THE HAUNTED PAINTING - 1 in Gujarati Horror Stories by Disha books and stories PDF | THE HAUNTED PAINTING - 1

The Author
Featured Books
Categories
Share

THE HAUNTED PAINTING - 1

The haunted painting

ભાગ:-1

અમદાવાદ નું પ્રસિદ્ધ દારૂવાલા ઓક્શન હાઉસ અત્યારે શહેર નાં VIP અને VVIP લોકોથી ધમધમી રહ્યું હતું. ભારતમાં જેની ગણના વિખ્યાત એકસીબીનેસ્ટ તરીકે થતી હતી એવાં સુકેતુ ગુજરાલ અત્યારે એકસીબેશન ને હોસ્ટિંગ કરી રહ્યાં હતાં..એક પછી એક એન્ટિક વસ્તુઓની બોલી લાગી રહી હતી.

અત્યાર સુધી એક સુપ્રસિદ્ધ નેતા નાં ચશ્મા, એક રાજા ની તલવાર તો એક રાજવી કુટુંબની વીંટી ની નિલામી થઈ ચુકી હતી..હવે લોકો જે વસ્તુ ની આતુરતાથી રાહ જોઈને બેઠાં હતાં એ જગવિખ્યાત ચિત્રકાર એન.એફ.હુસૈન ની પેઇન્ટિંગ 'The burning man' ની પેઈન્ટીંગ ની નિલામી નો સમય આવી ગયો હતો.

"Hello all the ladies and gentelmen..હવે તમારી સૌની ધીરજ નો અંત આવી જશે..તો દિલની ધડકનો રોકીને તમે તૈયાર થઈ જાઓ ગુજરાત રાજ્યમાં નિલામ થનાર સૌથી મોંઘી પેઈન્ટીંગ 'The burning man' ની નિલામી ની સાક્ષી બનવા માટે.."સ્ટેજ પરથી સુકેતુ ગુજરાલ નો આગવો ટોન સંભળાયો.

સુકેતુ ની જાહેરાત ની સાથે જ દારૂવાલા ઓક્શન હાઉસ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યું..ઘણાં એવાં લોકો હતાં જેમને ખબર હતી કે એમની ઔકાત જ નહોતી આટલી મોંઘી પેઈન્ટીંગ ખરીદવાની છતાં એ લોકો આ ખૂબ મોંઘી અને પ્રસિદ્ધ પેઈન્ટીંગ ને રૂબરૂ નિહાળવા માટે આવ્યાં હતાં..લોકો ને ખબર હતી કે એ પેઈન્ટીંગ ને જાહેરમાં નિહાળવાનો એ છેલ્લો અવસર હતો..કેમકે આજ પછી એ પેઈન્ટીંગ કોઈનાં અંગત માલિકી ની બની જવાની હતી.

"તો આ ખુબસુરત પેઈન્ટીંગ ની પહેલી બીડ છે 50 લાખ રૂપિયા..છે કોઈ જે આટલી રકમથી શરૂવાત કરવા માંગે છે બીડ ની..?"સુકેતુ એ જાહેરાત કરી.

સુકેતુ નાં જાહેરાત કરતાં ની સાથે જ એક સજ્જન વ્યક્તિ એ પોતાની જોડે રહેલું બોર્ડ ઊંચું કર્યું..

"Yes.. આવી ગઈ પ્રથમ બીડ..બોલી શરૂ કરનાર છે mr.દેસાઈ..શરૂવાત ની બોલી 50 લાખ..છે કોઈ આગળ વધુ બોલનાર.."

સુકેતુ એ બીડ ની રકમ ની એકપછી એક જાહેરાત ચાલુ કરી..50 લાખથી શરૂ કરેલ બોલી ધીરે ધીરે દોઢ કરોડ ને પાર પહોંચી ગઈ..બોલી ની રકમ જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ અલગ અલગ બાર લોકો અત્યાર સુધી નિલામી ની પ્રોસેસમાં ભાગ લઈ ચૂક્યાં હતાં.

છેલ્લે બોલી 1.70 કરોડ પહોંચી ત્યારે નિલામી માં ફક્ત બે લોકો જ વધ્યા હતાં. એક હતાં mrs.વ્યાસ અને બીજાં હતાં mr.વર્મા..1.70 કરોડ ની બોલી પછી mrs.વ્યાસે હાર સ્વીકારી લીધી.

"1.70 કરોડ..આટલી બહેતરીન, બેનમુન, લાજવાબ પ્રતિકૃતિ ની કિંમત ફક્ત આટલી..છે કોઈ અન્ય જે આ બોલી ને હજુ વધારી શકે.અત્યારે બોલી છે mr.વર્મા ને નામે..છે કોઈ એવું જે આગળ કિંમત વધારી શકે એન.એફ.હુસૈન સાહેબ ની આ પેઈન્ટીંગ ની.."

સુકેતુ ગુજરાલ હજુપણ પેઈન્ટીંગ ની બોલી વધે એનાં પ્રયત્ન માં લાગેલો હતો..કેમકે ઓક્શન હાઉસ ને બોલી ની રકમની અમુક ટકાવારી મળતી હોય છે એટલે જેટલી પેઈન્ટીંગ ની કિંમત વધુ એમ ઓક્શન હાઉસ ને ફાયદો વધુ..અને આમ કરવામાં એને પણ ઓક્શન હાઉસ ખુશ થઈને નક્કી કરેલ રકમથી વધુ રકમ આપે એવું સુકેતુ જાણતો હતો..એનાં એનાઉન્સમેન્ટ પછી પણ ત્યાં હાજર લોકો કંઈ બોલવાનાં બદલે એકબીજાનો ચહેરો તાકી રહ્યાં હતાં.

"1.70 કરોડ એક વાર.."આટલું કહી સુકેતુ એ ઓક્શન હથોડી ને કાઉન્ટર પર અફડાવી..લોકો ની ધડકનો આ સાથે વધી રહી હતી..ઓક્શન હાઉસમાં અત્યારે રીતસરનો સોપો પડી ગયેલો હતો.

"1.70 કરોડ બે વખત.."હથોડી નાં બીજાં ઘા સાથે સુકેતુ બોલ્યો.

કોઈ હવે આગળ બોલી બોલવાનું નથી એમ વિચારી સુકેતુ એનાઉન્સમેન્ટ કરવા જતો હતો કે..

"Now..this painting is going to mr.varma.. on the amount of 1.70 crore.."આટલું કહી સુકેતુ જેવી હથોડી કાઉન્ટર પર પછાડવા જતો હતો ત્યાં કોઈનો ભારેખમ અવાજ સંભળાયો.

"2 કરોડ.."

નિલામી ની રકમ 5-5 લાખ કરીને વધી રહી હતી ત્યાં સીધી 30 લાખ ની બોલી વધારનાર વ્યક્તિ કોણ હતો એ જોવા બધાં એ પોતાની નજરો અવાજની દિશામાં ફેરવી..એક શૂટ બુટ માં સજ્જ આશરે ચાલીસેક વર્ષ નો વ્યક્તિ ત્યાં ઉભો હતો.ચહેરા પર ની ગંભીરતા અને એની પર્સનાલિટી જ કોઈને પણ એની તરફ આકર્ષવા કાફી હતી.ઓક્શન હાઉસમાં મોજુદ દરેક ઉંમર ની સ્ત્રી એની તરફ જોઈ રહી હતી.

સુકેતુ ગુજરાલ એ વ્યક્તિ ને ઓળખતો હતો એવું એનાં ચહેરા પર ની મંદ મુસ્કાન બતાવી રહી હતી.

"Mr. શેખર પટેલ..મને હતું જ કે કંઈક તો ખૂટતું હતું આ ઓક્શન માં..ગુજરાતમાં એન્ટિક વસ્તુઓની નિલામી હોય અને શેખર પટેલ ના હોય એવું કઈ રીતે બને.."સુકેતુ બોલ્યો.

બસ 2 કરોડ ની બોલી સાથે જ એ પેઈન્ટીંગ ની નિલામી પુરી થઈ..કોઈએ એનાંથી વધુ ની બોલી ના લગાવી અને છેલ્લે સુકેતુ એ જાહેર કર્યું કે.

"આ સાથે જ આ પેઈન્ટીંગ "The burning man" થાય છે mr. શેખર પટેલ ની.."

સુકેતુ ની આ જાહેરાત સાથે જ ઓક્શન હોલ તાળીઓ નાં અવાજ થી ગુંજી ઉઠ્યો..અને ત્યાં હાજર લોકો એ શેખર દેસાઈ ને એ લાજવાબ પેઈન્ટીંગ ની ખરીદી પર ખોબલે ને ખોબલે શુભકામનાઓ પાઠવી..પોતે મનમાં જે ધારે એ મેળવીને જ રહેતાં શેખર માટે આ ક્ષણ એક વિજય જેવી હતી.. અને એટલે જ આ 'the burning man' ની ખરીદી કરીને એનાં ચહેરા પર પણ વિજયસુચક સ્મિત ફરકી રહી હતી.

***

શેખર પટેલ ની ગણના અમદાવાદ નાં સફળ અને વગદાર બિઝનેસમેન માં થતી હતી..ટૂંકા ગાળામાં શેખર પોતાની આવડત નાં જોરે રિયલ એસ્ટેટ ક્ષેત્ર નું ખૂબ જાણીતું નામ બની ગયું હતું.શેખર ને બે વસ્તુઓનાં શોખ હતાં જેમાંથી એક હતો એન્ટિક વસ્તુઓનાં કલેક્શનનો અને બીજો સુંદર દેખાવડી સ્ત્રીઓનો.

પણ આજે એને જે પેઈન્ટીંગ ખરીદી હતી એ પોતાનાં માટે નહોતી ખરીદી પણ પોતાનાં ખાસ મિત્ર કમલેશ ગુજરાતી માટે ખરીદી હતી..કમલેશ પણ અમદાવાદમાં જ પોતાનો કાપડ ઉદ્યોગ નો ધંધો કરતો જતો જેમાં એને પણ ખૂબ નામ અને દામ મેળવ્યા હતાં.

કમલેશ ગુજરાતી શેખર નો ખુબ નાનપણ નો દોસ્ત હતો જેને શેખર કમો કહીને બોલાવતાં..આ સિવાય એમને એક અન્ય પણ જોડીદાર હતો જેનું નામ હતું મોહન ભાવસાર. મોહન અમદાવાદનાં પાલડી માં એક ભવ્ય હોટલ નો માલિક હતો..આ હોટલમાં દરેક પ્રકારના ગોરખધંધા ચાલતાં હતાં જેની પોલીસ ને પણ ખબર હતી..છતાં પોલીસ ને સમયસર નક્કી કરેલ હપ્તા પહોંચી જતાં હોવાથી એ કંઈપણ એક્શન નહોતી લેતી.

બે દિવસ પછી કમલેશ નો જન્મદિવસ હતો એટલે શેખર પોતાનાં ખાસ મિત્ર ને આટલી મોંઘી પેઈન્ટીંગ જન્મદિવસની ભેટ તરીકે આપવા માંગતો હતો..કમલેશ પણ શેખર અને મોહન માટે આવી કેટલીય મોંઘી વસ્તુઓ ભેટ સોગાત સ્વરૂપે આપતો રહેતો..કમલેશ નાં લગ્ન થઈ ચૂક્યા હતાં પણ એની પત્ની લગ્નનાં ત્રણ વર્ષ પછી મૃત્યુ પામી એટલે કમલેશે લગ્ન જ નહોતાં કર્યાં.

કહેવાય છે કમલેશે જ પોતાની પત્નીની હત્યા કરી હતી પણ પોલીસ ને મોટી રકમ આપી મામલો દબાવી દીધો..મોહન ભાવસાર ને તો હોટલ માં જ જે જોઈએ એ મળી રહેતું હોવાથી એને ક્યારેય લગ્નનો વિચાર નહોતો કર્યો..પણ એની જાહોજલાલી થી આકર્ષાઈ વીસ વર્ષ ની ઉંમરની છોકરીઓ પણ એની પ્રેમિકા બનવા તૈયાર થઈ જતી.અત્યારે પણ સોનીયા કરીને એક બાવીસ-ત્રેવીસ વર્ષની યુવતી એની ગર્લફ્રેન્ડ હતી.

શેખર, કમલેશ અને મોહન ત્રણેય ની ઉંમર ચાલીસી પહોંચી ગઈ હોવાં છતાં દરેકે પોતાની જાતને ફીટ રાખી હતી..ગમે તેવું કામ હોય દર શનિવાર રાતે આ ત્રણેય ભેગાં થતાં અને જોડે જ શરાબ અને શવાબ ની મહેફિલ માણતાં.. મોહન ની હોટલ પર કમલેશનાં જન્મદિવસ ની પાર્ટી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં દારૂબંધી હોવાં છતાંયે આજે મોહન ભાવસાર ની એ હોટલમાં દેશ-વિદેશની દરેક બ્રાન્ડ ની દારૂ ઉપલબ્ધ હતી.. રાત નાં નવ વાગ્યાં ની સાથે DJ નાં તાલે શરૂ થયેલી પાર્ટી આખી રાત સુધી ચાલવાની હતી એ નક્કી હતું.

રાત નાં બાર વાગતાં ની સાથે DJ નું મ્યુઝિક અટકી ગયું અને મોહને માઈક પોતાનાં હાથમાં લઈને બોલવાનું શરૂ કર્યું.

"દોસ્તો..આજે મારાં યાર, મારાં દિલદાર કમલેશ નો જન્મદિવસ છે..જેની પાર્ટી તમે બધાં અત્યારે એન્જોય કરી રહ્યાં છો.હવે સમય થઈ ગયો છે કેક કાપવાનો.."

મોહન નાં આટલું બોલતાંની સાથે એક મોટી કેક સાથે ની ટ્રોલી લઈને એક વેઈટર આવ્યો અને સ્ટેજ પર રાખી દીધી..કમલેશે જેવી કેક કટ કરી સૌ કોઈએ એને તાળીઓના ગળગળાટથી વધાવી લીધું..ત્યારબાદ સૌ કોઈએ પોતપોતાની સાથે લાવેલી ગિફ્ટ કમલેશ ને સુપ્રત કરી..કમલેશે બધી ગિફ્ટ નો સ્વીકાર કરી બધાંનો આભાર માન્યો.

છેલ્લે શેખર સ્ટેજ પર આવ્યો..શેખર જોડે એક કાગળમાં લપેટાઈને લાવ્યો હતો the burning man ની પેઈન્ટીંગ..કમલેશે જ્યારે એ પેઈન્ટીંગ જોઈ ત્યારે એને એની આંખો પર વિશ્વાસ ના બેઠો કે શેખર એનાં માટે આટલી મોંઘી ગિફ્ટ લાવ્યો હતો..એને ગળે લગાવીને શેખર નો આભાર માન્યો.

ત્યારબાદ ફરીથી પાર્ટી શરૂ થઈ અને બધાં મ્યુઝિક નાં તાલ અને શરાબ નાં નશા સાથે મોડે સુધી નાચતાં રહ્યાં.થાકીને બધાં પોતપોતાને ગમતી છોકરીઓ સાથે હોટલ નાં રૂમમાં જતાં રહ્યાં.

***

બીજાં દિવસે કમલેશ શેખરે આપેલી પેઈન્ટીંગ ને પોતાનાં ઘરે લઈ ગયો..કમલેશે આખાં ઘરમાં એ કિંમતી પેઈન્ટીંગ લગાવવાની જગ્યા શોધવાની તાજવીજ હાથ ધરી..હોલમાં એ પેઈન્ટીંગ લગાવવાનું કમલેશે પહેલાં તો વિચારી જોયું પણ આખરે એને પસંદગી ઉતારી પોતાનાં બેડરૂમ પર. પોતાનાં કિંગ સાઈઝ બેડ નાં સિરહાના ની ઉપરની દીવાલ પર એ પેઈન્ટીંગ પોતે લગાવશે એવું કમલેશે મન બનાવી લીધું.

પોતાનાં ઘરે કામ કરતાં નોકર ને કહી કમલેશે એ પેઈન્ટીંગ ને પોતે ઇચ્છતો હતો ત્યાં ફિટ કરાવી દીધી..એ કિંમતી પેઈન્ટીંગ ખૂબ જ મશહુર હતી એ વાતથી વાકેફ કમલેશે એ પેઈન્ટીંગ સાથેની પોતાની સેલ્ફી પણ પાડી લીધી..પોતાની એ સેલ્ફી ને હરખાતાં હરખાતાં કમલેશે પોતાનાં whatsup, instagraam અને facebook એકાઉન્ટ પર પોસ્ટ પણ કરી દીધી.

પોતાનાં દિવસભર નાં કામ પછી જ્યારે કમલેશ પોતાનાં ઘરે પાછો આવ્યો ને એને પોતાનાં સોશિયલ એકાઉન્ટ ખોલી જોયાં તો એની ધારણા મુજબ જ એની પેઈન્ટીંગ સાથેની સેલ્ફીને ઘણી બધી લાઈક અને કોમેન્ટ મળી હતી..આ પેઈન્ટીંગ આપવા બદલ એ શેખર નો મનોમન આભાર માની રહ્યો હતો.શેખર અને મોહન એનાં માટે સગાં ભાઈ થી પણ વધુ હતાં અને આવાં મિત્રો આપવા બદલ એ ભગવાનનો આભાર પણ માની લેતો.

રોજની ટેવ મુજબ મોંઘીદાટ વાઈન ની બોટલમાંથી વાઈન નાં ત્રણ ચાર પેક પંકજ ઉદાસ ની ઉદાસ કરી મુકતી ગઝલો સાથે સાંભળ્યા બાદ નશાથી હાલતમાં કમલેશ પોતાનાં રૂમ તરફ ગઝલ ની પંક્તિઓ ગુનગુનાવતો આગળ વધ્યો.

"કુછ ભી નહીં થા લેકિન તેરા સહારા થા..

જો કુછ ભી થા વોહ સબકુછ લુટા હુઆ હૈ..

એક તો શરાબ કમ ઉપર સે પૈમાના ટુટા હુઆ હૈ.."

લથડાતાં પગલે કમલેશ પોતાનાં બેડરૂમમાં આવ્યો અને બેડ ની ઉપર પડતું મૂક્યું..આગળની રાત નો ઉજાગરો અને વાઈન નો નશો બેવડી વસ્તુઓનાં લીધે કમલેશ પડ્યો એવોજ ઘસઘસાટ સુઈ ગયો.

રાતે કમલેશ જ્યારે સુઈ રહ્યો હતો ત્યારે એનાં કાને કોઈનો અવાજ સંભળાયો.. કમલેશ ને એમ કે નશા નાં લીધે આવું થતું હશે પણ વારંવાર કોઈ એને એનું નામ દઈને બોલાવતું હોય એવું લાગતાં એ ચમકીને ઉભો થયો તો ત્યાં કોઈ એને નજરે ના ચડ્યું.

કમલેશ ઉભો થઈને બાથરૂમમાં ગયો અને ફ્રેશ થઈને પાછો આવ્યો..આવીને એને ઘડિયાળ જોઈ તો રાતનાં ૩:૪૫ થઈ રહ્યાં હતાં..હજુ તો સવાર પડવાની બહુ વાર હતી એટલે કમલેશ પુનઃ સુવા માટે આડો પડ્યો..અને આંખો મીંચી.

હજુ તો પાંચ મિનિટ પણ નહોતી થઈ ત્યાં કમલેશે કોઈ અવાજ ફરીથી સાંભળ્યો..આ વખતે એ અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો..હવે કમલેશ કમલેશ ની જગ્યાએ એ અવાજ માં કમલેશ અન્ય વાતો પણ સાંભળી શકતો હતો.

"કમલેશ..તારે, શેખરે અને મોહને આજે નહીં તો કાલે તમે કરેલાં ગુનાની સજા ભોગવવી જ પડશે..ગુનો ક્યારે છુપાતો નથી.."

આટલું સાંભળતાં ની સાથે જ કમલેશ નું માથું ભમવા લાગ્યું..પોતે કરેલાં કોઈ ખોટાં કામની યાદ એને પજવી રહી હતી..ગળું સુકાઈ ચૂક્યું હતું અને આંખો પણ હવે ઊંઘ નું નામ ભુલી ગઈ હતી..કમલેશ નું શરીર આખું ધ્રુજવા લાગ્યું.

"કોણ છે..કોણ છે..?"કમલેશ માંડ માંડ આટલું જ બોલી શક્યો..પણ એનાં પ્રત્યુત્તર માં કોઈ બોલ્યું નહીં.

કમલેશ ને અત્યારે એક અજાણ્યો ડર સતાવી રહ્યો હતો..જે એને ચેનથી સુવા તો નહોતો દેવાનો એ નક્કી હતું.મન ની શાંતિ માટે એક જ વસ્તુ હતી એ હતી નશો..વાઈન ની અડધી બચેલી બોટલ ને પુરી કરવા કમલેશ ફટાફટ પોતાનો રૂમ ખોલી હોલ તરફ આગળ વધ્યો..!!

વધુ આવતાં ભાગમાં..

કમલેશ, શેખર, મોહને ભૂતકાળમાં શું ગુનો કર્યો હતો..? એ ભેદી અવાજ હતો કોનો..? આ સવાલોના જવાબ આવતાં ભાગમાં.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ દિલ કબૂતર, રૂહ સાથે ઈશ્ક અને ડણક પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ