(પ્રકરણ – ૫)
રસ્તા ઉપર જામ લાગી ગયો હતો. પોલીસની ગાડીઓ, ક્રેન મશીન, એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વાહનો ઉભાં હતાં. બધાની નજર રસ્તાની બાજુમાં આવેલ ખાઈમાં હતી. બચાવના સાધનો આવી રહ્યાં હતાં – દોરડા, ચેન-કપ્પા, સાંકળો વગેરે. એક જીપગાડી રસ્તાની બાજુમાં આવેલ ત્રીસ ચાલીસ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી પડી હતી. ગાડીની સ્પીડ વધારે હતી એનું અનુમાન રસ્તાની બાજુની તૂટેલ રેલીંગથી આવતો હતો. સફેદ કફની પાયજામાવાળાની ભીડથી લાગતું હતું કે કોઈ વગદાર કુટુંબનાં કુટુંબીઓને અકસ્માત થયો હશે. બચાવ કાર્ય ખૂબ જોરમાં ચાલું હતું. પહેલી એક લાશ ઉપર લાવવામાં બચાવ ટીમ ને કામયાબી મળી. રસ્તાની બાજુમાં લાશને મૂકી તેઓ પાછાં નીચે બીજી બોડીઓ શોધવા નીકળી ગયાં. લોકોના ટોળા લાશ પાસે ઉભરાયા. લાશને ઓળખવાની કોશિશ કરી રહ્યાં હતાં. ગાડીએ ખાસ્સી એવી પલટીઓ મારી હશે એટલે જીપમાં બેઠેલાં વ્યક્તિઓને ખૂબ માર લાગ્યો હશે એ સ્વાભાવિક હતું એટલે ચહેરો ઓળખવો મુશ્કેલ હતો. તરત જ પોલીસ અને કેમેરાવાળા દોડી નજીક દોડી આવ્યા. ફોટાં લેવાયા અને લાશને ઓળખવાની કસરત ચાલું થઇ.
કલાકોમાં બીજી ત્રણ બોડીઓ ઉપર લાવવામાં એ લોકો સફળ રહ્યાં. એક બોડીમાં હજુ ચેતન હતું તેથી તરત એ બોડીને એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવી. બે લાશોને ઓળખવાની કોશિશ થઇ રહી હતી. ક્યાસ કાઢવો મુશ્કેલ હતો કે જીપમાં કેટલાં લોકો હતાં ? જીપ સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી. વધુ એક લાશ મળી. પહેરેલ કપડાં ઉપરથી અને હાથનાં કાંડા ઘડિયાળથી એ બોડીની ઓળખાણ શક્ય બની. એ બોડી જીપગાડીના માલિકના નબીરાની હતી. એનાં શ્વાસ હજુ ચાલું હતાં એટલે ખૂબ ઝડપથી ઉપર લાવી એને હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. ટોટલ પાંચ મિત્રો ગાડીમાં હતાં એ વાત પ્રિન્સના મિત્રે કહી એટલે હવે ખાઈમાં ચાલી રહેલ છાનબીન અટકાવવામાં આવી.
એક મિત્રના બર્થડે પાર્ટીમાંથી તેઓ રાત્રે પાછાં ફરી રહ્યાં હતાં. પાર્ટી પૂરી થયાં બાદ એકબીજાને બાય બાય કરી તેઓ પાછાં ફર્યા. બધાં મિત્રોએ ઓછા વત્તા અંશે નશો કરેલ હતો. તેઓ લગભગ પાંચ સાત કિલોમીટરના અંતરે આવ્યા હશે અને ટોનીના મોબાઈલની રીંગ વાગી. વિડીઓ કોલિંગ મોડમાં. હજુ સંજુ પાર્ટીના મસ્તી મુડમાં જ હતો.
સામેથી સંજુ – “અરે ટોની...પ્રિન્સ અપના મોબાઇલ પાર્ટીમેં ભૂલ ગયાં હૈ”
ટોની (મોબાઇલ પ્રિન્સ તરફ ધરતાં અને સંજુને ફ્લેશ કરતાં) – “તેરા ફોન પાર્ટીમેં રહ ગયાં હૈ... કલ લે લેંગે ચલેગા ક્યાં ?”
ટોની - “ઓહ ગોડ... અરે યાર ...નહી.. નહી. પલટ... પલટ, ગાડી વાપિસ લે લે.. કલ બહાર જાના હૈ, જાના હી પડેગા ...ફોન લેને જાના હી પડેગા. રીવર્સ માર... ઔર હા... તુઝે ભી આના હૈ મેરે સાથ.”
જીપગાડી પ્રિન્સની જ હતી એટલે કોઈ માલિકના હુકમનો અનાદર કેવી રીતે કરી શકે ? ગાડી ચલાવનાર ટોનીએ સાંકડા રસ્તા ઉપર યુટર્ન માર્યો. એક તો રસ્તા ઉપર અંધારું, સાંકડો રસ્તો અને બંને બાજુ ખાઈ. ગાડી રસ્તાથી નીચે સરકી ગઈ હોત પણ નસીબના ધણી હતાં એટલે બાલબાલ બચ્યા. જાન બચ્યાની ખુશહાલીમાં પ્રિન્સના હાથમાંથી બિયરની બાટલી ખેંચી એક એક ઘૂંટડો મારી બધાં એક બીજાની સાથે મજાક મસ્તીમાં પડ્યાં. કાન અને ખભાની વચ્ચે મોબાઇલને ટેકવી ટોની હજુ ફોન ઉપર વાત જ કરી રહ્યો હતો. વિડીઓ કોલિંગ ચાલું જ હતું. એટલામાં પાછળથી કોઈએ બીયરનો બાટલો એની આગળ ધર્યો અને એક ઘૂંટ મારવા કહયું. રસ્તો ઢોળાવ વાળો હતો એટલે ધીમેથી બ્રેક મારી સ્ટીયરીંગ ઉપરથી એક હાથ છોડી એ બાટલો પકડવા જઈ રહ્યો હતો ત્યારે એની સામે થોડાંક અંતરે એક સ્ત્રી આકૃતિ દેખાઈ. દુરથી જીપગાડીના પ્રકાશમાં એ સ્પષ્ટ જોઈ શકાતી નહોતી. ધીરે ધીરે જીપ એની નજીક ગયી એટલે સ્પષ્ટ થયું કે એક યુવતી ઉભી છે. થોડાંક અંતરે ટોનીએ બ્રેક મારી અને જીપ ઉભી રહી. બધાં એને જોઈ રહ્યાં. થોડીક સેકન્ડો બાદ પ્રિન્સ નીચે ઉતાર્યો અને ધીરે ધીરે લથડિયા ખાતો એની નજીક ગયો. અહીં રસ્તાનો ઢોળાવ કંઇક વધુ હતો. પ્રિન્સના વર્તાવથી ટોનીમાં હિંમત આવી. ટોની ધીરે ધીરે જીપગાડીને એમની નજીક લઇ જઈ રહ્યો હતો અને સામે ઉભાં થયેલ દ્રશ્યની કોમેન્ટરી અને શુટીંગ મિત્રને બતાવી રહ્યો હતો. નજીક પહોંચતા એનો ચહેરો જોઈ બધાં એકદમ ગભરાયાં નજર ઉપર કરી બધાં સામે જોયું જાણે એક વીજળીનો કરંટ દરેકનાં શરીરમાંથી પસાર થયો અને ડરના માર્યા ગભરાટમાં ટોનીનો પગ બ્રેકને બદલે એક્સીલેટર ઉપર દબાયો. આંખના પલકારામાં સાંકડા ઢોળાવવાળા રસ્તા ઉપર પ્રિન્સને જોરદાર ધક્કા સાથે ઉડાડતી જીપગાડી રેલીંગ તોડીને ખાઈમાં ધ....ડા....મ.... કરતી ગબડતી ગબડતી જઈ પડી.
ટોનીનો મોબાઇલ ચાલું હતો એટલે સામેથી વાત કરનાર એમનો મિત્ર બધું સાંભળી રહ્યો હતો. એકસીલેટર રેઈસ કરવાનો આવાજ.....ગાડીના રેલીંગ સાથે અથડાવાનો અવાજ..... અને પછીના ધડામ... ધૂમ.. બીજાં અવાજોથી સમજી શકાય એમ હતું કે કઈંક અઘટિત થયું છે. પ્રિન્સના ઘરે જવાનો એક માત્ર માર્ગ હતો. એ સાંકડા રસ્તા ઉપર ઘણીવાર એક્સીડેન્ટ થતાં એ વાતથી ઘણાં લોકો વાકેફ હતાં એટલે બીજાં બે મિત્રો સાથે એમણે પ્રિન્સ પરત ફરી રહેલાં એ રસ્તા ગાડી દોડાવી દિધી. તૂટેલી રેલીંગ અકસ્માતની ચાડી ખાતી હતી.
રાત્રીના ત્રણ વાગ્યાથી અકસ્માત સ્થળે બચાવની કાર્યવાહી ચાલું થઇ ગઈ. પ્રિન્સ અને ટોનીના બોડીની ઓળખાણ થઇ એટલે બીજાં ત્રણ લાશોની ઓળખાણ થતાં ઓળખતા બહુ વાર નહી લાગી. સવાર થતાં એ પાંચના ઘરની દિવાલો પર પંજાની છાપ અંકિત થઇ ગયી હતી. છપ્પ.. છપ્પ.... સ...ટા...ક... તમાચો.
પોસ્ટ માર્ટમની કાર્યવાહી બાદ ત્રણે લાશો દરેકના ઘરે પહોંચી. દરેકનાં ઘરનાં દિવાલો પર પડેલ પંજાની છાપ જોઈ ભેગાં થયેલ લોકો આશ્ચર્યચકિત થતાં. થોડાંક મહિનાઓથી ચાલી રહેલ વાયરલ સમાચાર અને વિડીઓ એની પુષ્ટી કરતાં હતાં. કંઇક અઘટિત થયાનું એ પ્રમાણ હતું. અકસ્માતના સમાચારો સાથે દીવાલ ઉપર પડેલ અનિષ્ટ પંજાના નિશાનની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. કંઇક ભય અને ડર લોકોના માનસ ઉપર છાઈ રહ્યો હતો. સમાચાર પત્રોના રિપોર્ટરો સત્ય જાણવાની મથામણમાં પડ્યાં. અનિષ્ટ પંજાના છાપની વાતો મુખ્ય સમાચાર બની ગઈ હતી.
બીજાં દિવસે શ્રધાંજલિના કોલમમાં ત્રણ ફોટાં છપાયા અને સાથે ગુમશુદા કોલમમાં આ પહેલાં છપાયેલ ચાર ફોટાંઓ સાથે મોનિકાનો ફોટો પણ છપાયો હતો. પહેલીવાર રસ્તા મોટરસાયકલના અકસ્માત પામેલ એક યુવાનનો ફોટો પણ છપાયો હતો એનાં કોઈ મિત્રે એને ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી. અક્સ્માત પામેલ યુવાનના નામ પછી કૌંસમાં લખ્યું હતું ઉર્ફે ‘ઇગલ’. આનંદ કસ્વાલ ‘ઇગલ’ શબ્દ વાંચી કંઇક વિચારમાં પડ્યા. આ શબ્દ પહેલાં પણ એમણે કોઈક જગ્યાએ વાંચ્યો હતો.
આનંદ કસ્વાલ જાણીતા વકીલ અને મોનિકાના પિતા ઘણાં વખતથી છાપામાં છપાઇ રહેલ ફોટાઓનો સ્ટડી કરી રહ્યાં હતાં પરંતું આજે એક શંકા ઉભી થઇ કે મોનીકનો ફોટો એમણે છાપવા માટે સમાચાર પત્રને આપ્યો જ નહોતો તો મોનિકાનો ફોટો ગુમશુદા ના કોલમમાં છપાયો શી રીતે ? શંકાનું નિવારણ કરવા એમણે તરત સમાચાર પત્રના ઓફિસમાં ફોન કર્યો અને હકીકત જાણવાની કોશિશ કરી. લાંબી વાતચીત પછી એમની શંકાનું નિરાકરણ છાપાવાળાએ એ રીતે કર્યુ કે દર નિર્ધારિત તારીખે મોનિકાનો ફોટો ગુમશુદા ની કોલમમાં છપાય છે એટલે આ વખતે પણ ફોટો છાપવામાં આવ્યો હતો. કંઇક ખોટું થયું છે તે માટે એમણે માફી પણ માંગી પણ સમાચારપત્ર વાળાની વાતો એમનાં મગજ ઉપરથી નીકળી ગઈ પરતું વારંવાર વપરાયેલ શબ્દ ‘નિર્ધારિત તારીખ’ એમનાં વકીલ ભેજામાં અંકિત થઇ ગયો. તરત જ નોકરને બોલાવ્યો અને ભેગી થયેલ સમાચાર પત્રોની પસ્તી પોતાની ઓફિસમાં મૂકવા કહયું. ‘નિર્ધારિત તારીખ’ અને ‘ઇગલ’ શબ્દ એમનાં દિમાગમાં ધમાલ કરી રહ્યો હતો. પોતાનાં બીજાં કામો પતાવી તેઓ ઘરમાં બનાવેલ પોતાની ઓફિસમાં ગયાં. નોકરે જુનાં છાપાંઓની થપ્પીઓ એક ટેબલ ઉપર લગાવી દિધી હતી.
(ક્રમશઃ)