મનને ગમે એવી છે Midnights With મેનકા
ગુજરાતી ફિલ્મો વિષે કાયમ લોકોને એક ફરિયાદ રહી છે કે તેના વિષયો ટિપિકલ હોય છે અને ખાસકરીને પેલા ત્રણ મિત્રોની કોમેડી કરતી ફિલ્મોની સંખ્યાતો કાયમ વધતી જ ચાલી છે. ગુજરાતી દર્શકોની આ ફરિયાદ કદાચ Midnights With મેનકા દૂર કરી દે એવી પૂરતી શક્યતાઓ છે.
મુખ્ય કલાકારો: મલ્હાર ઠાકર, ઈશા કંસારા, વિનીતા મહેશ, પાર્થ ઓઝા અને હાર્દિક સાંગાણી
સંગીત: અંબરીશ શ્રોફ
નિર્માતા: રશ્મીન મજીઠીયા
નિર્દેશક: વિરલ શાહ
રન ટાઈમ: ૧૩૫ મિનીટ્સ
કથાનક: મલ્હાર ઠાકર (મલ્હાર ઠાકર) સ્ટેજનો નાનકડો અદાકાર છે પરંતુ તેના સપના બહુ મોટા છે. મલ્હાર પોતાની બહેન રીયા (વિનીતા મહેશ) સાથે રહેતો હોય છે જે એક કોલ સેન્ટરમાં રાત્રે કામ કરીને એના તમામ ખર્ચા ઉઠાવતી હોય છે પરંતુ તેનું કાયમ અપમાન કરતો રહેતો હોય છે. મલ્હારનો એક કરોડપતિ મિત્ર છે જે RDX મસાલાના માલિકનો પૌત્ર છે અને એનું નામ છે હાર્દિક (હાર્દિક સાંગાણી) એ મલ્હારના મોટાભાગના જંગી ખર્ચાઓનું ધ્યાન રાખતો હોય છે.
હવે આ હાર્દિકને FM રેડિયો પર આવતી લેટ નાઈટ RJ મેનકા (આ પાત્ર અંગેની ઇન્તેજારી તમે ફિલ્મ જુઓ ત્યાં સુધી જાળવી રાખવી જરૂરી છે) કે જે Midnights With મેનકા નામનો શો ચલાવતી હોય છે તેની સાથે પ્રેમ હોય છે. આમતો આ મેનકાને લાખો અમદાવાદીઓ પ્રેમ કરતા હોય છે પરંતુ હાર્દિકને એક દિવસ મેનકા પોતાને મળી જ જશે એવી ખાતરી હોય છે. પોતાની કેરિયર કશે જ જતી ન હોવાથી મલ્હાર હાર્દિકના પૈસે છાપામાં ફેક ન્યુઝ ફેલાવે છે કે તેણે યશરાજ ફિલ્મની આગામી ફિલ્મ સાઈન કરી છે.
આ ખબરની એવી તો અસર થાય છે કે મલ્હાર પાછળ ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓની લાઈન લાગે છે અને મલ્હારની કેરિયર રોકેટની ગતિએ આગળ વધે છે. એક વર્ષ બાદ એવો સમય આવે છે કે મલ્હાર એક સાથે બાર-બાર ફિલ્મો સાઈન કરી દે છે. ધીરે ધીરે મલ્હાર અત્યંત લોકપ્રિય સુપરસ્ટાર થઇ જાય છે અને તેના લાખો ફેન્સમાંથી કેબલ ટીવીની એડ ક્વીન ઈશા (ઈશા કંસારા) પણ હોય છે. મલ્હારની લોકપ્રિયતાની ગાડીને ત્યારે બ્રેક લાગે છે જ્યારે યશરાજનો વકીલ તેની પાસે આવીને ફેક ન્યુઝ ફેલાવવા બદલ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ખુલાસો કરવાની ફરજ પાડે છે.
પ્રેસ કોન્ફરન્સમાં મલ્હાર આ ફેક ન્યુઝનો ઓળીયો ઘોળીયો ઈશા પર નાખી દે છે. જ્યારે ઈશાને આ વાતની ખબર પડે છે ત્યારે તે પણ મલ્હારને પોતાની એક એડ ફિલ્મમાં સાથે કામ કરવાનું કહે છે નહીં તો તે આ સત્ય એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આપી દેશે એમ જણાવે છે. મજબૂર મલ્હાર છેવટે ઈશા સાથે પોતે સુપરસ્ટાર હોવા છતાં એ સસ્તી જાહેરાતમાં કામ કરવા કમને તૈયાર થાય છે.
આ દરમ્યાન મલ્હારને કરન જૌહરની આગામી હિન્દી ફિલ્મના ઓડિશન માટે ધર્મા પ્રોડક્શન્સમાંથી ફોન આવે છે. ઓડિશન પૂરું થયા બાદ લેવાયેલા એક નાનકડા ઇન્ટરવ્યુમાં મલ્હારને લાગે છે કે તેને ધર્માની ફિલ્મ બસ મળી જ ગઈ સમજો. ઇન્ટરવ્યુ પત્યા બાદ મલ્હાર હાર્દિકને કોલ કરીને સાઈન કરેલી તમામ ફિલ્મોના પ્રોડ્યુસર્સને સાઈનિંગ એમાઉન્ટ કરતા લાખ-દોઢલાખ વધુ આપીને કોન્ટ્રેક્ટ ટર્મિનેટ કરવાનું કહે છે.
એક તરફ હાર્દિક બધાજ કોન્ટ્રેક્ટ રદ્દ કરાવે છે તો બીજી તરફ મલ્હાર ધર્માના ઓડિશનમાં ફેલ થાય છે. તો ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન એક સાથે બાર ફિલ્મોના કોન્ટ્રેક્ટ રદ્દ કરવા માટે મલ્હાર સાથે કામ કરવા પર પ્રતિબંધ મૂકે છે. આટલું ઓછું હોય એમ ઈશાના ફ્રેન્ચ મિત્રોની વાતમાં આવી જઈને મલ્હાર એક વર્લ્ડ સિનેમાની ફિલ્મ સાઈન કરે છે જે ખરેખર તો પોર્ન ફિલ્મ હોય છે જેના શુટિંગ દરમ્યાન મલ્હારની પોલીસ ધરપકડ કરે છે...
ટ્રીટમેન્ટ અને પરફોર્મન્સ
આગળ વાત કરી એ મુજબ એટલીસ્ટ ગુજરાતી ઓડિયન્સ માટે Midnights With મેનકા સાવ નવી વાર્તા લઈને આવી છે તે માટે ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન આપવા જ રહ્યા. ફિલ્મની વાર્તા નવી છે એનો મતલબ એવો નથી કે ફિલ્મમાં બધુંજ સારું છે. ઓવરઓલ ફિલ્મ ખરેખર સારી છે પરંતુ ક્યાંક ટ્રીટમેન્ટ નબળી પડી જતા ધીમી પણ થાય છે અને ફરીથી પીકઅપ પણ કરી જાય છે.
આમ જોવા જાવ તો આખી ફિલ્મ પોતાને મનફાવતી ગતિએ જ ઓછી વત્તી ગતિએ ચાલે છે, પરંતુ છેલ્લે ફિલ્મના અંત પહેલાના પેસ્ટ કન્ટ્રોલવાળા દ્રશ્યો અત્યંત કોમિક બન્યા છે જે ફિલ્મમાં ગતિ પરત લાવે છે. ફિલ્મની લંબાઈ લગભગ સવા બે કલાક જેટલી છે જે હજી પણ પંદરેક મિનીટ ઓછી થઇ શકી હોત તો ફિલ્મની ઢીલાશ ઓછી થઇ શકી હોત અને એક near perfect ફિલ્મ દર્શકોને મળી હોત. ફિલ્મનો વિષય નવો હોવા ઉપરાંત અમુક જગ્યાએ થોડો મેચ્યોર પણ છે જેને ગુજરાતી દર્શકો સામે સારી રીતે હેન્ડલ કરીને રાખવા બદલ નિર્દેશક વિરલ શાહની પ્રશંસા થવી જ જોઈએ.
મલ્હાર ઠાકરની ફિલ્મ હોય એટલે એ છવાઈ જ જાય એમાં શંકાને સ્થાન નથી. પરંતુ અહીં અલગ વાત એ છે કે ભલે ફિલ્મની શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હોય કે ફિલ્મના દરેક પાત્રો કાલ્પનિક છે, પોતાનું અસલી નામ અને વ્યવસાય ફિલ્મમાં દર્શાવવા બદલ મલ્હારની ઈમેજને ધ્યાનમાં લઈને જ લોકો તેના પાત્રને જજ કરે એ ખતરો તો તેના પર હતો જ. પરંતુ તેમ છતાં મલ્હારે એ રિસ્ક લીધું અને તેને આ રિસ્ક લેવું ફળ્યું હોય એવું ફિલ્મ જોયા પછી તો જરૂર લાગે છે. હા એક સાથે ઢગલો ફિલ્મો સાઈન કરીને ઓવર એક્સપોઝર સામે આ ફિલ્મમાં આપવામાં આવેલી સલાહ પર મલ્હારે ખુદે ધ્યાન રાખવા જેવું ખરું કારણકે છેલ્લા ચારેક મહિનામાં આ તેની ત્રીજી ફિલ્મ છે.
મલ્હાર પછી ફિલ્મમાં છવાઈ જાય છે હાર્દિક સાંગાણી. હાર્દિકના રોલને તેણે બખૂબી નિભાવ્યો છે અને જેમ આગળ વાત કરી તેમ ફિલ્મના અંત પહેલાના પેસ્ટ કન્ટ્રોલવાળું દ્રશ્ય જાણેકે તેને જ બેટિંગ કરવા માટે આપવામાં આવ્યું હોય એવું લાગે છે. આ ઉપરાંત કોમિક ટાઈમિંગમાં પણ હાર્દિક મલ્હારને સારો એવો સાથ આપે છે. હા ક્યારેક તેની એક્ટિંગ લાઉડ લાગે છે પણ ચાલી જાય છે.
ઈશા કંસારા અને વિનીતા મહેશ સપોર્ટીંગ રોલ્સમાં એકદમ ફીટ બેસે છે. ઈશાનો બિન્ધાસ્ત સ્વભાવ જ્યારે રિયાનો શાંત સ્વભાવ ઉપસાવવામાં બંને અભિનેત્રીઓ ક્યાંય પાછી પડતી નથી, બલ્કે આ બંને અભિનેત્રીઓએ મલ્હારના પૂરક તરીકે સારું એવું કામ કર્યું છે. અન્ય કલાકારોમાં મેહુલ બુચ અને આશિષ કક્કડ ધાર્યું કામ કરી જાય છે. આ ઉપરાંત નરેશ કનોડિયા પણ કેમિયોમાં મલ્હારને એક વડીલ તરીકે સલાહ આપવાના રોલમાં પ્રભાવશાળી નહીં પણ ઠીકઠીક લાગે છે.
આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોના ઉદય પછી ઝળકેલા સિતારાઓ અને નિર્દેશકોમાંથી રાહુલ તરીકે પાર્થ ઓઝા અને મયુર ચૌહાણ અને ધ્વની ગૌતમ નાની ભૂમિકામાં ધ્યાન ખેંચે છે.
છેવટે...
ગુજરાતી ફિલ્મો બીબાઢાળ બની ગઈ છે એવી જો ફરિયાદ હોય તો Midnights With મેનકા જરૂર જોવી જોઈએ. હા આ ફિલ્મ કોઇપણ અન્ય ગુજરાતી ફિલ્મની જેમ જ સંપૂર્ણ અથવાતો અદભુત તો નથી જ પરંતુ આપણી ભાષામાં આ પ્રકારના નવા વિષયને જોવા તેમજ તેની હળવી ટ્રીટમેન્ટ માણવા અને સવા બે કલાક ફ્રેશ થવા કેદારનાથ કરતા Midnights With મેનકા જોવા જરૂર જવું જોઈએ. બાકી બીજું કશું ન જોવું હોય અને જો તમે મલ્હાર ઠાકરના ફેન હોવ તો એને જોવા તો તમે જશો જ?
૦૮.૧૨.૨૦૧૮, શનિવાર
અમદાવાદ