"દિકરો મારો લાડકવાયો"
ગામના ચોરા ઉપર મામલતદાર સાહેબનો મુકામ હતો. ગામના ખેડૂતો, વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા. મામલતદાર સાહેબ ગાદીતકીએ બેઠા હતા. પાસે તલાટી તથા પટેલ પણ બેઠા હતા. આજુબાજુ ખેડૂતો બેઠા હતા. વેપારીઓ પણ હતા. બે કોસના પાકા કૂવા તથા કૂંડી બાંધેલી એક વાડીની સો વીઘાની જમીન બિનવારસે જતાં આજે હરાજ થવાની હતી. વાડીમાં એક મકાન હતું. ઢોરનાં ઢોરવાડિયાં હતાં. ચાલીસ આંબાનાં ઝાડ હતાં. નાળિયેરી, મોસંબી અને ચીકુનાં પણ ઝાડ હતાં. જમીનની ફરતી દીવાલ હતી અને જમીન-માલિક શ્રીમંત માણસ હતા. તેણે શોખ ખાતર આ બધું કરેલું, પણ અચાનક ગુજરી જતાં તેમ જ વારસ ન હોઈ ‘દરબાર દાખલ’ થયેલ તેની આજે હરાજી હતી. તેથી લેવા ઈચ્છનારાઓની, અને કોના ભાગ્યમાં આ લૉટરી લાગે છે તે જોવા આવનારાઓની ઠઠ જામી હતી.
મામલતદાર સાહેબે કાગળોનો નિકાલ કરવા માંડ્યો. હરાજી જેમ મોડી થાય તેમ લોકો વધારે એકત્ર થાય એ માટે પરચૂરણ કાગળોનો જ નિકાલ શરૂ કર્યો. તલાટી નામ બોલતા જતા હતા. ખેડૂતો જવાબ લખાવતા હતા અને કામ ચાલ્યે જતું હતું.
‘કાના ગોવા !’ તલાટીએ નામ પુકાર્યું. અને એક જુવાન ઊભો થયો. શ્યામલ વાન, કૃશ શરીર અને માત્ર એક ચોરણો ને શિર ઉપર ફાળિયું ધારણ કરેલી માનવકાયા ‘જી’ કહી આવી ઊભી રહી.
‘કાનો તારું નામ ?’
‘જી, હા.’
‘તારો ભાઈ ગોપો ?’
‘જી, હા.’
‘ક્યાં છે ?’
અને ગોપો ઊભો થયો. મામલદાર સાહેબે બન્નેના સામું જોયું. વસ્ત્રોમાં, દેખાવમાં, રંગમાં અને મુખાકૃતિમાં બદલ્યા બદલાય એવા સહોદર ભાઈઓ તરફ એમણે મીટ માંડી. પછી સાહેબે પૂછ્યું :
તમે તલાટી સાહેબ પાસે વહેંચણ નોંધાવી છે તે બરાબર છે ?’
‘જી હા.’ બન્નેએ જવાબ આપ્યો.
‘જુઓ, હું ફરી વાંચું છું. હજી પણ તમે ફેરફાર કરી શકો છો. હું એક વાર મંજૂર કરીશ પછી ફરી નહિ શકો તે તમને ખબર છે ને ?’
‘જી, હા….’
‘ત્યારે સાંભળો : ખીજડાવાળું ખેતર દસ વીઘાંનું તથા લોલવણ ગામનું ખાંધું ઉત્તર-દક્ષિણ દસ હાથ, પૂર્વ-પશ્ચિમ છ હાથ : એ બન્ને નાના ભાઈ ગોપાને ભાગે, બરાબર ?’
‘જી, હા…’
‘રામપરાને માર્ગે વાડી વીઘાં છની, જ્યાં એક કૂવો છે તે, કાનાને ભાગે, બરાબર ?’
‘જી, હા…’
‘ત્યારે મંજૂર કરી દઉં ?’
‘જી, હા.’ અહીં બન્ને જણાએ એક સાથે ઉત્તર આપ્યો. મામલતદાર સાહેબે સહી કરવા કલમ ઉપાડી ત્યાં પાછળથી અવાજ આવ્યો : ‘એ મા-બાપ, રહેવા દ્યો : જલમ કરો મા –’ એક સ્ત્રી અમાસની મેઘલી રાત જેવા વર્ણની, કાખમાં એક એવા જ વર્ણના બાળકને તેડીને માથેથી પડતા છેડાને ખેંચતી આગળ આવી, ‘બાપા, તમારો દીકરો તો ગાંડો થયો સે…’ છોકરાને કાખમાં ઊંચી ચડાવતી જાય છે, છોકરો રોતો જાય છે, અને લાંબા હાથ કરી મામલતદાર તરફ કોપાયમાન ભ્રૂકુટિ કરી બાઈ આગળ વધી રહી છે.
‘રહેવા દેજો, હું ખોરડું નહિ દઉં, નહિ દઉં, ને નહિ દઉં ! મારાં છોકરાંને મારે નાખવાં ક્યાં ?’
‘આ કોણ છે ?’ મામલતદાર સાહેબે પ્રશ્ન કર્યો.
‘મારી જીવલેણ, સાહેબ !’ કાનાએ એક જ શબ્દમાં પોતાની પત્નીનો પરિચય આપી દીધો.
‘જીવ લેવા તો તું બેઠો છ – ભાઈને દઈ દે બધું ! આજ તો ખેતર ને ખોરડું દે છ, ને કાલ મને પણ દઈ દેજે…’ સ્ત્રીઓના હાથમાં જે અંતિમ શસ્ત્ર છે તેનો ઉપયોગ કરતાં બાઈ રોવા માંડી.
‘પણ ભાઈને અર્ધો ભાગ દેવો જ જોઈએ ને ? તું સમજતી નથી ને ભર્યા માણસમાં મારી આબરૂ લે છ ! જા જા, હાલતી થા….’ પતિદેવ ગરજ્યા.પટેલ હવે વચમાં પડ્યા.
‘ઊભો રે, કાના, ખીજા મા. મને વાત કરવા દે. જો દીકરી, તારે મોટાને ખેતર ન દેવાં હોય તો વાડી ગોપાને દઈ દે….’
‘કાંઈ નહિ. વાંઢો રૂંઢો છે. ગમે ત્યાં ગદરી ખાય ! હું છોકરાંછિયાંવાળી, મારો માંડ માંડ વાડી ને ખેતરમાંથી ગુજારો થાય, એમાં ગોપલાને શું દઉં – ડામ ?’ મામલતદાર જોઈ રહ્યા. ગામલોકોને આ અન્યાય વસમો લાગ્યો.
‘સાહેબ, મારું રાજીનામું. મારે કાંઈ ન જોયે; લખી લ્યો. મારો ભાઈ ને ભાભી ભલે બધું ભોગવે…’ હવે ગોપો બોલ્યો.
‘અરે, એમ હોય ? તું મારા બાપનો દીકરો, ને ભાગ તો માગ ને !’ કાનાએ ગોપાનો હાથ રોક્યો, ‘આનો તો દી ફરી ગયો છે.’
‘દી તારો ફર્યો છે તે બાવો થાવા ને અમને કરવા નીકળ્યો છે…’ બાઈ રડી પડી.
‘સાહેબ, મેં કહ્યું ઈ માંડોને, બાપા. મારે કાંઈ ન જોવે. મારો ભાઈ સુખી તો મારે બધું છે; હું ક્યાંક ગુજારો કરી લઈશ.’
‘અરે પડને પાટમાં, મારા રોયા ! લૂંટવા બેઠો છે ભોળા ભાઈને ! સમજાવીને પડાવી લેવું છે. આ તો ઠીક થયું કે મને ખબર પડી ગઈ, નહિતર મને ઘરબાર વગરની કરત ને ! હું તને કાંઈ નહિ દેવા દઉં, હા વળી….’
‘અરે, પણ મારે જોવે છે પણ ક્યાં ? તમે બે જણાં સુખે રોટલો ખાવ તો હું આઘે બેઠો બેઠો રાજી થાઈશ, પણ આ ભર્યા માણસમાં તું ભલી થઈ અમારી આબરૂ પાડ મા. મારે કાંઈ ન ખપે….’
‘ઈ તો વાતું. હમણાં ડાયરામાં પોરસીલો થાછ, પણ પછી આવીશ બાઝવા. ગોપલા, તને તો નાનપણથી ઓળખું છ…..’
ગોપો હસ્યો. પોતાના પિતાની મિલકતનો અર્ધો ભાગનો હિસ્સેદાર અને હક્કદાર હતો, ભાઈ ભાગ દેવા તૈયાર હતો, પણ તેના સંસારને સળગાવી પોતે ભાગ લેવા તૈયાર ન હતો. ભાઈનું સુખ તેને મિલકતથી વિશેષ હતું.
‘તો સાંભળ, આ ભાગ, ખેતર, ખોરડું કે ઘરવખરી એમાંથી મારે કાંઈ ન ખપે ! આ પહેર્યાં લૂગડાં હક્ક છે, બાકી મારે ગોમેટ છે. બસ, હવે રાજી…..’
‘હાં…હાં….’ લોકોમાંથી અવાજ આવ્યો.
‘ગોપા, વિચાર કરી લેજે; કાયદો તને મદદ કરશે, અર્ધો ભાગ બરાબર મળશે.’ મામલતદારે કહ્યું.
‘સાહેબ, બાપા, મેં મોઢેથી ગોમેટ કહી દીધું પછી હિંદુના દીકરાને બસ છે ને ! મારો ભાઈ ને ભાભી રાજી તો હું સો દાણ રાજી.’ અભણ કોળી યુવાને તેના ભાઈના સુખ ખાતર સર્વસ્વનું બલિદાન આપ્યું. સહુની આંખો તેના તરફ મંડાઈ રહી. એક નીચું માથું કરી જોઈ રહ્યો અને આંસુ સારી રહ્યો કાનો. મામલતદારે મૌન ધારણ કર્યું. ગોપાની હક્ક છોડી દેવાની કબૂલાતમાં સહી લીધી. સર્વત્ર મૌન છવાઈ ગયું.ચાલો, હવે વાડીની હરાજી કરીએ.’ મામલતદાર સાહેબે મુખ્ય અને અગત્યના કામનો પ્રારંભ કર્યો અને લોકો પણ જરા આનંદમાં આવી ગયા. તલાટીએ વિગતો તથા શરતો વાંચી સંભળાવી. મામલતદાર સાહેબે તેની કિંમત હજારો ઉપર જાય તેમ સમજાવ્યું અને લોકોને માગણી કરવા આગ્રહ કર્યો. પણ કોઈ પહેલ કરતું નથી. મોટા મોટા માણસો કરવા આવ્યા છે. પહેલી માગણી કોણ કરે તે જોવા એકબીજાનાં મુખ સામું જોઈ રહ્યા હતા. ઘણી વાર થઈ, કોઈ માગણી કરતું નથી. મામલતદારે ગામના અગ્રગણ્ય નાગરિક વનેચંદ શેઠને કહ્યું : ‘શેઠ, માગણી કરો ને ? કોક શરૂ કરશે પછી ચાલશે.’
‘હાં….હાં….,’ શેઠ હસ્યા, ‘સાહેબ, કોકે પગ તો માંડવો જોવે; આપ ગમે તેની માગણી મૂકો, પછી ચાલશે.’
‘તો કોની મૂકશું ?’
‘ગોપાની….’ માંડલામાંથી અવાજ આવ્યો. તેમાં ગોપાની હમદર્દી હતી કે મશ્કરી તે સમજાયું નહિ. પહેરેલ લૂગડે બહાર નીકળેલા ગોપા પાસે પાંચ હજારનું નજરાણું ભરવાની ક્યાં ત્રેવડ હતી ?’
‘તો ભલે…. લ્યો, ગોપાનો સવા રૂપિયો.’ મામલતદારે માગણી લીધી.
‘સાહેબ, પણ….’ ગોપો બોલી ન શક્યો.
‘ગભરા મા, ગોપા, તારા હાથમાં આ શેઠિયા આવવા નહિ દે. હજી તો આંકડો ક્યાંય પહોંચશે.’
પણ માગણી થતી નથી. મામલતદાર સાહેબ સમજાવીને થાક્યા.
‘હબીબ શેઠ, પૂછપરછ તો ઘણા દિવસથી કરતા હતા, હવે કાં ટાઢા થઈ ગયા ?’ એમને બીજા શેઠને કહ્યું.
‘સાહેબ…’ વનેચંદ બોલ્યા, ‘આપે ભૂલ કરી એ વાત આપને કોણ કહે ?’
‘કેમ ! મારી ભૂલ ?’
‘હા, આ દેવ જેવા ગોપાની ઉપર કોણ ચડાવો કરે ? જમીન તો મળી રહેશે, પણ આવો ખેલદિલ જુવાન નહિ મળે, જેણે બાપની મિલકત ભાઈના સુખ સારુ હરામ કરી. એની ઉપર ચડાવો હોય નહિ. આપો, સાહેબ સવા રૂપિયામાં આ વાડી ગોપાને આપો !’ આખા માંડલામાં આનંદ પ્રસરી ગયો. વનેચંદ શેઠના શબ્દોને જ અનુમોદન મળવા માંડ્યું. કોઈ ચડાવો કરવા તૈયાર નથી.
‘ગોપા, ત્યારે ‘ત્રણ વાર’ કહી દઉં ? દસ વીઘાંનું ઘાસખેતર છોડ્યું તેના બદલામાં તને આવી અફલાતૂન વાડી મળી. રાજી ને ?’ મામલતદારે ‘એક વાર, બે વાર….’ બોલતાં કહ્યું.
‘બાપા,’ ગોપાની આંખોમાં આંસુ આવ્યાં, ‘ગામ લેવા દે, ને આપ માવતર આપો તો રાજી, પણ હું એકલો શું કરું ? એમાં મારા ભાઈ કાનાનું પણ નામ નાખી દ્યો…..’ મામલતદાર, મહાજન અને ગામ જોઈ રહ્યાં.
આપને સ્ટોરી કેવી લાગી ચોકકસ કેહજો.