તરફ વળ્યો.

“એક મિનીટ જીજુ...” હજી તો હર્ષલ માંડ બે પગલાં આગળ વધ્યો હશે કે ધ્વનીએ તેને ફરીથી બોલાવ્યો.

“હવે શું થયું?” હર્ષલે પૂછ્યું.

“એક વાત કહેવી હતી.” ધ્વની બોલી.

“હાશ, મને એમ કે હવે તું મને છાશ પણ ચખાડીશ.” ધ્વનીના બદલાયેલા સ્વભાવે હર્ષલની સેન્સ ઓફ હ્યુમરને પણ ફરીથી જાગૃત કરી દીધી.

“આઈ એમ સોરી! હું તમારી સાથે બહુ રૂડ રહી. મારે આવું નહોતું કરવું જોઈતું. પણ હવેથી આવું નહીં થાય. મેં મારી જાતને તમારી પત્ની તરીકે સ્વીકારી લીધી છે. અને હા, મારી ઉપર કોઈનું પણ દબાણ નથી, આ મારો જ નિર્ણય છે, I swear!” ધ્વનીના ચહેરા પર સ્મિત હતું.

“તો પછી આ ગાજરના હલવાની ફિક્કી મીઠાશથી નહીં ચાલે.” હર્ષલ બે ડગલાં નજીક આવ્યો અને બોલ્યો.

“પણ હમણાં તો તમે ગાજરનો હલવો એકદમ પરફેક્ટ છે કહ્યું ને?” ધ્વનીએ જમણે હાથથી પોતાના માથાના વાળ ચહેરા પરથી હટાવતા પૂછ્યું.

“મને હવે તું જીજુ નહીં પણ હર્ષલ કહીશ તો મને એ વધુ મીઠું લાગશે, તારા આ પરફેક્ટ હલવા કરતા પણ વધુ મીઠું.” હર્ષલે ધ્વનીની આંખમાં આંખ નાખીને કહ્યું.

“ના, હું તો તમને જીજુ જ કહીશ, કારણકે મને તમે એ રીતે જ ગમો છો, ઈનફેક્ટ મને તો મારા હેન્ડસમ હર્ષલ જીજુ સાથે પ્રેમ થઇ ગયો છે... આઈ લવ યુ જીજુ!” કહીને ધ્વની હર્ષલને ભેટી પડી અને પોતાના હોઠ હર્ષલના હોઠ પર ચાંપી દીધા!!

==:: સમાપ્ત :==