Maa-Shortstory in Gujarati Short Stories by Vicky Trivedi books and stories PDF | માઁ

Featured Books
Categories
Share

માઁ

કૌશિકભાઈ એક લોખંડના કારખાનાંના માલીક હતા. અઢળક પૈસો ! વડોદરા શહેરની વચ્ચે આખા શહેરના લોકોની નજર અંજાવી દે એવુ મહેલ જેવું ભવ્ય ઘર ! ઘરની આગળ બે મર્શડીઝ કાર, દેશ વિદેશના ફૂલ છોડ વાળો બગીચો અને દરવાજે વર્દીમાં ઉભો ચોકીયાત, કોઈ મહારાજા જેવો ઠાઠ હતો ! પણ ક્યાંક કાંઈક ખૂટતું હતું ! કૌશિકભાઈના લગન થયા અને એક વર્ષ પછી એક દીકરી જન્મી. દીકરી રાત્રે જન્મી એટલે નિશા નામ રાખ્યું ! પૈસો અને એનાથી પણ વધારે મોંઘી દીકરી હતી પછી શું જોઈએ ! પણ ભાગ્ય નામની એક વસ્તુ ઝૂંપડું હોય કે મહેલ બધે જ નડતી હોય છે. નિશા બે વર્ષની થઈ ત્યારે કૌશિકભાઈની પત્ની ધારા બીમારીમાં મૃત્યુ પામી.


સમાજના લોકોએ બીજા લગન કરી લેવા કહ્યું પણ કૌશિકભાઈ ન માન્યા. કૌશિકભાઈ સાવકી માઁ નો છાંયો પણ દીકરી ઉપર પડવા દેવા માંગતા નહોતા. એમણે નિશા માટે એક આયા રાખી હતી. એક વર્ષની થઈ ત્યારે તો એક રૂમ ભરીને રમકડાં લાવ્યા હતા. ધીમે ધીમે નિશા મોટી થતી હતી.

નિશા પાંચ વર્ષની થઈ એટલે એને નિશાળમાં ભણવા બેસાડી. રોજ કૌશિકભાઈ એને લેવા મુકવા જતા. ક્યારેય એ સમય ચુકતા નહિ, ભલે ને ઓફિસમાં ગમે એટલું કામ હોય !
નિશા માટે મોઘી નોટબુક, નવાનવા બેગ, નવાનવા કંપાસ કોઈને ન હોય એવી વસ્તુઓ લાવી આપતા પણ નિશા ભણવામાં ઠોઠ જ રહી. ધીમે ધીમે નિશા મોટી થઈ અને સાતમાં ધોરણમાં આવી. નિશા જે શાળામાં ભણતી હતી ત્યાંના શિક્ષકો કૌશિકભાઈને ઓળખતા હતા એટલે સાતમા ધોરણમાં તો એ પાસ થઈ ગઈ પણ એ શાળામાં આગળ આઠમું ધોરણ હતું નહીં એટલે નિશાને બીજી શાળામાં એડમિશન કરાવવું પડ્યું.

નિશા નવી શાળામાં ગઈ ત્યાં ન તો એને કોઈ મિત્ર હતા ન કોઈ શિક્ષક એને ઓળખતા હતા. નવી શાળામાં શિક્ષકો પ્રશ્નો પૂછતાં પણ નિશા ક્યારેય આંગળી ઊંચી ન કરતી કેમ કે એને કાઈ આવડતું જ નહીં. ગણિત અને અંગ્રેજી તો ઠીક પણ નિશા તો ગુજરાતી જેવી માતૃભાષામાં પણ ઠોઠ જ હતી ! ઘણી વાર શિક્ષકો એને જવાબ બોલવા ઉભી કરતા પણ નિશા કાઈ બોલતી નહિ એટલે અપમાન કરીને એને બેસાડી દેતા. નિશા શાળામાં તો કઈ ન કરતી પણ ઘરે આવીને એ બહુ જ રડતી !

નિશા ખૂબ મહેનત કરતી, વાંચતી પણ એને કાઈ યાદ રહેતું જ નહિ ! શાળામાં રોજ એ અપમાનિત થતી. નિશાને શાળામાં કોઈ બહેનપણી પણ નહોતી, બધી છોકરીઓ એને ઠોઠ કે ડબ્બો કહીને એની મજાક ઉડાવતી. નિશા રોજ ઘેર આવીને રડતી પણ ક્યારેય કૌશિકભાઈને કાઈ કહેતી નઈ. એ ભણવામાં ભલે ઠોઠ હતી પણ સમજદારીમાં એ નાની નહોતી !

બસ આમ જ એનું જીવન ચાલ્યા કરતું હતું. સવારે પપ્પાના સ્નેહભર્યા હાથનો સ્પર્શ થાય એટલે જાગવાનું. કૌશિક ભાઈ ચા જાતે જ બનાવી દેતા અને પછી જ નિશાને જગાડતા ! સવારનો ચા નાસ્તો કરી તૈયાર થઈને બાપ દીકરી મર્શડીઝમાં નીકળી પડતા. શાળા આવે એટલે નિશાને ઉતારી બાય કહી એ ઓફીસ જતા. શાળામાં રોજની જેમ ‘ઠોઠ’ કે ‘ડબ્બો’ એવા શબ્દો ગળી જઈને , શિક્ષકોની માર અને બોલસા સહન કરીને ફરી ઘેર ! ઘરે આવી પપ્પા સાથે જમી લેવાનું અને પપ્પા જાય એટલે શાળાનું દુઃખ ઓશિકા કે ચાદર ઉપર નિતારવાનું ! પછી ગૃહકાર્ય કરવાનું અને સાંજ સુધી પપ્પાની રાહ જોવાની. એ ભવ્ય ઘરમાં નિશા જરાય ખુશ નહોતી ! હજારો લાખો લોકોનું સપનું એવું એ ઘર નિશા માટે એક કેદખાનું જ જાણે ! દીવાલો સતત ભરખી જવા આવતી!

પપ્પા આવે એટલે જમીને દુનિયામાં એક માત્ર શાંત કરતી જગ્યા પપ્પાનો ખોલો ! બસ એમાં માથું મૂકી વાતો કરતા કરતા સુઈ જવાનું…..

રોજની જેમ જ એક દિવસ શાળામાં ગુજરાતીનો તાસ ચાલતો હતો. આશુતોષ દેસાઈએ નિશાને ઉભી કરી અને પ્રશ્ન પૂછ્યો પણ નિશાને જવાબ આવડ્યો નહિ ! અપમાનિત કરી એને બેસાડી દીધી અને ઋત્વિકને પ્રશ્ન પૂછ્યો. ઋત્વિક ફટાફટ જવાબ બોલી ગયો. શિક્ષકે ફરી એક ધિક્કારની નજર નિશા ઉપર કરી અને નિશા નીચું જોઈ બેસી રહી. શિક્ષક આગળ કાઈ કહે બોલે એ પહેલાં જ આચાર્ય શિક્ષિકા લતા બેન વર્ગમાં આવ્યા. બધા બાળકો ઉભા થઇ શુભ સવારની શુભેચ્છા કરી. લતાબહેને બાળકોને બેસવાનું કહી એક જાહેરાત કરતા કહું ,

”બાળકો આપણી શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક બાળકો ભાગ લઈ શકે છે અને આ વખતે સ્પર્ધાના જે વિષય છે તે હું બોર્ડ પર લખું છું”

લતા બહેન ટેબલ પરથી ચોક લઈ બોર્ડમાં વિષયના નામ લખવા લાગ્યા.

‘વૃક્ષોનું મહત્વ’
‘પુસ્તક અને જીવન’
‘મારુ સપનું’
‘સાચું શિક્ષણ’

આઠમાં ધોરણના બાળકો માટે બધા જ વિષય અઘરા હતા એટકે કોઈ કાઈ બોલ્યું નહિ બસ જોતા રહ્યા પણ અંતે લતાબહેને છેલ્લો વિષય લખ્યો ‘ માં તે માં ‘ અને એ જોતાં જ ઋત્વિક સહિત ઘણા બાળકોની આંગળી ઊંચી થઈ.


દેસાઈ સાહેબે આંગળીઓ ઊંચી થઈ એ જોવા નજર કરી ત્યાં એમની નજર નિશા ઉપર ગઈ. આ શું ? નિશાની આંગળી ઊંચી હતી ! જે ક્યારેય એક નાનકડા પ્રશ્નનો જવાબ નથી આપતી એ વકતૃત્વમાં શુ બોલશે ? દેસાઈ સાહેબ ગુસ્સે થઈ બોલ્યા, ” નિશા તારી આંગળી નીચી કર. તારે કોઈ જરૂર નથી ભાગ લેવાની સમજી, શાળાનું અપમાન નથી કરવાનું અમારે ”

ભડકેલા શિક્ષકને અને ઉગ્ર સ્વરને જોઈ કોમળ હૃદયના લતાબેન નિશાની વારે આવ્યા. ”મી. દેસાઈ તમે આ રીતે કોઈને નિરુત્સાહિત ન કરો તો સારું ! શાળા બાળકોના વિકાસ માટે છે અપમાન કરવા નહિ.”

” જી મેડમ પણ નિશા …”

”એને ઓછું આવડે છે એજ ને?” દેસાઈ સાહેબને વચ્ચે જ અટકાવી દઈ લતાબેન બોલ્યા, “ જેટલું આવડશે એટલું બોલશે અહીં કોઈ હોશિયાર વિદ્યાર્થીની સ્પર્ધા નથી મી. દેસાઈ આ તો દરેક બાળકોના સર્વાંગી વિકાસ માટે છે.”


દેસાઈ સાહેબ નીચું જોઈને ઉભા રહ્યા. લતાબહેને નિશાને કહ્યું, “કાલે તું તૈયાર કરીને આવજે બેટા, કાલે આપણે વર્ગમાં પ્રેક્ટિસ કરીશું.” એટલું કહી લતાબહેન દેસાઈ સાહેબ સામે ઠપકા ભરી નજર કરી જવા લાગ્યા પણ ત્યાંજ શબ્દો કાને પડ્યા !

”માં એટલે એક ઘર જ્યાં દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાયેલ જ હોય. માં એટલે એવો વરસાદ જે ધોધમાર હોય છે પણ ક્યારેય એનાથી કોઈને અતિવૃષ્ટિ થતી નથી! ઋત્વિક પાસે સાઇકલ નથી એટલે એને આખો દિવસ સાઇકલ વિશે જ વિચાર આવે છે , એમ જો માં ન હોય તો બીજું બધું હોય તો પણ એ નકામું છે મન બસ માં ને જ ઝંખ્યાં કરે છે!”

લતાબહેને પાછળ ફરીને જોયું તો નિશા બોલતી હતી. દેસાઈ સાહેબ અને બીજા બાળકો પણ એને જોવા લાગ્યા.

”જો મા હોય તો ઝૂંપડું પણ સ્વર્ગ અને જો ન હોય, તો મહેલ પણ જેલ છે! મા હોય તો પપ્પા મારે અને ન હોય તો પપ્પા મારે નહિ પણ પપ્પા મારે એ બધાને પોષાય! મા હોય તો પપ્પાના હાથ ક્યારેય બળતા નથી, મા હોય તો ઘરમાં ક્યારેય ગંદકી થતી નથી, મા હોય તો ઘણું બધું એ થતું નથી જે ન થવું જોઈએ! મા હોય તો ઘર ભરેલું રહે જો ન હોય તો ઘર ભેંકાર લાગે, માં હોય તો પપ્પાના મેલા કપડાં અઠવાડિયા સુધી બાથરૂમમાં લટકતા નથી, મા હોય તો ઓશિકા કે ચાદરો ક્યારેય ભીની થતી નથી!” નિશાના અવાજમાં ભીનાશ આવી ગઈ. જે શિક્ષક અને બાળકો નિશાને નફ્ફટ ગણતા હતા , જે સમજતા હતા કે નિશાને કોઈ અસર થતી નથી એ બધા એને જોતા જ રહી ગયા !

”મા એક એવો શિયાળો છે જેમાં ગુલાબી ઠંડીનો આનંદ મળે પણ ક્યારેય બીમારી નથી લાગતી! માં એક એવો ઉનાળો છે જેમાં હૂંફ મળે પણ ક્યારેય લુ નથી લાગતી! માં એક એવું ચોમાશું છે જ્યાં બધું હંમેશા ભીનું રહે છે પણ ક્યારેય ગંદકી નથી થતી! માં એક એવી પાનખર છે જે પોતાના અંતિમ શ્વાસ સુધી પર્ણોને પોષણ આપ્યા કરે છે, માં એક …… ”નિશા આગળ ન બોલી શકી, ખુલ્લે મોઢે એ બધા સામે રડી પડી!

બીજા બધા તો એને જોતા જ રહ્યા પણ કોમળ હૃદયના લતા બહેન નિશા પાસે જીઇ એને લતાની જેમ વીંટળાઈ ગયા. દેસાઈ સાહેબ વિચારતા જ રહી ગયા કે આ ઠોઠ નિશા એટલા શબ્દો ક્યાંથી લાવી જે મને પણ નથી આવડતા ! દેસાઈ સાહેબના હાથ આપમેળે જ તાળીઓ પાડવા લાગ્યા અને પછી તો બીજા બાળકોની તાળીઓના ગડગડાટમાં વર્ગ ગાજવા લાગ્યો !

લતા બહેને નિશાના આંસુ લૂછી એને પૂછ્યું ” બેટા તને ક્યારેય કોઈ વિષયમાં કાઈ નથી આવડતું તો આ બધું તું કઈ રીતે બોલી ?”

”મારી પાસે બધું છે મોટું ઘર, પપ્પા, મર્શડીઝ ગાડીઓ, મોંઘા રમકડાં એટલે મને ભણવાનું નથી આવડતું! મારે મમ્મી નથી એટલે હું આખો દિવસ એકલી ઘરમાં રહું છું અને જે મારી પાસે નથી એના વિશે આખો દિવસ વિચારું એટલે બોલી શકી ” નિશા ફરી રડી પડી. લતાબેને એને ખેંચીને ગળે લગાવી દીધી. દેસાઈ સાહેબની આંખ માંથી આંસુ સરી પડ્યા ! કોણ જાણે કેમ નિશા બસ એ એક જ દિવસમાં બધાને વહાલી થઈ ગઈ!


માત્ર માઁ શબ્દ વિશે બોલવાથી પણ જો એટલું માન મળી જાય, બધાની આંખો ભીની થઇ જાય તો માં નું આખું વ્યક્તિત્વ કેવું હશે ?

***