ભાગ ૨
એક દિવસ કમળીનો ભાઈ, લાખો તેને આ રીતે પૂછતાં જોઈ ગયો અને બધા સામે લાકડીથી મારવા લાગ્યો. દિલીપથી જોવાયું નહિ અને તેણે લાખાને વાર્યો. દિલીપ માસ્તરનું માન પળીયામાં હોવાથી લાખાએ મારવાનું બંધ કર્યું અને પોતાનું કપાળ ફૂટતા બોલવા લાગ્યો, “આખા ગામની વસ્તી કહેવા લાગી છે કે કમળી માસ્તર પાછળ ગાંડી થઇ છે એણે મને ક્યાંય મોઢું દેખાડવા જેવો નથી રાખ્યો.” દિલીપે કહ્યું, “લાખા,આમ તેને માર નહિ અને તમે લોકો જો મને અપનાવતા હો તો હું કમળી સાથે લગન કરવા તૈયાર છું.”
લાખાએ માસ્તર સામે જોયું અને કહ્યું, “ઠીક છે! માસ્તર હું મુખી સાથે વાત કરું છું.” એમ કહીને કમળીને લઈને ત્યાંથી નીકળી ગયો. થોડા દિવસ પછી પંચે દિલીપને કહેણ મોકલ્યું. પંચે દિલીપને સામે બેસાડીને પૂછ્યું, “શું તમે કમળી સાથે ઘર માંડવા તૈયાર છો?” દિલીપે હા કહી. તેમણે કહ્યું, “તમે તો સરકારી નોકરીવાળા કાલે ,તમે અમારી છોકરીને મૂકીને બીજે જતા રહો તો અમારે શું કરવું?” દ્લીપે દ્રઢતાથી કહ્યું “પહેલી વાત તો મારી બદલી અહીંથી નહિ થાય, અહીં કોઈ આવવા તૈયાર નથી. કદાચ બદલી થાય તો હું તેને સાથે લઇ જઈશ. જો તમને ડર લાગતો હોય કે હું તેને છોડી દઈશ તો હું મારી આ સોનાની ચેન, વીંટી અને બીજા દસ હજાર રૂપિયા પંચમાં જમા કરું છું. હું કમળીને કોઈ દિવસ નહિ છોડું અને તેને ખુશ રાખીશ.” આપસમાં વાતચીત કર્યા પછી પંચે દિલીપને નિર્ણય જણાવ્યો “અમે તમારું લગન કમળી સાથે કરાવીએ છીએ અને તમે બાંયધરી તરીકે આપેલા દાગીના અને રૂપિયા પંચમાં જમા કરીએ છીએ, જે તમને તમારા પહેલા બાળકના જન્મ પછી પાછા મળશે.”
દિલીપ અને કમળીના લગ્ન ધામધૂમથી થયા. ગામમાં પાંચ દિવસ સુધી જલસો ચાલ્યો , ખુબ માંસ ખવાયું અને દારૂ પિવાયો. જોકે દિલીપ નિયમનો પાક્કો હોવાથી આ બધામાં સાથ ન આપ્યો. લગનના ત્રણ વરસ પછી તેમના ઘરમાં બાળક અવતર્યું, જેનું નામ સોમ રાખવામા આવ્યું . આમ દેખાવમાં સાધારણ બાળક જેવો જ હતો પણ જયારે તે રડતો ત્યારે આખો પાડો ધ્રુજી ઉઠતો.
તેનો રડવાનો અવાજ ખુબ કર્કશ અને ભયંકર હતો. પાડાના તેમજ આજુબાજુના વિસ્તારના ભુવા અને તાંત્રિકોને બતાવી જોયું પણ કોઈ આ સમસ્યાનું નિવારણ લાવી ન શક્યું. એમ કરતા કરતા બે વરસ નીકળી ગયા પણ જયારે જયારે સોમ રડવાનું શરુ કરતો દિલીપ ચિંતિત થઇ ઉઠતો અને કમળી ડરી જતી. એક દિવસ બાજુના ગામના શિક્ષક મનુપ્રસાદ દિલીપને મળવા આવ્યા ત્યારે દિલીપે તેની સમસ્યા તેમને કહી. તેમણે કહ્યું, “આ બાળકને બાબા જટાશંકરના આશ્રમમાં લઇ જાઓ તે એની કુંડળી જોઈને સમસ્યાનું નિવારણ કરશે.જો કોઈ વિધિવિધાન કરવાનું હશે તો તે કરી આપશે.” નાછૂટકે દિલીપે બાબા પાસે જવા તૈયાર થયો. દિલીપે પોતાની બેગમાંથી જૂની નોટબૂક કાઢી જેમાં સોમનો જન્મ સમય અને તારીખ નોંધેલી હતી.
પાછા વળતા દિલીપે વિચાર્યું કે આ તો ધરમધક્કો થયો નિવારણ ફક્ત એટલું જ કે ભજનમાં લઇ જાઓ. આ પણ ઢોંગી બાબા જ છે. આ બાજુ જટાશંકર ગંભીર મુદ્રામાં બેસેલા હતા ત્યારે તેમનો પ્રધાન શિષ્ય ધીરજ તેમની પાસે આવ્યો અને પૂછ્યું, “શું થયું ગુરુજી? એવું તે શું હતું બાળકની કુંડળીમાં કે આપ આટલા ચિંતિત થઇ ગયા.” જટાશંકર ગંભીર અવાજમાં બોલ્યા, “બહુ વિચિત્ર કુંડળી છે આ બાળકની.”
ક્રમશ: