"જીવીડોશી નો ડંગોરો"
" ડોહી માં... આ તમારો ડંગોરો હવે મુકો.."
"મારા રોયા... તને મારો ડંગોરો હું લેવા નડે સે.."
"માડી મને નહિ નડતો આતો એના વજનથી તમે આખા નમી પડ્યા એટલે કીધું..બાકી મારે હું પડી"
"તે ઉંમર થાય તો નમીએ તો ખરા ને...અને ઇ તને ન ખબર પડે આ'તો અમાર મરણમૂડી સે.."
ગામના છોકરાઓ જીવીડોશી સાથે રમત કરતા રહેતા ને જીવીડોશીની ડાંગ વિશે મસ્તી કરતાં રહેતાં. જીવી ડોશી ઉંમરના લીધે ખૂંધ નીકળી ગયેલી પણ એ ગામમાં જ્યારે નીકળે ત્યારે તેની સાથે એક મોટી,જાડી, મુઠ વાળી ડાંગ લઈને નીકળે. જીવી ડોશી અને તેના ઘરવાળા રૂડાબાપા એ એની જુવાનીમાં ગામમાં લોકોની ખૂબ મદદ કરેલી. જીવી અને રૂડાને ઘેર ઈશ્વરની દયાથી પહેલો જ દીકરો રવજી અવતરેલો. જીવી અને રૂડા એ એમની આજીવિકા ના આધારે પહેલાથી જ "નાનું કુટુંબ સુખી કુટુંબ" સૂત્ર અપનાવી કુટુંબ નિયોજન નું નક્કી કરેલું.
જીવી અને રૂડા બંને અભણ હતાં પણ ભણેલા ને એ ગોથાં ખવડાવી દે તેવા હતાં. જીવીએ એમના મરણ પથારીએ પડેલ સસરા રામબાપાની ખુબજ સેવા કરેલી. રામબાપા સેવાના બદલામાં આ ડાંગ જીવીને આપતાં ગયા અને સાથે કહેતા ગયાં,"આ ડાંગ તે મરણમૂડી સે..વિકટ સમયે આનો ઉપયોગ કરવો..મને ખબર નથી પણ મારાયે બાપા કહી ગ્યા સ, આ ડાંગ દાદા પરદાદાઓને રાજાની સેવાના બદલામાં ઇનામમાં મળેલ તે આજ સુધી મેં સાચવેલ હવે આ તને સોંપું સુ સૂઝબૂઝ પરમાણે વાપરજો".
તે દા'ડા થી આ ડાંગ જીવી પાસે જ રહેતી શરૂઆતમાં મજૂરી કામે જાય ત્યારે ટેકા સ્વરુપે, કા તો ગાય, ભેંસ ને હંકારવા જેવા કામમાં વાપરતી અને ઉંમર થયા બાદ ચાલવામાં ટેકામાં વપરાવા લાગી.
જીવી અને રૂડાંનું લગ્નજીવન તેમજ સંસાર સુમેળ ભરેલો પણ સંઘર્ષમય પસાર થયેલ બંને એ સાથે મળી એક સપનું જોયેલું કે દીકરાને ભણાવી મોટો ઓફિસર બનાવવો. અને એના માટે બંને એટલી કાળી મજૂરી કરી પૈસા ભેગા કરેલા. રવજીને ભણવા પ્રત્યે રુચિ હોવાથી જીવી અને રૂડાં એ રવજીને ભણાવવા જે બને એ બધું જ કરી છૂટવા તૈયાર હતાં. એકવાર રવજીના ભણતર માટે પૈસાની જરૂરિયાત ઉભી થયેલી ત્યારે જીવી ડાંગ ને વેચવા નીકળેલી ઘણા લાલચુ વેપારીઓ એ ડાંગનું નજીવું મૂલ્ય આપી હડપવા માંગતા હતા પણ જીવીને બાપા ના શબ્દો યાદ હતાં તે મનોમન તારણ કાઢેલું, "મરણમૂડીનું મૂલ્ય કઈ નજીવું ન હોય!!! આ કોઈ જૂની વસ્તુના જાણકાર પાસે જ સાચું મૂલ્ય મળશે". પછી એ શહેરમાં પ્રાચીન વસ્તુઓ ની દુકાને ગઈ અને ડાંગ બતાવી. ત્યારે વેપારીએ પૂછ્યું, " બેન તમે કહો છો આ મરણમૂડી છે એ વાત સાચી છે. જો તમે બીજી કોઈ રીતે પૈસા મેળવી શકતાં હો તો મેળવી લો આ અત્યારે વેંચાય નહીં. તમારે જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આ મારી પાસે લેતાં આવજો હું આ ડાંગનું વધુમાં વધુ મૂલ્ય અપાવીશ"
જીવીને હવે વિશ્વાસ બેસી ગયો હતો અને કોઠા સૂઝના આધારે એવા નિર્ણય પર આવી કે આ ડાંગ હમણાં વહેંચવી નહીં. ત્યારબાદ જીવીએ રવજીના ભણતર માટે તેને કરિયાવરમાં મળેલ સોનુ ગીરવે મૂકી પૈસા ઉપડયા હતાં.
રવજી એ ઉચ્ચ અભ્યાસ પૂરો કરી સરકારી ઓફીસર તો ન બન્યો પણ ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નિમણુંક મેળવેલી અને વધુમાં શહેરની જ છોકરીના પ્રેમમાં પડી લગ્ન કરી લીધાં. જેનો આઘાત રૂડાબાપા જીરવી ન શકતાં સંસાર સાગરમાં અધવચ્ચે જીવીને એકલી મૂકી અનંતની વાટે નીકળી પડ્યા.
ત્યારબાદ જીવી એકલી ગામડે રહેતી અને ભેગી કરેલ મૂડી માંથી પેટયું રળતી. રવજી લગ્ન બાદ શહેરના જીવનમાં એટલો વ્યસ્ત રહેવા લાગ્યો કે પૈસા કમાવા અભણ માં ને ભૂલી જ ગયો હતો. જીવીએ ગામમાં લોકો ની મદદ કરવા કયારેય પાછું વળી જોયેલ ન હોય, તેના ઘડપણમાં ગામમાં બધા છોકરાઓ રવજીની ખોટ ન પડવા દેતાં.
એક વખત જીવી ડોશી ને હળવો તાવ આવ્યો. ગામના દાક્તર પાસે જઈ તે તાવની દવા લીધી પણ તેનાથી તાવમાં કઈ ફરક પડ્યો નહીં. ધીમે ધીમે તાવ વધતો ગયો દાક્તર ને મોટી બીમારીના અણસાર દેખાયા એટલે ગામના લોકોએ રવજીને તેડાવ્યો. રવજી એના વ્યસ્ત સમયપત્રક માંથી સમય કાઢી જીવીને મળવા આવ્યો. ગામમાં શુટ બુટ માં ચાર પૈડા વાળી ચળકતી ગાડી લઇ જીવીદોશીનો રવજી આવ્યો એ વાત નાનકડા ગામમાં તરત જ ફેલાઈ ગઈ રવજીને જોવા આખું ગામ ઉમટયું.
રવજી ગામમાં ઊતરતાં જ સીધો દાક્તર ને મળવા ગયો. દાક્તર એ જીવીડોશીના શરીર ઇન્ફેકશન વધી ગયું છે અને એના માટે શહેરમાં સારવાર કરવા લઈ જવાની સલાહ આપી. એના જવાબમાં રવજીએ એમની પાસે સમય ન હોય ગામમાં સારવાર કરવી એવું જણાવી રૂપિયા નું એક બંડલ દાક્તરને આપે છે. દાક્તર જવાબમાં," મી.રવજી જીવી બેન મારા અને ગામના દરેક છોકરાંઓ ના 'માં' સમાન છે. અમે ધારીએ તો તમારી સહાય વગર જ તેની સારવાર શહેરમાં કરાવી શકીએ છીએ પણ જીવીમાં ની તમને મળવાની ઈચ્છા હોય તમને તેડાવ્યા હતા."
દાક્તરની વાત સાંભળી રવજી મોઢું મચકોડી ઉભો થઇ જાય છે, અને જીવીડોશી ને મળવા ઘરે જાય છે. જીવીડોશી ને એક નો એક દીકરો વર્ષો પછી મળવા આવતાં એની વર્ષોથી સુકાઈ ગયેલી આંખોમાં હર્ષાશ્રુ છલકે છે. ઉભા થવાની શક્તિ ન હોવા છતાં પેલી ડાંગના સથવારે મહા પ્રયત્ને ઉભા થાય છે. તેના ધ્રુજતાં હાથે રવજીના ચહેરાને સ્પર્શે છે. કેટલાય વર્ષોથી 'માં' ના હૈયામાં વસેલ વાત્સલ્ય નું ઘોડાપુર રવજી પર વર્ષે છે. રવજી અણગમા સાથે જીવીડોશીનો ચહેરાને માથા પર સ્પર્શતો હાથ પકડે છે. ત્યારે જીવીડોશી ના બીજા હાથમાં રહેલ ડાંગ હાથમાંથી છૂટી રવજીના પગ પર પડે છે. વજનદાર ડાંગ પગ પર પડતાં રવજી ગુસ્સામાં ડાંગને લાત મારી , "ઓય.... રે...બા... આ ડંગોરો શુ સાચવ્યો છે... જો બા મને તેડાવ્યો એટલે તને મળવા આવી ગયો, મારે બહુ કામ હોય છે વારે વારે મળવા નહીં આવી શકું. મામુલી તાવ માં શુ બોલાવ્યો?..કંઈ ગંભીર બીમારી હોત તો....." આટલું બોલી રવજી અટકી જાય છે.
જીવીડોશી જવાબ આપતાં, " તું જેને ડંગોરો કહે સે એને તો વર્ષોથી આપણાં કુટુંબ ને ટેકો આપ્યો સે. જ્યારે તે તો મારું દૂધ લજાવ્યું. તે તો તારા હગા માં-બાપ ને જ ટેકો ન આપ્યો. તને જોઈને મારા હૈયામાં અનેરો આનંદ વ્યાપેલો જે તારા અધૂરાં વાકયે જ તોડી નાખ્યો. જા તું તારે તારી દુનિયામાં અને તારા કામ પાહે મારે માટે તું મરી ગ્યો સ."
રવજી પાછા પગલે મારતી ગાડીએ જતો રહે છે. ઢીલા પડેલા જીવીડોશી ખાટલામાં પડે છે. દાક્તરને ખબર પડતાં એ દોડતાં જીવીડોશી પાસે આવે છે. જીવીદોશીને ખૂબ જ આઘાત લાગ્યો હોય છે. રૂડાંબાપ બાદ જીવીડોશી પણ દીકરાની વર્તણૂકના આઘાતે મરણ પથારી એ પડયા હતાં. જીવીડોશી તેના અંતિમ શ્વાસે દાક્તરને બોલાવી," દિકરા... તું બધાની સેવા કહું સારી કરે સે હવે હું ઝાઝું નહિ ઝીવું એટલે તને એક કામ સોંપતી ઝાવ સુ. આ ડંગોરો તું લઈ લે અને શહેરમાં પ્રાચીન વસ્તુઓ લે વેચની દુકાન છે ત્યાં આ આપજે આનું જે મૂલ્ય ઉપજે તેમાંથી મારા જેવા નિરાધાર માટે એક આશ્રમ અને દવાખાનું ખોલજે આ અમારા બાપ દાદાઓની પ્રસાદી સે જે મરણમૂડી તરીકે બધા સાચવતા આવ્યા સે, મારા દીકરા ને હોવી આની ઝરૂર નથી. અને મારા મરવાની જાણ પણ મારા દીકરા ને ન કરતાં." જીવીડોશી એનો શ્વાસ છોડી દે છે.
દાક્તરસાહેબ જીવીડોશી ના ક્હયા પ્રમાણે ડાંગને લઈ લે છે અને નીરખી જોવે છે. પ્રાચીન મુઠ અને મુઠ પરની નકશીકામથી થોડો પ્રભાવિત થાય છે. અને ત્યારબાદ એ પ્રાચીન લે વહેંચ ની દુકાને જઇ પહોંચે છે. પેલો દુકાન વાળો આ ડાંગ જોઈ જીવીડોશી વિશે પૂછપરછ કરે છે. દાક્તર સાહેબ બધી વાત કરે છે. ત્યારબાદ દુકાનદાર દાક્તર સાહેબને," ધન્ય છે જીવીડોશી ને જતાં જતાં પણ પરોપકાર નું કામ કરતાં ગયાં. આ ડાંગ આખી સોનાની છે. અને તેના પર લાકડાનું પડ ચડાવેલ છે. આ ડાંગની મુઠમાં જે નકશીકામ છે એ સમ્રાટ અશોકરાજા ના સમય નું છે. રાજા મહારાજા જ્યારે તેના દરબારીઓથી ખુશ થતાં ત્યારે સોનાં, ચાંદી, રૂપા ની વસ્તુઓ ઇનામમાં આપતાં. એવી જ રીતે જીવીડોશીના પૂર્વજોને આ ડાંગ ઈનામમાં મળેલી જે તેઓ તેમના વારસદારોને તેના સારા ભવિષ્ય માટે વારસામાં આપતાં ગયેલા. આ એક ડાંગની કિંમત અત્યારે કરોડોમાં છે.
દાક્તર સાહેબ અને દુકાનદાર જીવીડોશી ના ડંગોરાને નિરખતાં રહે છે.