Techno Knowledge - Uday Bhanushali in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | ડ્યુઅલ કેમેરાફોનની સમજવા જેવી ટેક્નોલોજી

Featured Books
Categories
Share

ડ્યુઅલ કેમેરાફોનની સમજવા જેવી ટેક્નોલોજી

નમસ્કાર મિત્રો ! આજકાલ યુવાનીયાઓને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ જાગ્યો છે. જેનું એ કારણ છે મોબાઇલ ફોનની અંદર આવેલા ભારી ભરખમ કેમેરા, કેમેરાના feature અને બીજું DSLR CAMERA. તો આજે એવા જ અને નવા જન્મેલા અને હાલમાં ભારે ચર્ચામાં રહેલા “ડ્યુઅલ કેમેરા” વિશે વાત કરીએ.

મોબાઇલ ફોનમાં ડ્યુઅલ કેમેરાને સામાન્ય લોકોએ સ્વીકાર્યું કારણ,કે હાઈ બજેટ DSLR ખરીદવા મધ્યમ વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ હોય છે. આ મોબાઇલમાં ડ્યુઅલ કેમેરા હોવાથી મોબાઇલનો મોબાઇલ અને કેમેરાનો કેમેરો થઈ જાય. તેથી એક બજેટમાં ફોટોગ્રાફીનો શોખ પણ પૂરો કરી શકાય અને સારો એવો સ્માર્ટફોન પણ હોય. મુખ્ય રૂપથી આ ફોટોગ્રાફીના શોખએ ભારે સરાહના કરી આ ડ્યુઅલ કેમેરા સિસ્ટમની.

સામાન્ય રીતે તો ડ્યુઅલ કેમેરા આંખની જેમ વર્તે છે. જે રીતે આપણી આંખોની સિસ્ટમ છે એ જ રીતે ડ્યુઅલ કેમેરાની સિસ્ટમ છે. ડ્યુઅલ કેમેરા મોબાઇલમાં ૨ લેન્સ આવેલા હોય છે. જે પૈકી એક લેન્સ સામાન્ય વસ્તુનો ચિત્ર લેવામાં મદદ રૂપ થાય છે અને બીજો અથવા તો secondary leans એ તે ચિત્રની પહોળાઈ અથવા તો ઊંડાઈ પારખી મુખ્ય ચિત્ર વસ્તુને તેના પૃષ્ઠભૂમિથી જુદું કરી ચિત્ર વસ્તુને સ્પષ્ટ કરે છે. સાદી ભાષામાં કહું તો Background ને Blur કરે છે.

મોબાઇલ ફોનની અંદર આવા બે સેન્સરવાળા લેન્સનો ઉપયોગ સૌપ્રથમ HTC Company દ્વારા ૨૦૧૧માં કરવામા આવ્યો જ્યારે તેઓ HTC Evo 3D ને બજાર સમક્ષ મૂકી રહ્યા હતા.ત્યારબાદ ૬ વર્ષમાં સ્માર્ટફોન ટેકનોલોજીમાં ધરખમ બદલાવ થયા હોવાથી હાલમાં તેમા અલગ અલગ પ્રકારના કેમેરા સેન્સર ઉપયોગમાં આવ્યા.

ડ્યુઅલ કેમેરાના ૫ જુદા પ્રકારના સેન્સરવાળા લેન્સ ઉપયોગમાં લેવાય છે:

૧ Basic Dual Lens

૨ Wide-Angle Lens

૩ Telephoto Lens

૪ RGB + Monochrome Lens

૫ RGB + Monochrome Lens With Bothie Technology

આપણે આજે આ પાંચેય પ્રકાર વિશે માહિતી મેળવશુ. તો ચાલો જાણવા આ ડ્યુઅલ કેમેરાના જુદા લેન્સ વિશે. અને સમજીએ આ ડ્યુઅલ કેમેરાની જાણવા જેવી ટેકનોલોજી.

આ ડ્યુઅલ કેમેરા મહત્તમ સોફ્ટવેર પર આધાર રાખે છે. ઘણી કંપનીઓ એ આ સોફટવેર અને ટેકનોલોજીનો ઉપયોગ સિંગલ કેમેરા લેન્સ સાથે પ્રયાસ કર્યું પણ તેઓ એટલા સફળ થઈ શક્યા નહીં.

Basic Dual Lens

સૌપ્રથમ Basic Dual Lens ની વાત કરીએ આ પ્રકારના લેન્સમાં બે કેમેરા સેન્સર આવેલા હોય છે. તે એક બીજાની નજીક ઊભી કે આડી રીતે ગોઠવાયેલા હોય છે. આ પ્રકારની ગોઠવણીમાં બન્ને કેમેરા સમાન “Resolution Power” ના અથવા બીજો કેમેરો ઓછા “Resolution Power” વાળો હોય છે. આવી ગોઠવણીને લીધે પ્રાથમિક કેમેરો કોઈ વસ્તુ કે વ્યક્તિ પર કેન્દ્રિત રહે છે અને દ્વિતીય કેમેરો પૃષ્ઠભૂમિની પહોળાઈ અથવા ઊંડાઈનું માપન કરી પૃષ્ઠભૂમિને વસ્તુથી જુદી કરી પાછળના ભાગને Blur કરવાનું કાર્ય કરે છે. સામાન્ય બજેટવાળા સ્માર્ટફોનમાં આ પ્રકારની કેમેરા સિસ્ટમ હોય છે. જેનો સ્માર્ટફોન માર્કેટેમાં ખૂબ બહોળો વેચાણ કરવામાં આવે છે.

સામાન્યતઃ સેલ્ફી કેમેરા જે ડ્યુઅલ કેમેરા સેન્સર ધરાવતા હોય તે Basic Dual Lens સિસ્ટમ ધરાવતા હોય છે. જેની મદદથી સેલ્ફી પિક્ચરમાં પાછળનો બેકગ્રાઉન્ડ સ્પષ્ટપણે દેખાય નહીં. આજકાલ તો Oppo અને Vivo આ પ્રકારના કેમેરામાં અવ્વલ સ્થાન ધરાવે છે.

Wide-Angle Lens

આ પ્રકારની લેન્સ ટેકનોલોજી સૌપ્રથમ LG કમ્પનીએ ઉપયોગમાં લીધેલી છે. આ પ્રકારની ટેકનોલોજીમાં “ફિશી લેન્સ” ગોઠવેલા હોય છે. ફિશી લેન્સ એટલે એવા પ્રકારની લેન્સ ગોઠવણી, જેમાં માછલીની આંખો ગોઠવાયેલી હોય એ રીતે લેન્સ ગોઠવાયેલા હોય છે. આમ કરવાથી વધારે જગ્યાને કેમેરા માં કેદ કરી શકાય છે. દ્વિતીય કેમેરો વધારે જગ્યાને આવરી લેતા આવા કેમેરા વડે લીધેલી ઇમેજમાં વધારે જગ્યા આવે છે. અને પ્રથમ કેમેરો એ વસ્તુને સ્પષ્ટ કરે છે. વધારે નજીકથી અને વધારે જગ્યા કેદ કરી શકાતી હોવાથી આ સિસ્ટમને ”Wide-angle Lens” સિસ્ટમ કહેવામાં આવે છે.

આ ગોઠવણીથી ફોટામાં વધારે જગ્યા અને વધારે સ્પષ્ટ ચિત્ર મેળવી શકાય છે જેથી આ સિસ્ટમ Basic Dual Lens સિસ્ટમ કરતા સારી ઇમેજ લેવામાં મદદરૂપ થાય છે. પણ હા, આ પ્રકારના કેમેરા વાળા મોબાઈલ ફોન ની કિંમત થોડી વધારે હોય છે.

હાલમાં બજારમાં આવેલ Oppo F3 અને Oppo F3 Plus ના Frount કેમેરામાં આજ પ્રકારના “Wide-angle Lens” નો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે ગ્રુપ સેલ્ફી લેવા માટે અને આજ કાલના યુવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. Oppo એ તેને નામ આપ્યું છે “Groupies.”

Telephoto Lens

આ ટેકનોલોજીનો ઉપયોગ મોબાઇલ કંપનીઓમાંની સર્વશ્રેષ્ઠ કંપની “સફરજન” એટલે કે “Apple” એ કર્યો છે ! આ ટેકનોલોજીમાં બહારની તરફ નીકળેલા કેમેરાની ગેરહાજરી જોવા મળે છે. આ કેમેરા સિસ્ટમ “Perfect Zooming” માટે ઉપયોગી છે. આ પદ્ધતિમાં દ્વિતીય કેમેરા તરીકે “Telephoto Lens” નો પ્રયોગ કરવામાં આવે છે.

Telephoto Lens ની અતિ “વધારે કેન્દ્ર લંબાઈ”ને કારણે આ લેન્સ Perfect Zooming કરી શકે છે. અને આ સેન્સરની મદદથી ઇમેજની સ્પષ્ટતા કે Detail ગુમાવ્યા વગર Zoom કરેલો ફોટો લઇ શકાય છે.

Apple એ iPhone 7 Plus માં આવા વધારે કેન્દ્ર લંબાઈવાળા Telephoto Lens નો પ્રયોગ કર્યો છે જેની મદદથી તેનો કેમેરો આટલો સફળ નીવડ્યો છે. અને ત્યાર બાદ બજારમાં આવેલ OnePlus 5 માં “૧.૬X કેન્દ્ર લંબાઈ વાળા” લેન્સનો પ્રયોગ કર્યો છે. હાલમાં ડ્યુઅલ કેમેરાની DSLR Mode વાળી સૌથી સારી ટેકનોલોજી Telephoto Lens System છે.

RGB+ Monochrome

“Huawei” કંપની ડ્યુઅલ કેમેરા સિસ્ટમમાં સૌથી અગ્રેસર છે. તેણે આ અલગ જ પ્રકારના સેન્સરનો પ્રયોગ તેના ડ્યુઅલ કેમેરામાં કર્યો છે. અહીં “RGB” નો અર્થ થાય છે( Red, Green and Blue). RGB કેમેરા સિસ્ટમ ત્રણ વિભિન્ન “CCD” પ્રકારના સેન્સર ધરાવે છે જેની મદદથી આ પ્રકારના કેમેરા મુખ્ય ત્રણ કલર રાતો, લીલો અને ભૂરો (વાદળી) રંગને અલગ અલગ ઓળખી જુદા પાડે છે. RGB કેમેરા એ ચોક્કસ કલરવાળા ઇમેજના સંપાદનમાં ઉપયોગી છે. અહીં Huawei એ ડ્યુઅલ કેમેરામાં RGB નો ઉપયોગ તો કર્યો પણ સાથે સાથે દ્વિતીય કેમેરા સેન્સર તરીકે “Monochrome” સેન્સરનો પ્રયોગ કર્યો છે જેની મદદથી ઓછા પ્રકાશમાં પણ ચોક્કસ વસ્તુનો વધારે પ્રકાશ સાથે ફોટો લઈ શકાય. Monochrome એટલે એક રંગ વાળું અહીં ફોટોગ્રાફીના અર્થમાં ‘કોઈ પણ અલગ રંગવાળા વ્યક્તિ અથવા વસ્તુને પણ સારી રીતે પારખવું તે.’

આ પ્રકારનો કેમેરો વહેલી સવારના ભાગમાં અથવા તો સમી સાંજે ફોટા પાડવામાં ઉપયોગી થાય છે અને હાલમાં આવા સાંજના સમયે ફોટોગ્રાફી કરવાના શોખીન વ્યક્તિઓ માટે આશીર્વાદ સમાન ગણાવી શકાય.

RGB + Monochrome Lens With Bothie Technology

આ સિસ્ટમનો ઉપયોગ હાલમાં જ મોબાઇલ કંપનીઓમાં મોખરે રહેલી અને હવે સ્માર્ટફોન બજારમાં પગ પસારો કરી રહેલી Nokia એ કર્યો છે. તેમાં એકસાથે ૩ કેમેરા કામ પર લગાવી શકાય છે. ઉપરના બધા પ્રકારમાં પાછળ અથવા તો આગળ એક સાથે ૨ કેમેરાનો ઉપયોગ કરી સારી ઇમેજ લઇ શકાય છે પણ Bothie Technology કંઈક જુદી જ છે. આ સિસ્ટમનો પ્રયોગ Nokia એ તેના મોડલ ૮માં લૉન્ચ કર્યો છે.

હાલમાં Social Media પર જુવાનિયાઓ Post મૂકતાં હોય કે આજે અહીંયા છે અને આજે અહીંયા છે પણ આ Social Media પર તો કોઈ પણ મૂકી શકે. જો તે વ્યક્તિ પોતાના ઘરે હોય છતાંય દુનિયાને એવા ભ્રમમાં લઇ શકે કે આજે આ વ્યક્તિ ક્યાંક બહાર છે. અને હવે કોઈ આવી Post પર વિશ્વાસ નથી કરતા.

આ Bothie કેમેરાની મદદથી તમે મોબાઇલના પાછળના કેમેરા અને આગળના કેમરા બંનેનો પ્રયોગ સાથે કરી શકો છો. તેથી તમે જે જગ્યાએ છો ત્યાનું દૃશ્ય તમે તમારા મોબાઇલમાં આવેલ પાછળના ડ્યુઅલ કેમેરાનો પ્રયોગ કરી તે દૃશ્યને કેદ કરી શકો છો અને આગળના કેમેરાની મદદથી તમારી હાજરી દર્શાવી શકો છો. એટલે કે એક જ ઇમેજ માં પાછળનો દૃશ્ય અને તમારી હાજરી બંને આવી જાય તેથી આવા ફોટાને Nokia એ Bothie (Both/ બંને) નામ આપ્યું છે.

આ મોબાઇલમાં પાછળ એક કેમેરો RGB અને બીજો Monochrome છે જે સારા ફોટા લેવા માટે ઉપયોગી છે. આ સિસ્ટમમાં RGB અને Monochrome લેન્સ હોવાથી સારા અને સુસ્પષ્ટ ઇમેજ તો લઇ જ શકાય છે પણ આગળના ભાગને પણ સાથે આવરી શકાય છે, તેથી આ ટેકનોલોજી અત્યારની સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે

હવે ડ્યુઅલ કેમેરાનો ઉપયોગ કઇ રીતે કરવો…? તો મિત્રો, આ કેમેરાની મદદથી તમે સારા ઇમેજને તમારા મોબાઇલમાં કેદ કરી શકશો અને એ પણ સાદા કેમેરાની જેમ જ. જો તમારે પાછળની પૃષ્ઠભૂમિને અસ્પષ્ટ રાખવી હોય, તો તમારે માત્ર મોડ બદલવાનો રહેશે.

ઘણા મોબાઇલ ફોનમાં આ મોડનું નામ DSLR મોડ હોય છે. એ વિકલ્પને પસંદ કરતાં જ તમે DSLR કેમેરા જેવા ફોટા લઇ શકશો. ઘણા મોબાઇલમાં આ મોડનું નામ Blurr મોડ પણ હોય છે.. સારા ફોટોગ્રાફીના લેવલ વાળા ઇમેજ લેવા માટે તમારી પૃષ્ઠભૂમિમાં પ્રકાશનું પ્રમાણ સહેજ વધારે હોવો જોઇએ અથવા તો પાછળની બાજુ એ વધારે માણસોની હાજરી હોવી જોઇએ.

બસ એક ક્લિકથી તમે તમારા મોબાઇલને કેમેરામાં તબદીલ કરી શકો એવી ટેકનોલોજી એટલે ડ્યુઅલ કેમેરા સિસ્ટમ.

તમને એ સવાલ થશે ખરો જ કે ડ્યુઅલ કેમેરાનો પરિણામ સારો કે સિંગલનો ??... તો તમને જણાવી દઉં કે હાલના સમયના બેસ્ટ પરિણામવાળા મોબાઇલ કેમેરામાં નામ આવે તેવા HTC U11 , Samsung Galaxy S8 અને Google Pixel જેઓ સિંગલ કેમેરા સિસ્ટમ ધરાવે છે. ડ્યુઅલ કેમેરાવાળા મોબાઇલ બનાવતી કંપનીઓ સામાન્ય બજેટમાં સારા પ્રમાણના કેમેરા સેન્સરનો પ્રયોગ કરી શકતા નથી જેથી હાલમાં સિંગલ કેમેરાવાળા મોબાઇલ ફોનનો દબદબો છે.

ડ્યુઅલ કેમેરા સિસ્ટમમાં હાર્ડવેર કરતા સોફ્ટવેર પર આધાર વધારે છે તેથી નજીવા ભવિષ્યમાં ડ્યુઅલ કેમેરા ફોન ખૂબ સારો એવો દેખાવ કરી શકશે.

- ઉદય ભાનુશાલી (લેખક, 'ખજાનો' મેગેઝિન)

(નોંધ: કલરફૂલ પાનાં અને ફોટા સાથે આ લેખ માણવા www.khajanogujratimagazine.wordpress.com ની મુલાકાત લો.)