19. ખડક
બીજી સવારે, સૂર્ય માથા પર આવી ગયો ત્યારે, તે સૌ જાગ્યા અને પોતપોતાની સુંવાળી પથારી પરથી બેઠા થયા. પવન દક્ષિણ તરફથી ફૂંકાવા લાગ્યો હતો. જિપ લગભગ અડધી કલાક સુધી પવન સૂંઘતો રહ્યો, પછી ડૉક્ટર પાસે ગયો અને પોતાનું માથું નકારમાં ધુણાવ્યું.
તેણે કહ્યું, “હજુ પણ છીંકણીની વાસ આવતી નથી. હવે પવન પૂર્વ તરફથી ફૂંકાય એની રાહ જોવી પડશે.”
બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પૂર્વી પવન ફૂંકાવો શરૂ થયો પણ હજુ ય કૂતરાંને છીંકણીની વાસ ન આવી.
હવે, નાનો છોકરો ખૂબ હતાશ થઈ ગયો હતો. તે જોરજોરથી રડવા લાગ્યો. રડતાં-રડતાં તે બબડી રહ્યો હતો, “મામા તમે ક્યાં છો ? તમે કેમ કોઈને મળતા નથી ?”
આ જોઈ જિપે ડૉક્ટરને કહ્યું, “તેને કહો કે તેના મામા ચીનમાં બેસીને બ્લેક રેપી છીંકણી સૂંઘતા હશે તો ય, પશ્ચિમી પવન ફૂંકાશે ત્યારે હું તેમને શોધી લઈશ.”
પણ, પવનની દિશા બદલાય એ માટે તેમને ત્રણ દિવસ સુધી રાહ જોવી પડી. શુક્રવારની સવારનો પ્હો ફાટ્યો ત્યારે જહાજ પર ઝાકળના બુંદ અને દરિયા પર ગાઢું ધુમ્મસ છવાયું હતું. અચાનક નરમ-ગરમ, ભેજવાળો પવન ફૂંકાવો શરૂ થયો. જિપની આંખો ખુલી અને તે તુતક પર આવી હવા સૂંઘવા લાગ્યો. પશ્ચિમ દિશામાંથી આવતા પવનને સૂંઘી તે ઉત્સાહમાં આવી ગયો. ડૉક્ટરને જગાડવા તે નીચે દોડ્યો.
“ડૉક્ટર” તેણે બૂમ પાડી. “મને તે મળી ગયા. ડૉક્ટર જલદી જાગો. સાંભળો, મને તે મળી ગયા. પવન પશ્ચિમ તરફથી આવે છે અને છીંકણી સિવાય બીજી કોઈ જ વાસ આવતી નથી. જલદી ઉપર આવી જહાજ હંકારો. જલદી કરો.”
આ સાંભળી, ડૉક્ટર પલંગ પરથી કૂદયા અને જહાજનું સુકાન સંભાળવા દોડ્યા.
“હવે સીધેસીધા ચલાવજો.” જિપે રસ્તો બતાવવા કહ્યું. “તમે મારું નાક જોતા રહેજો. તે જે દિશામાં ખસે તે દિશામાં જહાજ વાળજો. છોકરાના મામા બહુ દૂર નથી કારણ કે છીંકણીની વાસ બહુ તેજ આવે છે. પવન પણ એકદમ સ્થિર અને ભેજવાળો છે. હવે, તમે જુઓ હું શું કરું છું.”
તે આખો દિવસ જિપ જહાજના અગ્રભાગે બેસી પવન સૂંઘતો રહ્યો. તેના માર્ગદર્શન મુજબ ડૉક્ટર જહાજ ચલાવતા રહ્યા. અન્ય પ્રાણીઓ અને પેલો છોકરો, ટોળે વળી, આંખો ફાડી, કૂતરાંને જોઈ રહ્યા હતા.
લગભગ બપોરના સમયે જિપે ડબ-ડબને કહ્યું, “ડૉક્ટરને કહે કે મને ચિંતા થાય છે. મારે તેમની સાથે વાત કરવી પડશે.” માટે, ડબ-ડબ ડૉક્ટરને બોલાવી લાવ્યું.
જેવા જિપે ડૉક્ટરને જોયા કે તે બોલ્યો, “છોકરાના મામા ભૂખથી મરી રહ્યા છે. તેમની પાસે ખાવા કંઈ જ નથી. તમારે જહાજને શક્ય તેટલું ઝડપથી ચલાવવું પડશે.”
“તને કેવી રીતે ખબર કે તેમની પાસે ખાવાનું નથી ?” ડૉક્ટરે પૂછ્યું.
“કારણ કે પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનમાં છીંકણી સિવાય બીજી કોઈ વાસ આવતી નથી. જો તે માણસે કંઈ રાંધ્યું કે ખાધું હોત તો મને તેની વાસ ચોક્કસ આવત. પણ, તેની પાસે ખાવાની કોઈ જ વસ્તુ નથી. તેની પાસે ફક્ત છીંકણી છે જે તેણે મોટી મોટી ચપટી ભરીને સૂંઘ્યા કરી છે. વળી, એ તો નક્કી છે કે આપણે સાચા રસ્તે છીએ કારણ કે વાસ સતત વધી રહી છે. પણ, જહાજને ઝડપથી ચલાવવું પડશે. મને ખાતરી છે કે માણસ ભૂખથી મરી રહ્યો હશે.”
“ઠીક છે.” ડૉક્ટરે કહ્યું અને ડબ-ડબ સામે જોયું, “વાદળી પાંખવાળા પક્ષીઓને કહે કે ચાંચિયા પાછળ પડ્યા હતા ત્યારે તેમણે જે કર્યું હતું તેવું અત્યારે પણ કરે. વહાણ ખેંચવું પડશે.”
માટે, નાના-જાડા પક્ષીઓ નીચે આવ્યા અને જહાજને ખેંચવા લાગ્યા. પછી, જહાજ મોજા કૂદાવતું, ભયંકર ગતિએ દોડવા લાગ્યું. તે એટલું ઝડપથી દોડી રહ્યું હતું કે રસ્તામાં આવતી માછલીઓ પોતાનો જીવ બચાવવા જહાજના માર્ગમાંથી દૂર કૂદવા લાગી.
બધા પ્રાણીઓ ઉત્તેજિત થઈ ગયા હતા. તેઓ ઘડીક જિપને તો ઘડીક દૂર દરિયાને જોતા હતા. તે સૌ જમીન, ટાપુ કે ભૂખથી મરતા માણસને જોવા આતુર હતા.
કલાક ઉપર કલાક વીતતા ગયા, જહાજ આગળ ને આગળ વધતું ગયું. પણ, હજુ ય સામે દરિયો – ફક્ત દરિયો જ દેખાતો હતો. ક્યાંય જમીન હોય એવો ભાસ પણ થતો ન્હોતો.
હવે તો બધા પ્રાણીઓએ વાતો કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેમના ચહેરા પર ચિંતા અને વેદના હતી. પેલો છોકરો ફરી વાર ઉદાસ થઈ ગયો. જિપ પણ ચિંતાતુર થઈ ગયો હતો.
એમ ને એમ આખી બપોર વીતી. સૂર્ય આથમવાની તૈયારી કરવા લાગ્યો. અચાનક ટૂ-ટૂની જોરદાર ચીસે સૌનું ધ્યાન ખેંચ્યું. ધ્વજસ્તંભની ટોચ પર બેઠેલા ટૂ-ટૂએ કંઈક જોયું હતું. તે મોટા અવાજે કહેવા લાગ્યો, “જિપ, મને સામે ખડક દેખાય છે. દૂર આકાશ અને દરિયાની સપાટી એક થતી લાગે છે ત્યાં જો. આથમતા સૂર્યના સોનેરી પ્રકાશના કારણે ત્યાં સોનાનો પથ્થર હોય એવું લાગે છે. શું વાસ ત્યાંથી જ આવે છે ?”
“હા.” જિપે જવાબ આપ્યો. “ત્યાં જ છે, છોકરાના મામા ત્યાં જ છે.”
જેવા તેઓ ખડકની નજીક ગયા કે તેમને સમજાયું કે ખડક કોઈ વિશાળ ખેતર જેવડો મોટો અને સપાટ છે. તે કાચબાની મોટી ઢાલ જેવો જાડો અને લીસો હતો. જોકે, તેના પર ઝાડ-પાન ઊગેલા ન હતા, ઘાસનું તણખલું પણ નહીં !
ડૉક્ટરે જહાજને ખડકથી થોડે દૂર ઊભું રાખ્યું પરંતુ ખડક પર ક્યાંય માણસ દેખાતો ન હતો. બધા પ્રાણીઓ પોતાની આંખો ફેરવવા લાગ્યા. સૌ કોઈ ખોવાઈ ગયેલા નાવિકને શોધવા પ્રયત્ન કરવા લાગ્યા. જ્હોન ડૂલિટલ તો નીચે જઈ દૂરબીન પણ લઈ આવ્યા. પરંતુ, ખડક પર એક પણ જીવિત વસ્તુ દેખાતી ન હતી. ન તો કોઈ પક્ષી તેના પર વિસામો કરવા બેઠું હતું, ન તો ત્યાં કોઈ સ્ટાર-ફિશ હતી કે ન તો તેના પર ઘાસ ઉગ્યું હતું.
પછી તે સૌ ચીસો પાડવા લાગ્યા, “હેલ્લો, ત્યાં કોઈ છે ? અમે તમારી મદદ કરવા આવ્યા છીએ.” તેમના બેસૂરા-કર્કશ-નાના-મોટા અવાજના પડઘા ઊઠ્યા. જાણે તે ખડક તેમને તે જ પ્રશ્ન પૂછી રહ્યો હોય તેમ વાક્યો પડઘાતા રહ્યા.
હવે તે સૌએ, કોઈ પ્રત્યુત્તર સાંભળવાના હેતુથી પોતાના કાન સરવા કર્યા. પણ, દરિયાના મોજા ખડક અને જહાજની બાજુઓ સાથે અફળાવાથી ઉદ્ભવતા કર્ણપ્રિય અવાજ સિવાય અન્ય કોઈ અવાજ સંભળાતો ન હતો.
છેવટે, નાના છોકરાનો આંસુ આડેનો બંધ તૂટી ગયો, તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો. તેણે કહ્યું, “મને લાગે છે કે હું મારા મામાને ક્યારેય નહીં મળી શકું. જયારે હું ઘરે પાછો જઈશ તો મારા ઘરવાળાને શું જવાબ આપીશ ?”
પણ, જિપે ડૉક્ટરને કહ્યું, “તે માણસ અહીં, આ જ ખડક પર છે. વાસ આગળ ક્યાંય જતી નથી માટે તે અહીં જ હોવો જોઈએ. જહાજને ખડકની વધુ નજીક લો જેથી હું કૂદીને ખડક પર જઈ શકું.”
માટે, ડૉક્ટર જહાજને ખડકથી શક્ય તેટલા નજીક લઈ ગયા અને લંગર ઉતાર્યું. જિપ છલાંગ લગાવી ખડક પર પહોંચી ગયો.
તે જમીન સૂંઘતો આગળ વધવા લાગ્યો ; ઉપર-નીચે, અહીં-તહીં, નજીક-દૂર, આગળ-પાછળ, ગોળ-ગોળ એમ બધી જગ્યાએ ફરવા લાગ્યો. ડૉક્ટર પણ તેની પાછળ દોડી રહ્યા હતા. આમ કરવામાં ડૉક્ટરને હાંફ ચડી ગઈ અને તેમના શ્વાસ ધમણની પેઠે ચાલવા લાગ્યા.
છેવટે, જિપ જોરથી ભસ્યો અને નીચે બેસી ગયો. પાછળ આવતા ડૉક્ટર ત્યાં આવીને અટક્યા. તેમણે જોયું તો કૂતરો એક મોટા, ઊંડા ખાડાને તાકી રહ્યો હતો. તે ખાડો ખડકની વચ્ચે હતો. તે કોઈ અજ્ઞાત ભોંયરાનું મુખ હોય એવું લાગતું હતું.
“છોકરાના મામા અંદર છે.” જિપે કહ્યું. “હવે મને સમજાયુ કે ગરુડોને તે કેમ ન દેખાયા ? ખરેખર આ કામ એક કૂતરાંથી જ થાય તેમ હતું.”
પછી, ડૉક્ટર તે ખાડામાં થઈ પેલા ભોંયરામાં ઊતર્યા. તે કોઈ બોગદાં જેવું હતું અને જમીનની નીચે દૂર સુધી ફેલાયેલું હતું. અંધકારથી છવાયેલા રસ્તા પર આગળ વધવા ડૉક્ટરે દિવાસળી સળગાવી અને જિપને અનુસરતા આગળ વધ્યા. એક દિવાસળી પૂરી થઈ કે તેમણે બીજી દિવાસળી સળગાવી, પછી ત્રીજી, પછી ચોથી, એમ એક પછી એક દિવાસળી સળગાવતા જ ગયા. છેવટે નાનકડા રૂમ જેવી જગ્યા પાસે આવી રસ્તાનો અંત આવ્યો. રૂમની બધી દીવાલો ખડકાળ પથ્થરની બનેલી હતી.
રૂમની મધ્યમાં એક માણસ સૂતો હતો. તેણે પોતાની બાજુઓનું ઓશીકું બનાવી તેના પર માથું ઢાળ્યું હતું. તેના બધા વાળ લાલ રંગના હતા.
જિપ આગળ વધ્યો અને માણસની બાજુમાં પડેલી વસ્તુ સૂંઘવા લાગ્યો. ડૉક્ટરે તે જોયું અને ઝૂકીને તે વસ્તુ ઊંચકી. તે બીજું કંઈ નહીં પણ છીંકણી ભરેલો ડબ્બો હતો, બ્લેક રેપી છીંકણીનો ડબ્બો !
ક્રમશ :