sambhavami Yuge Yuge - 1 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૧

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૧

ભાગ 

  એક વ્યક્તિ બાબાની સામે હાથ જોડીને બેસી રહી હતી. બાબા જટાશંકરના હાથમાં એક કુંડળી હતી જે તેમણે ત્રીજીવાર બનાવી હતી. તેમણે હતાશા સાથે કુંડળી પાટ ઉપર મૂકી અને ધ્યાનમાં જતા રહ્યા અને કલાક સુધી ધ્યાનમાં રહ્યા. આંખો ખોલીને તેમણે સામે બેસેલી વ્યક્તિની સામે જોયું અને કહયું, “પુત્ર દિલીપ, આ હવે પૂછ તારે શું પૂછવું હતું?” દિલીપે કહ્યું, “બાબા, મારા દીકરાની કુંડળી બનાવવા માટે તમારી પાસે આવ્યો છું, પણ બાબા મેં જોયું કે તમે બે વાર કુંડળી બનાવીને કાગળ ફાડી નાખ્યો અને ત્રીજી વાર કુંડળી બનાવી છે, તો કોઈ તકલીફ છે કુંડળીમાં?” 

         જટાશંકર અવઢવમાં પડી ગયા કે શું અને સત્ય કહેવું કે પછી બીજી કોઈ વાત કરીને શાંત કરવો. મનમાં વિચારીને એક નિર્ણય કર્યો અને કહ્યું, “ના ના, કુંડળીમાં કોઈ દોષ નથી આ તો મારી ગણતરીમાં કોઈ ભૂલ તો નથી થઇ તે ચકાસવા ત્રણવાર આ કુંડળી બનાવી. તારો પુત્ર ભાગ્યશાળી છે, તે ખુબ વિધ્યાભ્યાસ કરશે અને ગીતસંગીતનો વિશારદ થશે. પણ આ કુંડળી બનાવ્યા પછી, મને તારા વિષે જાણવાની ઉત્સુકતા જાગી છે તો તું મને તારા વિષે કહે.”

 દિલીપે કહ્યું, “ગરીબનો શું ઇતિહાસ હોય હું એક સામાન્ય વ્યકતિ છું, અહીંના આદિવાસી વિસ્તાર પળીયામાં શિક્ષક તરીકે નોકરી કરું છું, મેં અહિયાં રહેતી એક આદિવાસી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે અને મારો એક દીકરો છે તેનું નામ સોમ છે જેની કુંડળી માટે હું આવ્યો છું.” જટાશંકરે કહ્યું, “તારા માતાપિતા વિશે જણાવ, તારી જાતપાત વિશે જણાવ.” દિલીપે કહ્યું, “હું બ્રાહ્મણ છું અને મારો પૂર્ણ પરિવાર કચ્છના ભાણગામમાં રહે છે પણ મેં એક આદિવાસી સ્ત્રી સાથે લગ્ન કર્યા હોવાથી મારા પરિવારે મારી સાથે છેડો ફાડી નાખ્યો છે. મારે બે ભાઈ અને બે બહેન છે.”

 જટાશંકરે પૂછ્યું, “તારું ગોત્ર શું છે?” દિલીપે કહ્યું, “મારુ ગોત્ર દેવગણ છે.” જટાશંકરે કહ્યું, “ઠીક છે! પુત્ર, તારો દીકરો તેજસ્વી છે તેને ખુબ ભણાવજે.” દિલીપે કહ્યું, “ગુરુજી,જે કારણથી કુંડળી બનાવી, તેનું નિવારણ તો તમે આપ્યું નહિ.” “જો પુત્ર બાળક હોય એટલે રડવાનું તેમાં ચિંતાનું કોઈ કારણ નથી.તું એક કામ કર તું જ્યાં રહે છે તેની નજીક એક ગામ છે, કાતરીયા ત્યાં એક આશ્રમ છે, જ્યાં રોજ ભજનકીર્તનના કાર્યક્રમ થાય છે તેમાં તારા બાળકને લઇ જવાનું શરુ કરો એટલે તેનું રડવાનું ઓછું થઇ જશે.” જટાશંકરે કહ્યું. 

 દિલીપે કહ્યું, “ઠીક છે! ગુરુજી, તેની માને કહીશ એટલે તે તેને ભજનમાં લઇ જશે.” જટાશંકરે કહ્યું, “તારા પુત્રને ભક્તિરસ તરફ વાળ સહુ સારું થશે ,કલ્યાણ અસ્તુ.” ગુરુજીને પગે લાગીને દિલીપ પોતાના ગામ તરફ આગળ વધ્યો.

 દિલીપ, એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો બાળક ભણવા ગણવામાં હોશિયાર. પિતાની ઈચ્છા કલેક્ટર બનાવવાની પણ તેમની પહોંચ ન હોવાને લીધે દિલીપ પી. ટી. સી. કરીને માસ્તર થયો. દિલીપ બ્રાહ્મણ હતો પણ તેનામાં ઉંચી જાતનું અભિમાન ન હતું, તે માનતો કે ભગવાને દરેકના શરીરમાં એકસરખા રંગનું લોહી આપ્યું છે, તો કોઈ ઊંચો કે કોઈ નીચો એવું કઈ રીતે હોઈ શકે. તેના મિત્રોમાં દરેક જાતિના લોકોનો સમાવેશ થતો હતો. તે તેના દરેક મિત્રને ત્યાં રમવા જતો અને તેમની સાથે જમતો પણ તેથી પિતા પાસેથી માર પણ ખાતો.

 શિક્ષક બન્યા પછી તેને નજીકના ગામમાં નોકરી મળી અને તેના મિત્રને દૂરના આદિવાસી વિસ્તારમાં નોકરી મળી. તેના મિત્રે અદલાબદલી કરવા કહ્યું તો, દિલીપ તરત તૈયાર થઇ ગયો. જાતપાતના ભેદભાવને લીધે તે ગૂંગળામણ અનુભવતો હતો. પળીયામાં પહોંચ્યા પછી તેણે પહેલીવાર ખુલ્લી હવામાં શ્વાસ લીધો ત્યાં જાતપાતનું કોઈ બંધન ન હતું. ત્યાં જઈને તેણે કોઈને પોતાની જાત કે  અટક વિશે વાત ન કરી. તે પળીયામાં દિલીપ માસ્તર તરીકે ઓળખાવા લાગ્યો. તે બધા સાથે પ્રેમથી વર્તતો હોવાથી પળીયામાં તેનું માન વધી ગયું.

             એક યુવતી નામે કમળી, તેની તરફ આકર્ષાઈ. કમળી જાણી જોઈને તે જે ઝાડ નીચે બાળકોને ભણાવતો તેની નજીક થાક ખાવા બેસી જતી અને પોતાની મશકમાંથી પાણી પીતી અને દિલીપને પૂછતી, “માસ્તર, પાણી પિહો કે?” દિલીપને પણ કમળી ગમતી પણ આદિવાસી નેતાઓના ડરથી તેની તરફ દુર્લક્ષ કરતો.

ક્રમશ: