અનામિકા
કહાની એક ડાકણ ની
( 10 )
ગોપાલ અને જયદીપ ની મૃત્યુ પછી અવધ ડાયન પરીક્ષણ વિશે વધુ માહિતી માટે વસંતભાઈ એક પુસ્તક વાંચે છે જેમાં વર્ષો પહેલાં અવધ રાજ્ય નાં સીતાપુર માં બનેલ એક ડાકણ નાં આતંક ની દાસ્તાન હોય છે. શંકરનાથ અઘોરી ની સલાહ થી હમીરસિંહનાં આયોજન ને લીધે રાજેશ્વરી નામની યુવતી પોતાનો જીવ આપી ડાકણથી સીતાપુર ને મુક્ત કરાવવા તૈયાર થાય છે.. વિધિ નાં અંતે ડાકણ તો ચાલી જાય છે પણ રાજેશ્વરી પોતાની ઈચ્છાથી પોતાનો જીવ આપવા નહોતી આવી એ જણાવે છે.રાજેશ્વરી થી સીતાપુર ને બચાવવા શંકરનાથ વિધિ કરે છે.પુસ્તકમાં લખાયું હોય છે ડાકણ પાછી આવશે ત્યારે એનાંથી બચવાનો એક જ ઉપાય હશે ત્રિભુજ દર્પણ વિધિ.હવે વાંચો આગળ..
પુસ્તકમાં લખેલ અવધ ડાકણ પરીક્ષણ વિશેની સંપૂર્ણ હકીકત જાણ્યાં પછી વસંતભાઈ એ believe or not believe પુસ્તક ને બંધ કરી ને પાછું ડેસ્ક પર રાખી દીધું.જેરાર્ડ ક્લિપર દ્વારા રજૂ કરેલી માહિતી પરથી રાજવીર જે યુવતીને લઈને આવ્યો હતો એનાં અને રાજેશ્વરી વચ્ચે નાં સંબંધ નું રહસ્ય ઉજાગર થઈ ગયું હતું. વસંતભાઈ નાં પુસ્તક મુકતાં ની સાથે જ રાજવીર અને લવ એકસાથે બોલી ઉઠયાં.
"ત્રિભુજ દર્પણ વિધિ.."
"હા..ત્રિભુજ દર્પણ વિધિ..આ વિધિ જ આપણને આ ડાકણ બનેલી રાજેશ્વરીથી બચાવી શકશે."વસંતભાઈ એ એ યુવતી ની ડેડબોડી તરફ જોઈને કહ્યું.
"અવધ ડાકણ પરીક્ષણ વિશે વાંચ્યા પછી એટલી તો ખબર પડી ગઈ કે આ યુવતી રાજેશ્વરી જ છે જે આજે પોતાની સાથે થયેલાં કોઈ અન્યાય નો બદલો લેવા પાછી ફરી છે..એ કારણ શું હતું જેનાં લીધે રાજેશ્વરી એ પોતાની જાત ને ડાકણ નાં હવાલે કરી દીધી.."રાજવીર બોલ્યો.
"ગઈ કાલ નાં સમાચાર પત્રક માં હતું કે ચંદ્ર અને ગુરુ અત્યારે એક રેખામાં આવી ગયાં છે અને સાથે રાતો ગ્રહ મંગળ પણ એમની સાથે એજ નક્ષત્રમાં અત્યારે હાજર છે..પુસ્તકમાં કહ્યા મુજબ શંકરનાથે આજ સમયે રાજેશ્વરી પાછી આવશે એ સાચું પડ્યું છે.."લવ નો ચહેરો અત્યારે ભય થી ફિક્કો પડી ગયો હતો.
"હું ત્રિભુજ દર્પણ વિધિ વિશે જાણું છું.."રાજવીર અને લવનાં ચહેરા પર વ્યાપ્ત ડર જોઈ વસંતભાઈ એ કહ્યું.
"શું તમને ખબર છે ત્રિભુજ દર્પણ વિધિ શું છે..?"વસંતભાઈ ની વાત સાંભળી રાજવીરે સવાલ કર્યો.
"હા મેં આ વિધિ વિશે વાંચેલું છે.."વસંતભાઈ મક્કમ અવાજે બોલ્યાં.
"તો પપ્પા આપણે એ વિધિ માટેની તૈયારી શરૂ કરી દઈએ કેમકે આ ડાકણ ક્યારે પોતાની શક્તિ વડે આપણે સૌને મોત ને ઘાટ ઉતારી દેશે એ નક્કી નથી.."કાંપતાં અવાજે લવ બોલ્યો.
"આ ડાકણ ધીરે ધીરે વધુ ને વધુ શક્તિશાળી બની રહી છે..અહીં દરેક વસ્તુ એનાં વશમાં છે..એ પોતે તો કંઈ નથી કરી રહી પણ અત્યાર સુધી મૃતદેહો નો ઉપયોગ કરી બધું પોતાની મરજી મુજબ કરી રહી છે માટે આ સ્ટ્રેચર પર પડેલાં બંને મૃતદેહો ને સ્ટ્રેચર સાથે જ કંઈક વસ્તુ વડે મજબૂતાઈથી બાંધી દેવા પડશે.."જયદીપ અને ગોપાલ ની સ્ટ્રેચર પર પડેલી લાશો તરફ આંગળી કરી વસંતભાઈ બોલ્યાં.
***
વસંતભાઈ ની વાત નો અર્થ સમજી રાજવીર અને લવે વસંતભાઈ સાથે મળીને ગોપાલ અને જયદીપ ની લાશો ને એક મજબુત દોરી વડે કસકસાવીને બાંધી દીધી..હવે આગળ ત્રિભુજ દર્પણ વિધિ માટે શું કરવાનું હતું એ માટે બંને એ વસંતભાઈ તરફ નજર કરી.
"રાજેશ્વરી એ ત્યાં ફાર્મહાઉસમાં ચાર લોકો ની હત્યા કરી છે એ વાતમાં કોઈ શક નથી અને સાથે સાથે ગોપાલ તથા જયદીપ ની હત્યા પણ એનેજ કરાવી એનાં આપણે સાક્ષી છીએ..એ કંઈ હિલચાલ નથી કરતી એનો મતલબ એવો નથી કે એ ઉભી નહીં થાય એને પણ કોઈ ખાસ બંધનમાં કેદ કરવી પડશે કેમકે કોઈપણ સામાન્ય વસ્તુ એને રોકી નહીં શકે.."વસંતભાઈ નો અવાજ ઘણો ગંભીર માલુમ પડતો હતો.
"પપ્પા એ માટે શું કરીશું..?"લવે વસંતભાઈ તરફ જોઈને પૂછ્યું.
"લવ,આ રાજેશ્વરી કોઈ સામાન્ય શક્તિ ધરાવતી ડાકણ નથી પણ એક માસુમ નિર્દોષ યુવતીમાંથી હવે નિર્માણ પામેલી ખૂંખાર ડાકણ છે..એને ફક્ત ઈશ્વરીય શક્તિ જ રોકી શકશે..તું કેબિનમાંથી મીણબત્તીઓ અને ભગવત ગીતા લેતો આવ.."લવ ને ઉદ્દેશીને વસંતભાઈ એ કહ્યું.
વસંતભાઈ ની વાત સાંભળી લવ દોડીને કેબિનમાં ગયો અને ત્યાંથી ચાર મીણબત્તીઓનું એક પેકેટ અને ભગવત ગીતા લઈને રાજવીર અને વસંતભાઈ જોડે આવીને ઉભો રહ્યો અને એ બધી વસ્તુઓ વસંતભાઈ નાં હાથમાં મુકીને બોલ્યો.
"હવે પપ્પા જલ્દી બોલો આગળ શું કરવાનું છે..રખેને ક્યાંક આ ડાકણ ઉભી થઈ ગઈ તો આપણે જીવતાં નહીં બચીએ..
"લવ તું અને રણવીર મળીને રાજેશ્વરીનાં મૃતદેહ ને સ્ટ્રેચર પરથી ઉતારીને નીચે ફ્લોર પર રાખી દો.."વસંતભાઈ એ કહ્યું.
એમનાં કહ્યા મુજબ લવ અને રાજવીરે સ્ટ્રેચર પર પડેલ રાજેશ્વરીનાં મૃતદેહ ને નીચે તળિયે ફ્લોર પર રાખી દીધો.
વસંતભાઈ એ ત્યારબાદ રાજેશ્વરીનાં મૃતદેહ ની આજુબાજુ ચાર મીણબત્તી ગોઠવી દીધી અને પછી એને માચીસ વડે સળગાવી..ત્યારબાદ ભગવત ગીતા માંથી અમુક શ્લોકો નું ઉચ્ચારણ કરવાનું શરૂ કરી દીધું.વસંતભાઈ નાં મંત્રોચ્ચાર ની સાથે જ રાજેશ્વરી ની આંખો ખુલી ગઈ..એ ઉભી થવા માટે પ્રયત્ન કરવા લાગી પણ કોઈ અજાણી શક્તિ એને ઉભી થતાં રોકી રહી હતી..એની કોશિશ વ્યર્થ જતાં એ જોરજોરથી ચિલ્લાવા લાગી..એની ચીસો ની તીવ્રતા એટલી વધુ હતી કે એનાંથી ત્યાં રાખેલી કાચની ઘણી વસ્તુઓ ધડાકા સાથે તૂટી ગઈ.
લવ અને રાજવીર આજુબાજુ બની રહેલી વિચિત્ર ઘટનાઓથી ડરી જરૂર ગયાં હતાં..પણ અમુક હદ પછી દરેક વસ્તુ સામાન્ય લાગવા લાગે એમજ અત્યાર સુધી ત્યાં ઘટિત એક પછી એક ઘટનાઓની હારમાળા પછી રાજવીર અને લવ અત્યારે થોડાં પોતાની જાતને સંભાળવા સક્ષમ હતાં.આ દરમિયાન વસંતભાઈનાં મંત્રોચ્ચાર ઉંચા અવાજે ચાલુ જ હતાં..અચાનક રાજેશ્વરી શાંત થઈ ગઈ અને પાછી એને એની આંખો પુનઃ બંધ કરી લીધી.
વસંતભાઈ એ રાજેશ્વરી ની ચીસો બંધ થતાં ની સાથે પોતાનાં મંત્રોચ્ચાર પણ બંધ કરી દીધાં.. રાજેશ્વરી થોડો સમય સુધી હવે શાંત રહેવાની હતી એ વાત થી આશ્વસ્થ વસંતભાઈ એ ભગવતગીતા ને ટેબલ પર રાખી દીધી.
રાજવીરે પણ પોતે વસંતભાઈની તરફ માનપૂર્વક જોઈને એમને ઈશારાથી જ સલામ કરી.ખરેખર જુદાં જુદાં પુસ્તકો વાંચવાની એમની આદતે અત્યારે એ બધાં ને જીવવા માટેનો બીજો ચાન્સ આપ્યો હતો એવું રાજવીર ને લાગતું હતું..આમ પણ વાંચવું ક્યારેય વ્યર્થ નથી જતું.!!
***
"રાજેશ્વરી હવે સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હોય એવું લાગે છે તો શું હવે ત્રિભુજ દર્પણ વિધિ ની શરૂવાત કરી શકીએ..?"રાજવીરે વસંતભાઈ ને પૂછ્યું.
"હા ચોક્કસ..પણ એ માટે અમુક વસ્તુઓ એકઠી કરવી પડશે.."વસંતભાઈ એ રાજવીર ની વાત સાંભળી કહ્યું.
"સૌપ્રથમ તો આપણે ત્રણ દર્પણ ની વ્યવસ્થા કરવી પડશે..કેમકે જેમ વિધિમાં કહ્યું છે એમ ત્રણ દર્પણ જ આપણી વિધિ નો મુખ્ય હિસ્સો છે.."વસંતભાઈ દરેક શબ્દ પર ભાર આપતાં બોલ્યાં.
"પણ પપ્પા લેબમાં ત્રણ દર્પણ તો નથી..કેબિનમાં ખાલી એક મિરર છે જે હું હમણાં કપડાં પર નું લખાણ વાંચવા લાવ્યો હતો."લવ બોલ્યો.
"લવ એક અન્ય મિરર પણ વોશરૂમ માં છે એને પણ ત્યાંથી ગમે તે કરી કાઢતો આવ..પણ ત્રીજું મિરર.."વસંતભાઈ આટલું બોલી અટકી ગયાં.
"યાદ આવ્યું..એક મિરર લિફ્ટમાં પણ છે..આપણે જ્યારે ઉપર આવ્યાં હતાં ત્યારે મેં જોયું હતું..'રાજવીર કંઈક યાદ આવ્યું હોય એમ બોલ્યો.
"હા રાજવીર ખૂબ સરસ..ત્યાં પણ એક મિરર છે.."વસંતભાઈ એ કહ્યું.
"લવ ચાલ આપણે સાથે જ જઈને ત્રણેય મિરર લેતાં આવીએ.."લવ ને ઉદ્દેશીને રાજવીરે કહ્યું.
ત્યારબાદ રાજવીર અને લવ પહેલાં એક મિરર વોશરૂમમાંથી અને એક મિરર લિફ્ટમાંથી ગમે તે કરીને લેતાં આવ્યાં.ત્રણેય મિરર લાવીને એમને રાજેશ્વરી ની ફરતે ગોઠવી દીધાં.
"Very good.. લવ હવે એક એવી વસ્તુની જરૂર છે જે પાવડર સ્વરૂપે હોય અને એનો રંગ શ્વેત હોય..નીચે જવાતું હોત તો નમક કામ આવત પણ અત્યારે નીચે જવાનો કોઈ રસ્તો નથી માટે લેબમાંથી જ કોઈ શ્વેત વસ્તુ પાવડર સ્વરૂપે શોધવી પડશે.."વસંતભાઈ એ લવ તરફ જોઈને કહ્યું.
વસંતભાઈ ની વાત સાંભળી લવ ઉભો થઈને લેબમાં વપરાતાં કેમિકલ જ્યાં રાખવામાં આવતાં એ લાકડાનાં સ્ટેન્ડ જોડે જઈને ઉભો રહ્યો..ત્યાં અલગ અલગ બોટલ અને ડબ્બામાં જુદા જુદા ડ્રાય અને પ્રવાહી સ્વરૂપ કેમિકલ હતાં.. લવ એક પછી એક કેમિકલ તરફ પોતાની નજર ફેરવવા લાગ્યો.
"કેલ્શિયમ કાર્બોનેટ..હા ચુનો.."લવ મનોમન આટલું બોલી એક ડબ્બો લઈને વસંતભાઈ ની તરફ આગળ વધ્યો.
"પપ્પા..આ રહ્યો શ્વેત પદાર્થ..ચુનો.."લવે હરખાતાં કહ્યું.
"Good.."વસંતભાઈ એ ડબ્બો હાથમાં લેતાં કહ્યું.
વસંતભાઈ એ ત્યારબાદ એ ડબ્બામાંથી ચુનો લઈને રાજેશ્વરીનાં મૃતદેહની ફરતે એક મોટું વર્તુળ બનાવ્યું..ત્યારબાદ એક ચપ્પુ લઈને પોતાનાં જમણાં હાથનાં અંગૂઠામાં એક કટ કરી એમાંથી નીકળતા લોહી વડે વર્તુળ ની અંદર એક રેખા બનાવી..રાજવીર અને લવ એકીટશે વસંતભાઈ જે કંઈપણ કરી રહ્યાં હતાં એ જોઈ રહ્યાં હતાં.
"લવ અહીં આવ.."વસંતભાઈ એ લવ ની તરફ જોઈને કહ્યું.
વસંતભાઈ ની વાત સાંભળી લવ એમની તરફ ગયો..વસંતભાઈ નાં કહેવાથી એને પણ પોતાનાં અંગૂઠા માં એક કટ કરી એમાંથી નીકળતાં રક્ત વડે વસંતભાઈ નાં કહ્યા મુજબની એક રેખા વર્તુળની અંદર બનાવી દીધી..અને આવું જ એમને રાજવીર નાં એક અંગૂઠા પર કટ મારીને કર્યું.
વસંતભાઈ,લવ અને રાજવીરનાં રક્તમાંથી બનેલી રેખાનો એક છેડો વર્તુળનાં એક બિંદુ ને જ્યારે બીજો છેડો બીજી રેખાને સ્પર્શતો..આ રીતે વર્તુળની અંદર એક ત્રિકોણ ની રચના થઈ ગઈ હતી.
વસંતભાઈ એ મિરર ઉઠાવીને એક પછી એક ત્રિકોણ નાં ત્રણેય શીરોબિંદુ પર રાખી દીધાં..આ ત્રિકોણ ને એવી રીતે ગોઠવ્યા હતાં કે જેનાથી રાજેશ્વરીનાં મૃતદેહ નું પ્રતિબિંબ એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું...આ વિધિ ને ત્રિભુજ દર્પણ વિધિ કેમ કહેવાતી હતી એ રાજવીર અને લવ સમજી ચૂક્યાં હતાં.
"ત્રિભુજ દર્પણ વિધિ માટે ની જરૂરી તૈયારી તો થઈ ગઈ છે પણ આ વિધિ ઘણી જ અઘરી છે..આ એક જટિલ વિધિ છે જેનાં નિષ્ફળ જવા પર એને કરનારાં લોકો ની જીંદગી નું પણ પારાવાર જોખમ રહેલું છે..માટે એની અમુક શરતો છે જેને સમજવી જરૂરી છે.."વસંતભાઈ લવ અને રાજવીર તરફ જોઈ બોલી રહ્યાં હતાં.
"હા તો એ માટેની શરતો જણાવો જેથી અમે ભૂલથી પણ એવી કોઈ ચૂક ના કરીએ જેથી તમારી જીંદગીનું જોખમ ઉભું થાય.."રાજવીર બોલ્યો.
"ઈન્સ્પેકટર આ વિધિ મારાં એકલાં દ્વારા શક્ય નથી..જે લોકો નાં રક્ત વડે આ ત્રિભુજ બન્યો છે એ ત્રણેય લોકોને આમાં સામેલ કરવા પડે એ આ વિધિ ની મુખ્ય શરત છે..બીજી શરત એ છે કે આ વિધિ કોઈપણ કારણમાં અડધી મૂકી ના શકાય..જો એવું થશે તો આ ડાકણ ની આત્મા આપણાં ઉપર હુમલો કરી દેશે..માટે ચાલુ વિધિ એ આ ડાકણ પોતાની શક્તિ વડે કંઈપણ કરે છતાં તમારાં બંનેમાંથી કોઈએ પોતાની જગ્યા મુકવાની નથી..તમે બંને તૈયાર છો ને.."વસંતભાઈ એ રાજવીર ની વાત નો જવાબ આપતાં કહ્યું.
"હા અમે બંને તૈયાર છીએ.."રાજવીર અને લવે પરસ્પર એકબીજાની તરફ જોઈને એકસાથે કહ્યું.
"સારું તો આ ત્રિકોણ બન્યો છે એનાં શિરોબિંદુ ની નજીક અને મિરરની બિલકુલ પાછળ બેસી જાઓ.."વસંતભાઈ એ કહ્યું.
વસંતભાઈ ની વાત સાંભળી લવ અને રાજવીર મિરર ની બિલકુલ પાછળ ની તરફ ગોઠવાઈ ગયાં.એ બંને નાં બેસતાં ની સાથે વસંતભાઈ એ પણ એમની જેમજ મિરર પાછળ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને વિધિ નો પ્રારંભ કર્યો...!!!
વધુ આવતાં ભાગમાં...
શું તો રાજેશ્વરી જ અનામિકા હતી..? રાજેશ્વરી જો પોતાની મરજીથી ત્યાં વિધિ માં નહોતી આવી તો એને ત્યાં આવવા મજબુર કોને કરી..? ત્યાં બચેલાં લોકો અનામિકા નાં પ્રકોપમાંથી બચી શકશે કે નહીં..? ત્રિભુજ દર્પણ વિધિ સફળ થશે..? આ બધાં સવાલોના જવાબ માટે વાંચતા રહો અનામિકા:કહાની એક ડાકણ ની નો નવો ભાગ આવતાં સપ્તાહે.
આ સિવાય તમે માતૃભારતી પર વાંચી શકો છો..મારી અન્ય નોવેલ
દિલ કબૂતર
રૂહ સાથે ઈશ્ક
ડણક: The Story Of Revenge.
-દિશા. આર. પટેલ