નો-રીટર્ન-૨
ભાગ-૩૫
સાવ અચાનક જ એક વિચાર મારા મનમાં ઝબકયો હતો, અને એ વિચારને મેં અમલમાં મુકવાનું મન બનાવી લીધું. એ ઘણું ખતરનાક કામ હતું છતાં એક ચાન્સ લેવાનું મેં નક્કી કર્યું. હું અને વિનીત સાફામાં બેઠાં હતાં. અનેરી હમણાં જ અમારી આગળથી નિકળીને લીફ્ટમાં બેસી ઉપર ગઇ હતી. હું એકાએક ઉભો થયો. વિનીતે આશ્વર્યથી મારી સામું જોયું.
“ હું જરા વોશરૂમ થઇને આવું... ” મેં કહયું અને ત્યાંથી લાઉન્જનાં એક છેડે દેખાતા ટોઇલેટ બ્લોક્સ તરફ આગળ વધી ગયો. ટોઇલેટ બ્લોક્સનો રસ્તો લિફ્ટનાં કોલાની જમણી બાજુ, એક ગલીયારીમાં પડતો હતો. એ ગલીયારીમાં પ્રવેશીને પાછળ ફરીને મેં જોઇ લીધું કે વિનીત શું કરે છે..? જોકે તે અહીથી દેખાતો નહોતો. મને હાશ થઇ. મારે જે કરવું હતું તેમાં વિનીતનું કંઇ કામ નહોતું માટે તેનાથી છાનું રાખીને આ કામ પાર પાડવું જરૂરી હતું એટલે જ વોશરૂમનું બહાનું બતાવીને હું અહીં આવ્યો હતો. ગલીયારાનાં છેડેથી સહેજ ડોકું બહાર કાઢીને મેં જોયું. વિનીતનું ધ્યાન આ તરફ નહોતું એની ખાતરી થતાં ધીમેથી સરકીને હું લિફ્ટનાં કોલા સુધી આવ્યો અને લિફ્ટનું બટન દબાવ્યું. થોડીવારમાં લીફ્ટ નીચે આવી. ગનીમત એ થયું કે લિફ્ટ તદ્દન ખાલી હતી. તુરંત અંદર ઘુસીને મેં સાત નંબરનું બટન દબાવી દીધું એટલે લિફ્ટ સડસડાટ ઉપર તરફ ગતી કરવા લાગી. લિફ્ટની તેજ ગતીને જાણે સથવારો પુરાવતી હોય એમ મારા હ્રદયની ધડકનોમાં પણ તેજી ભળી હતી. મને ખબર નહોતી કે મારા આ પગલાનું શું પરીણામ આવશે. યા હોમ કરીને મેં તો બસ...ઝંપલાવી દીધું હતું.
ચંદ સેકન્ડોમાં જ લિફ્ટ સાતમા માળે આવીને ઉભી રહી. હું બહાર નીકળ્યો અને સીધો જ કમરા નં. ૭૦૧નાં દરવાજે પહોંચ્યો. એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને કમરાની ડોરબેલ વગાડી. અંદર કશેક એક મધુર ધૂન ગુંજી ઉઠી અને પછી થોડીવાર માટે ખામોશી છવાઇ. એ ખામોશીમાં મારા જ ધબકારા મારી છાતીમાં પડધાતાં રહયાં.
“ ખટાક...” અંદરથી લોક ખુલવાનો અવાજ આવ્યો અને દરવાજો ખુલ્યો. એક બેહદ લાંબી, પાતળી અને ખૂબસુરત યુવતીએ દરવાજો ખોલ્યો હતો. “ યસ...?” તેણે અસમંજસથી પુંછયું હતું.
“ બ્લેક પેન્થર...” મારા મોં માંથી અનાયાસે જ શબ્દો સર્યા. એ સાંભળીને માત્ર ક્ષણભર પુરતી એ યુવતી સચેત થઇ હોય એવું મને લાગ્યું. પછી તુરંત તેનાં રૂપાળા ચહેરાં ઉપર હાસ્ય છવાયું. “ યસ..કમ ઇન...” દરવાજેથી હટીને તેણે થોડી જગ્યા કરી આપી એટલે મનમાં જ ભગવાનનું નામ લેતો હું વધુ વિચાર્યા વગર અંદર પ્રવેશી ગયો. યુવતીએ મારી પાછળ દરવાજો બંધ કર્યો અને અમે અંદર કમરામાં દાખલ થયાં.
હોટલનો કદાચ આ સૌથી બેસ્ટ રૂમ હશે. એકદમ આલાતરીન અને ભવ્ય... ઘણી હોલિવુડ ફિલ્મોમાં મેં આવા બેહતરીન સજાવટવાળા “સ્યૂટ” જોયાં હતાં. એ પ્રકારની જ સજાવટ આ કમરાની હતી. મને પહેલેથી થોડો અંદાજ તો હતો જ કે અનેરીનાં દાદાનું અપહરણ કરનાર કોઇ સામાન્ય કક્ષાનો વ્યક્તિ નહિં જ હોય. પરંતુ અહી પ્રવેશ્યા બાદ, આ હોટલ અને આ કમરાની ઝાકમઝોળ જોઇને મારે મારો વિચાર એક કદમ વધુ ઉંચાઇએ લઇ જવો પડયો. હું અભિભૂત બનીને ચારેકોર નિરખી રહયો. આટલી સુંદર સજાવટ તો અમારા રાજમહેલમાં પણ નહોતી. બે ડગલાં વધુ અંદર ચાલીને સમગ્ર કમરાને એક નજરમાં મેં આવરી લીધો. અને... એક વ્યક્તિ ઉપર આવીને મારી નજર અટકી. તે વ્યક્તિ અનેરી હતી, જે ભારે આશ્વર્યચકિત બનીને મારી તરફ જોઇ રહી હતી. કદાચ તેને વિશ્વાસ થતો નહોતો કે હું અત્યારે આ કમરામાં તેની સમક્ષ આવીને ઉભો છું. અનેરીની બરાબર સામે એક સૂટેડ-બૂટેડ વ્યક્તિ મોં માં સિગાર સળગાવીને ભારે લિજ્જતથી તેનાં ઘૂંટ ભરતો બેઠો હતો. કોઇ અજાણી વ્યક્તિ તેનાં કમરામાં દાખલ થઇ હતી છતાં જાણે તેને કંઇ ફરક જ પડયો ન હોય એમ મારી તરફ એક નજર નાંખીને તેણે સિગારનો ઉંડો કશ ભર્યો અને પછી ધુમાડાનાં ગોટે-ગોટ હવામાં છોડયાં.
હું તેની આંખોમાં જોઇ રહયો. એ આંખોમાં કોઇ હિંસક પશુ જેવી એકદમ કાતિલ ઠંડક તરવરતી હતી. હું સ્તબ્ધ બનીને ઉભો રહી ગયો. એ વ્યક્તિ સાથે આંખો મેળવાતા પણ થોડો ડર મને લાગ્યો. કમરામાં અમે કુલ ચાર વ્યક્તિ હતાં અને બધાજ ખામોશ હતાં. મારી પાછળ આવેલી યુવતી હજુ પણ પાછળ જ ઉભી હતી. તેણે આગળ આવવાની કોઇ ચેષ્ટા કરી નહોતી. મારી સામે એક વૈભવી ચેરમાં અનેરી બેઠી હતી. તેનાં ચહેરા ઉપર હજુપણ આશ્વર્યનાં ભાવો થીજી ગયેલા નજરે પડતા હતાં. અને તેની બરાબર સામે એક આધેડ ઉમ્રનો, કસરતી બદન ધરાવતો, રૂઆબદાર વ્યક્તિત્વનો માલિક, એક નિગ્રો વ્યક્તિ બેઠો હતો. તેની ચામડીનો કલર કાળો હતો, બેહદ કાળો. તેનાં પથ્થરનૂમાં ચહેરા ઉપર અત્યારે કોઇ ભાવ નહોતાં. સમગ્ર ચહેરામાં ફક્ત તેની ચીત્તા જેવી ખૂંખાર આંખો અને એકદમ સફેદ-ધવલ દાંત જ મને દેખાતા હતાં. તેણે સિગારનો ફરીવાર ઉંડો કશ ફેફસામાં ભર્યો અને પછી તેનો ધુમાડો હવામાં ફંગોળ્યો. ધીરે રહીને તેણે સિગારને સામે ટીપોઇ ઉપર પડેલી એશ-ટ્રેમાં ગોઠવી અને બહું સલૂકાઇથી ઉભો થયો. તેની ઉંચાઇ કમસેકમ છ ફૂટ કરતા પણ વધુ હશે એવું મેં અનુમાન કર્યુ. તે મારી તરફ આગળ વધ્યો.
“ હલ્લો મિ. પવન જોગી..! હિઝ હાઇનેસ ઓફ ઇન્દ્રગઢ...! ” તેણે પહોળું સ્મિત કરીને સફેદ દાંત મને દેખાડયા અને મારી તરફ તેનો મજબુત હાથ લંબાવ્યો. આશ્વર્યથી છક્ બનીને હું તેને જોઇ રહયો. ઓહ ગોડ... તે મને ઓળખતો હતો, બહું સારી રીતે ઓળખતો હતો. તો જ તેને મારું નામ ખબર હોયને..! અને તે એ પણ જાણતો હતો કે હું ઇન્દ્રગઢનો રાજ કુંવર છું. આ બાબત ખરેખર ભયાનક હતી. એકાએક જ હું સતેજ બની ગયો.
“ હાઉ ડુ યુ નો મી...? ” તેનાં કઠોર જણાતાં હાથમાં મારો કોમળ હાથ મુકી શંકાશીલ સ્વરે મેં તેને પુછયું.
“ તમે લોકોએ જ્યારે બ્રાઝિલમાં પગ મુકયો, ઓહ સોરી... બ્રાઝિલની ફલાઇટ બુક કરાવી ત્યારે જ મેં તમારા બધાની કુંડળી મેળવી લીધી હતી.” તે બોલ્યો. અને પછી થોડું હટીને જગ્યા કરતા એક સોફા તરફ હાથ લંબાવ્યો “ પ્લીઝ કમ...! હિઝ હાઇનેસ સાથે ગોઠડી કરવાનું મને ગમશે...” તેણે મને તેની નજીકનાં એક સોફાચેર ઉપર બેસાડયો અને ફરીથી તે પોતાની જગ્યાએ ગોઠવાયો. મને તેની વાતમાં દમ લાગ્યો. અનેરી સાથે કોણ-કોણ આવે છે એ જાણવું તેનાં માટે મુશ્કેલ તો નહી જ નિવડયું હોય.
“ બટ...! આઇ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, વાય આર યુ કેમ હિયર...? ફોટાઓ લઇને અમે અનેરીનાં ગ્રાન્ડ ફાધરને છોડી જ દેવાનાં હતાં. તો પછી આ જોખમ લેવાનું કોઇ કારણ...?” તે બેહદ સાફ-સૂથરી અંગ્રેજીમાં બોલતો હતો.
“ ઇઝ ઇટ...? આર યુ શ્યોર કે તમે હમણાં જે બોલ્યા એવું જ કરવાનાં હતાં....? ” મેં સામો પ્રશ્ન પુંછયો. સાચું પુંછો તો મને આ જ બીક હતી. મેં અહીં ૭૦૧ નંબરનાં કમરામાં આવવાનું મન બનાવ્યું તેનું આ જ કારણ હતું. મને લાગતું હતું કે જેમ અનેરીનાં દાદાને આ લોકોએ બંદી બનાવ્યા છે એમ હવે કદાચ અનેરીને પણ બંદી બનાવી ન લેય. ખાસ તો પેલાં દસ્તાવેજમાં ખજાના વાળી વિગતો વાંચીને મને આ શકયતા વધુ લાગતી હતી. કયાંકને કયાંક અનેરીનાં દાદા એ ખજાના સાથે જરૂર સંકળાયેલા છે. અને એટલે જ પહેલાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, અને હવે જો આ લોકો અનેરીને પણ બંદી બનાવી લે તો તેમનું કામ વધુ આસાન થઇ પડે એવું મને લાગતું હતું. એટલે જ એક જોખમ ખેડીને હું અહીં આવ્યો હતો. મારે પણ એ ખજાનાનું રહસ્ય જાણવું હતું. એ ઉપરાંત એક અન્ય બાબત પણ અચાનક મને સમજાઇ હતી. પેલા કબુતરો અને તેની નીચે લખેલા આંકડાઓ વીશે મને કંઇક સૂઝયું હતું.
મને એમ હતું કે મારી વાત સાંભળીને તે ગુસ્સે ભરાશે, પરંતુ મારા આશ્વર્ય વચ્ચે તે ખડખડાટ હસી પડયો.
“ અને એવું લાગવાનું કોઇ કારણ...? ”
“ ઓબ્વિયસલી મોટેભાગે એવું જ થતું હોય છે...!” મેં કહયું.
“ અને તું અહી આવ્યો કારણકે તને એવું લાગ્યું કે તું એવું નહીં થવા દે...! ” પોતાની જ વાત પર તે ફરીવાર ખડખડાટ હસ્યો. “ બટ... આઇ લાઇક યોર ગટસ્...! ” અને પછી એકાએક જ હસવાનું બંધ કરીને તે ઉભો થયો અને મારી એકદમ નજીક આવીને ઉભો રહયો.
“ છોકરા...! તું શું મને બેવકુફ સમજે છે...? તારાં અહીં આવવાનો અસલી મકસદ શું છે એ કહે નહિતર આ છોકરી અને તું, બંને અહીંથી બહાર નહીં જઇ શકો...! ” તેણે સીધી જ ધમકી ઉચ્ચારી. હું થથરી ગયો. આવી કંઇક પરિસ્થિતી સર્જાઇ શકે એનું અનુમાન લગાવીને જ હું અહીં આવ્યો હતો. પરંતુ તે આટલું જલ્દી થશે એની મને ખબર નહોતી. ઉપરાંત હું એ પણ નહોતો જાણતો કે અનેરી અને આ વ્યક્તિ વચ્ચે મારા આવ્યા પહેલાં શું વાત થઇ હશે. ઇનફેક્ટ, સાચું કહું તો અંદર કમરામાં આવ્યા બાદ અનેરીને તો મેં સાવ અવગણી જ હતી.
“ બોલ...! શું કામ આવ્યો છે અહીં...? ” મને ખામોશ જોઇને તેણે ફરીથી દહાડ નાંખી.
“ તમારે મને સાથે રાખવો પડશે...! ” એકાએક જ મને જે સુઝયું એ બોલી દીધું. આપમેળે જ એ શબ્દો મારા મોં માંથી નિકળ્યા હતા.
“ હેં...!”
“ જી...! એ ખજાનાની ખોજમાં તમારે મને સાથે લઇ જવો પડશે...! ” એક ઉંડો શ્વાસ લઇને શબ્દોમાં મક્કમતા લાવતાં હું બોલ્યો.
“ ખજાનો...! કયો ખજાનો...?” તેનાં સ્વરમાં ભારોભાર આશ્વર્ય સમાયેલું હત. “ વોટ આર યુ ટોકીંગ અબાઉટ...? ”
“ હું જાણું છું કે તમે કોઇ ખજાનાની પાછળ પડયા છો. આ ફોટાઓ પણ તમે એ માટે જ મેળવ્યા છે. અને તમારી જાણ ખાતર કહી દઉં કે આ ફોટાઓ ઇન્દ્રગઢમાં હશે એ બાતમી જરૂર તમને સાજનસીંહે જ આપી હશે...” અત્યાર સુધી હું જેટલું સમજ્યો હતો, મારી બુધ્ધી પ્રમાણે મેં જે વિચાર્યુ હતું એ બધું જ મેં બોલી નાંખ્યું. “ અને જો તમારે કરેખર એ ખજાના સુધી પહોંચવું હશે તો મને સાથે લઇ જવો જ પડશે...” આ થોડું અતિશયોક્તિભર્યું વાક્ય હતું. છતાં મેં કહી જ નાંખ્યું. મારા એ વાક્યથી રૂમમાં સન્નાટો છવાઇ ગયો. બધું એટલી ઝડપથી બની રહયું હતું કે કોઇ પાસે સહેજે વિચારવાનો સમય રહયો નહોતો. તે કાળીયો, અનેરી અને મારી પાછળ ઉભેલી લાંબી યુવતી, ભારે હેરાનીથી મને જોઇ રહયાં. અને એકાએક પેલો કાળીયો હસ્યો. જાણે મેં તેને કોઇ જોક્સ ન સંભળાવ્યો હોય.
“ તને ખબર છે અત્યારે તું કોની સામે ઉભો છે એ...? સમસ્ત બ્રાઝિલમાં.... અરે આ દુનિયામાં એવું કોઇ નથી જે મારી સાથે આવા “ટોન”માં વાત કરવાની ઝુર્રત કરે...? અને તું જબરજસ્તીથી કહે છે કે મારે તને સાથે રાખવો પડશે..? તારી આ જુર્રતની દાદ આપુ છું, હા હા હા... ”
“ જો ખરેખર તમારે એ ખજાનો મેળવવો હોય, તો ... હાં....! તમારે મને સાથે રાખવો જ પડશે. અને.... હું જાણું છું કે તમે એક સામાન્ય કિડનેપર જ છો. એથી વધારે તમારી ઓળખાણ શું હોઇ શકે....? ”
“ યુ સ્ટુપીડ બોય...!” એકાએક જ તેનો હાથ તેની પીઠ પાછળ ગયો અને પેન્ટમાં પાછળ ખોસેલી ગન કાઢી સીધી જ મારા કપાળે ઠેરવી દીધી. “ વન ટ્રીગર....એન્ડ યુ વીલ બી ફિનીશ...!” તેની આંખોમાં ખૌફનાક ભાવ રમતાં હતાં. મારા શબ્દોએ તેનાં અહંમને ઠેસ પહોંચાડી હતી અને તે ગુસ્સે ભરાયો હતો. હું એ જ તો ઇચ્છતો હતો. મારો દાવ કામીયાબ નિવડયો હતો. જો મારે આ સમગ્ર ઘટનાક્રમની ગુત્થી ઉકેલવી હોય તો તેનાં મુળ સુધી પહોંચવું જરૂરી હતું. અને તેનું મુળ આ સામે ઉભેલો વ્યક્તિ જ મને જણાવી શકે તેમ હતો . તેણે કંઇ સમજ્યા-વિચાર્યા વગર તો અનેરીનાં દાદાનું અપહરણ નહીં જ કર્યુ હોય ને....!
“ ઓ.કે...! શૂટ મી. એન્ડ ધેન ફર્ગેટ અબાઉટ ટ્રીઝર...” કોઇ મંજાયેલા ખેલાડીની માફક એકદમ ઠંડકભર્યા અવાજે હું બોલ્યો અને તેની ગનની પરવા કર્યા વગર તેની આંખોમાં તાકી રહયો. તે ખચકાયો હોય એવું મને લાગ્યું. મારો આત્મવિશ્વાસ ઘડીભર માટે તેને ડગાવી ગયો હશે. અચાનક તેણે મારા કપાળેથી ગન હટાવી લીધી અને ગુસ્સામાં ફફડતો વિચારમગ્ન અવસ્થામાં તે કમરામાં આંટા મારવા લાગ્યો. અમારા બે સિવાય કમરામાં અન્ય બે વ્યક્તિ પણ મૌજુદ હતી. અનેરી અને પેલી ખૂબસુરત ઔરત... તે બન્ને ખામોશી ઓઢીને અમારી વચ્ચે ભજવાઇ રહેલો “ સીન” નિહાળી રહયાં હતાં.
“ ઓ.કે...! તું અહીં જ બેસ... અને એક રીઝન આપ કે હું શું કામ તને સાથે રાખું....?” તેણે ગનને વળી પાછી પેન્ટની પાછળ ખોસી. એ જોઇ મારા ચહેરા ઉપર હળવી મુસ્કાન ઉભરી આવી. એક વાત તો તુરંત મને સમજાઇ હતી કે આ મામલો પેલા દસ્તાવેજમાં લખાયેલા ખજાનાનો જ હતો. આટલું તારણ પણ મારા માટે ઘણું મહત્વનું હતું.
“ એ પહેલા તમારે મારા કેટલાક પ્રશ્નોનાં ઉત્તર આપવા પડશે...” હું બોલ્યો અને જ્યાં બેઠો હતો ત્યાંથી ઉભા થઇને અનેરીની બાજુમાં સોફાચેરમાં ગોઠવાયો. મોરો કોન્ફીડન્સ તેને અચંભિત કરતો હતો છતાં તે હસ્યો.
“ તમે ઇન્ડિયન્સ બહું ઓવર કોન્ફીડન્સમાં જીવો છો, નહી...? “
“ નો સર...! આ ઓવર કોન્ફીડન્સ હરગીજ નથી. એક સોદાબાજી છે, અને આ સોદાબાજીની શરૂઆત તમે જ કરી હતી. સાજનસીંહ પાલીવાલને બંદી બનાવીને...”
“ સાજનસીંહ પાલીવાલ...! હંહ્...! ધેટ બાસ્ટર્ડ ઓલ્ડ મેન...! જો તેની યાદદાસ્ત ઠેકાણે હોત તો મારે આ બધું કરવાની જરૂર જ ન હોત...! બાસ્ટર્ડ...! ” તેણે અનેરીનાં દાદાને ગાળો ભાંડવા માંડી.
“ માઇન્ડ યોર લેંન્ગ્વેજ સર...! મારા દાદાએ...” અનેરી તેનાં દાદા વિશે એલફેલ શબ્દો સાંભળીને તપી ઉઠી હતી, અને સોફામાંથી અધૂકડા ઉભા થઇને તે કશુંક કહેવા જતી હતી કે એકાએક મેં તેનાં હાથ ઉપર મારો હાથ મુકયો. તેણે મારી સામું જ જોયું અને નજરોથી જ મેં તેને ખામોશ રહેવાની તાકીદ કરી એટલે તે બોલતાં અટકી ગઇ.
સારું થયું તે અટકી, નહિંતર મારો આખો પ્લાન ચોપટ થઇ જાત.
( ક્રમશઃ )
મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.
લેખકઃ- પ્રવિણ પીઠડીયા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..
નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..
પણ વાંચજો.
નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.
આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.
ફેસબુક- Praveen Pithadiya search karo.