તમને દુનિયામાં કૃત્રિમ વસ્તુઓ તો બધે જ મળશે, જેનાથી તમે તમને બાહ્ય રીતે સુંદર બનાવી શકો. તમે દુનિયાની આધુનિકથી આધુનિક વસ્તુઓ ખરીદીને તમારા સૌંદર્યને નિખારી શકશો .સારા અને સુંદર દેખાવની હોડમાં તમે એ બધું જ કરશો જે જરૂરી છે. ખાવું, પીવું, ઊઠવું, બેસવું, જાગવું, સૂવું, શું કરવું, શું ના કરવું એ બધું જ તમે ધ્યાન રાખશો, કારણ કે તમને લોકો સામે સુંદર દેખાવું પસંદ છે. પણ કદી તમે એ વિચાર્યું છે કે તમે આ બાહ્ય સુંદરતા ક્યાં સુધી ટકાવી રાખશો? જો તમે અંદરથી ખુશ નથી, તો આ બાહ્ય સુંદરતા ઝાઝો સમય ટકીને ના રહી શકે. ફિલ્મોમાં, વિવિધ જાહેરખબરોમાં, ટી.વી. સિરિયલોમાં તમે સ્ત્રીપાત્રની જે સુંદરતા જુઓ છો, એની પાછળનું સત્ય જાણો છો? એ દરેક મોડેલ કે હિરોઈનને આ સૌંદર્ય પામવા માટે કેટલો બધો ત્યાગ કરવો પડે છે! એમની ખૂબસૂરતીનું રહસ્ય એ લોકો પોતે નથી, પણ એમની પાછળ લાગેલા લોકોનો એમાં બહુ મોટો ફાળો છે. કલાકોના મેકઅપના થપેડા, કેટલીયે જાતના ક્રીમ અને બ્યુટી પ્રોડક્ટસ, એ મોડેલ કે હિરોઇનનું ધ્યાન રાખનાર ડાયેટિશિયનનું તેમણે શું ખાવું ને શું ના ખાવું વિષેનું આકરું ને કડક વલણ, ને પાછી કેમેરાની કરામત. આ બધુંય ભેગું થાય ત્યારે તમે એ પાત્રને સુંદર જોઈ શકો છો. આવા કૃત્રિમ રૂપ માટે તમે તડપો છો ને?
સાચું ને ખરું રૂપ તો તમારી અંદર જ છુપાયેલું છે॰ રૂપનું જાદુ તમારી અંદર છે, જેને તમારે શોધવાનું છે. જાણો છો એ કેવી રીતે શોધી શકાય? એ છે તમારી અંદરની ખુશી. તમારી અંદર છુપાયેલો આનંદ. આ આનંદ શોધવા તમારે કોઈ બ્યુટી પ્રોડક્ટસની જરૂર નથી પણ તમારે એ આનંદને પામવા માટે તમારી ભીતર જ નજર કરવાની જરૂર છે. યાદ કરો છેલ્લે તમે તમને પોતાને અંદરથી ખુશ થતાં ક્યારે જોયાં હતાં? તમારી જિંદગીનો એ અદ્ભુત પડાવ ક્યારે હતો, જ્યારે તમે એકદમ તમારી અંદર હતા અને ખુશ હતાં. આજે પણ તમે એમ બની શકો છો. એ ખુશી તમારી અંદર જ છુપાઈ છે. એને બહાર કાઢો. કોઈ પણ ઉંમરે તમે એને બહાર કાઢી શકો છો. શરમાઓ નહીં. તમારી ઉંમર અને ખુશીને કોઈ લેવાદેવા નથી. ઉંમરને છુપાવાની જરૂર નથી. તમારી ઓળખને ઓળખો.
ખુલ્લા આકાશની નીચે વિહરો. એકલા નિજાનંદને માણો. તમને ગમતું બધું જ કરો. નવું નવું શીખો. તમારી જાતને બહાર આવવા દો. તમારી ભીતરના કલાકારને એક તક તો આપો, બહાર આવીને વિકસવાની. તમારી જાતને પણ પ્રેમ કરો. એને પણ પંપાળો. એને સમજો. ઊંચ,નીચ,ને નાત-જાતને ભૂલી જાઓ, જ્યાં જેની સાથે મળવાનું ગમે એને મળો,પ્રેમ હંમેશા પવિત્ર છે અને તમે હ્રદયથી ખૂલીને પ્રેમ કરો. તમને પોતાને અને તમને ગમતી દરેક વસ્તુને, દરેક વ્યક્તિને, એકદમ આરપાર જીવો. કશું દબાવી ના રાખો. કોઈ સંકોચ ના રાખો. મનગમતું કરો અને મનગમતું જીવો. જુઓ પછી જિંદગી તમને કેટલી ખુશીઓ આપે છે ! આ ખુશીઓથી તમારું આંતરિક વ્યક્તિત્વ પણ ખીલી ઉઠશે અને તમારા ચહેરા પર પણ નવી તાજગી દેખાશે.
તમારી અંદરના બાળકને પણ બહાર આવવા દો. ઊછળો, કૂદો, દોડો, ભાગો. લટકો, રમો બેરોકટોક. તમારી દરેક હારને પચાવો અને તમારી દરેક જીતને શાનદાર રીતે ઉજવો. બીજાની સાથે ખૂલીને જીવો અને તમારી જાતને પણ ખૂલવા દો.ક્યારેક જીદ કરો અને એ જિદને પણ પૂરી કરો.
તમારા વિચારોને પણ વિહરવા દો. એને પણ અવાજ આપો. તમારી નજરથી દુનિયાને તમારો દ્રષ્ટિકોણ સમજાવો. સાચી વાત માટે અવાજ ઉઠાવો. ખોટી વાતનો સામનો કરો. બીજા માટે પણ લડો. તમે સાચા છો એ પુરવાર કરવાની એક પણ તક ના ચૂકશો.
પોતાની અંદરના સૌંદર્યને જ્યારે ખીલવશો ને તો તમારી બહારનું સૌંદર્ય પણ આપમેળે ખીલશે. એ માટે તમારે કોઈ બ્યુટી પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે. વહેલી સવારે ખુલ્લા આકાશ નીચે ખુલ્લા વાળ લઈને વિહરો. એ વાળને એ ખુલ્લી , તાજી હવાનો સ્પર્શ થવા દો. એને તમારા ગાલને ચૂમવા દો. એ હવાને , એ વાતાવરણને તમે આંખોથી ઝીલો. ઊંડા શ્વાસ લઈને એ હવાને તમારી ભીતર ઊતારો. બંને હાથ ફેલાવી એ મોહક વાતાવરણને તમારા આલિંગનમાં કેદ કરો. ખુલ્લા પગે સવારના ઝાકળથી નહાયેલા ઘાસ ઉપર તમારા નાજુક કદમોથી તાલ મિલાવો. હળવે હળવે હવાના સંગીત સાથે તાલ મિલાવીને નાચો, ખુશીથી. કોઇની શેહ કે શરમ તો ત્યારે નડે ,જ્યારે તમે લોકો વિષે વિચારો. છોડો કે ‘લોકો શું કહેશે?’ બસ, જીવો.
આ ‘લોકો શું કહેશે’માં જ તમે તમારી અંદરના તમને, સમય કરતાં પહેલાં મારી નાંખો છો. જીવવા દો એને ને તમેય એની સાથે ભરપૂર જીવો. મનગમતું કરો. મનગમતું પહેરો, વિહરો, મનગમતું ખાઓ.તમારું શરીર છે અને તમારું મન છે, એને તમારી મરજી મુજબ સાચવો, પણ એને પંપાળવાનું તો ના ભૂલો. થોડીક પાણીપુરી તમને લલચાવતી હોય કે બે સમોસા તમને આકર્ષતા હોય તો એનો મતલબ એ છે કે તમારી અંદર પણ એના પ્રત્યે પ્રેમ જ છે તો, ખાઓ, ખુશીથી ખાઓ. ક્યારેક મોડી રાત્રે ચોકલેટ ખાવાનું મન થાય તો બિન્દાસ ખાઓ. નવા નવા સ્વાદનો પણ પ્રયોગ કરો. એ બધું કરો જે તમે પહેલાં ક્યારેય ના કર્યું હોય.
શું પહેરવું? કેવું પહેરવું? એમાં લોકોને શું પૂછવાનું? તમને ગમે એમ તમારી જાતને શણગારો. ક્યારેક આધુનિક તો ક્યારેક પારંપરિક વસ્ત્રો અને ઘરેણાં પહેરો. તમને પોતાને શણગારો અને અરીસામાં જોઈને તમારી જાત સાથે સંવાદ કરો. ફોટા પાડો. નવા નવા પોઝ આપીને એ બધી ક્ષણોને માણો. તમારા આંતરિક સૌંદર્યથી બધારે સુંદર બીજું કઈ જ નથી, પણ એને તમારી મનગમતી વસ્તુઓથી શણગારો. તમને બહુ જ મજા આવશે.
લોકોને મળો, નવા નવા લોકોને મળો. નાના બાળકો સાથે સમય વિતાવો. તમારાથી મોટી ઉંમરના વડીલો પાસેથી પણ એમના અનુભવો જાણો. એકદમ ખુલ્લા મને નિ:સંકોચ જીવો. હસો, રડો, બૂમો પાડો, ખૂલીને જીવો. ક્યારેક અમસ્તા એકલા એકલા હસો કે રડો તોય મન હળવું થઈ જશે. તમારી જાતને ક્યારેય ગુનેગાર ના માનો. એને હંમેશા પ્રેમ કરો. એથી તમે સ્વાર્થી નથી થતાં પણ જો તમે અંદરથી ખુશ હશો, તો જ બીજે ખુશી શોધી શકશો અને બીજાઓને પણ તમે ખુશ રાખી શકશો.
ક્યારેક એકલા પ્રવાસે નીકળો. તમારી જાત સાથે જ નવા વિશ્વની પણ ખોજ કરો. એકલા નિજાનંદમાં વ્યસ્ત રહી પોતાની જાતને જ સાથે રાખી આગળ વધતાં રહો. પોતાની સાથે પણ સંવાદ કરો. તમે કશું ખોટું નથી કરતાં એ વાત હંમેશા યાદ રાખજો. મુક્ત ગગનમાં વિહરતાં પક્ષીઓને જોયાં છે ને! બસ એવું ઊડો, પડવાની બીક રાખશો તો ક્યારેય ઊડી નહીં શકો. મનમાં કોઈ અપરાધભાવ ના રાખો. બસ તમે જે કરો એ દિલથી કરો અને દિલથી જીવો.
હંમેશા એક પુસ્તક તો જોડે રાખો જ. સારા પુસ્તક જેવો બીજો કોઈ મિત્ર નથી આ દુનિયામાં. એ તમને બધું જ કહેશે. ક્યારેક એને અનુસરો તો ક્યારેક તમારા દિલમાં આવતી વાતને લખો . તમારા અંદરના અવાજને પણ બહાર નીકળવાનો મોકો આપો. લખવાથી તમારી અંદરની વાતો એકદમ સકારાત્મક રીતે બહાર આવશે અને એને તમે હકીકતમાં ફેરવતાં શીખશો.
બસ જે કંઈ પણ કરો, દિલથી કરો.પછી જુઓ, આ જિંદગી તમને કેટલી ખૂબસૂરતી આપે છે ! તો બસ જીવો જિંદગી તમારી મરજીથી અને કહો કે “એ જિંદગી તને હું બહુ પ્રેમ કરું છું!”
-જિગીષા રાજ