Knowledge Station - Param Desai in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | સાહસિકો ઝંખતા ખોવાયેલા સાચુકલા ખજાના : ભાગ ૧

Featured Books
Categories
Share

સાહસિકો ઝંખતા ખોવાયેલા સાચુકલા ખજાના : ભાગ ૧

બાળપણથી જ આપણને ખજાનો શબ્દનું ઘેલું લાગ્યું હોય છે. ચાર-પાંચ મિત્રોની ટોળકી હોય, એકાદ નક્શો હોય, મસમોટું વહાણ હોય ને એક ભેદી ટાપુ હોય. અને એ ટાપુ પર દાટેલો હોય એક ખજાનો જે હીરા-મોતીથી અને બીજા અન્ય કિંમતી ઝવેરાતોથી ખદબદતો હોય. નાયક અને એના સાથીઓ ભારે હાડમારીઓ વેઠીને ટાપુ પર પહોંચે, દુશ્મનો સાથે લડીને વિજયી બને, ચાંચિયાઓ/Pirates નો સામનો કરવાનો હોય ને ખજાનો ‘ઘર ભેગો’ કરે ને પછી ખાધું, પીધું ને રાજ કર્યું. ખરું ને ?

ઉપરનું વર્ણન વાંચીને વાચકો કિશોરોના લાડલા જૂલે વર્નને અને એવા બે-ચાર લેખકોને યાદ કરે તો નવાઈ નહીં. ટ્રેઝર હન્ટિંગ/Treasure Hunting ની સામાન્ય પરિકલ્પના આપણે બાળપણથી આવી કરતા આવ્યા છીએ. સમય જતાં એ પરિકલ્પનામાં ધરખમ ફેરફારો થાય છે, તો પણ વાતનાં મૂળમાં તો પેલો, લાકડાની વજનદાર પેટીવાળો અને હીરા-ઝવેરાત ભરેલો ખજાનો જ કેન્દ્ર સ્થાને રહે છે.

કાળક્રમે એવી જૂનવાણી દંતકથાઓ જેવી, છૂપા ખજાનાઓની વાતો ધીમે-ધીમે ભૂંસાતી ગઈ છે. આપણે આ આધુનિક જમાનામાં ખજાના દટાયા હોવાની અને ગુમ થયા હોવાની વાતોને સ્વાભાવિકપણે જ અફવાઓ તરીકે લઈ લઈએ છીએ અને ગણકારતા નથી. પરંતુ, હકીકતમાં આજે ૨૧મી સદીમાં પણ દુનિયામાં એવાં ઢગલાબંધ વણશોધાયેલા અથવા ખોવાયેલા/lost ખજાનાઓ અસ્તિત્વ ધરાવે છે જેને મેળવવા જતાં કેટલાય લોકોએ જાન ગુમાવ્યાના દાખલા નોંધાયેલા છે. ‘ખજાનો’ના આ પહેલવહેલા અંકમાં જાણો આવા જ કેટલાક સાચુકલા ખજાનાઓ વિશેનું બ્રિફ નોલેજ કે જે ઝંખી રહ્યા છે એને શોધનાર સાહસિકોને.

૧. કિંગ જ્હોનનું કિંમતી ઝવેરાત :

ઈ.સ. ૧૧૯૯ થી ૧૨૧૬ સુધીના તત્કાલીન બ્રિટન/ઈંગ્લેન્ડના શાસક કિંગ જ્હોનનો ખોવાયેલો ખજાનો દુનિયાના સૌથી મોટા ખજાનાઓમાંનો એક માનવામાં આવે છે. અમૂલ્ય રત્નો જડિત તાજ, ચાંદીની પાટો, સોનાના મોટા પ્યાલા, કોર્નવેલના સિપાહી ટ્રિસટ્રમની તલવાર, કબૂતરની કલાકૃતિવાળી સોનાની લગડીઓ અને ઘણાં બધા સોનાના સિક્કાઓ ધરાવતા કિંગ જ્હોનના ખજાનાની અંદાજિત કિંમત ૭ કરોડ ડોલર આંકવામાં આવી છે ! અલબત્ત, ઉપર દર્શાવેલું બધું જ ઝવેરાત જ્હોન પાસે હતું કે કેમ તે અંગે શંકાઓ જરૂર છે. આ ખજાનો ક્યાં ખોવાયો અને એની પાછળની કથિત કથા શું છે એ હવે જાણો.

કિંગ જ્હોન ખાસ કરીને ઇંગ્લેન્ડના બાળકોમાં રોબીન હુડની વાર્તા જેવા Arch-Villain એટલે કે ‘ત્રાસ આપતા દુષ્ટ’ તરીકે પ્રચલિત છે અને ઇતિહાસમાં એ ‘બેડ/Bad કિંગ જ્હોન’ તરીકે કુખ્યાત છે. ઇંગ્લેન્ડના કિંગ હેન્રી બીજા અને તેમની પત્ની અને ફ્રાન્સના એક્વિટેઈન પ્રાંતની રાણી એલીનોર થકી ઈ.સ. ૧૧૬૬માં જ્હોનનો જન્મ થયો હતો. સમય વિત્યો અને કિંગ હેન્રી બીજાના મરણ પછી ૧૧૮૯માં મોટા દીકરા રીચાર્ડને પિતાનું સમગ્ર રાજ્યક્ષેત્ર વારસામાં મળ્યું. એ પછી દસમે વર્ષે ૧૧૯૯માં રીચાર્ડ ફ્રાન્સમાં માર્યો ગયો અને સંપૂર્ણ રાજ્યક્ષેત્ર ગયું જ્હોનને હસ્તક. ૧૨૦૪માં એ બ્રિટની-ફ્રાન્સ સામેની ચઢાઈમાં ખરાબ રીતે હાર્યો અને એને મોટો ફટકો પડ્યો, આર્થિક રીતે પણ. આ ફટકાને પહોંચી વળવા એણે ઇંગ્લેન્ડની પ્રજા પર ભારે ટેક્સ લાદ્યા. ૧૨૦૭માં ખ્રિસ્તી ધર્મના વડા/પોપ સામે તેનો ગજગ્રાહ ઊઠ્યો. જેને લીધે પોપે તેને ધર્મ અને સમાજમાંથી બહિષ્કૃત કર્યો અને અત્યંત વિવાદાસ્પદ Medieval Church Law ઘડ્યો જેને કારણે ઇંગ્લેન્ડના લોકો પર તકલીફો સર્જાઈ અને તેઓએ જ્હોનને કસૂરવાર ઠેરવ્યો.

૧૨૧૪માં ફરી જ્હોન ફ્રાન્સ સામે હાર્યો અને એ હારના નતીજારૂપે ઇંગ્લેન્ડે ફ્રાન્સ પરનાં દરેક કબજાના પ્રદેશો ગુમાવ્યા. આવી ને આવી બીજી ઘણી શરમજનક હાર થતી રહી. એટલે લાલચુ જ્હોન છેવટે હેવી ટેક્સેશન પર ઊતરી આવ્યો. એવું કહેવાય છે કે એ નિમ્ન ક્ક્ષાની ઉમરાવ પ્રજા પાસેથી વધારાના કર અને આવક વસૂલતો. છેવટે ૧૨૧૫માં પ્રજાના બળવાઓને કારણે ‘મેગ્ના કાર્ટા’ નામના ડોક્યુમેન્ટ પર તેને દસ્તખત કરવાની ફરજ પડી. મેગ્ના કાર્ટા કિંગના રાજત્વના પાવર્સ ઘટાડવા ઘડવામાં આવ્યું હતું. ઉપરાંત જ્હોનને જુદી-જુદી જાતનાં સિક્કાઓ અને કિંમતી ઝવેરાતોનો સંગ્રહ કરવાનો પણ શોખ હતો.

૧૩મી સદીથી ઇતિહાસકારો કહી રહ્યા છે તેમ, ૧૨૧૬ના ઉત્તરાર્ધમાં જ્હોન મધ્ય-પૂર્વ ઇંગ્લેન્ડના લિંકનશાયરથી કિંગ્સ-લિન્નનો પ્રવાસ ખેડી રહ્યો હતો. તેણે પોતાને વારસામાં મળેલો અને રાજ્યાભિષેક વખતે રાજચિહ્ન તરીકે સોંપવામાં આવેલો હીરાજડિત શાહીતાજ/Crown of Britain ની સાથે બીજું ઘણું ઝવેરાત એ વખતે પ્રવાસમાં પોતાની સાથે લીધું હતું. જ્હોન અને તેના રાજદ્વારી માણસો ઘોડાઓ દ્વારા હંકારાતી લાકડાનાં ડબ્બાની બેગેજ ટ્રેનની સાથે મુસાફરી કરી રહ્યા હતા. એમાંથી જ એક ડબ્બામાં જ્હોનનું ઝવેરાત હતું. ૯ ઓક્ટોબર, ૧૨૧૬ના દિવસે એ લિન્ન પહોંચ્યો. ત્યાં એની તબિયત લથડી. એણે લિંકનશાયર પાછા ફરી જવાનું એ જ વખતે નક્કી કર્યું. લિંકનશાયર પ્રાંત તેના માટે સુરક્ષિત હતો. સંઘર્ષોથી વિમુક્ત હતો. લિન્નથી લિંકનશાયરના રસ્તે આવતી વોશની ખાડી (જે એ વખતે ઘણી અંદરની બાજુ, લિન્ન તરફ હતી, આજે ત્યાંથી ખાસ્સી દૂર છે) નો વિસ્તાર અત્યંત કાદવવાળો હતો અને જમીન પણ ભીના ઘાસવાળી હતી. ૧૨ ઓક્ટોબરે જ્હોનના કાફલાએ એ ક્રોસ કરી. એ પછી વિસ્બેચ Bay/ખાડી (હાલની નીન નદી) ક્રોસ કરતી વખતે જ્હોનને ઉપરવાસથી આવતી ભરતી નડી ગઈ અને એ ભરતીમાં એનાં ઝવેરાતવાળી બેગેજ ટ્રેન એને ખેંચતા ઘોડાઓ સહિત તણાઈ ગઈ. લગભગ આખો કાફલો એ ભરતીમાં તણાઈ ગયો. અલબત્ત, પુર જેટલી મોટી આફત નહોતી એટલે જાનમાલને બહુ નુકશાન નહોતું થયું. એ પછી જ્હોનને સ્થાનિક આશ્રમમાં લઈ જવામાં આવ્યો. એણે ઝવેરાતવાળી એ બેગેજ ટ્રેનની શોધખોળ પણ આદરાવેલી, પણ એ બેગેજ ટ્રેન ક્યાંય ન જડી. જાણે પાતાળમાં સમાઈ ગઈ !

છેલ્લાં ૮૦૦વર્ષોથી આ ઘટના ઇતિહાસકારો દ્વારા કહેવામાં આવી રહી છે. એ સંપૂર્ણ સાચી છે કે કેમ એની મહોર લગાવી શકાય એમ નથી, પણ જ્હોનનું ઝવેરાત અને શાહી તાજ ખજાનારૂપે હજુ પણ અકબંધ છે. આ ૮૦૦ વર્ષોમાં ઘણાં સાહસિકોએ પોતાનાં દિમાગ કસ્યાં, પણ હજુ સુધી ખજાનો હાથ લાગ્યો નથી. ‘ખજાનો ક્યાં હોઈ શકે’ની થિયરીને રજુ કરતા ત્રણ મુદ્દા :

(૧) પરંપરાગત વ્યૂ મુજબ મુસાફરી વખતે કિંગ જ્હોન અને ઝવેરાતવાળી બેગેજ ટ્રેન વચ્ચે અમુક અંતર હતું એટલે બેગેજ ટ્રેન વોશ બેનાં પશ્ચિમ ભાગમાં સટન બ્રીજ નજીક ગાયબ થઈ હોવી જોઈએ. (નક્શો જુઓ મેગેઝીનમાં)

(૨) જ્હોન આટલાં કિંમતી ઝવેરાતને એકલાં નહોતો રાખવા માગતો. બેગેજ ટ્રેનની સાથે જ તે હતો એટલે ભરતી વખતે બેગેજ ટ્રેન વિસ્બેચ અને વાલ્સોકેન નજીક ક્યાંક ગુમ થઈ હતી.

(૩) ત્રીજી થિયરી વિસ્બેચનાં બે પ્રાંત વાલ્પોલ અને ફોલ એન્કર વચ્ચેના ક્ષેત્રનું નિર્દેશન કરે છે.

૨. ફોરેસ્ટ ફેન્નનો ખજાનો :

'એ ખજાનાની પેટી ક્યાં છે એ કોઈ નથી જાણતું, પણ માત્ર હું જ જાણું છું. જો હું કાલે મૃત્યુ પામીશ તો એ સ્થળની માહિતી પણ મારી સાથે કોફિનમાં જડાઈ જશે...'

આ શબ્દો છે ૮૬ વર્ષના મિલિયોનેર અને આર્કીઓલોજીકલ લેખક ફોરેસ્ટ ફેન્નના ! તેઓ હાલ ન્યૂ મેક્સિકોના સેન્ટા ફિમાં રહે છે અને એક આર્ટ ડીલર છે. એટલે કે કલાકૃતિઓની લે-વેચ કરે છે. તેઓ વિયેતનામમાં ફાઈટર પાઇલટ હતા. યુ.એસ. એરફોર્સમાંથી નિવૃત્ત થયા બાદ તેમનાં પત્ની પેગી સાથે તેઓ આર્ટ ગેલેરી ચલાવી રહ્યા છે. તેમના ખજાના પાછળની કથની ટૂંકમાં જોઈએ.

૧૯૭૦માં એરફોર્સમાંથી નિવૃત્ત થયા પછી ફેન્ને એની પત્ની સાથે લગભગ સત્તર વર્ષ સુધી સેન્ટા ફિમાં આર્ટ ગેલેરી ચલાવી. પણ એ પછીથી ફેન્ને પોતાનું સમગ્ર ધ્યાન અને શક્તિ Indian Pueblo જાતિનાં પુરાતન ખોદકામોમાં અને કલા-સંશોધન પરનાં પુસ્તકો લખવા પાછળ કેન્દ્રિત કર્યા.

ફેન્નના કહેવા મુજબ તેમને બાળપણથી જ આર્ટ કલ્ચર અને પુરાતન વસ્તુઓના કલેક્શનમાં અત્યંત રસ હતો, પણ અડધી જિંદગીની એરફોર્સની નોકરી આડે એ બધું શાંત સમુદ્રમાં મોતી પડ્યાં હોય એમ પડ્યું રહેલું.

૧૯૮૮માં ફેન્ન કેન્સરમાં સપડાયા. નિદાન થયું અને માંદગીમાં સરી પડ્યા. એ માંદગીએ ફેન્નને એવો રમતિયાળ વિચાર સુઝાડ્યો કે જે આજે આખા ઉત્તર અમેરિકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સાથે સાથે ગોઝારો પણ ! ફેન્નને વિચાર આવ્યો કે મૂલ્યવાન વસ્તુઓ ભરેલી પેટી કોઈક જગ્યાએ છૂપાવી દેવી અને પછી સાહસિકોને એ શોધી કાઢવા આહવાન કરવું. તેણે એક પેટીમાં ‘મૂલ્યવાન’ વસ્તુઓ તરીકે ખનિજ સ્વરૂપે રહેલું સોનું, દુર્લભ સિક્કાઓ, જ્વેલરી, અન્ય રત્નો અને પોતાની ઓટોબાયોગ્રાફી છુપાવેલી એક બરણી – આ બધું નાખ્યું. અલબત્ત, એનો હેતુ એ પેટીને પોતાની વસિયત તરીકે દાટી દેવાનો હતો. ફેન્ન જો કે પછી માંદગી સામે ટકી ગયા અને જ્યાં સુધી તેઓ ૮૯ – ૯૦ના થાય ત્યાં સુધી તેમણે પેટીને છૂપાવવાની રાહ જોઈ. હવે તેઓ કેન્સરની બિમારીમાંથી ઘણેઅંશે મુક્ત છે.

૨૦૧૦માં આખરે ફેન્ને બે જુદી-જુદી ટ્રીપ કરીને પેટીને ‘રોકી પર્વતમાળા’ પર કોઈક ગુપ્ત સ્થળે છૂપાવી દીધી. પેટીમાં રહેલા ઝવેરાતનું હાલનું મૂલ્ય ૫ થી ૬ મિલિયન ડૉલર જેટલું છે. ફેન્ન કહે છે કે જ્યારે આ મૂલ્ય ૧૦ મિલિયન ડૉલર સુધીનું થઈ જશે ત્યારે તેઓ પાછા રોકી પર્વતમાળા જઈને પોતાનો ખજાનો પાછો લઈ આવવાના છે. પણ ત્યાં સુધી ‘વેઇટ એન્ડ વોચ’ને બદલે ‘ગો એન્ડ ફાઈન્ડ’ની નીતિ પ્રમાણે દેશવિદેશના સેંકડો સાહસિકોને ફોરેસ્ટ ફેન્નનું ખુલ્લું આમંત્રણ છે. ખજાનાની મિસ્ટ્રી સોલ્વ કરવા માટે ફેન્ને તેમનાં The Thrill of the Chase નામનાં પુસ્તકમાં ખજાનાના સંભવિત સ્થળનાં ૯ ગૂઢ સંકેતો આપ્યા છે. તેમની એ કવિતાને પ્રકાશિત થયાને સાત વર્ષે હજુ પણ કેટલાય સાહસિકો માથું ખંજવાળતા કવિતામાંના ગુઢાર્થોને પામવાની કોશિશ કરે છે પણ એમાં ફાવતા નથી.

સાત વર્ષ પહેલાં ફેન્ને લખેલી એ ગૂઢ કવિતા જે ખજાનાના કેટલાય સંકેતો ધરબીને બેઠી છે એનો એક અંશ જુઓ:

…Begin it where warm water halt,

And take it in the Canyon down.

Not far, but too far to walk,

Put in below the home of Brown…

ફેન્ને જ્યારે ૨૦૧૦માં ખજાનો ‘રોકી પર્વતમાળા’માં છુપાવ્યો હતો એ જ વખતે સાહસિકોને ક્લુ આપતી આ પ્રકારની કવિતા લખી નાંખી હતી. તેઓ આગળ એમની વેબસાઈટમાં લખે છે, “સમુદ્ર સપાટીથી ૫૦૦૦ ફૂટ ઉંચે ખજાનો છુપાવવામાં આવ્યો છે...” “આઉટ હાઉસીસને ખોદવાની જરૂર નથી, કારણકે ખજાનો એકેય ઇમારત/Structure સાથે જોડાયેલો નથી...” “ખજાનો કબ્રસ્તાનમાં પણ નથી...” અને વધુમાં તેઓ ઉમેરે છે – “ખજાનો ખાણની અંદર નથી.”

સિક્કાની બે બાજુઓની જેમ ફેન્નનો ખજાનો પણ તેની ગોઝારી બાજુ દર્શાવવાનું ચૂક્યો નથી. જ્યારે કેટલાક સાહસિકોના મોત ખજાનાની શોધ કરવા જતાં થયાં તેણે ફેન્નના ખજાનાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો. જુન, ૨૦૧૭માં ૩૧ વર્ષના એરિક એશ્બી નામના સાહસિકની લાશ રોકી પર્વતમાળાની અર્કન્સાસ/Arkansas નદીમાંથી મળી એ તાજી ઘટના છે. આ પહેલાં પણ કેટલાક સાહસિકો ખજાનો શોધવા જતાં મોતને ભેટ્યાં છે. ખેર, જ્યાં ટ્રેઝર હન્ટિંગ હોય ત્યાં જોખમ તો રહેલું જ છે !

ફોરેસ્ટ ફેન્ન સાહસિકોને ચેતવણી આપતાં કહે છે કે “અમે કોઈને પણ ખોવા નથી માગતા. તૈયાર રહો. સાથે G.P.S. (Global Positioning System) રાખો. તમારી સાથે ઓછામાં ઓછી એક વ્યક્તિને જરૂર રાખો. અને જ્યારે બરફ ઓગળે ત્યાં સુધી રાહ જુઓ.”

ખજાનો શોધી લાવનારને શું મળશે એ જાણવા માગતા હોવ તો જાણી લો કે ફેન્ન એટલા તો ભેજાબાજ હશે જ કે એમનો આટલો અમૂલ્ય ખજાનો ક્યારેય કોઈના પણ હાથમાં નહિ આવવા દે. સિવાય પોતાના ! તેમ છતાં સાહસિકો માટે રસ્તો ખુલ્લો છે. તેઓ માથાં ખંજવાળતા રહે છે ને ફેન્ન સેન્ટા ફિમાં બેઠા બેઠા મરક-મરક હસતાં રહે છે !

૩. રશિયન ઝારનાં સુશોભિત ઈંડાં :

રશિયામાં પણ ઇંગ્લેન્ડની જેમ વર્ષોથી ઇસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન/resurrection નો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેને ‘ઇસ્ટર/Easter’ના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. ક્રિસ્ટમસ જેટલું જ મહત્વ આ તહેવારને આપવામાં આવે છે. સમૃદ્ધ જીવનના પ્રતીક તરીકે લોકો એકબીજાને કલાથી સુશોભિત કરેલાં ઈંડાં ભેટમાં આપે છે.

૧૮૮૫નો એ ઇસ્ટરનો દિવસ રશિયાના ઝાર/સમ્રાટ એલેક્ઝાન્ડર ત્રીજા માટે સોનાનો હતો, કારણ,કે એ દિવસે વીસ વર્ષ પહેલાં એણે ઝારીના/સામ્રાજ્ઞી મારિયા સાથે લગ્ન લીધાં હતાં. આથી એની ઉજવણીરૂપે એલેક્ઝાન્ડર મારિયાને કંઈક હટકે ભેટ આપવા માગતો હતો. એટલે એણે તે વખતે નામના પામેલા જ્વેલર પીટર કાર્લ ફેબર્જ સાથે સુશોભિત ઈંડાં બનાવવા માટેની ડીલ કરી. ૧૮૮૫ના એ ઇસ્ટરની સવારે જ્યારે ફેબર્જે અંદર સોનાની જરદી વચ્ચે સોનાની મરઘીની પ્રતિકૃતિ ધરાવતું પહેલું ઈંડું એલેક્ઝાન્ડરને સોંપ્યું અને એલેક્ઝાન્ડરે તેની પત્નીને ભેટમાં આપ્યું ત્યારે એની પત્ની મારિયા ખુશીથી ઝૂમી ઊઠી.

કાર્લ ફેબર્જના કામથી ખુશ થઈને એલેક્ઝાન્ડરે એને સન્માન સ્વરૂપે દર વર્ષે ઇસ્ટરનાં તહેવારે એક એક ઈંડું તૈયાર કરવાનો ઓર્ડર આપી દીધો. શરત એ હતી કે દરેક ઈંડું અલગ હોવું જોઈએ અને મારિયા માટે હરવખતે નવી સરપ્રાઈઝ ધરાવતું હોવું જોઈએ. કાર્લ ફેબેર્જે શરત મંજૂર રાખી અને એ જ વર્ષથી એણે દરેક વર્ષે નવાં-નવાં સુશોભિત ઈંડાં બનાવવાનું શરૂ કરી દીધું.

૧૮૯૪માં એલેક્ઝાન્ડર ત્રીજાનાં મૃત્યુ પછી તેના દીકરા નિકોલસ બીજાને રાજસત્તા મળી અને એણે દર વર્ષે ઈંડાંની બનાવટની પરંપરા આગળ ધપાવી.

૧૯૧૭માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે રશિયામાં બોલ્શેવિક/Bolshevik ક્રાંતિનાં પગલે નિકોલસ બીજાની સરકાર પડી ભાંગી અને નિકોલસને પદભ્રષ્ટ કરવાનું ફરમાન આપવામાં આવ્યું. બીજા જ દિવસે નિકોલસ બીજા અને એના લગભગ પરિવારની ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું. તેઓ સાઈબિરીયા તરફ નાસી ગયાં, પરંતુ ત્યાં તેમને કેદી બનાવવામાં આવ્યાં અને જુલાઈ, ૧૯૧૮માં પરિવારની હત્યા કરી નાખવામાં આવી.

બોલ્શેવિક ક્રાંતિ દરમિયાન બોલ્શેવિક લોકોએ ઝાર નિકોલસ બીજાનાં બધાં જ શાહી ઈંડાં જપ્ત કર્યાં. કુલ ૫૦ જેટલાં ઇમ્પેરિઅલ એગ્સમાંથી હાલ ૪૩ જેટલાં બચ્યાં છે જે રશિયાના, ઇંગ્લેન્ડના અને અમેરિકાના મ્યુઝીયમ્સમાં સચવાયેલા પડ્યાં છે. કેટલાંક હજુ ‘પ્રાઇવેટ’ હાથોમાં સચવાયા છે. બોલ્શેવિક ક્રાંતિ દરમિયાન અમુક ઈંડાં ચોરાઈ ગયાં હતાં અને કેટલાંક બોલ્શેવિકોએ વેંચી માર્યા હતાં. આથી પશ્ચિમી દેશોમાં ઈંડાંઓની છૂટીછવાઈ હાજરી પરખાય છે. ચોરાયેલાં ઈંડાંમાંથી પણ ઘણાં વેંચાઈ ગયાં ને હાલ માત્ર સાત શાહી ઈંડાં ગાયબ છે જેની અંદાજિત કિંમત ૩૦૦ મિલિયન ડોલર જટલી છે ! એ સાત ઈંડાંનાં નામોનું લિસ્ટ નીચે જુઓ:

(૧) હેન વિથ સેફિયર પેન્ડેંટ – વર્ષ ૧૮૮૬

(૨) ચેરબ વિથ ચેરીઓટ – વર્ષ ૧૮૮૮

(૩) નેસેસેર – વર્ષ ૧૮૮૯

(૪) મોવ – વર્ષ ૧૮૯૭

(૫) એમ્પાયર નેફરાઈટ – વર્ષ ૧૯૦૨

(૬) રોયલ ડેનિશ – વર્ષ ૧૯૦૩

(૭) એલેકઝાન્ડર થ્રી કોમ્મેમોરેટીવ – વર્ષ ૧૯૦૯

આ દરેક નામ સોનાની વરખ ચઢાવેલા ઈંડાંની અંદરની સુશોભિત ડીઝાઈન પ્રદર્શિત કરે છે. જો કે ઉપર્યુક્ત બધાં જ ઈંડાં ખોવાયાં જ છે એવી ચોક્કસ મહોર ન મારી શકાય, પરંતુ ૯૯% જરૂર કહી શકાય કે તેમનો હાલ પત્તો નથી.

આખરે આ સાતેય ઈંડાં ગયા ક્યાં એ કોયડારૂપ પ્રશ્નનો જવાબ શોધવા ઘણાં સાહસિકો અને ઇતિહાસવિદ્દો હાલ પ્રયત્નો કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી ઈંડાં હાથ લાગ્યાં નથી. આટલાં કિંમતી ઈંડાં શું ચોરાઈ ગયાં છે ? નષ્ટ કરી દેવામાં આવ્યા છે ? છૂપાવી દેવામાં આવ્યાં છે ? જેવા કેટલાય પ્રશ્નો ઊભા થયા છે. હવે તો બિનમાલિકીનાં આ સાત ઈંડાંને કબજે કરવાનો કોયડો જ સાહસિકો માટે રસનો વિષય બન્યો છે.

આવા જ કેટલાક બીજા ખજાનાઓ વિશે જાણીશું આવતા અંકમાં. ત્યાં સુધી કદાચ આ ખજાનાઓમાં મન પરોવાઈ જાય તો નવાઈ નહીં.

- પરમ દેસાઈ (સંપાદક અને તંત્રી, 'ખજાનો' મેગેઝિન)

(નોંધ: કલરફૂલ પાનાં અને ફોટા સાથે લેખ વાંચવા www.khajanogujratimagazine.wordpress.com ની મુલાકાત લો.)