રેખા: એક રહસ્ય, એક દિવા, એક જીવંત પરીકથા જેવો અનુભવ/ જિગીષા રાજ
૬૩વર્ષની ઉંમરે, પોતાની સરખામણીમાં અન્ય કલાકારોનેય શરમાવે એવી અદાકારી સાથે વીસ વર્ષ પછી જાહેરમાં સ્ટેજ પર આવીને જ્યારે,‘પ્યાર કિયા તો ડરના ક્યા..?’ અને ‘સલામ-એ-ઈશ્ક, મેરી જાન..” પર એક ખ્યાતનામ નાયિકાએ ડાન્સ કર્યો, ત્યારે એ માહોલ સ્વર્ગથી ઉતરેલી અપ્સરા જાણે પૃથ્વી પર જીવંત જોવા મળી રહી હોય એવો હતો... ત્યાં હાજર સૌ, એ નાયિકાના આવિર્ભાવમાં આજુબાજુનું સઘળું ભૂલી ગયા હતા અને બસ મૂક પ્રેક્ષક બનીને સૌ એ અદ્ભુત ઘટનાના સાક્ષી બની રહ્યા. ખરેખર એ રાત્રે ત્યાં હાજર રહેલા લોકો માટે એ યાદગાર ઘટના તેમની જિંદગીનું એક અવિસ્મરણીય અને જાદુઇ સપનું જાણે સાચું બની રહેલું.
ભાનુરેખા ગણેશન; તામિલનાડુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખ્યાતનામ હીરો જૈમિની ગણેશનનું અને તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જ એવી જ ખ્યાતનામ નાયિકા પુષ્પાવલિનું અનૌરસ સંતાન. ૧૦ ઓક્ટોબર, ૧૯૫૪માં ચેન્નાઈમાં જન્મેલી રેખાનું બાળપણ ચેન્નાઈમાં જ વીત્યું. તેના જન્મ સમયે તેના પિતાએ તેને પોતાના બાળક તરીકે સ્વીકારી નહોતી. રેખાને એક સગી બહેન સાથે જ અન્ય છ ભાઈ બહેન પણ છે, જે સૌના પિતા જૈમિની ગણેશન છે.
બાળપણમાં કોન્વેંટની શાળામાં નનના હાથ નીચે ભણતાં ભણતાં રેખાને પણ નન બનવું હતું, જ્યારે બીજી તરફ આખી દુનિયા જોવાની ઈચ્છા રાખતી રેખા એર હૉસ્ટેસ બનવાનું સપનું પણ જોતી હતી. એર હૉસ્ટેસ બનવાના સપનાં પાછળની એક હકીકત રેખાનો મેકઅપનો શોખ હતો. એ સમયે એની એર હૉસ્ટેસ સખીઓ એની માટે વિદેશથી મોંઘી દાટ મેકપની કીટ પણ તેને લાવી આપતી હતી.
બહુ જ નાની ઉંમરે પરિવારની આર્થિક તંગીને ધ્યાને રાખીને ભાનુરેખાએ તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રૂપેરી પડદા પર રેખા નામ સાથે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૬૬માં રેખાનું બાળ કલાકાર તરીકેનું પ્રથમ પદાર્પણ તામિલ ફિલ્મ ‘રંગુલા રત્નમ’થી થયું. જેમાં રેખાએ બખૂબી પોતાનો અભિનય નિભાવ્યો. એના અભિનયની શરૂઆત એ ફિલ્મના પહેલા જ ગીતમાં રેખાએ દશાવતાર વિષે ગાયેલા ભજનથી થાય છે, જેમાં રેખા સુંદર નૃત્ય સાથે એ ભજન ગાય છે, જ્યાં શરૂઆતમાં એકાદ બે પંક્તિ ગાયા પછી જ્યારે એ આગળની પંક્તિઓ ભૂલી જાય ત્યારે એ સિનમાં એની માતા પુષ્પાવલિ આવીને આગળની પંક્તિઓ ગાય છે અને પછી રેખા ફરીથી આગળ ગીત ચાલુ કરે છે.આ જ ઓપનિંગ સિનમાં રેખાની અભિનય ક્ષમતા અને નૃત્યની ભંગિમાઓ પણ જોવા મળે છે. આ ફિલ્મમાં તેની માતા પુષ્પાવલિએ પણ અભિનય કર્યો હતો. એ વર્ષે આ ફિલ્મે બેસ્ટ ફીચર ફિલ્મ તરીકેનો નેશનલ ફિલ્મ એવોર્ડ અને ગોલ્ડન નંદી એવોર્ડ પણ મેળવ્યો. આ જ ફિલ્મ પછીથી ૧૯૭૬માં હિન્દીમાં ‘રંગીલા રતન’ તરીકે બનીને રીલીઝ થઈ હતી. જેમાં ઋષિ કપૂર અને પરવીનબાબી તથા અશોકકુમાર મુખ્ય ભૂમિકાઓમાં હતા.
પ્રથમ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે એન્ટ્રી કર્યા પછી ૧૯૬૯માં કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખ્યાતનામ ડાયરેક્ટર દોરાઈ ભગવાનની કન્નડ ફિલ્મ ‘ઓપરેશન જેકપોટ નલ્લી સીઆઇડી 999’ માં રેખા હિરોઈન તરીકે પદાર્પણ કરે છે.પડદાના જીવંત દંતકથા સમાન એ સમયના કન્નડ ફિલ્મોના હીરો રાજકુમારની એ ત્રીજી સૌથી વધુ જોવાયેલી અને વખણાયેલી જાસૂસી સીરિઝ હતી. બોન્ડ ટાઈપની બોલ્ડ યુવતીના રોલમાં રેખાને શરૂઆતમાં પાત્રને અનુરૂપ અને જરૂરિયાત પ્રમાણેના ટાઈટ ટી શર્ટ્સ અને ટૂંકા અને ચુસ્ત ડ્રેસ પહેરવાનો ઘણો ક્ષોભ થયેલો, પણ એના અભિનય માટે એને ઘણી દાદ મળી હતી. આ જ વર્ષે રેખાને તેની પ્રથમ હિન્દી ફિલ્મ ‘અંજાના સફર’ મળી હતી. પોતાના કમ્ફર્ટ ઝોનની બહારની અને એમાંય એક તદ્દન નવી ભાષાની એ ફિલ્મે રેખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક કડવો અને વરવી સચ્ચાઈથી ભરેલો અનુભવ પણ કરાવ્યો. એ ફિલ્મમાં રેખાનો હીરો વિશ્વજિત સાથે એક કિસીંગ સીન પણ હતો, જેમાં રેખાની જાણ બહાર વિશ્વજિત દ્વારા તેને કિસ કરવામાં આવેલી. આ સમયે રેખાની ઉંમર માત્ર પંદર વર્ષની, જ્યારે વિશ્વજિતની ઉંમર અદાજે ચાલીસેક વર્ષની હતી. રેખાને આ સિનમાં વિશ્વજિત પાંચ મિનિટ સુધી કિસ કરે છે અને ડાયરેક્ટર રાજા નવાથે કટ નહોતા બોલ્યા અને આખું યુનિટ આ વાતની સિટી વગાડી વગાડીને મજા લેતું રહેલું. રેખાની આંખો આ સમયે બંધ હતી, પણ તેના આંસુઓ ઘણું કહી ચૂક્યા હતા. આ આખી વાતને અમેરિકાના એક પ્રતિષ્ઠિત મેગેઝિન ‘લાઈફ’ની એશિયન આવૃતિમાં કવરસ્ટોરી રૂપે, જેનું ટાઇટલ ‘kissing crisis of india’ રાખીને ઉલ્લેખ કરેલો. ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થયેલા રેખા અને વિશ્વજિતના કિસીંગ સિનના ફોટા હકીક્તે આ મેગેઝિન માટે જ પાડવામાં આવેલા. અસલી ફિલ્મ અને આ ફોટાને કંઇ જ લાગતું વળગતું નથી. એવું પહ કહેવાય છે કે એ ફોટા, જે મેગેઝિનમાટે પાડવામાં આવેલા એમાં અસલીમાં તો રેખા છે પણ નહીં, કારણ કે રેખા ફિલ્મમાં આ સિનથી તદ્દન અજાણ હતી અને એ સિનમાં વિશ્વજિતે અચાનક જ રેખાને કિસ કરેલી. આ સિન માટે સેન્સરબોર્ડ દ્વારા કોર્ટમાં જતાં, કોર્ટ દ્વારા ખોસલા કમિટી બનાવવામાં આવેલી અને તેના રિપોર્ટમાં ‘કિસ કરવી’ એ બે વ્યક્તિનો અગત મામલો છે, એમ જણાવવામાં આવેલું. આ આખા કિસ્સાને રેખાના જીવન પર બનેલા એક પુસ્તક ‘Rekha: The Untold Story’માં પણ સામેલ કરવામાં આવ્યો છે. રેખાના જીવનનો આ પહેલો કિસ્સો હતો, જ્યારે તે આટલી બધી ચર્ચિત થઈ હતી. આ કારણે જો કે પાછળથી વિશ્વજિતને પણ ઘણી બદનામી મળેલી અને એ સમયે જ વિશ્વજીતે રેખાને ‘કાળી અને બદસૂરત’ કહીને પોતાનો લૂલો બચાવ કરવા કોશિશ કરી હતી.આ કિસ વિષે તે સમયે ‘લાઈફ’ મેગેઝિનની એશિયન આવૃત્તિમાં પણ ઉલ્લેખ થયો હતો કે રાતોરાત ખ્યાતિ મેળવવા માટે વિશ્વજિતે આ કરેલું, જેથી આ ફિલ્મ પાછળથી સેન્સરશિપના સકંજામાં અટવાઈ રહી અને છેક લગભગ દસેક વર્ષ પછી ૧૯૭૯માં ‘દો શિકારી’ નામે રીલીઝ થઈ શકી. રેખાનું મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવું એ “એની માટે જાણે એક નર્કના અનુભવ જેવુ હતું” એવું એક ઇન્ટરવ્યુમાં એ જણાવે છે. બિન હિંદીભાષી હોવાનો સંઘર્ષ અને કડક ડાયેટનું પાલન તથા એકલા રહેવાનો સંઘર્ષ અને એની મનોસ્થિતિ એ સમયે ખૂબ જ દયનીય હતી અને બીજી તરફ તેની માતા સતત બીમાર હોવાથી એનું ધ્યાન ત્યાં પણ ફાંટાયેલું રહેતું. સ્કૂલે જવાના અને મિત્રો સાથે રમવાના દિવસોમાં રોલને અનુરૂપ કપડાં અને જ્વેલેરી પહેરીને રેખા કંટાળી જતી હતી અને આટઆટલા ચુસ્ત કપડાં અને જ્વેલેરીથી તેને ક્યારેક સખત એલર્જી પણ થઈ જતી હતી. સારી હેર સ્ટાઈલ માટે વાળમાં નાંખેલું હેર સ્પ્રે દિવસો સુધી ધોવા છતાં નીકળતું નહીં. બસ જાણે જબરજસ્તી કોઈ ધક્કો મારતું હોય એમ એ એની જાતને એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો સુધી ઢસેડતી રહેતી હતી. તેર વર્ષની એકલી છોકરી કેટલું કરી શકે!
૧૯૭૦માં રેખાએ અન્ય એક તેલુગુ ફિલ્મ ‘અમ્મા કોસમ’માં નાયિકા તરીકે પદાર્પણ કર્યું. તો વળી એ જ વર્ષે હીરો નવીન નિશ્ચલ સાથે રેખાની નાયિકા તરીકેની પ્રથમ હિન્દી ફિલ્મ ‘સાવન ભાદોં’ રિલીઝ થઈ. ત્યારબાદ ધીમે ધીમે એક ‘જાડી, કાળી અને બતકના બદસૂરત બચ્ચાં જેવી’ જેવી કિશોર યુવતીનું સુંદર, ઘાટીલી અને નખરાળી અદાઓવાળી નાયિકામાં થયેલું રૂપાંતર હિન્દી સિનેમાને મળેલું ઈશ્વરીય વરદાન હતું. ‘સાવન ભાદોં’ ને મળેલી જબરજસ્ત સફળતાએ રેખાને પણ રાતોરાત સ્ટાર બનાવી દીધી. ધીમેધીમે રેખાએ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક કોમર્શિયલ ફિલ્મો સાઇન કરી અને એજ અરસામાં ૧૯૭૨માં ‘રામપુર કા લક્ષ્મણ’, ૧૯૭૩માં ‘કહાની કિસ્મત કી’, ૧૯૭૪માં ‘પ્રાણ જાયે પર વચન ના જાયે’ જેવી એક પછી એક સફળ ફિલ્મો આપી. ૧૯૭૨મા ફિલ્મ ‘એક બેચારા’ના શૂટિંગ સમયે રેખા અને જિતેન્દ્ર એકબીજાથી ઘણાં નજીક આવેલા, પણ જિતેન્દ્ર પોતાની એર હૉસ્ટેસ ગર્લ ફ્રેન્ડ શોભા સાથે વધુ ગંભીર હતો એટ્લે રેખાનો પહેલો પ્રેમ ત્યાં જ તૂટી ગયો. એ સમયે ઈન્ડસ્ટ્રી, એની એકટિંગના વખાણ કરવાના બદલે એના ઘેરા રંગથી આશ્ચર્યચકિત હતી કે અન્ય હિરોઇનની સરખામણીએ ઓછું હિન્દી જાણતી અને દક્ષિણની હિરોઈન જેવી લાગતી રેખા સફળ કેવી રીતે થઈ રહી છે?
એક સમય આવ્યો કે રેખાને એ આભાસ થયો કે તેણે હવે તેના દેખાવ પ્રત્યે પણ સભાનતા કેળવવી જ રહી અને ત્યારબાદ ધીમે ધીમે રેખાએ યોગનો અભ્યાસ શરૂ કર્યો અને આજેય એમાં ખૂબ જ પારગંત છે. એ સમયે એણે પહેલવહેલું હિરોઈન તરીકે હોટેલ રામી ઇન્ટરનેશનલ હોટેલમાં જિમ જવાનું શરૂ કર્યું.જ્યાં તે કાયદેસર સ્વિમિંગ શીખી અને બેઝિક એકસરસાઈઝ પણ શરૂકરી. એ એવી પહેલી હિરોઈન હતી, જે જિમમાં જતી હતી. તેણે મેક અપ ટિપ્સ, ડ્રેસિંગ સેન્સ , હિન્દી શુદ્ધ ઉચ્ચારણ વગેરે પર પણ પોતાની પકકડ જમાવી. એ પછી એક નવી રેખાનો યુગ શરૂ થયો, જે આજ સુધી એક જીવંત દંતકથા સમો આપણી સામે ભજવાતો રહ્યો છે. તેણે ધીમેધીમે ફિલ્મોની પસંદગીમાં કુશળતા દાખવી અને ૧૯૭૬માં એ સમયના સફળ હીરો અમિતાભ બચ્ચન સાથે ‘દો અંજાને’ ફિલ્મમાં અમિતાભની અભિમાની અને મહત્વાકાંક્ષી પત્નીનો મજબૂત રોલ બખૂબી નિભાવ્યો અને આ સાથે જ શરૂ થઇ એક નવી પ્રેમ કહાની પણ..જેનું અસ્તિત્વ આજ સુધી એક રહસ્ય જ છે. ૧૯૭૬માં જ ‘નાગિન’ માં પણ રેખાના કામણ પથરાયેલા જોવા મળ્યા. જ્યાંથી તેણે વેંપ અને સેક્સી જેવા વિશેષણોથી પણ નવાજવામાં આવી. ૧૯૭૭માં રેખાને ‘ઈમાન ધરમ’ ફિલ્મ માટે ‘ફિલ્મ વર્લ્ડ’ મેગેઝિન તરફથી બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો॰
૧૯૭૮માં વિનોદ મહેરા સાથેની ફિલ્મ ‘ઘર’થી રેખાની એક મજબૂત અને કુશળ નાયિકા તરીકેની નવી ઓળખાણ બહાર આવી, જેણે એને ફિલ્મફેર એવોર્ડ્સમાં બેસ્ટ અભિનેત્રી તરીકેનું નોમિનેશન પણ અપાવ્યું. જો કે આ ફિલ્મ સાથે જીતેન્દ્ર સાથેથી તૂટેલા દિલની રેખાના વિનોદ મહેરા સાથેના અફેરની અને પછી વિનોદ મહેરા સાથેના લગ્નની પણ ઘણી અફવા ઊડેલી, જેનું રેખાએ કદી સમર્થન કર્યું નથી. રેખા વિનોદ મહેરાની માતાની મરજીનીરાહ જોતી રહી. એક સમયે રેખાએ વંદા મારવાની દવા પીને આપઘાતની પણ કોશિશ કરેલી, પણ પછી હોસ્પીટલમાં અને એક ઇન્ટરવ્યુમાં પોતાના ખાવામાં વંદો આવી ગયેલો અને એના કારણે ફૂડ પોઇઝનિંગ થયું એમ વાતને વાળી લીધી હતી. જો કે એ સમયે એવી વાત વહેતી થઈ હતી કે બંનેએ કલકતામાં લગ્ન કરી લીધા હતા અને પછી મુંબઈમાં જ્યારે વિનોદ મહેરાના ઘરે પહોંચ્યા , ત્યારે વિનોદના માતાજી રેખાને ચપ્પલ લઈને મારવા દોડેલા. રેખાના કહ્યા પ્રમાણે ‘વિન વિન’ ,વિનોદ મહેરા એક જ પુરુષ એવો મળેલો જે રેખાને પૂરી રીતે સમજ્યો હતો. રેખા પ્રેમથી વિનોદ મહેરાને ‘વિન વિન’ કહેતી હતી. આ બધી વાતની છેક ૧૯૯૦માં એક મેગેઝિનમાં રેખાએ આ સંબંધની અને આ વાતની પુષ્ટિ કરી હતી. વિનોદ મહેરા પછી પ્રખ્યાત વિલન જીવણના દીકરા કિરણ કુમાર સાથેના સંબંધો પણ ખૂબ ચર્ચામાં રહેલાં. ૧૯૭૮માં ‘મુકદ્દર કા સિકંદર’માં પણ રેખાએ પોતાની અદાકારી દર્શાવી. જે ફિલ્મ તો સફળ રહી જ, પણ સાથે સાથે રેખાને પણ એક પરિપક્વ એ હિન્દી ફિલ્મોની ખ્યાતનામ નાયિકા બનાવવામાં પણ સફળ રહી.આ ફિલ્મમાં નિભાવેલ ઝોહરાબાઈ તરીકેના રોલ માટે પણ રેખાને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનું નોમિનેશન મળ્યું. અમિતાભ અને રેખા અ સમયે એકબીજાની ઘણી નિકટ થઈ ગયા હતા અને આ સમયમાં અમિતાભની સંગતમાં રેખામાં ઘણું પરિવર્તન પણ આવ્યું હતું. પોતાના દેખાવની સાથે જ જીવન પ્રત્યેનો અભિગમ પણ રેખા અ જ સમયે બદલી શકી હતી.
૧૯૭૯માં અમિતાભ બચ્ચન સાથે ‘મિ.નટવરલાલ’ આપ્યા પછી ૧૯૮૦માં રેખાને હીરો રાકેશ રોશન સાથે ઋષિકેશ મુખરજીની ‘ખૂબસૂરત’ ફિલ્મ મળી, જેણે રેખાને લગભગ સંપૂર્ણ બદલી નાંખી અને આખરે આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો અને રેખાને બેસ્ટ એક્ટ્રેસ માટેનો એ વર્ષનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ જ સમય દરમ્યાન રેખાએ કોમેડી પર પણ હથોટી આજમાવી અને તેમાં તે સફળ રહી. તેણે ઘણા ફિલ્મોમાં નાયિકા તરીકે જ કોમેડી સિન પણ ભજ્વ્યાં, જે દર્શકોએ પસંદ કર્યા.
૧૯૮૦માં બચ્ચન સાથેના સંબંધોથી ચર્ચામાં આવેલી રેખાને યશ ચોપરાએ અમિતાભ, જયા ભાદુરી અને સંજીવકુમાર સાથે ‘સિલસિલા’ ફિલ્મ ઓફર કરી અને રેખાના, અમિતાભ સાથેના સંબંધો પર બનેલી આ ફિલ્મે એ સમયે ઘણી ચર્ચા જગાવેલી. અલબત્ત ફિલ્મને જોઈએ એવી સફળતા મળી નહોતી. આ ફિલ્મ પહેલાં જયાએ રેખાને પોતાના ઘરે ડિનર પર બોલાવી હતી અને કહ્યું હતું, “ કે કંઈ પણ થઈ જાય , હું અમિતને નહીં છોડું.” આ સમયે અમિતાભ ઘરે નહોતા અને એ દિવસ પછી રેખા કદી અમિતાભ તરફ પાછી ફરી નથી. આ બધી વાતો અને અફવાના ખંડન માટે જ પછીથી અમિતાભે જયા અને રેખા સાથે આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતો. પાછળ જતાં ફિલ્મ ‘કુલી’ના એક્સિડેંટ પછી બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં દાખલ અમિતાભને જોવા રેખા પહોંચી, ત્યારે જયાએ તેણે ત્યાં અમિતાભ સાથે મળવાથી રોકી હતી. બસ આ પછી એ લોકો વિષે ખાસ કોઈ નવી વાત જાહેર થતી નથી અને જાહેરમાં પણ તેઓ એકબીજા સામે જોવાનું પણ ટાળતાં રહ્યા છે.
આ બધાની વચ્ચે રેખાનું ફિલ્મી કેરિયર પણ ચાલતું જ રહ્યું, જેમાં ૧૯૮૧માં તેને ‘જુદાઇ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનું નોમિનેશન મળ્યું.
રેખાના જીવનમાં એકદમ દિશા બદલી નાંખતો ટર્નિંગ પોઈન્ટ આવ્યો ૧૯૮૧માં ‘ઉમરાઉ જાન’ ફિલ્મ દ્વારા. મુઝફ્ફર અલીની આ ફિલ્મમાં રેખાએ પોતાનું જાણે આખું અસ્તિત્વ નિચોવી દીધું હતું. એક ખ્યાતનામ ઉર્દૂ શાયરા તરીકેના રોલ માટે રેખાએ બખૂબી ઉર્દૂ ઉચ્ચારણની પણ તાલીમ લીધી હતી. આ એ રેખા હતી, જેને એક સમયે સરખું હિન્દી બોલતાં પણ નહોતું આવડતું. પણ સમય બદલાયો અને ૧૯૮૨માં ઉમરાઉ જાન ફિલ્મ માટે રેખાને નેશનલ એવોર્ડ મળ્યો, જેની ખરેખર એ હકદાર હતી. આ ફિલ્મ બાદ એ જ વર્ષે રેખાની ‘બસેરા’ ફિલ્મ આવી, જેમાં શશિ કપૂર અને રાખી સાથે રેખાએ એક મજબૂત પાત્ર નિભાવ્યું. ત્યારબાદ રેખાએ શશિ કપૂર સાથે પેરેલલ એટ્લે કે આર્ટ ફિલ્મો તરફ કદમ માંડ્યા અને એમાં પણ ઘણી સફળ ફિલ્મો આપી. ૧૯૮૧માં શ્યામ બેનેગલની ‘કલયુગ’, ૧૯૮૨માં ગોવિંદ નિહલાનીની ‘વિજેતા’, ૧૯૮૪માં ગિરીશ કર્ણાડની હીરો શેખર સુમન સાથે ‘ઉત્સવ’ અને ૧૯૮૭માં ગુલઝારની નસીરુદ્દીન શાહ સાથેની ‘ઇજાજત’ એમ એક પછી એક આર્ટ ફિલ્મો સફળ થવા લાગી.૧૯૮૩માં તેને ‘જીવનધારા’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકેનું નોમિનેશન મળ્યું. ૧૯૮૪માં ‘મુઝે ઇન્સાફ ચાહીએ’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનું નોમિનેશન મળ્યું. જેમાં ૧૯૮૫માં તેને બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન તરફથી બેસ્ટ હિન્દી એક્ટ્રેસ તરીકેનો એવોર્ડ ‘ઉત્સવ’ ફિલ્મ માટે મળ્યો.
આ બધું કર્યા લીધા બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એંગ્રી યંગ મેન અમિતાભની ફિલ્મોની રાહ પર એંગ્રી યંગ વુમનની જરૂર પડી ને રેખાએ ૧૯૮૮માં ‘ખૂન ભરી માંગ’થી ફરી કોમર્શિયલ ફિલ્મોમાં સફળ એન્ટ્રી કરી અને આ ફિલ્મ થકી તેણે બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો બીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.
૧૯૯૦ના દશકમાં રેખાની અમુક ફિલ્મો હવે ફ્લોપ થવા લાગી હતી. જે રેખા માટે હવે અટકવાની સલાહ જેવી હતી. શરૂઆતની ચાર-છ અસફળ ફિલ્મો પછી રેખાએ ફરી ગાડી પાટા પર લાવવા ૧૯૮૧માં ‘ફૂલ બને અંગારે’ ફિલ્મ સાઇન કરી. અને ફરી રેખાએ પોતાના અભિનયથી સૌના મોઢા બંધ કરી દીધાં. આ જ અરસામાં જીતેન્દ્ર સાથે ડબલ રોલમાં ‘ગીતાંજલિ’ ફિલ્મ આપી.રેખા અને જિતેન્દ્રએ એકસાથે ૨૬ રોમેન્ટીક ફિલ્મો આપેલી, જેમાંથી ૧૫ સફળ રહી હતી. અને બીજી તરફ ૧૯૯૪માં અક્ષય કુમાર સાથે ‘મેડમ એક્સ’ પણ આપી. જે કોઈ ખાસ સફળતા હાંસિલ કરી ના શકી. જો કે ત્યારબાદ રેખાએ ફરીથી ૧૯૯૬માં ‘ખિલાડીયોં કા ખિલાડી’ અક્ષયકુમાર સાથે અને ૧૯૯૭માં વિદેશી પ્રોડકશન અને મીરાં નાયર દિગ્દર્શિત ‘કામસૂત્ર’ ફિલ્મ સ્વીકારી. કામસૂત્રમાં રેખાએ કામકળા શીખવતા શિક્ષકનો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મ અંગ્રેજીમાં હતી અને રેખાની આ પ્રથમ અંગ્રેજી ફિલ્મ હતી. જે એ વર્ષે બોક્સ ઓફિસના આંકડાઓ પર સફળ પુરવાર થઈ. આ ફિલ્મ માટે તેણે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ અને સ્ટાર સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ વિલનનો પણ એવોર્ડ મળ્યો. તો ‘ખિલાડીયોં કા ખિલાડી’ ફિલ્મ માટે તેને બેસ્ટ વિલનનો પણ એવોર્ડ મળ્યો. ૧૯૯૮માં રેખાને કથ્થક ડાન્સર તરીકેનો ‘લચ્છુ મહારાજ એવોર્ડ’ પણ મળ્યો. ૧૯૯૭માં તેને લેક્મે તરફથી ટાઈમલેસ બ્યુટીનો પણ એવોર્ડ મળ્યો. ૧૯૯૮માં જ ઓમપુરી અને નવીન નિશ્ચલ સાથેની તેની ફિલ્મ માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનું નોમિનેશન પણ મળ્યું. આ ફિલ્મમાં રેખા પોતાના જૂના ફિલ્મી સાથી નવીન નિશ્ચલ સાથેના ગરમાગરમ સિન માટે ખૂબ જ ચર્ચામાં આવેલી, તો બીજી તરફ ઓમપુરી સાથેની તેની કેમિસ્ટ્રી પણ પ્રેક્ષકોએ વખાણેલી. આ ફિલ્મ બાદ રેખાને એક રાતનો ભાવ પૂછવાવાળાના ઘણા ફોન આવતા, જેને રેખાને ખૂબ તકલીફ આપી હતી.
૨૦૦૦ના દશકમાં નવી હિરોઈનો આવવા લાગી હતી. માધુરી દિક્ષિતનો પણ જમાનો છવાઈ રહ્યો હતો. આવા સમયે રેખા ૨૦૦૦માં ‘બુલંદી’માં રજનીકાંત સાથે અને ૨૦૦૧માં ‘લજ્જા’ ફિલ્મમાં આવી. ફિલ્મ ‘લજ્જા’ના રેખાના રોલના ઘણા વખાણ થયાં અને ૨૦૦૨માં તેને ફિલ્મેફર એવોર્ડ તરફથી બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનું નોમિનેશન પણ મળ્યું. તો ૨૦૦૩માં ફિલ્મફેર એવોર્ડ તરફથી રેખાને ‘ફિલ્મફેર લાઈફ ટાઈમ અચિવમેંટ એવોર્ડ’ પણ મળ્યો॰ ૨૦૦૩માં રાકેશ રોશન સાથે ‘કોઈ..મિલ ગયા’માં આવી, જ્યાં તેણે રિતિક રોશનની માતાનો રોલ કર્યો.આ ફિલ્મ માટે તેને ૨૦૦૪માં બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ પણ મળ્યો. ૨૦૦૩માં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી દ્વારા તેને ‘સેમસંગ દિવા એવોર્ડ’ મળ્યો. આ જ વર્ષે ૨૦૦૪માં મહા સ્ટાઈલ આઈકોન ઓફ ધ યર માટેનો એવોર્ડ પણ આપવામ આવ્યો. ૨૦૦૫માં સંજય દત્ત સાથેની ફિલ્મ ‘પરિણીતા’માં પણ ખાસ રોલ નિભાવ્યો. ૨૦૦૫માં રેખાને સોની તરફથી ગોલ્ડન ગ્લોરી એવોર્ડ આપવામ આવ્યો.એ પછી ૨૦૦૬માં ‘ક્રિશ’ અને ૨૦૧૩માં ‘ક્રિશ ૩’માં પણ તેણે અદાયગી કરી. રાકેશ રોશનની પત્ની, રિતિક રોશનની માતા અને પછી એની દાદી બનીને એણે પોતાની એક ઈચ્છા કે એણે રિતિક રોશન જેવો દીકરો હોય એ પણ પૂરી કરી લીધી. એક ઇન્ટરવ્યુમા રેખાએ પોતાના સંતાનની બાબતમાં એમ કહ્યું છે કે “સારું થયું હું આજ સુધી લગ્ન પહેલાં મા નથી બની. જો કે બની હોત, તો પણ મને વાંધો નહોતો.” ૨૦૦૬માં ‘ઝી સિને એવોર્ડ ફોર લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડ’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રેખાનું સન્માન કરવાં આવ્યું.તો સાથે જ આઇડિયા ઝી ફિલ્મ એવોર્ડ તરફથી ફેશનેબલ ફિલ્મ સ્ટારનો એવોર્ડ પણ રેખાને આપવામ આવ્યો. એટલું જ નહીં પરંતુ, આ વર્ષે રેખાને દિનાનાથ મંગેશકર એવોર્ડથી પણ નવાજવામાં આવી. તો ૨૦૦૭માં ફિક્કી દ્વારા ‘લિવિંગ લેજેંડ ઇન ધ વર્લ્ડ ઓફ એન્ટરટેઇનમેંટ’ તરીકેનો એવોર્ડ પણ રેખાને મળ્યો.૨૦૦૮માં આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ બૉલીવુડનો ઇમ્પા તરફથી પણ એવોર્ડ આપવામાં આવ્યો. ૨૦૦૯માં મહારાષ્ટ્ર સરકાર તરફથી આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ ઇંડિયન સિનેમા માટેનો ‘રાજ કપૂર પ્રતિભા ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો. ૨૦૧૦માં ‘સ્ટારડસ્ટ એડિટર્સ ચોઈસ આઇકન ઓફ ધ ઈન્ડસ્ટ્રી’ જેવા પુરસ્કારથી પણ રેખાને સન્માનિત કરવામાં આવી. પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન કરેલા કામના સન્માન તરીકે રેખાને ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા ભારતના ચોથા સૌથી મોટા એવોર્ડ ‘પદ્મશ્રી’ સન્માન પણ મળ્યું. તો ૨૦૧૨માં સ્ટારડસ્ટ એવોર્ડ- રોલ મોડેલ ઓફ ધ ઈન્ડસ્ટ્રી એવોર્ડ પણ રેખાને આપવામાં આવ્યો, તો સાથે જ ઇન્ટર નેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી દ્વારા તેને ‘આઉટ સ્ટેન્ડિંગ અચિવમેંટ ઇન ઇન્ડિયન સિનેમા’ એવોર્ડ પણ એ જ વર્ષે મળ્યો. આ જ વર્ષે તેને ‘બિગ સ્ટાર ઇટરનલ યૂથ સ્ટાર એવોર્ડ’ પણ મળ્યો. છેલ્લે ૨૦૧૪માં ગુજરાતી નાટક ‘બા રિટાયર થાય છે’ પરથી બનેલી ફિલ્મ ‘સુપર નાની’ માં તેણે નાની તરીકે અભિનય આપ્યો. ૨૦૧૬માં રેખાને દુબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તરફથી ‘લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડ’ મળ્યો. જ્યારે એ ક વર્ષે ‘સ્ક્રીન’ અને ‘સ્ટારડસ્ટ’ તરફથી પણ ‘લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડ’ મળ્યો. ત્યારબાદ રેખા ઘણીવાર જાહેર સમારંભોમાં દેખાતી રહી છે. હમણાં છેલ્લે બેંગકોક ખાતે આયોજિત આઈફા એવોર્ડ સમારોહમાં રેખાએ ઉપસ્થિત સૌના દિલ થંભાવી દેતું પર્ફોર્મન્સ આપ્યું.
રેખાની સમગ્ર ફિલ્મ કારકિર્દી દરમ્યાન રેખાના પ્રેમ અને લગ્નો વિષે ઘણી ચર્ચાઓ થઈ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવીન નિશ્ચલ, જિતેન્દ્ર, વિનોદ મહેરા, કિરણ કુમાર, અમિતાભ બચ્ચન,શત્રુઘ્ન સિંહા,રાજ બબ્બર, યશ કોહલી, સંજય દત્ત, અક્ષય કુમાર વગેરે સાથેના તેના સંબંધો ચર્ચાયા. આગળ જણાવ્યુ તેમ છેક ૧૯૯૦માં એક મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યુમાં રેખાએ પોતાના વિનોદ મહેરા સાથેના લગ્નસંબંધની પુષ્ટિ કરી હતી. એક સમયે અભિનેતા ઋષિ કપૂર અને નીતુ સિંહના લગ્નમાં રેખા મંગલસૂત્ર અને સિંદુર સાથે આવેલી, ત્યારે સૌ ચોંકી ઉઠેલા. એ પછી દિલ્હીના મુકેશા અગ્રવાલ સાથેના તેના માત્ર એક જ વર્ષ ચાલેલા લગ્ન અને મુકેશે કરેલી આત્મહત્યાએ પણ રેખાને ઘણી રીતે સમાચારોમાં ચમકાવી.
રેખાએ ક્યારેય પોતાના ફિલ્મ કેરિયર સિવાયની પોતાની અંગત વાતો જાહેર નથી કરી અને ના તો કોઈ પણ પ્રકારની અફવાઓને સ્વીકારી છે. એ શું કરે છે, શું નથી કરતી, એની સૌથી નિકટ કોણ છે, આવા તમામ પ્રશ્નો મીડિયા માટે પણ એક વણ ઉકેલાયેલો કોયડો જ છે જાણે!
રેખા પોતાના દેખાવ માટે હંમેશા ખૂબ જ સભાન રહે છે અને તેની દરેક ફિલ્મમાં પણ તેણે પોતાનો દેખાવ પોતે જ પસંદ કર્યો છે અને એને પડદાં પર પૂરેપૂરો ન્યાય આપવા મહેનત કરી છે. દિવસે દિવસે ઉંમર વધતી હોવા છતાં રેખાની સુંદરતા પણ વધુ ને વધુ નિખરતી જાય છે અને ક્યારેક જ જાહેર સમારંભોમાં દેખાતી રેખાનું એક આગવું સૌંદર્ય કાંજીવરમ સિલ્કની મોટી બોર્ડરવાળી સાડી જોડે મેચિંગ આભૂષણો અને રેખા માથે સિંદૂર લગાવીને આવે, ત્યારે જે રીતે નિખરે છે, એ દ્રશ્ય જોવા જેવું હોય છે. રેખાનું સૌંદર્ય સાડીમાં જાણે ચાર ચાંદ લગાવે છે કે રેખા સદી પહેરીને ખીલી ઉઠી છે એ કહેવું અઘરું છે. આ બધું જાણે કોઈ એક સપનું કે પછી કોઈ રહસ્ય જેવુ જ રહ્યું છે. જે કદાચ ક્યારેય નહીં ઊઘડે.
જો કે રેખાનું જીવન કેમનું ચાલે છે, એનો એક જવાબ છે, એણે ઊભી કરેલી મિલકતો. એણે કારકિર્દીની શરૂઆતમાં જોયેલા ખરાબ દિવસો અને પરિવારે વેઠેલી આર્થિક મુશ્કેલીઓમાંથી શીખીને રેખાએ ઘણી સંપત્તિ ઊભી કરી છે, જેમાં કેટલાક બંગલો, ઓફિસ, દુકાનો અને ફ્લેટ્સ સામેલ છે. જેના ભાડાંની આવકથી રેખાનું ઘર ચાલે છે. ૧૯૭૮થી ૮૧ દરમ્યાન રેખાને બીજા નંબરે સૌથી વધુ વેતન મળતું હતું.જ્યારે ૧૯૮૨ થી ૧૯૮૪ દરમ્યાન રીના રૉય સાથે પહેલા નંબરે હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ બની હતી. તો ૧૯૮૭-૯૨માં ત્રીજા નંબરે હાઈએસ્ટ પેઇડ એક્ટ્રેસ બની રહી હતી. આ જ અનુસંધાને તેણે ૧૯૮૭ અને ૧૯૯૭માં કોન્સર્ટ પણ કર્યા હતા, જોકે એ પછી તેણે એ વધુ મુનાસિબ ના લાગતાં બંધ કર્યું, કારણ કે તેને લોકોના ઇશારે નાચવું પસંદ પડ્યું નહીં.
રેખા પોતે પશ્ચિમ મુંબઈના બાંદ્રામાં બંગલામાં રહે છે. જ્યાં તેની સાથે તેની સેક્રેટરી ફરઝાના અને તેના પાલતુ કૂતરી ‘પિસ્તી’ સાથે રહેતી હતી, જ્યાં ‘પિસ્તી’ના મોત બાદ હાલમાં ‘ભૈયયું’ નામની બિલાડી સાથે રહે છે. જાનવરો પ્રત્યેનો રેખાનો પ્રેમ તેના જીવનમાં વણાઈ ગયો છે અને તેથી જ રેખાની ખૂબસૂરતીનું એક રહસ્ય તે શુદ્ધ શાકાહારી છે, તે પણ કહી શકાય. રેખા સમયની પણ બહુ જ નિયમિત છે અને દરેક જગ્યાએ એકદમ સમયસર પહોંચી જવું એ તેની ઉડીને આંખે વળગે એવી ખાસિયત છે.
રેખાના જીવનમાં આવેલા જાણીતા સંબંધોમાં બે જ નામ મોખરે છે. જેમાં એક છે ડ્રીમ ગર્લ હેમા માલિની. રેખાનો નંબર આજે પણ હેમા માલિનીના સ્પીડ ડાયલમાં છે. જયારે બીજું નામ છે એની સેક્રેટરી ફરઝાનાનું. જે હંમેશા રેખાની આસપાસ જ જોવા મળે છે. એવું કહેવાય છે કે રેખાના બેડરૂમમાં ફરઝાના સિવાય કોઈને એન્ટ્રી નથી. કહેવાય તો એવું પણ છે કે રેખાના ફરઝાના સાથે અલગ પ્રકારના સંબંધો છે અને ફરઝાનાનો પહેરવેશ અને હેર સ્ટાઈલ પણ એની જ ચાડી ખાય છે. ફરઝાના જાફરી મુંબઈમાં ફિલ્મ ડાયરેક્ટર બનવા આવેલી. તેણે શેખર કપૂર, લેખ ટંડન અને ચેતન આનંદ સાથે કામ કરેલું છે. જો કે આ બાબતે રેખાએ હંમેશા મૌન જ સેવ્યું છે. મીનાકુમારી સાથે પણ રેખાના ખૂબ સારા સંબંધો હતા.
રેખાને ગાવાનો પણ જબરજસ્ત શોખ છે. આર.ડી.બર્મન સાહેબના કહેવાથી રેખાએ પોતાના અવાજમાં ફિલ્મ ‘ખૂબસૂરત’માં બે ગીત ગાયા છે. તો વળી ‘યારાના’ ફિલ્મમાં નીતુ સિંહ માટે પોતાનો આવાજ આપીને ડબિંગ પણ કર્યું છે. તો સ્મિતા પાટિલની ‘વારિસ’ ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. અમિતાભની ખૂબ ચર્ચિત ફિલ્મ’ સૂર્યવંશમ’માં તો અમિતાભની પત્નીનો અને અમિતાભના દીકરા અમિતાભની પત્નીનો એમ બેવડા અવાજમાં પોતે ડબિંગ કરેલું છે. તો ‘શમિતાભ’માં પણ પોતાનો અવાજ આપ્યો છે.
રેખાને ઇન્ટરનેટ સર્ફિંગ ગમે છે. ઇન્ટરનેટ પર તેની www.rekha.com નામની વેબસાઇટ પણ છે. તેને ઓપ્રાહ વિન્ફ્રેનો શો જોવો ખૂબ ગમે છે. તો તેના પશ્ચિમના પસાદગીના ગાયકોમાં લોરા બ્રેનિગ્ન, બાર્બરા સ્ટ્રેસેંડ,એડમ્સ, વ્હીટની હ્યુસ્ટન અને સ્ટિંગ છે. તેણે ઝીન્નત અમાન અને સલમા આગા ઉપર બાયોગ્રાફી પણ લખી છે. તો જૂના પોસ્ટકાર્ડ અને ફોટોગ્રાફનો સંગ્રહ કરવો એ શોખ પણ તેણે કેળવ્યો છે. સાથે જ અન્ય લોકોની મિમિક્રી કરવી, ફિલ્મો જોવી અને નિયમિત યોગાભ્યાસ કરવો એ પણ છે. તો ક્યારેક ‘આર્ચી’ અને ‘ડેનીસ ધ મીનેસ’ના કોમિક્સ વાંચવા પણ તે પસંદ કરે છે. નવરાશના સમયમાં ગાર્ડનિંગ કરવું પણ તેને ખૂબ ગમે છે.
સપ્ટેમ્બર ૨૦૦૬માં રેખાને યુકે મેગેઝિન ઈસ્ટર્ન આઈ તરફથી એશિયાની સૌથી સેક્સીએસ્ટ વિમેનમાં પચાસમો નંબર મળ્યો છે. જ્યારે ૨૦૦૭ના એક સર્વેમાં રેડીફ તરફથી થયેલા સર્વેમાં રેખાને પાંચમો નંબર મળ્યો છે.
૨૦૧૨ના એપ્રિલમાં રેખાને રાજ્યસભામાં પણ સાંસદ તરીકે પસંદ કરવામાં આવી હતી , જ્યાં પણ તે કોઈક જ દિવસ હાજરી આપે છે, પણ જ્યારે જાય ત્યારે પોતાના કામણ પાથરી સૌને પોતાની તરફ આકર્ષે છે. જોકે આ જ વર્ષે એટ્લે કે માર્ચ ૨૦૧૮માં તેના રાજ્યસભાના કાર્યકાળનો અંત આવ્યો અને સાથે તેની રાજ્યસભામાં ઓછી હાજરી અને તેણે પૂછેલા શૂન્ય સવાલો વિષેની ચર્ચાનો પણ અંત આવી ગયો.
રેખા બોલિવૂડની એવરગ્રીન દિવા કહેવાય છે અને એક જીવંત દંતકથા જેવું તેનું જીવન છે. આજની પેઢી પણ રેખાના એક એક ઠુમકા પર ફીદા છે. નવી પેઢીનું બોલિવૂડ પણ રેખાને આદર્શ માને છે અને સખત મહેનત અને પરિશ્રમ માટે રેખાને ઉદાહરણરૂપ ગણે છે. રેખાના જીવન પર બે પુસ્તકો પણ લખાયા છે. જેમાં ૨૦૧૮માં જ પ્રકાશિત ફિલ્મ જર્નાલિસ્ટ યાસિર ઉસમાન દ્વારા લિખિત ‘ Rekha: The Untold Story’ અને ૧૯૯માં પ્રકાશિત થયેલી અને મોહન દીપ દ્વારા લખાયેલી ‘Eurekha’ જે પણ ગેરકાયદેસર રીતે તો રેખાની જ બાયોગ્રાફી છે, તેણે ગણી શકાય.
લગભગ ૪૦ વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ૧૮૦ જેટલી ફિલ્મો કરનાર રેખા ખરેખર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક માઇલસ્ટોન કહેવાય એવી રેખા છે. જ્યાં પહોંચવું સહેલું નથી, લગભગ અશક્ય જ છે.
-જિગીષા રાજ