ઈરફાન એ મોબાઇલ લીધો. અશ્વિની પાસેથી આજે જ એનો ફોન નંબર લીધો હતો એ નંબર વોટ્સઅપ પર સર્ચ કર્યો. અશ્વિનીના ફોટોવાળું પ્રોફાઇલ મળ્યું. ઈરફાન એ અશ્વિનીને મેસેજ કર્યો. અશ્વિની કદાચ બીઝી હશે એટલે મેસેજ નથી જોયો એમ કરીને ઈરફાન એ રાહ જોવાનું વિચાર્યું. મનોમન એક ઉત્સુક્તા જન્મી. આતુરતા વધવા લાગી પણ કદાચ અશ્વિની કોઈ કામમાં વ્યસ્ત હશે એટલે મોડી રાત સુધી વેઇટ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો.
સવારે અશ્વિનીનો મેસેજ આવ્યો. ઈરફાન ઓફીસ જવા તૈયાર થઇ રહ્યો હતો.
"ગુડ મોર્નિંગ ઇરફાન, સોરી કાલે ઘરે મહેમાન હતા અને મેં તારો મેસેજ હાલ જ જોયો.."
"ગુડ મોર્નિંગ અશ્વિની, ઇટ્સ ઓકે.. "
"કઈ કામ હતું કે બસ એમ જ મેસેજ કરેલો?"
"હા અશ્વિની કામ તો છે પણ હવે મળીને જ કહીશ. ચેટમાં મજા નઈ આવે.."
"હા ઓકે વાંધો નઈ એ બહાને ફરી મુલાકાત થશે.."
"હા, આજે સાંજે કેટલા વાગ્યા સુધી ક્લિનિક પર હોઇશ?"
"હું તો આજે વહેલા નીકળી જઈશ. મારે મુંબઇ જવાનું છે કામથી એટલે.."
"ઓહ.. ઓકે વાંધો નહીં તો પછી ક્યારેક.."
"હા સારું.. ચાલ ઈરફાન પછી વાત કરું મારે રેડી થવાનું બાકી છે.."
"હા ઓકે અશ્વિની મારુ પણ બાકી જ છે.. બ..બાય"
"બ..બાય ટેક્કેર..."
ઈરફાન રેડી થઇને રોજની જેમ ઓફીસ ગયો. જીવનમાં જેમ એક શાંત તળાવમાં પાણી હોય એમાં કોઈ કાકરીચાળો કરીને ગયું હોય અને એક પછી એક પાણીમાં તરંગો પ્રસરે એ જ રીતે એ છોકરીના આવવાથી મનમાં ઉથલપાથલ મચી ગઈ હતી. શાંતિથી જીવન વિતાવતા ઈરફાનમાં હવે અચાનક ઘણા બદલાવ આવી રહ્યા હતા. ઓફીસમાં પણ કામમાં એટલું મન ન લાગતું. બસ એક જ ધ્યેય એ છોકરી વિષે જાણવું છે. ઓફીસથી સાંજે ઘરે પાછા ફર્યા બાદ ઈરફાન સોફા પર બેઠા બેઠા વિચારોમાં ખોવાયેલો હતો. આયત એની સોસાયટીમાં રહેલી ફ્રેન્ડ સાથે રમવા ગઈ હતી. મમ્મી પપ્પા પણ સગાંવહાલાંને ત્યાં ગયા હતા. મિસ્બાહ પોતાનું કામ પતાવીને લિવિંગ રૂમમાં આવી. ઈરફાનને કઈ પણ કહ્યા વગર સોફાના બીજા ખૂણે ચુપચાપ બેસી ગઈ. ઈરફાન પોતાના વિચારોમાં જ અટવાયેલો હતો.
"ઈરફાન આ બધું શું ચાલે છે કહેશો મને?"
ઈરફાન વિચારોની દુનિયા માંથી અચાનક બહાર આવ્યો. સામે જોયું તો મિસ્બાહ ચહેરા પર એક ક્વેસ્ચન માર્ક સાથે એની સામું જોઈ રહી હતી.
"હાય મિસ્બાહ, તું ક્યારે આવી?"
"બસ જુવો હમણાં જ, તમને તો એ પણ ખબર નથી. એટલા તો શું વિચારો કરો છો તમે?"
"કઈ નઈ બસ એમ જ મિસ્બાહ.."
"એવું તો ન હોય ઈરફાન આપણે આટલા વર્ષોથી સાથે છીયે.. હું તમારા ચહેરાના ભાવ જોઈને જ સમજી જાઉ કે કોઈ વાત તો છે જ.."
"હા મિસ્બાહ, મને ખબર નઈ પણ હજીયે એ છોકરી વિષે જાણવાની ઉત્સુક્તા છે. જ્યાં સુધી ખબર નઈ પડે મને શાંતિ નઈ થાય.."
"ઓહ.. તો તમારી સુઈ હજી ત્યાં જ અટકી છે.. "
"હા..."
"આજે તો તમે મને મિસુની જગ્યા એ મિસ્બાહ બોલવા લાગ્યા... એટલી બધી દુવિધા છે?"
"સોરી મિસુ.. પણ મગજ ચકડોળે ચડ્યું છે.."
"ઓકે ચાલો એક કામ કરીયે આયત એની ફ્રેન્ડને ત્યાં છે. આજે મમ્મી પપ્પા પણ મોડે થી આવશે જમીને. તો આપણે બંને જોગર્સ પાર્ક જઇયે.. એ મળશે તો આજે વાતનો ફેંસલો લાવી જ દઈએ.."
"ના ના આજે નથી જવું મિસુ.."
"તમે ચાલો છો કે હું એકલી જાઉં?"
"ઓકે સારું ચાલ જઇયે.."
ઈરફાન અને મિસ્બાહ જોગર્સ પાર્ક જાય છે. બંને જોગર્સ પાર્કમાં આમ તેમ જુવે છે. પણ એ છોકરી દેખાતી નથી. જોગર્સ પાર્કમાં બે ત્રણ રાઉન્ડ માર્યા પછી છોકરી ન મળતા બંને બાંકડા પર બેસે છે.
"જોયું મિસુ.. આજે આપણે બંને અહીં આવ્યા પણ એ છોકરી દેખાઈ જ નહિ. મારી સાથે આ શું થઇ રહ્યું છે કઈ સમજાતું નથી.."
"ઈરફાન રિલેક્સ.. એ કોઈ દીપિકા પાદુકોણ તો નહીં જ હોય જેના માટે તમે આટલા અધીરા થાઓ છો.."
મિસ્બાહ થોડા ગુસ્સાવાળા એક્સપ્રેશન સાથે આ બોલી. ઈરફાનને આ સાંભળી હસવું આવ્યું. માહોલને રિલેક્સ કરવા ઈરફાન બોલ્યો.
"હા દીપિકા તો નથી પણ કંઇક તો અજીબ છે. નહીંતર હું આટલો આતુર ના બનું.."
"તમારા મગજ નો ભ્રમ છે. મનને મક્કમ કરો અને કામમાં ને બીજી પ્રવુતિમાં ધ્યાન આપો તો કદાચ આવા વાયરસ મગજ પર અસર ન કરે... તમારી ભાષામાં કહું તો આવી ફાઇલ હોયને મગજમાં એને શિફ્ટ + ડીલીટ જ મરાય.. જે ટ્રેશ ફોલ્ડરમાં પણ ન રહે..."
"હે.. હે.. હે... જો એવું મારા હાથમાં હોત તો કરી જ દીધું હોત.. "
"સારું છોડો એ બધું ચાલો મને આઈસ્ક્રીમ ખવડાવો.."
"હા ઓકે.. હું લઈને આવું તું અહીં બેસ.."
ઈરફાન જોગર્સ પાર્કની બહારના ભાગમાં આવેલા અમુલ સ્ટોર પરથી બે રાજભોગ આઈસ્ક્રીમ સ્ફુપ લઈને આવ્યો. ઈરફાન અને મિસ્બાહ બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા.
"ઈરફાન તમને યાદ છે આપણી પહેલી મુલાકાત?"
"હા અફકોર્સ કેમ યાદ ન હોય.."
"તમે મને જોવા આવેલા, તમારી પરીક્ષા હતી અને મારી પણ. ગ્રીન ચેક્સ વાળો શર્ટ એનું કોલર પાછળથી થોડું ફાટેલું હતું. બ્લુ જીન્સ અને હેર સ્ટાઇલ પણ બરાબર ન હતી..."
"હા બિલકુલ યાદ છે. મારી પરીક્ષા હતી એ પણ યુનિવર્સિટીની એટલે હું તૈયારી કરતા કરતા જ ત્યાં આવી ગયો હતો. પછી થયું કે તૈયાર થઇને આવ્યો હોત તો સારું હતું.."
"ના ના હવે તમારી જે સિમ્પલીસીટી હતી એજ મને પસંદ આવી.."
"એવું.... તું પણ મિસ્બાહ એ દિવસે પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોઈશ તેમ છતાં તું તૈયાર થઇ હતી. રેડ એન્ડ યેલ્લો ડ્રેશ. એક જ હાથમાં ત્રણ બેન્ડ, ચહેરા પર માસુમિયત અને એકદમ નાજુક છોકરી..."
"હે.. હે.. તો હવે હું આવી નથી?"
"હજી પણ એવી જ છો અને હંમેશા રહીશ..."
"તો ભલે.. તમેં તો કેટલા ધ્રુજતા હતા. અને મને પણ અંદરથી એક ડર હતો. પણ આપણે તોયે નિખાલશતાથી કેટલીય વાતો કરી જાણે આપણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ.."
"હા એ જ.. જીવનની બેસ્ટ મુમેન્ટસ હતી એ..."
"ઈરફાન એ સમયને યાદ કરીયે તો પણ આજે કેટલી શાંતિ મળે. કેટલી ખુશી મળે. હવે તો આપણી આયત પણ આપણી પાસે છે. અલ્લાહ એ આપણને એક સુંદર ગિફ્ટ આપી છે..."
"હા મિસુ.. અલ્લાહનો જેટલો આભાર વ્યક્ત કરીયે એટલું ઓછું છે.."
"તો ઇરફાન આવી નાની નાની વાતોને લઈને આપણી જિંદગી જે સુંદર રીતે વીતી રહી છે એમાં ખલેલ શાને કરો છો. છોડોને આવી છોકરીઓના વિચારોને. છેલ્લા પંદર એક દિવસથી તમને જોઉં છું. ના સરખું જમો છો, ના આયત પર એટલું ફોક્સ છે , ના મારા પર કે ના કામ પર.. "
"હા મિસુ તારી સાથે સહમત છું.. પણ.."
"પણ..બણ.. કઈ નઈ. તમે આ હાલતમાં છો એ મને જરાય નથી ગમતું. "
"હા મિસુ કોશિસ કરીશ કે દૂર રહું એ વાત થી.."
"હા.. બસ તમે નોર્મલ રહેશો તો આયતને પણ ગમશે , ઘરમાં પણ વાતાવરણ પ્રેમ ભર્યો રહેશે... કાલે જ મમ્મી પૂછતાં હતા કે ઈરફાનને કઈ ટેન્શન છે? એ ક્યારેક ઉદાસ અને ક્યારેક વિચારોમાં જ હોય છે કેટલાક દિવસ થી?"
"ઓહ.. તો તે શું કહ્યું?"
"મેં તો કહ્યું કે મમ્મી કઈ ખાસ નથી બસ કામનું ટેન્શન હશે એટલે.."
"હમ્મ.. કોશિસ કરીશ મિસુ કે આ વાત માંથી હવે બહાર આવું.."
"હા, સારું ચાલો હવે જઇયે ઘરે? આયત પણ રાહ જોતી હશે. મારે જમવાનું પણ બનવાનું છે.."
"હા સારું મિસુ..."
ઈરફાન અને મિસ્બાહ જોગર્સ પાર્કથી ઘરે પાછા ફર્યા. આયતને પણ એની ફ્રેન્ડ ને ત્યાંથી લઈને ઘરે આવ્યા. મિસ્બાહ કિચનમાં રસોઈ બનાવવા લાગી. ઈરફાન અને આયત વિડીયો ગેમ રમવા લાગ્યા. ઇરફાન જાતે કરીને કાર રેસિંગમાં આયત સામે હારી જતો. આયત જીતીને કુદકા મારતી. મિસ્બાહ ઈરફાન અને આયતને કિચન માંથી જ નિહાળી રહી હતી. મિસ્બાહને લાગતું હતું કે ઈરફાન પર એની વાતની થોડી અસર તો થઇ છે. આયતને પણ આજે પિતા સાથે ગેમ રમીને બહુ મજ્જા આવી.
[ક્રમશ:]