VISHAD YOG - CHAPTER-1 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ

Featured Books
Categories
Share

વિષાદ યોગ

પ્રસ્તાવના:-

મિત્રો આજે હું મારી બીજી નોવેલ “વિષાદયોગ”ની શરૂઆત કરવા જઇ રહ્યો છું ત્યારે આ એક સ્વપ્ન સમાન લાગી રહ્યુ છે. નાનપણથી જયારે પણ હું નોવેલ વાંચતો ત્યારે દિલમાં એક એવી ઇચ્છા થતી કે ક્યારેક હું પણ એક નોવેલ છપાઇ અને તે લોકો વાંચે અને વખાણે.આ મારૂ આ સ્વપ્ન મારી પહેલી નોવેલ "21મી સદીનું વેર" થી સાકાર થયું. માત્ર મારી લેખન ક્ષમતાની ચકાસણી કરવાના ઉદેશ્યથી નોવેલની શરૂઆત કરેલી પણ આ નોવેલના વાચકોએ ખૂબજ ઉમળકાથી વાંચી અને સાથે સાથે મને ખૂબ સરસ પ્રતિભાવ આપી આગળ લખતો રહેવા માટે પ્રેરણા આપી. આ માટે હું આ દરેક વાચકનો ઋણી છું. મારું આ સ્વપ્ન સાકાર થયુ તેનો સૌથી મોટો શ્રેય જો કોઇને આપવાનો હોય તો તે માતૃભારતી અને મહેન્દ્ર શર્માની ટીમને આપીશ. મારા જેવા નવા અને અનામી લેખકોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર લાવી શકે, લેખક બનવાનું સ્વપ્ન પુરું કરી શકે અને પોતાની વાત બીજા લોકો સુધી પહોંચાડી શકે તે માટે અમને જે ઓનલાઇન પ્લેટફોર્મ પુરું પાડ્યું તે માટે માતૃભારતી અને મહેન્દ્ર શર્માનો ખૂબ ખૂબ આભાર.મારી પહેલી નોવેલ પુરી થઇ એ સાથેજ તમામ વાચકોના મેસેજ આવવાના શરૂ થયા જેમાના મોટા ભાગના વાચકોનો કહેવાનો સાર એવો હતો કે તમારી નોવેલ અમને ખૂબ ગમી અને હવે જલદીથી બીજી નોવેલ શરૂ કરો. આ વાંચી થોડી ખુશી સાથે દ્વિધા થઇ. મે વિચારેલુ કે આ નોવેલ પુરી થાય એટલે થોડો સમય કંઇક નવું વાંચશું અને પછી બીજુ કંઇક લખવાનુ વિચારીશ. પ્રથમ નોવેલમાં દર બુધવારે એક પ્રકરણ મુકવાની ડેડલાઇનને પહોંચી વળવામાં ક્યારેક તકલીફ થતી. આખું અઠવાડીયું નોવેલ લખવામાં જતું રહેતુ એટલે થોડો બ્રેક લેવાનું વિચાર્યુ હતુ. વાચકોના પ્રતિભાવથી અને મારી પત્નીની સતત પ્રેરણાને લીધે લાગ્યું કે ચાલ લખવાની શરૂઆત તો કરવીજ પડશે પણ શું લખું? હજુ તો બીજી નોવેલ વિશે કંઇ વિચાર્યુ પણ નહોતુ. આમનેઆમ સતત વિચારોમાં એક દિવસ મારી બેબીના જન્મદિવસની આગલી રાતે તેની ફેસબુક પોસ્ટ અપલોડ કરતા કરતા એક વિચાર મગજમાં ઝબક્યો અને આ બીજી નોવેલના પ્લોટનો વિચાર મગજમાં ઝબક્યો પછી તો તે રાતે એકાદ કલાક વિચારતાજ આખા પ્લોટની રૂપરેખા વિચારી લીધી. બીજે દિવસે આખો પ્લોટ મે મારી પ્રથમ વાચક અને સમીક્ષક એવી મારી પત્નીને કહી સંભળાવ્યો તો તે પણ ખૂબ ખુશ થઇને બોલી કે આવા સરસ વિચારો તમે ક્યાંથી લાવો છો? મે તેને કહ્યું બસ ખોટા મસ્કા નહીં માર અને એ કહે કે આ સ્ટોરીનું ટાઇટલ શું રાખશું? મારી પહેલી નોવેલમાં તેની એક ફરિયાદ હતી કે તમે નોવેલ ખૂબ સરસ લખી છે પણ તેનું ટાઇટલ એટલુ આકર્ષક નથી. તેણે બે ત્રણ ટાઇટલ સજેસ્ટ કર્યા પણ તે મને ન ગમ્યા. સ્ટોરીનો પ્લોટ વાંચતા મને એક ટાઇટલ યાદ આવ્યું એટલે તે મે મારી પત્નીને કહ્યું અને તેનો અર્થ સમજાવ્યો તો તેને પણ તે ટાઇટલ ખૂબ ગમી ગયું. ત્યારેજ અમે ટાઇટલ નક્કી કરી નાખ્યું. જે ટાઇટલ હતુ "વિષાદયોગ" હવે તમને વધુ બોર કરતો નથી અને સ્ટોરી પર આવુ છું તો ચાલો શરૂ કરીએ એક રોમાંચક સફર જેમાં પ્રેમ છે અને થ્રીલ પણ છે. રહસ્ય છે અને રોમાંચ પણ છે.

જિંદગી અને રસ્તો ક્યારેય હંમેશા સીધા નથી ચાલતા. જિંદગીમાં હંમેશા ઉતાર ચઢાવ આવતોજ રહે છે. જિંદગી સુખ અને દુઃખના ડી.એન.એથી બનેલી હોય છે.સુખની કદર ત્યારેજ થાય છે જ્યારે દુઃખનો સ્વાદ ચાખેલો હોય.સુખ અને દુઃખ લાગણી સાપેક્ષ છે.જે કોઇ એક માટે સુખ છે તે બીજા માટે દુઃખ હોઇ શકે.સુખ અને દુઃખ હંમેશા એકબીજા પર હાવી થવા મથે છે.સુખ અને દુઃખનું આમતો કોઇ અસ્તિત્વ નથી તેને તમારી ધારણા સાથે જ સંબંધ છે.જો તમારી ધારણા પ્રમાણે જિંદગી ચાલે તો સુખ અને તમારી ધારણા પ્રમાણે ન ચાલે તો દુઃખ. તમને એવું થતુ હશે કે આ શું ફિલસૂફી માંડી છે.પણ મારી આ સ્ટોરી આ ફિલસૂફી પર જ આધારીત છે તો ચાલો શરૂ કરીએ સ્ટોરી.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ઘોર અંધારી રાતમાં એક માણસ જંગલમાં દોડ્યો જાય છે. તેના હાથમાં એક નાનું બાળક છે. તે થોડી થોડી વારે પાછળ ફરીને જોતો જાય છે. અચાનક દૂરથી કોઇ વાહનના એંજીનનો અવાજ સંભળાય છે અને તે માણસના ચહેરા પર ભયાનક ડર છવાય જાય છે. તે પોતાની તમામ તાકાત લગાવી દોડવા લાગે છે. ધીમે ધીમે અવાજ મોટો થતો જાય છે. તે માણસને સમજાય જાય છે કે આ રીતે તે બચી શકશે નહી તે ચોક્કસ પકડાઇ જશે. અચાનક તે રોકાઇ છે અને પોતાની આંખો બંધ કરી થોડીવાર વિચારે છે અને પછી જાણે કોઇ નિશ્ચય કર્યો હોય તેમ તેના ચહેરા પર એક મક્કમતા છવાઇ જાય છે. તે ધીમેથી જંગલની બાજુમાં વહેતી નદીના પટમાં ઉતરે છે અને આગળ વધે છે. નદીના કાંઠા પર પહોંચી તે હાથમાં રહેલ બાળકને નીચે મુકી એક છુપાવી રાખેલી હોળી બહાર કાઢે છે. હોળી નદીના પાણીમાં લઇ બાળકને હોળીમાં સુવડાવી જેવો તે હોળીમાં ચઢવા જાય છે ત્યાં પાછળથી એક ગોળી છૂટવાનો અવાજ આવે છે અને તે માણસ તે નીચે પાણીમાં પછડાય છે. પાણીમાં પડ્યા પછી તેને ખબર પડે છે કે પાછળથી છુટેલી ગોળી તેના ડાબા સાથળમાં પેસી ગઇ છે અને તેમાંથી લોહી વહી રહ્યુ છે. થોડીવારમાં બે માણસ તેની સામે આવે છે અને તેની પાસે આવી ઊભા રહે છે. સામે રાતના અંધકારમાં તેના ચહેરા ઓળખાતા નથી. બેમાંથી એક માણસનો હાથ તેના તરફ લંબાય છે અને હાથમાં રહેલી બંદૂકમાંથી ગોળી છુટે છે અને તેનું પ્રાણ પંખેરૂ ઉડી જાય છે. હવે બંને માણસો હોળી તરફ આગળ વધે છે. બેમાંથી એક માણસ હોળીમાં ચઢી તલવાર બહાર કાઢે છે. હોળીમાં સુતેલા બાળક પર વાર કરવા માટે તે માણસનો હાથ હવામાં ઉંચો થાય છે એ સાથે જ તે “નહી..........” એવી ચીસ પાડી નિષિથ પથારી બેઠો થઇ જાય છે. આ ચીસ સાંભળી પાસેના રૂમમાંથી તેના મમ્મી-પપ્પા દોડી આવે છે.નિશિથની આંખોમાં રહેલ આંતક, તેની હાલત, તેના આખા શરીર પર આટલા ફુલ એસીમાં પણ બાજેલો પરસેવો જોઇ બંને આખી પરિસ્થિતિ સમજી જાય છે. નિશિથના મમ્મીએ તેની પાસે બેસી માથા પર ફેરવતા પુછ્યું “શું થયું? ફરીથી એજ સપનુ આવ્યું?”

“ હા, મમ્મી મને કેમ આ એકજ સપનુ વારંવાર આવ્યા કરે છે?” નિશિથ એકદમ નંખાયેલા અવાજે બોલ્યો.”

“દીકરા સપના પાછળ કોઇ તર્ક કે કારણ નથી હોતુ. એ તો માત્ર કાલ્પનિક છે.” નિષિથના મમ્મી સાયકોલોજીમાં પી.એચ.ડી થયા હતા. તે સારી રીતે જાણતા હતા કે તે તેના દીકરાને એકદમ ખોટું કહી રહ્યા છે. પણ તેણે નિશિથના આ પ્રોબ્લેમ પર સાયકોલોજીકલી બધાજ પ્રયત્ન કરી લીધા હતા છતા પણ આ સપના પાછળનું કારણ જાણી શક્યા નહોતા. એટલેજ દીકરાને ખોટુ બોલીને શાંતવન આપી રહ્યા હતા. તે જાણતા હતા કે નિશિથ જ્યારથી સમજતો થયો ત્યારથી તેને આ એકજ સપનુ પરેશાન કરી રહ્યું છે પણ સાયકોલોજી અને સાઇક્યાટ્રીશની બધીજ થીઅરી આ કેસમાં નિષ્ફળ ગઇ હતી. નિશિથને ખબર ન પડે એ રીતે તેણે ઘણા સાઇકિયાટ્રીસને આ કેસ વિશે કન્સલ્ટ કરેલા પણ તેનું કોઇ પરિણામ આવ્યું નહોતુ. સુનંદાબહેને સમજાવીને નીશિથને સુવડાવી દીધો. પછી રૂમની લાઇટ બંધ કરી તે પોતાના રૂમમાં ગયાં.

રાજકોટના પોસ વિસ્તાર સાધુ વાસવાની રોડ પરના પોતાના ભવ્ય બંગલાના ઉપરના માળે આવેલ બેડરૂમમાં નિષિથ તૈયાર થઇ રહ્યો હતો. આજે તે ખૂબ ખુશ હતો એટલે તેનુ મનપસંદ ગીત ગણગણતો કપડાની પસંદગી કરતો હતો. તેના વિશાળ વોર્ડરોબમાં રહેલ ઢગલાબંધ કપડામાંથી શું પહેરવું તેની મુંઝવણમાં તે વોર્ડરોબ સામે ઊભો હતો. વોર્ડરોબની બાજુમાં આવેલ આદમ કદનાં અરીસામાં તેનું પ્રતિબિંબ દેખાતુ હતુ. 5.10ની ઉંચાઇ એકદમ પરફેક્ટ કસાયેલ બોડી જે તેની જીમની આદતની સાક્ષી પુરતી હતી. એકદમ ગૌરવર્ણ અને પહેલીજ નજરે કોઇ ફિલ્મ એક્ટર જ લાગે તેવો સુંદર ચહેરો, સામેવાળાને જોતાજ માપી લે તેવી ધારદાર પણ લાગણીશીલ આંખો અને એકદમ વ્યવસ્થિત સેટ કરેલ વાળ, જે અત્યારે થોડા ભીના હતા. ઘણીવાર સુધી નિશિથ વોર્ડરોબ સામે કપડાની પસંદગી કરતો ઊભો રહ્યો અને પછી તેણે તેમાંથી એક લાઇટ યેલો કલરનું વિ-નેક ટીશર્ટ અને ડાર્ક બ્લ્યુ કલરનું ડેનીમ પસંદ કર્યુ. કપડા પહેરીને તેણે પરફ્યુમનો કપડા પર સ્પ્રે કર્યો એ સાથેજ આખો રૂમ પરફ્યુમની સુગંધથી મહેકી ઉઠ્યો. અરીસામાં છેલ્લી નજર નાખી સંતોષ થતા તેના ચહેરા પર એક સ્માઇલ આવી ગયું. “નિશિથ તારો નાસ્તો રેડી છે જલદીથી નીચે આવ.” નીચેથી તેની મમ્મીની બૂમ સંભળાઇ એટલે તે નીચે જવા માટે રૂમમાંથી નીકળી સીડી ઉતરવા લાગ્યો. ડાઇનિંગ ટેબલ પર નિશિથના મમ્મી-પપ્પા તેની રાહ જોઇને બેઠા હતા. નિશિથના મમ્મી નાસ્તાની ડીસ ગોઠવતા હતા અને પપ્પા ન્યુઝપેપર વાંચતા હતા. પણ બંને અત્યારે એકજ વિચાર કરી રહ્યા હતા. નિશિથના સપના વિશે જ વિચારતા યંત્રવત કામ કરતા કરતા હતા. નિશિથ તેની પાસે જઇને ડાઇનિંગ ટેબલ પર બેસતા બોલ્યો “ જય શ્રીકૃષ્ણ મમ્મી પપ્પા.” નિશિથનો ખુશમિજાજ અવાજ સાંભળી બંનેને થોડી રાહત થઇ. નિષિથના પપ્પાએ ન્યુઝ પેપર બાજુમાં મુકી સામે કહ્યું “જય શ્રીકૃષ્ણ.” અને પછી નિશિથ સામે જોઇને બોલ્યા “શું હિરો કૉલેજ જવા માટે તૈયાર?”

“હા આજે પહેલો દિવસ છે જોઇએ કેટલા લેક્ચર ચાલે છે?”

“ હવે કૉલેજ માત્ર લેક્ચર ભરવાજ ના જવાનું હોય. ત્યાં તો યુવાનીની મજા પણ માણવાની હોય.” નિશિથના પપ્પા સુમિતભાઇ ભારદ્વાજ હસતા-હસતા સુનંદાબહેન તરફ જોઇ આગળ બોલ્યા “આને સમજાવ કે કૉલેજમાં શું મજા કરવાની હોય?”

“ તેનામાં હજુ તમારા જેવા લક્ષણો નથી આવ્યા તે મારા પર ગયો છે એટલે જ આટલી સારી રીતે ભણી શક્યો છે.” નિશિથના મમ્મી સુનંદાબહેને ચર્ચામાં જોડાતા કહ્યું.

“હા ભાઇ એ ભણવામાં તો તારા પરજ ગયો છે. એટલેજ તો કહુ છું કે હવે કૉલેજમાં જઇને તો એવુ કંઇક કરે કે મને પણ તેના પર ગર્વ થાય .” આમ કહી સુમિતભાઇ જોરથી હસી પડ્યા.

આ સાંભળી નિશિથે પણ મજાક કરતા કહ્યું “ એ બધી વાત પછી પપ્પા પહેલા પૈસા આપો મારા ચેતકમાં પેટ્રોલ નંખાવવાનું છે. આ મહિનાની પોકેટ મની પણ આપો અને હવે મોંઘવારી પ્રમાણે આ વર્ષે તમારા કર્મચારીની જેમ મને પણ થોડો વધારો કરી આપો.”

નિશિથ પાસે તેનુ બુલેટ હતુ. તેને તે પ્રેમથી રાણા પ્રતાપના ઘોડાના નામ પરથી ચેતક કહેતો. નિશિથ તેના મમ્મી પપ્પાને પગે લાગ્યો અને પછી ઘરમાં આવેલ મંદિરમાં જઇ ભગવાનને પગે લાગ્યો. નિશિથ નાનો હતો ત્યારે તેના દાદા મંદિરમાં પૂજા કરતા હોય ત્યારે તેની પાસે જઇને હાથ જોડીને બેસી જતો. દાદા તેના કપાળમાં ચંદનનો ચાંદલો કરતા અને કહેતા હે ભગવાન આ મારા નિશિથ ઉપર સદા તમારો હાથ રાખજો. આજે પણ નિશિથ ભગવાનને પગે લાગ્યો અને પછી તેના ચેતક પર સવાર થઇ કૉલેજ જવા નીકળ્યો.

નિશિથ સુમિત ભારદ્વાજ અને સુનંદા ભારદ્વાજનું એકમાત્ર સંતાન હતુ. સુમિત ભારદ્વાજ એ રાજકોટના પ્રખ્યાત બિઝનેસમેન હતા.રાજકોટની પાસે બંને બાજુ પર આવેલ સાપર જી.આઇ.ડી.સી અને અને મેટોડા જી.આઇ.ડી.સીમાં તેની કંપનીઓ આવેલી હતી. આ ઉપરાંત તે રાજકોટની પ્રખ્યાત “ભારદ્વાજ ડેવલપર્સ” નામની કંપનીના માલિક હતા. આ કંપની રાજકોટમાં મોટા મોટા હાઇરાઇઝ બિલ્ડીંગનું બાંધકામ કરતી હતી. નિશિથના મમ્મી એક કૉલેજમાં પ્રોફેસર હતા પણ નિશિથ નાનો હતો ત્યારે તેણે નોકરી મૂકી દીધી હતી.

નિશિથે કૉલેજ પહોંચી જોયું તો તેના બંને મિત્રો પ્રશાંત અને સમીર તેની રાહ જોઇને ઊભા હતા. પ્રશાંત અને સમીર 12માં ધોરણમાં એસ.એન.કે વિદ્યાલયમાં નિશિથની સાથેજ ભણતા હતા. નિશિથે જઇને બાઇક પાર્ક કરી એટલે ત્રણેય મિત્રો કૉલેજમાં દાખલ થયા. સામે નોટિસ બોર્ડ પર ઘણા બધા વિદ્યાર્થીઓ ટોળે વળી કંઇક વાંચી રહ્યા હતા. ત્રણેય મિત્રો પણ તે નોટિસ બોર્ડ પાસે ગયા. ત્યાં ફર્સ્ટ યેર, સેકન્ડ યેર અને થર્ડ યેર વાળાને ક્યાં કલાસરૂમમાં બેસવાનું છે તે ક્લાસરૂમની ગોઠવણી લખી હતી. પ્રશાંતે નોટિસબોર્ડ પર જોઇને કહ્યું “આપણે પહેલા માળે 12નંબરના ક્લાસમાં બેસવાનું છે.” ત્રણેય મિત્રો પહેલા માળે જઇને ક્લાસમાં દાખલ થયા. થોડા યુવક યુવતી પહેલેથી ત્યાં બેસી વાતો કરી રહ્યા હતા. બધાજ બે કે ત્રણના ગૃપમાં હતા. આ વિરાણી સાયન્સ કૉલેજ રાજ્યની પ્રખ્યાત કૉલેજમાં એક હોવાથી દરેક સ્કુલમાંથી બે કે ત્રણ વિદ્યાર્થીને જ અહીં એડમિશન મળતુ. નિશિથ પ્રશાંત અને સમીર ત્રણેય કલાસમા જઇને છેલ્લી બેન્ચ પર બેઠા. ક્લાસરૂમ ખૂબ મોટો હતો અને તેની બેઠક વ્યવસ્થા ઓડિટોરિયમ પ્રકારની હતી જેમા પાછળની બેંચ આગળની બેંચ કરતા ઉંચાઇ પર હોય છે. આગળ બેઠેલી બે ત્રણ છોકરીને જોઇને પ્રશાંતે કહ્યું “એલા ક્લાસમાં રોનક સારી છે.”

“એલા તને છોકરી સિવાય બીજું કંઇ દેખાતુંજ નથી કે શું?” નિશિથે હસતા હસતા કહ્યું.

“એલા ભાઇ ભગત હવે તું કૉલેજમાં આવી ગયો છે. હવે તો સુધરી જા અને મજા કર.” સમીરે નિશિથને કહ્યું.

“હા એલા કુદરતે કેટલી સુંદર છોકરીઓ બનાવી છે તેને પણ જોવી જોઇએ. તુ હવે ચોપડામાંથી બહાર નીકળ અને કુદરતે કરેલા આ સુંદર સર્જનને મન ભરીને માણવાનું ચાલુ કર. તેને પણ તારે ન્યાય આપવો જોઇએ” પ્રશાંતે પણ સમીરને સમર્થન આપતા કહ્યું.

“હવે ન્યાયવાળી પરીક્ષામાં તું પુરા ત્રણ વિષયને પણ ન્યાય આપી શક્યો નથી અને આ સિલેબસ બહારની વસ્તુને ન્યાય આપવાનું કહે છે.” નિશિથે પણ મજાક કરતા કહ્યું.

“ એ તો બધી નિર્જીવ અને બોરિંગ વસ્તુ છે. તેને અન્યાય ચાલે પણ આ છોકરીઓ તો કુદરતે સર્જેલુ સૌથી સુંદર સજીવ છે. તે આ કુદરતનાં બેનમુન સર્જન અને રસપ્રદ પ્રાણીને અન્યાય કર્યો છે.” સમીરે પ્રશાંત સામે આંખ મિચકારતા કહ્યું

“હા એલા તે એક ભયંકર પાપ કર્યુ છે. પેલી પૂજા બીચારી તારા પર મરતી હતી, પણ તે તેને ભાવજ ન આપ્યો. તેની સજામાં તને ચોક્કસ નર્ક મળશે.” પ્રશાંતે વાતને આગળ વધારતા કહ્યું

“ જો ભાઇ મે તેને ઘણી વાર સમજાવેલી પણ તે ના સમજે તો હું શું કરું? અને તને તેની બહું દયા આવે છે?” નિશિથે પ્રશાંતને કહ્યું.

તે લોકો વાતો કરતા હતા ત્યાં આખો કલાસરૂમ ભરાઇ ગયો અને બે પ્રોફેસર ક્લાસમાં દાખલ થયા એટલે તે લોકોએ વાત બંધ કરી દીધી. પ્રોફેસરને જોઇને બધાજ પોતાની જગ્યાએથી ઊભા થઇ ગયા. બેમાંથી એક પ્રોફેસરે કહ્યું “સીટડાઉન” એટલે બધા બેસી ગયા. ત્યારબાદ બીજા પ્રોફેસરે વાતની શરૂઆત કરતા કહ્યું “મારૂ નામ ડો ગૌરાંગ દવે છે. હું ભૌતિક વિજ્ઞાન વિષયનો પ્રોફેસર છું અને આ છે આપણી કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. કપિલ ઘોડાસરા.આજે તમને બધાને વેલકમ કરવા માટે તે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું તેમને વિનંતી કરીશ કે તે આપણને બધાને બે શબ્દો કહે.”

આમ કહી ડૉ.ગૌરાંગ દવે રોકાયા અને ડૉ.ઘોડાસરાએ બોલવાનું ચાલુ કર્યુ. દસ મિનિટના વક્તવ્યમાં પ્રિન્સિપાલે કૉલેજની પ્રતિષ્ઠા વિશે વાત કરી. કૉલેજમાં ડીસીપ્લીનને જાળવવા પર ભાર આપ્યો અને બધાને શુંભાકામના આપી તે જતા રહ્યા. ડૉ ગૌરાંગ દવેએ લેક્ચરની શરૂઆત કરતા પહેલા બધાજ વિદ્યાર્થીઓને પોતાનો પરિચય આપવા કહ્યું એટલે પહેલી બેંચના વિદ્યાર્થીએ ઊભા થઇને પોતાનો પરિચય આપવાની શરૂઆત કરી. બે ત્રણ વિદ્યાર્થીઓએ પરિચય આપ્યો ત્યાં અચાનક એક મીઠી ઘંટડી જેવો અવાજ આવ્યો “મે આઇ કમ ઇન સર?” આ સાંભળી બધાએ જ દરવાજા તરફ જોયુ એ સાથેજ બધાની નજર આવનાર વ્યક્તિ પર સ્થિર થઇ ગઇ. દરવાજામાં બે યુવતી અંદર આવવાની પરમિશન માંગતી ઊભી હતી. પ્રોફેસર દવે થોડીવાર તો તેને જોઇ રહ્યા પછી એકદમ કડક સ્વરમાં બોલ્યા “આજે તમારો પહેલો દિવસ છે એટલે અંદર આવવાની મંજુરી આપુ છું.” પછી આખા ક્લાસ તરફ ફરીને બોલ્યા “કાલથી લેટ આવનારને લેક્ચરમાં પ્રવેશ મળશે નહીં તે યાદ રાખજો.”

પેલી બંને યુવતીએ ક્લાસમાં આવીને જોયું તો આખા ક્લાસમાં માત્ર નિશિથની બાજુની એકજ બેન્ચ ખાલી હતી. બંને છોકરીઓ આવીને તે બેંચ પર બેસી ગઇ. નિશિથતો તેમાંથી એક છોકરીને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયો અને તેની નજર તો તેના પરજ ચોંટી ગઇ હતી. ક્લાસના છોકરા છોકરીઓ એક પછી એક પોતાનો પરિચય આપતા હતા. નિશિથનો ક્રમ આવતા નિશિથ ઊભો થયો અને પોતાનો પરિચય આપ્યો. નિશિથને જોઇને ઘણી છોકરીની નજરમાં તે વસી ગયો. છેલ્લે પેલી પાછળથી આવેલી છોકરીઓનો વારો આવ્યો તેમાંથી બીજી છોકરીએ પરિચય આપતા કહ્યું “મારૂ નામ નૈના શાહ છે. “ છેલ્લે તેની મિત્રનો વારો આવ્યો જે પહેલીજ નજરમાં નિશિથને આકર્ષિત કરી ગઇ હતી. તે છોકરી ઊભી થઇ એ સાથે બધાજ છોકરાની નજર તેના પર ગઇ અને બધાજ છોકરા તેને જે રીતે જોઇ રહ્યા હતા એ જોઇ ઘણી છોકરીઓને તેની ઇર્ષા થઇ. તે છોકરીએ પરિચય આપતા કહ્યું “મારૂ નામ કશિશ દેસાઇ છે” અને પછી નીચે બેસી ગઇ. પણ નિશિથની નજર તો હજુ તેના પર જ હતી. એકદમ રૂપાળો નહી પણ ઘઉવર્ણો રંગ, કાળા ભમ્મર વાળ સહેજ બ્રાઉન આંખો અને અણીદાર નાક અને એકદમ પાતળુ નહીં તેવું ભર્યુ ભર્યુ અને સમપ્રમાણ બોડી. બધાનેજ આકર્ષિત કરી દે તેવી કશિશને જોઇ નિશિથ તો તેનામાં ખોવાઇ ગયો. નિશિથને પહેલેથીજ એકદમ રૂપાળી અને પાતળી છોકરી પસંદ નહોતી. કશિશને જોઇને નિશિથને તો એવું લાગ્યુ કે ભગવાને જાણે તેના માટે જ કશિશને મોકલી હોય.

આખા ક્લાસનો પરિચય પૂરો થઇ જતા. પ્રો.દવેએ પોતાનો લેક્ચર ચાલુ કર્યો પણ આજે પહેલીવાર એવુ બન્યું કે નિશિથનું મન લેક્ચરમાં નહોતુ લાગતુ. તેની નજર થોડી થોડીવારે કશિશ તરફ જતી રહેતી અને જેવી બંનેની નજર મળતી કે નિશિથ મોઢુ ફેરવી લેતો.

નિશિથને પોતાનેજ નહોતુ સમજાતુ કે આજે તેને આ શું થઇ ગયુ છે? અત્યાર સુધીમા તેણે ઘણી બધી સુંદર છોકરીઓ જોઇ હતી તેમાંથી ઘણી તો નિશિથ સાથે વાત કરવા તડપતી પણ નિશિથને ક્યારેય કોઇ પ્રત્યે આકર્ષણ થયું નહોતુ. 12માં ધોરણમાં એક પૂજા નામની છોકરીએ નિશિથને પ્રપોજ કરેલુ ત્યારે પણ નિશિથે તેને સમજાવેલી કે મને તારા માટે એવી કોઇ લાગણી નથી એટલે તું ખોટી આશા રાખતી નહીં અને પ્લીઝ આ વાત ભુલીજા.

પણ આજે આ છોકરીમાં એવું કંઇક હતુ જે નિશિથને અંદર સુધી હચમચાવી ગયું. આમને આમ વિચારમાં લેક્ચર પૂરો થઇ ગયો. આજે પહેલીવાર એવું બન્યું કે લેક્ચરમાં શું ચાલ્યુ તે નિશિથને ખબર નહોતી. કોઇ છોકરી પહેલીજ નજરમાં તેને આકર્ષિત કરી શકે તે જાણી નિશિથને પણ આશ્ચર્ય થઇ રહ્યું હતુ. તે અત્યાર સુધી તેના મિત્રોને એમજ કહેતો કે આ બધુ બકવાસ છે આ પહેલી નજરના પ્યાર જેવુ કશું હોતુ જ નથી. પણ આજે પોતેજ કોઇને પહેલીજ નજરમાં પસંદ કરવા લાગ્યો. એવું શું છે આ છોકરીમાં? કેમ મને તેના તરફ આકર્ષણ થઇ રહ્યુ છે? આ લાગણી નિશિથ માટે એકદમ નવી હતી. નિશિથ કોઇ છોકરીની પાછળ લટ્ટુ થઇને ફરે એવો યુવાન નહોતો. તે ખૂબજ ધનાઢ્ય પરિવારમાંથી આવતો હતો છતા પણ અમીર બાપના છેલબટાઉ છોકરામાં હોય એવી કોઇ બદી નિશિથમાં નહોતી. તેની પાછળનું કારણ તેની મમ્મી હતી. નિશિથની મમ્મીએ નાનપણથીજ તેને સારા સંસ્કાર આપ્યા હતા. મમ્મીજ તેની પહેલી મિત્ર હતી. તે તેની મમ્મીને બધીજ વાત કરતો. આગળ પણ જ્યારે પુજાએ તેને પ્રપોઝ કરેલુ ત્યારે તે વાત પણ તેણે તેની મમ્મીને કરેલી.આખી વાત સાંભળી તેની મમ્મીએ કહેલુ “ દીકરા આ ઉમર અભ્યાસ માટેની છે. તમે અત્યારથીજ આ લાગણીના ચક્કરમાં ફસાઇ જશો તો પછી તમારું અભ્યાસમાં ધ્યાન નહી રહે. જે વસ્તુ પુરા ધ્યાન અને લગનથી નથી થતી તે વસ્તુમાં તમે ક્યારેય તમારો ધાર્યો ગોલ પ્રાપ્ત કરી શકતા નથી. તું કૉલેજકાળ સુધી આ બધાથી દૂર રહે. પછી તને તારી પસંદગીની છોકરી સાથે પ્રેમ કરવાની છુટ છે.”

“પણ મમ્મી મને તો તે છોકરી માટે એવી કોઇ લાગણી નથી.” નિશિથે કહ્યું

આ સાંભળી તેની મમ્મીએ થોડો વિચાર કરી કહ્યું “સાંભળ દીકરા તને તે છોકરીમાં રસ નથી એ સારી વાત છે. પણ તું મારી એક વાત સાંભળ તું ગમે તેવો મોટો માણસ બને તો પણ સ્ત્રીની લાગણીનું હંમેશા સન્માન કરજે. તે છોકરીની કોઇ મજાક ના ઉડાવે અને તેનું અપમાન ના થાય તે રીતે તું તેને ના પાડી દેજે. તારા મિત્રોને પણ તેની મજાક ઉડાવવાની છુટ નહી આપતો.”

આ વાત નિશિથના દિલને એકદમ સ્પર્શી ગઇ. ત્યારથી તેની છોકરીઓ પ્રત્યેની દ્રષ્ટિ એકદમ બદલાઇ ગઇ. પણ આજે પહેલી વખત તેની બધીજ સમજદારી બાજુ પર રહી ગઇ અને તે આ છોકરી કશિશને જોઇને આકર્ષિત થઇ ગયો. આમને આમ વિચારમાં તેના બધાજ લેક્ચર પુરા થઇ ગયા અને બધા ઊભા થઇને જવા લાગ્યા એટલે નિશિથ પણ ઊભો થયો અને ઘરે જવા નીકળ્યો.

આમને આમ બે ત્રણ દિવસ ચાલ્યુ નિશિથ લેક્ચરમાં કશિશ સામે જોયા કરતો અને બંનેની નજર મળતી એટલે નિશિથ મોઢુ ફેરવી લેતો. આ વાત તેના મિત્રોને ખબર પડી ગઇ. એક દિવસ રિશેષમાં ત્રણેય બેઠા હતા ત્યારે પ્રશાંતે કહ્યું “શું નિશિથ લેક્ચરમાં શું ચાલે છે તારું?”

“કેમ શું થયું?” નિશિથે અજાણ્યા થઇને પુછ્યું

“હવે સીધી રીતે બોલ. અમે કંઇ પાછળ ચોટલીવાળા છીએ કે તારું નાટક અમને ખબર ના પડે?” સમીરે પણ ગુસ્સામાં કહ્યું.

“શું યાર તમે શેના વિશે વાત કરો છો?” નિશિથે પુછ્યું.

“ હવે તું શું આંખ મીચોલી ખેલે છે એ સીધી રીતે કહી દે.” પ્રશાંત પણ ગરમ થતા બોલ્યો.

આ સાંભળી નિશિથ થોડો સીરીયસ થઇ ગયો અને બોલ્યો “હા,યાર મારે તમને વાત કરવીજ હતી.પણ મને પોતાનેજ કંઇ સમજાતુ નથી. તેમાં તમને શું કહું?”

“જો ભાઇ જે હોય તે સીધુજ કહી દે અમે કાંઇ તારા પપ્પા નથી કે તારે બહું વીચારીને કહેવુ પડે. તું અમને જે હોય તે ચોખ્ખુજ કહી શકે. અમે તારા મિત્ર છીએ.” સમીરે કહ્યું

“અરે યાર આ કશિશને જોઇને મને એવી લાગણી થાય છે જે આજ સુધી ક્યારેય થઇ નથી. તેની સામેજ જોઇ રહેવાનુ મન થાય છે. કંઇક અલગજ લાગણી થાય છે. અત્યાર સુધીમાં કેટલીય સુંદર છોકરી જોઇ છે પણ આ લાગણી કંઇક વિશિષ્ટ છે.”નિશિથે કહ્યું.

આ સાંભળી સમીર અને પ્રશાંત બંને ખડખડાટ હસી પડ્યા. તે બંનેને હસતા જોઇ નિશિથ પણ હસી પડ્યો અને બોલ્યો “મને ખબરજ હતી કે તમે મારા પર હસસો. એટલેજ હું તમને નહોતો કહેતો.”

“અરે યાર એવુ નથી પણ ભગત માણસ જ્યારે પ્રેમજાળમાં ફસાઇ છે ત્યારે આવુજ થાય છે.” પ્રશાંતે હસતા હસતા કહ્યું.

“હા, યાર એકજ લીટીમાં કહું તો તું કશિશને પ્રેમ કરે છે.” સમીરે કહ્યું

“ પણ એવુ કેમ બની શકે? હજુ તો હું તેને સરખી રીતે ઓળખતો પણ નથી.” નિશિથે કહ્યું

“ હા ભાઇ આને જ પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. મુવીમાં આજ વસ્તુ જોઇને તું કહેતો કે એ બધું હંબગ છે. આજે તું જ તેનો ભોગ બન્યો છે.” પ્રશાંતે નિશિથને સમજાવતા કહ્યું.

“એલા તો હવે મજાક છોડો અને એ કહો કે હવે શું કરવું? છોકરી તો અત્યાર સુધીમાં ઘણી જોઇ પણ આ કશિશમાં કંઇક અલગજ કશિશ છે?” નિશિથે કહ્યું.

“હવે એમાં કરવાનું શું હોય? પેલા ફ્રેન્ડશિપ ઓફર કર અને પછી પ્રપોઝ કરી દેજે.” સમીરે કહ્યું

“એલા ભાઇ ફ્રેન્ડશિપ અને પ્રપોઝની ક્યાં વાત કરે છે? આ વખતે પહેલી વાર એવુ બન્યુ છે કે કોઇ છોકરીને જોઇને મારી બોલતી બંધ થઇ ગઇ છે.’ નિશિથે હસતા હસતા કહ્યું.

“એલા આતો સીધોજ દેવદાસ થઇ ગયો.” સમીરે નિશિથની ટાંગ ખેચતાં કહ્યું

એ લોકો વાત કરતા હતા ત્યાં રિશેષ પૂરી થવાનો બેલ પડ્યો એટલે બધા વાત અધૂરી છોડીને ક્લાસ તરફ ચાલ્યા.

‌આમને આમ બે ત્રણ દિવસ ચાલ્યું. એક દિવસ નિશિથ, પ્રશાંત અને સમીર ત્રણેય પાર્કિંગમાં ઊભીને વાત કરતા હતા ત્યાં પાછળથી અવાજ આવ્યો “એક્સક્યુઝ મી નિશિથ.”

આ સાંભળી નિશિથે પાછળ ફરી જોયુ એ સાથે તે ચોંકી ગયો.
શું હશે નિશિથને આવતા સપનાનું રહસ્ય? નિશિથ કોને જોઇને ચોકી ગયો? નિશિથ હવે શું કરશે? કશિશને પ્રપોઝ કરશે કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચતા રહો મારી નવલકથા “વિષાદયોગ”

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------------------------------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.
HIREN K BHATT:- whatsapp no:- 9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM