Prem ane sambandh in Gujarati Magazine by Ravi bhatt books and stories PDF | પ્રેમ અને સંબંધ- યુઝ એન્ડ થ્રો માટે નથી!

Featured Books
Categories
Share

પ્રેમ અને સંબંધ- યુઝ એન્ડ થ્રો માટે નથી!

પ્રેમ અને સંબંધ- યુઝ એન્ડ થ્રો માટે નથી!

જેમ ભારતના બજારમાં ચાઈનિઝ અને તકલાદી માલના ઢગલા ખડકાયેલા છે તેમાં સંબંધો પણ ચાઈનિઝ બજાર જેવા જ થઈ ગયા છે. બે-ચાર મહિના ચાલે, મોજમજા કરાવે, આનંદ આપે અને પછી તૂટી જાય. મોબાઈલ લીધો હોય અને થોડા સમયમાં નવો કોઈ મોબાઈલ આવે એટલે જુનો પધરાવી નવો લઈ લઈએ તેમ સંબંધો સાથે પણ થવા લાગ્યું છે.

હમણાં નવરાત્રી દરમિયાન મારા ઘરની આસપાસ રહેતા યુવાનો સાથે મળવાનું થયું. આમ વિકેન્ડમાં મુલાકાત થતી હોય એટલે થોડો ઘણો ઘરોબો અને પરિચય ખરાં પણ તેમના જીવનમાં શું ચાલે છે તે જોવા જાણવાનો અવસર નવરાત્રી કે ઉત્તરાયણ જેવા તહેવારોમાં વધારે મળે. તાજેતરમાં નવરાત્રીમાં એ લોકોની સાથે ઊભો રહેતો ત્યારે યુવાન મિત્રો એકબીજાની ગર્લફ્રેન્ડ વિશે જાતભાતની વાતો કરતા. ઘણા બ્રેકઅપ વિશે તો કેટલાક નવા સવા (એ લોકો સેટિંગ કહે) જોડાણ વિશે વાતો કરે. તેમની વાતો ઉપરથી આછકલો ક્યાસ કાઢી શકાય કે આ લોકો પ્રેમ અને સંબંધને પણ મોબાઈલના એપ જેવા જ માને છે. આજે ગમ્યા તો જીવનમાં ડાઉનલોડ કર્યા, લોગીન કર્યું, યૂઝર બની ગયા અને એન્જોયમેન્ટ શરૂ. જે દિવસે આ એપથી કંટાળો આવ્યો ત્યારે તેમાંથી લોગ આઉટ થઈ જાઓ, પ્રેમની કે સંબંધની એપને જીવનમાંથી ડિલિટ કરી દો અને જીવનને ફરીથી ફોર્મેટ મારીને નવા સોફ્ટવેરની શોધમા લાગી જાઓ. આજની યુવાપેઢી મોટાભાગે આ કરતી જોવા મળી છે. તેમને સતત એકબીજા સાથે જોડાયેલા રહેવું કે બંધાયેલા રહેવું ગમતું નથી. તેઓ સંબંધમાં કમિટેડ માત્ર સોશિયલ મીડિયા સ્ટેટસ પૂરતા હોય તેવું ઘણા તબક્કે જોવા મળે છે. તેઓ સંબંધ બાંધે, થોડા સમય આપે ન આપે અને ક્યાંક જો વાંકુ પડે તો તેને છોડીને આગળ વધી જવાનું.

અત્યારના સમયમાં ચાલી રહેલા પ્રેમ અને સંબંધોનું કંઈક આવું જ છે. સ્કૂલમાં કે કોલેજમાં કે સોસાયટી અથવા એપાર્ટમેન્ટમાં કે ઓફિસમાં કે પછી નવરાત્રીમાં કે ક્યાંય પણ એક છોકરો અને એક છોકરીની મુલાકાત થાય... થોડું માનસિક આકર્ષણ, થોડો પ્રેમ, થોડું શારીરિક આકર્ષણ થોડો શારીરિક સંતોષ અને પછી.... પછી કંઈ નહીં... એકાદ ઝઘડો અને પછી આ પ્રેમને ડિસ્પોઝેબલ આઈટમની જેમ યાદગીરીની ડસ્ટબિનમાં નાખી દેવાનો.

આજની ફિલ્મો, ટેલિવિઝન સિરીયલો અને બીજા ઘણા માધ્યમો દ્વારા પ્રેમ અને સંબંધોની પરિભાષાઓ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે. એક સમય હતો જ્યારે લગ્ન પહેલાના પ્રેમને અને શારીરિક સંબંધોને પાપ ગણવામાં આવતા હતા. તેવી જ રીતે અત્યારના સમયમાં પરસ્ત્રીની સાથે શારીરિક સુખ માણવા લપસી પડનારા પુરુષોને પડતી મુશ્કેલીઓ દર્શાવતી પણ ઘણી ફિલ્મો આવી. રાઝ, જિસ્મ, મર્ડર, વન નાઈટ સ્ટેન્ડ નામ ઘણા છે. તેમાં અલ્ટિમેટલી બતાવાયું છે શું....

અહીંયા વાત એટલી જ છે કે, આપણે આપણી નવી પેઢીને કેવા સંબંધોની શીખ આપીએ છીએ. જેમ ભારતના બજારમાં ચાઈનિઝ અને તકલાદી માલના ઢગલા ખડકાયેલા છે તેમાં સંબંધો પણ ચાઈનિઝ બજાર જેવા જ થઈ ગયા છે. બે-ચાર મહિના ચાલે, મોજમજા કરાવે, આનંદ આપે અને પછી તૂટી જાય. અત્યારની સ્થિતિ એવી છે કે, કોઈ એક વ્યક્તિને કોઈપણ ભોગે આકર્ષવી, પ્રેમ કરવો, ભોગવવી અને પછી આ રૂટિનથી કંટાળીને તે વ્યક્તિથી દૂર થઈ જવું. મોબાઈલ લીધો હોય અને થોડા સમયમાં નવો કોઈ મોબાઈલ આવે એટલે જુનો પધરાવી નવો લઈ લઈએ તેમ સંબંધો સાથે પણ થવા લાગ્યું છે. સંબંધોમાં પણ એક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે ન ફાવ્યું તો તેને છોડીને બીજા સાથે. ક્યાંય લાંબો સમય સુધી ટકી રહેવાનું આપણને ફાવતું નથી કે હવે આપણે તે દિશામાં વિચારતા જ નથી. લગ્ન કરીને સત્તા ભોગવવી છે પણ લગ્નની જવાબદારીઓ પૂરી કરવી નથી. સમાજમાં સ્થાન જોઈએ છે પણ સમાજના રીવાજોના બંધન જોઈતા નથી. પ્રેમ કરવો છે પણ બધી જવાબદારીઓ જોઈતી નથી.

એક સમય હતો જ્યારે છૂટાછેડાની વાતને ખૂબ જ ગંભીર માનવામાં આવતી હતી જ્યારે હવે તે સહજ થઈ ગયું છે. લોકોને પરમેનન્ટ સંબંધો હવે ફાવતા ન હોય તેમ લાગી રહ્યું છે. લોકોને કાયમી કોઈની સાથે રહેવું કે સતત એક જ સંબંધમાં બંધાયેલા રહેવું તેવું ફાવતું ન હોવાનું પણ ઘણી વખત સામે આવતું હોય છે. આવા લોકોની સંખ્યા ઓછી છે પણ તેઓ સમાજની મહત્ત્વની વ્યવસ્થાને ક્યાંકને ક્યાંક ઈજા પહોંચાડી રહ્યા છે. સમાજની સૌથી પવિત્ર પરંપરાને નુકસાન પહોંચાડી રહ્યા છે.

છેલ્લાં એક દાયકામાં સંબંધોમાં જે પરિવર્તન આવ્યું છે તે ખરેખર ચિંતાજનક છે. વ્યક્તિ ખરેખર નક્કી નથી કરી શકતી કે તેને સંબંધોમાં શું જોઈએ છે, કે પછી તેને હવે પરમેનન્ટ સંબંધો ફાવતા નથી. સંબંધો કંઈ ડિસ્પોઝેબલ ગ્લાસ કે ડિશ નથી કે લીધું... વાપર્યું અને ફેંકી દીધું.... આજની પેઢી માટે પ્રેમ માત્ર જીવનની ઘટમાળનો એક ભાગ થઈ ગયો છે. લોકો પહેલાં પ્રેમના આધારે જીવન પસાર કરતા હતા અને હવે જીવન પસાર કરવા પ્રેમનો ઉપયોગ કરાય છે.

તમે સહેજ ધ્યાન આપો તો ખ્યાલ આવશે કે દસમા ધોરણમાં ભણતા છોકરાથી માંડીને આધેડ વય સુધીના લોકોની બોલી, વિચારો અને ચલણમાં ઘણા ફેરફાર આવ્યા છે. પહેલાં બે વ્યક્તિ અલગ થતી તો તેની પીડા અલગ હતી, સ્થિતિ અલગ હતી અને પછી પણ બંને ખુશ હશે કે નહીં તેની ગેરન્ટી નહોતી. અત્યારે તો સંબંધોની કોઈ ગેરન્ટી નથી. બ્રેક અપ થઈ ગયું યાર... ગઈ હવે એ.... ભુલી જા પેલાને.... જસ્ટ મુવ ઓન યાર... અથવા તો એક્સ ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પછી વાઈફ અને હસબન્ટ જેવા શબ્દો પણ સારા એવા ચલણમાં આવી ગયા છે. એક્સનો ઉચ્ચાર તો એટલી સહજતાથી થાય છે કે તેમાં ક્યાંય પ્રેમ, પીડા, પશ્ચાતાપ કે સંતાપ જેવું કંઈ જ દેખાતું કે લેખાતું નથી.

છેલ્લાં દોઢ બે દાયકા જૂની પેઢીને જોઈએ તો ખ્યાલ આવે છે કે તેઓ જીવનને ખૂબ જ કેઝ્યુઅલી લઈ રહ્યા છે. તેમના માતે સંબંધો, પ્રેમ, સેક્સ, મિત્રતા, કે પછી બ્રેકઅપ બધું જ જીવનના એક ભાગ સમાન છે. આ અલગારી સ્વભાવ આમ જોવા જઈએ તો સારો છે પણ સમાજ વ્યવસ્થાને મોટો આઘાત આપે તેમ છે. તેઓ મ્યુચ્યઅલી જોડાઈને એવી જ રીતે છૂટા પડી જાય છે. તેમના માટે ફેટલ એટ્રેક્શન પછીની સ્થિતિ કોઈ પાપ કે અફસોસ જેવી હોતી નથી. તેમને શારીરિક સંબંધ રાખ્યા કે નહીં તેની સાથે ખાસ લેવાદેવા નથી. તેઓ તેને ચારિત્ર્ય સાથે પણ જોડતા નથી. આ માનસિકતાના કારણે જ સવાલ થાય કે ખરેખર આધુનિક પેઢી પ્રેમ અને સંબંધોને ડિસ્પોઝેબલ તો નથી બનાવી રહી ને? જો ખરેખર તેવું હોય તો સમાજ વ્યવસ્થા માટે જોખમી છે. આપણે સંબંધોને કોઈ એપની જેમ યૂઝર તરીકે ઉપયોગમાં ન લઈ શકીએ. આ યુઝ એન્ડ થ્રોની બાબત નથી. આપણે સંબંધોને સોફ્ટવેરની જેમ જાળવવા પડશે. આપણા મૂલ્યોને અપડેટ કરીને સંબંધોનું સોફ્ટવેર વધુ સરળ અને સહજ બનાવી શકીશું. બાકી વારંવાર એપ બદલવાથી કોઈને લાભ થવાનો નથી.

- ravi.writer7@gmail.com