યુઝ એન્ડ થ્રો
આજે ધનતેરસ હતી .. એક ખાસ દિવસ .. . દિવાળીની દ્રષ્ટિ એ નહીં પણ ભાવનગરના જાણીતા ઉધ્યોગપતિ વિશાલભાઈની દીકરી ધરાનો પ્રથમ જન્મ દિવસ . છ વર્ષે પારણું બંધાયું હતું . રોમિલની મમ્મી એ બૂમ પાડી .” રોમિલ બેટા ચાલ જલ્દી . થોડી કઈ મદદ કરીએ વિશાલને ...આમ ટાઈમે જવું સારું ન લાગે .” “ હા, મમ્મી તમે બધા જાઓ હું થોડું હિસાબનું કામ પતાવી આવું છુ . ઘરના બધા જ સભ્યો સજી-ધજીને નીકળી ગયા . રોમિલે બધા દરવાજા બંધ કર્યા કબાટમાથી એકા સફેદ કાપડનો ટુકડો પ્લાસ્ટિકની એક બેગમાથી હળવેકથી કાઢ્યો . દારૂ નો એક ઘૂટ માર્યો અને પલંગ પર ફસડાઈ પડ્યો અને અતીતમાં સારી પડ્યો . અને પહોંચી ગયો બે વર્ષ પહેલાના આવા જ એક વિશાલભાઈના ફંક્શનમાં .......
આજે વિશાલભાઈને ત્યાં ગેટ ટુ ગેધરનો પ્રોગ્રામ હતો. રોમિલ સવારથી જ તૈયારીમાં લાગ્યો હતો . સાંજે પ્રોગ્રામ શરૂ થયો . સુંદર ગુલાબી સાડીમાં અવંતિકાભાભી ખૂબ જ મોહક લાગતાં હતા .... રોમિલે દિલથી ભાભીના વખાણ કરાતા કહ્યું ,.. “ ભાભી આજે તો ખૂબ જ સરસ લાગી રહ્યા છો .” અવંતિકાએ આંખો નચાવી પોતાના વખાણ ને સ્વીકાર્યા . આકર્ષક ચહેરો... અપ્રીતમ દેહલાલિત્ય ધરાવતા ભાભીને કશી જ વાતની કમી ન હતી ... પૈસે ટકે વિશાલભાઈ સુખી જ હતા . હમણાં જ બોમ્બેમાં મોટો ફ્લેટ લીધો . લગ્નને છ વર્ષ થયા હતા.... ભાવનગરમાં કન્સ્ટ્રક્શન લોબીમાં વિશાલભાઈની જમાવટ હતી .
મૂળ બોમ્બેના અવંતિકાભાભી ભાવનગરની સૌથી સુંદર સ્ત્રીનું બિરુદ મેળવી શકે તેવા હતા ... બધી જ રીતે વિશાલભાઈ માટે યોગ્ય . ભગવાનના નામ કરતાં પતિનું નામ તેમના મોઢે વધુ રહેતું ... સવારથી સાંજ પતિનું ધ્યાન રાખવામા તે ક્યાંય પાછા પડતાં ન હતા . તેમને બધા ખૂબ જ આદરથી જોતાં . રોમિલને અવંતિકાભાભી માટે ખૂબ જ માન હતું . ભાભીનો પડ્યો બોલ ઝીલવાનું રોમિલને બહુ જ ગમતું . વિશાલભાઈ આમ તો રોમિલના દૂરના કઝીન બ્રધર હતા પણ એક જ ગામમાં વર્ષોથી બંનેની ફેમેલી રહેતી..... આથી સંબંધ ઘણા સારા ... રોમિલના પિતા ગુજરી ગયા બાદ વિશાલભાઈના ફાધરે જ રોમિલના બીબીએ ની ડીગ્રીનો ખર્ચ ઉઠાવ્યો હતો અને આજે રોમિલ પોતાના પગ પર ઊભો થઈ ગારમેન્ટના સ્વતંત્ર બિઝનેસમાં સક્સેસ ગયો હતો .
કાર્યક્રમ રાત્રે બાર વાગ્યે પત્યો ... થોડા થાકને કારણે રોમિલની આંખો સવારે થોડી મોડી ખૂલી. રોજનો નિત્ય ક્રમ પતાવી રોમિલે વોટ્સ એપ ચેક કરવા મોબાઈલ ઉઠાવ્યો . ચા નો કપ મોઢે અડાડતા જ તે ચોંકી ઉઠ્યો .... હા..... ચા ગરમા ન હતી પણ અવંતિકાભાભીનો ગુડ મોર્નિંગ નો સુંદર મેસેજ હતો . એ મેસેજ તેને થોડું દાઝડી ગયો . રોમિલ ખુશ થયો . આટલા મોટા ઘરની વહુ તેને યાદ કરે એ રોમિલને ગમ્યુ ...તેણે વળતો મેસેજ કર્યો ગુડ મોર્નિંગ .. પંદર દિવસ સુધી રોજ આ મેસેજની આપ-લે થઈ .
એક દિવસ બપોરે અવંતિકાભાભીનો ફોન આવ્યો . રોમિલ ખુશ થયો તેણે ફોન ઉપાડી કહ્યું...,” બોલો ભાભી શું કામ છે ..આ સેવક હાજર છે . “ “ કેમ દિયરજી કઈ કામ હોય તો જ તમને યાદ કરાય ... કામ વગર યાદ ના કરાય ?” “ ના...ભાભી બસ આમ જ પૂછ્યું ...” “ તમારી દુકાનમાં અંડર ગારમેન્ટ તો છે ને...” “ હા..., ભાભી છે તો ખરા ...પણ ...પણ ..” “ પણ..પણ શું “ “ આઈ મીન કોના માટે જોઈએ છે ?” “ અરે... મારા માટે જોઈએ છે...” “ ભાભી તમે તો હાઈ-ફાઈ છો ...હું તો ભાવનગરમાં ચાલે એવો રનિંગ માલ જ રાખું છુ ..” “ તો વાંધો નહીં હું રનિંગ બની જઈશ ...સાંજે આવું છુ તમારી દુકાને...”
રોમિલને આશ્ચર્ય થયું.... તે સાંજે ભાભીની રાહ જોવા લાગ્યો . ...પારદર્શક કહી શકાય તેવા નેટ વાળા બ્લ્યુ બ્લાઉઝમાં અવંતિકાભાભીનો ગોરો હાથ વધુ ગોરો લાગતો હતો .. ડાર્ક પ્લેન કલરની સાડીમાં અવંતિકાભાભી મનમોહક લાગતાં હતા . દુકાનમાં બીજી ઘરાકી હતી નહીં . નોકર સંજુને માલ બતાવાનું કહી રોમિલ ઊભો રહ્યો ...અવંતિકા બોલી ...., “ કેમ દિયરજી ચા નહીં પીવડાવો ?” “ હા...હા ભાભી ....કેમ નહીં.... તમે પહેલીવાર આવ્યા છો ...બોલો ચા સાથે શું લેશો..? “ “ બસ આજે ચા પીવડાવો .” સંજુ ચા લેવા ગયો... અવંતિકાએ એક બ્રા હાથમાં લીધી પછી રોમિલને પૂછ્યું ...” આ આવશે મને..?” રોમિલ સાઈઝ જોવા ગયો ...ત્યાં અવંતિકા નો સ્પર્શ થયો ..રોમિલ છોભીલો પડી ગયો . “ એક વાત કહું રોમિલ ...તું સાચું માનીશ... ?” “ શું ભાભી ?” “ રોમિલ તું મને ગમે છે .”
“ ભાભી આમ ન બોલો ...વિશાલભાઈ મારા ભાઈ છે ..ઉપકાર છે એમના તો મારા પર .” “રોમિલ તું મને તરછોડે છે ?” “ ના ભાભી તરછોડતો નથી , તમને સાચી વાત કહું છુ .” “ હું એ બધુ નથી જાણતી ...કાલે ઘરે કોઈ જ નથી બધા બહાર જાય છે ...હું નથી જવાની ...તું બપોરે ઘરે આવજે ..આપણે વાતો કરીશું...હું તારી રાહ જોઈશ.” ચા આવી ગઈ એટલે વાત અટકી ... રાત્રે હાય હેન્ડસમ ...આઈ મીસ યુ જેવા મેસેજ અવંતિકાએ કર્યા પણ રોમિલે વળતો જવાબ ના આપ્યો .
બપોરે દોઢ વાગ્યે ફોન રણક્યો ... અવંતિકા એ છણકો કરતાં કહ્યું.., રોમિલ હું તારી રાહ જોવું છુ “ રોમિલ પરાણે વિશાલભાઈ ના ઘરે પહોંચ્યો . અવંતિકાએ આવકાર આપી કહ્યું.. “રોમિલ તું ડરે છે ...? બે વ્યક્તિ એકબીજાને પસંદ કરે ...એકબીજામાં ખોવાઈ જાય એમાં ખોટું શું છે...?” “ ખોટું તો છે ભાભી , હું કોઈ શાહુકાર નથી પણ તમે મીસીસ વિશાલ નાકરાણી છો ..” “ તો શું એ મારો ગુનો છે ?” અને અવંતિકા રોમિલને વળગી પડી. અવંતિકાના સ્પર્શથી રોમિલના રોમ-રોમમાં આગ લાગી ગઈ અને છેવટે બધી જ સીમા ઓળંગાઈ ગઈ ... રોમિલ દુકાને પાછો ફર્યો ..પછી તો ફોન પર વાતો થવા લાગી . રોમિલ અવંતિકામય બની ગયો કાચી યુવાની અને સામે ઉભરાતું યૌવન ....પછી પૂછવું જ શું ..!
ત્રણ મહિનામાં અવંતિકા ઘણી વાર રોમિલને મળી . રોમિલ મનોમન અવંતિકાને ચાહવા લાગ્યો ..તેણે નક્કી કર્યું બસ એક જ ...અવંતિકા સિવાય જીવનમાં કોઈ નહીં આવે તેના રોમ-રોમ માં અવંતિકા જ હતી . પણ રોમિલની ખુશી ઝાંઝી ટકી નહીં .... ધીમે –ધીમે અવંતિકા રોમિલથી દૂર થવા લાગી ... તબિયતના બહાના કાઢવા લાગી ... તેણે રોમિલને ટાળવાનું શરૂ કર્યું ... પંદર દિવસ અવંતિકાને જોયા વગર રહ્યા બાદ રોમિલથી ન રહેવાયું .. એક દિવસ તે અવંતિકાની ઘરે ગયો . અવંતિકા ખૂબ જ ખુશ હતી .તે અને વિશાલ ટી.વી પર ગમતો પ્રોગ્રામ જોઈ રહ્યા હતા . અવંતિકાને જાણે રોમિલનું આવવું ન ગમ્યું .રોમિલ સમજી ગયો ... કોઈ સ્ત્રી આવું પણ કરી શકે ? તેણે તરત જ કામનું બહાનું કાઢી વિદાય લીધી .
આખી રાત રોમિલ સૂઈ ન શક્યો ...એ અવંતિકા જે બાગના અંધારા ખૂણે વેલની જેમ મને લપેટાઈ જતી હતી તેને અચાનક શું થયું?. બીજે દિવસે હિંમત કરી રોમિલે અવંતિકાને ફોન કર્યો . અવંતિકાએ ફોન ઉપાડી કહ્યું , “ હલ્લો રોમિલ હું તને ફોન કરવાની જ હતી.....” “ તો નક્કી આજે આપણી પ્રિય જગ્યાએ સાંજે મળીએ “ રોમિલે ઉત્સાહથી કહ્યું . “ ના ક્યારેય નહીં... હું હવે તને ક્યારેય નહીં મળું .” “ કેમ? “ “ કારણકે તને મળવાનું હવે કોઈ કારણ નથી .” “ કારણ નથી મતલબ ?” “ મતલબ હું પ્રેગનેન્ટ છુ .” “ ઑ..હ ...સૉરી “ “ નો....નો ... હું ખુશ છુ ..હું પ્રેગનેંટ થવા માંગતી હતી એટલે જ તો તારી પાસે આવી હતી . લગ્નના છ વર્ષ બાદ પણ મારો ખોળો ખાલી હતો... વધુ કહેતી નથી સમજી જા .” “ એટલે ભાભી પેલી પ્રેમની વાતો....!” “ હા... એ ખોટી હતી ...હું વિશાલ ને જ ચાહું છુ પણ મા બનવા માગતી હતી ....મારા રિપોર્ટ તો નોર્મલ હતા એટલે મારી એક મિત્ર એ તને તે દિવસે પાર્ટીમાં જોયો અને પ્લાન બની ગયો ...જેમાં હું સક્સેસ ગઈ .” “ ભાભી આવા કામ માટે મારો ઉપયોગ કર્યો ?” “ એમાં શું થયું તને મજા ના મળી ...!” “ ભાભી હું દિલથી તમને ચાહવા લાગ્યો હતો ...” “ તો મે પણ તો મારુ યૌવન લૂટાવ્યું “ “ ભાભી....” “ બસ વધુ કશું ન કહીશ .... આજ પછી ફરી તારી ભાભી જ છુ .” ફોન કપાઈ ગયો .
કોઈની કૂંખમાં પોતાનું બીજ આકાર લઈ રહ્યું હતું અને એ કૂંખ ધારણ કરનારે...... શું કર્યું..?. રોમિલને તમ્મર આવ્યા . જીંદગીમાં પહેલીવાર દારૂની બોટલનું ઢાંકણું ખોલી રોમિલ બોલ્યો ધન્ય છે અવંતિકા તને ... તું એ બાળક મેળવવા મારી લાગણીનો દૂરઉપયોગ કર્યો પણ પણ હું તને ક્યારેય નહીં ભૂલી શકું . તે તો કપટ કર્યું પણ મે તો તને સાચો પ્રેમ જ કર્યો .દારૂના કડવા ઘૂંટડા સાથે રોમિલ જાણે અવંતિકાને પી ગયો .....
આઠ મહિના બાદ વિશાલે અવંતિકાની દિલેવરીના દિવસે પોતે બહાર હોવાથી રોમિલને હોસ્પીટલ જવા કીધું ... થોડા કલાકમાં નવજાત શિશુનો રડવાનો અવાજ આવ્યો . છ વર્ષે પારણું બંધાયું હોવાથી સૌ ખુશ હતા . અવંતિકા બેભાન હતી ..નર્સે સફેદ કપડામાં વીટેલી ઢીંગલી દાદીના હાથમાં મૂકી ... દાદીએ દવાખાના એ સફેદ ટુકડાને ફેંકી દઈ રેશમથી ઢીંગલીને ઢાંકી અને કોઈ ન જુવે તેમ રોમિલે પેલું સફેદ કપડું ઊંચકી લીધું અને પોતાની પરી તરફ નજર નાખી ચાલતો થયો . તે દિવસ અને આજનો દિવસ ..રોમિલની પીડામાં કોઈ ફરક ન હતો .
ફોનની ઘંટડી રણકી... હા.. ફોન અવંતિકાનો જ હતો . રોમિલ હું ઈચ્છું છુ કે આજના આ દિવસે તું ના આવે ...” “ચિંતા ન કરો અવંતિકાજી હું નહીં આવું ...ક્યારેય નહીં આવું.... મારી ઢીંગલીની એક યાદ મારી પાસે છે .... એને જોઈને ખુશ થઈશ .....રોમિલે ફોન કાપી નાખ્યો અને પેલા સફેદ ટુકડાને વળગી ઘડીક રડી પડ્યો તો ઘડીક હસી પડ્યો ... પછી કપડું સંભાળીને પાછું મૂકી બોલ્યો ..” પરી હવે કાલે મળીશું ગુડનાઈટ ....... બેટા તારો બાપ યુઝ એન્ડ થ્રો છે .... યુઝ ...એન્ડ ...થ્રો.... દારૂના ઘૂંટડા નીચે ઉતરતા રહ્યા અને પાર્ટીમાં હેપ્પી બર્થડે નો અવાજ ગુંજતો રહ્યો.... અને રોમિલ મારી પરી ...મારી પરી બોલતો રહ્યો ................
સંગીતા દયાળ
(સંગમ)