Bevado Gha in Gujarati Short Stories by Vicky Trivedi books and stories PDF | બેવડો ઘા!

Featured Books
Categories
Share

બેવડો ઘા!

બરકત વિરાણી ‘બેફામ’ સાહેબે કહ્યું છે, ”ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય એની દશા સારી નથી હોતી!”

હરેશભાઇ એક સજ્જન માણસ હતા પણ સમાજની નબળી માનસિકતાને લીધે એ પણ સમાજના શિકાર બન્યા હતા. હરેશભાઇ પંદરેક વર્ષના હતા ત્યારે એમના માં બાપ ગુજરી ગયેલા એટલે આર્થિક પરિસ્થિતિ નબળી હતી. પૈસો ટકો ન હોય તો સગપણ સાંધોય ન થાય એ તો દરેક સમાજની કભૂતિ છે જ ! હરેશભાઈ પગ ઉપર ઉભા થયા પછી જ મોટી ઉંમરે લગ્ન થઇ શક્યા હતા. હરેશભાઇ અને રમીલાબેનની સગાઈ થઈ ત્યારે સાંધો કરાવવા વાળા દહેજને નામે રૂપિયા ત્રીસ હજાર ગાંઠે કરી ગયા હતા ! રમીલાના માવતરને તો એ વાતની ખબરેય નહોતી!


લગન થયા ત્યારે લોકો વાતો કરતા આ હરિયાને આવડી ઉંમરે દીધી છે તે એને કૈક તો ખામી હશે ને ! આસપાસની અલી બાઈ અને મલી બાઈ ભેગી થઈને બસ આવી વાતો કરતી. કોઈ રમીલા બેન ઉપર કીચડ પણ ઉછાળતા. ટૂંકમાં હરેશભાઇના જીવનમાં કુદરતે દુઃખ જ ભર્યા હતા ! પણ પત્ની સો ટચ સોનુ મળી હતી ! રમીલાબેનમાં એક એવી સમજ હતી કે એ પતિના દરેક દુઃખને વગર કીધે જ જાણી જતા ! રમીલાબેન દુઃખી પતિને બસ સુખ આપવા જ મથતા રહેતા!

લગ્નના એક વર્ષ પછી એક દીકરો જન્મ્યો, મા’રાજે કીધું કે કન્યા રાશિ આવે છે. ઘરમાં આમ ગણો તો આ દીકરાનો જન્મ એક જ પહેલું વહેલું સુખનું પ્રતીક હતું એટલે એનું નામ પ્રતીક રાખ્યું. પ્રતીકના જન્મ પછી તો હરેશભાઇ પણ રાજી રહેવા લાગ્યા હતા. પ્રતીક પણ દિવસે ન વધે એટલો રાત્રે વધે અને રાત્રે ન વધે એટલો દિવસે વધે ! જોત જોતામાં તો પ્રતીક પાંચ વર્ષનો થઈ ગયો અને એને શાળામાં ભણવા પણ બેસાડી દીધો.

પ્રતીક ત્રીજા ધોરણમાં આવ્યો ત્યાં સુધી તો એની કલા પણ ખીલવા લાગી હતી, ભણવામાં પ્રતીક સારા ચિહ્નો બતાવતો હતો ! પણ પ્રતીક ભણવા શિવાય બીજી બાબતોમાં ભૂલકણો, એને પેન્સિલ, સંચો , કંપાસ બધું વારંવાર ખોવાઈ જાતું !

એક દિવસ પ્રતીક ઓસરીમાં બેસીને ગૃહકાર્ય કરતો હતો. લખતા લખતા પેન્સિલની અણી બુઠ્ઠી થઈ ગઈ. પ્રતિકે દફતરમાં સંચો ખોળ્યો પણ મળ્યો નહિ એટલે એ હરેશભાઈની દાઢી કરવાની પતરીથી પેન્સિલ છોલવા લાગ્યો અને અચાનક પતરી આંગળીમાં ઘુસી ગઈ. દડદડાત કરતું લોહી વહેવા લાગ્યું. પ્રતીક રડવા લાગ્યો. એને રડતો સાંભળી ઘરમાંથી હરેશભાઇ અને રમીલાબેન ઉતાવળે પગલે આવ્યા, લોહી દેખીને ડરી ગયા ! તરત આંગળી જોઈ કેરોસીનથી આંગળી ધોઈ અને ઘા જોયો, ઘા ઊંડો નહોતો પણ આંગળીઓ કોમળ હતી એટલે લોહી વધારે નીકળ્યું હતું ! એ જોઈ હરેશભાઇ અને રમીલાબેનને હાશકારો થયો. રમીલાબેને પ્રાથમિક સારવારનો ડબ્બો લઈ પાટો બાંધી દીધો પણ પ્રતીકને એ પતરીની તીક્ષણ ધારનો ઘા બળતરા કરતો હતો એટલે એ રડ્યા કરતો હતો.

હરેશભાઈએ તરત જ પ્રતીકને પાંચનો સિક્કો આપી છાનો રાખ્યો અને કહ્યું, “જો બેટા આજે હું સંચાનું બોક્સ લાવી દઈશ પણ તું હવે આ રીતે ક્યારેય પતરીથી પેન્સિલ ન છોલતો.”

“સારું પપ્પા.” કહેતો હસતો હસતો પ્રતીક ગલ્લા પર ચોકલેટ લેવા દોડી ગયો. પતિ પત્ની બેય જણ પ્રતિકનો ખિલખિલાટ , એના નાના નાના ડગલાં જોતા હસી પડ્યા !

એ પછી તો પ્રતીક માટે સંચાનું એક આખું બોક્સ લાવી દીધું! પ્રતીક રોજ એક સંચો ખોઈ દેતો પણ પેલી પતરી ફરી ક્યાંક કોમળ આંગળીઓમાં વાગી ન જાય એ ખાતર ક્યારેય એને કોઈ કાઈ કહેતું નહિ!

બસ આમ જ હરેશભાઇનો સંસાર ચાલતો હતો. પ્રતીક ભણવામાં હોશિયાર હતો એટલે સોફ્ટવેર એન્જીનીયરીંગની લાઇન લીધી. હરેશભાઈને દીકરા ઉપર ગર્વ થતો. વર્ષો જતા પ્રતિકની કોલેજ પણ પુરી થઈ ગઈ અને સોફ્ટવેર એન્જીનિયરની નોકરી પણ મળી ગઈ ! પછી તો હરેશભાઈને પ્રતીક માટે સમાજ માંથી માંગા પણ આવવા લાગ્યા ! આમ તો સમાજ પ્રત્યે હરેશભાઈને એક સુગ થઈ ગઈ હતી પણ દીકરા ખાતર એમણે ભૂતકાળ ભૂલી જઇ એક સારી કન્યા અને સારું ઘર જોઈ પ્રતિકનું સગું ગોઠવી દીધું. મુહૂર્ત જોઈ સપરમે દહાડે લગ્ન પણ લેવાઈ ગયા!

હરેશભાઇના જીવનના બધા દુઃખ હવે ધીરે ધીરે ભુલાવા લાગ્યા હતા એ જોઈ રમીલાબેન પણ રાજી હતા. નાની ઉંમરે માં બાપ ખોયા, સમાજમાંથી લાંબા સમય સુધી ધિક્કાર મળ્યો અને અંતે એક કન્યા મળી તોય એના વિશે લોકો અલક મલકની વાતો ટીખળી કરતા એટલે હરેશભાઇને તો જન્મીને કદી સુખ મળ્યું જ નહોતું, નર્યા ઘા! ક્યારેક કિસ્મતના તો ક્યારેક લોકો ના ! પણ પત્ની સારી મળી હતી અને દીકરો પણ ભણી ગણી ને સારી નોકરીએ વળગ્યો હતો એટલે લગ્ન પણ થઇ ગયા, એ જોઈ હરેશભાઇના અંતરમાં બળતી આગ શમી ગઈ હતી !
આટ આટલા વર્ષોથી ઘર ચલાવતા હરેશભાઇ દીકરાને કમાતો જોઈ એકાએક ઘરડા થઈ ગયા ! કોઈ પણ બાપ દીકરો કમાતો થઈ જાય એટલે ઘરડો થઈ જ જાય એ વાતમાં કોઈ બેમત હોય જ નહીં કેમ કે દીકરા ઉપર એક ભરોસો હોય ને ! એવો જ ભરોસો હરેશભાઈને પણ પ્રતીક ઉપર હતો. કિસ્મત અને લોકોએ તો ઘા જ આપ્યા હતા પણ હવે દીકરો વહાલ આપશે એમ સમજી બેય પતિ પત્ની હોંશે હોંશે જીવતા હતા


એક દિવસ હરેશભાઇ બેઠા બેઠા દાઢી કરતા હતા. રમીલાબેન પાસે બેસી દાળ સાફ કરતા હતા. પ્રતિકની પત્ની કૃપા ઘરમાં બેઠી ટી.વી. જોતી હતી. હરેશભાઈની ઉંમરને લીધે ગાલની ચામડીમાં કરચલી પડી ગઈ હતી એટલે પતરી વાગી ગઈ અને લોહી નીકળ્યું. રમીલાબેન તરત ઉભા થઈને સાડીના છેડેથી ઘા સાફ કરવા લાગ્યા. ત્યાંજ અચાનક પ્રતીક ઓફીસથી આવ્યો અને જોતા જ બોલ્યો, ” શુ પપ્પા તમે પણ સાચવીને કરતા હો તો !”

“અરે બેટા હવે મને બરાબર દેખાતું નથી અને હાથ પણ હવે ધ્રૂજે છે એટલે જ્યારે દાઢી કરું મને વાગે છે તું એક જીલેટ લાવી દે ને” હરેશભાઈએ કહ્યું.

“પપ્પા મેં એક મહિના પહેલા જ તો તમને જીલેટ લાવી આપ્યું હતું. તમે આમ વારંવાર ખોઈ નાખો તો કોઈ શુ કરે ? હું ઘર ચલાઉ કે તમારા જીલેટ લાવું?” છંછેડાઈ પ્રતીક ઘરમાં જતો રહ્યો.

ઘા ઊંડો નહોતો, ન ઘણું લોહી વહયું હતું, ન તો કોઈ પાટા પિંડ ની જરૂર હતી, પાટા બંધાય પણ કઈ રીતે ? તૂટેલી લાગણીઓ કોઈ ડોકટર કોઈ દવા સાંધી શકે ખરા ?!!!!! બસ હરેશભાઇ ઉપર આસમાનમાં જોઈ રહ્યા ! ઉદગ્રીવ દ્રષ્ટિએ આંસુ ખરતા રહ્યા , એક વેદના થતી રહી, ખબર નહિ એ ખારા આંસુ એ ઘા ઉપર વહી જતા હતા એટલે બળતર થતી હતી કે કોઈ બીજી જ વેદના હતી ! ઘા તો એકજ હતો! નાનકડો! છતાં કેમ એટલી વેદના ? એક ઘા જીવન આપી ગયું અને એક ઘા દીકરો ! જીવનના ઘા તો હરેશભાઇ સહન કરી ગયા પણ એ બીજો ઘા આંસુ બની વહી રહ્યો હતો !

***