“ગરિમા”
ચેતન અને પપ્પુ બંને ગેરેજ ઉપર આવી ગયા હતા, હું પણ મારા નિત્યક્રમ મુજબ પહોંચી ગયો. ચેતન બાઈકનું કર્બોરેટર સાફ કરી રહ્યો, અને પપ્પુ ટેબલ ઉપર પડેલા અસ્તવ્યસ્ત સાધનો પેટીમાં ગોઠવી રહ્યો. હું ગેરેજની અંદર પાર્ટીસનથી બનાવેલી નાની કેબીનમાં ગયો. જીન્સ ટીશર્ટ કેબીનની અંદર લાગેલી ખીંટીએ લટકાવી મારા કામ-કાજના કપડામાં આવી ગયો.
“ચેતન, કેવું કામકાજ છે આજે?”
“એક બાઈક સર્વિસ કર્યું , કર્બોરેટર સાફ થઇ જાય એટલે પૂરું.”
“તો આજનો શું પ્રોગ્રામ છે? પપ્પુ.” મેં કામમાં વ્યસ્ત પપ્પુને પૂછ્યું.
“નવુ મુવી લાગ્યું છે. “તમે કેવા?”એ જોતા આવીએ.”
“હા એ પણ સાચું, કશું કામ ન હોય એટલે મોજમજા કરવાની.”
હું ગેરેજની વચ્ચે મુકેલી બાઈકની સીટ ઉપર પગ ઉપર પગ ચડાવીને બેસી ગયો. પપ્પુ અને ચેતન પણ વર્કશોપના ટેબલ ઉપર હાથ લૂછતાં લૂછતાં બેઠાં. પપ્પુ નાક ઉપર લાગેલો ઓઈલનો દાગ સાફ કરતા કરતા બબડ્યો..
“ભાઈ શાયરી સંભળાવો.”
“વાહ! શું વાત છે? ચેતન પેલા રઘુડાને ચાનું કે’તો. પછી આપણે શાયરીની મહેફિલ જમાવીએ.”
ચેતન અને પપ્પુની આ ખાસિયત છે. કામ હોય તો પાછી પાની નહિં કરવાની, અને કામ ન હોય તો મોજમજા કરવાની. આમેય આજે ગેરેજમાં કોઈ કામ નહોતું, તો વિચાર્યું કે સાંજની મૂવીની ટીકીટ બુક કરાવી લઉં.
“ચેતન, પપ્પુ, એક શાયરી સાંભળો, પપ્પુ અને ચેતન બંને મારી તરફ જોવા લાગ્યા. અને ચેતન બબડ્યો..’
“ઈર્શાદ.”
અને મેં શાયરી શરુ કરી.
“ कौन आया था यंहा?
कोई न आया होगा।
तेरे घर का दरवाजा हवाओं ने हिलाया होगा।
कोई खत लेकर पडोशी के घर आया होगा।
परदेश में मत याद कर अपना मकाँ।
अब की बारिश ने उसे तोड़ गिराया होगा।“
વાહ વાહ..વાહ વાહ... ચેતન અને પપ્પુ બંને એની આદત મુજબ મારી શાયરીની વાહવાહી કરવા લાગ્યા..
“હજુ એક થઇ જાય ગુરુ.” પપ્પુ બબડ્યો...
હું બીજી શાયરી ગોઠવી શરુ કરતો હતો ત્યાં રઘુડો ચા લઈને આવ્યો. મેં ચાનો ગ્લાસ હાથમાં લેતા કહ્યું..
“છોટે સે બ્રેક કે બાદ.”
ચેતન અને પપ્પુ ચાની ચૂસકી લેવા લાગ્યા. ત્યાં ગેરેજની બહાર એક આગંતુક ગેરેજ ઉપર લાગેલું બોર્ડ વાંચતો મારી નજરે ચડ્યો.
“ઓહ.. મિસ્ટર હેલ્લોઓઓઓઓઓ . કોનું કામ છે?”
“જયેશભાઈનું, તમેજ ને?”
એ અજાણ્યો માણસ મારી સામે બોલપેન રાખતા બોલ્યો. જોઇને એ કોઈ આશ્રમવાળો લાગતો, એને ખાદીનો ઘાટા પીળા રંગનો જબ્ભો અને સફેદ રંગનો લેંઘો પહેર્યો હતો. પગમાં કોલાપુરી ચંપલમાં એક બાજુનો અંગુઠો તૂટેલો હતો. બીજા ચંપલની પાનીનું તળિયું ઘસાયેલુ લાગતું, કચ્છી ભરતકામ કરેલો બગલથેલો એના ડાબા ખબ્ભે લટકતો, જમણા હાથમાં એક ફોલ્ડર જેવી ફાઈલ સાથે ડાયરી અને વચ્ચે પેન ફસાવેલી. એના જભ્ભા ઉપર ઘણા બધા કાળા કાળા કાણાં હતા, કદાચ એ બીડી પીવાને કારણે થઇ ગયા હોય એવું લાગતું, એ ગેરેજની અંદર આવ્યો, ફરી પૂછ્યું.
“ભાઈ તમને પૂછું છું, જયેશભાઈ તમેજ ને?”
હું જોઇને સમજી ગયો હતો, હમણાં મને વૃદ્ધાશ્રમના ફોટા બતાવશે, અને મારી પાસેથી પાંચસો સાતસો રોકડની માંગણી કરશે. એના મોમાંથી બીડીની વાસ આવતી હતી. લગભગ બે અઠવાડિયાની દાઢી અને ત્રણ દિવસનો પરસેવો એના શરીર ઉપર બાજી રહ્યો હોય એવું લાગતું. જોઇને લાગતું હતું કે ત્રણ દિવસ સુધી નાહ્યો પણ નહી હોય.
“બોલો, હું પોતેજ જયેશ, શું કામ છે?”
“જી તમારી પાસે સમય હોય તો આપણે શાંતિથી બેસીને વાત કરીએ?”
પપ્પુ વચ્ચેજ બોલ્યો,
“ભાઈ આ આશ્રમવાળાને દસ-વીસ રોકડા આપીને રવાનો કરોને! એક લપ મટે.”
મેં પપ્પુને અટકાવતા પેલા આગંતુકને કહ્યું.
“પણ તમારે શું વાત કરવી છે?”
“જી હું અંજારથી આવું છું. મને નીલેશભાઈએ મોકલ્યો છે. આ જુઓ તમારા ગેરેજનું સરનામું આપ્યું છે.”
ડાયરીના પાનામાં લખેલું મારું સરનામું બતાવતા એ આગંતુકે કહ્યું. હું મારા ખાસ મિત્ર નીલેશના અક્ષર ઓળખી ગયો. અરે એને કેમ ભૂલાય? મારા બચપનનો હાઈસ્કુલનો સાથી.
“આવો આવો, અંદર આવો, પહેલા કહેવું જોઈએને કે અંજારવાળા નીલેશભાઈએ મોકલ્યા છે.”
એમ કહેતા હું એમને કેબીનમાં લઈ ગયો, ખુરસી પર બેસવા કહ્યું. હું નાક ઉપર રૂમાલ લાગવી એમની સામે બેસી ગયો. ચેતન મને નોંધી રહ્યો હતો.
“બોલો બોલો કેમ આવવાનું થયું? કેમ છે નીલેશ? શું કરે છે આજકાલ?”
“જી એ લાખના બાર હજાર. ઓ..બ...,મ.મ. સ.સ. સોરી એ સાપ્તાહિક સમાચાર નામનું એક સાપ્તાહિક ચલાવે છે. હું એમની પાસે નોકરી કરું છું. મારું નામ અરવિંદ છે. હું લેખક છું.”
“ઓહ!!” હું અંદર અંદર હસી પડ્યો. અને એ આગળ બોલ્યા.
“આજકાલ કોઈ સારો વાર્તા વિષય નથી મળતો, માટે નીલેશભાઈએ મને તમારી પાસે મોકલ્યો છે. તમારા ઉપર વાર્તા લખવી છે. મેં સાંભળ્યું છે કે તમારી લવ સ્ટોરી અદભુત છે.”
“ઓહ! તો એમ વાત છે.” મેં નાક ઉપરથી રૂમાલ હટાવ્યો અને ફરી લગાવ્યો, ત્યાં ચેતન પરફ્યુમની બોટલથી મારી કેબીનમાં સ્પ્રેડ કરવા લાગ્યો.”
“અચ્છા તો તમને મારી વાર્તા લખવી છે.”
“જી, તમારી વાર્તા. તમારી પાસે સમય હોય તો અત્યારે જણાવો, નહીતો સાંજે આવું?”
“ઓહ સાંજે પાછો આવીશ.” હું સ્વગત બબડ્યો..
“નાં ના, સાંજે નહી, અત્યારેજ, હમણાજ મારી સ્ટોરી તમને જાણવી દઉં, તમને ક્યાં ખોટા હેરાન કરવા?”
“હા સારું સાહેબ.” કહેતા અરવિંદભાઈએ એના બગલ થેલામાંથી કાગળો કાઢ્યા, અને મને પૂછ્યું
“હા તો શું છે તમારી લવ સ્ટોરી મને ટૂંકમાં જણાવશો?”
અરવિંદભાઈએ સરસ વાત કરી, ટૂંકમાં, નાહીને આવ્યો હોત તો થોડી લંબાવીને પણ કહેતો.
“પણ મારી સ્ટોરી શા માટે? શું કરશો મારી સ્ટોરી જાણીને? અને તમે મને ફોન કર્યો હોત તો હું તમને ફોન ઉપર પણ જણાવી દેતો, છેક અંજારથી કેમનો ધક્કો ખાધો?”
“અરે સાહેબ ફોન ઉપર એટલી લિજ્જત ન આવતી, મારે મારી વાર્તાના હીરોનો ચહેરો, એના હાવ ભાવ જોવા હતા, અને જો આપણે મળ્યા તો કેવી મજા આવી! બીજું સાહેબ હું બે દિવસે અહીં પહોંચ્યો છું. રસ્તામાં કેટલો હેરાન થયો!”
“ઓહ કેમ? શુ થયું હતું.”
“છોડો સાહેબ, તમે મળી ગયા અને તમે મને સમય આપો છો મારા માટે એ હેરાનગતિ ગૌણ બાબત છે.”
“જી પણ તમે આટલા હેરાન થઈને મારી કહાની જાણવા આવ્યા? એ જાણીને તમે કરશો શુ?
“જી અમારું સાપ્તાહિક સમાચાર સાપ્તાહિક દર બુધવારે પ્રકાશિત થાય છે, વાર્તાની કોલમમાં તમારી વાર્તા છાપીશું.”
“ઓકે” કહેતા હું સ્વાગત બબડ્યો.. “વાર્તા તો તમારા જેવા લેખકો ઉપર લખવાની જરૂર છે.”
મારા મોમાંથી હસી છૂટી ગઈ. મેં ફરી મારા મોં ઉપર રૂમાલ લગાવ્યો અને જેમ બને તેમ ટૂંકમાં મારી લવ સ્ટોરી કહેવાનું શરુ કર્યું. મારી સ્ટોરી શરુ કરતા પહેલા મેં મારા બને જીગરજાન દોસ્ત પપ્પુ અને ચેતનને પણ અંદર કેબીનમાં બોલાવી લીધા. બંને અરવિંદભાઈની બાજુમાં મારી સામે સ્ટુલ ઉપર ગોઠવાયા.
“હા તો અરવિંદભાઈ આજથી એક વર્ષ પહેલાની આ વાત છે. બા બાપુ ગુજરી ગયા એને આજે લગભગ ત્રણ વર્ષ થયા. બાપુજીના અવસાન પછી ઘરની જવાબદારી મારા ઉપર આવી પડી. મીનાક્ષી મારી નાની બહેન છે. હું છેલા ત્રણ વર્ષથી આ ગેરેજ ચલાવી મારી આજીવિકા રડી રહ્યો છું. આજથી લગભગ બે વર્ષ પહેલા ગરિમા મારા ગેરેજ ઉપર એનું એકટીવા રીપેર કરાવવા આવી હતી. હું પહેલી નજરે ગરિમાના પ્રેમમાં પડી ગયો હતો. કેમ ના પડું? એ લાગતી જ એવી! અને ભણેલી ગણેલી બી.એડ કરતી હતી. બ્લુ જીન્સ અને બ્લેક ટોપમાં એ માદક લાગી રહી હતી. એની એકટીવાના પ્લગમાં કચરો આવી ગયો હતો, એ મામુલી વાત હતી. મેં એ સાફ કરીને ચાલુ કરી આપી હતી અને એની પાસેથી પૈસા નહોતા લીધા.”
“અરે પણ તમે તો ઘણુંજ ટૂંકમાં જણાવો છો જયેશભાઈ! તમારી વચ્ચે સંવાદ નહોતો થયો? કઇંક શબ્દશ જણાવશો તો તમારી વાર્તા લખવાની મને પણ મજા આવશે.” વચ્ચે અરવિંદભાઈએ મને અટકાવતા કહ્યું.
મેં ચેતન સામે ત્રાંસી નજર કરીને જોયું. અને પપ્પુ મારો ઈશારો સમજી ગયો હોય એમ કેબીનનો દરવાજો ખોલી મુક્યો અને ટેબલ પંખાને દરવાજા પાસે લગાવ્યો જેથી કેબીનની અંદરની હવા બહાર જાય..
“હા હવે બરાબર.” કહેતા મેં ફરી મારી વાર્તા શરુ કરી.
“હા તો આપણે ક્યાં પહોંચ્યા હતા?”
“ગરીમા એનું એકટીવા લઈને તમારી ગેરેજ ઉપર આવી હતી.” અરવિંદભાઈએ એના પેપર ઉપર નોંધેલ મુદા ઉપર પેન ટાંકીને કહ્યું..
“હા એ દિવસે હું ચેતન અને પપ્પુ સાથે શાયરીની મહેફિલ જમાવીને બેઠો હતો, એજ સમયે ગરિમા હાંફતી હાંફતી પહેલી વાર મારી ગેરેજ ઉપર આવી, એના માથા ઉપરથી પ્રસ્વેદ ટપકીને એના ઘાટા ઘઉંવર્ણ ગાલ ઉપરથી નીતરીને એના હોઠને ચૂમી રહ્યો હતો, એ એટલી તો હાંફી ગઈ હતી કે એ બોલી પણ નહોતી શકતી. મેં સ્ટુલ તરફ હાથ બતાવી એને બેસવા કહ્યું હતું. હું એની એક્ટીવાનું કામ કરી રહ્યો હતો. થોડી થોડી વારે હું એને નોંધી રહ્યો હતો, ત્યારે ચેતન અને પપ્પુ મને નોંધી રહ્યા હતા. ઓહ! શું અનુભવ હતો એ! હું પહેલી નજરમાં ગરિમાના પ્રેમમાં પડી ગયો હતો..
હું એકટીવાનું કામ કરતો હતો એટલી વારમાં ચેતન ગરિમા માટે શેરડીનો રસ લાવ્યો.
એનું એકટીવા ચાલુ થઇ ગયું તો એ પૈસાનું પૂછ્યા વગર જતી રહી. અને હું એને જતી જોતો રહ્યો.”
“જો એ દિવસે મેં એવું કર્યું હોત તો જયેશભાઈએ પૈસા મારા પગારમાંથી કાપી લીધા હોત.” વચ્ચે ચેતન બોલ્યો.
“ચુપ અલ્યા! શેરડીનો રશ ક્યાંથી પાયો હતો તે?” મેં ચેતન સામે જોતા કહ્યું.
“ઓકે, પછી આગળ શું થયું?” અરવિંદભાઈએ નાકમાં આંગળી નાખી નાક સાફ કરતા કહ્યું.
“પછી મેં ચેતન અને પપ્પુને તપાસ કરવા ધંધે લગાડ્યા કે આ રૂપસુંદરી ક્યાં રહે છે, અને શું કરે છે?”
“પાંચ ગ્રાહકની બાઈકમાંથી એક એક લીટર પેટ્રોલ કઢાવ્યું હતું એ કામ માટે.” વચ્ચે પપ્પુ બોલ્યો..
“અરે ભાઈ આ બધું અરવિંદભાઈ વાર્તામાં નથી લખવાના.બરાબર ને અરવિંદભાઈ?” મેં કહ્યું..
“હા આવું કશું લખવાની જરૂર નથી. તમે ફક્ત તમારી લવ સ્ટોરી ઉપર ધ્યાન આપો, મને જરૂર પુરતી જ માહિતી આપો.” અરવિંદભાઈએ કહ્યું.
“હા પછી બે દિવસ સુધી સતત બાઈક દોડાવ્યા અને પાંચ લીટર પેટ્રોલ ફૂંકી માર્યું ત્યારે ખબર પડી કેગરિમા અમારા ગામથી થોડે દુર આવેલી એક સોસાયટીમાં રહે છે. અહી એક કોચિંગ ક્લાસમાં રોજ આવે છે. એનું ઘર મળી ગયા પછી હું રોજ એના ઘર તરફ ફિલ્ડીંગ ભરવા લાગ્યો.
એક દિવસ સાંજે અમે શાયરીની મહેફિલ જમાવીને બેઠા હતા, અને એ મારી ગેરેજ ઉપર આવી પહોંચી.
“સોરી. એ દિવસે હું તમને પૈસાનું પૂછતાં પણ ભૂલી ગઈ હતી, અને એ દિવસે મારી પાસે પૈસા પણ ન હતા.” ગરિમાએ પર્સમાંથી પાંચસોની નોટ મારી તરફ લંબાવતા કહ્યું..
“અરે! ના ના રહેવા દો એની કશી જરૂર નથી. બીજીવાર ક્યારેક લઇ લઈશ.”
“જોયું અરવિંદભાઈ? એ સામે ચાલીને પૈસા આપવા આવી હતી, અને આ અમારા સેઠ! ના ના એની કશી જરૂર નથી!” વચ્ચે ફરી પપ્પુ બોલ્યો.
“તું ચુપ થા તો પપ્પુડા, નહી તો તારું મર્ડર આ ગેરેજની અંદર માથામાં ટામી લાગવાથી થયું એવું પણ આ વાર્તામાં લખાઈ જશે.” મેં હસતા હસતા કહ્યું..
“અરવિંદભાઈ તમને કંટાળો તો નથી આવતોને?”
“ના ના લેખકને ક્યારેય કંટાળો નથી આવતો. ખાસ તો એ જયારે એના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય ત્યારે.”
“ગુડ અરવિંદભાઈ,”
“ઓકે પછી શું થયું?”
“ઓકે ચેતન, પપ્પુ હવે મજાક નહી બરાબર? હા તો અરવિંદભાઈ પછી ગરિમા એના નાનાનાના કામ માટે મારા ગેરેજ ઉપર આવવા લાગી, અને એ દરમિયાન અમને બંનેને એકબીજાથી પ્રેમ થઇ ગયો.
ક્રમશ:
નીલેશ મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com