A woman whose smile is open and whose expression is glad has a kind of beauty no matter what she wears.
સુંદરતા વિશે વાત શરૂ કરીએ એટલે વાત સીધી ફેશન સુધી જતી રહે અને પછી તો કપડાંની સાથે સાથે ફેશન અને સંસ્કૃતિ અને આચાર-વિચાર બધાના લીરેલીરાં ઉડાડતી ખોટેખોટી ચર્ચાઓ ચાલે. તેમાંય જ્યારે છેડતી, શારીરિક શોષણ કે બળાત્કારના કિસ્સાની વાત થતી હોય ત્યારે આંખોમાં વ્યાભીચારી વરુ રાખીને ફરતા છતાં કહેવાતા સભ્ય સામાજિક પ્રાણીઓ નાકના ટેરવા ચડાવીને સ્ત્રીના પોશાકનો જ વાંક કાઢવા બેસે છે. બીજી વાત આવે છે કે આધેડ ઉંમરે પહોંચ્યા પછી પણ સુંદર દેખાવાની. સ્ત્રીઓને તો આજીવન નાની ઉંમરના જ રહેવું હોય છે. તેઓ મોટાભાગે પોતાની ઉંમર વધારવા માગતી નથી અને વધે તો તેને સંતાડવા મથતી રહે છે. હવે તો આ રોગ પુરુષોને પણ લાગ્યો છે. વાળ સહેજ સફેદ થાય એટલે કલર કરાવી આવવાનો, ચહેરા ઉપર જાતભાતના ક્રિમ લગાવવાના, વિટામિન્સ અને મિનરલ્સની ટેબલેટ લેવાની. આ બધા વચ્ચે વિચાર એ આવે કે સુંદરતાની ખરેખર વ્યાખ્યા શું કરી શકાય. આપણે સુંદરતા માટે કેવા ક્રાયટેરિયા નક્કી કર્યા છે.
સ્ત્રીની સુંદરતા વિશે કરીએ તો સુંદરતા માત્ર શરીરમાં નહીં આત્મામાં પણ શોધવી જોઈએ. આત્મિક સુંદરતા શોધવા માટે સ્ત્રીની આંખો શ્રેષ્ઠ માધ્યમ છે. આ વાત તો વિચારની છે પણ ખરેખર આપણે આ આત્મિક સુંદરતાની શોધ કરી છે ખરી? સવાલ એટલા માટે થાય છે કે અત્યારે આપણે માત્ર અડધો કલાક ટીવી સામે બેસીએ અને ચેનલ ફેરવતા જઈએ તો હજારો બ્યૂટી પ્રોડક્ટ્સ, વેલનેસ પ્રોડક્ટ્સની જાહેરાતો આવતી હોય છે જે શરીરને સુંદર બનાવવા માટે મદદ કરે છે. આ ક્રિમ લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દૂર રહે છે, આ ક્રિમ લગાવવાથી ઉંમર એક દાયકો ઓછી લાગે છે, ફલાણો પાઉડર રોજ બે વખત પીવાથી વજન ઘટે છે, તો ફલાણા કોર્નફ્લેક્સ ખાવાથી વજન વધારે ઝડપથી ઉતરે છે, પેલો પાઉડર લેવાથી વજન માપસર વધે છે, પેલું ક્રિમ વાળને લાંબા, સુંદર અને ચમકદાર બનાવે છે, આ ફેસવોશ વાપરો, પેલો સાબુ વાપરો.... અને આવું ઘણું ટીવીના માધ્યમથી આપણા સુધી આવે છે. તેમાંય પર્ફ્યુમ અને બોડી સ્પ્રેવાળાએ તો હદ કરી નાખી છે. સ્પ્રે છાંટો એટલે સ્ત્રીઓ તમારા તરફ આકર્ષાવા લાગે અને ઘણા તો છેક બેડરૂમ સુધી ખેંચી જાય છે.
આ જાહેરાતો જોઈને ખરેખર કોઈપણ વ્યક્તિની માનસિકતા બદલાઈ જાય કે નહીં. વાત જાહેરાતોની જવાદો પણ આપણે ક્યારેય પોતાના અંતરઆત્માને સવાલ કર્યો છે કે, આપણી સાથે રહેલી સ્ત્રી કે પછી કોઈપણ સ્ત્રીની સુંદરતા માત્ર શરીર પર જ ટકેલી છે. અત્યારની ફિલ્મો, સિરિયલો અને બીજા ઘણા કાર્યક્રમોમાં અભિનેત્રીઓને શક્ય એટલા ટૂંકા અને ફેશનેબલ કપડાં પહેરાવીને હીરોને આકર્ષતી બતાવવામાં આવે છે. આવા નારી પાત્રો ખરેખર હોવા જરૂરી છે. વર્ષો પહેલાં કવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુન્તલમ્, અને મેઘદૂતમ્ આવ્યું હતું તો મહાકવિ ભાસે મૃચ્છકટીકમ લખ્યું હતું અને એવા તો ઘણાય ગ્રંથો આવ્યા હતા જેમાં સ્ત્રીની સુંદરતા બતાવાઈ હતી. આ સુંદરતા શરીરની સાથે સાથે મનની અને આત્માની પણ હતી. ભારતીય સ્ત્રીની સુંદરતા પાતળી કમર અને ઉન્નત ઉરોજમાં જ પૂરી નથી થઈ જતી.
સ્ત્રીની સુંદરતા તેની આત્મા સાથે વધારે જોડાયેલી છે. ઈશ્વરે આપેલી આ અદભુત શક્તિ દરેક સ્ત્રીમાં હોય છે. તેની સાથે સંકળાયેલી તમામ બાબતો પરમતૃપ્તિનો અનુભવ કરાવે છે. પુરુષ જ્યારે ભુખ લાગે ત્યારે માતા કે પત્નીની રસોઈ ખાઈને તૃપ્તિ અનુભવે છે. કામ અને અન્ય ભારણો વચ્ચે દબાયેલો પુરુષ પણ પોતાની માતા, પત્ની કે પછી પ્રિયજનના ખોળામાં માથુ મુકીને શાંત થઈ શકે છે. આ શાંતિ અને તૃપ્તિનો ગુણ માત્ર સ્ત્રી પાસે છે. સુંદરતા પુરુષને આકર્ષે છે અને શારીરિક ક્રિયાઓ તેને તૃપ્તિ આપે છે. અત્યારે સ્ત્રીઓ પુરુષ સમોવડી બનવા જાય છે અને તેના કારણે પોતાના સ્ત્રીત્વને ગુમાવવા લાગી છે. અહીં કહેવાનો અર્થ એટલો જ છે કે સમાજમાં તમે ધારો તે સ્થાન પ્રાપ્ત કરો, આઈપીએસ, આઈએએસ કે પછી મુખ્યમંત્રી કે વડાપ્રધાન બની જાઓ પણ તમારી આત્મિક સુંદરતાને ક્યારેય વિસરાવા ન દેશો. છોકરીઓ આજે જાહેરમાં સિગારેટ પીવે છે, દારૂ પીવે છે અને અડધી રાત સુધી રખડ્યાં કરે છે. આ મુક્તતા ખરેખર પુરુષને હરિફાઈ લાગે છે. સ્વમાં રાચતો પુરુષ પોતાના હરિફને કેવી રીતે હંફાવવો તે વધારે સારી રીતે જાણે છે. સ્ત્રી તેને સમાંતર થાય તેમાં પુરુષને કોઈ વાંધો હોતો નથી. સ્ત્રી જ્યારે તેને પડકારે છે ત્યારે તેને વાંધો હોય છે. પુરુષ માટે કે પછી પુરુષ પ્રધાન સમાજ માટે સ્ત્રી મોટાભાગે ભોગવવાની અને માલિકીની બાબત છે. તે જ્યારે તેને સ્પર્ધા આપે છે ત્યારે તેનું પુરુષત્વ વધારે ઘવાય છે. તે બદલો લેવા કરતા બતાવી દેવા વધારે પ્રબળ બને છે અને તેનાથી મુશ્કેલીઓ શરૂ થાય છે.
ઘણાને થશે કે સ્ત્રી આધુનિક બને કે પ્રતિસ્પર્ધી બને તેમાં શું વાંધો છે? વાંધો કંઈ જ નથી પણ પોતાના સ્વને ખોઈ બેસવાનો ડર છે. પુરુષને તો જન્મથી જ લાગણીહીન બનાવવાનો પ્રયાસ કરાયો છે. તેને સંબંધોમાં સ્વાર્થ વધારે દેખાય છે જ્યારે સ્ત્રીને સંબંધોમાં સંવેદના દેખાવી જરૂરી છે. પુરુષનો સ્વભાવ જ પડકારનો છે. તેને કોઈ પડકારે કે લલકારે તે તેને પસંદ જ નથી. તે સતત પોતાની સામેની પ્રતિસ્પર્ધાને દબાવી દેવાની વૃત્તિ રાખતો હોય છે. તેમાંય જ્યારે વિજાતિય પાત્ર દ્વારા તેને પડકાર મળે ત્યારે તેનું પુરુષત્વ જંગે ચડે છે. તે કોઈપણ ભોગે સામેની સ્ત્રીને દબાવી દેવા તત્પર થાય છે. પુરુષને જ્યારે સ્ત્રી લલકારે છે ત્યારે તે વધારે આક્રમક બને છે પણ આ જ સ્ત્રી જો તેને ઋજુતાથી સમજાવે તો તે શરણે થઈ જાય છે. સ્ત્રીઓ જ્યારે બાહ્ય સુંદરતાના દેખાડા કરીને પુરુષને આકર્ષવા કે પડકારવા ફરે છે ત્યારે નિષ્ફળતાની શક્યતા વધી જાય છે. કોસ્મેટિક સુંદરતા કાયમી ધોરણે કોઈને આકર્ષિ શકતી નથી. બાહ્ય સુંદરતા દ્વારા થોડા સમય માટે વ્યક્તિને આકર્ષી કે પોતાની તરફ ખેંચી શકાય છે પણ જો મનની સુંદરતા અને વિચારોની આકર્ષકતા હોય તો સામેની વ્યક્તિ આજીવન પોતાની બની રહે છે. સ્ત્રી પાસે આ ક્ષમતા છે પણ તે બાહ્ય સુંદરતાને વધારે મહત્ત્વ આપવા લાગી છે. આ સ્ત્રી જો પુરુષને સમજાવીને અને સ્ત્રીત્વ સાથે વર્તીને પોતાની સાથે રાખે છે ત્યારે પુરુષ તેની આંતરિક સુંદરતા પર ઓળઘોળ થઈ જાય છે અને સ્ત્રીનું સન્માન જાળવવા મજબુર થઈ જાય છે. સ્ત્રી અને પુરુષ એકલા હોય ત્યારે અપૂર્ણ હોય છે. તેમણે સાથે મળીને એકબીજાની સાથે રહીને પૂર્ણતા તરફ ગતી કરવાની હોય છે. આ સુંદરતા વિશે ખૂબ જ સરસ વાત કરવામાં આવી છે કે,
The beauty of a woman must be seen from in her eyes, because that is the doorway to her heart, the place where love resides.
- ravi.writer7@gmail.com