Redlight Bunglow 44 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | રેડલાઇટ બંગલો ૪૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રેડલાઇટ બંગલો ૪૪

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૪

અડધી રાત્રે લાલજીને જોઇ વર્ષાબેન ગુસ્સે થયા હતા. વર્ષાબેનને તો એમ જ લાગતું હતું કે લાલજી અડધી રાત્રે તેના સ્વાર્થ માટે પોતાના દરવાજે દસ્તક મારવા આવ્યો છે. વર્ષાબેનને તેણે ખાતરી આપી ત્યારે જ ઘરની અંદર આવવા દીધો. પણ જ્યારે લાલજીએ પોતાને એઇડસની બીમારી છે અને લગ્ન કરવા માગે છે એમ કહ્યું ત્યારે વર્ષાબેનને એમ જ થયું કે લાલજીનું ફટકી ગયું છે. પણ જ્યારે લાલજીએ વર્ષાબેનનું એક રહસ્ય ખોલતી વાત કહી ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો અને ચક્કર ખાઇ પડી ગયા. લાલજીએ દોડીને તેમને સંભાળી લીધા. લાલજીને કલ્પના ન હતી કે વર્ષાબેનને પોતાની બીમારી અંગે ખબર નહીં હોય અને ખબર પડશે તો આટલો મોટો આંચકો લાગશે. લાલજી માટે તો ધરમસંકટ ઊભું થયું. તે આટલી રાત્રે આવી સ્થિતિમાં વર્ષાબેનને છોડીને જઇ શકે એમ ન હતો. અને ડોક્ટરને બોલાવવાનું કામ સરળ ન હતું. લાલજીએ પ્રાથમિક ઉપચાર તરીકે વર્ષાબેનના મોં પર ગ્લાસ ભરીને પાણી રેડ્યું. વર્ષાબેન સહેજ હોશમાં આવ્યા. લાલજીએ ફરી પાણી રેડી તેમને હચમચાવ્યા. વર્ષાબેને આંખ ખોલી ત્યારે લાલજીને રાહત થઇ.

વર્ષાબેન જલદી સ્વસ્થ થયા. ધીમે રહીને બેઠા થયા. કપડાં ઠીક કર્યા. નજીકમાં બંને બાળકો નિર્લેપ રીતે ઊંઘતા હતા. વર્ષાબેન લાલજીની સામે જ જોઇ રહ્યા. લાલજી ગભરાઇ ગયો. ક્યાંક તેમનું ફટકી ગયું નથીને? તે સાવધાનીથી બોલ્યો:"તમે ઠીક છો ને?"

"મૂઆ, તેં જ મને સમાચાર એવા આપ્યા અને પૂછે છે કે ઠીક છું? મરવાના સમાચાર અડધી રાત્રે આપવા નીકળ્યો છું ને."

"શું કરું? વાત જ એવી ખાનગી હતી કે બીજો કોઇ ઉપાય ન હતો. પણ તમને એઇડસ છે એની ખબર કેમ નથી?"

લાલજીનો સવાલ સાંભળી વર્ષાબેન વિચારમાં પડી ગયા. તેની વાત સાચી હતી. આટલો ભયંકર રોગ પોતાને ભરખી રહ્યો છે અને પોતે મોજ કરી રહી છે. પોતાને ખબર નથી પણ પોતે ગુમાનમાં આ ખબર લેવાની કાળજી લીધી નથી. તેમને અર્પિતા દવાખાને તપાસ માટે લઇ ગઇ હતી એ યાદ આવ્યું. તે એક રીપોર્ટ શહેરમાં બતાવવાનું કહેતી હતી. મતલબ કે અર્પિતાને મારા રોગ વિશે જાણકારી હશે. પણ આ લાલજીને કેવી રીતે ખબર પડી? કે પછી પોતાને એઇડસ છે એટલે મને પણ છે એમ કહી સાથ મેળવવા માગે છે? વર્ષાબેન થોડું વિચારી તરત બોલ્યા :"લાલજી, મને એઇડસ છે એની તારી પાસે શું સાબિતિ છે? અને તું ક્યાંથી જાણી લાવ્યો?"

"હું તો ડાયાબીટીસની તપાસ માટે આરોગ્ય કેન્દ્ર પર ગયો હતો. ત્યાંથી રીપોર્ટ આવ્યા પછી ખબર પડી. "ગામમાં બીજાને પણ આ બીમારી છે કે શું?" એવું મેં ડોક્ટરને પૂછ્યું ત્યારે એમણે એનો જવાબ આપ્યો નહીં. આ રોગ વિશે બીજાને માહિતી આપી ન શકાય એમ કહ્યું. તે માન્યા નહીં. એટલે મેં આરોગ્ય કેન્દ્રમાં કામ કરતી એક ઓળખીતી નર્સનો સંપર્ક સાધ્યો અને પૈસા ખવડાવી માહીતી મેળવી. તેણે બીજા કોઇને ના કહેવાની શરતે કહ્યું કે ગામમાં તમને અને વર્ષાબેનને આ બીમારી છે. મને તમારા રીપોર્ટની નકલ એણે આપી નહીં. પણ એ સાચું જ હશે...."

વર્ષાબેનને પણ થયું કે પોતાને એઇડસ હશે એ નક્કી છે. અર્પિતા જાણતી હશે પણ મને દુ:ખ ના થાય એટલે કહ્યું નહીં હોય. મેં પણ એની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું. એ બિચારી પાછી જતી રહી. આ લાલજીએ કહ્યું તો સારું થયું.

"લાલજી, મને એઇડસ થયો છે તો તું મારી સાથે લગ્ન કરવા કેમ તૈયાર થઇ ગયો. તું તો જાણે છે કે હું હેમંતભાઇને ત્યાં જવા માગું છું."

"મને તો એમ જ હતું કે તું આજે હેમંતભાઇને ત્યાં જ હશે. આ તો પ્રયત્ન કરી જોયો કે કદાચ રાત્રે તું આવતી હોય. બાકી ગામમાં કાલે શું થયું એની તો તને ખબર હશે જ..."

"કેમ, શું થયું? મને તો હેમંતભાઇએ કોઇ એવી વાત કરી નથી..."

"ઓહ! તો કાલે વિનયને પકડવા પોલીસ આવી અને વીલા મોંએ પાછી ગઇ એ તું જાણતી જ નથી? હેમંતભાઇની અર્પિતાએ બોલતી બંધ કરી દીધી એની પણ તને તો ખબર નહીં હોય. એ કહે તો તને કયા મોંઢે કહે..."

વર્ષાબેન નવાઇથી લાલજીને સાંભળી રહ્યા. લાલજીએ ગઇકાલે બનેલો આખો બનાવ તેમને કહ્યો ત્યારે તે ચોંકી ગયા. તેમને બધી ગડ બેસવા માંડી. હેમંતભાઇ માટેનો બધો અહોભાવ અને માન કપૂરની જેમ ઊડી ગયા. તેમને લાલજી પર માન થયું. લાલજીને પોતે ભલે લંપટ માનતી હોય પણ તે લાગણી ધરાવે છે.

"લાલજી, તું મારી સાથે લગ્ન કરી શું કરવા માગે છે એ મને સમજાતું નથી...."

"વર્ષા, સાચું કહું તો પત્નીના અવસાન પછી મેં તને મનોમન ચાહી છે. મારું દિલ તારા પર આવી ગયું હતું. હું તારા શરીરને પ્રેમ કરવા માગતો હતો એટલો જ દિલથી ચાહતો રહ્યો છું. અને એટલે જ આજે એક એવો વિચાર લઇને આવ્યો છું કે આપણો જન્મારો સફળ થઇ જાય..."

"લાલજી, આ જન્મ તો હવે ક્યારે પૂરો થઇ જશે એ કોઇ કહી શકે એમ નથી. મૃત્યુ નિશ્ચિત બની ગયું છે...."

"એટલે જ કહું છું કે કંઇક એવું કરી જઇએ કે લોક યાદ કરે.."

"તારો શું વિચાર છે એ કહે."

"જો, મારી પાસે ઘણી મિલકત છે. એમાંથી થોડી વેચી દઇશ અને બાકીનું તારા નામ પર કરી દઇશ. જે પાછળથી તારા સંતાનોને મળશે. અને આપણે એઇડ્સથી પિડીત લોકોની સેવામાં આપણું જીવન પૂરું કરી દઇશું....તું મારી સાથે લગ્ન કરીશ તો જ મારી મિલકત તને મળશે. કાલે જ આપણે શહેરમાં એઇડસના રોગીઓની સેવા કરતી સંસ્થાને મળી લઇએ..."

"પણ મારા આ બે બાળકોનું શું થશે? અર્પિતા તો પોતાનું સંભાળી જ રહી છે."

"આ બંનેને તું અર્પિતાને સોંપી દે. એ સંભાળ રાખશે. આપણે ખર્ચ આપી દઇશું."

વર્ષાબેનને લાલજીની વાત સાચી લાગી. તેમને થયું હવે આ જીવનનો કોઇ ભરોસો નથી. અર્પિતાની માફી માગી આ જીવનમાં થાય એટલા સતકાર્ય કરી લઉં. આવતીકાલે અર્પિતાને વાત કરી બધી વ્યવસ્થા ગોઠવશે એમ કહી તેમણે લાલજીને ઘરે તો મોકલી આપ્યો. પણ એક છૂપો ડર તેમના મનમાં ડોકિયું કરવા લાગ્યો!

*

અર્પિતાને પહેલાં તો થયું કે રાજીબહેને કોલેજ જવાનું બંધ કરવાનો નિર્ણય જાહેર કરીને તેની બધી યોજના પર પાણી ફેરવી દીધું છે. રાજીબહેનની વાત સાંભળીને અર્પિતાના મોતિયા મરી ગયા હતા. પણ એક દિવસ માટે કોલેજ જવાની પરવાનગી મળતાં તેમની વિરુધ્ધની યોજના જીવંત રહી હતી. તે આવતીકાલનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવા માગતી હતી. તેને ખુશી એ વાતની હતી કે આવતીકાલનું કામ પાર પડે તો રાજીબહેનની આંખે દિવસે અંધારા લાવવામાં સફળ રહેશે. એક મોટા જોખમવાળી તેની યોજનાને અંજામ આપવા અર્પિતા સજ્જ થઇ રહી હતી. અર્પિતાએ રૂમમાં જઇને એક એનજીઓને ફોન કર્યો. મીનાને ફોન કર્યો. અને રચનાને થોડી વાત સમજાવી દીધી. હવે તે આવતીકાલનો સૂરજ ઉગવાની રાહ જોવા લાગી.

સવારે તે રચના સાથે રેડલાઇટ બંગલો પરથી રાજીબહેનની કારમાં નીકળી ત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર હતી. પણ તેને ખબર ન હતી કે તે પાછી ફરશે ત્યારે તેના પર અવિશ્વાસ થવાનો હતો.

કોલેજમાં પહોંચીને તેણે પહેલો પિરિયડ ભર્યો. તેનો કોલેજનો છેલ્લો દિવસ હતો છતાં તે સ્વસ્થ હતી. તે પહેલો પિરિયડ ભરી બહાર નીકળી ત્યારે સામો પિયુન આવ્યો. તેણે અર્પિતાને કહ્યું કે પ્રિંસિપલ રવિકુમાર તેને બોલાવે છે. અર્પિતાને નવાઇ લાગી. રવિકુમારને કેવી રીતે ખબર પડી કે હું આજે કોલેજ આવી છું? તેને આનંદ હતો કે ઘણા સમય પછી રવિકુમારને મળવાનું બનશે. તે પ્રિંસિપલની ઓફિસમાં પહોંચી ત્યારે રવિકુમાર જાણે તેની કાગડોળે રાહ જોતા હોય એમ ઊભા થયા અને તેને પ્રેમથી આવકારી. "આવ અર્પિતા, ઘણા દિવસે દેખાઇ! હવે ન જાણે તું આ કોલેજમાં ક્યારે દેખાશે?"

રવિકુમારની વાતથી અર્પિતા ચોંકી ગઇ. રવિકુમારને કેવી રીતે ખબર પડી કે તે કાલથી કોલેજ આવવાની નથી. અને હું આવવાની નથી તેનો અફસોસ તેમના ચહેરા પર દેખાઇ રહ્યો છે.

અર્પિતા તેમની સામે બેઠી એટલે રવિકુમારે સ્વાભાવિક સ્વરમાં કહ્યું:"લાગે છે કે તારા નસીબમાં ભણવાનું ઓછું છે. રાજીબહેનનો ગઇકાલે જ ફોન હતો કે અર્પિતાનો કોલેજમાં આજે છેલ્લો દિવસ હશે. તેને કોઇ કામ હોય તો પતાવી આપજો...."

સ્તબ્ધ થઇ ગયેલી અર્પિતાને સમજાતું ન હતું કે શું વાત કરવી. તેને એ સમજાઇ ગયું હતું કે રવિકુમાર અને રાજીબહેન વચ્ચે સંબંધ હોટ છે કે કોલ્ડ છે એ તો જાણી શકાયું નથી પણ બંને વચ્ચે ફોનની હોટલાઇન જરૂર હશે. રાજીબહેને રવિકુમારને બધી વાત કરી દીધી હશે? રચનાને કોલેજ આવવાની મનાઇ ફરમાવી નથી અને મને ના પાડી દીધી એટલે રવિકુમારને મારા વિશે કોઇ શંકા ઊભી થઇ શકે. પણ અર્પિતાની શંકાનું સમાધાન કરતા હોય એમ એ બોલ્યા:"જો, તારા અને રાજીબહેન વચ્ચે શું થયું છે એ હું જાણતો નથી. અને હું ક્યારેય રાજીબહેનના અંગત નિર્ણયમાં પડતો નથી. એમને જે ઠીક લાગ્યું હશે એ જ એમણે કર્યું હશે. પણ સાચું અને દિલથી કહું તો મને તારી કંપની ગમતી હતી. તને મળીને દિલને ખુશી થતી હતી...."

અર્પિતાની છલકાતી યુવાની તરફ તરસી આંખે રવિકુમાર થૂંક ગળી બોલ્યા એ તેણે જોયું. અર્પિતાએ તેમને ખુશ કરવા કહ્યું:"સર, કોલેજક્વીન સ્પર્ધા પછી મેં તમને કહ્યું હતું કે તમે મારી જીત માટે ઘણી મહેનત કરી હતી એટલે હું તમને ખુશ કરીશ. હવે હું કોલેજમાં આવવાની નથી એટલે આજે નિમંત્રણ આપી દઉં છું. મારો સંગ કરવા એકવાર જરૂરથી પધારો. હું તમારા માટે વિશેષ તૈયારી કરીશ. તમે આવતા સપ્તાહે મંગળવારે સાંજે ચોક્કસ આવજો. હું તમારી રાહ જોઇશ. તમે ના પાડતા નહીં. મારા માથા પરનો એક ભાર ઉતરી જશે..."

રવિકુમાર જાણે તેના નિમંત્રણની રાહ જોતા હોય એમ ખુશ થઇ ગયા અને બોલી ઊઠયા:"અર્પિતા, તેં મારા મનની વાત કરી દીધી. હું કોઇનો સંગ પસંદ કરતો નથી. પણ ન જાણે કેમ તને જોઇ ત્યારથી મારી પુરુષ સહજ લાગણીઓ ખીલી ઊઠી હતી. તારો સાથે માણવા ઉત્સુક થઇ રહ્યો હતો. હવે જ્યારે તે સામેથી જ કહ્યું છે ત્યારે હું મંગળવારે જરૂર આવીશ. અને એ માટે હું જ રાજીબહેનને કહી દઇશ. તેમને નવાઇ લાગશે. પણ મને એની કોઇ પરવા નથી..."

અર્પિતાને રચના પાસેથી રવિકુમાર વિશે થોડી ઘણી માહિતી મળી હતી કે તેમને કર્કશા પત્ની મળી હતી એટલે લગ્નના થોડા સમયમાં જ છૂટા થઇ ગયા હતા. અને સ્ત્રીઓ માટે તેમના મનમાં નકારાત્મક વિચાર ભરાયા હતા. તે ફરી લગ્ન કરવા માગતા ન હતા. એટલું જ નહીં સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાથી દૂર રહેતા હતા. રાજીબહેન સાથે તેમને પ્રોફેશનલ જ સંબંધ હતો. તે પોતાની કોલેજની છોકરીઓ તેમને ધંધા માટે પૂરી પાડી કમિશન મેળવતા હતા. અર્પિતાને થયું કે રવિકુમાર ખરેખર તેના પર મોહી પડ્યા છે.

અર્પિતા ખુશ થઇને બોલી:"સર, માય પ્લેઝર! મારું અહોભાગ્ય કે તમે મને આનંદ આપવાની તક આપી. સર, આનંદનો શબ્દિક અર્થ તો તમે સમજતા જ હશો પણ હું તમને આનંદ શું ચીજ છે એનો એક અલગ અનુભવ કરાવીશ!"

અર્પિતાની વાતથી તે હસીને બોલ્યા:"તેં તો મારા મનની ચટપટી વધારી દીધી!"

અર્પિતાએ ઘડિયાળમાં જોયું. તેને હજુ ઘણા કામ પતાવવાના હતા. રવિકુમાર સમજી ગયા:" અર્પિતા, તારું લાઇબ્રેરીનું કામ હોય તો એ પતાવી દે. આપણે મંગળવારે મળીશું!"

અર્પિતા રવિકુમારનો આભાર માની બહાર નીકળી. બીજો પિરિયડ પૂરો થવાની તૈયારી હતી. અને ત્રીજો પિરિયડ લાઇબ્રેરીનો જ હતો. તેણે મીનાને પણ ત્યાં જ બોલાવી હતી. તેણે જઇને પોતાની લાઇબ્રેરીની બુક જમા કરાવી દીધી અને મીનાની રાહ જોવા લાગી. બેલ પડ્યો તેની સાથે જ મીના દોડતી આવી. બીજી છોકરીઓ આવે એ પહેલાં અર્પિતાએ એને રૂપિયાનું બંડલ આપ્યું અને ખાનગીમાં કહ્યું કે કોલેજના છેલ્લા પિરિયડ સુધીમાં કામ પતાવીને આવી જજે. અને આ કામમાં કોઇ ચૂક થવી ના જોઇએ. મીના તો રાજીબહેનની કેદમાંથી છૂટવા તરફડી રહી હતી. તે અર્પિતાનો પડ્યો બોલ ઝીલી લેવા તૈયાર હતી. તે તરત જ લાઇબ્રેરીમાંથી નીકળી ગઇ. લાઇબ્રેરીનો પિરિયડ પૂરો થયો એટલે અર્પિતા ક્લાસમાં બીજા પિરિયડ માટે ગઇ. એક પછી એક ક્લાસમાં ફરતી અર્પિતા મીના ક્યાં ક્યાં ફરતી હશે એનું અનુમાન કરી ઘડિયાળમાં જોતી રહેતી હતી. છેલ્લો પિરિયડ પૂરો થઇ ગયો તો પણ મીના આવી નહીં. તેની ચિંતા વધી ગઇ. શું મીના ક્યાંક અટવાઇ ગઇ હશે? હવે રાજીબહેનની કાર પણ આવી ગઇ હશે. પોતાને તો બહાર ક્યાંય જવાની પરવાનગી નથી. મીના મળી જાય તો સારું છે. તે કોલેજના ગેટ તરફ ધીમા પગલે આગળ વધી રહી હતી. રચના તેની આગળ ચાલતી હતી. અચાનક તેની બેગ કોઇએ પકડી હોય એવું લાગ્યું. તેણે પાછળ ફરીને જોયું તો મીના તેની બેગની ચેઇન ખોલીને વસ્તુ મૂકી રહી હતી. અર્પિતાના જીવમાં જીવ આવ્યો. તે ખુશ થઇ ગઇ. "કામ થઇ ગયું છે" કહી મીના તેની બાજુમાંથી પસાર થઇ ગઇ.

અર્પિતા અને રચના રેડલાઇટ બંગલો પર પહોંચી અને દરવાજામાંથી અંદર પ્રવેશ કરતી હતી ત્યારે વીણાએ અટકાવી. બંનેને નવાઇ લાગી. અર્પિતા વધારે ચોંકી ગઇ.

વીણાએ થોડી દિલગીરી સાથે કહ્યું:"દીદી, માફ કરજો પણ મારે તમારી બેગની તલાશી લેવી પડશે....રાજીબહેનનો હુકમ હું ટાળી ના શકું."

અર્પિતા અને રચના નવાઇથી એકબીજા સામે જોવા લાગી. બંને કમનથી બેગ આપીને ઊભી રહી. રચનાને ચિંતા ન હતી. અર્પિતાનું દિલ વધારે ફડકી રહ્યું હતું. વીણાએ પહેલાં રચનાની બેગ તપાસી. એમાં નોટસ અને પુસ્તકો જ હતા. વીણાએ રચનાને બેગ પાછી આપી દીધી. અને અર્પિતાની બેગ ખોલી. તેમાંથી પુસ્તકો સાથે પૂંઠાનું એક બોક્ષ નીકળ્યું. વીણાની આંખો ચમકી. અર્પિતા વધારે ગભરાઇ. તેને થયું કે રાજીબહેન હવે તેને પકડી પાડશે. તેણે મોટું જોખમ લીધું છે. રાજીબહેનને આમ પણ હવે તેના ઉપર જરા પણ વિશ્વાસ નથી.

વીણાએ અર્પિતાને બોક્ષ સાથે રાજીબહેનની સામે ઊભી કરી દીધી. રાજીબહેનની આંખમાં સણસણતો સવાલ હતો. તેમણે વીણાને બોક્ષ ખોલવા કહ્યું.

વીણાએ બોક્ષ પરની સેલોટેપ કાઢી અને ખોલીને રાજીબહેન સામે ધર્યું.

*

પૂંઠાનું બોક્ષ ખૂલ્યા પછી અર્પિતાની યોજના પકડાઇ જશે? શું અર્પિતા રાજીબહેનની કેદમાંથી ક્યારેય છૂટી નહીં શકે? ? વર્ષાબેન લાલજી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયા પણ કયો છૂપો ડર તેમને સતાવવા લાગ્યો? હેમંતભાઇને છંછેડવાની ગુસ્તાખી અર્પિતાને કેટલી ભારે પડશે? આ બધું જ જાણવા હવે પછીના એક પછી એક રોમાંચક રહસ્ય ખોલતાં રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

***

વાચકમિત્રો,

અંત તરફ ધસમસતી જઇ રહેલી "રેડલાઇટ બંગલો" નવલકથાને આપના દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, તેને અત્યાર સુધીમાં ૪૩ પ્રકરણ માટે ૯૦૫૦૦ થી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને ૭૮૦૦૦ થી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે. આંકડા જ બતાવે છે કે આ નવલકથાને આપ ભરપૂર માણી રહ્યા છો. રેડલાઇટ બંગલોના નવેમ્બર-૨૦૧૮ ના ડાઉનલોડ: ૨૧૦૮૫ સાથે માતૃભારતીના માસિક ટોપ ઓથર્સમાં મને ત્રીજું સ્થાન મળ્યું એ બદલ આપનો અને માતૃભારતીનો દિલથી આભારી છું. નવા વાચક બિરાદરોને ખાસ ખાસ વિનંતી કે દરેકે દરેક પ્રકરણ વાંચશો તો વધુ આનંદ આવશે. અને કશું ચૂકી જશો નહીં. મિત્રો, "રેડલાઇટ બંગલો" નો ૧૩૭૦૦ રેટીંગ મળી ગયા પછી પણ ફરી વિનંતી કે આપનું રેટીંગ દરેક પ્રકરણ માટે જરૂર જરૂરથી આપશો. એ મને વધુને વધુ સારું લખવાનું પ્રેરણાબળ અને ઉત્સાહ આપે છે. આભાર!