જમ્યાબાદ ત્યાં સિગડી રેસ્ટોરન્ટ પાસે આવેલા ગાર્ડનમાં મિસ્બાહ અને એના સાસુ સસરા બાંકડે બેઠા. ઈરફાન આયતને લઈને હિંચકા ખવડાવી રહ્યો હતો. આમ જ ખુલ્લા આકાશ નીચે થોડી હવા ખાઈને પછી ઈરફાનએ પાર્કિંગ માંથી કાર કાઢી અને પરિવાર સાથે ઘરે આવ્યો.
સવાર થઇ રોજની જેમ ઈરફાન ઓફીસ ગયો અને એ જ કોડિંગ કરવાનું અને આઠ કલાક વિતાવીને ઘરે પાછો ફર્યો. સાંજે ૭:૦૦ વાગ્યા હતા પણ મન બેચેન હતું. ઈરફાન આજે આયતને લીધા વગર જ જોગર્સ પાર્ક ગયો. મનમાં હતું કે એ છોકરી તો થોડી વહેલી આવે છે કદાચ મળશે કે કેમ? પણ એ મનને દિલાસો આપવા જોગર્સ પાર્ક પહોંચ્યો. નસીબ કહો કે પછી જીવનમાં આ ઘટના બનવાની જ હશે એવું ભાગ્ય કહો પણ આજે એ છોકરી ઉદાસ થઇને બાકળે બેઠી હતી. ઈરફાન જોગર્સ પાર્કમાં એન્ટર થયો કે એની નજર તરત એ છોકરી પર પડી. ઈરફાન ઝડપથી એની પાસે પહોંચ્યો.
"તમે અહીં? આજે લેટ આવ્યા?"
"હાય ઈરફાન.. હા આજે થોડું બહાર બેસવાનું મન છે.."
"તમને વાંધો ન હોય તો હું તમારી પાસે બેસું?"
"હા સ્યોર.. બેસો ને.."
"હું તમને એટલો ઓળખતો નથી. પણ માણસના ચહેરાને જોઈને ખબર પડે કે ખુશ છે કે ઉદાસ.. તમારા ચહેરો આજે થોડો ઝાંખો ઝાંખો વર્તાય છે.."
"હા આજે થોડી ઉદાસ છું.. પણ અહીં થોડીવાર ટાઈમ સપેન્ટ કરીશ એટલે નોર્મલ થઇ જઈશ.."
"તમને વાંધો ન હોય તો કારણ જાણી શકું?"
"ઈરફાન પ્લીઝ ખોટું ન લગાડતા પણ હું પર્સનલ લાઈફ વિષે જલ્દી કશુ બોલી નથી સકતી.."
"હા એતો તમારૂ નામ ન જણાવવાથી જ લાગ્યું હતું.."
"ના એ વાત અલગ હતી. હું ઇચ્છું છું કે તમે મારુ નામ શોધો અને એ શોધવા માટે તમે એવા લોકોને મળો જે આપણને બંને ને જાણે છે.."
"પણ એનું કારણ શું છે? હું મેરિડ છું. આપ મારી દીકરીને પણ મળી ચુક્યા છો.. તો પછી મારી પાસે આવી અપેક્ષા રાખવાનું કારણ?"
"જાણું છું. જિંદગીમાં આપણે તેર વર્ષ પહેલા મળેલા. એ સમય હવે પસાર થઇ ગયો છે. તમે જીવનમાં આગળ વધી ગયા છો. પણ મને તમારી તમામ જાણકારી છે. તમે ક્યાં રહો છો, શું કરો છો બધુ જ. તમને એ સવાલ નથી થતો કે હું આપની આટલી જાણકારી કેમ રાખું છું?"
"હા એ જ તો વાત છે જેના કારણે હું આપનું નામ અને આપના જીવનમાં મારુ શું મહત્વ છે એ જણવાની કોશિસ કરી રહ્યો છું.."
"તો બસ એ કન્ટીન્યુ કરો. ક્યારેક તો ખબર પડશે. અને ન પડે તો પણ વાંધો નથી. તમને મન થી એમ થાય કે આ ફાલતુગીરી છે ને આવું નથી કરવું તો ન કરતા..."
"એવું નથી. હું એ પ્રકારનો વ્યક્તિ છું કે મને જો જાણ થાય કે મારુ અસ્તિત્વ કોઈ વ્યક્તિના જીવનમાં અસર કરે છે તો એ શા માટે કરે છે એ જાણવું મારા માટે અનિવાર્ય બની જાય છે.."
"હા તમારા વર્તન, સ્વભાવ, વ્યવહાર સાથે તમારી અંદર રહેલી લાગણી , ઓનેસ્ટી, કરુણાને હું સારી રીતે જાણું છું.."
"મને હજી પણ નથી સમજાતું કે હું આપને બસ એક અઠવાડિયા પહેલા મળ્યો છું. તમારા કહેવા પ્રમાણે આપણે સ્કુલમાં સાથે ભણતા હોઈશું પણ મને કોઈ એવો પ્રસંગ યાદ નથી કે જેથી તમે મને આટલું યાદ કરો કે પછી મારા વિષે માહિતી રાખો.."
"સમય આવશે બધુ ખબર પડશે.. બસ તમને મનથી થાય તો શોધવાની કોશિસ કરજો. આપણને જોડતી કડીઓ જરૂર મળશે.."
"તમે મને વધુ દુવિધામાં મુકતા જાઓ છો.."
"ના આ દુવિધા નથી.. તમે જાણશો ત્યારે મને જરૂર યાદ કરશો.."
"જોઇયે શું થાય છે.."
"સારું જ થશે.. બેફિકર રહો. તમે એ નહીં પૂછો કે આજે હું કેમ ઉદાસ છું?"
"મેં અવતાંવેંત તો પૂછ્યું પણ આપ કહો છો કે પર્સનલ છે નહીં જણાવી શકો.."
"તો આપે એકવાર પણ આગ્રહ ન કર્યો?"
"સોરી.. બટ મને લાગ્યું પર્સનલ લાઈફમાં દખલ યોગ્ય નથી.."
"હું ઇચ્છું છું કે તમને કહીને મનનો ભાર હળવો કરું.."
"સાચે... તો બિન્દાસ કહો. હું સાંભળવા તૈયાર છું.."
"ઈરફાન હું આ વાત તમારા મનમાં મારા માટે કોઈ બિચારા પણું જન્મે કે લાગણી ઉભરાય એ માટે નથી કરતી બસ મનનો ભાર હળવો કરવો છે એટલે કહું છું.."
"હા આપ બિન્દાસ કહો..."
"આજે મારા મમ્મીની ડેથ એનિવર્સરી છે. આજે એમને ગયાને પાંચ વર્ષ થયા છે. ઘરમાં ભાઈ-ભાભી અને પપ્પા છે. પણ હંમેશા હું એકલું જ અનુભવું છું. મારી મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. મારા જીવનની દરેક વાત હું મારી મમ્મી સાથે કરતી. સ્કુલમાં કોલેજમાં કઈ પણ બનતું હું હંમેશા મમ્મીને કહેતી. મારા જીવનની મુશ્કેલીઓ, મને ગમતા છોકરાઓ બધુ જ હું શેર કરતી. પણ હવે હું બસ આ ખુલ્લા આકાશમાં ચમકતા એ ચાંદને જોઈ એમાં મારી મમ્મીનો ચહેરો બનાવવાની કોશિસ કરું છું અને એને કહેવાની કોશિસ કરું છું. મને નહોતી ખબર કે ખુદા આપને આજે અહીં જોગર્સ પાર્કમાં લઇ આવશે. હું તો બસ આજે ચાંદને જોઈને મમ્મી સાથે મનોમન વાત કરીને જતી રહેત પણ આપને જોઈને લાગ્યું કે કદાચ મમ્મીએ જ આપને અહીં મારી પાસે મોકલ્યા હશે.."
ઈરફાન સ્તબ્ધ બનીને એ છોકરીની વાત સાંભળી રહ્યો. શબ્દો નહોતા જે એ છોકરીને ઈરફાન કહી શકે. છોકરીની બંને આંખો ભરાઈ આવી હતી. જાણે એ થોડું વધુ બોલે તો મોતી જેવા એની આંખોમાં રહેલા અશ્રુઓ ટપકી પડે. ઈરફાન આ છોકરી વિષે પણ ખાસ જણાતો ન હતો પણ આજે એને એના મમ્મીના વિરહની વેદના વ્યક્ત કરી એટલે મનોમન એ એને સાંત્વન આપવાની કોશિસ કરવાનું વિચારતો હતો. ઈરફાનને થઇ રહ્યું હતું કે બંને હાથ વડે એની આંખોમાં રહેલા આંસુને લૂછે અને એક સહારો આપી હગ કરે પણ ઈરફાનને એ કરવું યોગ્ય ન લાગ્યું એનું કારણ એક તો પબ્લિક પલેશ અને બીજું કે એ છોકરીના સ્વભાવ વિષે એને કોઈ જાણકારી નથી જો એને ન ગમે તો ? સાથે સાથે ઈરફાન હવે મેરિડ છે જો આવું કરવાથી છોકરીના મનમાં ઈરફાન વિષે વધુ લાગણી જન્મે તો ? આવા સવાલોએ જ ઈરફાનને રોકી દીધો. થોડીવાર વાતાવરણ શાંત રહ્યું. ના છોકરી કશું બોલી ન ઈરફાન. થોડીવાર પછી ઈરફાન બોલ્યો.
"જુવો.. અલ્લાહ એ બધાને બનાવ્યા છે. અલ્લાહને જેની જ્યાં જરૂર લાગે ત્યાં એને બોલાવી લે. અલ્લાહને ઉપર આપના મમ્મીની જરૂર વધારે અનુભવાઈ હશે એટલે જ તો એમને બોલાવી લીધા. આપણે બધાએ એક દિવસ તો જવાનું જ છે. શરીરનું મૃત્યુ છે રુહાની (આત્મા) નું મૃત્યુ છે જ નઈ. એમની રુહાની કદાચ અહીં આસપાસ હોય. આપ આમ ઉદાસ રહેશો તો એ આપને જોઈને પણ ઉદાસ થશે. તમે ચાંદમાં તમારા મમ્મીનો ચહેરો બનાવો છો ને? તો બસ જુવો એ ચહેરા પર ખુશીની ચમક છે ને એ ચમક ચાંદની છે જે ચાંદની આસપાસ ફેલાઈ છે. કોશિસ કરો કે આપના મમ્મી ત્યાં ખુબ ખુશ છે અને એમની રુહાની તમારી આસપાસ જ છે જે તમને ખુશ જોવા માંગે છે. લાઈફમાં હાલ તમે શું કરો છો. તમારા ગોલ્સ શું છે મને નથી ખબર પણ તમારા મમ્મીને જોઈને વિશ માંગજો એ જરૂરથી પુરી કરશે.."
છોકરીને ઈરફાનના આ શબ્દોની થોડી અસર થઇ એની આંખોમાં રહેલા ઝળઝળિયાં એને લૂછયા અને એક હળવા સ્મિત સાથે ઈરફાન સામે જોઈ રહી. જાણે આજે ઈરફાનના રૂપમાં એના મમ્મીએ એના માટે સંદેશો મોકલાવ્યો હોય. ઈરફાન પણ એના ચહેરા પર આવેલી આ ખુશીને જોઈ થોડો મલકાયો. ઈરફાનને લાગ્યું કે આજે ઘણા સમય પછી કોઈ અજાણ વ્યક્તિના ચહેરા પર એના કારણે ખુશી આવી.
"થેંક્યું સો મચ ઈરફાન.. આપે મારા મનનો ભાર હલવો કરવામાં મદદ કરી અને સાથે એક ખાસ સલાહ પણ આપી હું કોશિસ કરીશ એને ફોલો કરું.."
"અરે.. એમાં થેન્ક્સની જરૂર નથી. આપ ખુશ રહો. કેમ કે મને હસતા ચહેરાઓ વધુ પસંદ છે..."
"ઓહો.. એવું છે. સારું તો કોશિસ કરીશ જયારે પણ મળું હસતો ચહેરો લઈને મળું.."
"ના એવું નહિ. મનથી ખુશ હોવ તો જ એ ચમક હસતા ચહેરા પર સારી લાગે બાકી બનાવટી ચહેરાઓમાં મજા નથી.."
"વાહ.. હશે.. ચાલો ઈરફાન હવે મારે જવું જોઇયે ઘરે બધા વેઇટ કરતા હશે અને હા મારો પીછો કરતા ઘરે ના આવતા હો.." છોકરી એક ટૉન્ટ મારતા બોલી.
"આપને ખ્યાલ હશે કે નઈ પણ મારી આવી આદત નથી. નહિતર અત્યાર સુધી હું આવી જ ગયો હોત તમારું નામ શોધવાના બહાને..."
"હા આઈ નો.. ઓકે અલ્લાહ હાફિઝ.. આયતને મારા વતી વ્હાલ કરજો..."
"હા સ્યોર.. અલ્લાહ હાફિઝ.."
ઈરફાન આજે એ છોકરીના જીવનના એક ભાગ વિષે જાણીને ઘરે પાછો ફર્યો. મનમાં એક અલગ જ એહસાસ હતો. એ છોકરી વિષે જાણે થોડી લાગણી બંધાઈ હોય એવું એને અનુભવાઈ રહ્યું હતું. ખુબ જ નિખાલસતાથી એ છોકરી મનની વાત કહી ગઈ. પોતાનું દુઃખ શેર કરીને ચાલી ગઈ અને ઈરફાનને ખબર પણ ન હતી કે એને જે શબ્દો કહ્યા એ ક્યાંથી આવ્યા. પણ જે થયું એ સારું થયું. કોઈનું મન હળવું થયું એ જાણીને ઈરફાન મનોમન ખુશ થયો.
[ક્રમશ:]