મને એ શહેરમાં આવ્યાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. મેં ડી.આઈ.એમ. કોલેજ માં એડમિશન લીધું હતું ને એકાદ મહિના માં તો મારે મિત્રો નો ઢગલો થઈ ગયો હતો ! સંજય, નિસર્ગ, રણજિત અને બાપજી મારા ખાસ મિત્રો બની ગયા હતા. બાપજીનું મૂળ નામ તો હરેશ પણ કોલેજના દાદાઓનો ખાસ મિત્ર એટલે બધા એને બાપજી કહે. મારા બધાજ મિત્રો ઊંચું નામ ધરાવતા હતા. સંજય મેયરનો એકનો એક દીકરો હતો તો રણજીતના પિતાજી અમારીજ કોલેજ ના ટ્રસ્ટી હતા ને એટલે જ તો કોલરજમાં દાદાગીરી કરવા છતાં અને ડ્રગનો આદિ હોવા છતાં એને કોલેજ સંઘરતી હતી, બાકી એની જગ્યાએ કોઈ બીજું હોય તો ક્યારનોય રસ્ટીગેટ કરી નાખ્યો હોત.
નિસર્ગ જરાક સીધો હતો તેનામાં ડ્રગ્સ કે દારૂ જેવી કોઈ ખરાબી ન હતી પણ બસ એની એક જ કમજોરી હતી છોકરી… એ દરેક સુંદર છોકરી સાથે લફડાની કોશિશ કરતો અને મોટા ભાગે એને ના પાડનાર છોકરીઓને હેરાન કરતો. એના એ કામ માં કોઈ વિઘ્ન ન આવે એ માટે એ સંજય અને રણજિતની મિત્રતા રાખતો !
રણજિત ! આમ તો એના વિશે કહેવા જેવું ઘણું છે, કોઈ પણ ખરાબ કામમાં એનો હાથ હતો એમ કોઈ કહે તો હું ઇનકાર ન કરી શકું. ટૂંકમાં એનો પાત્ર પરિચય આપું તો… ગયા વર્ષે પણ રણજિત આજ કોલેજમાં પહેલા વર્ષમાં હતો, એ નાપાસ થયો હતો .સંજય, નિસર્ગ, બાપજી અને રણજિત ચારેય ગયા વર્ષે નાપાસ થયા હતા. એ બધા જ જાતે નાપાસ થયા હતા કેમકે એ ન ચાહે તો પ્રોફેસર એમને ફેઇલ કરી જ ના શકે. જાતે નાપાસ થવા પાછળ પણ એક કારણ હતું એ લોકો ને પહેલા વર્ષમાં નવું એડમિશન લેનાર નવી છોકરીઓમાં જ રસ હતો. જૂની છોકરીઓ ને આખું વર્ષ હેરાન કરીને તેઓ કંટાળી ગયા હતા એમને હવે એ છોકરીઓ ને હેરાન કરવાની મજા ન આવતી એટલે ફેલ થઈ એજ વર્ષ માં રહ્યા એટલે નવી છોકરીઓ ને હેરાન કરતા ફાવે. આતો બધાનો સામાન્ય પરિચય થયો એમાં એકલા રણજીતનું શું? એ બોસ છે બધાનો એનું જરાક માન તો જાળવવું જ જોઈએ. ગયા વર્ષે થયેલ દીપ્તિ ગેંગ રૅપ નો મુખ્ય અપરાધી એ જ હતો. સંજય, નિસર્ગ અને બાપજી એ બધા સાથે ખરા પણ એમનામાં ક્યાં દીપ્તિ જેવી બહાદુર છોકરીને કિડનેપ કરવાની હિંમત હતી ? એતો રણજીતે એ છોકરીને ટીચર્સ ડે ના દિવસે પોતાની સિયાઝ કારમાં નાખીને કિડનેપ કરી હતી. પછી… પછી થાય શુ? દરેક મોટા વ્યક્તિએ કરેલ ગુનાની ફાઇલનું જે થાય એ થયું. રંજીતના પિતા જસરાજસિંહ ચાવડા એમ.અલ.એ. છે. એમને દીપ્તિ રેપ એન્ડ મર્ડરની હેડલાઈનને સુસાઈટ ઓફ એ કેરેક્ટરલેસ ગર્લ ની હેડલાઈનમાં ફેરવી નાખી.
દીપ્તિના પરિવારને ડરાવી ધમકાવી શહેર છોડવા મજબૂર કરી દીધા, દીપ્તિ ને એક નાની બહેન પણ હતી અને એના ગરીબ માબાપ એમની બીજી દીકરી સાથેય દીપ્તિ જેવુંજ થાય એવું ન હતા ઇચ્છતા એટલે કેસ પાછો લઈ, એમની દિકરી દીપ્તિ એમના કહ્યામાં ન હતી એવી કોર્ટમાં કબૂલાત કરી શહેર છોડી ગામડે જતા રહ્યા.
બધાનો પરિચય પૂરો થયો, મારા વિશે રહી ગયું પણ મારા વિશે કઈ ખાસ કેહવા જેવું નથી અને હું કેવો છું એ વાર્તાના અંતે તમે જાણી જ જશો એટલે આપણે આગળ વધીએ.
ત્યારે અમે રણજિતની સિયાઝ કારમાં હતા, રાતના અગિયારેક વાગ્યા હતા. રણજિત કાર ચલાવી રહ્યો હતો અને હું તેની બાજુમાં બેઠો હતો, નિસર્ગ, સંજય અને બાપજી બેક સીટ પર દારૂ પી રહ્યા હતા. બીજા દિવસે રણજિત ના લગન હતા. ભૂપતસિંહ જાગીરદારની પુત્રી સાથે એના લગન થવાના હતા ને સાંભળ્યું હતું કે કરિયાવર માં જાગીરદાર સાહેબ સવાકિલો સોનુ ને મરસડીઝ કાર આપવાના હતા. ભલે જે આપે તે એમાં મિત્રોને શુ? અમે બધા બેચલર પાર્ટી કરવા જુના મહેલ જઇ રહ્યા હતા. જૂનો મહેલ એ શહેર થી દુર આવેલ એક ખંડેર મહેલ છે. એની માલિકી રણજીતના પિતાની છે. એમના બાપદાદાનો મહેલ છે પણ અત્યારેતો એ ખંડેર છે કાઈ કામનો નથી, બસ ગયા વર્ષ એકવાર અને આ વર્ષે પણ એકવાર તેનો ઉપયોગ થવાનો હતો. એ પણ બેચલર પાર્ટી માટે!
સાડા અગિયાર વાગ્યા હતા, સિયાઝ કાર મહેલ પહોંચી ગઈ હતી ને અમે કાર માંથી ઉતરી મહેલમાં પહોંચી ગયા હતા, અરે અમારી બેચલર પાર્ટી પણ ચાલુ થઈ ગઈ હતી.
લાગભજ રાતનો એક વાગ્યો હતો અને દારૂ ની પાર્ટી અને ડાન્સ થી અમે થાકી ગયા હતા. મેં મારા જીવનમાં પહેલીવાર જ પીધું હતું ! પીવું જરૂરી હતું કેમકે પીધા વગર હું મારો એ ભૂતકાળ ભૂલીને આ બધા સાથે પાર્ટી કરી શકું એમ નહોતો ! અમારી પાર્ટી જામી રહી હતી. બિયર અને દારૂ સાથે સિગરેટ ! બધા પોતાની કેપેસિટી કરતા વધારે પી ગયા હતા !
“સિગરેટ ખલાસ થઈ ગઈ સાલું, મને એના વગર નહીં ચાલે!” રણજિત મારી બાજુ જોઈ દારૂના કેફમાં બબડયો.
“ગોલ્ડફ્લેક ચાલશે બોસ?” મેં પ્રશ્ન કરી જવાબ આપ્યો.
“વિલ્સ ગઈ એની… ગોલ્ડફલેક પણ ચાલશે, લાવ.” એ ફરી બબડાટ કરી બરાડ્યો.
લાગે એને ચડી ગયો હતો, આમ તો એને રોજ પીવાની આદત એટલે ચડે નહીં પણ કદાચ આજે બેચલરશીપનો છેલો દિવસ હતો એટલે.
“બહાર કારમાં જ રહી ગઈ.” હું ગજવા ફંફોસતા બોલ્યો. હું ગજવા ચેક કરી રહ્યો હતો ત્યાંજ રણજિતે હુકમ કર્યો, “જા સંજય કારમાંથી સિગરેટ લાઇ આવ..”
“જી દરબાર.” કહી સંજય સિગરેટ લેવા બહાર કાર પાસે ગયો.. મિત્રો રણજિતને માનથી દરબાર કેહતા ને એ એને ગમતું.
રાત ધીમે ધીમે ગળતી હતી. અંધારું ધીરે ધીરે ગાઢ થતું હતું. એ ખંડેર મહેલમાં રાતના બાર વાગ્યે કોઈ માણસ જઇ ન શકે એવું ભયાનક વાતાવરણ હતું. ચારે તરફ ખંડેર દીવાલો, સૂકા પાંદડા અને ઘેઘુર વૃક્ષો વચ્ચે ઉભો રહી શકે એવો માણસ માત્ર ફિલ્મોમાં જ હોય !
રણજિતે ફરી એક પેગ બનાવી પીધો.
“પંદર મિનિટ થઈ ગઈ તોય ન આવ્યો સાલો કાર માજ સુઈ ગયો હશે.” થોડીક વાર સુધી સંજય પાછો ફર્યો નહિ એટલે રણજિત ફરી બબડયો.
“હું જોઈ આવું બોસ.” મેં કહ્યું.
“ના તું બેસ. મને તારી જોડે વાતો કર્યા વિના નહીં ફાવે.” એમ કહી રણજીતે હરેશ તરફ જોયું અને કહ્યું, ” બાપજી તમે….”
રણજિત પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં બાપજીએ ઉભા થતાં કહ્યું, “લઇ આવું દરબાર મનેય સિગરેટ વગર ચાલે એમ નથી.”
“કેમ? તમે ક્યાં સિગરેટ પીવો છો?” રણજિતે નવાઈથી કહ્યું. રણજિત દુનિયા માં કદાચ બેજ વ્યક્તિને માન આપતો એકતો એના બાપને અને બીજું બાપજીને.
બાપજી વ્યસન થી દુર રહેતો, એને જિમ નો શોખ હતો, છોકરીઓ તેની બોડી થી એટ્રેક્ટ થાય એ માટે એ વ્યસનથી દુર રહેતો.
“જવાબ ના આપ્યો બાપજી …..!” રણજિતે લથડાતી જીભે કહ્યું.
“મૂડ બગડી ગયો સાલી પેલી દીપ્તિ યાદ આવી ગઈ. એને અહીજ લાવ્યા હતા ને, એ યાદ આવીને બધા અરમાન જાગી ગયા ફરીથી. કોઈ બીજીને ઉઠાવીને લાવવી પડશે અહીં.” બાપજી બબડયો.
“બીજી ને લાવવાની શી જરૂર છે? દીપ્તિ હજી અહીજ છે, પેલા દનગન્સ નિચે દફનાવી હતી ખાડો કરીને. પાવડો લાવી આપું ઈચ્છા હોય તો ખોદીને કાઢ બાર ને કરીલે ઈચ્છા પૂરી…” રણજિતે ફરી એની વિકૃતી બતાવી ! એના બોલવા પરથી લાગતું હતું કે હવે એને કઈ ખાસ ભાન ન હતું નહિતર એ બાપજીને તું કહી ન સંબોધે.
“રેવાદોને દરબાર… તમે પાવડો શુ લાવો, હું તમારી સિગારેટ લેતો આવું.” કહી બાપજી બહારની બાજુ ગયો.
લગભગ વીસેક મિનિટ હું અને રણજિત વાતોમાં વ્યસ્ત રહ્યા. રણજિત પોતાની થનારી પત્નીના ફિગર વિશે બબડાટ કરતો, મને ફોટા બતાવતો હતો…..
નિસર્ગ જોકા ખાઈ રહ્યો હતો રણજિતે એની તરફ જોયું. તેને હળવેથી લાત મારતા કહ્યું. “નિસલા પેલા નલાયકોએ ત્યાંજ જમાવી લાગેછે. તું જ એમને બોલાવતો આવને સિગરેટ લેતો આવ.”
નિસર્ગ ગયો તો ખરો પણ એ પેલા બે જોડે ત્યાંજ રહી ગયો, દસેક મિનિટ થઈ ગઈ છતાં એ ન આવ્યો એટલે રણજીતે મારી તરફ જોઈ કહ્યું, “ચલ દિપક આપણે જ જવું પડશે સિગરેટ લેવા ને એ સલાઓને ગાળો આપવા.”
અમે ઉભા થયા અને કાર પાસે ગયા પણ ત્યાં કોઈ ન હતું. મેં રણજીત તરફ જોઈ કહ્યું, “અહીં તો કોઈ નથી, ક્યાં ગયા બધા ?”
ચારે તરફ નજર કરી પણ કોઈ દેખાયું નહિ ! અંધારી રાત, ઘટાદાર વૃક્ષો, સૂકા પાંદડાને ઉડાવતા ભયાનક અવાજ કરતાં પવનના સુસવાટા, ખંડેર મહેલ ઉપર અંધારું તોળાતું ! ભયાનક વાતાવરણ હતું પણ મને ડર નહોતો લાગતો ! મને એ વાતાવરણમાં એક ઉદાસી , એક કરુણ આહ સંભળાતી હતી ! હું વિચારોમાં ખોવાઈ ગયો !
“ગયા હશે પેલા દનગન્સ પાસે પેલી દીપ્તિ ને ખોદી કાઢવા.” રણજિતે મહેલ પાસે રહેલ એક ટાવર તરફ આંગળી કરતા રમૂજ પૂર્વક કહ્યું.
મેં ધ્રુજતા હાથે કારનો દરવાજો ખોલ્યો અને સિગરેટનું પાકીટ લઈ એ બંધ કર્યો. મારા હાથ ધ્રુજતા હતા એટલે સિગારેટનું પાકીટ મારા હાથ માંથી નિચે પડી ગયું. હું નિચો નમી એ લેવા જતો હતો ત્યાંજ રણજિતે કહ્યું, “તું રહેવા દે હું લઈ લઇશ. ડરે છે શું કામ ?”
મેં કાઈ જવાબ આપ્યો નહિ ! કેમ કે એ ધ્રુજારી ડર ની નહોતી પણ એક દુઃખની હતી !
“સાલા બધા નકામાં છે.” એમ બબડી રણજિત સિગરેટ લેવા નીચો નમ્યો. તેનો હાથ સિગરેટ ના પાકીટ ને અડ્યો ત્યાંજ કાર નીચેથી એક હાથ નીકળ્યો, લોહીથી ખરડાયેલ એ હાથ કોઈ મહિલાનો હોય એમ લાગતું હતું એ હાથ રણજિત ના હાથને વીંટળાઈ ગયો અને બીજી પળે રણજીત કાર નીચે ખેંચાઈ ગયો. મને રણજિત ની ચીસ પણ ન સંભળાઈ, બસ હાડકાં તૂટવાનો, ચામડી ચિરાયાનો અવાજ સંભળાયો. મેં જરાક નીચે નમી કાર નીચે જોયું ત્યાંની જમીન લોહીથી ખરડાયેલી હતી અને ચેહરા પર લોહી ખરડાયેલું હોય એવો એક ચહેરો મને દેખાયો.
મને જોઈ એ ચહેરા ઉપરના ગુસ્સાના નફરતના ભાવ ઉદાસીમાં ફેરવાઈ ગયા ! મેં એ ચહેરા તરફ જોઈ કહ્યું, દીપ્તિ હવે તું ખુશ છે?
એ ચહેરા એ મારી તરફ સ્મિત કર્યુ. લોહીથી લથબથ એ ચહેરા ઉપર મને આંસુ સરી જતા દેખાયા ! બે હાથ લાંબા કરી એ આત્મા રડતી હતી !
દીપ્તિ મને ભેંટીને રડી લેવા માંગતી હતી પણ એની પાસે શરીર ન હતું ! મારી આંખમાંથી પણ આંસુ સરી પડ્યા !
હું દીપ્તિને વર્ષોથી ચાહતો હતો. દીપ્તિના લગ્ન મારી સાથે થવાના હતા પણ લગ્નના દસ જ દિવસ પહેલા એ બધાએ મળીને દીપ્તિનો બળાત્કાર કરી એને મારી નાખી હતી. ઘરવાળાએ કેસ કર્યો પણ પોલીસ પૈસાની પૂજારી હતી એટલે કઈ ચાલ્યું નહિ… અને દીપ્તિની બેન માધવીને પણ કિડનેપ કરવાની ધમકી મળી એટલે દીપ્તિના ઘરવાળાને મજબુર થઈને શહેર છોડીને જવું પડ્યું !દીપ્તિ મને ચાહતી હતી. દીપ્તિ એના ઘર પરિવાર અને મારા માટે કેટકેટલું કરતી હતી ? હું એના એ કરૂણ મૃત્યુ પછી સાવ ભાંગી જ પડ્યો હતો. મને ખબર પડી હતી કે દીપ્તિને અહીં દફનાવી હતી એટલે હું આ મહેલમાં આવીને તપાસ કરતો હતો ત્યાં એકવાર મને દીપ્તિનો આત્મા મળ્યો અને પછી મેં એ જ કોલેજમાં એડમિશન લીધું !
***