મનસ્વી - ૩
વેલ વિશર વુમન સહિયારી નવલકથા
એક્ટીવાને એક બેકરી પાસે પાકૅ કરીને મનસ્વી અંદર ગઈ. મનમાં આવી અને દેખાઈ એવી કેટલીય વસ્તુઓ એણે ખરીદી લીધી. પૈસા ચૂકવી, બહાર આવીને એક્ટીવા સ્ટાટૅ કર્યું. સાંજનો સમય હતો. ટ્રાફિક વધારે હતો. રેડ સિગ્નલ પાસે એક્ટીવા રોકીને એ વિચારવા લાગી, "આજે ચોક્કસ સ્તુતિને એનું ફેવરિટ ડીનર કરાવતાં પ્રેમથી વિશ્વાસમાં લઇને ચર્ચા કરી જ લઇશ. સ્તુતિથી વધારે મારે આ દુનિયામાં કાંઇ જ નથી એના મનને જાણીને પછી જ આગળ વધીશ." સિગ્નલ બદલાયું અને મનસ્વી આગળ વધી. કોઈ કારણથી રોડ બ્લોક હતો તેથી એક્ટીવાને ટનૅ મારી બીજા લાંબા રસ્તા પર નીકળી. આજે સ્તુતિ પાસે પહોંચવાની અદમ્ય આતુરતા હતી અને વિલંબ થતો હતો. ભાઈને ઘેરથી સ્તુતિને લઇ જલ્દીથી ઘરે જવું હતું. ભાઈના ઘર પાસે એક્ટીવા પાર્ક કરી લગભગ દોડતી એ અંદર પહોંચી. ઘરમાં જઈને એણે જોયું કે સ્તુતિનું મોં થોડું ઉતરેલું લાગતું હતું. સોફા પર પડી પડી ટીવી ચેનલો ફેરવતી હતી ને આંખોમાં દર્દ હતું. એક ચિંતાની લકીર મનસ્વીના ચહેરા પર ફરી વળી. સ્તુતિની બાજુમાં બેસી માથા પર હેતથી હાથ ફેરવતાં એ બોલી,, "સોરી દિકુ, ટ્રાફીકને લઇ લેટ થઈ ગયું. પણ તું કેમ ઉદાસ દેખાય છે?"
" નો મમ્મા ! ચિંતાની કોઇ વાત નથી પણ કેમ જાણે આજે જરા પેટમાં દુ:ખે છે ને વોમિટ જેવું ફીલ થાય છે" સ્તુતિ બોલી.
" ઓહ! ચાલ તો પહેલાં ડોક્ટર પાસે જતા આવીએ તારી હેલ્થ બાબતે હવે હું જરા પણ બેદરકાર રહેવા નથી માગતી."
ત્યાં જ મેઘનાભાભી કિચનમાંથી ટ્રેમાં પાણીનો ગ્લાસ લઇને હસતાં હસતાં આવ્યા. "અરે! નણંદબા, એટલી ચિંતા ન કરો. બાળક છે, બીમારી પછી થોડું ખાવાનું શરૂ કર્યું છે તો એકાદ વાર આવું બને, ચિંતાની વાત નથી. મેં ઓલરેડી એને આદુ લીંબુનું શરબત પીવડાવી દીધું છે. હમણાં ઠીક થઇ જશે. લો, પાણી પીઓ ને શાંતિથી બેસો."
" હા મમ્મા, મામી સાચું કહે છે તું ખોટી ચિંતા કરે છે, હું ઠીક જ છું, ઘરે જઇને ગયે વખતે ડોક્ટર અંકલે જે દવા આપી હતી એ લઈશ એટલે ઠીક થઇ જઈશ, સવારે સ્કુલ પણ જવાનું છે, પેપરના રીવિઝન કરાવવાના છે તો જવું જ પડશે, વળી હમણા બેડમિંટન રમવા પણ જવાતું નથી, તો એ પણ થોડું સારું થાય એટલે જઇશ.” સ્તુતિ એક સાથે બોલી ગઇ.
બેડમિંટન સ્તુતિની ફેવરિટ ગેમ હતી. "ઓહ! ઠીક છે, બટ આર યુ શ્યોર કે તું ઓ.કે છે?" મનસ્વી ચિંતાથી બોલી ઉઠી.
"અરે! હા બાબા હા, હવે જલ્દી ઘરે ચાલ તો જલ્દી મેડિસીન લઇશ તો જલ્દી સારી થઇ જઇશ, અને હા મમ્મા આજે હું કશું ખાઈશ નહીં એટલે સવાર સુધીમાં તો ફાઇન". સ્તુતિનું મનોબળ સાચે જ મજબૂત હતું.
મનસ્વી ઘરે જવા ઊભી થઈ. ત્યાં મેઘનાભાભી બોલ્યા, " અરે નણંદબા ! ચા- કોફી તો પીઓ, પછી જાવ આરામથી."
" નહીં ભાભી એક ફ્રેંડ સાથે હમણાં જ કોફી પીને આવી ફરી ક્યારેક વાત. "
મેઘનાભાભી આંખ મિચકારીને બોલ્યાં "કોઇ ખાસ દોસ્ત નણંદબા?"
"અરે ના ભાભી, કોલેજટાઇમની ફ્રેન્ડ છે, તેને તમે હજુ મળ્યા નથી, લંડન હતી હવે અહીં શીફ્ટ થઇ છે, સમયના અભાવે બહાર શૉર્ટ. પિરિયડમાં મળી લઇએ છીએ, કોફી કે સેંડવિચ સાથે વાતો કરી લઇએ છીએ, તમે વિચારો છો એવું કશું નથી, જ્યારે હશે ત્યારે તમને જ કહીશ તમે પણ ક્યાં પારકાં છો?"
ભાભીને બાય કરી મનસ્વી સ્તુતિને સંભાળીને એક્ટીવા પર બેસાડી ઘેર આવી ને બેડ પર સૂવાડી ડ્રોઅરમાંથી દવા કાઢીને, પાણી તથા એપલની થોડી સ્લાઇસો લઈ એની પાસે ગઈ. સ્તુતિ આંખ મીંચીને સૂતી હતી. બાજુમાં બેસી હેતાળવો હાથ પસવારતી વિચારવા લાગી કે આજે તો હવે સ્તુતિ સાથે વાત કરવાનું શક્ય નહીં બને, ખેર આટલા દિવસ ગયા તો એક દિવસ વધારે સમજી વિચાર ખંખેરી નાખ્યો.સાંજના દિવાબત્તીનો સમય થયો હોવાથી ભગવાન પાસે દીવો કરી હાથ જોડી ભગવાનને પ્રાથૅના કરી, " હે ઈશ્વર કાલનો દિવસ મારા જીવનનો નિર્ણાયક દિવસ બની રહે તે માટે સહાય કરજે અને સ્તુતિ મારી વાત સમજે એટલી કૃપા કરજે ", આંખમાં ધસી આવેલા આંસુને દુપટ્ટાથી લૂછી ને સ્તુતિ પાસે આવી. હળવેથી થપકી મારીને સ્તુતિને ઉઠાડીને હેતથી, "એક હજુ પ્લીઝ એક" કરી પાંચ- સાત એપલ સ્લાઇસ ખવડાવીને પાણી પીવડાવ્યું. સ્તુતિ પાછી સૂઇ ગઈ. મનસ્વીને પણ આજ કશું બનાવવાની ઇચ્છા ન થઇ. ફ્રિજમાથી બ્રેડની સ્લાઇસ લઇ બટર લગાડી થોડા દૂધ સાથે ખાઈ, બારણાને લોક કરી, નાઈટી પહેરી બેડ પર પડી. પણ આજે એની આંખોમાં ઉંઘ તો યોજનો દૂર હતી, મનમાં ફરી વિચારોનું તુમુલ યુધ્ધ ચાલતું હતું. આંખો સમક્ષ વીતેલા વષોઁની બ્લેક એન્ડ વ્હાઇટ રીલ ફરવા લાગી.
અંકુશ સાથેનો અંધ પ્રેમ, લગ્ન, બેવફાઇ, યાતનામય રાતો અને શરીર ને મન પર પડેલા ઘા, શરીરના ઘા તો રૂઝાયા પણ મન પર લાગેલા ઘા કેમ કરી ભરવા? એક ખોટા પાત્ર સાથેના જોડાણથી જીવનનૌકા બરબાદીનાવહેણમાં ખેંચાઈ ગઈ હતી. માંડ એને ફરી સ્થિર કરી હતી. પણ હવે હું એવું નહીં થવા દઉં. સ્તુતિનું જીવન તો હું ખરાબ નહીં જ થવા દઉં. એક જુઠા માણસના પ્રેમમાં એણે કેટકેટલા પ્રેમને ઠોકરો મારી હતી? બોદા પાત્રને સો ટચનું માનીને આંધળીયાં કર્યાં. એનો અંજામ કેવો આવ્યો? અચાનક સ્મૃતિપટલે એક નામનો ઝબકાર થયો, સંદીપ. સંદીપનો ચહેરો જાણે સવાલ કરતો દેખાયો,
"કેમ મની... મારા પ્રેમમાં શું ખોટ લાગી? હું તો સમજણો થયો ત્યારથી ફક્ત તને જ પ્રેમ કરતો રહ્યો અને માનતો રહ્યો કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે, પણ ક્યારેય એનો એકરાર તારી પાસે ન કર્યો. ડોક્ટર બનીને પછી જ સ્વમાનભેર તારો હાથ માગવો એવો મારો નિર્ણય હતો પણ અંકુશ એક આંધી બનીને આવી ચડ્યો અને મારી મનીને ઉઠાવી ગયો. આ વાત સાંભળી પછી ક્યારેય તને મળવાની કે જોવાની હિંમત જ ના કરી શક્યો હું. જરૂર મારા પ્રેમમાં જ કંઈ ખોટ હશે કે તેં મારે બદલે બીજો જીવનસાથી પસંદ કયોઁ. એવું કેમ, કેમ મની..? "
મનસ્વીની આંખમાં અશ્રુ ઘસી આવ્યા, ફરી ઊભી થઈ, પાણી પીધું ને સ્તુતિના માથા પર હેતથી હાથ ફેરવતા ફરી વિચારોમાં ડુબી ગઇ. સાંભળવા પ્રમાણે સંદિપ હવે ખાલી સંદુ ન રહેતા ડો.સંદિપ બોડીવાલા બની ગયો છે, મોટી હોસ્પિટલ કરી છે, હવે કદાચ એનો સુખી સંસાર પણ વસી ગયો હશે માટે મારે હવે એને યાદ ન કરવો જોઇએ. ખેર..મનને મક્કમ કરી સુવાની ટ્રાય કરતા આંખ મળી ગઇ મનસ્વીની. પાંચ વાગ્યાનું એલામૅ વાગ્યું. મનસ્વીએ આંખ ખોલવા પ્રયત્ન કયોઁ પોપચા ઉજાગરા ને અપસેટ મનને લીધે ભારે હતા, માથું પણ ચકરાતું હતું, એને થોડીવાર વધુ સૂવાની ઇચ્છા થઈ. પણ આજે તો નિર્ણાયક દિવસ હતો સૂઈ રહેવું કેમ ચાલે? ધીરે રહી ઊભી થઇ, બ્રશ ને પેસ્ટ લઇ સીધી બાથરૂમમાં ગઇ, શાવર ચાલુ કરી વાળ ખુલ્લા કરી ઊભી રહી તો સારું લાગ્યું. નાહી લઇ માથે ટોવેલ વીંટાળીને બહાર આવી તો ખૂબ ફ્રેશ ફીલ થયું.
ભગવાનના મંદિર પાસે આવી દીવો પ્રગટાવી આરતી કરી, મનોમન સહાય માટે પ્રાથૅના કરી ને કિચનમાં આવી. આજે તો સ્તુતિનો મનપસંદ બ્રેકફાસ્ટ બનાવીને એને મૂડમાં લાવી પછી જ ખુલીને વાત થશે અને આગળની લાઇફનો નિણૅય સ્તુતિની પ્રતિક્રિયા જોયા બાદ જ લેવાશે. સ્તુતિ ઇચ્છશે એમ જ થશે. બગૅર પર બટર-જેમ લગાડી તૈયાર કર્યું, ટ્રેમાં ચોકલેટી ક્રીમબિસ્કિટ, પણ મૂક્યા જે સ્તુતિના ફેવરિટ છે, પોતાની માટે દલિયાનો ઉપમા બનાવ્યો, આજે સ્તુતિની સાથેજ બ્રેકફાસ્ટ કરીશ ને લંચબોક્સ નહી લઇ જઉં ત્યાં જ કેન્ટિનમાં કંઈક ચટર-પટર કરી લઇશ. કડક કોફી અને સ્તુતિ માટે બોર્નવિટા તૈયાર કરી, ચાર ખુરશીના નાના એવા ડાઇનીંગ ટેબલ પર સજાવી, સ્તુતિનાં બેડ પાસે આવી, હળવેથી ગાલ થપથપાવ્યા, "કેમ છે દિકુ તને? ચાલ બેટા તને સારૂ હોય તો સ્કુલે જજે નહીં તો બ્રેકફાસ્ટ લઇ આરામ કરજે."સ્તુતિ એકદમ ઉભી થઇ, "નો મમ્મા, આજે તો પેપર રીવિઝન છે તો જવું જ પડશે ને મને ખૂબ સારું છે. પેલી દવાથી એકદમ ઓકે છે ",
કહી બેડ પરથી ઉતરી મનસ્વીને મોનિઁગ કીસ આપી બેઝીન પાસે દોડી ગઇ. બ્રશ કરીને બાથરૂમમાં જઇ શાવર લઇને બહાર આવી, ત્યાં મનસ્વીએ સ્કુલ યુનિફોર્મ તૈયાર રાખ્યો હતો તે પહેરી મોજા પહેરવા લાગી, પછી મનસ્વીએ વાળ ઓળી આપ્યા, સ્તુતિ વાળ ઓળવા સિવાય કોઇ બાબતમાં મનસ્વી પર આધારિત રહેતી નહીં, બધું જાતે જ કરતી એટલી સમજદાર હતી, સાચે આજ સ્તુતિ ફ્રેશ દેખાઇ રહી હતી, મનસ્વીનાં મનમાં આશા બંધાઇ કે આજે વાત થઇ શકશે. ડાઇનીંગ ટેબલ પર આવતાં જ સ્તુતિ એની ફેવરિટ આઇટેમ જોઇ ઉછળી પડી "વાઉ મમ્મા! આઇ એમ સો હેપી " કહી મનસ્વી ને વળગી પડી,
" આજે તો મમ્મા નાઇસ મોનિઁગ નાઇસ બ્રેકફાસ્ટ પણ આટલો વહેલો બ્રેકફાસ્ટ..? રોજ તો આટલું વહેલું નથી કરતી. આજે તેં મને ઉઠાડી પણ વહેલી કેમ મમ્મા..? "
" અરે દિકુ કંઈ નહીં. બસ આજે થોડુ વહેલુ કર્યું. જોને હમણાં તારી તબિયતને કારણે આપણે ઘણા સમયથી વાત જ નથી કરી. આજે વાતો કરીએ” મનસ્વી બોલી.
"નાઇસ મમ્મા, સારું કર્યું. પણ એવી ખાસ વાત છે શું?”
“આમ તો કઈં નહીં પણ એક ખાસ વાત તો છે જ. આઈ હોપ કે હું જે વાત કરવા માંગુ છું તે તું સમજી શકીશ. "
એટલુ કહી મનસ્વી આશાભરી નજરથી સ્તુતિ સામે જોઇ રહી. સ્તુતિનો બર્ગર પકડેલો હાથ થંભી ગયો ને બોલી,
"અરે, મોમ હું નહીં સમજુ તો કોણ સમજશે તને? હવે હું કઇ નાની પણ નથી "..
તું કહે જે કહેવું હોય તે ડોન્ટ, વરી માય સ્વીટ મમ્મા " ને સ્તુતતિ મનસ્વીની પાસે સરકી.
"સ્તુતિ, તું મારા પેલા ક્લાયંટને તો ઓળખે છે સાગર પરીખને?" સ્તુતિ એક પળ વિચારમાં પડી ગઇ પછી ઝીણી આંખ કરી યાદ આવ્યું હોય તેમ બોલી,
"પેલા અંકલ કે જે તને બહુ પોલીસીઓ અપાવે છે એ? "
"હા, એના વિષે તારું શું માનવું છે? કેવો માણસ લાગે છે તને?" મનસ્વીએ સ્તુતિની આંખમાં આંખ પરોવીને પૂછ્યું
"ઓહ! એ અંકલ તો બહુ સારા છે મોમ, પોલીસી અપાવીને આપણને મદદ પણ કરે છે. પણ એનું તું મને કેમ પૂછે છે મોમ એમને શું થયું? ?"
" અરે ...એમને કંઈ નથી થયું. વાત જુદી છે. પણ એમાં તારો અભિપ્રાય મારે માટે બહુ મહત્વનો છે તું કહીશ એમ જ થશે. તારાથી વિશેષ મારે મન કશાનું મહત્વનું નથી "મનસ્વી એક શ્વાસે બોલી ગઇ.
"ઓહ મમ્મા ! તું કહે તો ખરી.” સ્તુતિ બોલી.
એક હાશકારો અનુભવ્યો મનસ્વીના દિલે. એની આશા હવે મજબૂત બનતી લાગી, આટલી સમજદાર દિકરી આપવા બદલ મનોમન ભગવાનનો આભાર માની લીધો, પણ હવે એ જે વાત કરવા જઇ રહી હતી એમાં સ્તુતિનો પ્રતિભાવ કેવો હશે? એ જરા મૂંઝાઇ. પણ..... ખેર, કહેવું તો છે જ. મનસ્વી શબ્દો ગોઠવવા માંડી. "જો દિકા તને ખબર છે કે આપણે તારા પપ્પાથી જુદા પડ્યા છીએ...”
ચૌલા ભટ્ટ.
***