MANGAL - 9 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 9

Featured Books
Categories
Share

મંગલ - 9

મંગલ

Chapter 9 -- આગમનનાં વધામણા

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ નવમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ જેને શામજીને બચાવવાનું કાર્ય સોંપાયું હતું, તેમણે આદિવાસીઓની ચૂંગાલમાથી શામજી, સરમણ, ઈમરાન, કરીમ, જ્યોર્જ, જ્હોન અને થોમસને પણ બચાવ્યા. મંગલ સહિત બધા લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જંગલમાથી દૂર નીકળી પોતાની પેઢી સૂધી પહોંચવામાં સફળ રહ્યા. પણ વાર્તા અહીથી સમાપ્ત નથી થતી. મંગલના જીવનમાં આગળ શું થશે તે જોવા માટે વાંચતાં રહો.

આફ્રિકાના જંગલની રોમાંચક સફરની આ રસપ્રદ કથાનું સાતમું પ્રકરણ મંગલ ચેપ્ટર – 9 - - આગમનના વધામણાં

મંગલ ચેપ્ટર – 9 - - આગમનના વધામણાં

ગતાંકથી ચાલું...

શેઠ હરખચંદ કાગળ પર કંઈક હિસાબ કરી રહ્યા હતા. કોઈ પરિચિત અવાજ કાને પડતા શેઠના હાથ અટક્યાં. અવાજની દિશામાં નજર કરી તો લાંબી દાઢી, અસ્તવ્યસ્ત વાળ અને મેલા ઘેલા કપડાઓમાં મંગલ અને તેના સાથીઓ શેઠ સામે ઊભા હતા. ઘણા સમય પછી શેઠે મંગલને જોયો અને તેની આંખોમાં હરખના આંસુ આવી ગયા. દોડીને તે મંગલ સૂધી પહોંચી ગયા. પેઢીમાં આમ તો ઘણા માણસો કામ કરતાં હતા પણ મંગલ તેમનાં માટે ખાસ હતો. મંગલને કારણે પેઢી દ્વારા વેપારમાં સરળતા આવી હતી. ખાસ લૂંટારાઓથી મંગલ દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવતું હતું. મંગલને કારણે શેઠની પેઢીમાં બરકત આવી હતી. શેઠે મંગલનો હાથ પકડી લીધો અને ભેટી પડ્યા. આમ તો શેઠને અને મંગલ સાથે કોઈ લોહીનો સંબંધ ન હતો, માત્ર બંને એક કામથી જોડાયેલ હતા. પેઢીમાં બીજા ઘણા માણસો કામ કરતા હતા, પણ મંગલ સાથે તેમને જાણે ખાસ લાગણીનો સંબંધ હતો.

મંગલને શેઠે હાથ પકડી બાજઠ પર બેસાડ્યો. બીજા આવનારા સાથીદારોને પણ શેઠે મીઠો આવકારો આપ્યો. આવનારા મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા કરી આપી.

“ મંગલ, તને જોયા એને મહિનાઓ વીતી ગયા. કેમ છે ભાઈ તને ? ” શેઠે મંગલને ખબરઅંતર પૂછ્યા.

“ બસ શેઠજી, તમારી દયાથી બધુ હેમખેમ છે. ” મંગલે જવાબ આપ્યો.

“ મંગલ, તને મોકલ્યા પછી મને ઘણા લોકોએ કહ્યું હતું કે મારો તને જંગલમાં મોકલવાનો નિર્ણય ખોટો હતો. જંગલમાં ખતરનાક આદિવાસીઓની વચ્ચે તને મોકલતા મારે એક વાર વિચાર કરવો જોઈતો હતો એવું પણ ઘણા લોકોએ કહ્યું. હું સાચો હતો કે નહીં એ તો મને ખબર નહીં પણ જોખમોની તો મને પણ ખબર હતી જ. તેમ છતાં મે તને જવાની રજા આપી એનો અફસોસ આજ સૂધી રહ્યો છે. ” શેઠ હરખચંદે પોતાની વેદના વ્યક્ત કરી.

મંગલ આ સાંભળી ખૂબ ભાવુક થઈ ગયો. તેણે શેઠ હરખચંદનો હાથ પોતાનાં હાથમાં લઈ કહ્યું, “ શેઠજી, આવું ન કહેશો. તમે મારા બાપ સમાન છો. તમારો નિર્ણય ખોટો કેવી રીતે હોઈ શકે ? ”

“ પણ મંગલ.... આ કામ આપણી પેઢીનું પણ ન હતું છતાં પણ તને મોકલ્યો. ”

“ શેઠજી, આ કામ માનવતાનું હતું. આ જ દરિયાદેવની ઈચ્છા હશે કે મને આ કામ માટે મોકલ્યો. બીજા નિર્દોષ જીવોની જિંદગી બચાવવી એના જેવુ બીજું કોઈ પુણ્ય નથી. અને આમ પણ હું રહ્યો ખારવાનો બચ્ચો. સાહસ તો અમારા લોહીમાં વહેતું હોય છે. જોખમો અને મોતથી ડરવા લાગીએ તો અમારું ખારવાપણું લાજે. ” મંગલે જવાબ આપ્યો.

“ વાહ ! મંગલ, તારી ખુમારી માટે માન છે. ” શેઠે ગર્વ સાથે મંગલને કહ્યું.

“ શેઠજી, એ સમયે મંગલ જો આવ્યો ન હોત તો અમારામાંથી કદાચ કોઈ બચ્યું ન હોત. પેલા આદિવાસીઓ તેમનાં દેવતાઓને અમારી બલિ ચડાવી જ દીધી હોત. ” શામજીએ શેઠજીને કહ્યું.

શેઠજીને નવાઈ લાગી કે મંગલને માત્ર એક જ માણસને બચાવવા મોકલ્યો હતો. પરંતુ આ બધા કોણ હશે ?

“ શેઠજી, આ શામજી છે જેને લઈ આવવાનું કામ મને સોંપાયું હતું. ” શામજીની ઓળખ કરાવતા મંગલે કહ્યું.

“ અને આ બધા કોણ છે ? ”

“ આ બધા પણ ત્યાં જ ફસાયેલા હતા. આ સરમણ, કરીમ અને ઈમરાન છે. બીજા ત્રણ લોકો પણ હતા પણ તે જંગલમાંથી બહાર નીકળ્યા પછી પોતાનાં રસ્તે નીકળી ગયા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે બધાને કોટડીમાં પૂરેલા હતા અને મહામહેનતે અમે બહાર નીકળેલા. ” મંગલે જવાબ આપ્યો.

“ ખરેખર મંગલનું સાહસ જોરદાર છે શેઠજી, આ ન હોત તો કદાચ... ” સરમણે કહ્યું.

“ ભાઈઓ, હવે તમે અહી સુરક્ષિત છો. ગભરાવવાની જરૂર નથી. હું તમારી જગ્યાએ તમને પહોંચાડવાની વ્યવસ્થા કરી આપું છુ. ત્યાં સૂધી તમે બધા અમારા મહેમાન છો. ” શેઠ હરખચંદે કહ્યું.

“ મુનિમ, આ બધા આપણાં મહેમાનો છે. તેમનાં રહેવા, જમવાની વ્યવસ્થા કરી દો અને હા, પેલા શેઠને પણ કાગળ લખી જાણ કરી દો. ” શેઠે કહ્યું.

“ જી શેઠજી, હમણાં જ એક કાગળ લખી દઉં. ” મુનીમે કહ્યું.

“ અરે ઓ રામજીભાઈ, પેઢીનાં દરેક નાના મોટા કર્મચારીઓ, મજૂરોને જણાવી દો કે આજનું સાંજનું ભોજન શેઠ તરફથી છે. આપણો મંગલ આજે પાછો ફર્યો છે. ” ખૂબ ઉત્સાહ અને ઉમળકાથી કહ્યું.

ઈમરાને શેઠનું માયાળું વર્તન જોઈ ખૂબ રાજી થયો. તેણે તરત જ શેઠને કહ્યું, “ શેઠજી, અમારા માલિક પણ તમારા જેવા હોત તો વાત જ કંઈક અલગ હોત. અમારી મુશ્કેલીનાં સમયમાં તો અમારી પેઢીમાંથી કોઈ અમને મદદ કરવા ન આવ્યું પણ મંગલે જીવને જોખમમાં મૂકી અમને લોકોને બચાવ્યા. આજે જો અમે જીવીએ છીએ તે તમારા કારણે છે. ”

“ અમારા શેઠ ખૂબ ઉદાર દિલનાં છે, ઈમરાન. ” મંગલે કહ્યું.

“ શેઠજી, જો તમને વાંધો ન હોય તો શું અમે લોકો તમારી પેઢીમાં કામે રહી શકીએ ? ” કરીમે પૂછ્યું.

શેઠે થોડી વાર પ્રશ્નાર્થભરી નજરે બંને સામે જોયું. બંને શેઠજીનો ચહેરાનો ભાવ કળી શકતા ન હતા. અંતે શેઠે હાસ્ય સાથે કહ્યું, “ ઠીક છે. તમે બંને પણ અહીં રહી શકો છો. પણ તમારા ઘર બાર વિશે તો જણાવો. ”

“ અમે મૂળ મરાઠી છીએ, મહારાષ્ટ્રનાં થાણેનાં. ગુજરાતીઓ સાથે કામ કરવાના અનુભવે ગુજરાતી બોલતા આવડી ગયું છે. આઈ અને બાબા તો દેશમાં જ રહે છે. ” ઈમરાને જણાવ્યુ.

“ ઠીક છે. મુનિમ જી, કામ પત્યુ હોય તો આ બંનેને કામ અને પગાર વિશે સમજાવી દેશો. ” મુનિમને કહ્યું.

“ ઈમરાન, કરીમ, આ મુનીમજી અમારી પેઢીમાં વર્ષોથી કામ કરે છે. ખૂબ અનુભવી પણ છે. ” મંગલે કહ્યું.

મુનિમ અને રામજીભાઈ નામનાં એક કર્મચારી બંનેને પોતાની સાથે કામ સમજાવવા લઈ ગયા.

“ શેઠજી, કામકાજ કેવું ચાલે છે ? ” મંગલે પૂછ્યું.

“ હજી આવ્યો છો તે થોડો આરામ તો કરી લે. આવતાવેંત જ કામ ? ” શેઠે હળવેથી ટપારીને કહ્યું.

બધા હસી પડ્યા.

“ શેઠજી, ખારવાનો દીકરો છુ. જમીન કરતાં અમને દરિયો વધુ સાંભરે. હજી આંખો તરસી છે દરિયાની ખારાશને પોતાની અંદર ભરી પીવાની. ” મંગલે કોઈ કવિની માફક કહ્યું.

“ સારું સારું, અત્યારે તો બધા આરામ કરો. કામ આખી જિંદગી કરવાનું જ છે. સાંજે જમણવાર છે. બધા તૈયાર થઈ જજો. હું હમણાં આંટો મારી આવું.” આટલું કહી હરખચંદ બહાર નીકળી ગયા.

શેઠ હરખચંદની પેઢી ત્રણેક દાયકાઓથી ટાંઝાનિયામાં હિન્દી મહાસાગરનાં કિનારે આવેલા ટાંગા બંદરે આવેલી હતી. મૂળ ગુજરાતનાં હાલાર પ્રાંતનાં વણિક હરખચંદ અને લોહીમાં જ વેપાર કરવાની વૃત્તિ રહેલી. વતનમાં તો બાપદાદાની પેઢી હતી જ પણ હરખચંદને ઘરની પેઢીમાંથી બહાર નીકળી કંઈક નવું સાહસ કરવાની ઈચ્છા જાગી. બાપા પાસેથી વેપાર કરવાની કોઠા સૂઝ હરખચંદને મળેલી. માણસોને પારખવાની સૂઝ તેનામાં હતી. હાલારમાં બાપદાદાનો મસાલાનો વેપાર હતો. વર્ષોથી જામી ગયેલી પેઢી હતી અને આવક પણ સારી હતી. પણ હરખચંદને અંદરોઅંદર અસંતોષ થતો રહેતો. તેમને આ વતનનાં ચોકઠામાંથી બહાર નીકળવું હતું. પણ બહાર ક્યાં જવું એ બાવીસ વર્ષનાં હરખચંદને સમજાતું ન હતું. એવામાં કુટુંબનાં દબાણવશ તેમનાં લગ્ન પણ લેવાયા. હવે જવાબદારી બમણી થઈ ગઈ. મનોમન હરખચંદ ખૂબ મૂંઝાયા કરે પણ આખરે એક દિવસ બાપાને બધી વાત કરી દીધી.

બાપાએ જુવાનીનાં જોશ ગણી તેનાં વિચારોને અવગણી દીધો. હરખચંદને સતત મનમાં અજંપો થવા લાગ્યો. અંતે ફરીથી હિંમત કરી મક્કમતા દાખવી બાપાને બધી વાત કરી. આ વખતે બાપા ના ન પાડી શક્યા. હરખચંદ હાલાર છોડી મુંબઈ ભણી ડગ માંડ્યા. ત્યાંની દરિયાઈ વેપારી પેઢીમાં સાતેક વર્ષો નોકરી કરી. ત્યાંથી નીકળી આફ્રિકાનાં ટાંઝાનિયા ખાતે આવેલી એક પેઢીમાં સાતેક વર્ષો નોકરી કરી. વતનની પેઢીમાં શીખેલી કોઠા સૂઝ અને દેશ દેશાવરનાં વ્યાપાર નીતિઓથી હવે હરખચંદ વાકેફ થવા લાગ્યા હતા. લોહીમાં જ વેપાર હતો એટલે નોકરી પડતી મૂકી ધંધામાં ઝંપલાવ્યું. આ એક આર્થિક જોખમ જ હતું પણ હરખચંદ મનથી મક્કમ રહ્યા.

ગ્રાહકો સાથે સંબધો જાળવવાની પ્રણાલી તેમણે જાળવી રાખી હતી. અનોખી સૂઝને કારણે વેપારમાં સારી એવી શાખ અને વિશ્વસનીયતા કેળવી લીધેલી. ધીરે ધીરે ટાંગા બંદરગાહ પર એક વેપારી કોઠી સ્થાપી દીધી. સમય જતાં હરખચંદે વહાણો વસાવ્યા. દેશ પરદેશમાં તેમનાં વહાણો માલ સામાનની હેરફેર કરતા હતા. તેમનો મુખ્ય વેપાર ખાડીનાં આરબ દેશો, આફ્રિકાનાં પૂર્વી કિનારાનાં દેશો તથા ભારત સાથે રહેતો હતો. હરખચંદ અને તેનાં વતનને હિન્દી મહાસાગર જોડી રાખતો હતો. હરખચંદે ત્રણ દાયકાઓમાં કેટલીય આફતોનો સામનો કરવો પડેલો. આંતરરાષ્ટ્રીય વેપાર નીતિઓની અને બે દેશો વચ્ચે યુદ્ધોની ગંભીર અસરો પણ ધંધામાં જોઈ હતી.

મંગલનાં પગલાં જ્યારે પેઢીએ પડ્યા ત્યારે પણ પેઢી મુખ્યત્વે સોમાલિયાનાં ચાંચિયાઓથી વધુ ત્રસ્ત હતી. માલવાહક જહાજો તેમનો હંમેશાથી નિશાનો રહેતા. સાતેક વર્ષો પહેલા મંગલ કામની શોધમાં હરખચંદની પેઢીએ પહોંચ્યો. શેઠ હરખચંદે મંગલ વિશે ઝીણવટથી બધી પૂછપરછ કરી લીધી. શેઠ હરખચંદ કોઈ એવા માણસોની શોધમાં હતા જે ચાંચિયાઓનાં આતંકમાંથી તેમનાં વહાણોને મુક્ત કરાવે. આના માટે કોઈ સાહસિક માણસની શોધમાં હતા. મંગલ ખારવો હતો. વતનમાં કરેલા સાહસો વિશે શેઠને જણાવ્યુ પણ એથી શેઠને સંતોષ ન થયો. પહેલી નજરે તો શેઠને મંગલ વિશે કોઈ ખાસ વિશ્વાસ બેઠો ન હતો. આખરે તો વાણિયાનો જીવ રહ્યો ને ! માણસોને બરાબર પારખીને પોતાને ત્યાં કામે રાખતા. શેઠે મંગલને ચાંચિયાઓનાં આતંકની વાત કરી. શેઠ હવે મંગલની પરીક્ષા કરવા માંગતા હતા કે તે પોતાને ત્યાં કામ કરવા લાયક છે કે નહીં ? મંગલ તેનાં વહાણમાં જવા તૈયાર થયો. તેમને કામની જરૂરિયાત હતી અને હરખચંદને યોગ્ય માણસની.

વહાણ બંદરેથી ઉપડયું અને મંગલ તેની ઉપર હતો. વહાણ આશરે 120 નોટિકલ માઈલ જ દૂર ગયું હતું કે દૂરથી ચાંચિયાઓએ વહાણને ઘેરી લીધું. પણ મંગલે એ સમયે સમયસૂચકતા વાપરી સાહસિકતાનો પરચો કરાવી દીધો. જહાજને અમુક કલાકોમાં જ ચાંચિયાના કબજામાંથી મુક્ત કરાવ્યું. શેઠને જ્યારે આ વાતની ખબર પડી કે શેઠના હરખનો પાર ન રહ્યો. બીજી કોઈ ઔપચારિકતાની જરૂર જ ન હતી. મંગલ ત્યારથી પેઢીમાં કામ કરતો થઈ ગયો અને શેઠનો જાણે જમણો હાથ બની ગયો.

************

સાંજ પડવા આવી હતી. વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો. બધા કર્મચારીઓ અને મજૂરો એક પંગતમાં જમવા બેઠા. પરદેશની ધરતી પર વતનની રીતભાતથી સૌને ભોજન પીરસવામાં આવ્યું. શામજી, સરમણ, ઈમરાન અને કરીમ ખૂબ ભાવુક થઈ ગયા. થાળીમાં પકવાન અને સ્વાદિષ્ટ ભોજન હતું. મહિનાઓ સૂધી તેઓને ઢંગનું ભોજન પણ નસીબ થયું ન હતું. તેઓની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. ભોજન બાદ શેઠે બધાને મંગલના પરાક્રમોની ગાથા સંભળાવી. બીજા સાથીદારોએ જંગલમાં આદિવાસીઓ સાથેનાં પોતાનાં અનુભવો વર્ણવ્યા. પેઢીમાં આજે ઉજાણીનો માહોલ હતો. મહિનાઓ પછી આનંદ ઉલ્લાસનો માહોલ હતો. બધા વચ્ચે સંગીત અને નાચ ગાનની મહેફિલ થઈ. આમ કરતાં દિવસ પૂરો થયો.

આજે હરખમાં ડૂબેલા ચહેરાઓને ક્યાં ખબર હતી કે કાલે શું થવાનું છે ? શું આનંદ અને ઉલ્લાસમય બનેલા વાતાવરણને કોઇની ખરાબ નજર લાગવાની હતી ? હજાર પ્રયત્નો કરો છતાં નિયતિને કોઈ ટાળી શકતું નથી. સાક્ષાત શ્રી રામનાં શિરે જે સમયે રાજમુકુટ સ્થાપિત થવાનો હતો તે સમયે તેઓએ વનવાસની તૈયારી કરવી પડેલી. વિધાતાનાં આ બધા ખેલ હતા. મંગલની સાહસિકતાની કસોટી થવાની હતી.. મંગલ પર કોઈ સંકટ આવશે કે શેઠ હરખચંદ પર ? શું થવાનું હતું ?

To Be Continued…

Wait For Next Part…