Madhavray in Gujarati Short Stories by Mahesh Gohil books and stories PDF | માધવરાય

Featured Books
Categories
Share

માધવરાય


માધવરાય
કાળરાત્રીએ મુંબઈ શહેર પર કબજો જમાવી દીધો . માણસોએ વીજળીના ગોળા પેટાવી એની સામે મોરચો માંડ્યો છે . આકાશના તારા કોઈ સન્યાસીની જેમ કોઈ ખૂણામાં બેસી છાના તેજ પ્રસરાવી રાતની રંગીનતામાં પોતાનો ભાગ આપી મનમાં પોસરાઈ રહ્યા છે . રસ્તાઓ હજી નવરા નથી થયાં . હા થોડો ભાર જરૂર હળવો થયો છે . આખા દિવસના વાહનોની ભાગદોડથી એ થોડો થાકયા છે પણ માણસ હજી વધારેની લાલચમાં દોડતો જાય છે . જાણે મુંબઈ ક્યારેય થાકતી નથી .
રાત પુરી થઈ ના થઇ ત્યાં સૂરજે બારણે ટકોરા પાડયા . એ પણ ઝાંખો પડી ગયો છે . એની આંખોમાં પણ મોતિયો આવ્યો છે . કદાચ મુંબઈની હવા એને સદતી નથી લાગતી. પંખીઓ ક્યાંક ખોવાયા છે . પનિહારી નામની આખી જાત વિલુપ્ત બની છે . એક કુદરતની સવારના બદલે એક શહેરની સવાર મુંબઈ પર ઉતરી આવી .
ચાલ ફરી ચાલવા લાગી . કરશનદાસ ચાલમાં રોજનો શોરબકોર ચાલુ થાય ગયો . ચાલ આમ તો સામાન્ય માણસોના ઘરનો સમૂહ ગણાય . જેમાં રોજ રોટલી પાછળ ભાગતો લોકોનો સમૂહ જીવનની ગાડી ચલાવતો ચાલતો રહે છે . એમાં ઘણા દાયકાથી કોઈ પરિવર્તન નથી આવ્યું . કદાચ સમય ત્યાંથી આગળ જવા માંગતો જ નથી .
ઘણા ખૂણા ખાચરા પછી એ ચાલ આવે છે . અજાણ્યો માણસ તો ગોથા ખાતો ફર્યા કરે પણ ચાલનું છોકરું ભૂલું પડયાનો દાખલો બન્યાનું સાંભળ્યું નથી . ચાલ પાસે ઉતરો તો મોટો ખખડધજ દરવાજો આવે . એમાં ખીલાને બદલે કાણા વધુ બાકી રહ્યા હતા. આ ડેલો ચોવીસે કલાક ખુલ્લો રહેતો . કારણ એને બંદ કરવાની સુવિધા જ નોહતી . ડેલાની સામે જ નાના ખોખાના ઘર બાંધ્યા હોય તેમ નાના ઘર હારબંધ ઉભા હતા . માનો પ્રાથનામાં હરોળબંધ બેઠેલા વિદ્યર્થીઓ જ જોઈ લો . પણ મનની આંખોથી જુવો તો એક એક ઘર એક એક મહાગ્રંથ સમેટીને બેઠેલું દેખાય . પણ એવુ જોવા કોની પાસે સમય છે .
સવાર પડતા જ ડેલાની પાસેના નળ પર રેશનની દુકાનની જેમ લાઇન લાગે છે . પાણી માટે ઘણીવાર ઝગડા , માથાકૂટ ને ક્યારેક બેડાયુદ્ધ થતા . એમાં જ રહેતા આપણા માધવરાય . ચાલો મળીયે માધવરાયને….
કામથી થાકેલા ખાટલામાં ઊંઘતા હોય એ સમયે માધવરાય નિત્યક્રમમાં લાગી જતા . ધોતિયું ઝભ્ભો પહેરી એ કોઈ બીજા યુગના માનવી દીસતા. પુરેપુરા ભારતીય . પાક્કા ભારતીય . તમે સુતા હોવ ને કાનમાં શ્લોકો ના શબ્દો અથડાય તો સમજવું કે માધવરાયનો દિવસ ઊગી ગયો . સવારે પાંચ વાગે પૂજાવિધિ પુરી કરી , બહુ થોડી વધેલી પરસાળમાં કોઈને અડચણ ના થાય તેમ ખુરસી ઢાળી , માથે ત્રિપુંડ તાણી , આંખો પર વર્ષો જુના રીપેર કરેલા ચશ્મા પહેરી એક હાથમાં પેન બીજા હાથમાં છાપું લઈ સાતના ટકોરે બેસી જવું એ એમનો નિયમ .
છાપાનો ખૂણેખૂણો વાંચી ના લે ત્યાં સુધી એમને જપ ના થતો . તમામ સમાચાર એવી તલ્લીનતાથી વાંચતા કે ક્યારેક બાજુમાં બેસી ગયેલા શ્વાન , બિલાડી તરફ પણ તેમનું ધ્યાન ના જતું . દસ વાગે ત્યાં સુધીમાં છાપું વંચાઈ જતું . બરાબર દસ પંદરના ટકોરે એ ખભે બગલથેલો લઇ નીકળી પડતા . બગલથેલો દેવા આવતા એમના ધર્મપત્ની ભગવતી ઘણીવાર એમના સાથી કરતા કહ્યા વિના સઘળું સમજતા સ્નેહી વધારે લાગતા. કહ્યા વિના સાડા સાતે ચાનો કપ, દસ વગે બગલથેલામાં પેન, પેન્સિલ , થોડા રંગો, નાસ્તાનો જીણકો ડબરો મૂકી એમના પતિને આપી દેવો . કદાચ બંનેને એકબીજાની ટેવ પડી ગઈ હશે .
માધવરાય ચાલથી પંદરેક મિનિટના અંતરે આવેલી સરકારી શાળામાં મહેતાજી હતા. સવા દસે એ ઘરેથી નીકળી જતા . ધીમે પગલે એ શાળા સુધી ચાલતા ચાલતા જ પોહચી જતા. ચાલતી વખતે કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા હોય તેમ પોતાની ધૂનમાં ચાલ્યા જતા. એ શાળાના દરવાજામાં પગ મૂકે ને ઘંટ વાગે . કયારેક તો થતું કે માધવરાય પગ મૂકે ત્યારે ઘંટ વાગે છે . કોને ખબર કેટલા વર્ષો વહી ગયા . આ રસ્તો ને આ દરવાજા ને જોતા .
એ જ ધીમા પગલે માધવરાય શાળાની ઓફીસ બાજુ ચાલ્યા . આજુવાજુ શાળાની ચારેબાજુ કમ્પાઉન્ડ દિવાલથી ઘેરાયેલી ઘણીવાર બંધિયાર લાગતી . મોટું મેદાન , વચ્ચે ઉભેલા થોડા ઘણા લીમડા, આસોપાલવ , ગુલમહોરના વૃક્ષો આંખ પર થોડી ઠંડક આપે છે . ખાસ કરું દરવાજા પાસે જ ઉભેલા આસોપાલવથી ખૂબ સારી શોભા થતી. દરવાજાથી ઓફીસ સુધી બનાવેલી બ્લોકની પગદંડી કોઈ મંજિલ તરફ લઈ જતી માલુમ થતી . તો દીવાલથી પાંચેક ફૂટની ક્યારી બનાવી તેમાં ગુલાબ , કરેણ , ગલગોટા , ચંપો , સૂરજમુખી જેવા ફૂલ તો સાથે તુલસી , અરડૂસી , કુંવારપાઠું જેવી ઔષધી શાળાને આભાસી વનનો દેખાવ આપતા . થોડીવાર ઉભા રહી આ બધું જોવાનું મન થાય એવી શાળામા માધવરાય ઓફીસ બાજુ ચાલ્યા .
શાળામા ઘણાખરા બાળકો આવી ગયા છે . મોટા ધોરનાં કેટલાક છોકરા છોકરીયું સફાઈ કરતા હતા . કોઈ ઓફિસમાં પાણીની વ્યવસ્થા તો કોઈ પ્રાથનાની તૈયારીમાં હતા. થોડા પુરા તૈયાર તો થોડા મેલઘેલા છોકરા મેદાનમાં આવી ગ્યાતા . કોઈ ટોળે વળી ગપાટા મારતા હતા તો કોઈ એકલા એકલા ફાંફાં મારતા હતા . ખબર નહીં શેની શોધમાં હતા . બરાબર અગિયારના ટકોરે પ્રાથના શરૂ થઈ . અને શાળાના શ્વાસ શરૂ થય ગયા .
આજુબાજુની પાંચેક મોટી ચાલો વચ્ચે આ એક જ શાળા હતી . સરકારી ……સરકારે પોતાનું કામ પૂરું કર્યું હતું . લગભગ દસેક વર્ષથી માધવરાય અહીં જ હતા . ચાલો ના વિવિધ ભાષી , રિવાજો , સન્નસ્કૃતિ વાળા વિવિધ પ્રકરના બાળકો અહીં આવતા ને ……..
વંદે માતરમ પૂરું થયુ . બાળકો લાઈનબદ્ધ પોતપોતાના વર્ગો માં ગોઠવાયા . ઓફિસમાં આવજો ગુંજવા લાગ્યા .
” કેમ વિષ્ણુભાઈ , રજા પરથી આવી ગયા કે ” કેહતા રવજીભાઇએ હસતા હસતા ફાઇલ હાથમાં મૂકી ખુરશી પર જમાવ્યું .
” હા .સાહેબ . આવવું તો પડશે જ ને . એમાં કઈ ચાલશે . ગામડે મરણ થઈ ગયું છે . બારમા સુધી રેવું પડે પણ શું કરીએ . આવવું તો પડે જ ને ? એટલે તમારા બેનને ત્યાં મૂકી આવી ગયો . વિચારું છું કે શનિવારે રાતે વળી જઈ આવીશ . ” કૈક દુઃખના ભારથી દબાયેલા વિષ્ણુભાઈએ વાત કરી .
” કોનું મરણ થયું છે વિષ્ણુભાઈ ?” કેહતા માધવરાયે સહાનુભૂતિભર્યા સ્વરમાં પૂછ્યું .
” ગામમાં મારા મોટા ભાઈ છે . એમનો દીકરો ખેતરમાં દવા છાંટતા છાટતાં દવાની અસર થઈ ને ……..” આંખોમાં આવેલા આંસુ રોકી વિષ્ણુભાઈ આગળ બોલી ના શક્યા .
” અરે! …..” કેહતા માધવરાય પણ વિષ્ણુભાઈના દુઃખમાં થોડા વિચલિત થઈ ગયા .
માવજીભાઈ આચાર્ય, ખોડાભાઇ, મનુભાઈ પોતાના કામમાં હતા પણ આ વાત સાંભળી એ કામ એક બાજુ રાખી બધા વિષ્ણુભાઈ ફરતે ગોઠવાય ગયા. ઘડીભર તો કોઈ કાઈ બોલ્યું નહીં . આખરે માવજીભાઈ મૌન તોડ્યું .
” વિષ્ણુભાઈ સું કરીએ. આ નોકરી છે જ આવી . ઘણીવાર બધું છોડવું પડે છે . હું અધિકારી હોત તો તમને તરત રજા આપત પણ શું કરું ચૂંટણી આવે છે . પરમ દિવસે મિટિંગ છે ને કોઈને પણ રજા……” માવજીભાઈ પણ એટલું વાક્ય અધુરું છોડી પોતાની ખુરશીમાંથી ઉભા થઇ બધામાં ભળી ગયા .
“ચાલો . હવે . વર્ગમાં જઈએ . “માધવરાય બોલ્યા .
બે ઘડી પેલા ભરેલો આખો ઓફીસરુમમા હવે માત્ર માવજીભાઈ વધ્યા . એ પણ આજના પરિપત્ર અને ચૂંટણી ના કાગળિયાં કરવામાં લાગી ગયા.
માધવરાય પણ વર્ગમાં જઇ બાળકો સાથે પોતાના કામમાં લાગ્યા . હજી શિક્ષકો એ શીખવવાનું શરૂ જ કર્યું ત્યાં આઠમા ધોરણનો રવજી બધે ફરવા લાગ્યો . “બધા સાહેબને માવજી સાબ ઓફિસમાં બોલાવે છે ” ….ને બધા વળી સ્ટાફરૂમમાં આવી પોગ્યા .
” વળી પાછું શુ આવ્યું સાહેબ ?” જત્તા જ ખોદભાઈ હાસ્ય વેરતા આચાર્યને પૂછી જ લીધું .
” શુ કરશું ખોડાભાઈ , નોકરી લોધી છે તો બધું કરવું તો પડશે જ . ” માવજી ભાઇ પણ હસી પડ્યા . “બેસો ”
બધા ગોઠવાયા.
” જુવો . પરમદિવસે ચૂંટણીની મિટિંગ છે .એ તો તમને ખ્યાલ જ છે . હવે એના જ અનુસંધાને આ નવો પરિપત્ર થયો છે . એ વાંચી જાવ . ” કહી માવજીભાઈએ એક કાગળ શિક્ષકો આગળ ધર્યો. ત્યાં તો ખોડાભાઈ બબડી પડ્યા .
” શુ માવજીભાઈ . કેટલા પરિપત્ર વાંચસુ . ?! માત્ર એટલું કહી દો કે કરવાનું શુ છે ? ”
” હા . સાહેબ . એ પણ સાચું . ” કહી માવજીભાઈએ કાગળ ટેબલના ખાનામાં મૂકી દીધો . બધાના મોં પર હાશકારો થ્યો. પણ ત્યાં તો માવજીભાઈએ ટેબલના મોટા ખાનામાંથી વળી એનાથી મોટો કાગળ કાઢ્યો . ને બધાની આંખો ચાર થઈ ગઈ.
” આ શું .માવજીભાઈ . તમે તો એક પછી એક કાગક કાઢતા જ રહો છો . ” હસતા હસતાં મનુભાઈ ખખડી જ પડ્યા. થોડીવારમાં તો આખો સ્ટાફફરૂમ ખખડી પડ્યો . બહારથી તો એમ જ લાગે કે બધા શિક્ષોકો ભેગા મળી વાતોના વડા જ કરતા લાગે છે. બસ બેઠા બેઠા પગાર જ ખાવો છે .
પણ હવે માવજીભાઈએ મૂળ વાત કરી . દરેક શિક્ષકો ની ખાનગી વિગતો માંગી છે . એક શિક્ષકની ચોત્રીસ કોલમ ભરવાની છે. તકલીફ એ છે કે એ ઓનલાઈન અને કાગળ બંને રીતે તાલુકામાં પોહચડવાની છે .
“હે? ” બધાના મોમાંથી નીકળી ગયું.
” તો મનુભાઈ તમારી મદદ ની જરૂર પડશે . ”
” હા . સાહેબ કરી દઈએ . એમાં કઈ ચાલશે .” આચાર્યને સાથ દેવા મનુભાઈ ત્યાં જ રોકાયા અને બાકીના કાગળ પર ચોત્રીસ કોલમનો કાગળ બનવવામાં મશગુલ બન્યા.
તે દિવસ ઓનલાઈન અને ઓફલાઇન ચોતરીસ કોલમનો કાગળ તૈયાર કરવામાં જ ગયો .
થોડા દિવસોમાં ચૂંટણી પણ ગઈ પરંતુ તે પોતાની સાથે સાત દિવસ લેતી ગઈ . ત્યાં સ્વતંત્ર દિવસ આવી ગયો .
પણ આ વખતે શિક્ષકો એ સાથે મળી પોતાની આ દશા ગામલોકો અને અધિકારીઓ સુધી પોહચડવા એક પ્રયત્ન કરવાનું નક્કી કર્યું . સાથે મળી પડતી તમામ મુશ્કેલી ની ભેગા મળી નોંધ કરી અને ગામ સુધી પોહચડવા કટિબદ્ધ થયા. સાથે સાથે ભેગા મળી વકૃત્વમા હથોટી ધરાવનાર માધવરાય આ વાત રજુ કરે એવું નક્કી થયું ને માધવરાય તૈયારીમાં લાગી ગયા. કાઈ વાત ક્યાં મુકવી તેની તૈયારી થવા માંડી તો બાળકો પણ દેશભક્તિ ગીત ,નાટક જેવા કાર્યક્રમો ની તૈયારીમાં લાગ્યા.
***** ***** ******* ****** *****
જેની તૈયારી વિદ્યાર્થી અને શિક્ષકો બન્ને કરતા હતા એ સ્વતંત્રતા દિવસ આવી ગયો . નાળિયેરીના પાંદડા , આસોપાલવના પાંદડાથી શાળાને શણગારવામાં આવી . ગામના તમામ લોકોને, સરપંચને , તાલુકાના અધિકારીઓને , જિલ્લાના અધિકારીઓને આમંત્રણ આપવામાં આવેલા.
ને … એ સાથે જ મહેમાનો આવતા જ રાબેતા મુજબનો કાર્યક્રમ શરૂ થયો . ને એમ જ બાળકોના કાર્યક્રમો બાદ ઇનામ વિતરણ થયું.
હવે શાળાના આચાર્યશ્રી ઉભા થયા અને જાહેરાત કરી.
” તમામ ઉપસ્થિત મહેમાનો . આજનો કાર્યક્રમ પૂરો થયો છે . પણ હવે અંતમાં આ જે આપણા ગામની શાળા છે જે ગામનું ભવિષ્ય છે તેના અનુસંધાનમાં અમે તમામ શિક્ષકો એક વાત રજુ કરવા માંગીએ છીએ . તો શિક્ષકશ્રી માધવરાયને વિનંતી કરું કે તે શાળા વતી વાત રજુ કરે.” કહી માવજીભાઈ બેસી ગયા .
“આ સાહેબને વળી શી વાત કેવાની હશે .? “એ વિચારે બધા એકનજરે માધવરાય ને જોઈ રહ્યા.
સફેદ ધોતી આછું પીળું અંગરખું પેરી માધવરાય સભા મંચ પર આવ્યા. માયક પાસે જઈ શાંતિથી કોઈ જાતની ચિંતા વગર ગામના ચોરમાં વાર્તા કેવા ઉભા થયા હોય તેમ વાતની શરૂઆત કરી.
” તમામ પધારેલ મહેમાનો . શાળાના દીકરા દીકરીઓ . આજે કોઈ ભાષણ કરવા ઉભો નથી થયો .પણ એક એવી વાત કરવા આવ્યો છું જે ભવિષ્ય માટે ખૂબ અગત્યની છે .
આજે મારે એવી નાતની વાત કરવાની છે જે હવે મરવાને આરે ઉભી છે . એ નાત છે અમારી નાત….. શિક્ષકોની નાત. પણ ઘણાને થશે કે શિક્ષકો ને શુ વાંધો છે ? બસ ખુરશીમાં બેઠા બેઠા પગાર જ ખાવો છે ને ? ” હાસ્ય સાથે માધવરાય વાત કરતા જતા હતા. ઘણાને હસવું આવી ગયું . બધાને આનંદમાં આવેલા જોઈ માધવરાયે હવે કડવી વાત સાથે સાથે વણી જ લીધી .
વાત નો દોર હાથમાં લેતા લેતા માધવરાય બોલ્યા .” હા હા સાચું વાત છે . ઘણા તો એવું જ મને છે કે બધા માસ્તરો હરામનો પગાર જ ખાય છે . પણ મારે એ વાત કરવી છે કે હવે સમય બદલાય ગયો છે . સરકાર નથી ઇચ્છતી કે અમે બાળકોને ભણાવીએ …અને તે માટે સરકારે અથાક મેહનત કરી એટલા બધા કામ શિક્ષકો માથે ફટકારી દીધા છે કે અમે બાળકોને ભણાવવા ઇચ્છીએ તો પણ ભણાવી ના શકીએ.
જ્યારે અમરામાંથી કોઈ શિક્ષક ખંભે થેલો નાખી ગામના બધાના ચૂંટણી કાર્ડની કામગીરીમાં નીકળે ત્યારે ગામના ઘણા લોકોને મેં હસતા જોયા છે . પણ થોડું મગજ વાપરી વિચારો એ ગામનાં લોકો શિક્ષક પર નહી તમારા બાળકોના ભવિષ્ય પર હસતા હોય છે. બાળકોને એકલા મૂકી એ તમારા ચૂંટણી કાર્ડ ની કામગીરી કરે છે . ક્યારેય વિચાર્યું કે બાળકોનો કેટલો સમય બગડે છે .
આવા આધાર કાર્ડ , રેશન કાર્ડ , બેંકના ખાતા , બેંકની હેરાનગતિ , વસ્તી ગણતરી ,ચૂંટણી – તમામ , એની મીટીંગો , ઉત્સવો , વિવિધ મેળાવડા , એમા ગામને લઈ જવાનું , લાવવાનું , સર્વે , ગાંડાની ગણતરી , તાલીમો , કેટલા કાર્યક્રમો અને બધાના પાછા ફોટા સાથેના અહેવાલ ….આ બધું એક બિચારો બાપડો શિક્ષક કરતો જાય છે …..ક્યારે ભણાવીએ …..જવાબ આપો” … કહી માધવરાય લાગણીમાં બોલી ગયા .
માધવરાય હવે વાત અધૂરી મુકવા નોહતા માંગતા . ગામ ,અધિકારીઓ ફાટેલી આંખે આ જોઈ જ રહ્યા.અસર થયેલી જોઈ માધવરાયે આગળ ચલાવ્યું.
“ધારો કે એમાંથી પણ રસ્તો કાઢી ઘણા કાગઠિયા શિક્ષકો તોય ભણાવવાનો રસ્તો કાઢી લીધો. તો સામે સરકાર છેલ્લી પાટલીએ બેસી ગઈ . નિયમ લાવી દીધો . ધોરણ ૧ થી ૮ મા કોઈને નાપાસ નહીં કરવાના , નામ કમી નહીં કરવાના , આવડે કે ના આવડે , ભલે વર્ષમાં એક જ દિવસ આવે , એકડો પણ ના આવડ્યો હોય તોય પાસ કરી દેવાના ……આ ઘા મારા ગામના લોકોનો મારે કહેવું છે જનોઈવાઢ થયો . એક વાલીની દીકરી પેહલા ધોરણમાં એક જ દિવસ આવી છતાં એ પાસ થઈ બીજામાં આવી તયારે એ સમજુ વાલી હસી પડ્યા તા . ખરેખર તો એ આ શિક્ષણ પદ્ધતિ પર હસી રહ્યા હતા . અને હું બસ જોઈ રહ્યો કેમકે કોઈને કઈ પણ કહેવાની મને સતા નથી .
અને આ બધું ચાલી રહ્યું છે . કેમ ? આપણે ચાલવા દઈએ છીયે. બાળકના અભ્યાસ માટે બોલાવેલી મીટીંગમાં કોઈ વાલી ફરકતા નથી ને શિસ્યવૃત્તિ વખતે અમારે વાલીની હરોળ બનાવવી પડે છે . ક્યારેક અતિ તોફાનમાં બાળકને એની ઉંમર પ્રમાણે શિક્ષા કરવી પડે છે. પણ તયારે વાલી શાળામાં આવી બાળક સામે જ શિક્ષક સાથે ઝઘડો કરતા અચકાતા નથી પણ નવાઈ ત્યારે લાગે કે એ જ વાલી ખાનગી શાળામાં એકદમ વ્યવસ્થિત વર્તન ખબર નહિ ક્યાંથી શીખી આવે છે . એમા જવાબદાર અમે છીએ . ઘણા શિક્ષકો પણ અધિકારીઓ આવે ત્યારે સાગલા વેડા કરી અમને સાવ છેલ્લી લીટીમાં ખેંચી જયા છે .પણ ઘણા કામ કામ કરવાવાળા છે. એનું તો વિચારો …
સરકાર તો ખાનગી શાળા ને મંજૂરી આપી આપી ગલી ખાંચકામાં શાળાઓ બનવા લાગી છે . પણ એના બધી ” ખાસ ” બાબતો બધા વાલી પોહચી શકતા નથી . પરિણામે એ પાછળ ના પાછળ જ રહી જાય છે ને અમને નથી બનવવા દેતા.
અજબ છે , ના આવડે તો પણ પાસ, કઈ કેવાનું નહીં , વાલી ની કઈ જાવબદારી નહીં ,શાળાએ ના આવે તો પણ પાસ ને તેમ છતાં કથળેલા શિક્ષણ માટે માત્ર ને માત્ર શિક્ષક જ જવાબદાર.
થોડું વિચારો. ને અમને બચાવો .સાથે સાથે આપણા બાળકોને પણ …..આશા છે કે અમને તમારા સૌનો સાથ સહકાર મળશે . ”
કહી આંખોમાં આવેલા આંસુને રોકી માધવરાય પોતાની જગયાએ બેસી ગયા.
પછી બધા ચુપચાપ બેસી રહ્યા .આખરે ચોકલેટ વહેચણી થઈ ને બધા છુટા પડ્યા.
****** ****** ****** ****** ****
બીજા દીવસે શાળામાં “હાથ ધોવાનો પરિપત્ર” આવ્યો . ને બધા બાળકોને લાઈનમાં ઉભા રાખી એક હાથમાં ટબ લઈ શિક્ષકો બાળકોની સાથે “હાથ ધોવાનો દિવસ ” ઉજવવા લાગ્યા. સાથે કોઈ શિક્ષક તેમના ફોટા પાડી અહેવાલ લખવાની તૈયારીમાં લાગી ગ્યાતા ……રાબેતા મુજબ..