Ye Raste hai Pyar ke - 2 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | યે રાસ્તે હૈ પ્યાર કે - ૨

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

યે રાસ્તે હૈ પ્યાર કે - ૨

આયત,ઈરફાન અને એ છોકરી જોગર્સ પાર્કના એક ખૂણામાં આવેલા બાંકડે જઈને બેઠા. છોકરીને આયત ખુબ જ વ્હાલી લાગી રહી હતી. એ એની સાથે બેસીને વ્હાલ કરવા લાગી. ઈરફાન હજી પણ એ છોકરીનું નામ જાણવા અને એ છોકરી એને કઈ રીતે ઓળખે છે એ જાણવા આતુર હતો.

"તમે મને કઈ રીતે ઓળખો છો?" થોડીવાર પછી ઈરફાન બોલ્યો.

છોકરી ઈરફાનની આંખો સામે તાકી રહી. એને જોતા એવું લાગી રહ્યું હતું કે ઈરફાનને એના વિષે ખબર હોવી જોઈએ પણ નથી એટલે એ છોકરી થોડા આશ્ચર્ય ભાવે એને જોઈ રહી.

"આપણે તેર વર્ષ પહેલા મળ્યા હતા." છોકરીએ જવાબ આપ્યો.

"તેર વર્ષ પહેલા? ત્યારે તો હું શાળામાં હોઈશ.. લગભગ ૧૧-૧૨ ધોરણમાં..?"

"હા.. બારમા ધોરણમાં. તમે જે સ્કુલમાં હતા ત્યાં મેં બારમા ધોરણમાં એડમિશન લીધું હતું. મારા પપ્પાની ટ્રાન્સફર થઇ હતી એટલે હું અમદાવાદ આવી હતી."

"ઓહ.. તો તમે મારા બારમા ના ક્લાસમેટ છો. પણ મને તો હજી આપનું નામ પણ યાદ નથી આવતું?"

"ક્યાંથી આવે ઈરફાન. આપણે ક્લાસમાં માંડ બેથી ત્રણવાર વાત કરી હશે. ઇસ્લામિક સ્કુલ હતી. ડ્રેસ અને રૂમાલીમાં જ રહેતા અને કોઈ છોકરા સાથે વાત કરવી મતલબ તમારી બદનામી કરાવી.. એવા માહોલમાં આપણે મળ્યા હતા."

"હા વાતતો આપે સાચી કહી. ત્યાં ગર્લ્સ-બોયઝ બહુ વાત ન કરતા નઈ તો આ બંનેનું કોઈ ચક્કર છે એવું જ લોકો માની લેતા. પણ આટલા વર્ષો પછી તમે મને જોઈને ઓળખી કેવી રીતે ગયા?"

"ઈરફાન ખોટું નહીં કહું પણ અમુક ચહેરાઓ મનમાં વસી ગયા હોય. જે ક્યારેય ન ભુલાય. ભલે ઉંમર થતા ચામડીમાં કરચલી પડે કે પછી ફેસ જાડો-પાતળો થાય પણ એ હંમેશા યાદ જ રહે."

છોકરીની આ વાત સાંભળીને ઈરફાન થોડો વિચારમાં પડ્યો. જે છોકરીનું નામ સુદ્ધા ખબર નથી એ છોકરીના મનમાં એનો ચહેરો વસેલો છે. એનું કારણ શું હોઈ શકે? એવી તો કઈ વાત હશે જેને કારણે એ છોકરી આટલા વર્ષો પછી પણ ચહેરો ભૂલી નથી.

"ક્યાં ખોવાઈ ગયા.." છોકરીએ ચપટી વગાળીને ઈરફાનને વિચારો માંથી બહાર કાઢ્યો.

"કઈ નહીં.. અહીં તો છું.. આપનું નામ તો કહો.."

"ના ઈરફાન.. આટલું જલ્દી નહીં. કોશિસ કરજો. આટલી હિન્ટ આપી છે. અને હું અહીં બાજુની સોસાયટી અલ-ફારૂકમાં જ રહું છું. એટલે તમે જો જોગર્સ પાર્કમાં આવશો તો મુલાકાત થતી રહેશે. હું પણ જોઉં છું કેટલા દિવસમાં મારુ નામ શોધીને લાવો છો.."

"પણ કહી દો ને આટલી મહેનત કેમ કરાવો છો.."

"ના ના આટલું તો તમે કરી શકો. ક્લાસમેટ રહી છું આપની.."

ઈરફાનનું તો ટેન્શન ઘટવાની જગ્યાએ વધ્યું. જે જવાબ માટે એ જોગર્સ પાર્કમાં આવ્યો હતો એ તો ન મળ્યો પણ એનું અસાઇન્મેન્ટ મળી ગયું. થોડીવાર આયત સાથે મસ્તી કરીને એ છોકરી આયત અને ઈરફાનને બાય કહીને નીકળી ગઈ.

ઈરફાન આયતને લઈને ઘરે આવ્યો. ડીનર બાદ આજે ઈરફાનએ મિસ્બાહ સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું. ઈરફાન અને મિસ્બાહ ઘરના પાછળના ભાગમાં ફળીયામાં બેઠા હતા.

"મિસુ તું જાણે છે. મેં આજ દિન સુધી તારાથી કોઈ વાત નથી છુપાવી.."

"હા જાણું છું. પણ આવી વાત કરવાનું કારણ?"

"મિસુ હું તને આખી વાત જણાવું..."

"હા જણાવો.."

ઈરફાન એ મિસ્બાહને બે દિવસ જોગર્સ પાર્કમાં બનેલી ઘટના કહી. મિસ્બાહ ઈરફાન સામે જોઈને એકી ટસે સાંભળતી રહી. ઈરફાને શબ્દો ફેરવ્યા વગર છોકરીએ કહેલી વાત કરી. વાત પુરી થઇ પછી મિસ્બાહ બોલી.

"ઈરફાન તમને એવું કેમ થાય છે કે એ છોકરી વિષે તમારે જાણવું જોઇએ?"

"સાચું કહું તો મને ખુદને ખબર નથી કે આજે હું એ છોકરીને મળવાના હેતુથી જોગર્સ પાર્ક કેમ ગયો. આજે તો એ એવો સવાલ કરીને ગઈ છે કે જાણે હું એના વિષે તપાસ કરીને રહીશ.."

"ઈરફાન તમે આવી વાતોમાં સમય ન વેડફો. આપણી આયત મોટી થઇ રહી છે. તમારી જોબ પણ સારી ચાલે છે. આપણે આપણાં ફ્યુચર વિષે જ વિચારવું જોઈએ. એ હશે તમારી કોઈ ક્લાસમેટ હવે એ કોણ છે એ જાણીને શું કામ?"

"હા મિસુ હું નથી ઇચ્છતો કે મારો સમય આવી વાતોમાં વેડફાય પણ એને જે એક ડાયલોગ માર્યો ને.. કે અમુક ચહેરાઓ મનમાં વસી ગયા હોય જે ક્યારેય ન ભુલાય.. એ વારંવાર મારા મગજમાં ભમ્યા કરે છે.."

"ઈરફાન એવું માની લો ક્રશ હશે એને તમારા પ્રત્યે. હવે તો હું મળી ગઈ છું અને આયત પણ ખુદાએ આપી છે તો આવી વાતોમાં ક્યાં પડવું.."

"હા મિસુ વાત તો સાચી છે. પણ મને તો તું જાણે જ છે કે કોઈ સવાલનો જવાબ ન મળે ત્યાં સુધી મગજ એજ વિચારોમાં ડૂબેલુ રહે.."

"ઈરફાન જુઓ વધુ નથી કહેતી પણ તમે આવી વાતો મન પર લેશો તો ક્યાંય ફોક્સ નઈ કરી શકો. અલ્લાહ એ સુખી જીવન આપ્યું છે એને મસ્ત રીતે જીવોને. સ્કુલ-કોલેજ લાઈફ પતી ગઈ. હવે આપણે જવાબદારીઓથી ઘેરાઈ ગયા છીયે. આયતની દેખરેખ, એની સારી પરવરીશ, એના ખર્ચાઓ, એનું ભવિષ્ય, તમારી જોબમાં પ્રમોશન, સ્ટાર્ટપ ન્યૂ સ્મોલ બિઝનેસ એ જ આપણાં ગોલ હોવા જોઈએ.."

"હા મિસુ.. કોશિસ કરીશ કે મારુ ધ્યાન ન ભટકે. બાકી તું છે તો ખરા મારી સાથે ભટકીસ તો પાછો લઇને જ આવીશ.."

"હા એતો છે જ. જીવનસાથી છું એટલું તો કરીશ જ ને.."

"ઓકે ચાલ મિસુ સુઈ જઇયે કાલે મારે રોજકોટ જવાનું છે એક મીટીંગ માટે.."

"હા સારું. ચાલો.."

ઈરફાન અને મિસ્બાહ ઘરમાં આવ્યા. આયત દાદાજી પાસે સુઈ રહી હતી. ઈરફાન એને તેળીને બેડરૂમમાં લઇ આવ્યો. મિસ્બાહ પણ સાથે આવી બને એકબીજાને ગુડનાઈટ અને અલ્લાહ હાફિઝ કહીને સુતા.

સવારે ઈરફાન પોતાના ફ્રેન્ડ હાર્દિક સાથે કારમાં રાજકોટ જવા નીકળ્યો. રાજકોટમાં આવેલી એક મોટી ફૂડની પ્રોડક્શન કંપનીમાં મીટીંગ થઇ. પ્રોજેક્ટ ફાઇનલ થયો. ઈરફાન અને એની ટીમેં ત્યાં એક એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) ઈંપ્લીમેન્ટ કરવાની હતી. જેમાં પ્રોડક્શન, હ્યુમન રિસોર્સ, એકાઉન્ટ્સ, ઈન્વેન્ટરી, પેરોલ, સેલ્સ,પરચેસ મેનેજ થાય. મીટીંગ પતાવીને હાર્દિક અને ઈરફાન અમદાવાદ પાછા આવ્યા.

ઘરે પહોંચતા જ આયત ઈરફાનને વળગી પડી. ઈરફાન આયત માટે ચોકલેટ્સ લાવ્યો હતો એ એને આપી. આયત ખુશ થઇ ગઈ અને દાદાજી પાસે જઈને રમવા લાગી. ઈરફાન ફ્રેશ થઇ ને લેપટોપ લઈને બેઠો. ફેસબુક ઓન કર્યું. પોતાની સ્કુલનું નામ સર્ચ કર્યું. ઘણા પ્રોફાઇલ,પેજ, ગ્રુપ દેખાયા. એક એક કરીને ઈરફાન પ્રોફાઇલ જોતો ગયો. પણ એ છોકરી નજરે ન પડી. ઈરફાનએ ઓનલાઇન રહેલા મિત્રો જોયા કે કોઈ સ્કૂલ સમયનો ફ્રેન્ડ મળી જાય. એક ફ્રેન્ડ મળ્યો.

"હાય આકીબ.. "

"અસ્સલામું અલયકુમ ભાઈ.. વર્ષો પછી?"

"વલયકુમ સલામ , ભાઈ સમય જ નથી મળતો શું કરવું.."

"ભાઈ એતો બહાના છે. મિત્રોને યાદ કરવા હોય એતો કરી જ લે.."

"ના ના યાર ઘર, જોબ, જવાબદારીઓ માંથી બહાર જ નથી અવાતું.."

"હા વાત તો તારી સાચી છે. અમદાવાદ જ રહે છે. તો ચાલ પ્લાન કર ક્યારેક મળીએ.."

"હા આકીબ તો આ વિકેન્ડમાં મળીએ.."

"હા હું ફ્રી જ છું. તારો નંબર આપ.."

"96xxx xxxxx .."

"ઓકે ઈરફાન તો હું તને શનિવારે રાત્રે કન્ફર્મ કરીશ..."

"હા સારું આકીબ વાંધો નહીં.."

આકીબ ઈરફાનનો સ્કુલનો મિત્ર હતો. આકીબ ક્લાસમાં ફર્સ્ટ આવતો એટલે બધા એને સારી રીતે ઓળખતા. ઈરફાનને થયું કે આકીબને મળીશ તો કદાચ એને એ છોકરી વિષે માહિતી હોય. એ હેતુથી ફેસબુકમાં ઈરફાનએ આકીબ સાથે મળવાનો પ્લાન બનાવ્યો. મિસ્બાહ ઈરફાનને નોટિસ કરી રહી હતી.

"તમે હજી એ જ વાત લઈને બેઠા છો ને?" ઈરફાનની સામે બેઠા બેઠા મિસ્બાહ બોલી.

"હા મિસુ.." ઈરફાન મિસ્બાહ સામે ખોટું ન બોલી સકતો. અને કદાચ બોલવાની કોશિસ કરે તો ઈરફાનની આંખો એને ન બોલવા દેતી. ઈરફાનની આંખોથી મિસ્બાહને ખબર પડી જતી કે શબ્દો સાચા છે કે આંખો.

"ઈરફાન તમે મને એ કહો શું મળશે.. એનું નામ ખબર પડી જશે તો શું થશે?"

"મિસુ કઈ નઈ.. પણ મનમાં જે સવાલો છે એ ફરીફરીને મગજ પર ભાર નહીં કરે.. મને આ વિચારો માંથી દૂર થવું છે. જે જવાબ મેળવીને જ સકય બનશે.."

"ઓકે સારું કરી લો.. બનતા પ્રયત્નો પણ હા એ યાદ રાખજો કે આ વાતથી આપણા પરિવારને કોઈ જાતનું નુકશાન ન થાય.."

"મિસુ આમાં નુક્શાન શું થવાનું..? "

"તમે હાલ નહીં સમજો.. સમય આવશે કહીશ.. કરો કન્ટીન્યુ તમ તમારે..."

ઈરફાનને લાગ્યું કે મિસ્બાહ થોડી નારાજ છે એટલે એને લેપટોપ બંધ કર્યું અને થોડીવાર આયત અને પિતાજી અનવરભાઈ સાથે વાતો કરવા લાગ્યો. મિસ્બાહ પણ પોતાના કામે લાગી. આયત પોતાનું સ્કુલ બેગ લઈને આવી અને ઈરફાન એને હોમવર્ક કરવામાં મદદ કરવા લાગ્યો. ઘરમાં થોડા સમયબાદ માહોલ નોર્મલ થયો. મિસ્બાહના ચહેરા પર પણ સ્માઈલ આવી.

[ક્રમશ:]