Bhagyni bhitar - 5 in Gujarati Fiction Stories by Ahir Dinesh books and stories PDF | ભાગ્યની ભીતર - ૫

Featured Books
Categories
Share

ભાગ્યની ભીતર - ૫

    
    ( આગળ આપણે જોયું...મીરાં પોતાના અતિતની સફરે નીકળે છે અને ૧૦માં ધોરણની પરીક્ષામાં વાસના રહીત પ્રેમ સહજ ભાવે મીરાંની દ્રષ્ટિ માધવમાં સ્થિર થાય છે ત્યારબાદ તે મળતાં નથી પછી તો મીરાંની ધોરણ ૧૨ ની પરીક્ષા પણ પૂર્ણ થાય છે અને આગળ ભણવા ન મળતાં મીરાં એક વર્ષ જેટલો સમય તો ઘરેજ બેસી રહે છે આમ છતાં માધવ મીરાંના હૃદયમાં ધબકતો રહે છે ત્યાર બાદ જ્યારે આગળ ભણવાની વાત આવે છે ત્યારે જૂના દ્રશ્યો તેની સામે આવે છે )
               
                * * * * * * * * * * * * * * * * * * *
                 
                મીરાંનો વચ્ચે અભ્યાસ અટકવાના કારણે અત્યારે મીરાં અને ગોપાલ અભ્યાસક્રમની દ્રષ્ટિએ એક સાથે પહોંચ્યા હતા. ગોપાલે મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે આર્ટસ કૉલેજમાં એડમિશન મેળવ્યુ હતુ. ધનરાજ શાહની ઘણી ઈચ્છા હતી કે ગોપાલ સાયન્સ રાખે અને મોટો ડોક્ટર બને પણ છેલ્લે પુત્રના નિર્ણય પર ન છૂટકે પોતાની સંમતિ દર્શાવી હતી. હવે તો ગોપાલ માટે ખુલ્લું આકાશ હતું. 3 વર્ષના આ સમયમાં તે પોતાના જીવનની બધી મોજમજા માણવા માંગતો હતો. ઘરથી વધારે સમય તે પોતાના મિત્રો સાથે કૉલેજમાં પસાર કરવા માંગતો હતો.
             નજર ન પહોંચે એટલા વિશાળ પટ પર આવેલી  MJ કોલેજ ગોપાલને જોઈતા વાતાવરણ માટે અનુકુળ હતી. ત્યાં આર્ટસ એન્ડ સાયન્સ એમ બે પ્રવાહોમાં શિક્ષણ કાર્ય ચાલતું. રિઝલ્ટની બાબતે આ કૉલેજ થોડી પાછળ હતી પણ મોજમજા કરનાર માટે આ કૉલેજ પ્રથમ પસંદગી બનતી. જ્યાં બધા સ્વતંત્ર હતા અભ્યાસ કરનારા ક્લાસ કે ડિપાર્ટમેન્ટમાં નજરે પડે જ્યારે મોજમજા કરનાર ગાર્ડન કે કોલેજની લોબીમાં. કોઈ કોઈને રોકવાવાળુ નહિ બધા પોતાનું ધાર્યું કરે. જગડા સામન્ય બાબત હતી ક્યારેક આ છોકરાઓના જગડાઓ એટલું મોટું રૂપ ધારણ કરે કે પોલીસ પણ કૉલેજમાં દોડતી દેખાય. કૉલેજના daysની તો વાતજ શું કરવી. બધા એક સાથે મળી જાય દુશ્મનો પણ એ દિવસોમાં ગળે મળીને કામે લાગે. આખી કોલેજને દુલ્હનની જેમ શણગારે. છોકરીઓ પણ પોતાની શરમને બાજુમાં મૂકી છોકરાઓની સાથે જુમવા લાગે અને કેટલીયે અવનવી રમતો રમે. અલગ અલગ કપડાં પહેરીને આવેલા છોકરા - છોકરીઓ બધાનું કેન્દ્રસ્થાન બને. કેટલાય ના દિલ તૂટે તો કેટલાયના જોડાય, નવા મિત્રો મળે તો કેટલાય જૂના મિત્રોનો સાથ છૂટે.બસ આવી રીતે મોજમજામાં વર્ષ પસાર થાય.
             ગોપાલ અભ્યાસમાં પણ હોંશિયાર એટલે પાસ થવું કે એવરેજ માર્ક મેળવવા એ એના ડાબા હાથની વાત હતી અને ગોપાલને એજ જોઈતું હતું આથી જ તો એણે આર્ટસ રાખ્યું હતું. 
                     * * * * * * * * * * * * * * *
                      આખો દિવસ પસાર થયા બાદ મીરાં પથારી પર પડી અને આખા દિવસમાં બનેલી ઘટનાઓને તે વિચારો સ્વરૂપે વાગોળવા લાગી. કેટલાય સમય બાદ એક આશાનું કિરણ દેખાયું હતું . પોતે હવે અભ્યાસ કરી શકશે એવો વિશ્વાસ મનસુખ કાકા પાસેથી મળ્યો હતો.પોતાની પથારી પરથી ઊભી થઈને મીરાં બારી પાસે આવી બહાર સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળતાને મહેસૂસ કરવા લાગી. પવનની લહેરકીઓ મીરાંના જીર્ણ વસ્ત્રોમાંથી એના કોમળ દેહને સ્પર્શ કરતી હતી . આ ચંદ્રની શીતળતા અત્યારે મીરાંના સોંદર્ય સામે ઝાખી પડતી હોય એવું લાગતું હતું. ઉંમર વધતા મીરાંની સુંદરતામાં પણ વધારો થયો હતો. બે વર્ષ પહેલાની મીરાંને અત્યારે કોઈ જુવે તો ઓળખી ન શકે.
                     મીરાં એકજ નજરે ચંદ્રને જોતી હતી ત્યાં ફરી એની નજરો સામે માધવનો ચહેરો આવ્યો. આજે આખો દિવસ એણે વિચારો દ્વારા માધવને માણ્યો હતો પણ  ફરી મીરાંને વિચાર આવ્યો કે હવે હું આગળ અભ્યાસ કરી શકું તો પણ મને માધવ મળે એની ખાતરી શું ? એતો અત્યારે ક્યાંય આગળ પહોંચી ગયો હશે.! એવું પણ બને કે એણે ભણવાનું છોડી પણ દીધું હોય. ! કોણ જાણે એ ક્યાં હશે અને જો એ મારી સામે આવી પણ જાય તો હું એને આટલા વર્ષો પછી ઓળખી શકું.? એ વાત પણ બાજુમાં રહી પણ શું એ મને ઓળખી  શકે.. ? ... માધવ વિશે વિચારવું નિરર્થક છે. મારે ગમે તેમ કરીને માધવને ભૂલવોજ રહ્યો. તોજ હું અભ્યાસમાં ધ્યાન આપી શકીશ અને આમ પણ જે ભાગ્યમાં છે જ નહીં એના વિશે ખોટું વિચારીને આપણો સમય શું કામ બગાડવાનો. આમ પોતાની જાતને જ સાંત્વના આપી અને માધવને ભૂલવાના મક્કમ ઇરાદાથી મીરાં પથારી પર પડી. 
               દિવસો પસાર થતા ગયા એમ મીરાંની બેચેની પણ વધતી ગઈ. બધી કોલેજો પણ શરૂ થઈ ચૂકી હતી. મીરાં પાસે એક જ આશાનું કિરણ હતું અને એ એટલે મનસુખ કાકા. એ ક્યારે આવે અને મને અભ્યાસ માટે મંજૂરી અપાવે એ રાહમાં મીરાં બેઠી હતી.થોડા દિવસ પહેલા મીરાંની ઘરે નીશા આવી હતી જે કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. એની પાસેથી જાણવા મળ્યું હતું કે  હવે તો પ્રવેશ માટેના બીજા રાઉન્ડમાં પણ થોડાજ દિવસો બાકી હતા એટલે મીરાં વધુ બેચેન બની હતી. ગોપાલ પણ કોલેજ જવા લાગ્યો હતો. નિશા પણ કહી ગઈ હતી તું જલ્દી કંઇક કર. જો હવે થોડા દિવસ રાહ જોઇશ તો પછી કોઈ શક્યતા નથી પ્રવેશની. મીરાં કોઈને કઈ પણ નહોતી શકતી અને એનાથી રહેવાતું પણ નહોતું.
                  આજે સવારે ધનરાજ શાહ ઉતાવળે બહાર નીકળ્યા હતા અને યશોદાને કહી ગયા હતા કે મનસુખની ઘરે જાઉં છું એને થોડું કામ છે . આ વાત મીરાંએ સાંભળી હતી. 
               ધનરાજ શાહની ઉંમર સાથે એમનામા થોડું પરિવર્તન આવ્યું હતું. તે હવે વધારે બોલતા નહિ અને કોઈને વધારે ભાવ પણ ન આપે પણ ગોપાલ એમાં અપવાદરૂપ હતો. ગોપાલ માટે તે કઈ પણ કરી છુટતા ગોપાલ કોલેજથી આવે એટલે એને બધું પુછે અને ક્યારેક તો પોતાના હાથે જમાડે. મીરાં આ બધું જોયા કરે.
           -   મમ્મી , પપ્પા મનસુખ કાકાની ઘરે કેમ ગયા છે ? ( મીરાંને જાણવાની તાલાવેલી હતી એટલે તરત યશોદાના રૂમમાં જઈ ને પૂછ્યું )
    - ખબર નહી... કહેતા હતા મનસુખને મારું જરૂરી કામ છે એટલે એના ઘરે જઉં છું.
 મીરાં ખુશ થઇ.. એને લાગ્યું કે હવે મનસુખ કાકા એના અભ્યાસની વાત પપ્પાને કરશે. 
- કેમ બેટા કંઈ કામ હતું? ( દીકરીને શાંત ઉભેલી જોઈને યશોદાએ કહ્યું )
- ના... મમ્મી.. બસ હું તો એમજ પૂછતી હતી..( આટલું કહી ફરી મીરાં પોતાના રૂમ તરફ વળી )
             હવે તો બસ મીરાં પપ્પાની રાહ જોઈ રહી હતી. થોડી થોડી વારે તે બારીમાંથી બહાર જુવે. ગેટ પર કોઈ ન દેખાય એટલે આખા ગાર્ડનમાં નજર ફેરવે ત્યાં પણ કોઈ ન દેખાય એટલે થોડી નિરાશ થઈ ને પથારીમાં પડે પણ આ નિરાશા ક્ષણ માત્રની હોય. ફરી તે પોતાના કાન બહાર માંડે થોડો પણ અવાજ સંભળાય એટલે તરત બહાર જોવા બારી તરફ દોડે.
          સાંજનો સમય થયો. મીરાં રાહ જોઈ ને થાકી હતી. યશોદા અને મીરાં રસોડામાં સફાઈ કરતાં હતા. 
      એટલામાં ધનરાજ શાહ આવ્યા મીરાંના શરીરમાં થોડી ઠંડી પ્રસરી હતી. તે તરત પપ્પા માટે પાણી લઈ ગઈ. ધનરાજ શાહ આરામ ખુરશીમાં બેસીને કંઇક વિચારતા હતા. ગોપાલ પણ કૉલેજથી આવ્યો હતો. ધનરાજ શાહને આપેલો પાણીનો ગ્લાસ એમણે ગોપાલને આપ્યો પોતે પીધું નહિ. 
- યશોદા.... ( ધનરાજ શાહે અચાનક બૂમ પાડી )
યશોદા રસોડામાંથી બહાર આવી
- યશોદા તારી દીકરીને કહી દે કાલથી એણે પણ કોલેજ ભણવા જવાનું છે. ( ધનરાજ શાહના ચહેરા પર વધારે કંઈ હાવભાવ ન હતા પણ તે નિરાશ થઈને બોલતા હોય એવો ભાસ થતો હતો. )
ગોપાલના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. જાણે તેને આ વાતથી મોટો આઘાત લાગ્યો હોય. બીજી બાજુ મીરાંના આનંદનો તો પાર ન હતો પણ તે અત્યારે નીચું જોઈને ઉભી હતી. યશોદાને તો માનવામાં જ આવતું ન હતું કેમકે મીરાંને શાળામાં ભણાવવાની ના પાડનાર આજે એને કોલેજમાં મોકલવાની વાત કરતા હતા.
- કાલે મનસુખ આવશે એની સાથે કોલેજ જઈને એડમિશન કરાવી આવજો ( બધાને શાંત જોઈ ફરી ધનરાજ શાહ બોલ્યા.) (ક્રમશ......)

       ( મનસુખ મહેતાએ એવુતો શું કહ્યું હશે કે હિમાલય જેવા અડગ ધનરાજ શાહ પણ પોતાના નિર્ણયની સામે જુક્યા ? માધવને ભૂલવું મીરાં માટે કેટલું યોગ્ય હતું..? શું મીરાંને ફરી ક્યાંય માધવનો ભેટો થશે..? ) વાંચતા રહો ભાગ્યની ભીતર...

         ( મારી કલમને મળતો આપનો અવીરત પ્રેમ નોંધ પાત્ર છે... આપ સૌ વાંચક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર.. )
                                                            - દિનેશ આહિર 
                                                             9638887475