નાનકડી રીટા
રૂમની લાઈટ બંધ થાય તેની રાહ જોતી રીટા થોડી ધ્રુજતી હતી . લાઈટ પપ્પાએ બંધ કરી .રીટાએ માથેથી ઓઢવાનું ઓઢી પેટીકોટના ખિસ્સામાંથી ભાખરી કાઢી અવાજ ના આવે એમ ધીમે-ધીમે ખાવા લાગી .
ચોથા ધોરણમાં ભણતી રીટાએ પહેલી વાર ભાખરી ચોરીને પેટિકોટમાં મૂકી હતી .એને ભાખરી બહુ ભાવે .કારણકે રોજ સાંજે ખાવામાં ખીચડી શાક કે એવુ જ હોય . મીઠું નાખેલી ભાખરી રીટાને પૂરી જેવી લાગતી પણ જમતી વખતે કુલ આઠ આંખોથી ડરતી રીટા ગમતી વસ્તુ પેટ ભરીને ખાઈ પણ ન શકતી .ખૂબ ડરતી એ આઠ આંખોથી , બે મોટી બહેનોની ચાર.... ,અને મા-બાપની ચાર...! ઉંમર નવ વર્ષ, પણ ડરવામાં જ કાઢ્યા . ક્યારે બાપના ગુસ્સાથી , ક્યારેક મા ના મારથી તો ક્યારેક બહેનોની પીટાઈથી......
ત્રીજા સંતાન તરીકે જન્મેલી પુત્રી રીટાને જોવા બાપ તો ત્રણ દિવસ દવાખાને પણ આવ્યો ન હતો . રીટા અણગમતી હતી કારણકે પુત્રી હતી. પુત્ર થવાની આશા પર પાણી ફેરવી જન્મેલી પુત્રી .....,જેના મોતથી કદાચ કોઈને દુ:ખ ન થાય ઉલટુ હાશકારો થાય .... એની દાદી કહેતી કે “ રીટા તું ત્રણ વર્ષની હતી ત્યારે તને ઝાડા –ઉલટી થયેલા , તારી મા તને ઘોડિયામાં ઘાલી રાખતી ,ઘરગથ્થુ દવા કર્યા કરતી ,તે તો આંખો ચઢવી નાખી હતી ,અચાનક જઈ ચઢેલી હું તને લઈ છેક બારડોલી એકલી ગઈ પણ તારા મા-બાપને તો કંઈ પડી ન હતી .. એમને બે દિકરી હતી જ ...... વળી તું થોડી કાળી દેખાવડી પણ નહિ...... બારડોલી ના સરકારી દવાખાનામાં ડૉક્ટરે તારા પગમાં નસ પકડી તને બાટલા ચઢાવ્યા હતા ,તને ગેસ્ટ્રો થઈ ગયો હતો. હું સમય પર ન આવી હોત તો આજે તુ હોત જ નહિ...”
ઘણી વાર દાદી ના આ શબ્દો રીટાના કાનમાં ગૂંજી ઉઠતા પણ તે કશુ જ કરી ન શકતી એને ખબર પડતી કે તે અણગમતી છે પણ ક્યા જાય ? એટલે એને આટલી નાની ઉંમરે મરવાના વિચાર આવતા . ઘરમાંથી ન મળતો પ્રેમ અને હૂંફની કમી પૂરી કરવા તે બહેનપણીઓ પાસે ફાંફાં મારતી .પન એ હૂંફ કે સાથ એમને એમ તો મળતો ન હતો. બદલામાં રજની ,મેઘના અને કલ્પના કશુ ને કશુ રીટા પાસે માંગતા .કોઈ માથાની પીન તો કોઈ પેંસીલ તો કોઈ બીજુ કશુ. રીટા ઘરવાળાઓથી સંતાડી પોતાની પાસે જે કંઈ આપી શકાય એવુ હોય તે આપતી જેથી બહેનપણીઓ એનાથી ખુશ રહે .
એકવાર પંદરમી ઑગષ્ટે સાથે જ ભણતી એક વર્ષ મોટી બહેન જ્યોતિએ મામાએ લાવી આપેલી રીટાની રંગીન માથાની પીનો કલપનાના માથામાં જોઈ .રીટા હેબતાઈ ગઈ , જ્યોતિની આંખો જાણે કહી રહી હતી ..... “ ઘરે આવ તારી વાત છે.” રીટાએ કલ્પાના પાસેથી પીનો માંગી લીધી ,બીજી જે ક્ષણે કલપનાએ કીટ્ટા કરી દીધી .ડરતાં-ડરતાં ઘરે પહોંચેલી રીટાની ખૂબ પીટાઈ થઈ .ઘરમાં કોઈ સમજી ના શક્યુ કે રીટા આવુ શા માટે કરે છે ? કોઈને અંદાજના આવ્યો કે તેને પ્રેમ અને હૂંફ જોઈએ છે .માર ખાધા પછી રીટા અગાશીમાં ગઈ . ત્રન માળની ક્વાટર્સની બિલ્ડીંગ પરથી નીચે ડોકિયું કર્યુ ,મન થયુ કૂદી જ પડું....
ખૂબ જ આસાનીથી પાળી પર ચઢી રીટા પાળી પર ચાલવા લાગી ..... બસ હવે એક ડગલું ચૂકાય અને આ જીંદગી જ્યાં કોઈને એની જરૂર ન હતી ,એમાંથી મુક્તિ....! આખા બ્લોકની એક ફૂટ પહોળી પાળી પર એ ચક્કર મારી આવી છતા ડગલું ન ચૂકી . હવે આંખો બંધ કરી ચાલવાનું એણે નક્કી કર્યુ....... ત્યાં જ બાજુમાં રહેતા શેખ અંકલ સિગરેટ પીવા ઉપર આવ્યા . રીટાને પાળી પર ચઢેલી જોઈ ધીમા પગલે તેની પાસે જઈ તેને કમરથી ઊંચકી નીચે ઉતારી. પછી પૂછ્યુ , ‘ બેટા શું કરતી હતી ?” રડતી આંખોએ રીટાએ કહ્યું, “ મારે મરવુ છે.” એના એ શબ્દોથી શેખ અંકલ ડઘાઈ ગયા . એમણે વહાલથી રીટાના માથે હાથ ફેરવી પૂછ્યું , “ કેમ મરવું છે? તુ તો ડાહી છોકરી છે ,ઘરનુ કેટલુ બધુ કામ કરે ? આટલી નાની છે છતા પપ્પાની મોટી સાઈકલ લઈ ઘંટીએ અનાજ દળવા જાય છે , રાશનની દુકાનેથી કેરોસીન લાવે છે . આટલી નાની ડાહી છોકરી જેને બધા કામ આવડે એને કેમ મરવુ પડે ?
રીટા એ કહ્યુ , “ આ બધુ કામ કરવુ મને ગમતુ નથી પણ મમ્મી કહે એટલે કરવુ જ પડે , મમ્મીને જ્યોતિ વહાલી છે અને પપ્પાને ભાવના વહાલી છે. હુ તો કોઈને ગમતી જ નથી . રીટા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. પચાસ વર્ષના શેખ અંકલ રીટાની ફરિયાદો સાંભળતા જ રહ્યા. પછી બોલ્યા આપણે ભલે કોઈને ન ગમીએ પણ અલ્લા , ભગવાનને બહુ ગમીએ . એ તો હંમેશા આપણી સાથે જ હોય છે પછી બીજાની શી જરૂર ?
રીટા આકાશ તરફ જોવા લાગી . તે થોડી શાંત થઈ .તેણે શેખ અંકલને આજે કેમ માર ખાવો પડ્યો એ વાત કીધી . તેમણે કહ્યુ બેટા , “ બેટા આવી લુચ્ચી બહેનપણીઓ શુ કામની તું ભણવામાં ધ્યાન આપ અને ભગવાન તારી સાથે છે એવુ માનીશ તો કોઈ બહેનપણી ની ચાંપલુસી કરવાની જરૂર નહિ પડે અને આજથી હુ હંમેશા તારી સાથે જ છુ તેને કંઈ પણ કામ હોય મને કહેજે.
રીટા શાંત થઈ , ઘરે ગઈ જમીને સૂઈ ગઈ . રાત્રે તેને શેખ અંકલના શબ્દો જ યાદ આવતા હતા તેણે નક્કી કર્યુ કે હવે એકલી જ રહીશ . નથી જોઈતો કોઈનો પ્રેમ . ભગવાન મારી સાથે છે . ઊંઘ આવતી ન હતી . મમ્મીએ મારેલી સાવરણીને કારણે પીઠ દર્દ કરતી હતી . તે ધીમેથી ઊભી થઈ ગેલેરીના સળિયા પકડી આકાશને જોવા લાગી . વિશાળ ફેલાયેલુ કાળુ......... આકાશ અને તેમાં ચમકતા તારા અને ચંદ્ર , ખૂબ જ શાંતિ લાગી ભગવાન તો આકાશમાં રહે એવુ માની રીટાએ ભગવાન સાથે વાત કરી , “ તુ તો મારો જ છે ને ભગવાન ,પછી થયુ ભગવાન તો કેટલા બધા છે મારા ભગવાન ક્યાં ? અચાનક એને કૃષ્ણ ભગવાન યાદ આવ્યા. બસ મન જાણે કૃષ્ણ ભગવાન સાથે વાતો કરવા લાગ્યુ ,તે મનમાં બોલી , “ કૃષ્ણ ભગવાન તમે મારી સાથે રહેજો . હુ હવે કોઈથી ડરવાની નથી તમે મને સાચવજો , સાચવશોને ....!
ભગવાન સાથે વાતો કરી ઊંઘમાં સરેલી એ નાનકડી રીટા સવારે ઊઠી ત્યારે ખુશ હતી . મમ્મીએ દૂધ લાવવા તપેલી પકડાવતા કહ્યું , “ જા.....ગ કાળી દૂધ ઘેઉન યે પટેલ કાકા ખાલી ઊભે આહે....” રીટા બોલી , “ હુ નહિ જાઉંજેટલુ મારવુ હોય તેટલુ માર હુ નહિ ડરુ મારથી પણ બધુ કામ હુ નહિ કરુ , જ્યોતિ કે ભાવનાને કહે ,તને હુ ના ગમતી હોઉં તો કહી દે શેખ અંકલ મને રાખશે અને કૃષ્ણ ભગવાન મારી સાથે છે .” મમ્મી અવાચક બની જોતી રહી
તૈયાર થઈ તે સ્કૂલે એકલી જ ગઈ તેનુ મન એમ જ માંતુ હતુ કે ભગવાન કૃષ્ણ મારી સાથે જ છે. નવા આત્મવિશ્વાસથી છલકતી રીટાએ જાણે નવો સંબંધ બાંધ્યો હતો પોતાના ભગવાન કૃષ્ણ સાથે અને શેખ અંકલ સાથે ..... તેની આંખો માની આજની ચમક કંઈ જુદી જ હતી ......
“ સંગમ”
સંગીતા દયાળ