chaar laghukathao in Gujarati Short Stories by Yayavar kalar books and stories PDF | ચાર લઘુકથાઓ...

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ચાર લઘુકથાઓ...

(1) ખાલી ખીસું

કાળુ ત્યાં જવાની હિંમત કરી શક્યો નહીં, હો હા અને દેકારા વચ્ચે હરિયો, સેવાકાકો, બાપુ સહિત બધા દોડ્યા હતા. મજબૂત મનના માણસ તરીકે પંકાયેલો કાળું ઘડીભર દિગ્મૂઢ બની ગયો હતો.... તેના પગ ધ્રૂજવા માંડ્યા હતા, કાસમ એટલી ખરાબ રીતે હવામાં ઊછળ્યો હતો કે એ જોઈને જ કાળુંના દિલમાથી હાયકારો નીકળી ગયો હતો પૂરું ! ખલાસ !, હજુ હાલ તો એ મારી સાથે હતો... થોડી ક્ષણો પહેલાં જ... કાળુંએ ટકોર પણ કરી હતી ‘એલા આટલો ભાર શું લેવા ભરે છે, પછી રેકડી ખેંચી નહી શકે’. જવાબમાં કાસમ ફિક્કું હસ્યો અને પછી પોતાના ઉમરલાયક હાથને મેલાં ખમીસના ફાટેલા ખીસા ઉપર રાખીને બોલ્યો હતો ‘ આ ખીસામાં જેટલો ભાર છે તેના કરતાં તો આ રેકડીનો ભાર ઓછો જ છે’.

કાળુ, કાસમ, હરિયો અને સેવાકાકો રેકડીમાં માલસામાનની ફેરી કરીને પેટિયું રળતા. પણ હવે વાહનો વધતાં રેકડી માટે માઠા દિવસો શરૂ થયા હતા, મને-કમને રેકડીના પૈડાં ચાલતા રહેતા, પણ કાળુ આ બધામાં અલગ તરી આવતો, તેને ભાડાના પૂરતા પૈસા મળતા ત્યારે જ તે ફેરી કરતો. કાળુને આગળ-પાછળ કોઈ નહીં, કાળું અને કાસમ જિગરજાન મિત્રો. મિત્ર, ભાઈ, સંબંધી જે કહો તે કાસમ. પણ કાસમની સ્થિતિ નબળી હતી, બીમાર પત્ની, અપંગ દીકરો, એક જુવાન દીકરી, મકાનભાડું, દવાના ખર્ચા, રોજિંદા ખર્ચા અને હવે ઢળતી ઉમર કાસમની રેકડીને ક્યારેય જંપવા દેતી નહીં, ઓછા પૈસા ને વધારે મહેનત છતાં કાસમની રેકડી ચાલ્યા કરતી. ઘણીવાર કાળું પોતાની ફેરી પણ કાસમને આપી દેતો અને ભાર વધારે હોય તો ઠેઠ સુધી ધક્કો મારવા પણ જતો.

આજે પણ કાસમે રેકડીમાં ઠાંસીને માલ બાંધ્યો હતો, કાળુએ ટકોર પણ કરી છતાં કાસમ હસતો આગળ વધી ગયો, હજુ તો કાસમ થોડે દૂર પહોંચ્યો હતો ત્યાં જ કાળુની નજર સામે રસ્તાના વળાંક પાસે એક બેફામ ગતિએ દોડતી કારે કાસમને અડફેટે લીધો, કારની ઠોકરથી રેકડી રસ્તા વચ્ચે ઊંધી પડી હતી, એમાં બાંધેલો માલ રસ્તા પર વેરણછેરણ થયો હતો, કાસમ હવામાં ઉછળીને ઊંધા માથે જમીન પર પટકાયો હતો, તેની પાસે લોહીનું એક ખાબોચિયું ભરાઈ ગયું, આવતા-જતાં માણસોની ચીસો હવામાં ભળી ગઈ, માણસો દોડીને ગયા પણ ત્યાં સુધીમાં પેલી કાર અદ્રશ્ય થઈ ગઈ, કાસમ ફરતે માણસોની ટોળું જામ્યું. પોતાની નજર સામે જ ઘટેલી આ ઘટનાથી કાળું ઘડીભર તો અવાક બની ગયો, શું કરવું તેની કશી ગતાગમ પડી નહીં પણ પછી તે દોડ્યો હતો, પાગલની માફક દોડ્યો હતો, ‘કાસમ કાસમ’ ચિલ્લાતો કાળું જનૂનપૂર્વક ટોળાંની અંદર ઘૂસ્યો હતો પણ કાસમને આમ નિષ્ક્રિય ને સ્થિર ઊંધો પડેલો જોઈને કાસમનું બધુ જનૂન જાણે હવામાં ઓગળી ગયું હોય તેમ એ ઢગલો થઈ ને બેસી પડ્યો, ‘કાસમ કાસમ’ કહેતા તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી પણ આગળ કોઈ કશું કહે-કરે તે પહેલાં તો પેટ્રોલિંગમાં રહેલી પોલીસ આવી પહોંચી હતી અને બધાને દૂર ખસેડયા હતા, કાળુને પણ દૂર જવાની ફરજ પાડવામાં આવી, હરીઓ કાળુને ટેકો આપીને રસ્તાના સામે કાંઠે લઈ ગયો, ત્યાં જ એક થાંભલાના ટેકે કાળું બેસી પડ્યો હતો. બે હવાલદારે કાસમને તપાસ્યો હતો, તેમાથી એકે પોતાના ઉપરી સામે નકારમાં ડોક હલાવીને કાળુંના દિલમાં રહેલી થોડીઘણી આશાને પણ ગળેટૂપો દઇ દીધો. કાસમને હવે હોસ્પિટલ લઈ જવાની કશી ઉતાવળ ન હતી, પોલીસે સ્થળતપાસનું પંચનામું કરવા માંડ્યુ, હવાલદારે કાસમનું ફાટેલું અને લોહીથી ખરડાયેલુ ખીસું ચેક કરીને દૂર ઉભેલા પોતાના ઉપરીને મોટા અવાજે કહ્યું ‘લખો ખીસું ખાલી’ આ સાંભળીને જ કાળું રડતો રડતો સ્વગત બોલી પડ્યો ‘ખાલી ખીસું ! ના, ના એ ખીસું ખાલી નથી, એ ખીસાંમાં કેટલો ભાર ભર્યો છે એ તને નહીં સમજાય’ કાસમના ખીસાં સામે જોતાં જોતાં જ કાળું અચાનક અટક્યો હતો, એની આંખોમાં ચમક આવી, કશુંક વિચારીને થાંભલાના ટેકે બેસેલા કાળુએ કાસમની દિશા તરફ પોતાનો હાથ લાંબો કર્યો, કાળુની નજર કાસમના ખીસાં તરફ હતી, ત્યાં બેઠા બેઠા જ જાણે કાળું કાસમના ખીસાંમાં પોતાનો હાથ નાખતો હોય એવી ચેષ્ટા કરી અને પછી ખીસાંમાંથી કશું પકડ્યું હોય એમ જોસથી મુઠ્ઠી વાળી લીધી અને પછી ધીરે ધીરે એ મુઠ્ઠીને પોતાના ખીસાં તરફ વાળી, હળવેથી પોતાના ખીસાંમાં મુઠ્ઠી ખોલી, જાણે અંદર કશું નાખ્યું હોય અને પછી આંખો બંધ કરીને પોતાની હથેળી વડે ખીસાંને પોતાની છાતી સાથે દબાવ્યો, આંખોમાંથી પાછી અશ્રુધાર વહી, કાળુ હરિયાના ટેકાથી ઉભો થયો, એક નજર કાસમ તરફ કરીને તે ચાલી નીકળ્યો.....કાસમના ઘર તરફ......કાસમનું ફાટેલું ખીસું હવે ખાલી થયું હોય એમ તે હવાની લહેરખીઓથી લહેરાવા માંડ્યુ......

(2) રમત

કંકુમાં ઘરના ઓટલે બેઠા હતા, તેનાથી થોડે દૂર જ બે ત્રણ ટાબરિયા રમતા હતા,. છોકરાઓ પાસે બેટ ન હતું તેથી માત્ર દડીથી રમતા હતા. કંકુમાંની અવસ્થા થઇ હતી, સ્પષ્ટ દેખાતું ન હતું તેથી પોતાની ઘરડી આંખોને ઝીણી કરીને ચશ્માં વડે છોકરાઓને રમતા જોઈ રહ્યા. એ છોકરાઓ થોડે થોડે અંતરે ગોળાકારે ઉભા રહીને દડીનો એકબીજા તરફ ઘા કરતા, એક છોકરો દડીનો કેચ કરીને બીજા છોકરા તરફ ફેંકતો, બીજો ત્રીજા તરફ, આમ દડી એકબીજા તરફ ફેંકાતી રહેતી...

કંકુમાની ઝાંખી નજર એ દડી પર સ્થિર થઇ, પછી અચાનક એ ઘરડી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, કંકુમાંને એ નાના છોકરાઓમાં પોતાના ત્રણેય પુત્રોનો આભાસ થયો, અને તેઓ પોતે જાણે દડી હતા !.

(3) વેરી

“હઈઈળ.....તારી જાતનું કૂતરું મારું” એભાએ આંગણામાં પેસેલા કૂતરા પર ખીજથી પથ્થરનો ઘા કરતા કહ્યું. સામેથી આવતા પથ્થરથી બચવા પોતાના શરીરને આડુંઅવળું કરીને કૂતરું ઉ ઉ ઉ કરતુ દૂર નાશી ગયું. “હં.. હં....એલા, મૂંગું જનાવર છે, ઇણે તારું હું બગાળ્યું સે ?” રસ્તા પરથી પસાર થતા પરભુકાકાએ ટકોર કરી, કૂતરું પોતાનો જીવ બચાવવા પરભુકાકાના પગ વચ્ચેથી નાઠું હતું. ચહેરા પર તંગ રેખાઓ સાથે એભો ત્યાને ત્યાં જ મૂંગો ઉભો રહ્યો. એનો ચહેરો ક્રોધાવેશ લાલ થઇ ગયો હતો, હંમેશા પોતાને હસીને આવકારો આપતા એભાના આજે હાલહવાલ જોઈને પરભુકાકાએ ચાલતી પકડી. ધૂંધવાયેલો એભો પાછો પોતાની ઓસરીમાં આવીને ખાટલાની કોરે બેઠો, “ઇણે મારું હું બગાળ્યું સે ?” એભાના દિલોદિમાગમાં આ વાત ઘૂમરાતી હતી, અને એના હૃદયમાં ઘૂંટાતો જવાબ બહાર આવતો “ઇણે ભલે મારું કંઈ બગાળ્યું નય પણ એની જાઈતે તો...” એભાની આંખો વહી ગયેલા સમયને પકડવા મથામણ કરવા લાગી

.

એ...ઈ...ને હાઈક્લાસ નોકરી હતી શેરમાં, આખો દિ હાથમાં લાકળી લયને આટાફેરા કરવાના કારખાનામાં, બીજી કંઈ મગજમારી નય. એક ઓઇળી મળી‘તી રેવા હારું, કારાની માં પણ કચરાપોતા કરીને થોળા પૈસા કમાય લેતી. કારાને’ય શેરની નિહાળમાં ભણવા મેલ્યો’તો, કારો નિહાળના ડરેશમાં કેવો વાલો લાગતો ! જાણે પૈસાવાળાનો છોકરો નાં હોય ! જલસા હતા, પણ નહીબને આ ગરીબ માં’ણાની અદેખાય થય ને ઈ કારખાનાનો શેઠ એક દિ ઈંગ્લીસ કૂતરું લય આયો. કૂતરુંય ખરેખરનું, રાભળા જેવું. માં’ણા જોય ને જ થથરી જાય. મારું બેટું કોયને કારખાનામાં પેસવા દેતું નય. શેઠ ઇને લાડ લડાવતો, શેઠને ઈ વાલો જ લાગે ને ! ન પગાર માગે કે ન ખાવાનું, આખો દિ મફતમાં હડીયાપાટી કરે રાખે. ઈ મારા બેટાને ક્યાં બાયળી છોકરાની મગજમારી હતી તે પગાર માગે ! ઈ મફતનો ચોકીદાર આયો પસે તો શેઠને મારી જરૂર’ય હું હોય !. ને એક દિ શેઠે’ય મને કય દીધું......

એભાના ચહેરા પર ગુસ્સાની જગ્યા દીનતાએ લીધી “મારું હાળું મારું તો કાય નહીબ સે ! મનેખને મનેખ નળે, પણ મને તો કૂતરું....

(4) સ્વપ્ન

અચાનક અમર ગાઢ ઊંઘમાંથી એક જ ઝાટકે હાંફળોફાંફળો ઉઠી ગયો, તેની આંખો ભયથી પહોળી થઇ ગઈ, ધડકનો ધમણની માફક ઉલાળા મારવા માંડી, નખશિખ તમામ સ્નાયુઓ તંગ થઇ ગયા, પણ..પણ..બીજી જ ક્ષણે તેને ખ્યાલ આવ્યો આ તો સ્વપ્ન હતું !, સ્વપ્ન !, અમરે હાથ વડે કપાળ પરનો પ્રસ્વેદ લૂંછીને રાહતનો શ્વાસ લીધો. તે મનોમન હસી પડ્યો “મારું બેટું સ્વપ્ન પણ કેવું ડરાવી દયે છે !” તેણે ઘડિયાળમાં જોયું, વહેલી સવારના ત્રણને વીસ મિનિટ, પછી બાજુમાં ગાઢ નિંદ્રામાં પોઢેલા પોતાના પરિવાર તરફ જોયું, સુંદર પત્ની નેહા, સાત વર્ષની જહાનવી અને પાંચ વર્ષનો આયુષ. ફરીવાર તેના મનમાં પેલું સ્વપ્ન ઝબકી ઉઠ્યું, “એ સ્વપ્ન સાચું પડે તો ?, એ કાળમુખો ટ્રક, હતું ન હતું થઇ ગયેલું પોતાનું બાઈક, લોહીના ખાબોચિયામાં સ્થિર પડેલો પોતાનો દેહ” અમરે પ્રયત્નપૂર્વક પોતાનું માથું ધૂણાવીને એ વિચારોને ખંખેરી નાખ્યા “ના, એ શક્ય નથી, આ તો માત્ર સ્વપ્ન હતું, મારે હજુ લાંબુ જીવવાનું છે....જીવવું પડશે.... પત્ની માટે....બાળકો માટે....મારા સિવાય એમનો બીજો કોઈ આધાર પણ....

“મને કશું નથી થવાનું” પોતાના વ્યાકુળ થઇ ઉઠેલા મનને શાંત પાડવા અમર સ્વગત ગણગણતો પથારીમાંથી ઉભો થયો. ટેબલ ઉપર પડેલા સિગારેટના પેકેટમાંથી એક સિગાર ખેંચીને હોઠો વચ્ચે ચોંટાડી, માચીસની અગ્નિથી પ્રગટેલ ક્ષણભંગુર રોશનીથી ઓરડો ઝળહળી ઉઠ્યો. અમરે એક ઊંડો કસ ખેંચ્યો, થોડી ક્ષણો એ કસને ફેફસામાં રાખીને ધૂમ્રશેરો રૂપે મો અને નાસિકા વાટે બહાર ફેંક્યો. બહાર ફેંકાયેલી એ ધૂમ્રશેરો ગોળાકારે ઓરડાની હવામાં ભળી ગઈ, એ ધૂમ્રશેરોનો આકાર ગોળ હતો, ગોળ...જાણે ટ્રકના વ્હીલ... અસ્તુ.

યાયાવર કલાર

94274 11600

manjnd@yahoo.com