" મમ્મી, જૉહ્નથનનો ઇ-મેઇલ આવ્યો છે. એમને આપણું કન્સાઈનમૅન્ટ મળ્યું નથી. હું જરા ફૅડેક્સની ઓફિસ પર તપાસ કરી આવું.", એકટીવાની ચાવી ઘુમાવતાં કૃતિકા બોલી.
"તમારી રંગોની પસંદગી અફલાતૂન છે હોં મમ્મી...", હસતાં હસતાં જ એણે પગ ઉપાડ્યા.
"હા બેટા, જઈ આવ." ઈંદુબેન હીંચકા પર બેસી આજે જ આવેલાં મેગેઝિન નો નવો અંક જોઈ રહ્યા હતાં.
"કેટલી ઉત્સાહી છે આ છોકરી !! એનાં આ ઉત્સાહે મારામાં પણ એક નવી ઉર્જાનો સંચાર થાય છે. ", કૃતિકાની ત્વરિત ચાલને જોઈ મનોમન બોલી ઉઠ્યાં.
***
" તને એમાં ખબર ન પડે."
આ વાક્ય ઈંદુબેન છેલ્લાં પચ્ચીસ વર્ષથી લગભગ રોજ સાંભળતાં. જીવનની આ ધ્રુવ પંક્તિ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સંદર્ભે સાંભળવા મળતી.
વાત કંઈક આમ હતી...
ઈંદુબેનના પતિ સુભાષભાઈ અમદાવાદમાં રહેતા. વતન તો હતું લીમડી પણ એમનાં ભણતર અને નોકરીએ એમને સંપૂર્ણ અમદાવાદી બનાવી દીધેલા. પોતે અમદાવાદ રહેતાં અને એમની ઈચ્છા પણ એવી જ હતી કે કન્યા અમદાવાદની જ હોય. શહેરમાં ઉછરેલી હોય. પણ સુભાષભાઈની કુંડળી કંઈક અટપટી હતી જેથી શહેરમાં રહેતી, સારા ઘરની ભણેલી, સુશીલ, દેખાવડી એવી ઘણી કન્યાઓ જતી કરવી પડી. હવે ઉમર પણ સત્તાવીસે પહોંચવા આવી એટલે માતાપિતાનાં આગ્રહવશ ઈંદુબેન સાથે કમને લગ્ન માટે સહમતિ આપી.
ઈંદુબેન ગોંડલમાં રહેતાં એક સંપન્ન પરિવારના દીકરી. ગ્રેજ્યુએટ થયેલાં, દેખાવડાં, સુશીલ અને સર્વગુણ સંપન્ન યુવતી. પણ સુભાષભાઈનાં મનમાં એક ગ્રંથિ બંધાઈ ગયેલી કે એ ગામડાના છે. ગોંડલ પણ એક નાનું પણ સુંદર શહેર છે પણ આ વાત સુભાષભાઈને કેમ સમજાવવી??
આવી વિસંવાદિતાઓ વચ્ચે જ એમનાં લગ્ન થયા અને પછીથી સુભાષભાઈ પત્ની અને માતાપિતા સાથે અમદાવાદ રહેવા આવી ગયા.
પિયરના મેડીબંધ હવેલી જેવા ઘરમાંથી ઈંદુબેન બે રૂમ રસોડાનાં ફ્લેટમાં આવ્યાં. સૌરાષ્ટ્રના રિવાજ પ્રમાણે કરિયાવરમાં કપડાં-લત્તાં અને ઘરેણાંની સાથે હસ્તકલાની ઘણી ચીજવસ્તુઓ જાતે બનાવીને લાવેલાં.
" આ બધું શું છે?"
" ઝીણાં મોતી ભરેલું તોરણ. મેં જાતે જ બનાવ્યું છે...
" તમને ગમ્યું??.... બીજું પણ ઘણું છે... બતાવું?"
" નહીં નહીં... આ બધું અહીં શહેરમાં ન ચાલે. એ તો ત્યાં ગામડામાં જ હોય. આટલી ખબર નથી પડતી?"
ઈંદુબેને મન મારીને એ બધું માળિયે મૂકી દીધું.
***
" બા આજે જમવામાં શું બનાવું? ", મહારાજ ઘણીવાર સુધી એમનાં જવાબની રાહ જોઈ ઉભો હતો.
એ કંઈ ન બોલી શક્યાં. થોડીવાર મહારાજ ઈંદુબેનની અનિર્ણાયક સ્થિતિ જોઈને ચાલ્યો ગયો.
***
" બા આજે જમવામાં શું બનાવું? "
સાસુના ચહેરા પર પ્રશ્નાર્થ જોઈ ઈંદુબેને ફોડ પાડયો.
" આજે એમની વર્ષગાંઠ છે તો આજે સાંજે એમની મન પસંદ વાનગી બનાવું. બા, કહો ને એમને શું ભાવે? "
કોડભરી નવવધુને નીરખતાં બા અત્યંત હર્ષ પામ્યાં. .
" ભાઈને તો શીરો બહુ ભાવે. આપણે ગામ રહેતા ત્યારે આપણી હાલત થોડી પાતળી તો પણ એના જન્મદિવસ અચુક શીરો બનતો. ભાઈ હોંશે હોંશે ધરાઈને ખાતો."
" તો તો આજે શીરો જ બનાવું."
સાંજે રસોઇથી પરવારી ઈંદુબેન પતિની કાગડોળે રાહ જોઈ રહ્યાં.
સાત... આઠ... નવ... ઈંદુબેને આગ્રહ કરી સાસુ સસરાને જમાડી દીધાં. સુભાષભાઈ ઘરે આવ્યા ત્યારે સાડા દસ વાગી ગયા હતા. ખુબ થાકેલા પણ જણાતા હતા.
" બા-બાપુજી સુઈ ગયાં? "
ઈંદુબેને હકારમાં માથું હલાવ્યું.
" બહુ મોડું થઈ ગયું આજે. ભુખ પણ લાગી હશે. થાળી પીરસું?"
"મારા જન્મદિવસ નિમિત્તે અૉફિસ સ્ટાફને પાર્ટી આપી. ત્યાં જમીને જ આવ્યો છું."
"પણ મેં તો તમારો પ્રિય શીરો.."
"નોનસૅન્સ, જન્મદિવસે તો કંઈ શીરો હોય? બર્થડે પર કેક કટ કરવાની હોય. પણ તને એમાં ક્યાંથી સમજ પડે?!"
" હું નાહીને આવું એટલીવારમાં તું પણ ફ્રેશ થઈ જા. તારી પાસેથી ગીફ્ટ તો ચોક્કસ લઈશ. ", અવાજમાં બને તેટલી સુંવાળપ લાવી એ બોલ્યા. અને વિરોધાભાસ વચ્ચે વમળાતાં પોતે સંજોગોને વશ થઈ પછી પતિને વશ થઈ ગયાં.
સતત નાની-મોટી અગવડતાઓ વચ્ચે પણ હસતાં મોઢે અનુકૂલન સાધી નાનકડાં ફ્લેટમાં સાસુ સસરા સાથે સંતોષથી રહેવા લાગ્યાં. ઈંદુબેન પહેલેથી જ કાર્યદક્ષ અને કુશળ. ઘરની સંભાળ ઉપરાંત સુભાષભાઈને પણ મદદ કરવાની તૈયારી બતાવે.
" તમારે મોડું થતું હોય તો હું બૅન્ક જઈ આવું. બાપુજીના આવા નાના મોટા કામ હું પહેલાં કરતી જ."
" તને એમાં શી ખબર પડે? રસ્તાઓ જોયા છે? આ કંઈ તમારું ગામડું નથી."
" લાઈટ બીલ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે."
" તને એકને જ ખબર પડે?"
" આ બાથરૂમમાં પાણી ટપકે છે. "
" મારા ધ્યાનમાં છે જ. તારે કહેવાની જરૂર નથી. "
આમ ને આમ સમય સરતો રહ્યો. લગ્નના બે વર્ષ બાદ એમને એક પુત્રને જન્મ આપ્યો. રંગેરૂપે ખુબ સુંદર અને તંદુરસ્ત. છઠ્ઠીની વિધિ પતી પછી એ રાતે એમણે ખુબ જ ભાવુક થઈને કહ્યું,
" આપણે આપણાં દીકરાનું નામ આશુતોષ રાખીશું. "
" મેં જન્મની નોંધણી વખતે અનિકેત નામ લખાવી દીધું છે."
" તમે મને એકવાર કહ્યું પણ નહીં?? "
" એમાં તને શું કહેવાનું? નામ મોર્ડન પણ લાગવું જોઈએ ને!"
પોતાનો દીકરો, પોતાનું પ્રથમ સંતાન, એનું નામ પાડવાની પણ સમજ ન પડે!
ઈંદુબેનનું મન ચિરાઈ ગયું. બસ ત્યારથી જ એમનાં હસમુખ સ્વભાવમાં એક મૌન પથરાઈ ગયું.
પછી તો દીકરાના કપડાં, રમકડાંથી માંડી એની સ્કૂલ અને વિષયોની પસંદગીમાં ક્યારેય એમણે પોતાનો મત ન જણાવ્યો જો કે કોઈ એ ક્યારેય એમને પુછ્યું પણ ક્યાં હતું!
ફલેટમાંથી રૉ- હાઉસમાં અને પછી ટૅનામેન્ટમાં રહેવા આવી ગયાં. દીકરાના પગલે ઘરમાં આર્થિક સધ્ધરતા આવી. અનિકેત હતો પણ એવો કે પરાણે વ્હાલો લાગે. એની મમ્મી એની જ એની દુનિયા. ગીતો સાંભળવતી મમ્મી... વાર્તા કહેતી મમ્મી.. હોમવર્ક કરાવતી મમ્મી.. સ્વાદિષ્ટ વાનગીઓ ખવડાવતી મમ્મી.. બાને આદર આપી સાચવતી મમ્મી.. ઓછાબોલી અને પ્રેમાળ મમ્મી. મમ્મી એને ખુબ જ વ્હાલી. પણ પપ્પાની હાજરીમાં મમ્મી કંઈક વધારે જ ચૂપ થઈ જતી. જેમ જેમ એ સમજણો થતો ગયો એને પણ મમ્મી અણઘડ લાગવા માંડી. પપ્પાની સતત અવગણના અને મમ્મીના મૂક અનુસરણને કારણે અનિકેતના મનમાં પણ એ વાત બેસી ગઈ કે મમ્મીને કંઈ ખબર ન પડે.
સ્કુલમાં જતો અનિકેત ક્યારે કૉલેજ જતો થઈ ગયો એ ખબર જ ન પડી. અનિકેત દેખાવમાં બિલકુલ ઈંદુબેન પર ગયેલો. બુદ્ધિશાળી તો એ પહેલી જ હતો અને ભણવામાં પણ અવ્વલ રહેતો.
એન્જિનિયરીંગ પુરું કરી એક મલ્ટીનેશનલ કંપનીમાં જોડાયો. ભણેલો, દેખાવડો અને સારું કમાતો અને કુટુંબની છાપની સારી. સારાં સારાં ઘરના માગાં આવવા લાગ્યાં. લગ્ન ઇચ્છુક યુવતીના માતાપિતા સૌપ્રથમ ઈંદુબેનનો સંપર્ક કરતાં પણ એમની ઈચ્છા અનિચ્છાનું કોઈ મુલ્ય ન હતું. ઘરનાં નાનામોટા નિર્ણયો સુભાષભાઈ જ કરતાં. અનિકેત પણ પોતાના નિર્ણયો જાતે કરતો. એ અરસામાં જ અનિકેત કૃતિકાને મળ્યો. કૃતિકા એની જ કંપનીના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં મુંબઈની ઓફિસમાં કામ કરતી હતી. એનાં અભિજાત સૌંદર્ય, બુધ્ધિમત્તા અને મૃદુતાથી એ ઘણો પ્રભાવિત થયો. એનો પરિવાર અમદાવાદમાં જ રહેતો હતો. આત્મવિશ્વાસથી છલકાતી કૃતિકા તરફ અનિકેત ખેંચાતો ગયો. પરિચય મૈત્રીમાં અને મૈત્રી ધીરે ધીરે પ્રેમમાં પલટાવા લાગી.
" આઈ લવ યુ, કૃતિકા. વિલ યુ મેરી મી? આઈ વોન્ટ ટુ લીવ માઈ હોલ લાઈફ વિથ યુ."
" આઈ વિશ ટુ, અનિકેત. પણ મારે મમ્મી પપ્પાની સહમતિ લેવી પડશે."
અનિકેત કૃતિકાના માતાપિતાને મળ્યો. દીકરીનાં ભાવિ જીવનસાથી તરિકે અનિકેત દરેક યોગ્ય હતો. એમણે લગ્ન માટે સહર્ષ સ્વીકૃતિ આપી. ઈંદુબેન અને સુભાષભાઈ પણ કૃતિકાને મળ્યાં. કૃતિકાનું નિખાલસ વ્યક્તિત્વ જોઈ ખુશીથી સંમતિની મહોર મારી દીધી.
રંગેચંગે બન્નેના લગ્ન લેવાયાં અને કૃતિકા નવોઢા બની ઘરમાં પ્રવેશી. ગણતરીના દિવસોમાં એ જાણી ગઈ કે ઘરમાં ઈંદુબેનને કોઈ કંઈ પુછતું નથી. એણે મનોમન નક્કી કર્યું કે પોતે ફરીથી એમનામાં આત્મવિશ્વાસ પ્રગટાવશે.
હવે કૃતિકા મુંબઈની જોબ છોડી દીધી હતી અને ફરી જોઈન કરતાં પહેલાં ફેમિલી સાથે સમય વિતાવવા માગતી હતી. કૃતિકા નાનામાં નાનું કામ ઈંદુબેનને પુછીને કરતી. અનિકેત અને સુભાષભાઈ રોજ સવારે નીકળી જતા પછી કૃતિકા અને ઈંદુબેન આખો દિવસ વાતો કરતાં. વાતો વાતોમાં જ કૃતિકા એ જાણ્યું ઈંદુબેનને ભરતગુંથણનો ખુબ શોખ છે. નોકર પાસે માળિયેથી બધી જૂની વસ્તુઓ ઉતરાવી.
કૃતિકા જે ઉત્સાહથી બધું જોઈ રહી હતી એ જોઈ ઈંદુબેનને ખુબ જ આનંદ થયો.
"મમ્મી, યુ ગોટ અમેઝીંગ ટેલન્ટ એન્ડ સ્કીલ! "
" ઠીક છે. અહીં શહેરમાં તો આવું કોને ગમે? હવે તો ગામડામાં પણ આ બધું આઉટ ઓફ ફેશન થઈ ગયું."
" એવું કોણે કહ્યું, મમ્મી ? કળા તો સોનું કહેવાય. એને શેં કાટ લાગે? હું આમાંથી એક બે વસ્તુ રાખું? "
" અરે, આ બધું તારું જ સમજ. તું જ એની પહેલી કદરદાન છે."
કોઈ ખજાનો હાથ લાગ્યો હોય એમ એ હરખાતી હરખાતી બધું લઈને ગઈ.
કૃતિકા એની ફેશન ડિઝાઇનર ફ્રેન્ડ શેલીને મળી અને પેલાં નમૂના બતાવ્યાં. ઘેલી ઘેલી એ બીજા દિવસે ઘરે જ આવી ચડી.
"હેલ્લો આંટી, વૉટ અ ફેન્ટાસ્ટિક વર્ક યુ હેવ ડન! "
" કૃતિ, યુ આર સો લકી ટુ હેવીંગ સો ટેલન્ટેડ મધર-ઈન-લૉ."
કૃતિકા સાથે કલાક એક વાતો કરીને એણે વિદાય લીધી. કૃતિકા એ શેલી સાથે ટાઈ-અપ કરી ઈંદુબેનની કલાને એક નવો આયામ આપ્યો. રોજ સવારે સુભાષભાઈ અને અનિકેત ઓફિસ જાય પછી કૃતિકા અને ઇન્દુબેન શેલીનાં બુટિક અને વર્કશૉપ પર પહોંચી જતાં. ઈંદુબેન અત્યંત ધીરજથી આધુનિકયુગનાં કારીગરોને પોતાની કળાત્મક સૂઝનો લાભ આપી શીખવતાં અને શેલી એને કુશળતાથી અર્બન લૂક આપતી. માર્કેટીંગ અને એડવેરટાઈઝમૅન્ટની પૂરી જવાબદારી કૃતિકાએ પોતાના પર રાખી હતી. ત્રણ વર્ષની સતત મહેનત રંગ લાવી રહી હતી.
એક અઠવાડિયા બાદ જયારે શેલી ઈંદુબેન સાથે પોતાનો પ્રથમ શૉ યોજવા જઈ રહી હતી ત્યારે જ સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર કૃતિકાએ અનિકેત અને સુભાષભાઈને સરપ્રાઇઝ આપતાં શૉનું ઇન્વિટેશન કાર્ડ સામે ધર્યું.
"પપ્પા, આ મમ્મીનાં ડિઝાઇન કરેલાં ડ્રેસીસનાં ફેશન શૉનું કાર્ડ છે. તમે મમ્મીને પ્રોત્સાહન આપવાં હાજરી આપશો ને?"
"અનિકેત, તું પણ ટાઈમ મૅનેજ કરીને આવી જજે. મમ્મી માટે બહુ ખાસ છે આ દિવસ."
અનિકેત આશ્ચર્યચકિત થઈને ઈંદુબેનની પ્રતિભાને જોઈ રહ્યો. કદાચ જીવનમાં આજે પહેલીવાર તે પોતાની મા પર ગર્વની લાગણી અનુભવી રહ્યો હતો.
" વૉટ અ ફૅન્ટાસ્ટિક સર્પ્રાઇઝ મૉમ?! આ બધું..આઈ મીન ક્યારે? આઈ એમ રીયલી પ્રાઉડ ઓફ યુ મૉમ. ", અનિકેત પોતાના હર્ષ અને આશ્ચર્યને ખાળી શકે તેમ ન હતો.
સુભાષભાઈ ઈન્દુબેનને આજે એક નવાં જ રૂપમાં નીહાળી રહ્યાં. ઈંદુબેન પણ અશ્રુભીની આંખે કંઈક અપેક્ષાસહ સુભાષભાઈ તરફ જોઈ રહ્યાં. વીતેલા વર્ષોની એક એક પળ બંનેની ચિત્તપટ પરથી પસાર થઈ ગઈ જયારે એમને ઈન્દુબેનને દરેક બાબતમાં ઓછા આંકી અવગણ્યા હતાં.
"હું જરૂર આવીશ ઈંદુ, તારી સફળતાની ઉજવણી આપણે સાથે મળીને કરીશું.",પશ્ચાતાપભરી ભીની આંખોને છુપાવતાં એ ઓફીસ જવા નીકળી ગયા. ઈંદુબેન પોતાના હર્ષાશ્રુને રોકવામાં બિલકુલ અસમર્થ હતાં.
ફૅશન શો ખુબ જ સફળ નીવડ્યો. ઈંદુબેનની ગામઠી કલાનાં અર્બન બ્લેન્ડને લોકો એ ખુબ પસંદ કર્યું. ફેશન વર્લ્ડમાં એમની ક્રિયેટિવીટી ખુબ સરાહના પામી. લોકોની ખુબ વાહવાહી મળી. સુભાષભાઈની આંખોમાં પત્ની પ્રત્યે એક આદર પ્રસ્થાપિત થયો જે ઈંદુબેન માટે સૌથી વધારે મહત્વનું હતું.
કૃતિકા એ પોતાની માર્કેટીંગ સ્કીલ કામે લગાડી. પાંચ વર્ષની અથાક મહેનતથી આજે "ધાગે" બ્રાંડ સફળતાપૂર્વક લૉન્ચ થવા જઈ રહી હતી.
***
અતીતનાં સાગરમાં સફર કરી પાછા આવેલાં ઇન્દુબેન અનન્ય આત્મવિશ્વાસથી ટટ્ટાર થઈ બેઠાં. હાથમાં રહેલી મૅગેઝીનનાં કવર પેજ પર પોતાની કૃતિકા સાથેની ગર્વિત આભા રેલાવતી તસવીરને ભીના ટેરવાથી ચૂમી રહ્યાં.
ટાઈટલ હતું...
"More than a Daughter-in-law.. My friend, philosopher and guide. "
- પ્રિયંકા જોષી 'પ્રેમપ્રિયા'